ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧૧મું/અંબેલાલ નારણજી જોશી

From Ekatra Wiki
Jump to navigation Jump to search


અંબેલાલ નારણજી જોશી

[૭-૯-૧૯૦૬]

એમનો જન્મ ઈ.સ. ૧૯૦૬ના સપ્ટેમ્બરની સાતમી તારીખે પારડી તાલુકાના પલસાણા ગામે થયો હતો. માતાનું નામ જમનાબેન અને પિતા નારણજી ભુલાભાઈ જોશી. તેમનું લગ્ન ઈ.સ. ૧૯૪૨ના મે મહિનાની પાંચમી તારીખે શ્રી યશોમતી સાથે થયું હતું. તેમણે પ્રાથમિક કેળવણી ૧થી ૫ ધેારણ સુધી પલસાણાની નિશાળમાં, માધ્યમિક વલસાડની સર જે. જે. સ્કૂલ અને બાઈ આવાંબાઈ હાઈસ્કૂલમાં, ઉચ્ચ કેળવણી બી. એ. સુધી મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજમાં અને એલએલ. બી. મુંબઈની ગવર્નમેન્ટ લો કૉલેજમાં ૧૯૧૧થી ૧૯૩૩નાં વર્ષો દરમ્યાન લીધી હતી. વ્યવસાયે તેઓ વકીલ છે અને એ ધંધો એમની લેખનપ્રવૃત્તિને ખૂબ જ અનુકૂળ છે એમ તેઓ માને છે. મુંબઈ હાઈકોર્ટમાં છેલ્લાં ત્રીશ વર્ષથી તેઓ પ્રેક્ટિસ કરે છે અને મુંબઈ શહેરની અગત્યની ઔદ્યોગિક સંસ્થાઓના વર્ષોથી ધારાકીય સલાહકાર છે. એમના રસના વિષયો છે વકીલાત ઉપરાંત ઉચ્ચ કેળવણી, રાજકારણ અને સમાજસુધારો. એ તમામ પ્રવૃત્તિઓની અસર જાણે અજાણે એમના સર્જનમાં થાય છે. એમના જીવન પર નીચેનાં પુસ્તકોએ પ્રબળ અસર કરી છે: ગાંધીજીની આત્મકથા, જવાહરની આત્મકથા, ગીતા, રામાયણ-મહાભારત, ફ્રેન્ચ જીવનચરિત્રકાર આન્દ્રે મોર્વાનાં રસિક, રોમાંચક જીવનચરિત્રો, કનૈયાલાલ મુનશીની ઐતિહાસિક નવલકથાઓ અને પૌરાણિક નાટકો, ગિબનનાં રોમ વિશેનાં ઇતિહાસપુસ્તકો, બર્નાડ શૉનાં નાટકો અને રવીન્દ્રનાથ ટાગોરની નવલકથાઓ. ગાંધીજી, જવાહર, સરદાર વલ્લભભાઈ રાજેન્દ્રબાબુ, મોરારજી દેસાઈ સર ચીમનલાલ અને મોતીલાલ સેતલવાડે એમના જીવન પર પ્રબળ અસર કરી છે, શ્રી અંબેલાલભાઈને ગુજરાતી, સંસ્કૃત, હિંદી, મરાઠી અને અંગ્રેજી ભાષા આવડે છે. ગુજરાતી અને અંગ્રેજીમાં એમણે પુસ્તકો લખ્યાં છે. જીવનચરિત્રો લખવાનું એમને ખૂબ પ્રિય છે. એમની લેખનપ્રવૃત્તિનો ઉદ્દેશ જીવનચરિત્રો દ્વારા માનવતાનાં ઉજ્જવલ અને ઉત્તમોત્તમ દૃષ્ટાંતો આપીને જનસેવા, સમાજસેવા અને પ્રભુસેવા કરવાનો છે. એમની લેખનપ્રવૃત્તિનો આરંભ થયો ૧૯૨૯માં, ઐતિહાસિક વાર્તાઓથી. એમના પ્રિય લેખક છે નાનાલાલ. એમનું પ્રિય પુસ્તક છે