ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧૦મું/ગયા દાયકાના વાઙ્‌મય પર દૃષ્ટિપાત

From Ekatra Wiki
Jump to navigation Jump to search
ગયા દાયકાના વાઙ્‌મય પર દૃષ્ટિપાત

[૧૯૪૧ થી ૧૯૫૦]

કાળનો પ્રવાહ કદી થંભ્યો સાંભળ્યો છે? સર્જક કે વિવેચક, ઇતિહાસકાર કે રાજપુરુષ, વિજ્ઞાની કે સંત, કોઈને કહ્યે એ અટકતો નથી. જીવનની માફક સાહિત્ય પણ કાળસાગરમાં અનિવાર્યપણે તણાઈને બુદ્બુદ, તરંગ કે પ્રવાહરૂપ વિવિધ વિવર્તો ધારણ કરતાં કરતાં ઉપરતળે થયાં કરે છે. અનિત્ય, અસત્ય, ક્ષુદ્ર અને સત્ત્વહીન સઘળું એના વેગમાં ખેંચાઈને હતું ન હતું થઈ જાય છે; સાચું સત્ત્વશીલ સાહિત્ય જ સમયના વહેણમાં ટકી શકે છે. કાળ ભગવાનને પરીક્ષકોનો પરીક્ષક કહેવામાં આવે છે તે આને લીધે. પણ એનો અર્થ એમ નહિ કે ઇતિહાસકાર ત્યા વિવેચક કાળ ભગવાનનો ચુકાદો આવે ત્યાં સુધી નિષ્ક્રિય બેસી રહે મનુષ્યજીવનના પુરુષાર્થની કીમત એક બાજુ સમય કાઢે છે તો બીજી બાજુએ મનુષ્ય પોતે પણ કાઢતો રહે છે. સમકાલીન સાહિત્યનું વિવેચન એ મનુષ્યસમાજની આવી આત્મનિરીક્ષણની પ્રવૃત્તિ પણ છે. એ કાર્ય બીજી રીતે ગમે તેટલું અપૂર્ણ યાં ખામીભરેલું હોય, પણ વિકાસવાંછુ સમાજની આંતર જાગૃતિનું એ દ્યોતક છે, તેમાં શંકા નથી. એક રીતે કાળની સાથે સાથે-અને કવચિત્ તેની સામે પણ-ટકી રહેવાની મનુષ્યની દોડનું મા૫ કાઢનાર જીવનવેગનો જ એ એક પ્રકારનો આવિર્ભાવ છે. વર્તમાનનાં ચંચળ વહેણોને અવલોકવામાં અનેક અંતરાયો રહેલા છે. તેનું સ્વરૂપ અવિકૃત નથી હોતું, ગતિ નિશ્ચિત નથી હોતી તેમ મૂલ્યો પણ ઘણીવાર પલટાતાં રહે છે. એટલે બે ચાર તો શું પણ દસેક વર્ષના ગાળાના સાહિત્યનું અતિ સાવધપણે કરેલું અવલોકન પણ પાછળથી પૂરેપૂરું યથાર્થ ન નીવડે એવો પૂરો સંભવ છે. અવલોકનાર્થે સ્વીકારેલો સમયપટ પૂર્વાપર પટ્ટીઓથી છૂટો પડેલો નથી હોતો. ભૂતકાળના વિસ્તાર રૂપે જ વર્તમાન વહેતો હોય છે. એટલે વહેતાં પાણીથી ઠીક અંતરે ઊભા રહીને ભૂત અને ભાવિના અનુલક્ષમાં વર્તમાનને નિહાળવાનો પ્રયત્ન કરવો તે ખરેખર દુર્ઘટ કામ છે. વળી એકાદ દાયકામાં જીવન કે સાહિત્યનો પ્રવાહ સાવ પલટાઈ જાય એવો નિયમ નથી; પ્રજાના જીવન પર મૂલગામી. અસર કરનાર ઐતિહાસિક બળોનું આવર્તન એટલા ગાળામાં પૂરું થઈ જાય એમ હમેશ બનતું નથી; તેમ લેખકોનો સર્જન સમય એટલામાં સમાપ્ત થઈ જાય છે એમ પણ કહી શકાશે નહિ. તેમ છતાં દેશનાં રાજકીય અને આર્થિક સંચલનો, સામાજિક પરિવર્તનો અને સાહિત્યિક પરિબળોની સફળતા નિષ્ફળતાનો ઝીણો આંક નહિ તો સ્પષ્ટ અડસટ્ટો કાઢી આપે એટલી સામગ્રી તો એક દાયકાનાં જીવન-સાહિત્યમાંથી જરૂર મળી રહે. ઓગણીસસો એકતાળીસ થી પચાસ સુધીનો દસકો આગલા કોઈપણ દસકા કરતાં આ બાબતમાં વિશેષ સમૃદ્ધ છે. આજના 'ક્ષણે ક્ષણે નવતા’ ધારણ કરતા આપણા ભરચક અને કરુણઘેરા પ્રજાજીવનના પટ પરથી એ સામગ્રી અને તેણે પાડેલા નાનામોટા સંસ્કારો ભુંસાઈ જવા પામે તે પહેલાં તેનું સાહિત્યક્ષેત્રે થયેલું સંચલન નોંધી લેવું ઘણું જરૂરનું છે. સાહિત્યનો કડીબદ્ધ ઇતિહાસ રચતી વખતે અને સાહિત્ય-વિવેચનનાં ધોરણોને સ્થિર કરતી વખતે આ પ્રકારનાં અવલોકનો પાયો પૂરવાની ગરજ સારે છે એ સમજથી છેલ્લા દાયકાના ગુજરાતી વાઙ્મય પર દૃષ્ટિપાત કરવાનો અહીં પ્રયત્ન કર્યો છે.

