ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧૧મું/નાટક

From Ekatra Wiki
Jump to navigation Jump to search
નાટક

આ દાયકામાં શુમારે સો નાટ્યપુસ્તકો પ્રગટ થયાં છે. તેમાં એકાંકી, ત્રિઅંકી, ચતુરંકી, પાંચઅંકી નાટક, રેડિયો રૂપકો યા રેડિયો નાટિકાઓ યા રેડિયો ધ્વનિકાઓને સમાવેશ થાય છે. નાટ્યસાહિત્યનો વિકાસ હવે આપણે ત્યાં ઠીક ઠીક પ્રમાણમાં થતો જાય છે. ધંધાદારી રંગભૂમિ અને અવેતન રંગભૂમિના કલાકારો હવે એકબીજાની વધુ નિકટ આવ્યા છે અને ક્યારેક તો સહિયારા પ્રયોગો પણ રજૂ થાય છે. નાટ્યક્ષેત્રે પ્રતિભાશાળી લેખકો, દૃષ્ટિસંપન્ન દિગ્દર્શકો, કુશળ કલાકારો અને નાટ્યપ્રેમી જનતા વચ્ચે સારી એવી ‘એકતા' અનુભવાય એવાં નાટકો વધુ ને વધુ લખાતાં, ભજવાતાં જાય છે. સિનેમાના અમોઘ આકર્ષણ વચ્ચે પણ રંગભૂમિ ટકી રહી છે; એટલું જ નહિ, નાટક પ્રત્યે પ્રેક્ષકોની અભિરુચિ ખૂબ ખૂબ જાગ્રત થઈ છે. એક ચિંતાજનક હકીકત સર્વને વિચાર કરતાં મૂકી દે એવી છે. આજકાલ પ્રહસનોની માંગ એટલી બધી વધી પડી છે કે ગંભીર અને શિષ્ટ કૃતિઓની રજૂઆત કરવાનું સાહસ બહુ ઓછા કરે છે. ફારસ, પ્રહસન ઘડી ગમ્મત કે આનંદ આપે છે એ સાચું, પણ એથી ક્યારેક સુરુચિનાં ધોરણો નીચાં ઊતરતાં જણાય છે. આ ભયસ્થાન નાનુંસૂનું નથી જ. આ દાયકાના ધ્યાનપાત્ર નાટ્યલેખકોને યાદ કરતાં સૌ પ્રથમ શ્રી ચંદ્રવદનને જ મૂકવા પડે. એમની આ ક્ષેત્રની વિશિષ્ટ સેવાઓનું અહીં પુનરાવર્તન ન કરીએ. આ દાયકા દરમ્યાન એમણે ‘રંગભંડાર' જેવો રેડિયો નાટિકાઓનો સમૃદ્ધ સંગ્રહ, ‘કિશોર નાટકો'ના બે ભાગ, ‘હોહોલિકા', ‘પરમમાહેશ્વર', ‘માઝમ રાત’ અને ‘સોના-વાટકડી' તેમ જ ‘સતી' જેવાં નાટકો આપ્યાં છે. આ સર્વમાં ‘હોહિલિકા' તથા ‘રંગભંડાર’માંનાં રેડિયો રૂપકો, ‘પ્રભાત ચાવડા', ‘અત્ર લુપ્તા સરસ્વતી', ‘મુઝફ્ફરશાહ', ‘એચ. એમ. આઈ. એસ. બંગાલ' ખૂબ સફળ રહ્યાં છે. શ્રી. કનૈયાલાલ મુનશીએ 'વાહ રે મેં વાહ' નામનું એક વિલક્ષણ નાટક આપ્યું છે. આમ તો એ fantacy છે. ચારઅંકી આ નાટકમાં મુનશીએ પાત્રમિલન યોજ્યું છે- પોતાની જ કૃતિઓનાં પાત્રોનું અને જીવનગત સ્નેહીસંબંધીઓનું. એમાં