ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧૦મું/પં. શ્યામજી કૃષ્ણ વર્મા
આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામેલા આ ક્રાન્તિકારી પંડિતનો જન્મ કચ્છ પ્રદેશના માંડવી ગામના ગરીબ ભણસાળી કુટુંબમાં તા. ૪થી ઑક્ટોબર ૧૮૫૭ના રોજ થયો હતો. તેમના પિતા કૃષ્ણ વર્મા મુંબઈમાં નાનકડી દુકાન ચલાવીને કુટુંબના ગુજરાન પૂરતું કમાતા હતા, ત્યારે શ્યામજી તેમની માતા સાથે વતનમાં રહીને ભણતા હતા. પ્રાથમિક શિક્ષણ માંડવીમાં લઈને શ્યામજી ભૂજની અંગ્રેજી શાળામાં દાખલ થયા ત્યારે અસાધારણ બુદ્ધિપ્રભાવાળા વિદ્યાર્થી તરીકે શાળામાં તેમજ પરિચિત મંડળમાં તેમની દૃઢ છાપ પડી હતી. મુંબઈના જાણીતા સુધારક મથુરાદાસ લવજીએ શ્યામજીના અભ્યાસમાં રસ લેવા માંડ્યો. તેમના આગ્રહથી આ તેજસ્વી વિદ્યાર્થીને મુંબઈની વિલસન હાઈસ્કૂલમાં દાખલ કરવામાં આવ્યો; ત્યાં અનેક મરાઠી, કોંકણી ને ખ્રિસ્તી વિદ્યાર્થીઓને તેણે વિદ્યાભ્યાસમાં હંફાવ્યા હતા. હાઈસ્કૂલના અભ્યાસ દરમ્યાન શ્યામજીને મથુરાદાસે પ્રખ્યાત વાસુદેવ શાસ્ત્રીની સંસ્કૃત પાઠશાળામાં દાખલ કરાવ્યા હતા. ત્યાં શ્યામજીએ સંસ્કૃત કાવ્ય, વ્યાકરણ અને ન્યાયશાસ્ત્ર ભણીને અઢાર વર્ષની ઉંમરે તો પંડિતના જેટલી વિદ્વત્તા કેળવી હતી. શાળાની તેજસ્વી કારકિર્દીએ એક તરફ તેમને ગોકળદાસ કહાનંદાસ શિષ્યવૃત્તિનો, અને બીજી તરફ મુંબઈના એક ધનપતિ શેઠ છબીલદાસ લલ્લુભાઈનાં પુત્રી ભાનુમતી સાથે લગ્નનો એમ બેવડો લાભ કરાવ્યો હતો. ૧૮૭૫માં ઑક્સફર્ડના સંસ્કૃત ભાષાના વિદ્વાન પ્રૉફેસર મોનિયર વિલિયમ્સ હિંદુસ્તાનમાં આવ્યા હતા. તેમણે સંસ્કૃતમાં અસ્ખલિત વાગ્ધારા ચલાવતા આ અઢાર વર્ષના વિચક્ષણ જુવાનની વિદ્વત્તાની પ્રશંસા કરી હતી; જેને પરિણામે એના હૃદયમાં વિલાયત જઈને ઉચ્ચ અભ્યાસ કરવાની મહત્ત્વાકાંક્ષા જાગી હતી. ૧૮૭૬માં આવી ઉચ્ચ પ્રતિષ્ઠા પામેલો વિદ્યાર્થી મેટ્રિકની પરીક્ષામાં બેસે છે, પણ આંખોની અસહ્ય પીડાને કારણે તે નાપાસ થાય છે. એ જ અરસામાં શ્યામજી સ્વામી દયાનંદ સરસ્વતીના સંપર્કમાં આવ્યા હતા, અને તાજા સ્થપાયેલ આર્યસમાજની તેમણે દીક્ષા પણ લીધી હતી. સ્વામીજીની વેદધર્મપ્રવર્તક વિચારશ્રેણીને ઝડપથી ગ્રહી લઈને તેનો સ્વામીજીની માફક સંસ્કૃતમાં વ્યાખ્યાનો આપીને પ્રચાર કરવાનો મનોરથ શ્યામજીને જાગ્યો હતો. મથુરાદાસ લવજીને લીધે અત્યાર સુધીમાં એ તે વખતના અગ્રણી સુધારકોના સંસર્ગમાં આવ્યા હતા. નવીન સુધારાઓને પ્રાચીન હિન્દુ શાસ્ત્રોના અનુલક્ષમાં સમજાવવાની શ્યામજીએ સુંદર કુનેહ કેળવી હતી, તેમણે નાસિક, પૂના, કાશી, અમદાવાદ, સુરત વગેરે મુખ્ય મુખ્ય શહેરોમાં આર્યસમાજી વિચારશ્રેણી રજૂ કરતાં, સુંદર છટા અને ઉત્કૃષ્ટ ભાવનાથી ભરેલાં વ્યાખ્યાનો સંસ્કૃત ભાષામાં આપ્યાં. તેની તત્કાલીન સુધારકો, વિદ્વાનો અને વગદાર અધિકારીઓ ઉપર સુંદર છાપ પડી હતી. પ્રવાસ દરમ્યાન અનેક અભિનંદનાત્મક પ્રમાણપત્રે એકઠાં કરીને ત્રેવીસ વર્ષના આ મહત્ત્વાકાંક્ષી જુવાને વિલાયત જવાનું ભાતું તૈયાર કરી રાખ્યું. પ્રૉ. મોનિયર વિલિયમ્સે શ્યામજીને પોતાના સહાયક તરીકે અઠવાડિયાના દોઢ પાઉંડના પગારથી નિમવાની તૈયારી બતાવી હતી. શ્યામજીની ઑક્સફર્ડ જઈને અભ્યાસ કરવાની તીવ્ર આકાંક્ષા હતી. તેમણે કચ્છ રાજ્યમાંથી શિષ્યવૃત્તિ મેળવવાનો પ્રયત્ન કર્યો પણ તેનું કશું ફળ આવ્યું નહિ. તેથી નિરાશ થયા વગર પત્ની તેમજ મિત્રોની મદદથી શ્યામજી ૧૮૭૯ના માર્ચમાં વિલાયત ગયા. આ કુશાગ્ર બુદ્ધિના જુવાન પંડિતે પરદેશના વિદ્વાનોને પોતાના સંસ્કૃતના જ્ઞાનથી આંજી દીધા. ૧૮૮૩માં એ ઑક્સફર્ડની બેલિયલ કૉલેજના ગ્રેજ્યુએટ થયા. શ્યામજી ઑક્સફર્ડના ગ્રેજ્યુએટ થનાર પહેલા જ હિંદી હતા. આ ઉપરાંત આ અરસામાં તેમણે ગ્રીક અને લેટિન ભાષાનો પણ સારો અભ્યાસ કર્યો હતો. મેક્ષમૂલર આદિ પંડિતોએ શ્યામજીની વિદ્વત્તા અને બુદ્ધિપ્રભાથી પ્રસન્ન થઈને અનેક ગુણદર્શી પ્રમાણપત્રો આપ્યાં હતાં. ૧૮૮૩ના અંતભાગમાં એ સ્વદેશ પાછા આવ્યા. ત્યાંથી ત્રણેક મહિના બાદ પત્નીને લઈને ફરીથી તે વિલાયત ગયા. પછી, ૧૮૮૫ના જાન્યુઆરિમાં બેરિસ્ટર થઈને એ હિંદુસ્તાન પાછા ફર્યા હતા. વિલાયતના પાંચેક વરસના વસવાટ દરમ્યાન ભારતીય સંસ્કૃતિના ભાષ્યકાર અને સંસ્કૃતના વિદ્વાન પંડિત તરીકે શ્યામજી ત્યાં સારી પ્રસિદ્ધિ પામ્યા હતા. ૧૮૮૧માં લંડનની રૉયલ એશિયાટિક સોસાયટીના ઉપક્રમથી તેમણે ‘ભારતમાં લેખનકળાનો ઉદય’ એ વિષય પર ભાષણ આપ્યું હતું. એ જ વર્ષમાં (તેમજ ત્રણ વર્ષ બાદ, બીજી વાર) ભારતમંત્રી તરફથી ભારતના પ્રતિનિધિ તરીકે શ્યામજીને ‘ઓરિયેન્ટલ કોંગ્રેસ’ની બર્લિન ખાતેની પરિષદમાં હાજરી આપવા મોકલ્યા હતા, જ્યાં તેમણે ‘ભારતની જીવંત ભાષા-સંસ્કૃત’ એ વિષય પર છટાદાર શૈલીમાં વ્યાખ્યાન આપ્યું હતું.’ આ સિવાય ઇંગ્લેન્ડની ‘એમ્પાયર ક્લબ’ જેવી જુદી જુદી સંસ્થાઓના માનાર્હ સભ્યનું પદ મેળવવાનું માન પણ તેમને સહજ પ્રાપ્ત થયું હતું. સ્વદેશ પાછા ફર્યા બાદ ત્રણ વર્ષ (૧૮૮૫-૧૮૮૮) તેમણે રતલામમાં દીવાનગીરી કરી; પછી અજમેરમાં ચાર વર્ષ (૧૮૮૮-૧૮૯૨) વકિલાત કરી; અને પછી જૂનાગઢની દીવાનગીરીના આઠ મહિના બાદ કરતાં ૧૮૯૭ સુધીનો બધો વખત ઉદેપુર રાજ્યના કાઉન્સીલર તરીકે તેમણે કામ કર્યું હતું. ૧૮૯૧ સુધી પરોપકારિણી સભાના ટ્રસ્ટી તરીકે આર્યસમાજની સાથે શ્યામજીનો સંબંધ ટકી રહ્યો હતો. આ નવેક વરસ દરમ્યાન તેમને દેશી રાજ્યોની ખટખટનો સારી પેઠે અનુભવ થયો હતો. બીજી તરફ દેશના રાજકીય વાતાવરણમાં આંધી ચડતી જતી હતી. લોકમાન્ય તિલકને દેશદ્રોહના આરોપસર દોઢ વર્ષની કેદની સજા થઈ હતી. શ્યામજી ૧૮૯૭માં દેશના ગુંગળાવી નાખે તેવા ક્લુષિત વાતાવરણમાંથી મુક્ત થવાના ઉદ્દેશે કાયમને માટે વસવાટ કરવા સારું વિલાયત ગયા. ત્યાં જઈને તેમણે પહેલાં તો ઑક્સફર્ડની એમ.એ.ની ઉપાધિ મેળવી અને આર્યસમાજ, તેમજ ભારતીય સંસ્કૃતિ અને તત્ત્વજ્ઞાન વિશે સંખ્યાબંધ ભાષણો આપ્યાં. વિખ્યાત અંગ્રેજ ફિલસૂફ હર્બર્ટ સ્પેન્સરના શ્યામજી અનન્ય ભક્ત હતા. સ્પેન્સરના અવસાન નિમિત્તે ‘હર્બર્ટ સ્પેન્સર વ્યાખ્યાન-પીઠ’ની સ્થાપના સારુ ઇંગ્લંડમાં તેમણે એવી ઝુંબેશ ઉઠાવી કે તેને લીધે જોતજોતામાં સમસ્ત દેશમાં એ હિન્દી જુવાન જાણીતો થઈ ગયો. ૧૯૦૫માં બંગ-ભંગને કારણે ભારતમાં સ્વદેશીની હલચાલ શરૂ થઈ હતી. તિલક અને લજપતરાયની ‘જહાલ નીતિ’ના પક્ષકાર શ્યામજીએ આ અરસામાં ‘ઈન્ડિયન સોશિયોલૉજિસ્ટ’ નામનું માસિક પત્ર શરૂ કર્યું અને તેમાં ઉદ્દામ રાષ્ટ્રવાદી