ઐતિહાસિક ઘટનાઓ: તેની સાહિત્ય પર અસર

આ દાયકાની શરૂઆતમાં બીજું વિશ્વયુદ્ધ ઘોર તાંડવ મચાવતું તેની પરાકાષ્ઠાએ પહોંચ્યું. સમગ્ર વિશ્વમાં યુદ્ધસરંજામના ઉત્પાદન અને યુદ્ધ માટેની પ્રવૃત્તિઓ ઉપર જ મુખ્ય લક્ષ અપાયું. ભય, થાક, નિરાશા, વિજયનો કેફ, સ્વાર્થ, ક્રૂરતા, સંહાર અને શાસનની વૃત્તિઓનું ઝેર લડતી સત્તાઓમાં ઊંડું ફેલાયું. ભારત તેનાથી અસ્પૃષ્ટ રહી શક્યું નહિ. તે ગુલામ હતું. તેના ઉપર રાજ્ય કરતી પ્રજા યુદ્ધ ખેલતી હતી એટલે યુદ્ધની સર્વ અસરો તેના રણાંગણે યુદ્ધ નહિ ખેલાયું હોવા છતાં તેના પર પડી. તેને માનવ, અર્થ, ઉદ્યોગો અને જીવનોપયોગી સામગ્રીનો ભોગ શાસક પ્રજા માટે અનિચ્છાએ પણ આપવો પડ્યો. પરિણામે રેશનિંગ, મોંઘવારી, ગાડીભીડ, નિયંત્રણો તેને જોવાં પડ્યાં. વળી યુદ્ધ બંગાળની પૂર્વ ક્ષિતિજે આવી પહોંચ્યું તેથી તેને વિમાની હુમલાની ચેતવણીઓ, અંધારપટ વગેરે પણ અનુભવવા પડ્યાં. એક બાજુથી આ ગરીબ પ્રજા મોંઘવારી અને આર્થિક ભીંસમાં તેમજ ભણકારા આપતી યુદ્ધ-આફતોના ભયમાં સપડાઈ ગઈ, ત્યારે બીજી બાજુથી નાણાંનો ફુગાવો વધતો જ ચાલ્યો. મૂડીવાળાઓ, ઉદ્યોગપતિઓ, નાનામોટા વેપારીઓ અને અમલદારોએ આ તકનો મોટો લાભ ઉઠાવી કાળા બજાર, નફાખોરી, લાંચરૂશ્વત અને વિલાસવૈભવો અનહદ વધારી મૂક્યાં. પરિણામે, વિશ્વયુદ્ધની જેમ ભારતની પ્રજાનો જીવનસંગ્રામ પણ કરુણ અને ભીષણ બન્યો. નિયંત્રણને કારણે કાગળની અછત ઊભી થવાથી ગ્રંથપ્રકાશનની પ્રવૃત્તિમાં અવરોધ આવ્યો. મોંઘવારીએ પુસ્તકોનાં મૂલ્યો વધારી મૂક્યાં; ખરીદનારા ઓછા થયા. કેટલાય ઉપયોગી લેખો, મહત્ત્વની સર્જનકૃતિઓ અને નોંધપાત્ર સંશોધનો-સંપાદનો તેના રચનારની પેટીમાં અપ્રગટ પડ્યાં રહ્યાં. ઈ.સ. ૧૯૪૫ સુધી પ્રકાશનમર્યાદાની આ સ્થિતિ ચાલુ રહી. યુદ્ધની સંહારલીલા અને તેણે પલટાવેલી જીવનસ્થિત્તિને કેટલાક સર્જકોએ પોતાનો કવનવિષય બનાવ્યો. પ્રૉ. ઠાકોર, કવિ ન્હાનાલાલ, 'સ્નેહરશ્મિ', 'સુંદરમ્'. ઉમાશંકર, મનસુખલાલ, માણેક, ‘ઉપવાસી', 'સ્વપ્નસ્થ’ આદિ કવિઓએ અને રમણલાલ, મેઘાણી, ચુ. વ. શાહ, જયંતી દલાલ ગોવિંદભાઈ અમીન, નીરુ દેસાઈ આદિ વાર્તાકારોએ કોઈ કોઈ કૃતિઓમાં તેના ઓળા પાડ્યા. પણ મરાઠી કે બંગાળી સાહિત્યમાં યુદ્ધના અને તેની જીવલેણ અસરના જેટલા પડઘા સંભળાય છે તેટલા આપણા સાહિત્યમાં સંભળાતા જણાયા નથી. વિશ્વયુદ્ધના છેલ્લા તબક્કામાં '૪૨ની 'હિંદ છોડો'ની લડત ભારતના ઇતિહાસ માટે યુદ્ધથી ય વધુ પ્રભાવક આંદોલન બની રહી. હડતાલો, ભાંગફોડના બનાવો, આગ, હિંસા, ભૂગર્ભપ્રવૃત્તિ, અસહકાર, જેલગમન, શહીદી વગેરે, ગાંધીજી અને અન્ય નેતાઓ જેલ જતાં, દેશમાં થોડોક સમય પ્રવર્તી રહ્યાં; મુક્તિસંગ્રામના અનેક સૈનિકો અપંગ થયા, રોજીવિહીન રહ્યા; રાત્રિફરમાનો, ધરપકડો અને ગોળીબારોની પરંપરા ચાલી. સરકારની દમનનીતિ અને અસહકારીઓની સહનવૃત્તિએ માઝા મૂકી. પણ આમ કેમ? ‘૨૦ અને ’૩૦ના મુક્તિસંગ્રામ વેળા આપણી સમગ્ર પ્રજા અને સાહિત્યકારોમાં જે શ્રદ્ધા, નિષ્ઠા, ઉત્સાહ અને ભવ્યોદાત્ત ભાવનાઓનાં પૂર ઊમટેલાં તે આ વખતે કેમ જણાયાં નહિ? માત્ર થોડાક જવાનો, વિદ્યાર્થીઓ અને કેટલાક પીઢ કાર્યકરોએ જ એમાં કેમ સક્રિય રસ બતાવ્યો? બાકીના બીજા બધા-લેખકો, વકીલો, મજૂરો, ખેડૂતો, કારીગરો, સરકારી અમલદારો, વેપારીઓ, શિક્ષકો વગેરે-મૂક સાક્ષી બનીને કેમ બેસી રહ્યા? શું એનું કારણ આગલાં બે આંદોલનોમાંથી સાંપડેલી નિરાશા હતું? વિશ્વયુધ્ધે સર્જેલી આર્થિક ભીંસને કારણે પ્રજાનું જીવન વિષમ બન્યું તેથી એમ બનવા પામ્યું હશે? કે પછી આ લડતને જ લેખકો અને લોકો સંશયભાવથી જોતા હતા? કારણ ગમે તે હો, પણ આગલા સ્વાતંત્ર્યસંગ્રામોએ જેટલા પ્રમાણમાં પ્રજાના અંતરનો સક્રિય ઉત્સાહ અને સાહિત્યકારોની શ્રદ્ધા અને પ્રેરકશક્તિ પ્રાપ્ત કર્યાં હતાં તેટલાં ’૪૨ના આંદોલને મેળવ્યાં જણાતાં નથી. 'આતિથ્ય' અને 'પનઘટ' જેવા કાવ્યસંગ્રહોએ અને 'પાદરનાં તીરથ', 'ઝંઝાવાત', 'અણખૂટ ધારા', 'ઘુવડ બોલ્યું’, 'પાવક જ્વાળા', 'કાલચક્ર', અને 'ભભૂકતી જ્વાળા' જેવી નવલકથાઓએ '૪૨ના મુક્તિસંગ્રામનું વાતાવરણ આલેખ્યું છે, પણ આગલા દાયકાએાએ ઉપજાવેલ નવીન ક્રાન્તિકારક સાહિત્યપ્રવાહની જેમ વિશિષ્ટ છાપ પાડે તેવું સ્વતંત્ર વહેણ એ કૃતિઓમાંથી ફૂટતું દેખાતું નથી. ઈ. ૧૯૪૭ની ૧૫મી ઑગસ્ટે અને ૧૯૪૯ના