ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૨જું/ડૉ. ચાર્લોટે ક્રૌઝે, ઉર્ફે (સુભદ્રાદેવી)

ડૉ. ચાર્લોટે ક્રૌઝે, પી એચ. ડી. ઉર્ફે (સુભદ્રાદેવી)

જર્મનવિદુષી બ્હેન સુભદ્રાદેવીના નામથી ભાગ્યેજ કોઇ ગુજરાતી સાક્ષર અજાણ હશે. જર્મનીમાં જન્મવા છતાં આ વિદુષી બ્હેને પોતાના દેશમાં તથા હિંદુસ્તાનમાં રહીને પણ ગુજરાતી ભાષાની જે સેવા કરી છે ને કરી રહ્યા છે, એ જોતાં, ગુજરાતી સાક્ષરોના સમૂહમાં તેમનું નામ લેવું તે તેમનો પરિચય આપવો, એ આવશ્યકીયજ નહિ, પરન્તુ ન્યાય પણ ગણાશે. આ બ્હેનનો જન્મ હલ્લે (જર્મની) માં તા. ૧૮ મી મે ૧૮૯૫ ના દિવસે થયો હતો. તેમના પિતાનું નામ હર્મન ક્રૌઝે અને માતાનું નામ અન્ના ક્રૌઝે છે. આ બ્હેનનું મૂળ નામ છે ચાર્લો ટેક્રૌઝે, પરન્તુ હિંદુસ્તાનમાં આવ્યા પછી, અને જૈન ધર્મના નિયમો પ્રમાણે રહેવાનું શરૂ કર્યા પછી તેમનું નામ સુભદ્રાદેવી રાખવામાં આવ્યું છે; અને જે કોઈ ભારતીય તેમને ઓળખે છે તે મોટે ભાગે સુભદ્રાદેવીના નામથી. તેમના પિતા જર્મનીમાં એક મોટા વ્યાપારી છે. ત્રણ ભાઇઓ પૈકી એક ન્યુયોર્કમાં પ્રસિદ્ધ ચિત્રકાર છે; અને બીજા બે વ્યાપારી લાઈનનો અનુભવ લઇ રહ્યા છે. બ્હેન સુભદ્રાદેવીએ એક ન્હાની સ્કુલમાં પ્રાથમિક અભ્યાસ કર્યા પછી દેસ્સાઉની ગર્લ્સ હાઇસ્કુલમાં મેટ્રીક સન ૧૯૧૪ પાસ કરી. મેટ્રીકમાં તેમણે લેટિન, ઈંગ્લીશ, ફ્રેંચ, જર્મન એ ભાષાઓનો અભ્યાસ કરવા સાથે, વ્યાકરણ, ઈતિહાસ, ભૂગોળ, ભૂસ્તરવિદ્યા, ધાતુવિદ્યા, ફિજીકસ, વનસ્પતિપાસ્ત્ર, પ્રાણિશાસ્ત્ર, ગણિત અને જ્યોતિષનો અભ્યાસ કર્યો હતો. મેટ્રીક પૂરી કરતાંજ મોટી લડાઈ શરૂ થઈ; એમાં જોડાઇને પોતાના દેશની સેવા કરવાની આ બ્હેનની ઇચ્છા હતી, પરન્તુ માતાપિતાના આગ્રહથી ન જઇ શક્યાં. લડાઈ દરમિયાન બે વર્ષ ઘરમાં રહીને માતા પાસેથી રસોઈ, સીવણ, આદિ ગૃહકાર્યો શીખી લીધાં. સન ૧૯૧૬ના એપ્રિલમાં તેમણે યુનિવર્સિટીનો અભ્યાસ શરૂ કર્યો; તેમાં સાયન્સ, ફિલોસોફી, અને ધર્મોનો તુલનાત્મક અભ્યાસ કર્યો. ધર્મોના તુલનાત્મક અભ્યાસને માટે ‘ભાષાશાસ્ત્ર’નો અભ્યાસ આવશ્યક હોય છે; અને તેથી તેમને ગ્રીક અને સંસ્કૃતનો