ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧૦મું/નાથાલાલ ભાણજી દવે
શ્રી. નાથાલાલ દવેનો જન્મ સૌરાષ્ટ્રમાં આવેલ ભુવા ગામમાં ઈ.સ. ૧૯૧૨ની ત્રીજી જૂને થયેલો. તેમના પિતાનું નામ ભાણજી કાનજી દવે અને માતાનું નામ કસ્તુરબા. તેમનું લગ્ન ઈ.સ. ૧૯૨૪માં શ્રી. નર્મદાબહેન સાથે થયેલું છે. તેમણે પ્રાથમિક કેળવણી વતનમાં અને માધ્યમિક કુંડલા તથા ભાવનગરમાં લીધી હતી. ઈ.સ. ૧૯૩૪માં ભાવનગરની શામળદાસ કૉલેજમાંથી અંગ્રેજી મુખ્ય વિષય સાથે તેઓ બી.એ.માં બીજા વર્ગમાં પાસ થયા. એમ. એ.માં ગુજરાતી મુખ્ય વિષય લઈને ઈ.સ. ૧૯૩૬માં તેઓ વડોદરા કૉલેજમાંથી પાસ થયા. ઈ.સ. ૧૯૪૩માં તેમણે બી. ટી. ની પરીક્ષા પણ વડોદરાની બી. ટી. કૉલેજમાંથી પાસ કરી. ઈ.સ. ૧૯૪૪માં તેમણે અમદાવાદમાં મૉન્ટેસોરી સંચાલિત બાલશિક્ષણક્રમની તાલીમ પણ લીધી હતી. એમનો મુખ્ય વ્યવસાય શિક્ષકનો છે. અમદાવાદનું સી. એન. વિદ્યાલય, ભાવનગરની આલ્ફ્રેડ હાઈસ્કૂલ, સોનગઢની ગુરુકુળ હાઈસ્કૂલ– એમ વિવિધ શાળાઓમાં તેમણે શિક્ષક તરીકે કામ કર્યું છે. તે પછી થોડો વખત સૌરાષ્ટ્ર સરકારના કેળવણી ખાતામાં કામ કરીને હાલ તેઓ રાજકોટની બાર્ટન ટ્રેનિંગ કૉલેજના મુખ્ય શિક્ષક તરીકે કામ કરે છે. સ્વામી વિવેકાનંદ, રવીન્દ્રનાથ ટાગોર, સર રાધાકૃષ્ણન, રોમે રોલાં, કાકા કાલેલકર, કાલિદાસ, ભવભૂતિ વગેરે પ્રતિભાશાળી વિભૂતિઓની ઉત્તમ કૃતિઓએ તેમના વ્યક્તિત્વ ઉપર ચિરસ્થાયી છાપ પાડી છે. એમના જીવનનો ઉદ્દેશ પૂર્ણતાની પ્રાપ્તિ છે. એમની. અક્ષરપ્રવૃત્તિના મૂળમાં તેમનો હેતુ જીવનની તમામ શુભ શક્તિઓનો વિકાસ સાધીને ૫રમતત્ત્વનો સાક્ષાત્કાર કરવાનો છે, એમ તેઓ જણાવે છે. કૉલેજમાં હતા ત્યારથી જ તેમણે દાંડીકૂચ વખતે આવેલા રાષ્ટ્રીય જુવાળના ઉત્સાહમાં રાષ્ટ્રગીતો રચેલાં ત્યારથી કાવ્ય તેમનો પ્રિય સાહિત્યપ્રકાર બનેલો છે. સાથે સાથે નવલિકા, નાટક અને વિવેચનનાં ક્ષેત્રમાં પણ તેઓ યથાપ્રસંગ ફાળો આપતા રહે છે. એમના પ્રિય લેખક રવિબાબુ છે. એમના પ્રિય ગ્રંથો રવિબાબુનો કાવ્યસંગ્રહ ‘સંચયિતા’ અને રોમે રોલાંકૃત ‘જીન ક્રિસ્તોફ’ છે. એમના પ્રિય અભ્યાસવિષયો બંગાળી કાવ્યસાહિત્ય, ભારતીય તત્ત્વજ્ઞાન, વિજ્ઞાન અને માનસશાસ્ત્ર છે. આ સર્વના મનન, પરિશીલનના પરિણામે તેમનો સર્જનનો ઉદ્દેશ સતત ઊંચો રહ્યો છે, તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘કાલિંદી’ પોતે છપાવીને બહાર પાડેલો. તે સંગ્રહ ઈ.