ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧૧મું/નિબંધ, નિબંધિકા અને હાસ્યરસની કૃતિઓ
નિબંધ અને નિબંધિકા
હવે આપણે નિબંધ તરફ વળીએ. ગંભીર ચર્ચા કે શાસ્ત્રીય વિષયોના નિરૂપણ અંગે અહીં નિબંધ શબ્દનો પ્રયોગ કર્યો છે. હળવા નિબંધો માટે આપણે ત્યાં નિબંધિકા કે લલિત નિબંધ હવે પ્રચલિત બનતો જાય છે. ગંભીર અને વ્યવસ્થિત ચર્ચાના લેખોને આપણે, સામાન્ય રીતે, નિબંધો તરીકે ઓળખીએ છીએ, અને એ રીતે આપણું ઘણુંખરું લેખસાહિત્ય આ વિભાગમાં સ્થાન પામે. તેમ છતાં, વિષયને કેન્દ્રમાં રાખીને પણ આપણે દશકાના સાહિત્યનું પ્રવાહદર્શન આગળ કર્યું છે, અને હવે પછી ધર્મતત્ત્વજ્ઞાન-ચિંતન વિભાગ નીચે એના પ્રવાહો પણ અવલોકીશું. એટલે આગળ નિર્દેશયેલાં કે હવે પછી અન્ય વિભાગ નીચે ઉલ્લેખ પામનાર પુસ્તક વિશે અહીં લખવાનો ઉપક્રમ રાખ્યો નથી. એથી પુનરુક્તિ ટાળવાનો જ આશય છે. આગળ, વિવેચન-વિભાગમાં, એવા અનેક નિબંધો છે, જેમને માત્ર સ્વરૂપદૃષ્ટિએ જોઈએ તો અહીં સ્થાન આપવું જોઈએ. કોઈપણ વિવેચકના વ્યવસ્થિત-મુદ્દાસરના ગંભીર લખાણને-લેખને-નિબંધ તરીકે આપણે ઓળખાવતા હોવાથી આગળ ઉલ્લેખેલ આનંદશંકરના ‘વિચારમાધુરી'ના લેખોથી આરંભી નવતર વિવેચકના વિવેચનલેખોને આપણે ફરીથી અહીં સ્મરવા જોઈએ. પરંતુ આટલી સ્પષ્ટતા પછી વિવેચન વિભાગ અને તત્ત્વજ્ઞાન-ધર્મ-ચિંતન જેવા વિભાગોમાં ઉલ્લેખાયેલ કૃતિઓને અહીં સ્થાન આપ્યું નથી. આ વિભાગ, અત્યંત વ્યાપક રીતે જોતાં, અનેક લેખસંચયોથી સમૃદ્ધ છે. ગૃહસંસાર અને સમાજજીવન, તત્ત્વચર્ચા અને કલા, કેળવણી અને સાહિત્ય, પ્રકૃતિપ્રેમ અને સંસ્કૃતિ, ધર્મ, સત્યાગ્રહ અને ભૂદાન-એમ અનેકાનેક વિષયોની ચર્ચા નિબંધોના રૂપમાં પ્રાપ્ત થાય છે. સાહિત્યવિવેચન અને તત્ત્વજ્ઞાન જેવા વિભાગો તો, આગળ કહ્યું તેમ, જુદા દર્શાગ્યા છે. એક યા બીજે પ્રસંગે અપાયેલાં વ્યાખ્યાનો પણ નિબંધના જ ઢાંચાનાં હોઈ એમની સ્વરૂપ તરીકે જુદી ગણના કરી નથી. કારણ, વિવેચનવિભાગમાં પણ એવા કેટલાય વ્યાખ્યાનસંગ્રહો છે, જેમાં સાહિત્યતત્ત્વ, સાહિત્યકૃતિ, સાહિત્યકાર કે સાહિત્યપ્રવાહોની ચર્ચા છે; અને એટલે જ એવાં વ્યાખ્યાનો એ વિભાગમાં નિર્દેશ્યાં છે. અને એ રીતે અન્ય વિષયોની બાબતમાં પણ બાકીનાંને અહીં સમાવી લેવાનું ઉચિત ગણ્યું છે. આ દાયકામાં આપણા એક ઉત્તમ નિબંધકાર શ્રી કાકાસાહેબ કાલેલકરના કેટલાક લેખસંગ્રહો પ્રગટ થયા છે: જીવનપ્રદીપ, જીવનચિન્તન, ધર્મોદય અને અવારનવાર, ‘જીવનપ્રદીપ' ગીતાવિષયક પ્રકીર્ણ લેખોનો સંચય હોવા