અભ્યાસ કરવો પડ્યો. આ અભ્યાસ તેમણે ટ્યુબિન્‌ગેન, બર્લિન અને લીપ્ઝિગની યુનિવર્સિટીયોમાં કર્યો. આ અભ્યાસ કરાવવામાં તેમના મુખ્ય ગુરૂઓ પ્રો, ગર્બે (જેઓ સાંખ્યના પ્રોફેસર હતા), પ્રો. તિન્ડીશ (જેઓ બૌદ્ધ ધર્મના વિદ્વાન્‌ હતા), પ્રો. શુબ્રિંગ અને પ્રો. હેર્ટલ હતા. સન ૧૯૨૦ના ઑગષ્ટમાં તેમને ‘ડાક્ટર’ (પી એચ. ડી.)ની પદવી મળી. આ પદવી તેમને ખાસ પુરાણા જર્મનસાહિત્યના વિષય માટે મળી હતી. આ પછી તેમણે સ્પેશીયલ અભ્યાસ ઈન્ડોલૉજીનો કર્યો. તેમાં ખાસકરીને હિંદુસ્તાનની નવી ભાષાઓ, અને તે પછી જૂની ગુજરાતી તથા જૈન ધર્મના અભ્યાસમાં રસ ઉત્પન્ન થયો. પરિણામે જૂન ૧૯૨૩માં લીપ્ઝિગ યુનિવર્સિટીમાં ઈન્ડોલૉજી અને તુલનાત્મક ભાષાશાસ્ત્રમાં યુનિવર્સિટીના ફેલો અને એસિસ્ટંટ પ્રોફેસર નિમાયા. તે વખતે લીપ્ઝિગના જેવી મોટી યુનિવર્સિટીમાં આ જ એક પહેલાં બાનુ હતા કે જેમણે આ માન મેળવ્યું હતું. એસિસ્ટંન્ટ પ્રોફેસર થયા પછી તેમણે ગુજરાતી ભાષાનું જ્ઞાન વધાર્યું, અને યુનિવર્સિટીમાં નિયમિત લેકચરો આપ્યાં. વળી આ યુનિવર્સિટીના ‘ઇન્ડીયન ઇન્સ્ટીટ્યૂટ’માં ક્યૂરેટરનું કામ પણ કર્યું. જર્મનીમાં રહીને તેમણે ગુજરાતી ભાષા સંબંધી જે કામો કર્યા છે, તેમાં “નાસકેતરીકથા’ અને ‘પંચાખ્યાન’નાં સંપાદનકાર્યો એ મુખ્ય કામો છે. ‘નાસકેતરીકથા’ એ, જૂની ગુજરાતી અને જૂની મારવાડીના મિશ્રણવાળી જૂની રાજસ્થાની ભાષાનો ગ્રંથ છે, કે જે ભાષા નવી મારવાડી, નવી હિન્દી અને નવી ગુજરાતીની માતા કહી શકાય. આ ગ્રંથની ભાષા સંબંધી તેમણે ઉંડી શોધખોળ કરી નવો પ્રકાશ પાડ્યો છે. એવી જ રીતે ‘પંચાખ્યાન’, કે જે ‘પંચતંત્ર’નું એક રૂપાન્તર અને શુદ્ધ જૂની ગુજરાતી ભાષાનો ગ્રંથ છે, તેની ભાષા અને તેના મૂળ સંબંધી પણ ઉંડી શોધખોળ કરી છે. જર્મનીમાં રહીને પણ ‘ગુજરાતી ભાષા’ના પૂજારી તરીકે આ બ્હેને જે સેવા કરી છે, એ ખરેખર પ્રશંસનીય અને ન ભૂલાય તેવી છે. આ પછી સન ૧૯૨૫ના ઑક્ટોબરમાં તેઓ હિંદુસ્તાનમાં આવ્યા. હિંદુસ્તાનમાં આવવાનો ખાસ ઇરાદો, હિંદુસ્તાનની ભાષાઓ અને જૈનધર્મનો વિશેષ અભ્યાસ કરવાનો હતો. આ અભ્યાસને માટે યુનિવર્સિટીએ તેમને મોકલ્યા હતા. પ્રારંભના