ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૨જું/મુનિશ્રી રત્નચંદ્ર સ્વામી
મુનિશ્રી રત્નચંદ્ર સ્વામી
એઓશ્રી સ્થાનકવાસી શ્વેતાંબર જૈન ફીરકાના સાધુ છે. એમનો જન્મ સં. ૧૯૩૭માં કચ્છમાં આવેલા ભોરારા ગામમાં થયો હતો. તેઓએ ભોરારાની શાળામાં છ ધોરણનો અભ્યાસ કર્યો હતો; અને દીક્ષા લીધા પછી તો સંસ્કૃત અને પ્રાકૃતનું જ્ઞાન સારૂં વધાર્યું છે, એટલુંજ નહિ પણ વ્યાકરણ, કાવ્ય અને ન્યાય જેવા કઠિન વિષયોમાં બહુ ઉંડા ઉતર્યા છે. એમનો પ્રિય વિષય તત્ત્વજ્ઞાન છે. તેઓ શ્રી એક સારા શતાવધાની છે. આવા સાધુઓ ઉપદેશ કરી જનતાનો ઉત્કર્ષ સાધતા હોય છે; તેમ લેખો દ્વારા એ સેવા એઓ વિશિષ્ટ રીતે બજાવે, એ ઓછું ગૌરવભર્યું નથી. વળી ખુશી થવા જેવું એ છે કે એમણે અભ્યાસીઓની સુગમતાર્થે જૈનાગમ શબ્દસંગ્રહ બે ભાગમાં છપાવ્યો છે. જૈન તત્ત્વજ્ઞાન માટે અર્ધમાગધી ભાષાના ઉંડા અભ્યાસીઓ માટે તેમણે અર્ધમાગધી કોષ પાંચ ભાષામાં અને ૪ ભાગમાં બનાવ્યો છે, જેનો ચોથો ભાગ છપાય છે.
: : એમની કૃતિઓ : :
| ૧ | શ્રી અજરામર સ્ત્રોત અને જીવનચરિત્ર | સં. ૧૯૬૯ |
| ૨. | કર્ત્તવ્ય કૌમુદી ભા. ૧ | ” ૧૯૭૦ |
| ૩. | ભાવના શતક | ” ૧૯૭૨ |
| ૪. | રત્નગદ્ય માલિકા | ” ૧૯૭૩ |
| ૫. | અર્ધમાગધી કોષ ભા. ૧ (પાંચ ભાષામાં) | ” ૧૯૭૯ |
| ૬. | પ્રસ્તાર રત્નાવલિ | ” ૧૯૮૧ |
| ૭. | કર્ત્તવ્ય કૌમુદી ભાગ ૨ | ” ” |
| ૮. | જૈન સિદ્ધાંત કૌમુદી | ” ૧૯૮૨ |
| ૯. | જૈનાગમ શબ્દસંગ્રહ ભા. ૧ | ” ૧૯૮૩ |
| ૧૦. | ”” ભા. ૨ | ” ” |
| ૧૧. | અર્ધમાગધી શબ્દ રૂપાવલિ | ” ૧૯૮૪ |
| ૧૨. | અર્ધમાગધી ધાતુ રૂપાવલિ | ” ” |
| ૧૩. | અર્ધમાગધી કોષ ભાગ ર જો | ” ૧૯૮૫ |
| ૧૪. | ”” ભાગ ૩ જો | ” ૧૯૮૬ |