ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧૧મું/ચિનુભાઈ ભોગીલાલ પટવા ‘ફિલસૂફ'

From Ekatra Wiki
Jump to navigation Jump to search

ચિનુભાઈ ભોગીલાલ પટવા ‘ફિલસૂફ'

[૨૬-૧૦-૧૯૧૧]

શ્રી ચિનુભાઈ પટવાનો જન્મ મુંબઈમાં ૨૬મી ઑકટોબર, ૧૯૧૧માં થયો હતો. સુખ્યાત ગણિતી શ્રી ભોગીલાલ કેશવલાલ પટવા એમના પિતા થાય. માતાનું નામ મંગળાગૌરી. એમનાં લગ્ન ૧૯૩૮માં રંગભૂમિનાં રસિયાં શ્રી કંચનબહેન સાથે થયાં હતાં. પ્રાથમિક કેળવણી અમદાવાદની નવી ગુજરાતી શાળા અને સરકારી મિડલ સ્કૂલમાં લીધેલી. મેટ્રિક ૧૯૨૯માં આર.સી. હાઈસ્કુલમાંથી થયેલા. એ પછી અમદાવાદની ગુજરાત કૉલેજમાં જૂનિયર બી. એ. લગીનો અભ્યાસ કર્યો. પરંતુ ૧૯૩૦-૩૨ની લડત વેળાએ ગુજરાત કૉલેજ પર પિકેટિંગ કરવા બદલ એ સમયના પ્રિન્સિપાલ શિરાઝે એમને કૉલેજમાંથી બરતરફ કરેલા. એ સમય દરમ્યાન તેમ જ ૧૯૪૨માં લડત વખતે ગુજરાત કૉલેજ પાસે શહીદ થનાર વિનોદ કિનારીવાળાના મૃતદેહને, ઘરની મોટરમાં, ગોળી મારનાર સાર્જન્ટ પાસેથી લઈ આવી, હૉસ્પિટલમાં અને પછી તેનાં માતાપિતાને પહોંચાડેલો. ૧૯૨૯માં શ્રી નીરુભાઈ દેસાઈ સાથે એમણે સાયકલ પર અમદાવાદથી મુંબઈનો પ્રવાસ પણ કરેલો. ૧૯૩૫-૩૬માં મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજમાંથી તેઓ બી. એ. થયા હતા. હાલ, લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશનમાં, અમદાવાદ ખાતે, ઑફિસર-આસિસ્ટન્ટ બ્રાન્ચ મેનેજર- છે, અને આ વ્યવસાય એમની લેખનપ્રવૃત્તિને અનુકૂળ પણ છે. શ્રી પટવા અનેક જાહેર પ્રવૃત્તિઓમાં પણ રસ લે છે. એલિસબ્રિજ આરોગ્યસમિતિના મંત્રી અને કોષાધ્યક્ષ તેમ જ યુવક સંધના મંત્રી તરીકેની એમની કામગીરીએ અને ધોલેરા, ધારાસણા, વીરમગામના સત્યાગ્રહોમાં ભાગ લઈને ચાર વાર મેળવેલા જેલજીવનના અનુભવે એમને સાહિત્યસર્જન માટે ઠીક ઠીક પાથેય પૂરું પાડ્યું છે. રાજકારણ, સત્યાગ્રહ અને જેલ-સહેલ એમના સર્જનના પ્રેરકબળો છે. એ વિશિષ્ટ વાતાવરણમાં અનેક વ્યક્તિઓનો સંપર્ક થયો, અને માનવસ્વભાવનો અભ્યાસ કરવાની પણ એમને તક મળી. શ્રી પટવાની લેખનપ્રવૃત્તિનો આરંભ તો કૉલેજકાળમાં જ થયો હતો. કૉલેજ-મેગેઝિનમાં એમના લેખો અને એમની વાર્તાઓ પ્રગટ થતાં હતાં. સદ્. રામનારાયણ પાઠકે ‘પ્રસ્થાન' સામયિકમાં કથાકાવ્યરૂપ એમની વાર્તા ‘આબુનો દેડકો' પ્રગટ કરી એટલે એમને ભારે પ્રોત્સાહન મળેલું. શ્રી. ચુનીલાલ વ. શાહે પણ ચિનુભાઈના વાર્તાલેખનને એક શિક્ષકની જેમ માર્ગદર્શન આપીને, ‘પ્રજાબંધુ' તેમ જ તેના દીપોત્સવી અંકોમાં એમની વાર્તાઓ પ્રગટ કરી; અને પરિણામે લેખન માટે એમને ઘણી શ્રદ્ધા જન્મી. એ જ રીતે શ્રી બચુભાઈ રાવતે પણ એમનામાં અંગત રસ લઈને આજ લગી એમને પ્રોત્સાહન આપ્યા કર્યું છે. વાતચીત કરવાની હળવી શૈલીને કારણે શ્રી નીરુભાઈ દેસાઈએ એવી વાતોને લેખનમાં ઉતારવાની પ્રેરણા આપેલી, અને એથી શરૂઆતમાં ‘નવ સૌરાષ્ટ્ર'માં 'ચા પીતાં પીતાં,’ અને પછીથી ‘ગુજરાત સમાચાર'માં ‘પાનસોપારી'ના શીર્ષક નીચે હળવા લેખો-નિર્બંધિકાઓ લખવાનું એમણે આરંભ્યું. ‘પાનસેપારી' તો ‘ગુજરાત સમાચાર'માં દર શનિવારે, તા. ૨-૮-૪૧ થી, એટલે કે છેલ્લાં પચીસ વર્ષથી, નિયમિત પ્રગટ થતો અત્યંત લોકપ્રિય વિભાગ છે. ૧૯૫૬માં શરૂ થયેલી મહાગુજરાતની લડત દરમ્યાન અને પછી પણ ‘ગોરખ મચ્છિન્દ્ર' નામની એમણે લખેલી લેખમાળામાં અને તાજેતરમાં એ જ નામે પુસ્તકાકારે પ્રગટ થયેલ એ ‘ઇતિહાસરસ પીરસતો રાજકીય કટાક્ષ'માં રાજકારણના રંગ અને વ્યંગને આબાદ રીતે, અત્યંત માર્મિક રીતે, એમણે ઝીલ્યાં છે. નિવૃત્ત કૉંગ્રેસી અને કૉગ્રેસ કાર્યકરની- મચ્છિન્દ્ર –ગોરખની-આ ખ્યાતનામ બનેલી જોડી દ્વારા શ્રી પટવાએ પ્રવર્તમાન રાજકારણની વિલક્ષણતાઓનાં પ્રતિબિંબ એમાં હૂબહૂ પાડ્યાં છે, અને એમના એકંદરે નિર્દેશ અને ઠાવકા હાસ્યનો અચ્છો પરિચય એ કૃતિમાં પ્રાપ્ત થાય છે. એમની ઊંડી રાજકીય સૂઝનું અને ગુજરાતના પ્રજાજીવનનું દર્શન કરાવતું આ સંવાદાત્મક કટાક્ષિકાઓની માળાનું આપણું વિરલ કહી શકાય એવું સમકાલીન પુસ્તક છે. જીવનમાં જે સહન કર્યા વગર છૂટકો જ નથી એવા બનેવોને હળવી દૃષ્ટિએ લેવાની અને જોવાની ટેવ પાડવી અને એવી રમૂજવૃત્તિ લેખનદ્વારા વિશાળ વાચકવર્ગને પહોંચાડવી-આ એમની લેખનપ્રવૃત્તિનો ઉદ્દેશ છે. એ કારણે જ એમણે ‘ગુજરાત સમાચાર'ને એમની લેખનપ્રવૃત્તિનુ મુખ્ય સાધન બનાવ્યું છે, અને આબાલવૃદ્ધ સર્વને એમાં રસ લેતાં કરીને પોતાના ઉદ્દેશને પણ સિદ્ધ કર્યો છે. એમના પ્રિય લેખનવિષય અને પ્રકાર પણ, એ કારણે, હળવી શૈલીથી લખાયેલા નિબંધો જ છે. પ્રત્યેક વ્યક્તિના જીવનમાં આવતા દુ:ખપ્રસંગો હસી કાઢ્યા વિના છૂટકો નથી, અને એમને હસી કાઢવામાં પોતાને જે સફળતા સાંપડે છે તેમાં બીજા ઘણા બધા ભાગીદાર બને એ એમની સ્વાભાવિક ઈચ્છા દૈનિક પત્રના વાહનદ્વારા સારી રીતે સંતોષાઈ પણ છે. પોતાની લેખનપ્રવૃત્તિને ઉપકારક થાય એ પ્રકારનું વાચન-મનન નિરંતર એ કરે જ છે, પણ એમને રસ પડતાં અંગ્રેજી ભાષાનાં પુસ્તકો તેઓ વાંચે છે; એમાંયે હળવું તેમ જ વિજ્ઞાનનું સાહિત્ય સવિશેષ. એમના પ્રિય લેખક શ્રી કનૈયાલાલ મુનશી છે. એમની નવલકથાઓ અને નાટકો એમને ચોટદાર લાગવાથી વિશેષ ગમ્યાં છે. ‘ગુજરાતનો નાથ', આથી જ, એના ચોટદાર સંવાદો અને વાર્તા કહેવાની શૈલીથી, અને ‘ભદ્રંભદ્ર' એમાંના હળવા કટાક્ષથી, શ્રી પટવાની પ્રિય સાહિત્યકૃતિઓ રહી છે. શ્રી મુનશી, શ્રી ચુનીલાલ વ. શાહ, શ્રી જ્યોતીન્દ્ર દવે, શ્રી રામનારાયણ પાઠક, શ્રી બચુભાઈ રાવત અને એમના સ્વ. પિતાશ્રી તેમ જ મોલિયેર, બાલ્ઝાક અને જેમ્સ થર્બર જેવા લેખકોએ એમના જીવન પર પ્રબળ અસર પાડી છે. લેખકની અભ્યાસકાળ દરમ્યાન બીજી અભ્યાસ-ભાષા ફ્રેન્ચ હતી, એથી ઉપરના લેખકોના ગ્રંથોનો અભ્યાસ કરવાની એમને તક મળેલી. પરિણામે, હળવું સાહિત્ય લખવાની એમની કુદરતી પ્રેરણા પ્રોત્સાહિત થયેલી. ઈ.સ. ૧૯૪૭માં એમની પ્રથમ કૃતિ-વાર્તાસંગ્રહ-‘નવોઢા' પ્રગટ થઈ એ પછી મુખ્યત્વે એ હળવા નિબંધો જ લખતા રહ્યા છે. પરંતુ નાટકના શોખને કારણે રંગમંડળ માટે નાટકો લખવાની જરૂર પડતાં એમણે ભજવવા માટે એકાંકીઓ પણ લખ્યા છે. ‘શકુન્તલાનું ભૂત'માં એમનાં એકાંકીઓ સંગ્રહાયાં છે. તખ્તા પર એમનાં એકાંકીઓ ખૂબ સફળ થયાં છે. અને ‘પાનસેપારી', ‘ચાલો, સજોડે સુખી થઈએ', ‘હળવું ગાંભીર્ય’ એ એમના નિર્બંધિકા-સંગ્રહની જેમ, આ નાટ્યસંગ્રહ પણ મુંબઈ અને ગુજરાત રાજ્ય તરફથી વર્ષનાં શ્રેષ્ઠ ગુજરાતી પુસ્તકોની સ્પર્ધામાં પારિતોષિક પણ પામેલ છે, અને વિવેચકોએ પણ એને વર્ષના અગ્રગણ્ય પુસ્તક તરીકે પ્રશંસાર્ધ્ય આપે છે. આજસુધીમાં વાર્તા અને એકાંકી સંગ્રહ ઉપરાંત એમના છ હળવા નિબંધના સંગ્રહો પ્રગટ થયા છે અને બીજા બેત્રણ સંગ્રહો પ્રગટ થવામાં છે. લેખકનું ‘ફિલસૂફ' તખલ્લુસ, આ તટસ્થ હાસ્યકારને ગૌરવ આપનારું છે. રોજિન્દા બનાવોમાંથી નર્મ પાત્ર-પ્રસંગો શોધી કાઢીને, માનવસ્વભાવની નબળાઈઓ અને અવળચંડાઈઓને અત્યંત હળવી કલમે છતાં તર્કબદ્ધ રીતે અને તીક્ષ્ણ બુદ્ધિથી એમણે આલેખી છે. એમની રજૂઆતશૈલી અને પ્રસંગની માવજત કરવાની વિશિષ્ટ કલાથી એમના હળવા નિબંધો વર્તમાન ગુજરાતમાં તો ઘેરઘેર અત્યંત પ્રીતિપાત્ર બની રહ્યા છે. એમની કલમમાંથી જેમ સ્થૂળ ચટકા સરી પડે છે તેમ ઊંચા વ્યંગનું સૂક્ષ્મ વૈચિત્ર્ય પણ નિર્ઝરે છે. એમનું હાસ્ય, નિખાલસ અને કરડાકી વિનાનું હોવાથી એક પ્રકારની મધુર પ્રસન્નતાનું વાતાવરણ, એમના લેખો વાંચતાંવાંચતાં, આપણી ચારે પાસ પ્રસરે છે. ગુજરાતના અલ્પધન હાસ્યસાહિત્યને શ્રી પટવાએ નિઃશંક સમૃદ્ધ કર્યું છે.