છ મહિના તેઓ મુંબાઇમાં શ્રીયુત જે. ઈ. સકલાતવાળાને ત્યાં રહ્યા અને અવેસ્તા તથા પહેલવીનો અભ્યાસ કર્યો. આ અભ્યાસમાં સર જીવણજી જમશેદજી મોદી તથા પ્રસિદ્ધ જર્નાલિસ્ટ જી. કે. નરીમાનની મદદ મુખ્ય હતી. સન ૧૯૨૬માં ઇતિહાસતત્વ મહોદધિ જૈનાચાર્ય શ્રી વિજયેન્દ્રસૂરિની પ્રેરણાથી તેઓનામાં કે જ્યાં સ્વર્ગસ્થ મહાત્મા વિજયધર્મસૂરિજીના સમાધિ મંદિરની સાથે, શ્રી વીરતત્વ પ્રકાશક મંડળ નામની જૈનોની એક મહાન્‌ સંસ્થા છે કે જે સંસ્થા પૂર્વ અને પશ્ચિમના વિદ્વાનોનું વિદ્યાવિનિમય સ્થાન છે; અહિં મુનિશ્રી વિદ્યાવિજયજી પાસે તેમણે જૂની ગુજરાતી અને જૈન આગમોનો અભ્યાસ શરૂ કર્યો. પોતાના આ વિષયમાં તેઓ ખૂબ આગળ વધ્યા. અત્યારે તેઓ ગુજરાતી ભાષા ઉપર એટલો બધે કાબૂ ધરાવે છે કે એમના લેખો વાંચનાર તથા એમના ભાષણો સાંભળનાર કોઇપણ ભારતીય આશ્ચર્યચકિત થયા વિના રહેતો નથી. અત્યારે પણ તેઓ શિવપુરીમાંજ રહે છે; અને શ્રી વીરતત્વ પ્રકાશક મંડળના વિદ્યાર્થીઓને અંગ્રેજી તથા જર્મન ભાષાનો અભ્યાસ કરાવવા સાથે પોતાનો અભ્યાસ આગળ વધારી રહ્યા છે અને જૈનધર્મ સંબંધી પુસ્તકો લખી રહ્યાં છે. તેઓએ સન ૧૯૨૬થી જૈનધર્મના નિયમો પાળવા લાગ્યા છે; અને એક શ્રાવિકા જેવું શુદ્ધ જીવન ગાળી રહ્યા છે. સન ૧૯૨૭માં તેઓએ આચાર્ય શ્રીવિજયેન્દ્રસૂરિ આદિ જૈન મુનિરાજો તથા કેટલાક વિદ્યાર્થીઓની સાથે સાતસો માઈલની મુસાફરી પગે ચાલીને કરી અને મુંબઈ આવ્યાં. મુંબાઇમાં સર કાવસજી જહાંગીર હૉલ અને બીજા સ્થાનોમાં તેમનાં અનેક ભાષણો ગુજરાતીમાં થયાં હતાં. પછી તેમણે ગુજરાત-કાઠિયાવાડની મુસાફરી કરી હતી. આ મુસાફરીનું વર્ણન તેમણે ‘જૈન’ પત્રના જ્યુબિલી અંકમાં સચિત્ર પ્રકટ કરાવ્યું છે. ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી અનેક પત્રોમાં એમના તે તે ભાષાઓમાં લેખ પ્રકટ થયા છે. યુરોપિયન જીવનમાં ઉછરવા છતાં અને એક ધનાઢ્ય યુરોપિયનની પુત્રી હોવા છતાં, આ બ્હેનનો ભારતીય સંસ્કૃતિ અને ભારતીય રીતરિવાજો ઉપર અગાધ પ્રેમ છે. એટલુંજ નહિ પરન્તુ પોતાનું જીવન ભારતીય જીવન બનાવ્યું છે, આ બહેનના ત્યાગ, વૈરાગ્ય અને જ્ઞાનના કારણે ગ્વાલીયર