ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧૦મું/પ્રેમશંકર હરિલાલ ભટ્ટ
શ્રી. પ્રેમશંકર ભટ્ટનો જન્મ સંવત ૧૯૭૧ના ભાદરવા સુદ એકમે સૌરાષ્ટ્રના ધ્રાંગધ્રા રાજ્યમાં આવેલા તેમના વતન રાજસીતાપુર ગામમાં ઔદીચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ જ્ઞાતિમાં થયેલો. તેમના પિતાનું નામ હરિલાલ મોતીરામ ભટ્ટ અને માતાનું નામ ગોદાવરીબહેન. ઈ.સ. ૧૯૩૮માં શ્રી. સવિતાગૌરી સાથે તેમનું લગ્ન થયેલું છે. તેમણે પ્રાથમિક કેળવણી પ્રાંગધ્રા રાજ્યની જુદી જુદી. ગામઠી શાળાઓમાં અને માધ્યમિક ધ્રાંગધ્રાની સર અજીતસિંહજી હાઈસ્કૂલમાં લીધી હતી. ઈ.સ. ૧૯૩૮માં મુખ્ય વિષય ગુજરાતી લઈને ભાવનગરની શામળદાસ કૉલેજમાંથી તેઓ બીજા વર્ગમાં બી. એ. પાસ થયા અને તે વિષયમાં પ્રથમ આવવા બદલ ભાવનગર સાહિત્ય સંમેલન તરફથી તેમને ચંદ્રક મળ્યો હતો. એ જ કૉલેજમાંથી તેઓ ઈ.સ. ૧૯૪૦માં એમ.એ. પણ બીજા વર્ગમાં પાસ થયેલા અને મુખ્ય વિષય ગુજરાતીમાં પ્રથમ વર્ગના ગુણ મેળવેલા. એમ. એ. થયા પછી એક વર્ષ તેમણે મુંબઈના ભારતીય વિદ્યાભવનમાં અધ્યાપક તરીકે, પાંચ વર્ષ બર્મા શેલ કંપનીમાં પ્રકાશનઅધિકારી તરીકે અને કેટલોક સમય ખાલસા કૉલેજમાં ગુજરાતીને અધ્યાપક તરીકે કામ કર્યું હતું. ત્યારબાદ મુંબઈમાં સિદ્ધાર્થ કૉલેજની સ્થાપના થઈ ત્યારથી તેઓ તે કેલેજમાં ગુજરાતીનું મુખ્ય અધ્યાપકનું કાર્ય કરી રહ્યા છે. કિશોર વયમાં તેમના મિત્ર શ્રી. લાભશંકર શુકલ સાથે હાથે ચડ્યું તે તમામ સાહિત્ય તેમણે વાંચી કાઢેલું. મેટ્રિક થયા પછી શામળદાસ કૉલેજના ગુજરાતીના અધ્યાપક શ્રી. રવિશંકર જોષીએ તેમના વાચનને વ્યવસ્થિત કર્યું અને લેખનકાર્ય માટે તેમને પ્રોત્સાહન આપીને સાહિત્યસેવાની લગની લગાડી. એ સાહિત્યપ્રીતિ અને નિષ્ઠાને વશ થઈને જ આર્થિક દૃષ્ટિએ સારી ગણાય તેવી બર્મા શેલ કંપનીની નોકરી છોડી દઈને અધ્યાપનનું કાર્ય તેમણે સ્વીકાર્યું છે. કૉલેજની કારકિર્દી દરમિયાન કાવ્યરચના અને વિવેચનકાર્યમાં તેમને પ્રૉ. જોષીનું ઉત્તમ માર્ગદર્શન સાંપડ્યું હોવાથી કવિ અને વિવેચક તરીકે તેમણે પ્રગતિ કરેલી છે. કવિ તરીકે હૃદયની સંવેદનાઓને મધુર વાણીમાં વ્યક્ત કરવાની કુશળતા તેમણે સિદ્ધ કરી બતાવી છે. કલ્પનાતરંગો, ભાષાની કુમાશ, અને ગેય ઢાળો તરફ તેમનું વલણ વધુ છે. તેમનાં વિવેચનો મનોહર ભાષામાં, શૈલીને રંગીન બનાવવાની સતત કાળજી રાખીને લખાયેલા કર્તા કે કૃતિ પરના અભ્યાસ-લેખો છે.
કૃતિઓ
- કૃતિનું નામ *પ્રકાર *પ્રકાશન સાલ *પ્રકાશક *મૌલિક, સંપાદન કે અનુવાદ?
- ૧. ચયનિકા *કાવ્યસંગ્રહ *૧૯૪૨ *કવિતા કાર્યાલય, મુંબઈ *સંપાદન
- ૨. ધરિત્રી *કાવ્યસંગ્રહ *૧૯૪૩ *સી. શાન્તિલાલ એન્ડ કુાં. મુંબઈ *મૌલિક
- ૩. મધુપર્ક *વિવેચનસંગ્રહ *૧૯૪૭ *સી. શાન્તિલાલ એન્ડ કુાં. મુંબઈ *મૌલિક
- ૪. જીવતરની બાજી *નવલકથા *૧૯૪૮ *સી. શાન્તિલાલ એન્ડ કુાં. મુંબઈ *મૌલિક
અભ્યાસ-સામગ્રી
- ‘ધરિત્રી’ –‘ઊર્મિ’ માર્ચ ૧૯૩૪.
- ‘મધુપર્ક —‘સંસ્કૃતિ’ વર્ષ-૨, અં. ૪; એપ્રિલ, ૧૯૪૮.
***