ગાંધીજીની આત્મકથા. તેઓ માને છે કે માનવજાતનો સાચો ઇતિહાસ માનવ જ છે અને એમને જીવંત તેમ જ વિદેહ વ્યક્તિઓનાં ચરિત્રચિત્રણમાં પારાવાર રસ છે. ખાસ તો રાજકીય નેતાઓનાં જીવનચરિત્રો લખવાં એમને વધુ પ્રિય છે. સાહિત્ય ઉપરાંત રાજકારણ, કાયદો, કેળવણી, ધર્મશાસ્ત્ર, સમાજજીવન અને પ્રવાસવિષયક પુસ્તકો વાંચવાનો એમને શોખ છે, અને એનો ઉપયોગ એમના સર્જનમાં કરે છે. વિવિધ રમતગમત અને પ્રવાસનો પણ એમને શોખ છે. એમની સૌથી પહેલી કૃતિ ‘ઐતિહાસિક કથામંજરી' ૧૯૩૦માં જીવનલાલ અમરશી મહેતાએ પ્રગટ કરી. પ્રકાશન વખતે પ્રકાશકે ૪૦૦ પાનાંના પુસ્તકના સર્વ હક લઈ રૂ. ૧૦૦) આપેલ એ જીવનનો કડવો અનુભવ તેમનાથી હજી ભુલાતો નથી. મુંબઈની સામાજિક તેમ જ સાંસ્કૃતિક સંસ્થાઓ સાથે તેઓ જોડાયેલા છે. મુંબઈ યુનિવર્સિટીના તેઓ ફેલો અને સિન્ડિક છે અને એની સંખ્યાબંધ સમિતિઓના સભ્ય છે. એમનાં જીવનચરિત્રનાં તમામ પુસ્તકોને ગુજરાતના વિવેચકો તેમ જ પ્રજાજનો તરફથી સરસ આવકાર મળ્યો છે. અત્યારે તેઓ ‘ગુજરાતી પ્રજાનો સાંસ્કૃતિક ઇતિહાસ' ત્રણ ભાગમાં લખી રહ્યા છે. શ્રી જોશીએ મહાત્મા ગાંધીજી, જવાહરલાલ, ડૉ. પટ્ટાભી એમ અનેક ખ્યાતનામ વ્યક્તિઓનાં વિસ્તૃત જીવનચરિત્રો લખ્યાં છે. જીવનકથાના નાયકના જીવનનાં વિવિધ પાસાંનું તેઓ વિગત પ્રચુર મનહર દર્શન કરાવે છે. ચરિત્રલેખન માટેની અભ્યાસસામગ્રી તેઓ ખંત અને જહેમતપૂર્વક એકત્રિત કરે છે અને એ સર્વનો વિનિયોગ એમની કૃતિઓમાં કરે છે. આટલા મોટા પાયા પર અને આટલા વિસ્તારથી આપણે ત્યાં ભાગ્યે જ જીવનચરિત્રો લખાયાં છે. કથાનાયકની સરખામણી પણ તેઓ વિવિધ વ્યક્તિઓ સાથે કરે છે અને એ દ્વારા એની વિશેષતાઓ છતી કરવાનો પ્રયત્ન કરે છે. ઉપરાંત, તેઓ કથાનાયકના વિવિધ વિષેયો પરના વિચારો પણ તેની જીવનકથામાં આપે છે. વિવિધ પ્રસંગોની રજૂઆત દ્વારા કથાનાયકના વ્યક્તિત્વને સ્ફુટ કરવાનો એમનો પ્રયત્ન એકંદરે પ્રશસ્ય છે. અતિ આદર અને અહોભાવથી તેઓ વ્યક્તિઓનાં ચરિત્રો આલેખે છે. કવચિત્ અતિ પ્રસ્તાર ખટકે છે ખરો, તેમ છતાં એમની સરળ અને સુવાચ્ય શૈલી એમનાં ઘણાંખરાં જીવનચરિત્રોને આકર્ષક બનાવે છે. સાહિત્ય અને કેળવણી તેમ જ કાયદો અને રાજકારણ આ ચતુર્વિધ ક્ષેત્રોમાં એમની પ્રવૃત્તિઓ વહેંચાયેલી છે અને એ સર્વમાં પહોંચી વળવા માટે તેઓ સખત પરિશ્રમ કરે છે.


