ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧૦મું/મણિલાલ નભુભાઈ દ્વિવેદી
‘અભેદમાર્ગપ્રવાસી’ મણિલાલનો જન્મ વિ.સ. ૧૯૧૪ના ભાદરવા વદ ચોથ –ઈ.સ. ૧૮૫૮ના સપ્ટેમ્બરની ૧૯મી તારીખે પ્રાતઃકાળે નડિયાદમાં થયો હતો. એ નડિયાદના સાઠોદરા નાગર બ્રાહ્મણ હતાં. પિતાનું નામ નભુભાઈ ભાઈલાલ દવે અને માતાનું નામ નિરધાર હતું. સાત વર્ષની વયે તેમને ઉપનયન-સંસ્કાર થયા હતા. તેર-ચૌદ વર્ષની વયે તેમનાં લગ્ન ચારેક વર્ષની બાળકી મહાલક્ષ્મી સાથે થયાં હતાં. આશરે ચાર વર્ષની ઉંમરે મણિલાલે દયાશંકર પંડ્યાની ગામઠી નિશાળે ભણતરની શરૂઆત કરી. સાધારણ આંક અને વાચન સિવાય ગામઠી નિશાળમાં તેઓ ઝાઝું ભણી શક્યા નહિ. ધીરધાર અને ક્રિયાકાંડનો ધંધો કરનાર નભુભાઈની ગણતરી દીકરાને થોડુંક લખતાં વાંચતાં આવડે એટલે કોઈને ત્યાં મુનીમ તરીકે થોડો વખત રાખીને પોતાના ધંધામાં જોડી દેવાની હતી. એટલે ગુજરાતી પાંચ ધેારણ પૂરાં કરીને અંગ્રેજી નિશાળમાં દાખલ થવાનું આવ્યું, ત્યારે કિશોર મણિલાલને પિતા પાસેથી અભ્યાસ આગળ વધારવાની રજા મહાપરાણે–‘રડી કકળીને’ મેળવવી પડી. અંગ્રેજી બીજા ધેારણમાં ઝવેરલાલ લલ્લુભાઈ નામના શિક્ષકે મણિલાલને અભ્યાસમાં રસ લગાડ્યો–જેને પરિણામે એ બીજા ધોરણમાં પહેલે નંબરે પાસ થયા. તેમને ઈનામ મળ્યું; તેમના અભ્યાસથી ખુશ થઈને મુખ્ય શિક્ષકે તેમને ત્રીજું ધોરણ કુદાવીને ચોથામાં મૂક્યા. આથી રાજી થવાને બદલે વિદ્યાર્થી મણિલાલ નિરાશ થયા! બીજે દિવસે વર્ગ-શિક્ષક દ્વારા મુખ્ય શિક્ષક પાસે જઈને તેમણે વિનંતી કરીઃ ‘મને ઉતારી પાડો.’ મુખ્ય શિક્ષકે ‘તું વિચિત્ર છોકરો છે’ એમ સાશ્ચર્ય ઉદ્ગાર કાઢીને મણિલાલને ત્રીજા ધોરણમાં બેસવાની રજા આપી. ત્રીજામાં અભ્યાસ સારો ચાલ્યો, પણ ચોથા ધેારણની અંદર સંસ્કૃત, ગણિત અને ભૂમિતિ પર તેમને એવો કંટાળો ઉપજવા લાગ્યો કે એમાંથી કોઈ વિષયનો સમય ભરવાનું મન થતું નહિ. બીજા વિષયો સારા આવડતા. એટલે છઠ્ઠા ધેારણ સુધી વર્ગમાં તેમનો નંબર ખાસ ઊતર્યો નહિ. છઠ્ઠા ધોરણમાં વળી તેમનો ‘હાથ ઝાલનાર’ શિક્ષક છબીલરામ દોલતરામ મળી ગયા. સંસ્કૃત વ્યાકરણના નિયમો ગોખવાનો મણિલાલને કંટાળો હતો. તે ટાળવા સારુ છબીલરામ માસ્તર તેમને રવિશંકર શાસ્ત્રી પાસે ‘લઘુકૌમુદી’ શીખવા લઈ જવા લાગ્યા. ટૂંકા સૂત્ર રૂપે સંસ્કૃત વ્યાકરણ શીખવામાં તેમને રસ પડ્યો ને ‘જાણે તેમની જ મદદથી ભૂમિતિમાં પણ રસ પડ્યો!’ મેટ્રિકમાં તેમને મુખ્ય શિક્ષક દોરાબજી એદલજી ગીમીએ ઉત્તમ માર્ગદર્શન આપ્યું હતું. ગીમી સાહેબની સૂચનાથી મણિલાલે ઘણાં અંગ્રેજી પુસ્તકો હાઈસ્કૂલના અભ્યાસકાળમાં વાંચ્યાં હતાં. ટોડકૃત ‘સ્ટુડન્ટસ ગાઈડ’ એ વખતે તેમનું પ્રિય પાઠ્યપુસ્તક હતું. એ અને એમના સહાધ્યાયી છગનલાલ હરિલાલ પંડ્યા ઈ.સ. ૧૮૭૫માં મેટ્રિકની પરીક્ષામાં બેઠા. તેમણે શિક્ષકના આગ્રહથી મેટ્રિકમાં સંસ્કૃત ઐચ્છિક વિષય લીધો હતો. પરંતુ, પાછળથી દેશવિદેશમાં સંસ્કૃતના પંડિત તરીકે ખ્યાતિ પામનાર મણિલાલ અને ‘કાદંબરી’ના સમર્થ અનુવાદક છગનલાલ પંડ્યા સંસ્કૃતના જ વિષયમાં નાપાસ થવાથી, મેટ્રિકમાં પહેલે વર્ષે નિષ્ફળ ગયા. ૫છીને વર્ષે ગીમી સાહેબ બદલાઈ ગયા. વળી તેમને બે માસ સખત માંદગી આવી, પણ હવે તેમને અભ્યાસની બરાબર લગની લાગી હતી. ‘લઘુકૌમુદી’ અને ‘અમરકોશ’ રાત્રે બે વાગે ઊઠીને ગોખીને તેમણે પાકાં કર્યાં. અને એમ જાતમહેનત કરીને ૧૮૭૬ની મેટ્રિકની પરીક્ષામાં તેઓ આખી યુનિવર્સિટીમાં બીજે નંબરે પાસ થયા. તે જ વર્ષે યુનિવર્સિટીમાં શરૂ થયેલી કહાનદાસ મંછારામ શિષ્યવૃત્તિ (માસિક વીસ રૂપિયાની) તેમને મળ્યાની સરકારી ગેઝેટમાં જાહેરાત થઈ નભુભાઈની ઈચ્છા દીકરાને હવે આગળ ભણાવવાની નહોતી; પણ મણિલાલની મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજમાં દાખલ થવાની ઉત્કટ અભિલાષા હતી. એને માટે શિષ્યવૃત્તિના લાભ આગળ કરીને માંડ માંડ પિતાની અનુમતિ મેળવીને ૧૮૭૭ના આરંભમાં તેઓ ૧૮ વર્ષની વયે એલ્ફિન્સ્ટન કૉલેજમાં દાખલ થયા અને તેના છાત્રાલયમાં રહેવા લાગ્યા. સમયપત્રક બનાવીને દરરોજ લગભગ તેર-ચૌદ કલાક વાંચવાનો નિયમ મણિલાલે કૉલેજનાં ત્રણે વર્ષ ચીવટપૂર્વક પાળ્યો હતો. તેમની અભ્યાસ-પદ્ધતિ વિશિષ્ટ હતી. તેઓ કોઈ પણ વિષયને હસ્તામલકવત્ કર્યા વગર છોડતા નહિ. અમુક વિષયનું જ્ઞાન કોઈ એક પુસ્તકમાંથી યંત્રવત્ ગોખીને મેળવવાને બદલે તેઓ એ વિષયનાં ઘણાં પુસ્તકો વાંચીને તે વિષયનું સંપૂર્ણ જ્ઞાનં મેળવવાનો આગ્રહ હમેશાં રાખતા. આથી, અન્ય વિદ્યાર્થીઓ કરતાં તેમને શ્રમ ઘણો કરવો પડતો, પણ બદલામાં ઊંડા અને સંગીન જ્ઞાનનો લાભ મળતો. બી. એ.માં બુદ્ધિ અને તર્કશક્તિ ખીલવે તેવા ઇતિહાસ અને રાજનીતિશાસ્ત્ર (Political Economy)ને તેમણે ઐચ્છિક વિષય તરીકે પસંદ કર્યા હતા. એ પરીક્ષા માટે તેમણે ભારે મોટી તૈયારી કરી હતી. બી.એ.માં તેઓ બીજા વર્ગમાં પાસ થયા હતા, પણ આખી પરીક્ષામાં તેમનો નંબર બીજો હતો. ઈતિહાસ–રાજનીતિશાસ્ત્રમાં તેમને જેમ્સ ટેલર પરિતોષિક મળ્યું હતું. આમ મણિલાલની કૉલેજ-કારકિર્દી તેજસ્વી હતી. ડૉ. ભાંડારકર અને પ્રિ. વર્ડ્ઝવર્થની ઉત્તમ પ્રીતિ અને શિક્ષણ-પદ્ધતિનો તેઓ લાભ પામ્યા હતા. પ્રિ. વર્ડ્ઝવર્થની કૃપાથી તેઓ બી. એ. પાસ થયા પછી ઍલિફન્સ્ટન કૉલેજમાં માનાર્હ ‘ફેલો’ તરીકે નિમાયા હતા. ‘ફેલો’ તરીકે તેમણે પોતાને અણગમતા વિષયો ‘ટ્રીગોનોમેટ્રી’ અને ‘યુક્લિડ’ ખૂબ મહેનત લઈને એક વર્ષ શીખવાડીને કૉલેજના વિદ્યાર્થીઓમાં ઉત્તમ છાપ પાડી હતી. ગમે ત્યાં નોકરી સ્વીકારી લેવાનું હવે અનિવાર્ય હતું. એટલે પોતાની ઘણી ઈચ્છા હોવા છતાં મણિલાલથી એમ. એ.