છતાં એ સુસંકલિત છે. ‘જીવનચિન્તન' લેખકની ધર્મજીવન, પ્રાર્થના, સત્ય, અહિંસા વગેરે વિષયો પરની વિચારણા રજૂ કરતા ૮૫ લેખોનો સંગ્રહ છે; તો ‘ધર્મોદય'માંના નિબંધો પ્રસંગોમાંથી જીવનને સ્પર્શતા ધર્મસંસ્કાર રપષ્ટ કરે છે. ‘અવારનવાર' કેટલાંક પ્રાસંગિક લખાણો અને વિવિધ વિષયો પરના લેખોને સંગ્રહે છે; એમાંના કેટલાક ઇતર ભાષાઓના એમના લેખો અહીં અનુવાદ દ્વારા પ્રાપ્ત થાય છે. આ સર્વમાં કાકાસાહેબની તાજગીભરી રમણીય ગદ્યશૈલીનો આપણને આસ્વાદ મળે છે, અને એ નિબંધો ચિન્તક કાકાસાહેબનો પણ પરિચય આપી રહે છે. શ્રી રામનારાયણ પાઠકના ‘મનોવિહાર'માં ભિન્ન ભિન્ન વિષયો-પછી એ તત્ત્વચર્ચાના હોય કે કલા કે સ્થળવિષયક, સંસ્મરણાત્મક હોય કે આપણા લોક કે સ્ત્રીજીવનને લગતા-પરના લેખો હોવા છતાં લેખકના એ મનનવિહારમાં ગાંધીયુગના તેજસ્વી ચિન્તનની મુદ્રા ઊપસે છે. એમાંનો ‘પ્રેમ' પરનો એક જ લેખ વાંચીએ તોપણ આપણા એ સમતોલ દૃષ્ટિવાળા વિચારકની મૂર્તિ ખડી થયા વિના રહેતી નથી. એમાંના કેટલાક લેખો વિચારના વૈભવથી ભર્યાભર્યા છે, અને લેખકની જલ જેવી પુનિત શૈલી આપણને ભીંજવી રહે છે. શ્રી ઉમાશંકર જોશીના લઘુ નિબંધો (‘સંસ્કૃતિ'નાં પ્રથમ પૃષ્ઠ) ‘ઉઘાડી બારી’માં સંગ્રહાયા છે; વિદ્યા, કલા અને રંગભૂમિથી કેળવણી અને લોકશાહી સુધીના વિવિધ વિષયો પરના લેખકના મનનીય અને પ્રેરણાદાયી વિચારો આ૫ણને સંસ્ફૂર્ત કરે છે. ગુજરાતી ગદ્યની આકર્ષક લઢણો, વક્તવ્યને સ્પષ્ટતાથી વ્યક્ત કરતાં સમુચિત સૌન્દર્યરસિત વાક્યો અને સમગ્રપણે જન્મતું પ્રસન્નચારુ વાતાવરણ-આપણા આ નિબંધકારની ગદ્યશૈલી ગુજરાતી ગદ્યની વિકાસયાત્રાનું મધુર દર્શન કરાવે છે. સ્વામી આનંદના સામયિકોમાં પ્રગટ થતા લેખોએ આપણને તળપદી સુગંધથી મહેકતી નવા જ વળોટવાળી ગદ્યશૈલી આપી છે એનો પણ અહીં ઉલ્લેખ કરવો જોઈએ. કાલેલકર, મશરૂવાળા, રામનારાયણ, ઉમાશંકર, સ્વામી આનંદ જેવા નિબંધલેખકો દ્વારા ગુજરાતી ગદ્યની વિવિધ લીલાઓ પ્રગટ થઈ છે. અને ભાષાની અભિવ્યક્તિની ક્ષમતાનો આહ્લાદક પરિચય એ દ્વારા થાય છે. શ્રી વિદ્યાબહેન નીલકંઠકૃત ‘જ્ઞાનસુધા'માં કેળવણી, સાહિત્ય, સમાજ જેવા વિષયોને આવરતા લેખો છે. ‘જીવનદીપ'માં શ્રી ઈશ્વર પેટલીકરે ગૃહસંસાર, સમાજજીવન અને અંગત જીવન વિશેના તેત્રીસ નિબંધો આપ્યા છે; અને ‘આપણે ફરી ન વિચારીએ?'માં શ્રી ગુણવંતરાય આચાર્યે રાષ્ટ્રના વિવિધ પ્રશ્નો-આર્થિક, સામાજિક, રાજકીય-ચર્ચ્યા છે, અને ચૂંટણીથી પંચવર્ષીય યોજના પર પોતાના નીડર વિચારો વ્યક્ત કર્યા છે.
