ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧૦મું/કેળવણી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
કેળવણી

ઇતિહાસ, રાજકારણ આદિ વિષયોના સાહિત્ય કરતાં આ દાયકે શિક્ષણના સાહિત્યનો ફાલ ઠીક ઠીક મ્હોર્યો જણાય છે. એમાં ‘કેળવણીવિકાસ’ અને ‘કેળવણીવિવેક' (રા. મશરૂવાળા), 'કેળવણીની પગદંડી' (શ્રી નાનાભાઈ ભટ્ટ), 'આત્મરચના અથવા આશ્રમી કેળવણી' (રા.જુગતરામ દવે), 'શિક્ષણ અને સંસ્કૃતિ’ (શ્રી. રવિશંકર મહારાજ), 'જીવન દ્વારા શિક્ષણ' (શ્રી. શિવાભાઈ ગો. પટેલ), 'ચાર મોરચાની કેળવણી' (દામુભાઈ શુકલ), ‘નવી કેળવણીના દાર્શનિક પાઠોની વિચારણા' મોરચાની (રા. પુરુષોત્તમદાસ શાહ), 'ભીંતપત્રો દ્વારા લોકશિક્ષણ' (શ્રી. બબલભાઈ મહેતા), ‘સાર્જન્ટ યોજના’ (હરભાઈ ત્રિવેદી), ‘હિંદી સરકારની શિક્ષણયોજના (વિઠ્ઠલદાસ કોઠારી) ‘ઘરશાળા અને શેરી' (ગિરીશભાઈ ભટ્ટ), 'સોવિયેટ શિક્ષણ' (પ્રસન્નવદન વકીલ), 'સહ-શિક્ષણ' (અનામી) ‘ગ્રામસેવાના દસ કાર્યક્રમો (જુગતરામ દવે) વગેરે સંખ્યાબંધ પુસ્તકોનો સમાવેશ થાય છે. ‘શિક્ષણસાધના' (આચાર્ય ક્ષિતિમોહન સેન), સમર્થ શિક્ષણશાસ્ત્રી એલ. પી. જેક્સના પુસ્તકોના અનુવાદો તથા 'આત્મશિલ્પની કેળવણી' (રા. મુનશી) આ જ દાયકામાં પ્રગટ થયાં છે, પણ અનુવાદો હોવાથી તેમનો માત્ર નિર્દેશ જ કર્યો છે. ‘કેળવણી વિવેક’ અને ‘કેળવણીવિકાસ’ બંને પુસ્તકો આપણા સમર્થ લોકહિતચિંતક શ્રી. કિશોરલાલ મશરૂવાળાના કેળવણી-વિષયક લેખોના સંગ્રહો છે. ગાંધીજીએ રાષ્ટ્રીય શિક્ષણનો પ્રયોગ સાબરમતી આશ્રમમાં કરેલો. તેની ભાવના, વ્યવહારક્ષમતા અને ઉપયોગિતા વિશે ચર્ચા કરતા કાકાસાહેબ, નરહરિભાઈ અને કિશોરલાલભાઈના સંખ્યાબંધ લેખો લખેલા. તેમાંથી ‘નયી તાલીમ'નું ધ્યેય, સાધન ઈત્યાદિ સમજાવતા કિશોરલાલના ભાઈના લેખો તેમની વ્યાપક, સૂક્ષ્મ અને મૌલિક પરીક્ષકબુદ્ધિની તથા શિક્ષણસૂઝની પ્રતીતિ કરાવે છે. ઉદ્યોગ દ્વારા કેળવણીની હિમાયત, શ્રમજીવી સંસ્કૃતિનું ગૌરવ, ઇતિહાસના શિક્ષણ વિશેનો તેમનો વિલક્ષણ મત, મનુષ્યની જીવનવ્યાપી, સર્વાંગી કેળવણીની અગત્ય, માનવજીવન અને વિશ્વજીવનનો સમન્વય, ઉચ્ચશિક્ષણ અને પ્રાથમિક શિક્ષણ, માણસાઈની, પ્રતિષ્ઠાની અને નિર્વાહની કેળવણી, વિલાસ અને