નો અભ્યાસ થઈ શકે તેમ નહોતો. પણ તેમની અભ્યાસતૃષા અદમ્ય હતી; એમ. એ. ની પરીક્ષામાં અઘરા ગણાતા વિષયો ઈતિહાસ અને ફિલસૂફી પૂરેપૂરા પાકા કરી લેવાના ઈરાદે અધ્યાપકો પાસેથી તેમણે એ વિષયોના પાઠ્યગ્રંથોની પૂરી યાદી મેળવી લીધી અને પોતાના શૉખના વિષયોનું ઊંડું જ્ઞાન સંપાદન કરીને સંતોષ લીધો. ૧૮૮૦ના એપ્રિલ સુધી તેમણે ‘ફેલો’ની કામગીરી બજાવી. પછીના જુલાઈમાં નડિયાદની હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે રૂપિયા સાઠના દરમાયાથી તેઓ જોડાયા. ત્યાં તેમણે થોડો વખત કામ કર્યું એટલામાં ૧૮૮૧ના એપ્રિલમાં તેમને મુંબઈની સરકારી ગુજરાતી નિશાળોના ડેપ્યુટી એજ્યુકેશનલ ઈન્સ્પેકટરની જગ્યા મળી. મુંબઈ-નિવાસ દરમ્યાન તેમણે કેળવણી ખાતામાં નિષ્ઠાવાન અને કાર્યદક્ષ અધિકારી તરીકે અને શિક્ષિત સમાજમાં બુદ્ધિશાળી ચિન્તક અને લેખક તરીકે દૃઢ છાપ પાડી હતી. ૧૮૮૫ના જાન્યુઆરિમાં નવી નીકળેલી ભાવનગરની શામળદાસ કૉલેજમાં સંસ્કૃતના પ્રોફેસર તરીકે તેમની નિમણૂંક થતાં તેઓ મુંબઈથી ભાવનગર ગયા. ૧૮૮૮ના એપ્રિલ સુધી ત્યાં તેમણે ઉત્તમ અધ્યાપન-કાર્ય કરીને લોકો અને વિદ્યાર્થીઓની પ્રીતિ સંપાદન કરી હતી. પછી માંદગીને કારણે તેમને એ નોકરી છોડવી પડી અને નડિયાદમાં ફરજિયાત નિવૃત્તિ સ્વીકારવી પડી દોઢેક વર્ષ (૧૮૯૪ના ડિસેમ્બરથી ૧૮૯૫ના જૂન સુધી) વડોદરા રાજ્યના ભાષાંતર ખાતાના અધિકારી તરીકે તેમણે કામ કર્યું હતું; બાકીનો બધો વખત મણિલાલે કચ્છ અને વડોદરા જેવાં રાજ્યો, થિયોસોફિકલ સોસાયટી જેવી સંસ્થાઓ અને કેટલીક વ્યક્તિઓ દ્વારા સોપાયેલ ગ્રંથો તેમજ પોતાની યોજનાના ગ્રંથો તૈયાર કરવામાં ગાળ્યો હતો. ૧૮૯૮ના ઓક્ટોબરની પહેલી તારીખે તેમનું અવસાન થયું તે પળ સુધી તેમણે પોતાનું ઈષ્ટ લેખનકાર્ય છોડ્યું નહોતું. ચાળીસ વર્ષમાં જીવન-લીલા સંકેલી લેનાર મણિલાલનું લેખનકાર્ય વિપુલ અને બહુવિધ છે. તેમને કવિતા રચવાનો છંદ બાળાશંકરે લગાડ્યો હતો. દલપતરામ અને નર્મદાશંકર એ બેમાં કયો કવિ મોટો એ આ પંદર સત્તર વર્ષના કિશોરોની સાહિત્ય-ચર્ચાનો વિષય બનતો. મણિલાલે દલપતશૈલીમાં કાવ્ય લખવાની શરૂઆત કરી હતી. ૧૮૭૫માં તેમણે ‘શિક્ષાશતક’ નામનો પોતાની આરંભની કૃતિઓનો સંગ્રહ પ્રગટ કરીને બાળાશંકરને અર્પણ કર્યો હતો. કૉલેજ-કાળ દરમ્યાન ભાષા અને છંદ ઉપર તેમણે સરસ હથોટી જમાવી લીધી હતી. કવિતા અને સાહિત્યતત્ત્વ પરત્વે તેમના વિચારો મિત્રોમાં વિવેચકના અભિપ્રાય જેટલા વજનદાર લેખાતા. મસ્ત કવિ બાળાશંકરના સંસર્ગે તેમ કેવલાદ્વૈતના મનને તેમને મસ્ત રંગની ગઝલો લખવા પ્રેર્યા હતા. પ્રેમ અને ભક્તિના આત્મલક્ષી અનુભવો પણ તેમનાં અમુક ઉત્કૃષ્ટ ઊર્મિકાવ્યોની પીઠિકા પર રહેલા છે. તેમણે બે નાટકો લખેલાં છેઃ ‘કાન્તા’ અને ‘નૃસિંહાવતાર,’ પહેલું નાટક ૧૮૮૯ના સપ્ટેબરમાં મુંબઈમાં મુંબઈ ગુજરાતી નાટક મંડળીએ ભજવ્યું હતું. બીજું તો તેમણે એ મંડળીને માટે જ ૧૮૯૭માં લખ્યું હતું, જે તેમના અવસાન બાદ ૧૮૯૯માં મુંબઈમાં ભજવાયું હતું. તે અદ્યાપિ અપ્રગટ છે. ૧૮૮૦માં તેમણે સંસ્કૃત નાટક ‘માલતી માધવ’નું અને ૧૮૮૨માં ‘ઉત્તરરામચરિત’નું ભાષાંતર કર્યું હતું. ‘ઉત્તરરામચરિત’ના ભાષાંતરને ગુજરાતી વિવેચકોએ ઉમળકાભેર