નિબંધિકા અને હાસ્યરસની કૃતિઓ
અગંભીર મનોવૃત્તિથી લખાયેલા નિબંધો આપણે ત્યાં નિબંધિકા (કે નિર્બંધિકા) નામથી ઓળખાય છે. આ પ્રકારનાં લખાણો લલિત નિબંધની કોટિમાં આવે; એમને માટે ‘લઘુ નિબંધ' શબ્દ પણ પ્રયોજાયો છે. નામ ગમે તે આપીએ, એમાં ગંભીર વિચારોના ક્રમિક નિરૂપણને સ્થાને એક પ્રકારનું રસલક્ષી વાતાવરણ છવાયેલું હોય છે, અને એમાં ઉચ્ચતા જળવાઈ રહી હોય તે સર્જક-નિબંધ તરીકે એ આપણું મન હરી લે છે. એમાં વિનોદનું-હાસ્યનું તત્વ સુપેરે પ્રવેશેલું દેખાય છે. નર્મ, મર્મ અને કટાક્ષ તેમ જ હાસ્યના વિવિધ પ્રકારોનો એમાં આશ્રય લેવાય છે. પણ વિરલ અપવાદો બાદ કરતાં આપણે ત્યાં કટાક્ષ, ઉપહાસ કે સ્થૂળ હાસ્ય જન્માવતા ટુચકાઓ આ પ્રકારના લેખોમાં વિશેષ જોવા મળે છે. લેખક વિચિત્ર દલીલો કરીને, વિવિધ પ્રકારના તર્ક બુટ્ટાઓનો આશ્રય લઈને કે કવચિત્ પોતાની જાતને હાસ્યાસ્પદ બનાવીને એમાંથી હાસ્ય જન્માવતો હોય છે. નર્યા શબ્દશ્લેષ કે અક્ષરોના સ્થાનપલટાથી હાસ્ય તો જન્મે છે, પણ એનો સમાવેશ ચાતુરીમાં કરી શકાય. હાસ્યલક્ષી ટુચકાઓ વિશેષ માત્રામાં આપતા જવાથી પણ એથી ઉપરવટ ન જઈ શકાય. સમગ્ર લેખોમાંથી એક પ્રકારની પ્રસન્નતા ફોરતી રહે તો એમાં સર્જક-નિબંધની સિદ્ધિ છે. આપણે ત્યાં નિબંધિકાનો લેખક માનવસ્વભાવના દંભ અને પોકળતા ખુલ્લાં કરી એના પર કટાક્ષ કરતો, રોજ-બ-રોજના જીવનમાંથી પ્રસંગો વીણી લઈ એમાંથી હાસ્ય નિષ્પન્ન કરતો કે માનવસ્વભાવની અવળચંડાઈની અને એની નિર્બળતાની વિવિધ રીતે રમૂજ કરી હાસ્ય જન્માવતો દેખાય છે, અને એ રીતે આપણું કેટલુંક લઘુ નિબંધનું-નિબંધિકાનું સાહિત્ય સારી રીતે ફાલ્યુંફૂલ્યું છે.
