ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧૦મું/મગનભાઈ ભૂધરભાઈ પટેલ (પતીલ)

મગનભાઈ ભૂધરભાઈ પટેલ

‘પતીલ’ અને ‘ઈકલેસરી’ને નામે મસ્ત શૈલીના કાવ્યો રચનાર શ્રી. મગનભાઈ પટેલનો જન્મ ઈ.સ. ૧૯૦૬માં લેઉઆ પાટીદાર જ્ઞાતિમાં તેમના મૂળ વતન અંકલેશ્વરમાં થયેલો. તેમના પિતાનું નામ ભૂધરભાઈ જયરામભાઈ અને માતાનું નામ ભૂરીબહેન. તેમનું લગ્ન માત્ર છ વર્ષની ઉમરે ઈ.સ. ૧૯૧૨માં શ્રી. ચંચળલક્ષ્મી વેરે થયેલું, પણ તેમનો સ્વર્ગવાસ થતાં હાલ તેઓ વિધુરાવસ્થા ગાળે છે. પ્રાથમિક પાંચ ધેારણો સુધીનું શિક્ષણ અંકલેશ્વરની મુખ્ય સ્કૂલમાં તેમણે લીધેલું. ઈ.સ. ૧૯૨૪માં ત્યાંની મ્યુનિસિપલ હાઈસ્કૂલ (હાલની ઈ. એન. જીનવાલા હાઈસ્કૂલ)માંથી તેઓ મેટ્રિક પાસ થયેલા. પછીથી તેઓ આગળ અભ્યાસ કરી શક્યા નહિ. ત્યારબાદ ઉદરનિર્વાહ અર્થે તેમણે નોકરી સ્વીકારી;–જે લેખનકાર્યમાં અંતરાયરૂપ હોવાની તેમની સતત ફરિયાદ છે. ઈ.સ. ૧૯૩૦માં પ્રૉ. રામનારાયણ વિ. પાઠક સાથે તેમને પ્રથમ પરિચય થયો. પ્રૉ. પાઠક દ્વારા પ્રૉ. બળવંતરાય ઠાકોર વગેરે સાક્ષરોએ તેમની કવિતાઓને સત્કારીને ઉત્તેજન આપ્યું. ગુજરાતીમાં કવિતારચનાનો પ્રયોગ તેમણે પ્રથમ તો અંગ્રેજીમાં અંગ્રેજી પદ્ધતિનાં કાવ્યો લખવાની રમતો કરતાં કરતાં કરેલો; પણ જેમ જેમ તેમની કાવ્યમસ્તી ગુજરાતી ભાષામાં ઊછળતી ચાલી અને માન્ય વિવેચકોએ તેમની કવિતાને આદર આપ્યો તેમ તેમ કાવ્યકલાની હથોટી તેમને સિદ્ધ થતી ગઈ. તેમના જીવનનો મુખ્ય ઉદ્દેશ છે સંસારનાં ત્રિવિધ સુખોનો અનુભવ કરવાનો. કાવ્યપ્રવૃત્તિ દ્વારા તે ઉદ્દેશને પાર પાડવાનો અખતરો તેઓ કરી રહ્યા છે. તેમનો પ્રિય કવિ બાયરન છે. બાયરનના જેવો પરિતાપ પોતે પણ અનુભવતા હોવાથી તેની મસ્તી અને રંગીનતા તરફ પોતાને ખૂબ આકર્ષણ હોવાનું તેઓ કહે છે. તેમનો સૌથી પ્રિય ગ્રંથ છે ‘ચાઈલ્ડ હેરોલ્ડની યાત્રા’. એમનો પ્રિય કાવ્યપ્રકાર ગઝલ છે-જો કે બીજા કાવ્યપ્રકારોના પ્રયોગો પણ તેઓ કરે છે. તેમનો મનગમતો લેખનવિષય પ્રેમ છે, કેમકે એના નિરૂપણમાં યથાક્રમે જ્ઞાનનાં બધાં અંગો ઓછેવત્તે અંશે સમાઈ જાય છે એમ તેમનું દૃઢ મંતવ્ય છે. દેશદેશની કવિતા માટે તેમને દિલચશ્પી છે. જગતભરની કવિતાના અભ્યાસ દ્વારા વિવિધ પ્રયોગો કરી ગુજરાતી કવિતાને ઉન્નત બનાનવાના ઉત્કટ અભિલાષ તેઓ ધરાવી રહ્યા છે. તેમણે સૌપ્રથમ ‘નર્મદાને’ નામનું કાવ્ય ‘પ્રસ્થાન’માં ઈ.સ. ૧૯૩૧ની સાલમાં પ્રગટ કર્યું હતું. ત્યારથી અવારનવાર ગુજરાતનાં ઘણાંખરાં સામયિકોમાં તેમનાં કાવ્યો પ્રગટ થતાં રહ્યાં છે અને જુવાન વાચક વર્ગના આકર્ષણનો વિષય બન્યાં છે. કેટલોક સમય તેમણે સુરતના દૈનિક પત્ર ‘ગુજરાત’ના સાહિત્યવિભાગનું સંપાદન કર્યું હતું. આ પત્રમાં યશોબાલા’, ‘સ્નેહનૈયા’, ‘જયસેના’ અને ‘નીલપદ્મ’ જેવાં તખલ્લુસોથી હળવા લેખો, વિવેચનો અને પ્રાસંગિક ટીકાઓ તેમણે લખેલાં. પ્રૉ. ઠાકોરે ‘આ૫ણી કવિતાસમૃદ્ધિ’ની બીજી આવૃત્તિમાં અને ‘નવીન કવિતા વિશે વ્યાખ્યાનો’-માં અદ્યતન કાવ્યપ્રકારો અને શૈલીનું અવલોકન કરતાં શ્રી. પતીલની કેટલીક કૃતિઓને દૃષ્ટાંત તરીકે લઈને તેની લાક્ષણિક્તાઓ બતાવી છે. તેમની કવિતા અદ્યતન કવિતાપ્રવાહમાં નવી જ ભાત પાડે છે. ગઝલના ઢાળમાં તેમની રોમેન્ટિક પ્રકૃતિ નવા નવા આસમાની રંગો પકડી લાવે છે અને દિલની વેદનાઓ, ખુમારી, ફકીરી અને મહોબતના કડવા મીઠા જામ. તેમની કવિતા બેપરવાઈથી ઢોળતી રહે છે. તેમની કાવ્યભાવના ફારસી અને મધ્યકાલીન કવિતાનો બુલંદ પડઘો પાડે છે.

કૃતિઓ

કૃતિનું નામ *પ્રકાર *રચના સાલ *પ્રકાશન સાલ *પ્રકાશક મૌલિક કે અનુવાદ?
1. પ્રભાતનર્મદા *કાવ્યો ઇ. ૧૯૩૧થી ૧૯૪૦ *ઇ. સ. ૧૯૪૦ *પોતે *મૌલિક
પ્રગટ થયેલાં કાવ્યો કરતાં ઘણી મોટી સંખ્યામાં અપ્રગટ કાવ્યો તેમની પાસે પડેલાં છે.

અભ્યાસ-સામગ્રી

‘પ્રભાતનર્મદા’ માટે :–ઈ.સ. ૧૯૪૦નું ગ્રંથસ્થ વાઙ્મય.

***