સત્કાર્યું હતું. કવિ નાટકકાર કે વિવેચકના કરતાં ધર્મ-તત્ત્વ-ચિંતક તરીકે મણિલાલ વિશેષ જાણીતા છે. તેમનું કુટુંબ જૂની પરંપરાના સંસ્કારવાળું હતું. તેમાં ઉછરેલા મણિલાલ પિતાના આગ્રહથી અને શિક્ષકના ઉપદેશથી મેટ્રિક પાસ થયા ત્યાં લગી, ત્રિકાલ સંધ્યા કરતા હતા. કૉલેજમાં ગયા પછી તેમને ત્રિકાલ-સંધ્યા છોડવી પડી હતી. પણ કૉલેજ છોડ્યા બાદ, ‘કૉલેજમાં રહેવાથી આવેલ નાસ્તિકપણું’ દૂર થતાં પુનઃ સંધ્યાવન્દનાદિ ક્રમ તેમણે શરૂ કર્યો હતો. કૉલેજ છોડી તે વખતે મણિલાલ પાશ્ચાત્ય ફિલસૂફીની તુલનાએ પ્રાચીન આર્ય ધર્મભાવનાનો વિચાર કરીને બેમાંથી તથ્ય તારવી કાઢવાની મથામણમાં પડ્યા હતા. સાથે સાથે જીવનના ઉદ્દેશનું ચિંતવન પણુ ચાલતું હતું, તે આખરે ધર્મ અને પ્રેમ એ બે લક્ષ્ય ઉપર આવીને સ્થિર થયું. ઘણા મનનને અંતે ધર્મ અને પ્રેમની એકતા તેમને પ્રતીત થઈ અને પરમ પ્રેમ-અર્થાત્ વિશાળ જગદ્દવ્યાપી પ્રેમ એ જ મોક્ષ એવો નિર્ણય લેવાતાં શાંકર વેદાન્ત ઉપર તેમની શ્રદ્ધા દૃઢ થઈ. આ અદ્વૈતનિષ્ઠા મણિલાલની સમગ્ર વિચારશ્રેણીના પાયારૂપ છે. આ અદ્વૈતના કીમિયા વડે તેમણે જીવનની અનેક વિસંવાદિતાઓનું સમાધાન કરી બતાવ્યું છે. તેમના પુરોગામી નર્મદે ‘સતશુદ્ધ’ ધર્મનું ઝાંખું દર્શન કરાવવાનો પ્રયત્ન કર્યો છે. પણ તેના એ પ્રયત્નો મહોરે તે પહેલાં તે પોતાનું અધૂરું મૂકેલું કાર્ય ૨૮ વર્ષના જુવાન સમાનધર્મા મણિલાલને સોંપીને તેને ચાલી નીકળવું પડ્યું હતું. ધર્મને કેન્દ્રમાં રાખીને જીવનનો ખ્યાલ કરવાનું સૌથી પ્રથમ મણિલાલે જ ગુજરાતને શીખવાડ્યું. ધર્મની બાબતમાં અભેદાનુભવને જ તેઓ બ્રહ્મસાક્ષાત્કાર કહે છે; ગૃહમાં અભેદ વગર સાચું સુખ કે શાંતિ મળે નહિ; રાજ્યનું એ ઉત્તમાંગ છે અને સાહિત્યના સર્જન માટે એના ઉત્કટ અને વિશાળ અનુભવની અનિવાર્ય આવશ્યક્તા છે એવું એમનું સામાન્ય પ્રતિપાદન છે. વેદાન્તની પરિપાટી ઉપર હિન્દુ ધર્મ તથા સંસ્કૃતિના મુખ્ય સિદ્ધાંતોને તર્કશુદ્ધ શૈલીમાં સમજાવીને અન્ય ધર્મોની અપેક્ષાએ સ્વધર્મની ઉત્કૃષ્ટતા સિદ્ધ કરવાનો તેમણે જિંદગીભર પુરુષાર્થ કર્યા કર્યો છે. ‘સિદ્ધાંતસાર’ અને ‘પ્રાણવિનિમય’ તેમની આ પ્રવૃત્તિનાં ઉત્તમ ફળ છે. મણિલાલને મન સ્વધર્મની શ્રેષ્ઠતા એટલે અભેદની જ શ્રેષ્ઠતા છે, જેને તેઓ પ્રાચીન ધર્મભાવના કહે છે. ઓગણીસમી સદીના છેલ્લા ચરણમાં ગુજરાત ખાતે પશ્ચિમી સંસ્કૃતિનો જોસભેર ધસારો થઈ ચૂક્યો હતો અને નવીન શિક્ષણ પામેલ જુવાન વર્ગ સ્વસંસ્કારની ઉપેક્ષા કરીને પાશ્ચાત્ય રંગે રંગાવામાં કૃતકૃત્યના માનતો હતો ત્યારે પશ્ચિમની વ્યક્તિપ્રધાન સંસ્કૃતિ ઉપર પૂર્વની સમષ્ટિપ્રધાન સંસ્કૃતિની સરસાઈ સાબિત કરી બતાવીને પૂર્વ ને પશ્ચિમના સંસ્કારોના ગજગ્રાહની એ કટોકટીની પળે તેમણે ગુર્જર પ્રજાને સ્વસંસ્કારનું રક્ષણ કરવાનું ઉદ્દબોધન કરીને જે સેવા બજાવી છે તે ગુજરાતના સાંસ્કૃતિક ઈતિહાસમાં સદાકાળ સંભારાશે. ધર્મ-તત્ત્વની ચર્ચા કરતી વખતે તેમની સમક્ષ (૧) સામાન્ય ગુજરાતી પ્રજાજનો, (૨) સુધરેલો ગણાતો શિક્ષિત સમુદાય અને (3) પશ્ચિમની પ્રજા એમ ત્રણ વર્ગના લોકો હતા. આરંભના પાંચ વર્ષ (૧૮૮૫-૧૮૯૦) ‘પ્રિયંવદા’ દ્વારા અને પછીનાં આઠ ‘સુદર્શન’ (૧૮૯૦-૧૮૯૮) દ્વારા તેમણે પોતાના વિચારો પ્રથમ બે વર્ગને પહોંચાડ્યા હતા. તેને અંગે સુધારક વર્ગની સાથે વાદયુદ્ધમાં પણ તેમને ઊતરવું પડ્યું હતું. ત્રીજા વર્ગને માટે તેમણે અંગ્રેજીમાં લેખો લખ્યા હતા. ૧૮૮૯ના માર્ચમાં તેમનો ‘Monism or Advaitism?’ નામનો અંગ્રેજી ગ્રંથ પ્રસિદ્ધ થયો હતો. તેનાથી તેમને યુરોપ-અમેરિકામાં સારી ખ્યાતિ મળી હતી. એ અરસામાં તેમને સ્વીડનની ‘આઠમી ઓરિયેન્ટલ કૉંગ્રેસ’માં હાજરી આપવાનું નિમંત્રણ મળ્યું હતું. ૫છી ૧૮૯૩માં શીકાગોમાં ભરાયેલ વિશ્વધર્મપરિષદની સલાહકારક સમિતિમાં તેમની નિમણૂંક થઈ હતી. એ વખતે પણ તેમને શીકાગો આવવાનું આગ્રહભર્યું નિમંત્રણ મળ્યું હતું. પરદેશમાં સ્વધર્મનો પ્રચાર કરવાના આશયથી પ્રેરાઈને મણિલાલે અમેરિકા જવા માટે પ્રયત્ન પણ કર્યો હતો. ૫રંતુ આર્થિક તંગી અને નાદુરસ્ત તબિયતને કારણે તેમની મનની મનમાં જ રહી ગઈ હતી. મણિલાલ પ્રાણવિનિમય (mesmerism)ના પ્રયોગો કરતા હતા. થિયોસોફિકલ સોસાયટીના તેઓ અગ્રણી સભ્ય હતા અને તેના યોગસાધનાદિ પ્રયોગમાં પૂર્ણ રસ ધરાવતા હતા. તેઓ અઠંગ વેદાન્તી હતા. તેમ છતાં મૂર્તિપૂજા, યજ્ઞયાગ, ભક્તિ વગેરેને અધિકારક્રમ અનુસાર સ્વીકારતા હતા. મણિલાલ શકુન વગેરેને તેમજ મંત્રજંત્રને પણ નિરર્થક ગણતા નહોતા, એટલે તેમને કેટલાક સુધારકો ‘વહેમી’ કહેતા. વળી વિધવાના પુનર્લગ્ન વિશે તેમ જ સંમતિ વયના ધારા પરત્વે સુધારક વર્ગ સાથે તેમને ગંભીર વિવાદ ચાલ્યો હતો. તેમ છતાં, ‘નારીપ્રતિષ્ઠા’માં તેમણે સ્નેહલગ્ન અને સ્ત્રીશિક્ષણનો આદર્શ સુધારકોના કરતાં પણ ઉચ્ચ ભાવનાની ભૂમિકા પરથી સમજાવ્યો છે. સુધારાની માફક સાહિત્યના ક્ષેત્રમાં પણ વિવિધ પ્રશ્નો પરત્વે મણિલાલને અનેક વિદ્વાનો જોડે વિવાદમાં ઊતરવાનું થયું હતું. તેમની ‘ગુજરાતના લેખકો’ વિશેની લાંબી લેખમાળા તેના ઐતિહાસિક પુરાવારૂપ છે. આ પ્રકારના વિવાદોથી ગુજરાતી ભાષા તેમજ પ્રજાને સરવાળે ફાયદો થયો છે. તેનાથી ગુજરાતી ભાષા સારી રીતે ખેડાવા પામી. વસ્તુતઃ શાસ્ત્રીય ચર્ચા અને તત્ત્વવિચાર સારું ગુજરાતી ભાષાને મણિલાલે સૌથી પ્રથમ પળોટી છે અને પોતાની અપૂર્વ વિવાદબુદ્ધિ વડે ભાષાની ધાર કાઢી કાઢીને તેમણે તેને ઉત્તરોત્તર તીક્ષ્ણ બનાવી છે. તેઓ પોતાને ‘યથાર્થ’ પક્ષના લેખક ગણાવે છે તે સૂચક છે. સંસ્કૃત અને તળપદી, શિષ્ટ અને ઉત્કટ, ગંભીર અને આવેશવાળી એમ પરસ્પર વિરુદ્ધ લાગતી ભાષાશૈલીનો અદ્ભુત સમન્વય સાધીને તેઓ તાક્યું તીર મારી શકે છે. તેમની ગદ્યશૈલીમાં જડતા, એકવિધતા કે નીરસતા ક્યાંય જોવા નહિ મળે. તાજગી, સ્વયંસ્ફૂર્તિ અને ઓજસના ગુણો તેમાં કુદરતી રીતે જ પ્રગટ થાય છે. ગુજરાતી ભાષાને સૌથી પ્રથમ સચેતન અને સુગ્રથિત સ્વરૂપવાળાં સંખ્યાબંધ નિબંધો આપીને મણિલાલે આદર્શ નિબંધસ્વરૂપના વિધાયક તરીકે ગુજરાતી સાહિત્યના ઈતિહાસમાં અમર સ્થાન પ્રાપ્ત કર્યું છે. પ્રામાણિક મતભેદને કારણે મણિલાલને અનેક પ્રતિપક્ષીઓ હતા. તેમાં જિંદગીભર ‘સુદર્શન’ની સામે ‘જ્ઞાનસુધા’માં ધર્મ, સમાજ અને સાહિત્યમાં વિવાદોની પરંપરા ચલાવનાર સ્વ. સર રમણભાઈ મુખ્ય હતા. બીજે નંબરે હરગોવિંદદાસ કાંટાવાળા આવે. કાન્ત અને નરસિંહરાવ રમણભાઈની પ્રાર્થનાસમાજી વિચારશ્રેણીના ટેકેદાર અને વેદાન્તના વિરોધી હતા. પાછળથી–૧૮૯૫માં કાન્ત મણિલાલને રૂબરૂ મળ્યા ત્યારપછી તેમનો મતભેદ પાતળો પડી જઈને નહિવત્ થઈ ગયો હતો; એટલું જ નહિ, મણિલાલને તેમણે પોતાના ગુરુ તરીકે પણ સ્વીકાર્યા હતા. કલાપીને ગાદી મળી ત્યારથી છેવટ લગી તેમના પૂજ્ય ગુરુનું સ્થાન મણિલાલ ભોગવતા હતા. આનંદશંકર એમને પોતાના ‘જ્યેષ્ઠ વિદ્યાબંધુ’ ગણતા. માનશંકર પી. મહેતા અને પ્રૉ. બળવંતરાય ઠાકોર તેમના શિષ્ય હતા. પ્રૉ. ગજ્જર અને બાળાશંકર સાથે તેમને નિકટ મૈત્રી હતી. આમ મણિલાલના વિરોધીઓનું તેમ જ મિત્રો શિષ્યો ને અનુયાયીઓનું જૂથ મોટું હતું. એમના જમાનાના સંસ્કૃતના પ્રથમ પંક્તિના વિદ્વાન તરીકે મણિલાલને ભારતમાં તેમજ યુરો૫–અમેરિકામાં નામના મળી હતી. મુંબઈ યુનિવર્સિટીમાં સંસ્કૃતના પરીક્ષક તરીકે નિમાનાર તેઓ પહેલા જ ગુજરાતી હતા. પંજાબ યુનિવર્સિટીની બી. એ. તથા એમ. એ. ની પરીક્ષામાં પણ તેઓ સંસ્કૃતના પરીક્ષક તરીકે વર્ષો સુધી નિમાયેલા. પાટણના જૈન ભંડારોના ગ્રંથોની યાદી સૌથી પ્રથમ તેમણે તૈયાર કરી હતી. અનેક સંસ્કૃત ગ્રંથોનાં ભાષાંતર-સંપાદન કરીને એ ક્ષેત્રમાં પણ તેમણે નોંધપાત્ર ફાળો આપ્યો હતો. નિવૃત્તિકાળ દરમ્યાન લેખન ઉપરાંત નડિયાદમાં ઓનરરી મેજિસ્ટ્રેટ, મ્યુનિસિપાલિટીની શાળા-સમિતિના પ્રમુખ અને કૉંગ્રેસના અગ્રગણ્ય કાર્યકર્તા તરીકે તેમણે જાહેર સેવાકાર્ય પણે કર્યું હતું. ટૂંકું આયુષ, લાંબી ગંભીર માંદગી અને વિપરીત સંજોગો વચ્ચે જીવનયુદ્ધ ખેલતાં ખેલતાં આટલી સમૃદ્ધ દેશસેવા કરી જનાર આ સરસ્વતીભક્તનું ગુજરાત સદાય ઋણી રહેશે.
કૃતિઓ ગુજરાતી (૧) મૌલિક
કૃતિનું નામ *પ્રકાર *પ્રકાશનસાલ *પ્રકાશક
૧. શિક્ષાશતક *કવિતા *૧૮૭૬ *પોતે
૨. પૂર્વદર્શન *ઇતિહાસ *૧૮૮૨ *પોતે
૩. કાન્તા *નાટક *૧૮૮૨ *પોતે
૪. નારી-પ્રતિષ્ઠા *નિબંધ *૧૮૮૫ *પોતે
૫, પ્રેમજીવન *કવિતા *૧૮૮૭ *પોતે
૬. પ્રાણવિનિમય *મહાનિબંધ *૧૮૮૮ *પોતે
૭. સિદ્ધાંતસાર *મહાનિબંધ *૧૮૮૯ *પોતે
૮. ગુજરાતના બ્રાહ્મણો *નિબંધ *૧૮૯૩ *પોતે
૯. બાળવિલાસ *નિબંધો *૧૮૯૩ *પોતે
૧૦. ૫રમાર્ગદર્શન *બા. વિ.માંથી તારવેલા ધર્મવિષયક પાઠો *૧૯૮૩ *પોતે
૧૧. આત્મનિમજ્જન *બધાં કાવ્યોનો સંપૂર્ણ સંગ્રહ *૧૮૯૫ *પોતે
૧૨. નૃસિંહાવતાર *નાટક *રચાયું ૧૮૯૭ *અપ્રગટ
૧૩, સુદર્શન ગદ્યાવલી *નિબંધો *૧૯૦૯ *હિંમતલાલ છો. પંડ્યા, પ્રાણશંકર ગો. જોશી