ઠઠ્ઠાખોરી છે મોટા માણસોની, પૂજ્ય પાત્રોની અને સૌથી વધુ મુનશીની પોતાની. આ બધાને એમણે 'અંજલિ' અર્પી છે તે વાંચતાં સાચે જ રસ પડે છે. મશ્કરા મુનશી જીવનની એક ગંભીર, કરુણતમ કર્તવ્ય પળે પણ કેવા ખીલી શકે છે તેનું સ-રસ નિરૂપણ એટલે ‘વાહ રે મેં વાહ'. શ્રી જયંતી દલાલે આ દાયકામાં ‘જવનિકા' પછી અનુક્રમે ‘બીજો પ્રવેશ', ‘ત્રીજો પ્રવેશ', ‘ચોથો પ્રવેશ' આપીને એકાંકી નાટકો તેમ જ રેડિયો ધ્વનિકાઓના ક્ષેત્રમાં નોંધપાત્ર અર્પણ કર્યું છે. શ્રી જયંતી દલાલ, શ્રી ચંદ્રવદન મહેતાની જેમ નાટ્યક્ષેત્રના કસબી છે અને અવનવા પ્રયોગો કુશળતાથી કરે જ જાય છે. આ સંગ્રહોમાં એમની કટાક્ષકલા, કથનકલા અને રેડિયો-ફીચર-રજૂઆત-કલાનો સ્પષ્ટ વિકાસ જોઈ શકાય છે. શ્રી ચુનીલાલ મડિયાએ ૧૯૫૧માં ‘રંગદા’ નામનો એકાંકી નાટ્યસંગ્રહ પ્રગટ કર્યો અને એને નર્મદચંદ્રક પ્રાપ્ત થયો. સફળ નવલિકાકાર મડિયા એટલા જ સફળ નાટ્યકાર પણ છે. આ દાયકામાં એમણે ‘રંગદા’, ‘વિષવિમોચન', ‘હું ને મારી વહુ’, ‘શૂન્ય શેષ', ‘નાટ્યમંજરી' આદિ નાટ્યસંગ્રહો આપીને એકાંકીક્ષેત્રે સુંદર અર્પણ કર્યું છે. ‘શ્રેષ્ઠ નાટિકાઓ'નું એમણે કરેલ સંપાદન પણ નોંધપાત્ર છે. એમાં સ્વ. યશવંત પંડ્યાના ‘ઝાંઝવાં’ નાટકથી માંડી શ્રી રાજેન્દ્ર શાહના ‘ગતિ-મુક્તિ' સુધીનાં, ૧૯૨૫થી ૧૯૫૦ લગીનાં, વિવિધ લેખકોનાં ૧૩ એકાંકીનો સમાવેશ કર્યો છે. એમાં ભજવી શકાય એવી, તખતાલાયક, કલાત્મક એકાંકી નાટિકાઓ છે. શ્રી શિવકુમાર જોશી આ દાયકાને સાંપડેલા એક નવા નાટ્યકાર છે. ‘પાંખ વિનાનાં પારેવાં’, ‘અનંત સાધના’ અને ‘સોનાની હાંસડી, રૂપાની હાંસડી' જેવા એકાંકીસંગ્રહો અને ‘સુમંગલા', ‘સાંધ્યદીપિકા' ‘દુર્વાંકુર', ‘અંગારભસ્મ', ‘એકને ટકોરે' અને ‘ઘટા ધીરી ધીરી આઈ' જેવાં ત્રિઅંકી, પંચઅંકી, ચતુરંકી નાટકો શિવકુમારને સફળ નાટ્યકાર તરીકે સ્થાપે છે. એમની કૃતિઓમાં ચબરાક સંવાદો, સૌષ્ઠવવંતું ગદ્ય, જીવનને જોવાની મર્મગામી દૃષ્ટિ, કરુણ અને હાસ્ય ઉપર એકસરખું પ્રભુત્વ જોવા મળે છે. રેડિયો નાટિકાના વિકાસમાં એમની ‘અનંત સાધના' કૃતિ સ્મરણીય અર્પણ છે. અહીં એક