કૃતિઓ
૧. ઐતિહાસિક કથામંજરી : મૌલિક નવલિકાસંગ્રહ; પ્ર. સાલ ૧૯૩૧.
પ્રકાશક : જીવનલાલ મહેતા.
૨. ઇંગ્લેન્ડનો ઇતિહાસ મૌલિક, ઇતિહાસ; પ્ર. સાલ ૧૯૩૨.
પ્રકાશક : ગુજરાત ઓરિએન્ટલ બુક ડીપો.
૩. વીર શાહુ : મૌલિક, નાટક; પ્ર. સા. ૧૯૩૨.
પ્રકાશક : જીવનલાલ મહેતા.
૪. આપણું નાટપસાહિત્ય ને રંગભૂમિ: મૌલિક, વ્યાખ્યાન; પ્ર. સાલ ૧૯૩૨.
પ્રકાશક : જાતે.
૫. બોટાદકરને પુષ્પાંજલિ: મૌલિક, પ્રશસ્તિકાવ્ય; પ્ર. સાલ ૧૯૩૨.
પ્રકાશક : જાતે.
૬. સર હોરમસજી એડનવાલા : મૌલિક, જીવનચરિત્ર: પ્ર. સાલ ૧૯૩૬.
પ્રકાશક: ધી કર્ણાટક પબ્લિશિંગ હાઉસ, મુંબઈ.
૭. મહાવીર પ્રભુ: મૌલિક, જીવનચરિત્ર: પ્ર. સાલ ૧૯૩૮.
પ્રકાશક : જાતે.
૮. સર શાપુરજી બીલીમોરીઆ; મૌલિક, જીવનચરિત્ર; પ્ર. સાલ ૧૯૪૬.
પ્રકાશક : જાતે.
૯. વલ્લભભાઈ : મૌલિક, જીવનચરિત્ર; પ્ર. સાલ ૧૯૪૭.
પ્રકાશક: બૃહદ્ ગુજરાત પ્રકાશન મંદિર, મુંબઈ.
૧૦. ડૉ. રાજેન્દ્રપ્રસાદ : મૌલિક, જીવનચરિત્ર; પ્ર. સાલ ૧૯૪૮.
પ્રકાશક : બૃહદ્ ગુજરાત પ્રકાશન મંદિર, મુંબઈ.
૧૧. રાજાજી : મૌલિક, જીવનચરિત્ર; પ્ર. સાલ ૧૯૪૮.
પ્રકાશક: બૃહદ્ ગુજરાત પ્રકાશન મંદિર, મુંબઈ.
૧૨. મહાદેવભાઈ : મૌલિક, જીવનચરિત્ર: પ્ર. સાલ ૧૯૪૮.
પ્રકાશક: બૃહદ્ ગુજરાત પ્રકાશન મંદિર, મુંબઈ.
૧૩. ડૉ. પટ્ટાભી : મૌલિક, જીવનચરિત્ર; પ્ર. સાલ ૧૯૪૯.
પ્રકાશક: બૃહદ્ ગુજરાત પ્રકાશન મંદિર, મુંબઈ.
૧૪. રાજર્ષિ ટંડનજી: મૌલિક, જીવનચરિત્ર: પ્ર. સાલ ૧૯૫૧.
પ્રકાશક : બૃહદ્ ગુજરાત પ્રકાશન મંદિર, મુંબઈ.
૧૫. પ્રાતઃસ્મરણીય મહાત્મા ગાંધીજી (પૂર્વાર્ધ-ઉત્તરાર્ધ) : મૌલિક, જીવનચરિત્ર: પ્ર. સાલ ૧૯૫૫.
પ્રકાશક : બૃહદ્ ગુજરાત પ્રકાશન મંદિર, મુંબઈ.
૧૬. દમયંતી : મૌલિક, નવલકથા: પ્ર. સાલ ૧૯૫૫.
પ્રકાશક : રૂપમ્ પ્રકાશન મંદિર.
૧૭. રાષ્ટ્રપ્રિય પંડિત જવાહરલાલ (પૂર્વાર્ધ-ઉત્તરાર્ધ): મૌલિક, જીવનચરિત્ર: પ્ર. સાલ ૧૯૫૬.
પ્રકાશક: એન. એમ. ત્રિપાઠી, મુંબઈ.
૧૮. શ્રી મોરારજીભાઈ દેસાઈ: મૌલિક, જીવનચરિત્ર; પ્ર. સાલ ૧૯૬૦.
પ્રકાશક: ગૂર્જર ગ્રન્થરત્ન કાર્યાલય, અમદાવાદ.
૧૯ . જવાહરલાલના જીવનના પ્રેરક પ્રસંગો (૧-૨) : મૌલિક, જીવનચરિત્ર; પ્ર. સાલ ૧૯૬૨.
પ્રકાશક : ગૂર્જર ગ્રન્થરત્ન કાર્યાલય, અમદાવાદ.
૨૦. Life and Times of Sir Hormusjee C. Dinshaw: મૌલિક, જીવનચરિત્ર: પ્ર. સાલ ૧૯૩૮.
પ્રકાશક : ડી. બી. તારાપોરવાળા એન્ડ કું... મુંબઈ.
૨૧. Sir Chimanlal H. Setalvad મૌલિક, જીવનચરિત્ર: પ્ર. સાલ ૧૯૩૯.
પ્રકાશક : ડી. બી. તારાપોરવાળા એન્ડ કુ.,. મુંબઈ.
૨૨. Chevalier Framroze H. C. Adenwalla, : મૌલિક, જીવનચરિત્ર; પ્ર. સાલ ૧૯૫૧.
પ્રકાશક: ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ,

અભ્યાસ-સામગ્રી
ગુજરાત સાહિત્ય સભાની કાર્યવહી ઈ. ૧૯૪૦-૫૦, ૧૯૫૫, ૧૯૫૬, ‘સંસ્કૃતિ’ ફેબ્રુઆરી, ૧૯૫૬.
પ્રા. ફિરોઝ દાવર, પ્રા. અનંતરાય રાવળ, પ્રા. કે. બી. વ્યાસ, પ્રા. કેશવલાલ કામદાર, પ્રા. ઈશ્વરલાલ દવે, શ્રી શિવશંકર શુકલ વગેરેનાં અવલોકનો-ગુજરાતી-અંગ્રેજી વર્તમાનપત્રોમાં, ‘ગુજરાતના મૌલિક ચરિત્રકાર શ્રી અંબેલાલ જોશી' એ પુસ્તિકા, પ્રકાશક બૃહદ્ ગુજરાત પ્રકાશન મંદિર, મુંબઈ ૭.

સરનામું : ૪૩, જરીવાલા બિલ્ડિંગ, ચોપાટી, મુંબઈ-૭.