(૨) ભાષાંતર-રૂપાંતર
કૃતિ *મૂળ ભાષા *પ્રકાશન સાલ *પ્રકાશક *મૂળ કર્તા કે કૃતિ
૧. માલતી-માધવ *સંસ્કૃત *૧૮૮૦ *પોતે *ભવભૂતિકૃત નાટકો
૨. ઉત્તરરામરચિત *સંસ્કૃત *૧૮૮૨ *પોતે *ભવભૂતિકૃત નાટકો
૩. ચેસ્ટરટનનો પુત્ર પ્રતિ ઉપદેશ તથા સંક્ષિપ્ત સુવાક્ય (ગોપાળ હરિદાસ દેસાઈ સાથે) *અંગ્રેજી *૧૮૯૨ *દેસાઈ હરિદાસ વિહારીદાસ તથા ગોપાળ હરિદાસ*કોલ્ટનકૃત ‘લેકોન’
૪. શ્રીમદ્ ભગવદ્ ગીતા (મૂલ, અક્ષરાર્થ, વિવેચન તથા રહસ્ય સહિત) *સંસ્કૃત *૧૮૯૪ *પોતે *વ્યાસકૃત ‘મહાભારત’માંથી
૫. ચારિત્ર *અંગ્રેજી *૧૮૯૫ *પોતે *સ્માઇલ્સકૃત “કેરેક્ટર”
૬. પંચશતી *અંગ્રેજી *૧૮૯૫ *પોતે *સ્વયોજિત “ઇમિટેશન ઓફ શંકર”
૭. ચેતનશાસ્ત્ર *અંગ્રેજી *૧૮૯૬ *’જ્ઞાનમંજૂષા’ વડેાદરા *વિવિધ ગ્રંથો
૮. વાક્પાટવ *અંગ્રેજી *૧૮૯૭ (?) *કચ્છ રાજ્ય “રહેટરીક્સ”
૯. ગુલાબસિંહ *અંગ્રેજી *૧૮૯૭ *પોતે *લિટનકૃત ‘ઝેનોની’
૧૦. શિક્ષણ અને સ્વશિક્ષણ *અંગ્રેજી *૧૮૯૭ (?) *કચ્છ રાજ્ય *સેમ્યુઅલ નીલકૃત ‘કલ્ચર એન્ડ સેલ્ફ કલ્ચર’
૧૧. ન્યાયશાસ્ત્ર-પરામર્શ ખંડ *અંગ્રેજી *૧૮૯૭ *ગુ. વ. સો. અમદાવાદ *વિવિધ ગ્રંથો
૧૨. શ્રી વૃત્તિ પ્રભાકર *હિન્દી *૧૯૦૫ *માધવલાલ ન. દ્વિવેદી *શ્રી નિશ્ચલદાસરચિત
૧૩. ચતુ:સૂત્રી *સંસ્કૃત *૧૯૦૯ (?)*માધવલાલ ન. દ્વિવેદી *’બ્રહ્મસૂત્રો’નાં પહેલાં ચાર સૂત્ર
૧૪. વિવાદતાંડવન *અંગ્રેજી *૧૮૯૮ (૨) લૉ કમિટી, વડોદરા *વિવિધ ગ્રંથો
૧૫. હનૂમન્નાટક *સંસ્કૃત *૧૯૧૦ *(?) * -
(૩) વડોદરા રાજ્યના આશ્રયે તૈયાર કરેલાં ભાષાંતર-સંપાદનો
કૃતિ *મૂળ ભાષા *તૈયાર થયા સાલ *પ્રકાશન-સાલ
૧. બુદ્ધિસાગર *સંસ્કૃત *૧૮૯૧ *૧૮૯૧
૨ અનુભવ-પ્રદીપિકા *સંસ્કૃત *૧૮૯૧ *૧૮૯૧
૩. ગોરક્ષશતક *સંસ્કૃત *૧૮૯૦ *૧૮૯૨
૪. ભોજપ્રબંધ *સંસ્કૃત *૧૮૯૦ *૧૮૯૨
૫. તર્કપરિભાષા *સંસ્કૃત *૧૮૯૧ *૧૮૯૨
૬. વિક્રમચરિત્ર *સંસ્કૃત *૧૮૯૧ *૧૮૯૨
૭. શ્રુતિસારસમુદ્ધરણ *સંસ્કૃત *૧૮૯૧ *૧૮૯૨
૮. શ્રી દયાશ્રય મહાકાવ્ય *સંસ્કૃત *૧૮૯૦ *૧૮૯૩
૯. ષડ્દર્શનસમુચ્ચય *સંસ્કૃત *૧૮૯૧ *૧૮૯૩(?)
૧૦. વસ્તુપાલચરિત્ર *સંસ્કૃત
૧૧. યોગબિંદુ *સંસ્કૃત
૧૨. ચતુર્વિંશતિપ્રબંધ *સંસ્કૃત
૧૩. સમાધિશતક *સંસ્કૃત *૧૮૯૧ *૧૮૯૪
૧૪. સારસંગ્રહ-૧ *સંસ્કૃત * - *૧૮૯૪
૧૫. સારસંગ્રહ-૨ *સંસ્કૃત * - *૧૮૯૪
૧૬. કુમારપાલચરિત *સંસ્કૃત * - *૧૮૯૯
૧૭. અનેકાન્તવાદપ્રવેશ *સંસ્કૃત * - * -
૧૮. પંચોપાખ્યાન *જૂની ગુજરાતી * - * -
(૪) અપ્રગટ અનુવાદો
મણિલાલે કરેલા નીચેના અનુવાદોની હાથપ્રતે અમદાવાદની ગુજરાત વિદ્યાસભાના ગ્રંથાલયમાં જોવા મળે છે.
૧. મહાવીરચરિત *સંસ્કૃત
૨. કીર્તિકૌમુદી *સંસ્કૃત
૩. કુવલયવતી *સંસ્કૃત
૪. રામગીતા *સંસ્કૃત
૫. मुलाकातो *અંગ્રેજી (સ્વામી વિવેકાનંદની અમેરિકાની મુલાકાતો)
(૫) અપૂર્ણ ગ્રંથો
- ચરિત્ર: ૧. મણિલાલે ગૌરીશંકર હૃદયરામ ઓઝાનું જીવનચરિત્ર પાંચ પ્રકરણો લખીને છોડી દીધેલું તે.