રાજ્યના મુખ્ય અધિકારીઓ તેમજ બન્ને મહારાણી સાહેબાઓ પણ આ બહેન પ્રત્યે ઉંચો સદ્‌ભાવ ધરાવે છે; અને સદ્‌મતપૂર્વક પોતાની પાસે વારંવાર બોલાવે છે. જર્મનીનાં અનેક પ્રસિદ્ધ પત્રો, જેવાં કે—‘જર્નલ ઓફ ધી જર્મન ઓરિયન્ટલ સેસાઇટી’, જર્નલ ઑફ ઇન્ડૉલોજી એન્ડ ઇરાનિસ્ટીક’ તથા ‘જર્નલ ઓફ ઓરિયન્ટલિસ્ટિક લિટરેચર’ વગેરે તેઓ વારંવાર લખે છે. ઉપરાન્ત હિન્દુસ્તાનનાં પણ અનેક પત્રોમાં તેઓ વખતોવખત ગુજરાતી, હિન્દી, અંગ્રેજીમાં લખતાજ રહે છે. હિન્દુસ્તાનનાં જે અનેક પત્રોમાં અત્યારસુધીમાં તેમણે લેખો લખ્યા છે, તેમાં મુખ્ય આ છેઃ– ધર્મધ્વજ, શારદા, જૈન, જયાજી પ્રતાપ, વેંકટેશ્વર સમાચાર, હિંદુસ્તાન, જૈન ગેઝટ, કલકત્તા રીવ્યુ, ત્રિવેણી, પ્રભાત અને અનેકાન્ત વગેરે. આ બ્હેને ઋગ્‌વેદ અને ઉપનિષદોનો પણ ઊંડો અભ્યાસ કર્યો છે. આવી રીતે ભારતીય ધર્મો, ભારતીય સભ્યતા, અને ભારતીય ભાષાઓના ઊંડા અભ્યાસના કારણે સન ૧૯૨૮ માં થયેલા શ્રી વીરતત્ત્વ પ્રકાશક મંડળના પહેલા પદ પ્રદાન મહોત્સવ (કોન્વોકેશન)માં આ બ્હેનને ‘ભારતીય સાહિત્યવિશારદા’ નું પદ પણ આપવામાં આવ્યું છે.

: : તેમના ગ્રંથો અને લેખો. : :

અઘટ કથા ઐતિહાસિક શોધખોળ સાથે સંપાદિત અને જર્મનભાષામાં અનુવાદિત સન ૧૯૨૨
અંબડ ચરિત્ર
૧૯૨૨
પંચાખ્યાન સમ્પાદિત ૧૯૨૪
નાસકેતરી કથા ૧૯૨૫
અર્બુદગમન ગુજરાતી ૧૯૨૬
જંગલમાં મંગલ ૧૯૨૬
હું મારા આશ્રમમાં ૧૯૨૭
આધુનિક વિજ્ઞાન અને જૈન ધર્મ
જૈન ઉત્સવોંકી વિશેષતા હિન્દી
૧૦ મારા ગુરૂઓ અંગ્રેજી
૧૧ મુંડકોપનિષદ્‌ અને જૈનધર્મ ગુજરાતી
૧૨ ‘જૈનધર્મ’ –એક આલોચના ૧૯૨૮
૧૩ ગિરિનાર ૧૯૨૯
૧૪ ગુજરાત-કાઠિયાવાડની મારી મુસાફરી
૧૫ ન્યૂ લાઇટ ઓન ધી વૈદિક એન્ડ આવેસ્તિક રિલિજીયન્સ અંગ્રેજી ૧૯૨૯
૧૬ ધિ કલઇડોસ્કોપ ઓફ ઇન્ડીયન વિજડમ
૧૭ ઍન ઇન્ટરપ્રીટેશન ઑફ જૈન એથિકસ
૧૮ ધિ હેરિટેજ ઑફ ધિ લાસ્ટ અર્હન ૧૯૩૦
૧૯ શિવપુરી ઑફ ધિ શાન્તિનિકેતન ઓફ ધિ જૈનઝ
૨૦ ધિ શોશ્યલ એટમોસ્ફીર ઑફ
પ્રેઝન્ટ જૈનીઝમ
અંગ્રેજી, ગુજરાતી,
હિન્દી
૧૯૩૦
૨૧ ઇન્ડીવિડ્યુઅલ એન્ડ સોસાઇટી ઇન જૈનીઝમ અંગ્રેજી ૧૯૩૧
૨૨ હિન્દુસ્તાનની સભ્યતા જર્મન ૧૯૩૧
૨૩ સેઇંગ્સ ઑફ વિજયધર્મસૂરિ અંગ્રેજી