ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૨જું/કૃષ્ણલાલ જેઠાલાલ શ્રીધરાણી


કૃષ્ણલાલ જેઠાલાલ શ્રીધરાણી

એઓ જ્ઞાતિએ દશા શ્રીમાળી વણિક-વૈષ્ણવધર્મી છે; મૂળ વતની ભાવનગરના; અને જન્મ પણ ત્યાં તા. ૧૬ મી સપ્ટેમ્બર ૧૯૧૧ ના (સંવત ૧૯૬૭ ના ભાદરવા વદ ૯) રોજ થયો હતો. એમના પિતાનું નામ જેઠાલાલ નાગજી વકીલ અને માતાનું નામ શ્રીમતી લહેરી બ્હેન પોપટલાલ છે. એઓએ હજી લગ્ન કર્યું નથી. પ્રાથમિક શિક્ષણ ઘણુંખરૂં ભાવનગરમાં લીધેલું અને તે ત્યાંની જાણીતી કેળવણી સંસ્થા દક્ષિણામૂર્તિમાં સાત વર્ષ–પછી ગુજરાત વિદ્યાપીઠમાં જોડાયેલા. એમના જીવનપર શ્રી દક્ષિણામૂર્તિના મુખ્ય ચાલકો શ્રીયુત નાનાભાઇ અને શ્રી હરભાઇની ખૂબ અસર થયેલી છે; અને ગુજરાત વિદ્યાપીઠમાં આવેલો કોઇપણ વિદ્યાર્થી મહાત્માજી અને કાકા સાહેબ કાલેલકરની પ્રતાપી અસરમાંથી વંચિત હોય, એ સંભવેજ નહિ. તેઓ ચાલુ અહિંસાત્મક લડતમાં શરૂઆતથી જોડાઈ, કરાડીમાં ગાંધીજીની પ્રથમ સેના સાથે ધરાસણા જતાં પકડાયા હતા. તે બતાવી આપે છે કે જે સંસ્કાર એમના પર પડ્યા છે તે નિરર્થક ગયા નથી. સાહિત્ય પ્રતિ શોખ મૂળથી; અને તે તેમણે હસ્તલિખિત માસિકો જૂદે જૂદે સ્થળે કાઢીને કેળવ્યો છે, જેલનિવાસ દરમિયાન ‘વડલો’ નામનું એક નાટક લખ્યું હતું. એમના છૂટક લેખો, કાવ્યો વગેરે પ્રસ્થાન, કુમાર, કૌમુદી વગેરે શિષ્ટ માસિકોમાં આવે છે; અને તે સારી રીતે વંચાય છે. અમદાવાદમાં થોડા વખતપર ગુજરાત કાઠિયાવાડ છાત્ર સંમેલન મળ્યું હતું તેનું સ્વાગત કરવાનું માન એમને પ્રાપ્ત થયું હતું. એમના પ્રિય વિષયો કળા, કાવ્ય અને સમાજશાસ્ત્ર છે.


: : એમની કૃતિ : :

વડલો સન ૧૯૩૧