હકીકત ખાસ નોંધવી જોઈએ. નાટ્યસ્પર્ધાએ શિવકુમારને ઉત્તેજ્યા જણાય છે. સરકારી પારિતોષિક એમની કૃતિઓને મળતાં જ રહ્યાં છે, એ ઘટના એમની સર્જકપ્રતિભાને જેબ આપનાર ગણવી જોઈએ. શ્રી રંભાબહેન ગાંધીએ પણ આ દાયકા દરમ્યાન ઉલ્લેખપાત્ર એકાંકીઓ આપ્યાં છે. નારીજીવન, ગૃહજીવનની અનેક સમસ્યાનું રંભાબહેન હૃદ્ય નિરૂપણ એમની કૃતિઓમાં કરે છે. ‘કોઈને કહેશો નહિ પછી ‘રોજની રામાયણ' અને ‘ચકમક' એ સંગ્રહોમાં એમણે નવ નવ એકાંકીઓ આપ્યાં છે. ‘દેવ તેવી પૂજા'માં અગિયાર એકાંકી છે. ‘પરણું તો એને જ'માં સાત એકાંકી છે. રેડિયો ઉપર એમની કૃતિઓ ઠીક ઠીક વૈવિધ્ય પૂરું પાડે છે. નારીની અનેક મૂંઝવણોનું સહૃદયી નિરૂપણ કરનાર રંભાબહેન પાસે વધુ કલાત્મક અભિવ્યક્તિની અપેક્ષા રાખીએ. ‘સાપના ભારા' પછી વર્ષો બાદ શ્રી ઉમાશંકર જોશીએ ‘શહીદ’ નામે સફળ એકાંકીસંગ્રહ આપ્યો છે. શ્રી ગુલાબદાસ બ્રોકરનો પ્રથમ એકાંકીસંગ્રહ ‘જવલંત અગ્નિ’; શ્રી ધનસુખલાલ મહેતાનો ‘રંગોત્સવ' અને ‘ફુરસદના ફટાકા'; શ્રી યશોધર મહેતાકૃત ‘ઘેલો બબલ’ અને ‘ઘાઘરાઘેલો’ તેમ જ ઐતિહાસિક નાટક ‘સમર્પણ' સ્વ. બચુભાઈ શુકલકૃત ‘હરિરથ ચાલે': શ્રી બાબુભાઈ વૈદ્યકૃત ‘એ-આવજો' અને ‘પ્રેરણા'; શ્રી પ્રાગજી ડોસાકૃત ‘છોરુ કછોરુ' અને ‘મંગલમંદિર'; શ્રી ગુણવંતરાય આચાર્યકૃત ‘અખોવન' અને ‘મા'રરાજ', શ્રી જયભિખ્ખુકૃત ‘રસિયો વાલમ અને બીજાં નાટકો'; શ્રી દુર્ગેશ શુકલકૃત‘ઉલ્લાસિકા', ‘રૂપ પ્રથમમ્' અને ‘પલ્લવી પરણી ગઈ'; શ્રી સુરેશ ગાંધીકૃત ‘વૌઠાનો મેળો’; શ્રી મધુકર રાંદેરિયાકૃત ‘અંતે તો તમારી જ'; શ્રી ચંદરવાકરકૃત ‘યજ્ઞ' અને ‘મહીના એવારે'; શ્રી વજુભાઈ ટાંકકૃત વૈભવનાં વિષ, સ્વ. રમણલાલ દેસાઈ કૃત ‘બૈજુ બ્હાવરો' અને ‘વિદેહી'; શ્રી રમણ પટેલકૃત ‘પેલે પાર'; શ્રી નંદકુમાર પાઠક કૃત ‘વૈશાખી વાદળ', શ્રી મૂળજીભાઈ પી. શાહકૃત ‘તાજમહાલ'; શ્રી દામુભાઈ શુકલકૃત ‘રૂપા અને બીજાં ત્રણ'; શ્રી ભૂખણવાળાકૃત રૂપાંતરો ‘જમાઉધાર' અને ‘વારસદાર' શ્રી હકુમત દેસાઈકૃત ‘મનના મેલ' અને ‘ધરતીનાં ધણી'; શ્રી ચુ. વ. શાહકૃત ‘દેવનર્તકી; શ્રી કરુણશંકર સાતાકૃત ‘વિશ્વવિજેતા'; સ્વ. કવિચિત્રકાર ફૂલચંદભાઈ શાહકૃત ‘મહાશ્વેતા કાદંબરી', ‘માલતીમાધવ' અને ‘મુદ્રાપ્રતાપ'; શ્રી જયમલ પરમારકૃત ‘ભૂદાન'; શ્રી નાથાલાલ દવેકૃત ‘ભૂદાનયજ્ઞ'; શ્રી રમેશ જાનીકૃત ‘હુતાશની'- આ કૃતિઓ નાટ્યસાહિત્યના પ્રવાહને આગળ ધપાવવામાં પોતપોતાની રીતે ફાળો આપે છે. સ્વ. મણિલાલ નભુભાઈ દ્વિવેદીરચિત ‘નૃસિંહાવતાર' નામે ત્રિઅંકી નાટમનું શ્રી ધીરુભાઈ ઠાકરે કરેલું સંપાદન પણ નોંધપાત્ર છે. ‘કાન્તા'ના લેખકની આ બીજી કૃતિનું વસ્તુ પૌરાણિક છે, ખાસ રંગભૂમિ માટે તૈયાર થયેલ મંગલાન્ત નાટક છે. (શ્રી ધીરુભાઈ એ આ દાયકામાં એક સુંદર કાર્ય કર્યું છે. એમણે ‘અભિનેય નાટકો’ની ઉપયોગી સૂચિ તૈયાર કરી છે. ભજવનારાઓને સુગમ પડે એ દૃષ્ટિએ એમાં પ્રત્યેક કૃતિનો આછો રેખાત્મક પરિચય અપાયો છે.) શ્રી અનંત આચાર્યની પારિતોષિક પામેલી કૃતિઓ ‘કરિયાવર' અને ‘અબીલ ગુલાલ' નોંધપાત્ર છે. શ્રી હંસાબહેન મહેતાએ કરેલ અનુવાદ ‘મેલિયેરનાં બે નાટકો' અકાદમીનું પ્રકાશન છે. શ્રી ફિરોઝ આંટિયાએ સ્વરચિત કૃતિઓનો સંગ્રહ ‘છ નાટક' અને બીજો ‘૧૫ નાટકો અને ૧૧ ટચૂકડીઓ' નામે પ્રકટ કરેલ છે. લેખક કુશળ નટ, નિર્માતા અને દિગ્દર્શક છે એટલે તખ્તાની દૃષ્ટિએ એમની તમામ કૃતિઓ સફળતાને વરી છે. શ્રી ચીનુભાઈ પટવાકૃત ‘શકુન્તલાનું ભૂત', શ્રી અજિત પટેલકૃત ‘જીવન નાટક અને બીજાં એકાંકી' પણ સફળ નાટિકાઓ છે. શ્રી રસિકલાલ પરીખની આ દાયકાની મહત્ત્વની નાટ્યકૃતિ ‘શર્વિલક'ને સાહિત્ય અકાદમીનું રાષ્ટ્રીય પારિતોષિક મળ્યું છે. ‘દરિદ્ર ચારુદત્ત' તેમ જ ‘મૃચ્છકટિક' એ બે નાટકોમાંથી પ્રેરણા મેળવીને ‘શર્વિલક’ લખાયું છે. વિવિધ સંસ્કૃતિમાં માનતાં પાત્રો દ્વારા લેખકે એ કાળનો સંસ્કૃતિસંઘર્ષ કુશળતાથી રજૂ કર્યો છે. ‘મૃચ્છકટિક' માં ગૌણ પાત્ર તરીકે દેખાતો શર્વિલક આ નાટકમાં નાયક છે, એની પ્રિયા મદનિકા નાયિકા છે. રાજપરિવર્ત એ આ નાટકનું મુખ્ય વસ્તુ છે. ‘શર્વિલક' સંસ્કૃત નાટકની હરોળમાં બેસે એવી સમર્થ કૃતિ છે. પાત્ર, પ્રસંગ, રસ-સર્વ દૃષ્ટિએ આ નાટ્યકૃતિ સફળ રહી છે. બીજા એવા જ પ્રૌઢ નાટ્યલેખક સ્વ. રામનારાયણ વિ. પાઠકકૃત ‘કુલાંગાર