ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧૦મું/ભાષાંતર-રૂપાંતર

From Ekatra Wiki
Jump to navigation Jump to search
ભાષાંતરો—રૂપાંતરો

અનુવાદો ગુજરાતનું પોતાનું ધન ન કહેવાય; પણ મૌલિક ફાલ ઓછો કે સત્ત્વહીન ઊતરતો હોય તે વેળા અન્ય ભાષાઓનાં સુંદર અને સત્ત્વશીલ પુસ્તકોના અનુવાદોની આવશ્યકતા ઊભી રહે છે. એક બીજી દૃષ્ટિએ પણ તેની જરૂર છે. પોતાનું વાઙ્મય ગમે તેટલું ખીલેલું હોય, પણ અન્ય ભાષાઓના ઉત્તમ વાઙ્મયથી પોતાના બાંધવોને પરિચિત કરવા અને અન્ય ભાષાભાષીઓના નૂતન પ્રવાહો, દૃષ્ટિબિંદુઓ અને શક્તિસામર્થ્યનો તેમને ચેપ લગાડવો એ પણ સાહિત્ય અને સમાજની પ્રગતિશીલતાની નિશાની છે. જગતની તમામ ભાષાઓના શિષ્ટસુંદર ગ્રંથો પોતાની ભાષામાં પણ વાંચવા મળે, એ ગુજરાતી અનુવાદકોનું ધ્યેય હોવું જોઈએ. આ દાયકે એવા કેટલાક ઉત્તમ અનુવાદો -રૂપાંતરો આપણને સાંપડ્યા છે. અહીં તેના ગુણદોષ ચર્ચાવાને અવકાશ નથી, એટલે તેમને નિર્દેશ કરીને જ સંતોષ લઈશું. કવિતા શ્રીમતી રેહાના તૈયબજીના 'The Heart of a Gopi’નો પ્રૉ. બ. ક. ઠાકોરે કરેલો 'ગોપીહૃદય' નામે અનુવાદ; રવિબાબુનાં ગીત- કાવ્યોમાંથી ચૂંટણી કરીને સ્વ. મેઘાણીએ આપેલું 'રવીન્દ્રવીણા' નામે રૂપાંતરિત પુસ્તક; 'We are seven', 'Hermit', 'The Deserted Village' અને ‘An elegy written in a country church-yard' એ ચાર કાવ્યોનું શ્રી. કુલસુમ પારેખ અને ડૉ. સુરૈયાએ કરેલું ભાષાંતર; કીટ્સના ‘Isabella’ને 'અશ્રુમતી' નામે થયેલા અનુવાદ ભગવદ્દગીતાનું શ્રી. મશરૂવાળાએ કરેલું સમશ્લોકી ભાષાંતર; જગન્નાથ પંડિતનું 'કરુણાલહરિ’, શંકરાચાર્યનાં ‘ગંગાષ્ટક’ અને ‘અર્ધનારીનટેશ્વર' તથા કુરેશસ્વામી રચિત 'નારાયણાષ્ટક'નું રા. લાલજી વીરેશ્વર જાનીએ કરેલું ભાષાંતર અને અવારનવાર 'માનસી' ને 'દક્ષિણા' ત્રૈમાસિકમાં પ્રગટ થતાં રહેતાં શ્રી. અરવિંદની કવિતાનાં સુંદરમ્ તથા પૂજાલાલે કરેલાં ભાષાંતરો આ દાયકાના કાવ્યવિભાગમાં નોંધપાત્ર ઉમેરારૂપ ગણાય. નાટક ‘હૅમ્લેટ' અને 'મર્ચંટ ઑફ વેનિસ’માં શ્રીમતી હંસાબહેન મહેતાએ નિબંધ અનુષ્ટુપમાં કરેલાં ભાષાંતરો; શરદબાબુના ‘પલ્લી સમાજ'નો 'રમા' નાટકમાં પુનર્જન્મ (હિંદી પરથી); મરાઠી નાટ્યકાર પ્રિ. અત્રેનાં 'લગ્નની બેડી', 'આવતી કાલ', વગેરે નાટકોનાં ભાષાંતરો; ટૉલ્સ્ટૉયની ‘પાવર ઑફ ડાર્કનેસ' એ નાટ્યકૃતિનું શ્રી. મૂળશંકર ભટ્ટે કરેલું ભાષાંતર; પી. જી. વુડહાઉસની 'ઈફ આઈ વેર યૂ' નામની વાર્તાનું રા. ધનંજય ઠાકરે ‘જો હું તું હોત' નામે કરેલું રૂપાંતર; રવિબાબુનાં નાટકો અને સંવાદ-કાવ્યોનો 'લક્ષ્મીની પરીક્ષા' અને 'સતી' નામે રા. નગીનદાસ પારેખે કરેલો અનુવાદ; મેકિસમ ગોર્કીના ‘લોઅર ડેપ્થ્સ' નાટકનું શ્રી. ગિરીશ ભચેચે કરેલું 'ઊંડા અંધારે'માં રૂપાંતર; શ્રી. કે. કા. શાસ્ત્રીએ ઉતારેલ ‘કવિ કાલિદાસનાં ત્રણ નાટકો'; રશ્મિબહેન પંચોળીએ ‘૧૯૪૨' નાટકમાં મરાઠી નાટ્યકાર મધુસૂદન કાલેલકરરચિત 'ઉઘાંચે જગ'નું કરેલું વેશાંતર; આટલી આ દાયકાના નાટ્યવિભાગમાં મળેલી સુવાચ્ય અનુવાદકૃતિઓ છે. નવલકથા આજકાલ બંગાળી નવલનવેશોની કૃતિઓના અનુવાદોનો ગુજરાતીમાં તોટો નથી. એક જ કૃતિના એકથી વધુ અનુવાદો વિવિધ પ્રકાશકો તરફથી પ્રસિદ્ધ થવા માંડ્યા છે. શરદ્દ્બાબુ, રવિબાબુ, બંકિમચંદ્ર, શ્રી. પ્રભાવતી દેવી સરસ્વતી, શ્રી, અનુપમાદેવી, શ્રી. સૌરીન્દ્રમોહન, નારાયણ ભટ્ટાચાર્ય, નરેશચંદ્ર સેનગુપ્ત, તારાશંકર બંદોપાધ્યાય, પ્રબોધ સાન્યાલ, નવગોપાલદાસ, ભૂપેન્દ્રનાથ રાયચૌધરી, સુમનનાથ ઘોષ, બલાઈચંદ્ર મુખોપાધ્યાય, ઇત્યાદિ બંગાળી લેખકોની નવલકથાઓ ગુજરાતીમાં ભાષાંતરિત થઈ છે. બંગાળી નવલકથાઓની અનુવાદો રૂપે ધૂમ આયાત ગુજરાતમાં કેમ થતી રહેતી હશે? ગુજરાતીઓને બંગાળની લાગણીમયતા આકર્ષી ગઈ છે એનો કશો વાંધો નથી, પણ બંગાળની પ્રતિભાશીલ નવલોની સાથે તેની સત્ત્વહીન કૃતિઓ પણ ગુજરાતી ભાષાને માથે અનુવાદકો-પ્રકાશકો મારે, એમાં તેમની શોભા કે વાઙ્મયની સેવા નથી. હિંદી નવલકથાઓમાંથી શ્રી. સિયારામશરણની કૃતિ 'ગોદ'નું, શ્રી. રાહુલ સાંકૃત્યાયનની કૃતિ ‘વોલ્ગાસે ગંગા'નું, શ્રી. જૈનેન્દ્રકુમારની કૃતિઓ 'પરખ' અને 'ત્યાગપત્ર'નું અને સ્વ. પ્રેમચંદજીની કૃતિ 'કાયાકલ્પ'નું : આટલાં ભાષાંતરો આવકારને પાત્ર છે. મરાઠી નવલકથાઓના અનુવાદો પણ ઠીક ઠીક થતા જાય છે. 'દાઝેલાં હૈયાં', 'સુલભા', 'સૂનાં મંદિર', 'ઉલ્કા' અને 'વર-વહુ અમે' ખાંડેકરની વાર્તાઓનાં ભાષાંતરો છે; 'ક્રાન્તિ' અને 'સન્ધ્યા' સાને ગુરુજીના અને 'પ્રવાસી' ભા. ૧-૨ પ્રૉ. ફડકેની વાર્તાના અનુવાદ છે. ઉર્દૂના વિખ્યાત લેખક કાઝી મુહમ્મદ અબ્દુલ ગફફારના મશહૂર પુસ્તકનો ‘લયલાના પત્રો'માં અનુવાદ મળે છે. સિંધી સાહિત્યની પહેલી મૌલિક નવલકથાનો અનુવાદ 'આશીર્વાદ' નામે પ્રગટ થયો છે. તેના મૂળ લેખક છે સેવક ભોજરાજ. હવે પરદેશી કૃતિઓના અનુવાદો : વાન્દા વાસિલેવ્સ્કાની ૧૯૪૩નું સ્તાલિન-ઇનામ જીતનાર કથા ‘રેઈન્બો'નું ‘મેઘધનુષ' નામે રમણલાલ સોનીએ ભાષાંતર કર્યું છે. જૉન સ્ટાઈનબેકની 'ધ મૂન ઈઝ ડાઉન' નવલકથાનો અનુવાદ 'શશી જતાં' એ નામે જયંતકુમાર ભટ્ટે કર્યો છે. વિકટર હ્યુગોની નવલ 'નાઈન્ટી થ્રી'નો સારાનુવાદ ‘જ્વાલા'માં મહેન્દ્ર મેઘાણીએ આપ્યો છે. જર્મન લેખક એરિમોરિયા રેમાર્કની 'ઑલ ક્વાયેટ ઑન ધ વેસ્ટર્ન ફ્રન્ટ'નો અનુવાદ 'પશ્ચિમના સમરાંગણે'માં સ્વ. સોમૈયાએ અને તેના અનુસંધાનમાં 'રોડ બેંક'નો અનુવાદ 'ઘરને મારગે'માં મકરન્દ દવેએ પ્રગટ કર્યો છે. ઉપરની પાંચે યુદ્ધસમયની નવલકથાઓ છે. પેરી બરજેસની કૃતિ 'ઉવી વૉક એલોન'નું કાકા કાલેલકર અને રા. મશરૂવાળાએ કરેલું સુવાચ્ય ભાષાંતર 'માનવી ખંડિયરો' છે. ટૉલ્સ્ટૉયની 'જીવનવન' અને 'શેઠ અને ચાકર' તથા મેરી કૉરેલીકૃત 'પ્રભુનું ધન' શ્રી. ચંદ્રશંકર શુકલે આપેલા સુંદર અનુવાદો છે. જ્યોર્જ ઑરવેલકૃત 'ઍનિમલ ફાર્મ'નો અનુવાદ 'પશુરાજ્ય' નામથી, જોન સ્ટાઈનબૅકલિખિત 'પર્લ’નો ભાવવાહી અનુવાદ 'મોતી'ના નામથી અને પેટ ફ્રેન્કની 'મિસ્ટર આદમ' કૃતિનો સંક્ષિપ અનુવાદ તે જ નામથી શ્રી જયંતી દલાલે આપેલ છે. અમેરિકન પત્રપ્રતિનિધિ જોન હર્સીની વાર્તાનો અનુવાદ 'હિરોશિમા' નામથી નિરુ દેસાઈએ કર્યો છે. વૈજ્ઞાનિક કલ્પનાકથાઓના વિખ્યાત