સ. ૧૯૪૨ના સર્વોત્તમ કાવ્યસંગ્રહ તરીકે માન્ય વિવેચકો તરફથી સ્વીકાર પામ્યો હતો. તેમનાં કાવ્યોનું મુખ્ય આકર્ષણ ગેયતા, પ્રસાદ અને હૃદયસ્પર્શિતામાં છે. રવીન્દ્રનાથનો રહસ્યવાદ તેમનાં કાવ્યોમાં પ્રતીત થતો જણાય છે. વર્ણોનું સામંજસ્ય અને સરળ ભાવોની લહરીઓ તેમનાં ‘કાલિંદી’ જેવાં કાવ્યોમાં અનોખું લાવણ્ય પીરસે છે, અને ઘણી વાર તો વાચક કાવ્યમાંની અર્થચમત્કૃતિ કરતાં શબ્દસૌષ્ઠવની મનોહરિતાથી જ મુગ્ધ બની જાય છે. વૃદ્ધ કવિ હરગોવિંદ પ્રેમશંકરના કાવ્યસંગ્રહોના સંપાદનમાં તેમનો કવિ પ્રત્યેનો આદરભાવ, તેમને ન્યાય અપાવવાની ધગશ અને કુશળ કાવ્યભોક્તા તેમજ વિવરણકારની તેમની શક્તિ સમજાય છે.
કૃતિઓ
કૃતિનું નામ *પ્રકાર *રચના સાલ *પ્રકાશન સાલ *પ્રકાશક *મૌલિક, સંપાદન કે અનુવાદ?
૧. કાલિંદી *કવિતા *૧૯૩૬ થી ૧૯૪૨ *પોતે *મૌલિક
૨. શ્રી, અરવિંદ યોગદર્શન *ચિંતનાત્મક લેખ *૧૯૪૨ *૧૯૪૨ શ્રી. અરવિંદ કાર્યાલય, આણંદ *અનુવાદ
૩. ભદ્રા *નવલિકાઓ ૧૯૪૦થી ૧૯૪૫ *૧૯૪૫ *આર, આર. શેઠની કું. મુંબઈ *મૌલિક
૪. નવું જીવતર *નવલિકાઓ *૧૯૪૦થી ૧૯૪૫ *૧૯૪૫ *ભારતી સાહિત્ય સંઘ લિ. અમદાવાદ *મૌલિક
૫. સ્વાતંત્ર્યપ્રભાત *કવિતા *૧૯૪૭ *૧૯૪૭ *સંસ્કાર સાહિત્ય મંદિર, વઢવાણ *મૌલિક
૬. રૂબાઈયાત ને બીજાં કાવ્યો *કવિતા *૧૯૪૬ *પોતે *સંપાદન
૭. વેનવધ *નાટક *૧૯૪૭ *શ્રી મુકુંદ પારાશર્ય, ભાવનગર *સંપાદન
૮. ચંદ્રગુપ્ત મૌર્ય અને બીજાં કાવ્યો *૧૯૪૮ *પોતે *સંપાદન
૯. સાહિત્યપરાગ *ગદ્યપદ્ય સંગ્રહ *૧૯૩૮ *સાકરલાલ વહોરા, ભાવનગર *સંપાદન
૧૦. સાહિત્ય પાઠમાલા ભા. ૧-૨-૩(શ્રી. અંબાણી સાથે) * ગદ્યપદ્ય સંગ્રહ *૧૯૩૮ *બેચર મેઘજી એન્ડ સન્સ, રાજકોટ *સંપાદન
૧૧. વિરાટ જાગે *નાટક *૧૯૪૮ *૧૯૪૮ *પોતે *મૌલિક
અભ્યાસ-સામગ્રી
- ‘કાલિંદી માટે-૧. ‘પ્રસ્થાનમાં’ પ્રૉ. અ. મ. રાવળનો લેખ. ૨. શ્રી. સુંદરજી બેટાઈનો મુંબઈ રેડિયો પરનો વાર્તાલાપ. ૩. ‘પ્રજાબંધુ’. ૪. ‘ફૂલછાબ’માં શ્રી. મેઘાણીનો લેખ, ૫. ઇ. ૧૯૪૨નું ગ્રથસ્ય વાઙ્મય. (શ્રી. સુંદરમ્).
- ‘ભદ્રા’ અને ‘નવું જીવતર’ માટે- ઈ.સ. ૧૯૪૫નું ગ્રંથસ્થ વાઙ્મય.
***