અને બીજી કૃતિઓ' એ પણ દાયકાનો નોંધપાત્ર નાટ્યસંગ્રહ છે. એમાં પાઠકસાહેબ જેવા સમર્થ સર્જકની દસ રચનાઓ છે. ‘કુલાંભાર', ‘દેવી કે રાક્ષસી' અને ‘ભુલકણો પ્રોફેસર' એ ત્રણ મૌલિક રચનાઓ છે; અને ‘ઉરુભંગ’, ‘ભગ વદજ્જુકીયમ્' આદિ પાંચ મૂળ સંસ્કૃતમાંથી અનુવાદિત નાટકો છે અને બાકીની બે શેક્સપિયરની બે નાટ્યકૃતિઓના પ્રવેશો છે – ‘બાગમાં મિલન, અને ‘શેર માંસનો મુકદ્દમો’. આમાંની મોટા ભાગની કૃતિઓ રેડિઓ યા તખ્તા ઉપર સફળતાથી ભજવાઈ ચૂકી છે. દાયકામાં એકાંકી નાટિકાઓના સંગ્રહોનાં સંપાદનો પણ થયાં છે. શ્રી મડિયાસંપાદિત ‘શ્રેષ્ઠ નાટિકાઓ' ઉપરાંત શ્રી ગુલાબદાસ બ્રોકરનું સંપાદાન ‘ગુજરાતનાં એકાંકી'; શ્રી પુષ્કર ચંદરવાકરસંપાદિત નટીશૂન્ય નાટિકાઓને સંગ્રહ ‘રંગલીલા': શ્રી મડિયા સંપાદિત ‘નટીશૂન્ય નાટકો'. ‘મારાં પ્રિય એકાંકી'ના સંપાદકો છે સર્વ શ્રી જશભાઈ પટેલ, ભાનુ ચોકસી અને મધુરમ્, આ સિવાય શ્રી વજુભાઈ ટાંક સંપાદિત ‘નાટ્યવિહાર' નોંધપાત્ર છે. નવલકથામાંથી નાટ્યરૂપાંતરો થયાં હોય એવી બે કૃતિઓ છે. રમણલાલ દેસાઈની ‘પૂર્ણિમા’નું નાટ્યરૂપાંતર કર્યું છે શ્રી વિષ્ણુકુમાર વ્યાસે અને શરદબાબુના ‘દેવદાસ'નું રૂપાંતર કર્યું છે શ્રી શિવકુમાર જોશીએ. બંને રૂપાંતરો સુંદર બન્યાં છે. ‘ગુજરાતનાં નાટકો' (ગીતોની સારીગમ)નું સંપાદન શ્રી જયશંકર ‘સુંદરી'એ કર્યું છે. એમાં જૂની રંગભૂમિનાં નાટકોનાં ગીતો એકઠાં કરીને સંગીત શોખીનો માટે એક જ સંગ્રહમાં એ સુલભ કર્યાં છે. ‘નાટક ભજવતાં પહેલાં' એ શ્રી ધનસુખલાલ મહેતાની અનુભવપૂત પુસ્તિકા છે. ‘નાટક ભજવતાં' એ શ્રી ચંદ્રવદન મહેતાએ તૈયાર કરેલ પુસ્તિકા છે. નાટ્યેતર ગણાય એવી આ કૃતિઓ એટલા માટે નોંધી છે કે તે નાટકની કલાને સમજવામાં ઉપયોગી નીવડી છે. નાટકની તખ્તાલાયકી અને આપણું અભિનયક્ષમતાની સમજણમાં એથી જરૂર વધારો થાય છે. માત્ર નાટકનાં બે વિશિષ્ટ સામયિકો થોડો કાળ ચમકી ગયાં તેમને અહીં નોંધવાં જ જોઈએ. ગુલાબદાસ બ્રોકર અને સુશીલ ઝવેરીસંપાદિત ‘એકાંકી’ અને પ્રાગજી ડોસા આદિ સંપાદિત ‘ગુજરાતી નાટ્ય’ થોડી પણ અમૂલ્ય સેવા નાટ્યક્ષેત્રે કરી ગયાં