ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧૧મું/પ્રજારામ નરોત્તમ રાવળ
પ્રજારામ નરોત્તમ રાવળ
[૩-૫-૧૯૧૭]
કવિશ્રી પ્રજારામ વઢવાણ શહેરના વતની છે, અને એમનો જન્મ પણ એ જ ગામમાં ઈ.૧૯૧૭ના મેની ત્રીજી તારીખે થયો હતો. પિતાનું નામ શ્રી નરોત્તમ કાલિદાસ રાવળ અને માતાનું શ્રી બાલુબહેન. ઈ.૧૯૩૯માં શ્રી પ્રમીલાબહેન સાથે એમનાં લગ્ન થયાં હતાં. જ્ઞાતિએ તેઓ બ્રાહ્મણ છે. પ્રાથમિક શિક્ષણ વઢવાણ શહેરની રાષ્ટ્રીય શાળામાં લીધું, અને માધ્યમિક એ જ ગામની દાજીરાજ હાઈસ્કૂલમાં. એ પછી પાટણની આયુર્વેદ કૉલેજમાં દાખલ થઈ એની છેલ્લી પરીક્ષામાં ઈ.૧૯૪૧માં પ્રથમ વર્ગમાં ઉત્તીર્ણ થયા. વ્યવસાયે તેઓ વૈદ્ય છે અને ૧૯૫૪થી અધ્યાપનના ક્ષેત્રે ભાવનગરની આયુર્વેદ કૉલેજમાં ઉપાચાર્ય તરીકે કાર્ય કરી રહ્યા છે. ઈ.૧૯૩૧માં એમણે લેખનપ્રવૃત્તિનો આરંભ કર્યો. કેવળ આનન્દ એ જ એમની લેખનપ્રવૃત્તિનો ઉદ્દેશ છે. વ્યાસ, વાલ્મીકિ, કાલિદાસ, ટાગોર, સુન્દરમ્, શ્રી અરવિંદ વગેરે એમના પ્રિય લેખકો છે. પોતાના વિકાસમાં વધુમાં વધુ મદદ કરનાર શ્રી અરવિંદનું ‘સિન્થેસિસ ઑફ યોગ’ એ એમનું પ્રિય પુસ્તક છે. કાવ્યનો સાહિત્યપ્રકાર પોતાને ગમતો હોવાથી એના તરફ એમને પક્ષપાત છે. શ્રી અરવિંદનું એમણે ૧૯૪૭માં દર્શન કર્યું-એ એમના જીવનનો વિકાસદર્શક પ્રસંગ તેઓ માને છે. શ્રી ‘સુન્દરમ્' દ્વારા, જીવનની સ્વાભાવિક ગતિમાં, શ્રી અરવિંદે એમના જીવન પર પ્રબળ અસર પાડી છે. એમના સાહિત્યસર્જનમાં યોગ એ એક મોટું પ્રેરક બળ છે. તેઓ યોગ અને કાવ્યનાં પુસ્તકો પણ વિશેષ વાંચે છે. એમનાં કાવ્યો ‘કુમાર’, ‘સંસ્કૃતિ', ‘દક્ષિણા' આદિ અનેક સામયિકોમાં પ્રગટ થતાં રહ્યાં છે. ૧૯૩૯માં શ્રી ગોવિન્દ સ્વામીના સહકારથી ‘મહાયુદ્ધ' નામની કાવ્યપુસ્તિકા એમણે પ્રગટ કરેલી. ઈ. ૧૯૫૬માં એમનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘પદ્મા' પ્રગટ થયો અને શ્રી સુન્દરમે ‘નોળવેલનો કવિ’થી એમનો પરિચય આપ્યો. શ્રી પ્રજારામમાં છંદો પરનું પ્રભુત્વ ખાસ ધ્યાન ખેંચી રહે છે. શબ્દના સૌન્દર્યની એમની ઉપાસના આહ્લાદપ્રેરક છે. નાનકડાં નખચિત્રો જેવી એમની નમણી કાવ્યરચનાઓ કંડારાયેલી મધુર શિલ્પકૃતિઓની જેમ મનમાં વસી રહે છે, અને અત્યંત સહજતાથી એમના મનઃપ્રદેશનાં દર્શન કરાવી જાય છે. શ્રી સુન્દરમે, પ્રજારામને ‘પૂર્ણ સભાન રીતે યોગાભિમુખ બનેલા કવિ' કહ્યા છે. યોગના અનુભવને એમણે સભર કંઠે ગાય પણ છે. અધ્યાત્મભાવ એમનાં કાવ્યોનું ઊડીને આંખ વળગે એવું મહત્ત્વનું લક્ષણ છે. એમની પ્રકૃતિપ્રીતિ એમનાં પ્રકૃતિવિષયક કાવ્યોમાં સુરેખ રીતે વ્યક્ત થઈ છે. એમનાં ઋતુકાવ્યો એમના સંગ્રહનું મોટું આકર્ષણ બની રહે છે. ‘ઝાલાવાડી ધરતી'માં એમણે વતનપ્રેમની કેવી ચોટદાર લાગણી વ્યક્ત કરી છે! લાંબી કાવ્યરચનાઓ (‘ચંદ્રોદય' જેવી). એમનામાં ઓછી જ મળે છે, પણ એમનાં તેજસ્વી પાણીદાર મુક્તકો વારેવારે માણવાનું મન થાય એવાં છે. શ્રી પ્રજારામે મોટેભાગે નાનકડાં ઊર્મિકાવ્યો જ આપ્યાં છે, અને સૉનેટનું સ્વરૂપ એમને વિશેષ ફાવ્યું લાગે છે. ગીતમાં સફળ થયા દેખાતા નથી. એમનો બીજો’ કાવ્યસંગ્રહ ‘નાન્દી' પણ પ્રગટ થઈ ચૂક્યો છે. એમાં સ્વામી વિવેકાનંદ અને શ્રી અરવિંદની કૃતિઓના અનુવાદો, મુક્તકો અને બીજી ૬૫ જેટલી કૃતિઓ સંગ્રહાઈ છે. શ્રી અરવિંદની સ્પષ્ટ અસર શ્રી પ્રજારામની કૃતિઓ પર દેખાય છે. શ્રી પ્રજારામ ભાવનગરની સાહિત્યસભાના મંત્રી છે, અને કેળવણીમાં એમને રસ છે.
<poem>
કૃતિઓ
૧. પદ્મા : મૌલિક, કાવ્ય; પ્ર. સાલ ૧૯૫૬.
પ્રકાશક : વૉરા એન્ડ કુ., મુંબઈ
૨. નાન્દી : મૌલિક, કાવ્ય; પ્ર. સાલ ૧૯૬૩.
પ્રકાશક : હરિહર પુસ્તકાલય, સૂરત.
અભ્યાસ-સામગ્રી :
૧. ‘પદ્મા’નો પ્રવેશક (સુન્દરમ્); ગુ. સા. સભાની કાર્યવહી, ૧૯૫૬.
સરનામું : આયુર્વેદ વિદ્યાલય, ભાવનગર..