કૃતિઓ
૧. નવોઢા : મૌલિક, વાર્તાઓ; પ્ર. સાલ ૧૯૪૭.
પ્રકાશક : આર. આર. શેઠની કંપની, મુંબઈ.
૨. પાનસોપારી : મૌલિક, હળવા નિબંધો; પ્ર. સાલ ૧૯૫૦.
પ્રકાશક : એન. એમ. ત્રિપાઠી, મુંબઈ.
૩. ફિલસૂફિયાણી : મૌલિક, હળવા નિબંધો; પ્ર. સાલ ૧૯૫૩.
પ્રકાશક : એન. એમ. ત્રિપાઠી, મુંબઈ.
૪. શકુન્તલાનું ભૂત : મૌલિક, એકાંકી નાટ્યસંગ્રહ; પ્ર. સાલ ૧૯૫૬.
પ્રકાશક : ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ.
૫. ચાલો, સજોડે સુખી થઈએ : મૌલિક, હળવા નિબંધો; પ્ર. સાલ ૧૯૫૯.
પ્રકાશક : રવાણી પ્રકાશનગૃહ, અમદાવાદ.
૬. અમે અને તમે : મૌલિક, હળવા નિબંધો: પ્ર. સાલ ૧૯૬o.
પ્રકાશક : ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ.
૭. સાથે બેસીને વાંચીએ : મૌલિક, હળવા નિબંધો: પ્ર. સાલ ૧૯૬૫.
પ્રકાશક : રવાણી પ્રકાશનગૃહ, અમદાવાદ.
૮. હળવું ગાંભીર્ય : મૌલિક, હળવા નિબંધો; પ્ર. સાલ ૧૯૬૩.
પ્રકાશક : રવાણી પ્રકાશનગૃહ, અમદાવાદ.
૯. ગોરખ અને ‘મચ્છિન્દ્ર' [ ‘ફિલસૂફ'ની રાજકારણીય ગીતા] : મૌલિક, હળવા નિબંધો; પ્ર. સાલ ૧૯૬૪.
પ્રકાશક : શ્રી લક્ષ્મી પુસ્તક ભંડાર, અમદાવાદ.
૧૦. ફિલસફને પૂછો : મૌલિક, સાંસારિક પ્રશ્નોતરી; પ્ર. સાલ ૧૯૬૫.
પ્રકાશક : બાલગોવિંદ કુબેરદાસની કં., અમદાવાદ.
૧૧. સન્નારીઓ ને સજ્જનો : મૌલિક, હળવા નિબંધો; પ્ર. સાલ ૧૯૬૬.
પ્રકાશક : શ્રી હરિહર પુસ્તકાલય, સૂરત.
૧૨ . અવળે ખૂણેથી : મૌલિક, હળવા નિબંધો; પ્ર. સાલ ૧૯૬૭.
પ્રકાશક : શ્રી લક્ષ્મી પુસ્તક ભંડાર, અમદાવાદ.
અભ્યાસ-સામગ્રી
૧. ‘શકુન્તલાનું ભૂત' માટે ગુજરાત સા. સભાની કાર્યવહી, ૧૯૫૬.
૨. ‘ચાલો, સજોડે સુખી થઈએ' માટે ગુ. સા. સ. કાર્યવહી, ૧૯૫૯.
૩. ‘સાથે બેસીને વાંચીએ' માટે ગુ. સા. સભાની કાર્યવહી, ૧૯૬૧.
૪. ‘ગોરખ અને ‘મચ્છિન્દ્ર'ની પ્રસ્તાવના, પ્રિ. યશવંતભાઈ શુકલ તેમ જ એ જ પુસ્તકના ઉપરણા પરના શ્રી બચુભાઈ રાવત વગેરેના અભિપ્રાયો.
૫. ‘સાહિત્યવિવેક' (શ્રી અનંતરાય રાવળ)માંનો 'ભદ્રંભદ્રથી પાનસોપારી' એ લેખ.

સરનામું : પ્રીતમનગર, એલિસબ્રિજ, અમદાવાદ-૬.