ભોગવૃત્તિને ઉશ્કેરનારા શાળા-કૉલેજોના મેળવડાઓ આ બધા મુદ્દાઓ આ બંને લેખસંગ્રહોમાં સ્પષ્ટતાથી ચર્ચાયા છે. જીવનમાં કેળવણીનો યોગ્ય વિનિયોગ નહિ કરી શકતા, અત્યારની વંધ્ય કેળવણીમાંથી ઊગરવા માગતા અને માણસાઈની તથા નિર્વાહની કેળવણીને માટે યોગ્ય પદ્ધતિ શોધતા અનેકોની મૂંઝવણ ટાળીને સ્પષ્ટ માર્ગદર્શન કરાવે તેવી આ પુસ્તકમાંની લેખકની વિચારશ્રેણી છે. શ્રી. મશરૂવાળા મૌલિક વિચારક અને આજન્મ કેળવણીકાર છે. ગાંધીજીએ સ્થાપેલ વિદ્યાપીઠના તેઓ મહામાત્ર હતા. ગાંધીજીએ પ્રબોધેલ રાષ્ટ્રીય શિક્ષણના વિતરણ અને વિચારમાં તેમનો અને કાકાસાહેબનો ફાળો અવિસ્મરણીય છે. અનુભવ અને બુદ્ધિના નીચોડરૂપે તેમણે અહીં કેળવણીનું દર્શન અને શાસ્ત્ર, તેનાં વિવિધ પાસાં, કક્ષાઓ ને અખતરાઓ, તેનો ધર્મ સમાજ અને રાજ્ય સાથેનો સંબંધ વગેરે બાબતોનો સૂક્ષ્મ પરામર્શ કરી બતાવ્યો છે. જાણીતા કેળવણીકાર શ્રી. નાનાભાઈ ભટ્ટના બે દાયકાના શિક્ષણક્ષેત્રના પ્રયોગો અને અનુભવો વ્યક્ત કરતા ૬૪ લેખોનો સંગ્રહ ‘કેળવણની પગદંડી'માં થયો છે. લેખોને સિદ્ધાંતચર્ચા અને વ્યવહારચર્ચા એવા બે ખંડોમાં વહેંચવામાં આવ્યા છે. આદર્શને વ્યવહારની ભૂમિકા પર કેમ ઉતારાય એની જ વિચારણા લગભગ બધા લેખોમાં થયેલી છે. એમાં ઇતિહાસનાં પાઠ્યપુસ્તકો વિશે, વિદ્યાર્થીકેળવણીમાં પ્રવાસના મહત્ત્વ વિશે, ચારિત્ર્યની કેળવણી વિશે, ઔદ્યોગિક તથા ધાર્મિક કેળવણી વિશે ગુજરાતી સાહિત્યના શિક્ષણ વિશે અને ખાસ કરીને શિક્ષણસંસ્થાઓ ને છાત્રાલયોના આદર્શ સંચાલન વિશે સમૃદ્ધ ચર્ચા થઈ છે. શ્રી. નાનાભાઈ અધિકારી, અનુભવી કેળવણીવિચારક છે. તેમની દૃષ્ટિ કેળવણીને જીવનના વ્યાપક અર્થમાં જોનારી છે. કેળવણી સંસ્થાઓનો તેમનો બહોળો અને ઊંડો અનુભવ પુસ્તકની ઉપયોગિતાનું ખાસ અંગ છે. શ્રી. જુગતરામ દવેએ સાબરમતી જેલમાં આશ્રમજીવન પરત્વે રોજ બાહ્મમુહૂર્તમાં ચિંતન કરેલું તેના ફળ રૂપે તેમની પાસેથી ૭૬ પ્રવચનોનો સંગ્રહ ‘આત્મરચના અથવા આશ્રમી કેળવણી' આ દાયકે પ્રગટ થયો છે. એમાં સ્વચ્છતા, શરીરશ્રમ, સૂત્રયજ્ઞ, આહાર, સમયપત્રક, ભંગીકાર્ય, સ્વયંપાક, ખાદી, સ્વદેશી પોશાક, પ્રાર્થના, ગ્રામવાસીઓનો સંપર્ક અને સેવા-એવા આશ્રમજીવનના નિત્યના આચારધર્મની સૈદ્ધાન્તિક તેમ વ્યવહારુ ચર્ચા સરળતાથી થઈ છે. આશ્રમવાસીઓનું ખાનગી જીવન, સાંસારિક જીવન, રાષ્ટ્રજીવન અને ધર્મજીવન પણ તેમાં ચર્ચવામાં આવ્યું છે. લગભગ બધા જ લેખો ગાંધીજીની આશ્રમભાવનાનાં ભાષ્ય જેવા છે. તેમનો વેડછી સ્વરાજ-આશ્રમના સંચાલનનો અનુભવ અને સત્યાગ્રહાશ્રમનો અનુભવ દરેક લેખ પાછળ ઊભો છે. આશ્રમી કેળવણી જીવનઘડતર અને સ્વરાજરચનાની પ્રવૃત્તિ માટે મહત્ત્વનું સાધન છે એવી લેખકની શ્રદ્ધા અહીં પ્રત્યેક લેખના બીજરૂપે દેખાય છે. બાળશિક્ષણ અને ઉચ્ચશિક્ષણ વિશેનાં તેમનાં મંતવ્યો ચિંત્ય છે. વિચારોની રજૂઆત વ્યવસ્થિત પણ કંઈક વધુ પડતી વિસ્તારી અને લખાવટ સરળ પ્રવાહી અને ઋજુતાભરી છે. ટૂંકમાં આખોય ગ્રંથ આશ્રમિક કેળવણીની મીમાંસા પરત્વે પ્રમાણભૂત સામગ્રી પૂરી પાડે છે. આ જ લેખકનું બીજું પુસ્તક 'ગ્રામસેવાના દસ કાર્યક્રમો' ગામડાંમાં કામ કરનારને ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડે છે. શિક્ષણશાસ્ત્રની અનેક નાનીમોટી ગૂંચો એમણે પુસ્તકમાં ઊકેલી બતાવી છે. ગોવાળિયાઓનું શિક્ષણ, નિરક્ષરતાનિવારણ, ગ્રામજનોને વિજ્ઞાન શીખવવાની હિમાયત વગેરે પ્રશ્નોનો સરળ તોડ તેમણે કાઢી આપ્યો છે. એમનાં કેટલાંક વિધાનો શિક્ષણવિષયક ક્રાન્તિની દૃષ્ટિ બતાવે છે. બંને પુસ્તકો બતાવે છે કે જુગતરામભાઈ સમર્થ કેળવણીકાર અને નમ્ર લોકસેવક છે. ‘શિક્ષણ અને સંસ્કૃતિ' જાણીતા લોકસેવક અને લોકશિક્ષક શ્રી. રવિશંકર મહારાજનાં અઢારેક વ્યાખ્યાનોનો સંગ્રહ છે. ‘પાયાની કેળવણી’ એટલે શારીરિક વૈતરાનો આગ્રહ કરતી કેળવણીની યોજના એવી પ્રચલિત ગેરસમજૂત આ વ્યાખ્યાનો દૂર કરે છે. શિક્ષણ એટલે માનવસંસ્કૃતિને પાયામાંથી ચણવાનું સાધન એવો ખ્યાલ અનેક ઉદાહરણો દ્વારા તે જન્માવે છે. શિક્ષણશાસ્ત્ર કે અમુક શિક્ષણપદ્ધતિની ચર્ચામાં ઊતરવાને બદલે મહારાજે ગાંધીજીએ પ્રબોધેલ ઉન્નત શિક્ષણદૃષ્ટિને લક્ષમાં રાખીને સંસ્કૃતિની ભાવના સમજાવવા પર જ લક્ષ કેન્દ્રિત કર્યું છે. પરિણામે વ્યાખ્યાનોમાં મહારાજની ઊંડી, તત્ત્વનિષ્ઠ ને વ્યવહારશીલ જ્ઞાનદૃષ્ટિનો પરિચય થાય છે. એ દૃષ્ટિએ 'વિચારમય જીવન' તથા 'શિક્ષણવિષયક દૃષ્ટિ' બંને પ્રકરણો નોંધપાત્ર છે. સર્વભોગ્ય શૈલીમાં લખાયેલાં આવાં પુસ્તકોની ગુજરાતને ખાસ જરૂર છે.