ફ્રેન્ચ લેખક જુલે વર્નકૃત 'ક્લિપર ઑફ ધ ક્લાઉડ્ઝ'નો 'ગગનરાજ' નામે અનુવાદ રા. મૂ. મો. ભટ્ટે પ્રગટ કર્યો છે. મશહૂર અંગ્રેજી જંગલકથા 'ટારઝન ઑફ ધ એપ્સ’નો રા. મકરન્દ દવેએ ‘જંગલનો રાજા ટારઝન' નામે અનુવાદ આપ્યો છે. આ દાયકે નવલકથા વિભાગમાં ભાષાંતર-રૂપાંતરોની સંખ્યા લગભગ ૧૦૦ ઉપરની થવા જાય છે. આ ઉપરથી એમ કહી શકાય કે ગયા દાયકા કરતાં આ દાયકે પરદેશી નવલકથાઓએ આપણા અનુવાદકોનું ધ્યાન ઠીક ઠીક ખેંચ્યું છે. નવલિકા બંગાળી વાર્તાસાહિત્યમાંથી આ દાયકે 'તીન સંગી' અને 'હેમંતી' એ રવિબાબુના નવલિકા સંગ્રહો ગુજરાતીમાં ઊતર્યા છે. અવનીન્દ્રનાથ ઠાકુરકૃત 'રાજકાહિની ભા-૧'ની વાર્તાઓના અને શ્રી, ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરકૃત 'સીતાવનવાસ' અને 'શકુંતલા'ની વાર્તાઓના અનુવાદ પણ આ દાયકે પ્રગટ થયા છે. હિંદી વાર્તાસાહિત્યમાંથી વિવિધ નવલિકાકારોની વાર્તાઓના અનુવાદો હિંદીની શ્રેષ્ઠ વાર્તાઓ' તથા 'રેણુ અને બીજી વાતો' રૂપે થયા છે. મરાઠી નવલિકાસાહિત્યમાંથી 'દેવદૂત' અને 'પ્રૉ. ફડકેની વાતો' એમ બે વાર્તાસંગ્રહો પણ આ વિભાગના નોંધપાત્ર ઉમેરા છે. પરદેશી નવલિકાઓના પાંચ ઉત્કૃષ્ટ સંગ્રહો આ દાયકે મળ્યા છે. ‘નિઃસંતાન'માં યુરોપના જુદા જુદા લેખકોની ઉત્તમ વાર્તાઓનો સંચય છે, ‘પ્રથમ પત્ની'માં પર્લબર્કનું કીમતી વાર્તાધન મળે છે. ‘વામા' અને 'પ્રલોભન' ફ્રાન્સ, રશિયા, જર્મની, ચીન, જાપાન, ડેન્માર્ક, પોલેન્ડ, હંગેરી, ઑસ્ટ્રિયા, સ્વીડન, ઇટલી આદિ દેશોની ભાષાઓની વેધક વાર્તાઓના અનુવાદ-સંગ્રહો છે. ટૉલ્સ્ટોયની પાંચ ઉત્કૃષ્ટ ટૂંકી વાર્તાઓનો અનુવાદ “કોની બહેન?” નામથી શ્રી. ચંદ્રશંકરે આપ્યો છે. લલિતેતર વાઙ્મય ૫રભાષાઓની સર્જનાત્મક કૃતિઓ સિવાયનાં ઉત્તમ પુસ્તકોના આ દાયકે થયેલા અનુવાદોની યાદી નીચે આપવામાં આવે છે. ૧. શ્રી. ઘનશ્યામદાસ બિરલાકૃત 'બાપુ; ૨. પંડિત સુંદરલાલકૃત 'હજરત મહંમદ અને ઈસ્લામ'; ૩. યુસુફ મહેરઅલીકૃત 'આપણા નેતાઓ. ભા. ૧–૨'; ૪. શ્રી. દિલિપકુમાર રૉયરચિત 'તીર્થસલિલ'; ૫. શ્રી. વિનોબા ભાવેકૃત ‘મધુકર'; ૬-૭. ટૉલ્સ્ટૉયકૃત 'કળા એટલે શું?' અને ‘ચૂપ નહિ રહેવાય'; ૮. સર રાધાકૃષ્ણનકૃત ‘ધર્મોનું મિલન'; ૯. પ્રૉ. જદુનાથ સરકારકૃત ‘મુઘલ રાજ્યવહીવટ'; ૧૦-૧૧. રવીન્દ્રનાથ ટાગોરકૃત 'પૂર્વ અને પશ્ચિમ’ અને 'સાહિત્ય'. ૧૨. શ્રી. સદાશિવશાસ્ત્રી ભીડેકૃત ‘કેનોપનિષદ’. ૧૩-૧૪-૧૫. ‘શ્રી, અરવિંદનું યોગદર્શન’, ‘જગન્નાથનો રથ', ‘યોગ અને તેનાં લક્ષ્ય', એ અરવિંદવિષયક પુસ્તકો. ૧૬-૧૭. શ્રીપદ્ દામોદર સાતવળેકરકૃત ‘વેદામૃત' અને 'શ્રીમદ્ભગવદ્દગીતા'. ૧૮. ‘પીરામીડની છાયામાં'-અનુ. ચંદ્રશંકર શુકલ. ૧૯.. ‘જગતના ઇતિહાસનું રેખાદર્શન'-પંડિત જવાહરલાલ. ૨૦. એચ. જી. વેલ્સકૃત 'ઇતિહાસની રૂપરેખા'. ૨૧. પં. જવાહરલાલ નહેરુકૃત 'ઇન્દુને પત્રો', ૨૨. સર રાધાકૃષ્ણન્ સંપાદિત 'ગાંધીજીને જગવંદના'. ૨૩. ‘ઉપનિષદો.’ ભા. ૧-૨ ; સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય. ૨૪. શ્રી. અર્ધકુમાર ગાંગૂલીકૃત. 'શિલ્પપરિચય', ૨૫. બર્ન્ટ્રાન્ડ રસેલકૃત 'સુખની શોધ'. ૨૬. ‘મહર્ષિ' અણ્ણાસાહેબનું ચરિત્ર અને તેની સુલભ ઔષધ પદ્ધતિ’-અનુ. અનંત ગોવિંદ ભાગવત. ૨૭-૨૮. મીનુ મસાણીકૃત 'આપણું હિંદુસ્તાન' અને 'આપણો ખોરાક.’ ૨૯. રિચર્ડ ગ્રેગકૃત 'અહિંસાની તાલીમ'. ૩૦. અશોક મહેતા-અચ્યુતપટવર્ધનકૃત 'હિંદનો કોમી ત્રિકોણ.' ૩૧. કનૈયાલાલ મુનશીકૃત 'અખંડ હિંદુસ્તાન'. ૩૨. ધર્માનંદ કોસંબીકૃત 'અભિધર્મ'. ૩૨ ‘શ્રી. યોગવાસિષ્ઠ' : સારાનુવાદ-ગોપાળદાસ-પટેલ. ૩૩-૩૪. ‘ગીતાસંકલન’-રમણ મહર્ષિં; 'ગીતાધર્મ'-કાલેલકર. ૩૫-૩૬. 'ગીતાહૃદય’- સાને ગુરુજી; 'કેળવણી' : સ્વામી વિવેકાનંદ. ૩૭. શ્રી. જાવડેકરકૃત 'આધુનિક ભારત'- ઇતિહાસ. ૩૮. શ્રીમતી સોફિયા વાડિયાકૃત 'સ્વરાજશિક્ષણ'. ૩૯. રવીન્દ્રનાથ ટાગોરકૃત 'પંચભૂત'. ૪૦. આચાર્ય ક્ષિતિમોહનસેનકૃત 'શિક્ષણસાધના'. ૪૧. જે. સી. કુમારપ્પાકૃત 'હિંદ-બ્રિટનનો નાણાંવ્યવહાર'. ૪૨. રઘુનાથશાસ્ત્રી કોકજેકૃત 'ભારતીય તર્કશાસ્ત્ર'. ૪૩-૪૪. મરાઠીમાંથી ‘એશિયાના ધર્મદીપકો' અને 'અમારી ઇન્દુનું શિક્ષણ'. ૪૫. ‘ગાંધીજીનો સરકાર સાથેનો પત્રવ્યવહાર' ૪૬. 