આ સ્વરૂપમાં આપણે ત્યાં શ્રી જ્યોતીન્દ્ર દવેનું અર્પણ ચિરસ્મરણીય રહેશે. ગયે દાયકે જ્યોતીન્દ્ર, મસ્તફકીર, નવલરામ ત્રિવેદી, વિજયરાય, બેકાર, મુનિકુમાર, મૂળરાજ, ‘નકીર' વગેરેની કલમો આ પ્રકારના સ્વરૂપના સાહિત્યમાં આસ્વાદવા મળેલી. ઉમાશંકર, મનસુખલાલ, ભગવત ભટ્ટ, નટવરલાલ બૂચ, રમણલાલ મહેતા, બકુલ ત્રિપાઠી ચિનુભાઈ પટવા, પ્રબોધ જોશી, લાભુબહેન મહેતા વગેરેએ પણ કટાક્ષાત્મક અગંભીર-વિનોદપ્રધાન નિબંધિકાઓ સર્જી છે.
આ દશકાના લઘુ નિબંધોના લેખકોમાં શ્રી જ્યોતીન્દ્ર સિવાયના બીજા ચાર લેખકો સૌથી વિશેષ ધ્યાન ખેંચે છે: ઉમાશંકર જોશી, ચિનુભાઈ પટવા, બકુલ ત્રિપાઠી અને વિનોદિની નીલકંઠ. ‘ગોષ્ઠિ' એ ઉમાશંકરની નિબંધિકાઓનો સંગ્રહ છે. એમાંનો કોઈ નિબંધ અંગત છે તો મેઘાણીભાઈ જેવા કોઈક ચરિત્રાત્મક છે. કોઈ અહેવાલરૂપ (‘અમદાવાદ') છે, તો કોઈક વ્યાખ્યાન પણ છે. એમાંનું હાસ્ય પ્રસન્નમધુર છે અને વાચકની સાથે અનૌપચારિક વાતચીત થતી હોય એવું એમનું સ્વરૂપ છે. એમાં ગંભીર વિચારની નાનકડી સેર, આછી સ્મિતરેખાઓ ચમકાવતી વિનોદલહરીઓ વચ્ચે વહીને લેખોને લલિત નિબંધની ઊંચી કક્ષાએ મૂકી આપે છે. ‘ધી મંગલાષ્ટક લિમિટિડ', ‘મિત્રતાની કલા,' ‘પરીક્ષા' જેવી કૃતિનો આસ્વાદ વાચકને પ્રસન્ન કર્યા વિના નહિ રહે. શ્રી ચિનુભાઈ પટવાએ ‘પાનસોપારી,’ ‘ફિલસૂફિયાણી,’ ‘ચાલે, સજોડે સુખી થઈએ.' ‘અમે અને તમે' એ વિનેાદપ્રધાન કૃતિઓના સંગ્રહ પ્રકટ કર્યા છે. ‘ગુજરાત સમચાર' દૈનિકમાં ‘ફિલસૂફ'ના તખલ્લુસથી એ વર્ષોથી નિયમિતપણે ‘પાનસેપારી'ની કટારો લખે છે. આપણા કુટુંબજીવનના અને સામાજિક વ્યવહાર તેમ જ રોજ-બ-રોજના જીવનમાંથી પ્રસંગો વીણી લઈને તેમાંથી એ વિનોદની સામગ્રી પીરસે છે, કહો કે એમાંથી જ એ હાસ્ય પ્રગટાવે છે. એવા બનાવોને તેઓ આકર્ષક રીતે-હળવી રીતે રજૂ કરે છે. ખાસ કરીને અમદાવાદના સમાજજીવન પર આ ‘ફિલસૂફ’ની દૃષ્ટિ વેધક રીતે ફરતી જણાય છે અને એને દેખાતી માનવજીવનની અસંગતિ કે વિલક્ષણતા હાસ્ય રૂપ પામે છે. માનવસ્વભાવની વિલક્ષણતાને તેઓ અત્યંત રસમય રીતે વ્યક્ત કરી શકે છે. આવા લેખોનું ભયસ્થાન પ્રાસંગિકતા છે, તેમ છતાં આવા લેખો જ્યારે નિર્દોષ વિનોદથી રસમંડિત થયા હોય છે ત્યારે એ મર્યાદાથી મુક્ત રહેલા પણ દેખાય છે. લેખક પાસે વિચક્ષણ કહેવાય એવી અવલોકનશક્તિ છે, અને વિનેાદયુક્ત વાતાવરણ ઉપસાવવામાં એનો ફાળો પણ નાનોસૂનો નથી. શ્રી બકુલ ત્રિપાઠી પણ આપણી યુવાન પેઢીના અચ્છા હાસ્યકાર છે. ‘સચરાચરમાં' એમની ૩૦ નિબંધિકાઓ ગ્રંથસ્થ થઈ છે. એ પણ ‘ગુજરાત સમાચાર'માં 'સોમવારની સવારે' નિયમિત વિનોદ-કૃતિઓ આપે છે. ‘સચરાચરમાં'નું શીર્ષક જ નિબંધિકાના વિશાળ વિષયવ્યાપનો