ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧૧મું/કૃતિ-પરિચય
ગ્રંથ અને ગ્રંથકાર-ખંડ ૧-૧૧ (૧૯૩૦-૧૯૬૬) : ગુજરાતી સાહિત્યના શિષ્ટગ્રંથો અને ગ્રંથકારોનો તેમ જ સાહિત્યની ગતિ-વિધિનો પરિચય મળી રહે તેવા ઉદ્દેશથી ગુજરાત વર્નાકયુલર સોસાયટીએ સંપાદિત કરાવેલી સંદર્ભગ્રંથશ્રેણી. ગ્રંથશ્રેણીના અગિયાર ગ્રંથોમાંથી આઠ ખંડોનું સંપાદન હીરાલાલ ત્રિભોવનદાસ પારેખે કર્યું છે; તો નવ, દશ અને અગિયારમા ખંડોના સંપાદકો અનુક્રમે ચુનીલાલ વર્ધમાન શાહ, બચુભાઈ રાવત તથા કેશવલાલ કાશીરામ શાસ્ત્રી; ધીરુભાઈ ઠાકર તથા ઇન્દ્રવદન કા. દવે અને પીતામ્બર પટેલ તથા ચિમનલાલ ત્રિવેદી છે.
આ ગ્રંથશ્રેણીમાં હયાત તેમ જ વિદેહ એવા ૫૭૩ ગ્રંથકારોનો પરિચય મળે છે, જેની નામસૂચિ અગિયારમા ખંડમાં મળે છે. પરિચયમાં ગ્રંથકારનું પૂરું નામ, એનાં જન્મસ્થળ અને સમય, માતા-પિતા, પત્ની, શૈક્ષણિક અને વ્યાવસાયિક કારકિર્દી, વિશેષ રસ-રુચિ, પ્રાપ્ત પુરસ્કારો, પ્રકાશિત ગ્રંથોની સાલવાર યાદી તેમ જ અવસાન-સ્થળસમય જેવી માહિતીનો સમાવેશ થયો છે.
ગુજરાતી સાહિત્યની ગતિવિધિ અને પ્રવાહદર્શન નિમિત્તે જે તે સાલનાં પ્રકાશિત પુસ્તકોની વર્ગીકૃત સૂચિ તથા સમીક્ષા, સામયિક-લેખસૂચિ, વિશિષ્ટ અભ્યાસ અને સંશોધનલેખો ઉપરાંત પુસ્તકલેખન, હસ્તપ્રતલેખન, મુદ્રણકળા વગેરે વિષયોને નિરૂપતા લેખો પણ અહીં સંગ્રહિત છે.
ગુજરાતી ભાષા-સાહિત્યમાં પ્રવર્તતી સંદર્ભસાહિત્યની લગભગ અભાવની સ્થિતિમાં અત્યંત ઉપયોગી નીવડતી આ સંદર્ભગ્રંથશ્રેણી તેની ચોકસાઈ અને વ્યાપકતાને લીધે નોંધપાત્ર બને છે.
—રમેશ ર. દવે
‘ગુજરાતી સાહિત્યકોશ’ (ભાગ ૨)માંથી સાભાર