ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧૧મું/ભાષાવિજ્ઞાન-વ્યાકરણ-કોશ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
ભાષાવિજ્ઞાન-વ્યાકરણ–કોશ

આ વિભાગમાં ડૉ. ભોગીલાલ સાંડેસરાનું ‘શબ્દ અને અર્થ', ડૉ. હરિવલ્લભ ભાયાણીનું ‘વાગ્વ્યાપાર', શ્રી કે. કા. શાસ્ત્રીનાં ‘ગુજરાતી રૂપરચના' અને ‘વાગ્વિકાસ', તેમ જ ડૉ. ભાયાણી સંપાદિત ‘સિદ્ધહેમગત અપભ્રંશ વ્યાકરણ' આગળ તરી આવતાં પુસ્તકો છે. ‘શબ્દ અને અર્થ' તેમ જ ‘ગુજરાતી રૂપરચના' બંને મુંબઈ યુનિવર્સિટીમાં અપાયેલ ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનો છે. ડૉ. સાંડેસરાનું પ્રથમ પુસ્તક ગુજરાતી ભાષાશાસ્ત્રમાં મહત્ત્વના અર્પણરૂપ છે. એમાં લેખકે મુખ્યત્વે ઐતિહાસિક દૃષ્ટિએ શબ્દોના અર્થપરિવર્તનના કેટલાક પ્રધાન વ્યાપારોની, વિશેષ કરીને ગુજરાતી ભાષાને અનુલક્ષીને, ચર્ચા કરી છે. અર્થસંકોચ, અર્થવિસ્તાર, અર્થસંક્રાંતિનાં કારણો અને પરિણામ, શબ્દ અને સંસ્કૃતિ જેવા વિષયો ઝીણવટથી ચર્ચતા આ વ્યાખ્યાનો શબ્દાર્થશાસ્ત્રના અભ્યાસમાં મહત્ત્વનું સીમાચિહ્ન છે. જ્યારે શ્રી કે. કા. શાસ્ત્રીનો ગ્રંથ ગુજરાતી ભાષાનાં શબ્દસ્વરૂપોને કેન્દ્રમાં રાખી એને પારંપરિક વિકાસ દર્શાવે છે. ‘રૂપરચના'ની અદ્યતન ચર્ચા કરતો આ ગ્રંથ આ દિશામાં નવીન યત્ન છે અને એમાં લેખકે શબ્દસ્વરૂપોની સિદ્ધિ, પ્રાંતિક રૂપોના પરિચય સુધ્ધાં, સપ્રમાણ રીતે આલેખી છે. સ્વરભાર, શબ્દાંગસિદ્ધિ, નામિકી અને આખ્યાતિકી વિભક્તિઓ-એ સર્વની ચર્ચા આ આરૂઢ ભાષાશાસ્ત્રીએ વિવેકપૂર્વક્ર કરી છે અને એમાંયે સ્વરભાર વિશેની એમની ચર્ચા એમને આ દિશાના એક સ્વતંત્ર પ્રયત્ન તરીકે વિશેષ ધ્યાન ખેંચે છે. આ જ લેખકનું ‘વાગ્વિકાસ' પણ ગુજરાતી ભાષાના શબ્દોના ક્રમિક વિકાસનો શાસ્ત્રીય પરિચય આપતું અને એના સિદ્ધાંતોની ઝીણવટમાં ઊતરતું ઉપયોગી પુસ્તક છે. શ્રી ગોકુળભાઈ પટેલનું ‘સ્વરભાર અને તેનો વ્યાપાર' સ્વરભારની દિશાના અભ્યાસનો સ્વતંત્ર પ્રયત્ન છે, જોકે એમાં પૂરેપૂરી શાસ્ત્રીયતા જળવાઈ નથી. ડૉ. ભાયાણીનું ‘વાગ્વ્યાપાર’ ભાષાવિજ્ઞાનવિષયક લેખોનો સંગ્રહ છે. સિદ્ધાંત, ઇતિહાસ, ધ્વનિવિચાર, પ્રત્યયવિચાર, કોશવિચાર, વ્યુત્પત્તિવિચાર--એવાં ઉપશીર્ષકો નીચે એમણે ભાષાવિજ્ઞાનના સામાન્ય સિદ્ધાંતો વિશે પ્રમાણભૂત વિચારણા રજૂ કરી છે. વ્યુત્પત્તિચર્ચા આ ગ્રંથનું વિશિષ્ટ અને મૂલ્યવાન આકર્ષણ છે. ગુજરાતીભાષાનાં અનેક પાસાંનો આધુનિક ભાષાવૈજ્ઞાનિક દૃષ્ટિએ એમણે અહીં અભ્યાસ કર્યો છે. લેખક અપભ્રંશના સારા અભ્યાસી છે અને એમના જ્ઞાનનો લાભ આ પુસ્તકમાં સર્વત્ર વરતાય છે. ભાષાવિજ્ઞાનીની ચોકસાઈ અને ચીવટ, ખંત અને નિષ્ઠા, વિદ્વત્તા અને મૂલગામી દૃષ્ટિ--આ સર્વના સુભગ સુફળ જેવો આ ગ્રંથ, એમાંના કેટલાક ચિરંજીવ અર્પણવાળા લેખોથી, આપણે ત્યાં આ વિષયમાં સીમાચિહ્નરૂપ બન્યો છે. આ જ લેખકનું હેમચંદ્રના અપભ્રંશ વ્યાકરણ–‘સિદ્ધહેમગત અપભ્રંશ વ્યાકરણ'-નું વિસ્તૃત ભૂમિકા (અપભ્રંશ સાહિત્ય અને ભાષા તેમ જ હેમચંદ્રીય અપભ્રંશ વિશેની), શબ્દાર્થ, છાયા, ગુજરાતી ભાષાંતર, ટિપ્પણ અને શબ્દસૂચી સહિતનું સ્વચ્છ શાસ્ત્રીય સર્વાંગપૂર્ણ સંપાદન પણ આપણા સંશોધન-સંપાદન વિભાગની સમૃદ્ધિ વધારનારું છે. નરસિંહરાવ દિવેટિયાનાં ગુજરાતી ભાષા-સાહિત્ય વિશેનાં વ્યાખ્યાનગ્રંથોનો શ્રી કે. કા. શાસ્ત્રીએ કરેલો સંક્ષેપ પણ અહીં યાદ કરવો જોઈએ. એમાં શ્રી શાસ્ત્રીજીએ નવા સંશોધનના પ્રકાશમાં પોતાના અભિપ્રાયો પણ વ્યક્ત કર્યા છે, એ એની ઉપયોગિતા વધારે છે. શ્રી છોટુભાઈ નાયકનું ‘ગુજરાતી પર અરબી-ફારસીની અસર' એ બે ભાગમાં પ્રગટ થયેલું પુસ્તક ઈરાનના ઇતિહાસની રૂપરેખા સાથે, એનાં ભાષા-લિપિ-સાહિત્યનો ટૂંકો પરિચય આપી, ઈરાન-અરબસ્તાનની પ્રજાઓનું ગુજરાતમાં આગમન નિર્દેશી, ગુજરાતી ભાષામાં વિવિધ વિષેયોને લગતા અરબી-ફારસી શબ્દો અને આપણી ભાષા પર ફારસીની અસરનો પરિચય આપે છે. ગુજરાતી શબ્દકોશ, વ્યાકરણ અને સાહિત્ય પર એ બંને ભાષાના મહત્ત્વના ફાળાની એમાં વિગતપૂર્ણ ચર્ચા છે. ઉપરાંત પારસી બોલી અને સાહિત્યનો તેમ જ મુસલમાનો દ્વારા ગુજરાતીમાં પ્રવેશેલા અરબી-ફારસી શબ્દોનો અને હિંદુ લેખકો પર એમની અસરનો પણ ઝીણવટભર્યો ખ્યાલ આપ્યો છે. એ જ રીતે ‘ગુજરાતના નાગરોનું ફારસી ભાષા અને સાહિત્યનું ખેડાણ' પણ એમના સંશોધનરસનો પરિચય કરાવે છે. ડૉ. પ્રબોધ પંડિતે નવી દૃષ્ટિએ ગુજરાતી ધ્વનિતંત્રના વિષયમાં ઉત્તમ કોટિનું કાર્ય કર્યું છે, પરંતુ વીતેલા દશકા દરમ્યાન એમનું લેખન મુખ્યત્વે અંગ્રેજીમાં જ થયું છે. શ્રી સુનીતિકુમાર ચૅટરજીના અંગ્રેજી પુસ્તકનો ડૉ. ભોગીલાલ સાંડેસરાએ કરેલો અનુવાદ ‘ભારતીય આર્યભાષા અને હિન્દી' ભાષાવિષયક પ્રાચીન સાંસ્કૃતિક ઇતિહાસના અભ્યાસ માટે ખૂબ ઉપકારક છે. એ પુસ્તકનો અનુવાદ આપણા ભાષાશાસ્ત્રવિષયક સાહિત્યમાં કિંમતી ઉમેરણરૂપ છે.