છે. સમગ્ર લેતાં આ દાયકાનો નાટ્યફાલ સંખ્યા અને ગુણવત્તા બંને દૃષ્ટિએ નોંધપાત્ર બન્યો છે. શાળા-કૉલેજોના સમારંભો–ઉત્સવો નાટ્યલેખનપ્રવૃતિને વેગ આપે છે; એટલું જ નહિ, પણ સાહિત્યધેારણે નબળી ગણાતી કૃતિઓ કેટલીક વાર તો તખ્તા ઉપર, રંગભૂમિ ઉપર વધુ સબળ પુરવાર થઈ છે. રેડિયોનું માધ્યમ રૂપકોના સર્જન માટે મહદંશે નિમિત્ત બન્યુ છે. આ દાયકાના નવીનોમાં બે કલમો વધુ તેજસ્વી ગણાવી શકાય. એક શિવકુમાર જોશી અને બીજા ચુનીલાલ મડિયા. જૂનામાં શ્રી ચંદ્રવદન મહેતા અને જયંતી દલાલ સમય સાથે તાલ મિલાવી શક્યા છે. આ અને અન્ય જૂના-નવા નાટ્યકારો પાસેથી આપણે ગૌરવ કે ગર્વ પ્રેરે એવી સિદ્ધિ માટે રાહ જોઈએ. હજી આપણે ત્યાં શિષ્ટ સાહિત્યકૃતિઓ નાટકરૂપે પ્રમાણમાં ઘણી ઓછી રજૂ થાય છે. બંગાળી અને મરાઠી રંગભૂમિ ઉપર તો સંખ્યાબંધ નાટકો સમર્થ કૃતિ ઉપરથી, સમર્થ રીતે રજૂ થાય છે. ગુજરાતી રંગભૂમિમાં ધંધાદારી, અવેતન, અર્ધ-વેતન સંસ્થાઓ અને કલાકારો પોતપોતાની રીતરસમ પ્રમાણે પ્રયોગો કરે જાય છે; પણ એમાં પરિવર્તન આણવાનો સમય પાકી ગયો છે. રંગભૂમિ નવજીવન પામે તે માટે સૌ નાટકપ્રેમીઓએ સહિયારો પુરુષાર્થ પ્રમાણિકપણે કરવાની જરૂર છે. નાટકના ઉત્સાહી દિગ્દર્શકો ઘણી વાર નાટ્યસર્જકો તરફ આશાભરી મીટ માંડી કહે છે: અમને હોંસભેર ભજવવાનું મન થાય એવાં નાટકો આપો.

અનુવાદો

સંસ્કૃતમાંથી કાલિદાસ, ભવભૂતિ જેવાની નાટ્યકૃતિઓ સાહિત્યકારોને હંમેશા આહ્વાન આપતી રહી છે. ‘શાકુન્તલ' અને ‘ઉત્તરરામચરિત'ના અનેક અનુવાદ આજસુધીમાં આપણે ત્યાં થયા છે. આ દાયકા દરમ્યાન શ્રી ઉમાશંકર જોશીએ આ બંને નાટકોના સુંદર અનુવાદ આપ્યા છે. કવિત્વની છાંટભર્યાં ટીકા-ટિપ્પણ અને હૃદયંગમ પ્રસ્તાવના આ અનુવાદોની ઝલક ઓર વધારે છે. શ્રી કે. કા શાસ્ત્રીએ કરેલ ‘ભાસ નાટ્યચક્ર’નો અનુવાદ પણ અહીં સંભારી લઈએ. શ્રી પદ્માવતી દેસાઈનો ‘ઉત્તરરામચરિત' અનુવાદ પણ સુવાચ્ય છે. ચુનંદી સંસ્કૃત કૃતિઓ યુનિવર્સિટીના ઉચ્ચ અભ્યાસક્રમમાં અવારનવાર ભણવાની હોય છે એટલે તમામના ગુજરાતી અનુવાદો થાય છે ખરા, પણ તે બધા મોટે ભાગે વિદ્યાર્થીભોગ્ય હોય છે.