જાન્યુઆરિની ૨૬મીએ હિંદની પ્રજાને આત્મશાસનનો પૂર્ણ અધિકાર સાંપડ્યો. વર્ષોની એની ઝંખના અને પુરુષાર્થ પાંગર્યાં. પણ સાધના વખતે જે સ્ફૂર્તિ અને રસ હતાં તે સિદ્ધિ પછી જાણે ઓસરી ગયાં. બીજા વિશ્વયુધ્ધે આ ગરીબ પ્રજાની કેડ ભાંગી નાખી હતી. ત્યાં તો બે કોમોની પરસ્પર કત્લેઆમ અને હિજરતે, દુકાળ, ધરતીકંપ અને રેલસંકટે, બેકારી અને હલકા જીવનધોરણે, ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારે અને વહીવટીતંત્રથી ભોગવવી પડતી યાતનાઓએ પ્રજાની જીવનશ્રદ્ધા ડગાવી દીધી: વિષાદ, કટુતા, નિર્બળતા, રોષ અને નાસ્તિકતા (cynicism)ની ઘેરી અમાસ સ્વતંત્ર ભારત પર છવાતી ચાલી. આવી મનોદશામાં મુક્તિનો ઉલ્લાસ ઠરી ગયો. સાહિત્યકારોએ પણ સ્વાતંત્ર્યપ્રાપ્તિને વધાવવા જેટલો ઉમળકો બતાવ્યો નહિ. કેટલાંક સામયિકોમાં તેમજ 'સ્વાતં'વ્યપ્રભાત' જેવી પુસ્તિકામાં મુક્તિદિનને બિરદાવતાં ગીતો મળે છે, પણ એ તો અપવાદરૂપ ગણાય એટલાં જ. ભાષણ અને લેખોમાં આપણા તત્ત્વચિંતકો કે રાજપુરુષો અહિંસાનું ક્ષિતિજ હાથવેંતમાં છે એમ ભલે બતાવતા રહ્યા હોય; રાજકોટ આંદોલનની નિષ્ફળતા પછી, બીજા વિશ્વયુદ્ધના જન્મ પછી અને ખાસ કરીને તો હિંદુ-મુસ્લિમ વચ્ચેનાં અમાનુષી કોમી હુલ્લડો બાદ પ્રજાની અહિંસામાં શ્રદ્ધા રહી નહિ. નોઆખલી, પૂ. બંગાળ, પ. પંજાબ, સિંધ અને અન્ય સરહદો ઉપરના બનાવોથી કોમી એકતા દૂર ને દૂર ધકેલાતી ગઈ. બે કોમોએ પશુતાને ય શરમાવે તેવી પ્રવૃત્તિ આરંભી; માદરે વતનને અને લાખની સંપત્તિ, ઉદ્યોગ, વેપાર તથા સ્વજનોને સદા માટે તજીને વિપુલ સંખ્યામાં તેમને સામુદાયિક હિજરત કરવી પડી. તેના જ પ્રત્યાઘાત રૂપે સંવેદનાને થીજાવી દે તેવી ગાંધીજીની હત્યા થઈ. પરંતુ મહાકાવ્ય કે નવલકથાનો વિષય બની શકે તેવી આ ઉન્મૂલક કલંકકથા પાંચ-પચીસ રહ્યાંખડ્યાં ટૂંકાં કાવ્યો કે દસ-બાર ટૂંકી વાર્તાઓ સિવાય આપણા સાહિત્યે ખાસ ઝિલાઈ નથી. એ જ પ્રમાણે પ્રજાજીવનને પોરસ ચડાવે તેવો આઝાદ હિંદ ફોજનો આઝાદી માટેનો મરણિયો પ્રયત્ન પણ બે-ચાર ઉભડક વીરકથાઓ સિવાય સાહિત્યની સૃષ્ટિમાં સ્થિર પ્રકાશ આપે તેવી રીતે ઝિલાયો નથી. પ્રજાના