*

ચાર દાયકા પૂર્વના શ્રી કમળાશંકર ત્રિવેદીના ‘બૃહદ્ વ્યાકરણ’ના પ્રકાશન પછી એ વિષયમાં આપણે ત્યાં આ પ્રકારના પ્રયત્નો થયા નથી. પાઠયપુસ્તકોના રૂપમાં જુદા જુદા વિદ્વાનોએ એ દિશામાં કાર્ય કર્યું છે, પરંતુ વ્યાકરણવિષયક શાસ્ત્રીય પુસ્તક પ્રાપ્ત થયું નથી. શ્રી હરિવલ્લભ ભાયાણીએ “‘બૃહદ્ વ્યાકરણ' પછીની કાર્યદિશા” નામના એમના લેખમાં (‘સંસ્કૃતિ' અંક ૧૭૧) આ અંગે વિગતે ચર્ચાવિચારણા કરી છે. શ્રી કે. કા. શાસ્ત્રીએ શ્રી સયાજી સાહિત્યમાળાના ૩૨૮માં પુષ્પરૂપે ‘ગુજરાતી ભાષાશાસ્ત્ર' ભાગ ૨, ખંડ ૩માં ગુજરાતી ભાષાનું પારંપરિક વ્યાકરણ પ્રગટ કર્યું છે. એમાં એમણે વિશ્વવિદ્યાલયોની ઉચ્ચ કક્ષાઓમાં ગુજરાતીના વિષયમાં શીખવવામાં આવતા વ્યાકરણને અદ્યતન કક્ષાએ મૂકી આપવાનો આવકાર્ય પ્રયત્ન કર્યો છે. ૧૩ પ્રકરણોમાં એમણે પદવિચાર અને વિભક્તિ વિચારથી આરંભી પ્રત્યયો અને ગુજરાતી સમાસો સુધીની છણાવટ સમુચિત રીતે કરી છે.

*

આ દાયકે ‘ભગવદ્ગોમંડલ' કોશના બાકીના ચાર ગ્રંથો પ્રગટ થતાં આ ભગીરથ કાર્યની પૂર્ણાહુતિ થાય છે. કુલ નવ મહાગ્રંથોમાં વિસ્તરેલો આ ગુજરાતી શબ્દકોષ આપણે ત્યાં અભૂતપૂર્વ છે. લગભગ અઢી લાખ શબ્દો સમાવતો આ સર્વસંગ્રાહક કોષ શબ્દોનાં મૂળ અને એના વિવિધ અર્થ ઉપરાંત અનેક માહિતી અને વિગતોનો સંભાર સંગ્રહે છે. રૂઢિપ્રયોગો એનું આગવું આકર્ષણ છે. શબ્દકોષ બનાવવાની દૃષ્ટિને બદલે એને જ્ઞાનકોષ બનાવવાનો ઉદ્દેશ છે, અને એ કેટલેક અંશે ફળીભૂત પણ થયો છે. ‘સાર્થ જોડણી કોશ' (નવજીવન)ની ૧૯૪૯ની ચોથી આવૃત્તિ પછી હજી નવી આવૃત્તિ થઈ નથી. એ હાલ અપ્રાપ્ય છે. એની વિદ્યાર્થી આવૃત્તિ જેવો ‘વિનીત જોડણીકોશ' નવજીવને પ્રગટ કર્યો છે. શ્રી, કે. કા. શાસ્ત્રીનો ‘લધુ શબ્દકોશ' ને એ પછી વિદ્યાર્થીઓને ઉપકારક થવાના આશયથી પ્રગટ થયેલા ‘ખિસ્સા કોશ', ‘જોડણીપ્રવેશ' (રતિલાલ નાયક) અને ‘નાનો કોશ' (ભટ્ટ અને નાયક) ખાસ ઉલ્લેખપાત્ર છે. ગુજરાતી ભાષા ઉચ્ચ શિક્ષણનું માધ્યમ થતાં એમાં પ્રગટ થતાં પુસ્તકોમાં અંગ્રેજી શબ્દોના ગુજરાતી પર્યાયોમાં હજી અતંત્રતા પ્રવર્તે છે, અને ક જ શબ્દ માટે વિવિધ ગુજરાતી પર્યાયો જુદા જુદા લેખકો પ્રયોજે છે. કાલક્રમે એ પૈકીના કેટલાક પર્યાયો સ્વીકૃત થઈને રૂઢ બનશે. ગુજરાત યુનિવર્સિટીએ ગણિત, પદાર્થવિજ્ઞાન, વનસ્પતિશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, નાગરિકશાસ્ત્ર, વૃત્તવિવેચન, વનસ્પતિશાસ્ત્ર, સમાજશાસ્ત્ર એમ કેટલાક વિષયોની પરિભાષા-પુસ્તિકાઓ પ્રગટ કરી છે એ આ દિશાનું એક સ્તુત્ય પગલું ગણાય. આ પ્રકારની વિવિધ પુસ્તિકાઓનું પ્રકાશન પરિભાષાની એકવાક્યતા જાળવવામાં સહાયરૂપ થઈ આપણા ભાષાભંડોળને સમૃદ્ધ કરશે અને ભાષાની ક્ષમતાનો વ્યાપ પણ વિસ્તૃત કરશે. ગુજરાતી જ્ઞાનકોશની આપણી જરૂરિયાત હજી વણસંતોષાયેલી રહી છે.