ભાષાંતર-સંપાદન
૧. અલંકાર-ચૂડામણિ
૨. જ્યોતિષ કરંડ
૩. વૃત્તરત્નાકરવૃત્તિ
૪. રુદ્રશૃંગારતિલક
૫. રસમંજરી-ટીકા
૬. છંદોનુશાસન
૭. નૈષધીય ટીકા
૮. રત્નાકરાવતારિકા
૯. અભિનંદન કાવ્ય
૧૦. કાવ્યમયૂખ
અંગ્રેજી (૧) મૌલિક
લેખ * પ્રકાશન-સાલ. *પ્રકાશક
1. Suggestions for the revision of Gujarati Reading Series *૧૮૮૪ *પોતે
2. Letters on Widow-remarriage *૧૮૮૭ *’Spectator’; ‘Advocate of India’
3. Monism or Advaitism? *૧૮૮૯ *પોતે
4. The Puranas (Lecture read at the International Congress of Orientalists at Stockholm, 1890). *૧૮૯૧ *’Lucifer’, (London)
5. Essays on Idol-worship, Samskāras etc. *૧૮૯૧ *’Oriental Department’, New York
6. Jainism and Brahmanism (A paper read before the International Congress of Orientalists at London, 1891) *૧૮૯૧ *?
7. The Advaita Philosophy of Shankara *૧૮૯૧ * Oriental Journal, Vienna
8. Hinduism *૧૮૯૩ * World’s Parliament of Religions,
9. The Necessity of Spiritual Culture *૧૮૯૫ *પોતે
10. The Doctrine of Maya * ? *પોતે
(૨) ભાષાંતર-સંપાદન
1. Raja-yoga *૧૮૮૫ *પોતે
2. Tarka-Kaumudi *૧૮૮૬ * Bombay Sanskrit Series.
3. Yoga-Sutra *૧૮૯૦ * Tookaram Tatya, Theosophical Society, Bombay.
4. Mandukyopaniṣad *૧૮૯૪ * Tookaram Tatya, Theosophical Society, Bombay.
5. Jivan-mukti-Viveka *૧૮૯૪ *Tookaram Tatya, Theosophical Society, Bombay.
6. Samadhi-S’ataka *૧૮૯૪ * Shah Girdharlal Dayaldas, Bombay.
7.Imitation of Shankara *૧૮૯૫ *પોતે
8. Syadvada-Manjari (completed by Anand- shanker Dhruva) *૧૯૩૩ *Bombay Sanskrit Series.
અભ્યાસ–સામગ્રી
૧. ‘સ્વ. મણિલાલ નભુભાઈની આત્મકથા’; ‘વસંત’ વર્ષ ૨૯, અંક ૪, ૭; વર્ષ ૩૦, અંક ૧, ૮; વર્ષ ૩૧, અંક ૧, ૩.
૨. ‘મણિલાલચરિત્રની સામગ્રી’ (અંબાલાલ બા. પુરાણી); ‘કૌમુદી’ (ત્રૈમાસિક) પુ. ૫, અંક ૩; (માસિક) પુ. ૨, ૩, ૪.
૩. મણિલાલ નભુભાઈ દ્વિવેદીનું જીવનચરિત્ર (અંબાલાલ બા. પુરાણી); ગુજરાત વિદ્યાસભા, અમદાવાદ.
૪. મણિલાલ-જ્યંતી વ્યાખ્યાન (આનંદશંકર બા, ધ્રુવ) : ગુર્જર સાક્ષર જ્યંતીઓ, બીજી આવૃત્તિ, પૃ. ૧૮૦.
૫. ‘સુદર્શનના આદ્ય દૃષ્ટા અને પ્રવર્તક’ (આનંદશંકર બા. ધ્રુવ): ‘સાહિત્યવિચાર’, બીજી આવૃત્તિ, પૃ. ૪૯૫.
૬. મણિલાલ અને બાલાશંકર (ઉત્તમલાલ કે. ત્રિવેદી) : ‘વસંત’ વર્ષ ૬, અંક ૨.
૭. ‘સ્મરણમુકુર’ (ન. ભો, દી.)
૮. ‘મણિલાલ નભુભાઈની સાહિત્યસેવા’ : ‘વસંત’ વર્ષ ૨૫, અં. ૬, ૭.
૯. ‘કલાપીની પત્રધારા’ : મ. ન. દ્રિ. પરના પત્રો.
૧૦. ‘મહાજનમંડળ’ અને ‘સત્યવક્તાની ચિત્રાવલિ’માંના ૫રિચય-લેખો.
૧૧. ‘સિદ્ધાંતસારનું અવલોકન’ (કાન્ત); (૧૯૨૦.)
૧૨. ‘અર્વાચીન ચિન્તનાત્મક ગદ્ય’ (વિ. ૨. ત્રિવેદી); વ્યાખ્યાન ચોથું, પૃ.૧૧૦.
૧૩. ‘મણિલાલ દ્વિવેદીની કવિતા’; ‘સાહિત્ય-વિહાર’ (પ્રૉ.. અનંતરાય મ. રાવળ), પૃ. ૪૩.
૧૪. ‘ઉત્તરરામચરિત’ અને ‘કાન્તા’; ‘ઉત્તરરામચરિત અને ‘ગુલાબસિંહ’નાં અનુક્રમે ‘નવલગ્રંથાવલી’, ‘મનોમુકુર-૧’ તથા ‘કેટલાંક વિવેચનો’માં મૂકેલાં વિવેચનો.
૧૫. Studies in Gujarati Literature (J. E. Sanjana) Lecture V.
૧૬. ‘આપણો ધર્મ’ (બી. આ.)નો પ્રો. રા. વિ. પાઠકે લખેલો ઉપોદ્દ્ઘાત.
૧૭. ‘મણિલાલની વિચારધારા’ (ગુ. વિ. સભા), ઉપોદ્ઘાત.
૧૮. ‘મણિલાલના ત્રણ લેખો’ (ગુ.વિ. સભા), ઉપોદ્ઘાત.
***