ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧૧મું/બાલમુકુન્દ મણિશંકર દવે
બાલમુકુન્દ મણિશંકર દવે
[૭-૩-૧૯૧૬]
કવિશ્રી બાલમુકુન્દ દવે વડોદરાથી સાત-આઠ માઈલને અંતરે આવેલા માંડ પચાસસાઠ છાપરાંની વસ્તીવાળા નાનકડા મસ્તુપુરા ગામના વતની છે. એમનો જન્મ પણ એ જ ગામમાં તા. ૭-૩-૧૯૧૬ના દિવસે થયો હતો. પિતા મણિશંકર ગિરિજાશંકર દવે વ્યવસાયે ગામોટ ગોર હતા. માતાનું નામ નર્મદાબહેન. જ્ઞાતિ ચોવીસા બ્રાહ્મણની, પ્રેમાનંદની. ઈ.સ. ૧૯૩૭માં એમનું પ્રથમ લગ્ન જાસુદબહેન સાથે થયુ હતું. એમનું અવસાન થતાં ઈ.સ. ૧૯૪૧માં ચંદનબહેન સાથે એમનાં લગ્ન થયાં. પ્રાથમિક શિક્ષણનાં પહેલાં ત્રણ વર્ષો ગામની જ સરકારી ગુજરાતી શાળામાં ગાળ્યાં, પણ એ બંધ થતાં માઈલ દોઢ માઈલ દૂર આવેલા કુંવરવાડાની સરકારી ગુજરાતી શાળામાં છઠ્ઠા ધોરણ સુધીનો અભ્યાસ કર્યો (૧૯૨૫-૧૯૨૭). એ પછી વડોદરાની શ્રી સયાજી હાઈસ્કૂલમાં દાખલ થયા અને ઈ.સ. ૧૯૨૮થી ૧૯૩૫ સુધી મેટ્રિક સુધીનો અભ્યાસ ત્યાં કર્યો. ભાષાના વિષયમાં પહેલેથી જ પ્રીતિ એટલે સારા ગુણ મળતા, પણ ગણિત તરફ તો ભારે નફરત. કુંવરવાડા સુધી રોજ પગે ચાલીને અભ્યાસ કરવા જતા આ કવિના ચિત્તમાં ત્યાંની પ્રકૃતિની રમણીયતા સંચિત થઈ ચૂકી હતી. નર્મદા અને મહીનાં કોતરો સાથે એમને કૌટુંબિક નાતો રહ્યો છે. ગામના વ્રત-ઉત્સવોમાંનો ઉલ્લાસ પણ એમણે મન ભરીને માણ્યો છે. વડોદરામાં અભ્યાસ અર્થે નિવાસ કરતાં તેઓ નગર-સંસ્કૃતિના પરિચયમાં આવ્યા. ત્યાંની અભિજાત કલાપ્રવૃત્તિઓનાં દર્શન થશે. એ પછી વ્યવસાય અર્થે અમદાવાદ આવવાનું થયું. નર્મદા અને મહી, વિશ્વામિત્રી અને સાબરમતી-એ સર્વના સંતર્પક સાન્નિધ્યમાં એમની કવિતા પાંગરી ને પ્રફુલ્લી છે. પ્રથમ ‘સસ્તું સાહિત્ય’માં જડાયેલા, વચ્ચે થોડો સમય પત્રકારત્વની બહુરંગી તાસીર જોઈ અને છેવટે ‘નવજીવન'માં સ્થિર થયા. અત્યારે તેઓ નવજીવન કાર્યાલયમાં મુખ્યત્વે પ્રૂફસંશોધન અને ક્યારેક સંપાદનકાર્ય કરે છે. આ વ્યવસાયને પરિણામે તેઓને ગાંધીજી, વિનોબા, મશરૂવાલા અને કાકાસાહેબ જેવાના સાહિત્યનો સતત સંપર્ક રહ્યો. કિશોરાવસ્થામાં પ્રકૃતિની રમણીયતા માણી; શિશુવયમાં દાદીમાના સુરીલા કંઠે પ્રભાતિયાં સાંભળ્યાં; પિતાજીના વ્યવસાયના કારણે લગ્નગીતો અને દેશ્ય ઢાળોની મન પર પ્રબળ અસર પડી; વડોદરાના નિવાસ દરમ્યાન ત્યાંના શરદુત્સવોના ગરબા માણ્યા; અમદાવાદમાં ‘કુમાર' ની ‘બુધ કવિસભા'ની ચર્ચાઓનો લાભ મળ્યો-કવિએ સંચિત કરેલી સૌન્દર્યશ્રી એમની કૃતિઓમાં અવતરવા માંડી અને એ ટાણે કાવ્યરચનાની ચકાસણી કરી શકે એવું વિત્ત એમની પાસે જમા થઈ ચૂકયું હતું. રામકૃષ્ણ પરમહંસના જીવનચરિત્રે એમની આધ્યાત્મિક ભાવનાને પોષી છે અને માંધીજી અને એમની આત્મકથામાંથી સાદગીનું સૌન્દર્ય અને સામાન્યમાં રહેલી અસામાન્યતાને ઓળખતાં તેઓ શીખ્યા છે. મહાભારતના કવિદૃષ્ટાએ માનવજીવનના એકે એક પાસાનું અત્યંત વ્યાપક દૃષ્ટિએ ચિત્રણ કર્યું હોવાથી અને જીવનની તમામ ગૂંચોનો ઉકેલ બતાવીને ભવ્ય સંદેશ પૂરો પાડ્યો હોવાથી એ એમનો પ્રિય ગ્રંથ છે; જ્યારે ભારતીય સંસ્કૃતિના સમર્થ ઉદ્દ્ગાતા કવિશ્રી ન્હાનાલાલની કલમમાં ભાવકને સામાન્ય સપાટીથી ઊંચે ઉઠાવવાનું બળ હોવાથી અને તેમણે ઊર્મિંગીતો દ્વારા કવિતાનાં ઊંચાં શિખરો સર કર્યા હોવાથી એમના પ્રિય લેખક છે. પિતાજી કથાવાર્તા કરતા એ અસર હેઠળ એમણે તેર-ચૌદ વર્ષની વયે એક અનુકરણિયું ‘ધ્રુવાખ્યાન' રચેલું-એ એમની પ્રથમ કૃતિ, સ્થિર કવિતાપ્રવૃત્તિ અમદાવાદના વસવાટ પછી કરી અને ‘કુમાર' માં એમનાં કાવ્યો પ્રગટ થવા લાગ્યાં. એમના સર્જનનાં અન્ય પ્રેરક બળો તે ‘કુમાર'ના તંત્રી શ્રી બચુભાઈ રાવત, બુધ કવિસભા અને શ્રી વેણીભાઈ પુરોહિત સાથેનો નિકટનો મૈત્રીસંબંધ, રચાયેલી અને રચાતી કવિતાના સંપર્કમાં રહેવાને તેઓ જાગ્રતપણે પ્રયત્ન કરે છે અને એમના પ્રિય સાહિત્યપ્રકાર કવિતા ઉપરાંત ચરિત્રો અને નિબંધસાહિત્યનાં પુસ્તકો રુચિપૂર્વક વાંચે છે. લેખનપ્રવૃત્તિ દ્વારા આ વિશ્વ છે એનાથી એને વધુ રળિયાત કરવા ઈચ્છે છે અને એ માટે કવિતા છેક નીચલા થર સુધી પહોંચે એવો એનો ઘાટ ઘડવાનો મનોરથ પણ તેઓ સેવે છે. ખેડૂતો અને શ્રમજીવી વર્ગના જીવનમાં એમને ઘણો રસ છે. તેમની તળપદી બોલીમાં રહેલી અભિવ્યક્તિની તાકાત એમને આકર્ષે છે. એમની ગેય રચનાઓની બાની અને ઢાળો પર એની પ્રબળ અસર છે. એમનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘પરિક્રમા' ઈ.સ.૧૯૫૫માં પ્રસિદ્ધ થયો. એમની કવિતાનાં મુખ્યત્વે બે આલંબન રહેલાં છે- પ્રકૃતિ અને પ્રણય. માનવભાવના આરોપણ વિનાનું મસ્ત પ્રકૃતિગાન એમણે ‘ચાંદની' અને નર્મદાવિષયક છંદબદ્ધ કાવ્યોમાં તથા વસંત-વર્ષા વિષયક ગીતોમાં અતીવ રમણીય રીતે કર્યું છે. પ્રીતના લાગેલા હડદોલાને વ્યક્ત કરતી પ્રીતચિનગારીઓ પ્રકટાવી છે. પ્રેમમસ્તી અને ઝંખનાનાં એમનાં કાવ્યોમાં એક તરફ ગીતને હિંડોળો બંધાયો છે, તો બીજી તરફ માધવીનાં ફૂલ સમાં અમૂલ આંસુ ગરે છે. ‘જૂનું ઘર ખાલી કરતાં' જેવાં અનવદ્ય સૉનેટમાં સંવેદનની તીવ્રતા વ્યક્ત કરતા આ કવિએ આપણી પરંપરાગત ભજનરીતિની સ્વચ્છ કૃતિઓ પણ આપી છે. ગાંધીજી, વિનોબા અને કસ્તૂરબાવિષયક તેમ જ દેશસ્વાતંત્ર્યવિષયક એમની કૃતિઓમાં પણ લાગણીની સચ્ચાઈ સંયમભરી વાણીમાં વ્યક્ત થઈ છે. સંસ્કૃત છંદોની શુદ્ધિના આગ્રહી આ કવિએ ‘વડોદરાનગરી'માં દલપતપ્રસિદ્ધ મનહર છંદનો પ્રયોગ પણ આકર્ષક રીતે કર્યો છે. જુનવાણી મર્મભર્યા ઘરગથ્થુ શબ્દોનો ઉપયોગ પણ તેઓ વિવેકભરી રીતે કરે છે. સાદાઈનો શણગાર દાખવતી એમની પ્રાસાદિક મોહક કાવ્યકૃતિઓ, અકિલષ્ટ ભાષાધોરણ, સ્વચ્છ ભાવદર્શક અને સુરેખ માંડણી તરફ ઢળેલી એમની રુચિની દ્યોતક છે. એમની કાવ્યસેવા માટે ઈ.સ.૧૯૪૮માં એમને ‘કુમાર ચન્દ્રક' અર્પણ થયો હતો, અને એમના કાવ્યસંગ્રહ ‘પરિક્રમા'ને મુંબઈ સરકારનું ઈ.સ. ૧૯૫૫-૫૬માં પ્રથમ પારિતોષિક પ્રાપ્ત થયું હતું. શ્રી બાલમુકુન્દ મધુર બાલકાવ્યો પણ લખે છે. એમના બાલકાવ્યોના સંગ્રહ ‘સોનચંપા'ને મુંબઈ અને ભારત સરકારનાં પારિતોષિકો મળ્યાં છે. બીજો સંગ્રહ પ્રગટ થઈ શકે એટલાં એમનાં કાવ્યો તે સામયિકોમાં છપાઈ ચૂક્યાં. છે. એમની ઉમેદ ભવિષ્યમાં ગાંધીજીના જીવનને આખ્યાનઢબે કવિતામાં નિરૂપવાની છે. શ્રી બાલમુકુન્દ ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગુજરાત સાહિત્યસભા સાથે સક્રિય રીતે સંકળાયેલા છે.
કૃતિઓ
૧. પરિક્રમા : મૌલિક, કાવ્ય; પ્ર. સાલ ૧૯૫૫. બીજી આવૃત્તિ : ૧૯૫૯.
પ્રકાશક : વોરા ઍન્ડ કું., મુંબઈ.
૨. સોનચંપો : મૌલિક, બાલકાવ્યો; પ્ર. સાલ ૧૯૫૯, ૧૯૬૧, ૧૯૬૬.
પ્રકાશક : વોરા ઍન્ડ કું. મુંબઈ.
3. અલ્લકદલ્લક : મૌલિક, બાલકાવ્યો; પ્ર. સાલ ૧૯૬૫.
પ્રકાશક : જય જગત મંદિર, અમદાવાદ.
અભ્યાસ-સામગ્રી :
‘પરિક્રમા’-ઉપરણા પરનો શ્રી નગીનદાસ પારેખનો પરિચય; ‘સંસ્કૃતિ’ એપ્રિલ, ૧૯૬૦-ચંદ્રવદન મહેતા: ‘બુદ્ધિપ્રકાશ’- શિવશંકર શુકલ; ‘સંસ્કૃતિ' એપ્રિલ ૧૯૫૮; ‘દોઢ દાયકાને ટિંબેથી’ લેખકનું વક્તવ્ય.
સરનામું :૪૨ અ, આનંદ મઢી, નાથાલાલ સોસાયટી, અમદાવાદ-૧૪.