જીવન ઉપર મૂલગામી અસર કરનાર અનેક યાદગાર, રોમાંચક બનાવોને એક સાથે સાંકળી લેતો આવો સભર દાયકો ભારતના ઈતિહાસમાં જવલ્લે જ જોવા મળશે. રાજકીય, સામાજિક, આર્થિક અને નૈતિક-તમામ ક્ષેત્રોમાં પ્રજાનાં વૃત્તિ, વલણ, વિચાર અને વર્તનમાં તેણે અનેક મંથનો જગાડ્યાં છે; તેમાં ધરમૂળથી અનેક પરિવર્તનો કીધાં છે. પ્રજાની જૂની શ્રદ્ધાઓ અને તેના પરંપરિત જીવનમૂલ્યો આ દાયકામાં ત્વરાથી બદલાતાં જાય છે, પણ કોઈ ચોક્કસ નવીન વિચારશ્રદ્ધા કે સ્થિર જીવનદર્શનનું હોકાયંત્ર જાણે કે આ ધૂંધળા વાતાવરણમાં તેને હાથ લાગતું નથી.[1] તેનું મન અસ્થિર છે. એમાંથી સન્નિષ્ટા અને ક્રિયાનું પ્રમાણ ઉત્તરોત્તર ઘટતું જાય છે. તેનામાં હૃદયબળ કરતાં બુદ્ધિનું ચાપલ્ય વિશેષ પ્રસરતું જણાય છે. બુદ્ધિના આલંબનથી આંતરિક નિર્બળતાને છાવરવાના અને બાહ્ય જગતમાં સંસ્કારિતાનો ડોળ કરવાના તેના પ્રયત્નો વધતા જાય છે. આવી છે આ૫ણી આ દાયકાની જીવનસંપત્તિ. એની અસર સાહિત્ય ઉપર જરૂર પડી છે. તેથી આપણું સાહિત્ય પણ જીવનના સત્ત્વશાળી અંશોને બદલે જીવનના અસ્થિર, ચબરાકિયા ભાવોનું ચિત્રણ જ કરે છે. સાહિત્યમાં આશા, માંગલ્ય અને શાંતિપૂર્ણ સૌન્દર્યની છાપને બદલે વિષાદ, ઇન્દ્રિયોત્તેજક ચાંચલ્ય અને બુદ્ધિ કે ઊર્મિના ક્ષણિક તરવરાટોની છાપ વધુ પ્રમાણમાં જોવા મળે છે. એાછામાં ઓછી મૂડી રોકીને વધારેમાં વધારે નફો મારી લેવાનું વલણ કોઈને આધુનિક સાહિત્યસર્જનમાં ઉપર્યુક્ત સ્થિતિને કારણે દેખાય તો નવાઈ નહિ. મનોમંથનની તીવ્રતા, કલાના અન્તસ્તત્ત્વની ઊંડી સાધના, પ્રજાસમસ્તના અંતર ઉપર પ્રબળ અસર કરે, તેમનાં વૃત્તિ-વિચાર પલટાવી નાંખે તેવી ભવ્ય જીવનશ્રદ્ધાનો રણકો આજના સર્જન-સાહિત્યમાં ક્યાંય જણાતો નથી. ગાંધીજીના આધ્યાત્મિક રાષ્ટ્રવાદનો પ્રભાવ નવીન લેખકોમાંથી ઘટતો જાય છે. રશિયાની પરદેશનીતિથી તેમના પ્રિય સામ્યવાદની મૂર્તિઓ પણ ભાંગી પડી છે. ઇંગ્લેન્ડ અને અમેરિકાની લોકશાહી તેમને સંતોષી શકતી નથી. આમ સર્જકોની પ્રિય ભાવનાઓ પત્તાંના મહેલની જેમ અસ્થિર છે. તેથી એમની કૃતિઓમાં પણ સ્થિર અને તાત્વિક જીવનદર્શનનો અભાવ માલૂમ પડે છે.