વિચારશ્રેણીનો નિર્ભયપણે પ્રચાર કરીને ઇંગ્લેંડમાં ભારતની આઝાદી માટે લોકમત કેળવવાનો પુરુષાર્થ શરૂ કર્યો હતો. ભારતને ગુલામ બનાવનાર અંગ્રેજ રાજ્યસત્તા અને તેની સમક્ષ વફાદારી પ્રગટ કરીને થોડાક હક્કની ભીખ માગતો કોંગ્રેસને ‘મવાળ પક્ષ’ શ્યામજીની તેજીલી કલમના હુમલાનો વારંવાર ભોગ બનતાં હતાં. બંગાળના તેમજ મહારાષ્ટ્રના ‘અરાજકતાવાદી ક્રાન્તિવીરો’ની પ્રવૃત્તિનો તેમણે ખુલ્લે ખુલ્લો પુરસ્કાર કર્યો હતો. તેમનાં આ પ્રકારનાં લખાણોએ શ્યામજીને લંડનથી પૅરિસ અને છેવટે ત્યાંથી જીનીવા નાસી જવાની ફરજ પાડી હતી. ભારતની આઝાદીના શહીદોની યાદમાં શ્યામજીએ ભારતીય વિદ્યાર્થીઓને ઈગ્લંન્ડમાં અભ્યાસ કરવાની તક પૂરી પાડતી અનેક શિષ્યવૃત્તિઓ ઉદાર હાથે આપી હતી. ઈગ્લેંન્ડમાં હિંદુની આઝાદી માટે સૌથી પહેલી વ્યવસ્થિત અને બળશાળી પ્રવૃત્તિ કરનાર શ્યામજી કૃષ્ણ વર્મા હતા. તેમણે ત્યાં ‘હોમ રૂલ સોસાયટી’ તથા ‘ઇન્ડિયા હાઉસ’ની સ્થાપના કરીને ભારતના વિદ્યાર્થીઓ અને મિત્ર-ચાહકોની શક્તિઓને સંગઠિત કરી હતી-જેનો લાભ પછીથી સાવરકર જેવા તે વખતના બંડખોર જુવાનોએ સારી પેઠે ઉઠાવ્યો હતો. સંસ્કૃત અને અંગ્રેજી ભાષાના આ પ્રખર વિદ્વાનના લખાણો અને વ્યાખ્યાનોનો મોટો ભાગ ભારતીય પ્રજાના સ્વતંત્ર્ય અને તેને લગતા રાજકારણ વિશે છે. તેમાં રહેલી શ્યામજીની તીક્ષ્ણ બુદ્ધિશક્તિ, અપાર બહુશ્રુતતા અને તેજસ્વી ભાષાશૈલી એ દેશભક્તને સમર્થ લેખક અને ચિંતક તરીકે પણ કીર્તિ અપાવે તેમ છે. શ્યામજીનાં લખાણો ‘ઇન્ડિયન સોશિયોલૉજિસ્ટ’ અને તેમના વખતનાં બીજા સામયિકોમાં દટાયેલાં પડેલાં છે. છેલ્લાં પચાસ વર્ષ દરમ્યાન જાગેલી ભારતની રાષ્ટ્રીય અસ્મિતાનો વિસ્તૃત અને સુસંકલિત ઈતિહાસ લખનારને દુનિયાભરમાં ભારતના સ્વાતંત્ર્ય-હક્કનો ઉદ્દઘોષ કરનાર આ મહાન ગુજરાતીનાં એ લખાણો જોયા વિના ચાલશે નહિ. ઈ.સ. ૧૯૩૦માં જીનીવા ખાતે શ્યામજીનું અવસાન થયું હતું.
અભ્યાસ-સામગ્રી
- ૧. Shyamji Krishna Varma: Life and Times of an Indian Revolutionary: by Shri Indulal Yajnik (1950).
- ૨. ‘મહાજન-મંડળ’, પૃ. ૧૦૯૭.
- ૩. સત્યવક્તાની ચિત્રાવલિ.
***