ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧૦મું/પ્રવાસ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
પ્રવાસ

જે ગુજરાતમાં સેંકડો માણસો વેપાર, ધર્મયાત્રા કે સહેલગાહ નિમિત્તે હજારો ગાઉના પ્રવાસો વારંવાર ખેડે છે, તે પ્રાન્તમાં પ્રવાસનું સાહિત્ય કેમ અલ્પ લખાતું હશે? પ્રવાસજીવનના વિધવિધ રોમાંચક અનુભવો કે સૃષ્ટિના રમ્ય પ્રદેશો ગુજરાતી ભાઈબહેનોની ચેતનાને ધુણાવી નહિ શકતા હોય કે તેમની પાસે તેને અવલોકવાની સૌન્દર્યદૃષ્ટિ કે આલેખવાની શક્તિ નહિ હોય? આપણા લબ્ધપ્રતિષ્ઠ સાહિત્યકારોમાંથી પણ કાકાસાહેબ કે સુંદરમ્ સિવાયના અન્ય પ્રવાસશૉખીનો તરફથી આ ક્ષેત્રમાં કેટલું લગીર મળ્યું છે ! આ દાયકાના પ્રવાસસાહિત્યમાં શ્રી. સુંદરમનું ‘દક્ષિણયન’, રા. મુનશીનું 'મારી બિનજવાબદાર કહાણી,' શ્રી. રવિશંકર રાવળનું 'કલાકારની સંસ્કારયાત્રા’ અને ડૉ. હરિપ્રસાદ દેસાઈનું 'રસદર્શન' ખાસ નોંધપાત્ર છે. 'દક્ષિણાયન'માં સુંદરમની સૌન્દર્યદૃષ્ટિ, સંવેદનશીલતા અને ચિંતનપરાયણતાનો આવિષ્કાર જોવા મળે છે, તો 'મારી બિનજવાબદાર કહાણી'માં મુનશીની ઉત્કટ કલ્પનાશીલતા, જીવનરસ માણતી અનુભવતાઝગી અને રસળતી શૈલી પ્રતીત થાય છે. 'દક્ષિણાયન'માં દક્ષિણની ધાર્મિકતા, સંસ્કારિતા અને શિલ્પકલાનો પરિચય કરાવાયો છે, તે ‘બિનજવાબદાર કહાણી'માં ગ્રીસ અને રોમના ઇતિહાસપ્રસંગોનું, જાતજાતની વ્યક્તિઓનું અને વિવિધ ભૌગોલિક પ્રદેશોનું સજીવ ચિત્ર આલેખાયેલ છે. ‘દક્ષિણાયન સળંગ શૃંખલાબદ્ધ પ્રવાસપુસ્તક છે, તો 'મારી બિનજવાબદાર કહાણી' રમતિયાળ શૈલીમાં છૂટાં છૂટાં સ્મરણચિત્રો આલેખતું પુસ્તક છે. એક ચિંતનશીલ ગંભીર પ્રકૃતિના કવિનું પુસ્તક છે તો બીજું રંગદર્શી નવલકથાકારનું છે. બંને આ દાયકાનાં ઉત્તમ પ્રવાસપુસ્તકો છે. બાકીનાં બેમાંથી પહેલું એક કલાકારે કરેલો જાપાન અને ઉત્તર હિંદનો પ્રવાસ આલેખે છે. લેખકે જોયેલાં સ્થળોનાં અને તેમને ભેટેલી વ્યક્તિઓનાં તેમાં સુરેખ ચિત્રો છે. એમાં સ્ટીમરની સગવડો અને પાસપોર્ટ મેળવવાના વિધિ વિશે માહિતી પણ છે. એ પુસ્તકનું મોટું આકર્ષણ તેમાં મૂકેલા ચિત્રો, સ્કેચો ને ફોટોગ્રાફો છે. પ્રવાસ દરમિયાન તેના લેખકની દૃષ્ટિ અને વૃત્તિ કલાકારની રહી છે તો તેના આલેખનમાં તેમનો હેતુ શિક્ષણ અને સંસ્કારનો રહ્યો છે. શ્રી રવિશંકર રાવળની માફક મનુષ્ય અને કુદરતની કલાઓએ ‘રસદર્શન'ના લેખકને પણ ડોલાવ્યા છે. આ પુસ્તકમાં ભારતીય પ્રકૃતિથી અને કલાસમૃદ્ધિ ઉપરાંત સૌન્દર્યરસિક, દેશભક્ત, શ્રદ્ધાળુ, નિખાલસ, વિનોદી અને સુઘડ નાગરિક ડૉ. હરિપ્રસાદના વ્યક્તિત્વનો પરિચય પણ મળે છે. આ વિભાગનાં અન્ય પુસ્તકોમાં કાકાસાહેબનું ‘લોકમાતા’ દશેક નવીન પ્રકરણોનો ઉમેરો પામ્યું છે તેથી ઉલ્લેખપાત્ર છે. દેશની નદીઓનાં સૌન્દર્ય-માહાત્મ્ય અને તેને અનુષંગે લેખકે પુરસ્કારેલી ધર્મ-સંસ્કૃતિની ભાવના તાઝગીદાર નવીન કલ્પનાઓથી મંડિત કવિની વાણીમાં તેમાં અભિવ્યક્તિ પામ્યાં છે. એવું બીજું પુસ્તક એમની જ પાસેથી દીક્ષા લઈને શિવશંકર પ્રા. શુકલે ‘ગુજરાતની લોકમાતાઓ–૧' લખ્યું છે. ગુજરાતની નદીઓ વિશેનો તેમનો ભૌગોલિક અને સામાજિક દૃષ્ટિકોણ રસિક કલ્પનાચારુ શૈલીમાં પ્રગટ થયો છે. એ જ લેખકે ‘સરિતાથી સાગર'માં ગાંધીજીએ કરેલી ઐતિહાસિક દાંડીકૂચની રોમાંચક કથા જીવંત અને પ્રમાણભૂત પ્રસંગચિત્રો દ્વારા સરસ શૈલીમાં આલેખી છે. આ ઉપરાંત શ્રી. શાન્તિલાલ જી. ગાંધીએ 'દક્ષિણ ભારતનાં તીર્થધામો'થી, શ્રી. રમેશનાથ ગૌતમે 'ભ્રમણ'થી, શ્રી. ચુનીલાલ મડિયાએ 'જય ગિરનાર'થી, શ્રી. મૂળશંકર ભટ્ટે 'ધરતીને મથાળે'થી, હિંમતલાલ તુનારાએ ‘હિમાલયનું પર્યટન'થી અને સારાભાઈ ચોકસીએ 'ભારત-દર્શન'થી આપણા પ્રવાસસાહિત્યનું જમાખાતું વધાર્યું છે.