પ્રેરક બળો અને લક્ષણો

તો પછી આ દાયકાનાં સાહિત્યસર્જનોનું મુખ્ય ઉપાદાન શું? તેના ઘણાખરા સર્જન-પ્રવાહોનો ઊગમ તેની પહેલાંના દોઢ દાયકામાં જોવો પડે તેમ છે. ઇ. ૧૯૨૫ પછીના સાહિત્યનાં જે સ્થૂળ ઘડતરબળો અને લક્ષણો છે તેમાં આ દાયકે બહુ મોટો ફેરફાર થયો હોય એમ જણાતું નથી. (અલબત્ત તે વર્ષોનાં સાહિત્યલક્ષણો આજના લેખકોની તે તરફની કોઈ ઊંડી તત્વનિષ્ઠાને કારણે નહિ, પણ તેમના પરંપરાપ્રાપ્ત ચલણથી જ આ દાયકે ચાલુ રહ્યાં છે.) તો પણ દેશવિદેશની અદ્યતન સાહિત્યકૃતિઓનું વાચન, માનસશાસ્ત્ર અને કામવિજ્ઞાન તરફ વધતું જતું કુતૂહલ, આધુનિક પરદેશી કલામીમાંસકોની વિચારસરણી અને સર્જકોની કલાનિરૂપણરીતિઓનો પ્રભાવ, ભૂતકાળના ઇતિહાસમાં ગૌરવ જોવા શોધવાનું વધતું વલણ, ટાગોર અને અરવિંદના અગમ્યવાદ અને તેમના કાવ્યાદર્શોની લગની, નિર્ભેળ વાસ્તવવાદનો ઊંડો આગ્રહ, ભવ્યોદાત્ત વ્યક્તિના જટિલ જીવનને બદલે પ્રાકૃત વ્યક્તિના જીવનની યાદગાર અને રસક્ષમ ક્ષણોને સાહિત્યવિષય બનાવવા તરફની દૃષ્ટિ, પ્રગલ્ભ પ્રયોગોમાં રાચતું લેખકમાનસ, વિષયવૈવિધ્યનો ભારે મોહ-આ બધાં એકબીજાથી સાવ ભિન્ન ગણાય તેવાં લક્ષણો આ દાયકાના લલિત સાહિત્યમાં સ્પષ્ટ જણાય છે. આ દાયકાની લેખનપ્રવૃત્તિમાં રેડિયો અને બોલપટોમાં મળતાં વધુ ધનકીર્તિથી આકર્ષાઈને નવીન લેખકો તેમને અનુકૂળ બને તેવી રચનાઓ તરફ વળ્યા છે. લોકપ્રિયતા જ તેમનો મુદ્રાલેખ હોય એમ તેમની કૃતિઓ વાંચતાં શંકા જાય છે. એથી વિદ્વદ્દભોગ્ય કરતાં લોકભોગ્ય સાહિત્યનું પ્રકાશન ગયા કરતાં આ દાયકે વધારે થતું રહ્યું છે એમ કહી શકાય. ગયા દાયકા કરતાં આ દાયકે આપણા સાહિત્યમાં પશ્ચિમના વીસમી સદીના સાહિત્યની અસર પણ વધુ વરતાય છે. કૃતિના સ્વરૂપ અને રચનાવિધાન પરત્વે, વિષયની વિધવિધ નિરૂપણપદ્ધતિઓ અને રીતિઓ દાખવવામાં, વસ્તુનું મનોવૈજ્ઞાનિક વિશ્લેષણ સાધી બતાવવામાં તથા જાતીય કામનાઓનું પૃથક્કરણ કરી તેમને રસવિષય બનાવવામાં આધુનિકો આ સદીના પશ્ચિમી લેખકોને સારી પેઠે અનુસરે છે. આ દાયકાના કેટલાક લેખકો ગામડામાંથી આવ્યા છે. તેમનું લેખન સ્વાનુભૂત ગ્રામજીવનના જીવંત રસથી પોષાય છે. ચાહીને તેઓ માણેલી ગ્રામસૃષ્ટિની સુંદરતા-અસુંદરતાઓનું નિરૂપણ કરવા તરફ ઢળ્યા છે. આગલા દાયકાની 'સોરઠ તારાં વહેતાં પાણી', 'સાપના ભારા' કે ‘વળામણાં’ જેવી કૃતિઓએ મેળવેલી સફળતાથી ઉત્તેજાયા હોય તેમ, પન્નાલાલ, પેટલીકર, મડિયા, પીતાંબર પટેલ, દુર્ગેશ શુકલ, ચંદરવાકર, પ્રેમશંકર ભટ્ટ, જશભાઈ પટેલ આદિ લેખકોએ આ દાયકે ગ્રામધરતી અને સમાજના તળપદા રંગોને તેમની કૃતિઓમાં વધુ પ્રમાણમાં ઉઠાવ આપ્યો છે. આ દાયકાના