ખ્યાલ આપે છે. એમાં લગ્નની ભેટો, શરદીનો દરદી, હાથ જોવાની કળા, ઊંઘ અને ઉનાળો કે બેંક જેવા વિવિધ વિષેયો લઈને લેખકે વિનોદપ્રધાન લધુનિબંધો સર્જ્યાં છે. શ્રી જ્યોતીન્દ્ર દવે પછી, સ્વરૂપ અને શૈલી પરત્વે, શ્રી બકુલ ત્રિપાઠી આપણું વિશેષ ધ્યાન ખેંચે છે. શ્રી જેયોતીન્દ્રની હાસ્યશૈલીનાં કેટલાંક લક્ષણો શ્રી ત્રિપાઠીમાં પણ સુભગ રીતે ઊપસી આવતાં દેખાય છે. ‘નિજાનંદ' એ શ્રી વિનેદિનીબહેન નીલકંઠની નિબંધિકાઓનો સંગ્રહ છે. એમાં પ્રવાસધામોનાં વર્ણનો ઉપરાંત સ્મરણોનું પણ આલેખન છે, અને કેટલીકવાર ડોકાઈ જતું કાવ્યત્વ, નિજાનંદે સર્જાયેલા આ લધુનિબંધોને, વિશેષ આસ્વાદ્ય બનાવે છે. આ ચાર નવીન કલમો સાથે ‘ત્રીજું સુખ'માં શ્રી જ્યોતીન્દ્ર દવેની સિદ્ધ કલમનાં પણ દર્શન થાય છે. ‘રંગતરંગ’નું મર્મ અને બુદ્ધિલક્ષી, સક્ષ્મ અને ક્યાંક સ્થૂળ તત્ત્વોવાળું હાસ્ય અહીં પણ છે. એમની આ પ્રકારની શક્તિને હજી આપણે ત્યાં બીજું કોઈ આંબી શક્યું નથી એ આ લેખકની આ ક્ષેત્રમાંની શ્રેષ્ઠતાનું સૂચક છે.
શ્રી રમેશ મ. ભટ્ટે ‘મોજ, મજાહ અને મહેફિલ'માં કેટલાક વિનેદભર્યા પ્રસંગો દ્વારા વિનોદની મોજમજા કરાવી છે, તો શ્રી રંભાબહેન ગાંધીએ ‘તીર અને તુક્કા'માં સામાજિક કટાક્ષલેખો સંઘર્યા છે. શ્રીમતી ગાંધી, મોટે ભાગે, શહેરીજીવનના સ્ત્રી-પુરુષજીવનની ત્રુટિઓ પર કટાક્ષનાં બાણ ફેંકે છે. એમાં કેટલીકવાર ઉપદેશ પણ પ્રવેશતો દેખાય છે. ‘પંચાજીરી'માં શ્રી રમણલાલ છો. મહેતાએ વિનોદલક્ષી કૃતિઓ આપી છે. એમની સ્વૈરવિહારી શૈલી અને માનવસ્વભાવ પર આધારિત એમનું નિર્દશ હાસ્ય એમના હાસ્યલેખોને આસ્વાદ્ય બનાવે છે. એમાં સાહિત્યલેખકોની નિર્બળતા પર કટાક્ષ કરતી લેખકે લેખમાળા જ આપી છે! ‘હાસ્યસાધના'માં શ્રી પ્રસન્નહંસે હાસ્યલક્ષી ટુચકાઓ રજૂ કર્યા છે. એ આપણને હળવું વિનોદયુક્ત વાચન પૂરું પાડે છે. પણ આ પ્રકારની કૃતિઓમાં અક્ષરોના સ્થાનપલટા કરીને કે સહેજ અમસ્તી મજાક દ્વારા જાણે હાસ્યરસ નિષ્પન્ન થઈ જતો હોય એમ લેખક માની લેતા હોય એમ લાગે છે. રમૂજભર્યા પ્રસંગોના નિરૂપણથી વિશેષ એમાં ભાગ્યે જ કશું સિદ્ધ થતું હોય છે. શ્રી હરિપ્રસાદ વ્યાસે પણ ‘પોથીમાંનાં રીંગણાં'માં કેટલાક વિનોદલક્ષી પ્રસંગો આલેખ્યા છે. એમાં માનવસ્વભાવનાં દંભ અને પોકળતા પર લેખક કટાક્ષ પણ કરી લે છે. આ હળવા નિબંધો અત્યુક્તિઓમાં વિશેષ રાચતા હોઈ કૃત્રિમતા એવું મોટું ભયસ્થાન બને છે. શ્રી ચુનીલાલ મડિયાના (‘સંસ્કૃતિ'માં ‘વક્રગતિ' તખલ્લુસથી લખાયેલા લેખો) ‘ચોપાટીને બાંકડે'થી. પણ આ વિભાગમાં સ્થાન પામી શકે. એમાંના હળવી પણ કટાક્ષાત્મક શૈલીના પ્રસંગોચિત લેખોએ વાચકોનું સારું આકર્ષણ જમાવેલું.