'ખોરાકમાં ઝેર' : મૂળ લેખક-પ્રિ. મોઝીઝ ઈઝિકિયલ, ૪૭ થી ૫૨. ડૉ. રાધાકૃષ્ણન્ કૃત 'ગીતાદર્શન', 'વેદની વિચારધારા', 'મહાભારત', 'હિંદુ ધર્મ', 'ભારતનો વારસો', ‘યુવાનોની સંસ્કારસાધના'. ૫૩. આચાર્ય કૃપલાનીકૃત ' હિંદી રાષ્ટ્રીય મહાસભા'. ૫૪. મહાદેવ દેસાઈકૃત 'મૌલાના અબુલકલામ આઝાદ'. ૫૫. જવાહરલાલ નહેરુકૃત 'ભારતની એકતા'. ૫૬. લુઈ ફીશરકૃત 'ગાંધીજી સાથે અઠવાડિયું'. ૫૭. ‘ગાંધીવાદી આર્થિક યોજના'-આચાર્ય અગ્રવાલ. ૫૮. શ્રીમતી મ્યુરીએલ લેસ્ટર : 'ગાંધીજીની યુરોપયાત્રા'. ૫૯. મિસિસ પોલાક : 'ગાંધીજીના જીવનપ્રસંગ'. ૬૦: કનૈયાલાલ મુનશી : 'આત્મશિલ્પની કેળવણી'. આ દાયકાના સિદ્ધહસ્ત અનુવાદકો તરીકે શ્રી. ચંદ્રશંકર શુકલ, શ્રી. નગીનદાસ પારેખ, શ્રી. મશરૂવાળા, શ્રી. મગનભાઈ દેસાઈ, શ્રી. રમણલાલ સોની, શ્રી. ગોપાળદાસ પટેલ, શ્રી. નરહરિભાઈ પરીખ, શ્રી. વિદ્વાંસ, શ્રી. જયંતીલાલ આચાર્ય, શ્રી. બચુભાઈ શુકલ, રા. પાંડુરંગ દેશપાંડે વગેરે વિદ્વાનોને ગણાવી શકાય. પણ એ સૌમાં અવિરત અનુવાદસેવાથી મા ગુર્જરીની વિશેષ સેવા બજાવનાર શ્રી. ચંદ્રશંકર છે. અનુવાદ માટેનાં પુસ્તકની તેમની પસંદગી, અંગ્રેજી અને ગુજરાતી ઉભય ભાષા પરનું તેમનું પ્રભુત્વ, તેમની પ્રવાહી, સરલ, સુવાચ્ય અનુવાદરીતિ, સત્ત્વગુણી દૃષ્ટિ અને બહુશ્રુતતા, અનુવાદક તરીકે સ્વ. મહાદેવભાઈનું ખાલી પડેલું સ્થાન તેમને સહજપણે અપાવે છે. આપણે ઇચ્છીએ કે પરદેશની ઉત્તમોત્તમ કૃતિઓના શ્રેષ્ઠ અનુવાદો તેમની પાસેથી વધુ ને વધુ મળતા રહે ! પ્રકાશન–પ્રવૃત્તિ ગુજરાતી પુસ્તકો છપાઈમાં આકર્ષક અને કલામય બનતાં જાય છે એવું દાયકાનાં ઘણખરાં પુસ્તકો જોતાં લાગે છે. પુસ્તક ઉપરનાં જૅકેટ, રંગબેરંગી ચિત્રો અને કલાયુક્ત રેખાઓ વડે સુશોભિત બનવા પામ્યાં છે. 