સાહિત્યમાં ઉલ્લાસ અને પ્રસન્નતા કરતાં દુઃખ, વિષાદ અને કટુતાનાં તત્ત્વો વધુ ગોચર અને પ્રતીતિકર બને છે. સર્જક-માનસ શ્રદ્ધા અને શ્રેયની ઝંખના વ્યક્ત નથી કરતું એમ નહિ, પણ એની અભિવ્યક્તિ બુદ્ધિપૂર્વક કે સભાનતાથી થતી હોય એમ જણાય છે; જ્યારે જિવાતા જીવનની વિષમતાની અને વર્તમાન પ્રતિકૂળ પરિસ્થિતિઓની તેની ઝાંખી સચોટ અને તંત્ર હોવાથી તેમાં તેની ખરી વ્યાકુળતા અને સંવેદનાનાં દર્શન થાય છે. સમગ્ર પ્રજાના જીવનમાં લેખકને વેદનાના જ સૂરો સંભળાતા હોવાથી આમ બનવું સ્વાભાવિક છે. ભારતીય પ્રજામાં આળસ, ગરીબી, વિલાસી વૃત્તિ, ઉપરના ચળકાટનો મોહ, સ્વાર્થલોલુપતા. દંભ અને નીતિભ્રંશ ગયા દાયકા દરમિયાન ફૂલતાં ગયાં છે; બીજી તરફ, તેના સામુદાયિક જીવનમાંથી ઉત્સવો, આનંદો અને જીવનપોષક આંદોલનોને દેશવટો મળ્યો જણાય છે. પછી સાહિત્યમાં જીવનની પશુતા, મલિનતા, ઝંઝાવાત અને માનસિક યાતનાઓનાં ચિત્રો વિપુલ પ્રમાણમાં જોવા મળે એમાં કશું દુ:ખ કે આશ્ચર્ય નથી; એમાં ખુદ જિવાતું જીવન જ કારણભૂત છે, ત્યારે, સામાન્ય વિષયોને રસનું વાહન બનાવવા તરફની વધતી જતી રૂઢિ, ઊર્મિ કે કલ્પના કરતાં સ્થૂળ વિગતો અને વસ્તુઓનું ચિત્રણ કરવાનો શોખ, કૃતિના અંતરંગ કરતાં તેની બાહ્ય આકૃતિ સાધવા તરફ વધુ લક્ષ, જીવનની સપાટી ઉપરના જ ભાવોને તાકવાની વૃત્તિ, ભાષાની ને વાણીની છટાઓ તથા શૈલીનું વૈવિધ્ય બતાવવામાં દેખાતો રસ, પાત્રો અને પ્રસંગોનું મનોવૈજ્ઞાનિક પદ્ધતિથી થતું આલેખન અને મનરંજન કરવાનો જ મુખ્ય હેતુ આ દાયકાના સર્જનાત્મક સાહિત્યનાં વ્યાવર્તક લક્ષણો છે. પ્રાચીન પરાક્રમશીલ સંસ્કૃતિની કથાઓના ગૌરવગાનથી વીર ને અદ્ભુત રસ પીરસવાના તેમજ ગુનેગારો, બહારવટિયાઓ અને ઉપેક્ષિતોમાં માણસાઈના દીવા પ્રગટાવનારી ભાવનાના આલેખનના પ્રયત્નો કવચિત્ તેમાં નજરે ચડે છે, તેમ છતાં મુખ્યત્વે કરીને આ દાયકાના લેખકોએ જીવનની કોઈ સ્થિર અને ઉદાત્ત ભાવનાનું મંગલ દર્શન કરાવવા કરતાં વર્તમાનનાં અનેકરંગી વાસ્તવચિત્રો આલેખવાનું જ ધાર્યું હોય એમ લાગે છે. આમ જીવનની ઊંડી ઝંખના અને નિરાશા- એમ પરસ્પર વિરોધી ભાવોના પ્રબળ ધક્કા રૂપે જ આ દાયકાની સાહિત્યસરિતા વહી રહી છે. પણ આ તો થઈ લલિત સાહિત્યની વાત. લલિત સાહિત્ય તેન સંગીન સ્વરૂપમાં વિપુલ પ્રમાણમાં જન્મે તે પહેલાં પ્રજાની જીવનદૃષ્ટિને સંકોરે, તેને શક્તિશાળી બનાવે, તેનામાં અમુક વિચારોનું સ્થાયી વાતાવરણ દૃઢ બનાવે તેવા ચિંતન-સાહિત્યની એટલે કે વિચારકોની વાણી અને પ્રવૃત્તિની ખાસ આવશ્યકતા રહે છે. સર્જકના ઘડતરમાં તેના યુગવિચારો, તેના આઘાત-પ્રત્યાઘાત અને આંદોલનોનો તથા વાતાવરણશક્તિનો ઘણો મોટો ફાળો રહે છે. રવીન્દ્રનાથને ઘડવામાં બ્રાહ્મ સમાજનો પરોક્ષ ફાળો નાનોસૂનો ન કહેવાય. ગોવર્ધનરામ કે ન્હાનાલાલના વ્યક્તિત્વને તેજસ્વી બનાવવામાં પશ્ચિમી સંસ્કૃતિનો પ્રત્યાઘાત બુલંદ છે. એ જ પ્રમાણે હાલના ગુજરાતમાં પણ જ્યારે ચંચલ લોલક જેવા વિચારોના ગડગડાટ શમી જશે, એક સ્થિર પ્રકાશવાળી દૃષ્ટિ, વિચાર અને વાતાવરણનું આકાશ જામશે, ત્યારે જ સર્જનાત્મક સાહિત્ય ચેતનવંતું અને ખરા અર્થમાં સમૃદ્ધ બનશે. લલિતેતર સાહિત્યમાં આ દાયકે સારું જોમ આવ્યું છે. ચરિત્રપુસ્તકો અને ચિંતનલેખોના સંગ્રહો સારા પ્રમાણમાં પ્રકાશન પામ્યા છે. તેમાં નિરૂપિત જીવન, વિચાર અને કલા દીપ્તિમાન છે. પ્રાચીન-મધ્યકાલીન કાવ્યોનાં વિદ્વત્તાપૂર્ણ સંશાધનો-સંપાદનો આ દાયકે આપણને ઠીક ઠીક મળ્યાં છે. વિવેચનના સંગ્રહનું પ્રમાણ સંતોષકારક છે. ડાયરીનું સાહિત્ય આ દાયકે જ પહેલવહેલું આપણને ગ્રંથાકારે સાંપડ્યું છે. આત્મકથાઓ લખવા-છપાવવાનો વ્યવસાય પણ વધ્યો છે. આ સૌ ગ્રંથોમાં તેમના લેખકનું અભ્યાસબળ, મનનપ્રિયતા, તોલનશક્તિ, શૈલીની સચોટતા અને વિદ્વત્તા જોવા મળે છે. એકંદરે લલિત વિભાગ કરતાં લલિતેતર વિભાગનું બળ આ દાયકાને ગૌરવ અપાવે તેવું છે.

સાહિત્યના પ્રવાહો

દશ વર્ષમાં જૂના પ્રવાહો બદલાઈ ન જાય, પણ તેમાં થોડીઘણી વધઘટ તે અવશ્ય થાય. કોઈ નવું ઝરણું તેમાં આવી ભળી જાય, તેની ગતિ અને દિશામાં કંઈક ફેરફાર થાય, તેનાં જળ ઊંડાં કે છીછરાં બને, કોઈ કોઈ પ્રવાહ લુપ્ત પણ થઈ જાય. કાળની ગતિ, વર્ષાની ધારા, મૂળનાં પાતાલ ને જમીનના થર પ્રમાણે બનતું રહે. ગયા દાયકામાં સાહિત્યનું એકાદ સ્વરૂપ વિપુલતાને પામ્યું હોય તો આ દાયકામાં તે ક્ષીણ બને અને પ્રવાહની કેટલીક નવી દિશા ચાલુ થયા બાદ પુનઃ તે જૂની દિશા તરફ પણ વહેવા માંડે. આગલા દાયકામાં કોઈ સાહિત્યકાર ઉપેક્ષા પામ્યો હોય તે નવા દાયકામાં ઉપાસનાને પાત્ર પણ બને. એ પ્રમાણે તપાસીએ તો આગલા દાયકા કરતાં આ દાયકાનો કાવ્યપ્રવાહ અત્યંત ક્ષીણ લાગે છે. નવલિકા, નાટક ને નવલકથાના પ્રવાહમાં ક્યાંક ક્યાંક તાણી નાંખે એવાં જલોનું જોસ જણાય છે, પણ થોડેક દૂર ગયા કે વળી પ્રવાહ છીછરો માલૂમ પડે છે; રેતીના સુક્કા પટ નજરે ચડે છે. લલિતેતર સાહિત્યમાં વિવેચન, સંપાદન, અનુવાદ, સંશોધન, ઇતિહાસ, પ્રવાસ અને વિજ્ઞાનના પ્રવાહો આગલા દાયકાની જ ગતિએ છે. પણ ચિંતન અને ચરિત્રનો સાહિત્યપ્રવાહ તો આગલા બે દાયકાથી ય વધુ સમૃદ્ધિ પામ્યો છે. પ્રત્યેક પ્રવાહને વિગતવાર વિસ્તારથી નિહાળીએ.


  1. ૧ ‘Between two worlds,
    One dead : the other powerless to be born!’
    -Mathew Arnold