હાસ્યકથાઓ, હાસ્યપ્રસંગો તેમજ નિબંધિકાઓના સંચયો પણ આ દાયકે પ્રકટ થયા છે. શ્રી મીનુ દેસાઈ અને શ્રી રમણલાલ શાહે ‘શ્રેષ્ઠ નિબંધિકાઓ'માં ૧૮ અગંભીર, કટાક્ષયુક્ત, વિનોદપ્રધાન નિબંધિકાઓ સંગ્રહી છે. શ્રી રમણભાઈ નીલકંઠથી શ્રી બકુલ ત્રિપાઠીનાં આ પ્રકારનાં લખાણોમાં સંપાદકોએ વિષયવૈવિષ્યને પણ લક્ષમાં રાખેલ છે. આરંભે ‘નિબંધ અને નિબંધિકા' વિશે ટૂંકો અભ્યાસલેખ છે, પણ એમાં નિબંધિકાના આપણે ત્યાં થયેલા વિકાસની રૂપરેખા આપી હોત તે કૃતિની મૂલ્યવત્તામાં ઉમેરો થાત. એ જ રીતે શ્રી બિપિનભાઈ ઝવેરીએ ‘હાસ્યકથાઓ' અને ‘ગુજરાતી સાહિત્યમાં શ્રેષ્ઠ હાસ્યપ્રસંગો'ના સંગ્રહ પ્રકટ કર્યા છે. શ્રી નવનીત સેવકે શ્રી નવલરામ પંડ્યાની ‘ભટનું ભોપાળું’ નાટ્યકૃતિને વાર્તારૂપમાં મૂકી આપી છે.
આપણાં દૈનિક પત્રોની કટારોમાં પણ નિયમિતપણે હાસ્ય-કટાક્ષાત્મક લખાણો પ્રગટ થતાં રહે છે. એમાં પત્રકારી લખાણ હોઈ એના વિષયોમાં પ્રાસંગિકતાના અંશો વિશેષ હોય છે, તેમ છતાં એ સર્વ વિષયોમાં ઘણા બધા રસ લેતા હોવાથી એ લખાણોને લોકપ્રિયતા પણ વિશેષ મળતી જેવા મળે છે. ‘ફિલસૂફ', બકુલ ત્રિપાઠી, ‘વક્રગતિ'નાં દૈનિક પત્રો કે સામયિકોમાં આવતાં આવાં લખાણો અંગે ઉપર નિર્દેશ કર્યો છે. ‘પ્રિયદર્શી' નામે ડૉ. મધુસૂદન પારેખે પણ ‘ગુજરાત સમાચાર'માં ‘હું શાણો અને શકરાભાઈ’ નામની હળવી વિનોદી લેખમાળા આરંભી છે.
શ્રી વિ. સ. ખાંડેકરનો હળવા નિબંધોનો સંગ્રહ ‘હરિયાળી' શ્રી ગોપાળરાવ વિદ્વાંસે આપણને સુલભ કરી આપ્યો છે. લેખકના વિશાળ વાચન અને સંસ્કારની સૌરભ એ લેખોમાં પ્રસરેલી છે.