ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૨જું/જગન્નાથ દામોદરદાસ ત્રિપાઠી (“સાગર”)
એઓ જ્ઞાતિએ ચાતુર્વેદી મોઢ બ્રાહ્મણ અને સરખેજના વતની છે. એમનો જન્મ જંબુસરમાં તા. ૭ મી ફેબ્રુઆરી, ૧૮૮૩ના રોજ દર ચૌદ વર્ષે આવતા શ્રી મહોદય પર્વને દિવસે થયો હતો. એમના પિતાનું નામ સ્વ. માસ્તર દામોદરદાસ રણછોડભાઈ ત્રવાડી અને માતાનું નામ ગં. સ્વ. રૂક્ષ્મણીબા છે. એમનું લગ્ન સન ૧૮૯૫ માં બારેજડી સ્ટેશન પાસે ગામડી ગામે સૌ. ભાગીરથી સાથે થયું હતું. તેમનાં પિતા માતા બન્ને કેળવણી ખાતામાં હેડમાસ્તર અને હેડ મિસ્ટ્રેસ હતાં. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ સાત ધોરણોનું એમણે લીધેલું છે અને અત્યારે તેઓ પ્રભુના નામનું ભજનકીર્તન કરવામાં વાનપ્રસ્થને અનુરૂપ એકાન્તિક જીવન ગાળે છે. કેટલોક વખત તેઓ ગુ. વ. સોસાઈટીની ઓફિસમાં ગુજરાતી કોષના કામમાં રહ્યા હતા, તે અરસામાં તેમણે કલાપી વિષે કેટલાક મનનીય લેખો લખ્યા હતા. તેમણે ‘જ્ઞાન સુધા’નું સંપાદનકાર્ય કર્યું હતું. લગભગ બે વર્ષ સુધી તેમણે “મોઢ બ્રાહ્મણ” નામના માસિક પત્રનું તંત્ર ચલાવ્યું હતું. એમના પ્રિય કવિઓ કલાપી અને વેદાંતી અખાજી છે. એઓ એક સારા કવિ અને તત્ત્વચિંતક છે. એમની કવિતાનું એક પુસ્તક “થાકેલું હૃદય” એ શિર્ષક હેઠળ “ખંડ કાવ્ય”ના રૂપમાં પ્રસિદ્ધ થયેલું છે. સૂફીવાદની એમના કાવ્યોમાં ચોખ્ખી ઝાંખી થાય છે, જે આધુનિક કવિઓમાં બહુ ઓછી જોવામાં આવે છે; અને તેમાં “દીવાને સાગર” અદ્વિતીય જણાશે. ગૃહસ્થી જીવન ગાળતા હતા, ત્યારે એમણે “ગુજરાતી ગઝલિસ્તાન” નામથી એક ગુજરાતી ગઝલોનો સંગ્રહ કર્યો હતો, જે બહુ લોકપ્રિય નીવડ્યો હતો. એ ગ્રન્થના વિસ્તીર્ણ ઉપોદ્ઘાતે ગુજરાતના વિદ્વાનોનું પણ સારૂં ધ્યાન ખેંચ્યું હતું. છેલ્લાં પંદર વર્ષથી તેઓ વડોદરા રાજ્યમાં પાદરા તાલુકામાં ચિત્રાલમાં આશ્રમ બાંધીને વાનપ્રસ્થનું એકાન્તિક જીવન ગાળે છે; અને એમની આસપાસ એક મોટું અનુયાયી મંડળ ઉભું થયું છે. પ્રસંગોપાત તેઓ જે ઉપદેશ કરે છે, તે લેખો ન્હાની પુસ્તિકારૂપે છૂટક પ્રકટ થયેલા છે; જેમકે, (૧) ગીતાનું હૃદય; (૨) ગીતાની વિચારણા; (૩) ૐ પ્રભુજીના કક્કા; (૪) મુમુક્ષુ વિચારણા; (૫) સંતોની વાતો વગેરે અને તે એમના ઉપદેશની ગંભીરતા અને ગહનતાનો કંઇક ખ્યાલ આપશે. હમણાં તેઓ એમના પ્રિય કવિ કલાપીનાં કાવ્યોનું નવું સંસ્કરણ, અસલ સાધનો પરથી ટીકા અને વિસ્તૃત ઉપોદ્ઘાતસહ કરી રહ્યા છે અને તે બહાર પડેથી, કલાપી વિષે તે એક અપૂર્વ અને પ્રમાણભૂત ગ્રંથ થશે; તેમ અખાનો અપ્રસિદ્ધ કાવ્ય સંગ્રહ તેમણે એકત્ર કરેલો છે, તે પણ નજદિકમાં બહાર પડે, એેવો સંભવ છે. “સંતોની વાણી” નામના પ્રથમાં “અખાજીની પ્રણાલિકા” વિષે તેમણે ઉપોદ્ઘાતરૂપ સાઠેક પૃષ્ટનો એક ઉપયોગી લેખ લખ્યો છે. એક સહૃદયી કવિ અને તત્ત્વચિંતક તરીકે એમની કૃતિઓ વિચારણીય જણાશે.
: : એમની કૃતિઓ : :
| ૧ | થાકેલું હૃદય (પ્રથમાવૃત્તિ) | સન ૧૯૦૯ |
| ૨ | કલાપી અને ત્હેની કવિતા | ” ૧૯૦૯ |
| ૩ | ગુજરાતી ગઝલિસ્તાન | ” ૧૯૧૩ |
| ૪ | ગુજરાતી સાહિત્યમાં ગઝલનું સ્થાન | ”” |
| ૫ | દીવાને સાગર | ” ૧૯૧૬ |
| ૬ | મજનું જોગી અને ફિરશ્તો | ”” |
| ૭ | સ્વીડન બોર્ગનું ધર્મશિક્ષણ | ”” |
| ૮ | મુમુક્ષુ વિચારણા (પ્રથમાવૃત્તિ) | ” ૧૯૧૭ |
| ૯ | પ્રાર્થના પોથી | ” ૧૯૨૫ |
| ૧૦ | સંતોની વાતો | ” ૧૯૨૬ |
| ૧૧ | સનાતન વિચારણા | ”” |
| ૧૨ | મહાત્મા વિવેકાનંદનું હૃદયબળ | ” ૧૯૨૭ |
| ૧૩ | મહાત્મા એમર્સનનું પરમાત્મ તત્ત્વ | ”” |
| ૧૪ | ધર્મ વિચારણા | ”” |
| ૧૫ | ૐ પ્રભુના કક્કા | ”” |
| ૧૬ | Eternal Reflection | ”” |
| ૧૭ | ગીતાનું હૃદય | ” ૧૯૨૮ |
| ૧૮ | ગીતાની વિચારણા | ”” |
| ૧૯ | સ્ત્રીપુરુષ વિચારણા | ” ૧૯૨૯ |
| ૨૦ | દીવાને સાગર-દફતર બીજું | છપાય છે. |