'પારકી જણી' અને 'મંબો જબો' જેવાં પુસ્તકમાં કટાક્ષચિત્રો આપવાનો આરંભ થયો છે, તેમ છતાં એકંદરે પહેલાં પ્રસંગો કે પાત્રચેષ્ટાઓનું નિદર્શન કરતાં ચિત્રો જોવા મળતાં તે હવે મોંઘવારીને કારણે અથવા તો કલારુચિ બદલાતા અદૃશ્ય થયાં છે. પુસ્તકના આકાર, બાંધણી તથા છપાઈમાં સાદાઈને વિશેષ મહત્ત્વ મળ્યું છે. દાયકાના કોઈ કોઈ કાવ્યસંગ્રહોમાં અખતરા દાખલ કાલેલકરી ગુજરાતી લિપિનો અને નાગરીમાં કાવ્યશીર્ષકો છાપવાની પ્રથા પડી છે. દાયકાનાં ઘણાંખરાં પુસ્તકોનો આકાર સુષ્ઠુ, રૂપરંગ મનોહર અને બાંધણી પાકી પણ મજબૂતાઈ ઓછી જણાય છે. આ દાયકાની મુખ્ય પ્રકાશન સંસ્થાઓ ‘નવજીવન', ‘ભારતી સાહિત્ય સંઘ લિ.’, ‘આર. આર. શેઠની કુાં.’, ‘ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય’, ‘એન. એમ. ત્રિપાઠીની કું.', 'ગુજરાત વિદ્યાસભા', 'સસ્તું સાહિત્ય વર્ધક કાર્યા,', 'ગતિ પ્રકા. લિ.' અને 'વોરા એન્ડ કું.' છે. લલિત સાહિત્યમાં 'ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય', 'ભારતી સાહિત્ય સંઘ' ને 'આર. આર. શેઠ' અને લલિતેતર સાહિત્યમાં 'નવજીવન' અને 'સસ્તું સાહિત્ય વર્ધક' મોખરે આવે. અલબત્ત, કીમત, કાગળ અને પુસ્તકની બાંધણીની બાબતમાં 'ભારતી સાહિત્ય સંઘ' અને 'આર. આર. શેઠ' વિશે ફરિયાદ કરી શકાય. એ માટે 'નવજીવન', 'ગુજરાત વિદ્યાસભા' ને 'ગુર્જર ગ્રંથરત્ન' પ્રોત્સાહનને પાત્ર ઠરે તેમ છે. કીમતની બાબતમાં સૌથી વિશેષ ધન્યવાદને પાત્ર 'સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય' જ ગણાશે. ધાર્મિક પુસ્તકો જેટલો સાહિત્યના અને શાસ્ત્રનાં પ્રકાશનો માટે વેચાણને અવકાશ કદાચ નહિ હોય; તો પણ 'નવજીવન', 'ભારતીય વિદ્યાભવન', 'ગુજરાત વિદ્યાસભા', 'સયાજી સાહિત્યમાળા’ અને ‘ફાર્બસ સાહિત્ય સભા' જેવી નફાની દૃષ્ટિને ન લક્ષનારી સંસ્થાઓએ આ સંસ્થાને કીમતની બાબતમાં અનુસરવું ઘટે. અંગ્રેજીમાં બે-અઢી રૂપિયામાં સોમરસેટ મૉમની નવલકથાઓ કે રિચાર્ડ્સનાં વિવેચન-પુસ્તકો મળી શકે અને ગુજરાતી નવલકથા કે વિવેચનનું પુસ્તક વાંચવા માટે પાંચ રૂપિયા ખર્ચવા પડે એ બાબત શું પુસ્તક-ખરીદીની આડે નથી આવતી? પ્રકાશનો સંબંધે બીજી એક ગંભીર ફરિયાદ કરવાની છે તેમાંની અશુદ્ધ જોડણી માટે. સામાન્ય પ્રકાશન સંસ્થાઓ તો જાણે તે તરફ દુર્લક્ષ સેવે તે સમજી શકાય, પણ 'ભારતી સાહિત્ય સંઘ’, ‘ગુર્જર ગ્રંથરત્ન', 'આર. આર. શેઠ’ કે ‘એન. એમ. ત્રિપાઠી' જેવી પહેલી હરોળની સંસ્થાઓ પણ તેમનાં પ્રકાશનોમાં જોડણીની સંખ્યાબંધ ભૂલો તરફ આખમીંચામણાં કરે એ કેટલું દુઃખદ છે! અરે, ભાષા-જોડણીની શુદ્ધિ માટે ઠીક સાવચેતી બતાવનારી 'નવજીવન' અને 'ગુજ. વિદ્યાસભા' જેવી સંસ્થાઓનાં પ્રકાશનોમાં ય હવે તો જોડણીદોષો ડોકાવા લાગ્યા છે. આ બાબતમાં લેખકો કરતાં પ્રકાશન સંસ્થાઓ વધુ જવાબદાર છે. સંસ્થાઓ જોડણીકોશ ખરીદીને ઈતિકર્તવ્ય માનવા કરતાં ભણેલા પ્રૂફ સુધારનારાઓ રાખીને પૂરું કર્તવ્યપાલન કરે તે ઇચ્છવાજોગ છે. દાયકા દરમિયાન કેટલીય વિવિધ પ્રકારની લોકહિતાર્થ (?) ગ્રંથમાળાઓ બે કે ચાર પુસ્તકો બહાર પાડી મરણશરણ થઈ ગઈ છે. એની પાછળ રહેલી કેવળ નફાખોર દૃષ્ટિ અને પ્રવૃત્તિએ ભાષા અને સાહિત્યને શરમાવે તથા ગ્રાહકોને છેતરે તેવાં પુસ્તકો માથે માર્યાં છે. આને બદલે બે-ચાર સારી સમૃદ્ધ સંસ્થાઓ ભેગી મળી ઓછા મૂલ્યે આમ જનતા માટે સાહિત્યશ્રેણીઓ શરૂ કરે અને મોટા પાયા ઉપર ગુજરાતી સાહિત્યનો ફેલાવો કરે તો ગુજરાતી જનતા અને ભાષાનું હિત વધુ સધાય. કપરા સંજોગોમાં યે આપણી પ્રકાશન સંસ્થાઓએ જુદા જુદા વિષય પ્રકાર અને શૈલીનાં પુસ્તકો આપવાં ચાલુ રાખીને આ દાયકાના સાહિત્યપ્રવાહને સંખ્યા અને વિવિધતામાં પાતળો પડવા દીધો નથી. સર્જકતાને ધોરણે આ દાયકો કૈંક મોળો જણાય છે, તો લલિતેતર વાઙ્મયના ખેડાણમાં એની સિદ્ધિ આગલા કોઈ પણ દશકા કરતાં વિશેષ છે. એમ લલિતની ખોટ જાણે કે લલિતેતરમાં પુરાઈ જાય છે. પણ, દાયકે દાયકે, સરિતાના પ્રવાહની જેમ સાહિત્યનો પ્રવાહ આ રીતે દિશા બદલે, વળાંક લે, પટનો વિસ્તાર-સંકોચ અનુભવે એ સ્વાભાવિક છે. વિસ્તૃત બનતા જતા પટમાં વહેતી ગુજરાતી વાઙ્મયની સરિતાનાં જળ આ ગાળામાં નીતરેલાં પણ કૈંક છીછરાં બન્યાં જણાય છે અને તેનો પ્રવાહ પણ કવચિત્ મંદ દેખાય છે. પણ તેથી કાંઈ નિરાશ થવાની જરૂર નથી. પછી-દાયકે બે દાયકે-આવનાર પૂરની પૂર્વતૈયારી થતી હશે તો કોને ખબર છે?