ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૨જું/મુનિ વિદ્યાવિજય

મુનિ વિદ્યાવિજય

મુનિશ્રીનું ગૃહસ્થ નામ બેચરદાસ અમથાલાલ શાહ હતું. તેઓ મૂળથી દશાશ્રીમાળી વૈશ્ય હતા. એમનો જન્મ સંવત્‌ ૧૯૪૩ માં સાઠંબા (મહિકાંઠા) માં થયો હતો. એમના પિતા વ્યાપારી હતા. એમની માતાનું નામ પરશનબાઈ હતું. માતા-પિતાના ગુજરી ગયા પછી તેઓ દેહગામમાં એમના મામાના ઘરમાં રહેતા. ત્યાં ગુજરાતીનું પૂરૂં શિક્ષણ લીધું. આગળ અભ્યાસ કરવા સારૂ તેઓ સંવત્‌ ૧૯૬૧માં કાશી ગયા. ત્યાંની પ્રસિદ્ધ જૈનાચાર્ય વિજયધર્મસૂરિદ્વારા ચલાવેલી યશોવિજય જૈન પાઠશાલામાં તેઓએ સંસ્કૃત, પ્રાકૃત, તથા જૈન સાહિત્યનો અભ્યાસ કર્યો. સન ૧૯૬૩માં તેઓએ શ્રી વિજયધર્મસૂરિ અને તેઓશ્રીના સમુદાય સાથે પગે ચાલતાં કલકત્તાની મુસાફરી કરી. કલકત્તામાં તેઓએ આજ સાલમાં બીજા કેટલાક જૈન યુવકો સાથે શ્રી વિજયધર્મસૂરિના ગુરૂત્વ નીચે જૈન સાધુની દીક્ષા લીધી. એમનું નામ વિદ્યાવિજય રાખવામાં આવ્યું. પોતાના ગુરૂ અને તેમના સમુદાય સાથે તેઓ સંવત્‌ ૧૯૬૪ થી ૬૮ સુધી કાશીમાં રહ્યા. વક્તા અને લેખક તરીકે સમાજ તથા દેશની સેવા કરતાં તેઓ જલદી પ્રસિદ્ધિ પામ્યા. આની સાથે તેઓ કેટલાક માસિક ઇત્યાદિ પત્રના સંપાદક અને સામાજિક સુધારક તરીકે પણ પ્રખ્યાત થયા. સંવત્‌ ૧૯૬૮ માં, તેઓ એમના ગુરૂ અને તેઓશ્રીના મુનિમંડળ સાથે મારવાડ, ગુજરાત અને કાઠિયાવાડમાં આવેલા તીર્થસ્થાનોની યાત્રા અને દેશાટન કરવા નિકળ્યા. અનેક ગામોમાં અને શહેરોમાં જાહેર વ્યાખ્યાનો અને સામાજિક તથા ઐતિહાસિક લેખો અને ગ્રંથોદ્વારા તથા શાસ્ત્રીય વાદવિવાદમાં બતાવેલ એમના અપૂર્વ તાર્કિક કૌશલ્યદ્વારા એમના નામની ખ્યાતિ દેશમાં જાહેર થઇ. લખનૌ, બિયાવાર, શિવગંજ, ઉદયપુર, પાલિતાણા, અમરેલી, જામનગરમાં તેઓએ એક એક અને મુંબઈમાં બે ચોમાસા ગુરૂદેવની સાથેજ કર્યો. ત્યારબાદ કાશીની જૈન સંસ્થાના સંચાલન કામ માટે ફરીથી કાશી તરફ રવાના થતાં એમના સુપ્રસિદ્ધ ગુરૂ શ્રીવિજયધર્મસૂરિ મહારાજ, અને તેમના મંડળ સાથે તેઓ શિવપુરી (ગવાલીયર) સુધી પહોંચ્યા. ત્યાં સંવત્‌ ૧૯૭૮ માં રોગના કારણથી એમના ગુરૂનો સ્વર્ગવાસ થયો. વિજયધર્મ સૂરિના પટ્ટધર વિદ્વદ્‌વર ઇતિહાસતત્ત્વ મહોદધિ આચાર્યશ્રી વિજયેન્દ્રસૂરિના નેતૃત્વ નીચે શિવપુરીમાં જૈન કોમ તથા ગવાલીયર સ્ટેટની ઉદાર મદદથી સ્વર્ગવાસી ગુરૂના સ્મારકરૂપે એક સમાધિ મંદિર સ્થાપિત થયું અને એની છાયામાં પહેલાં મુંબાઇમાં સ્થાપિત કરેલી જૈન સંસ્કૃત પાઠશાળા (શ્રી વીરતત્ત્વપ્રકાશક મંડળ) લાવવામાં આવી. આ સંસ્થાના સંચાલક તરીકે મુનિ વિદ્યાવિજય કામ કરવા લાગ્યા. સંસ્થાની કીર્તિ ફેલાવા લાગી. જૈનધર્મ અને હિંદુસ્થાનની સભ્યતાના અભ્યાસી વિલાયતના વિદ્વાનો પણ આ સંસ્થામાં રહેલ વિદ્વાન્‌ ઉદાર મુનિઓદ્વારા આકર્ષિત થવા લાગ્યા. શિવપુરી જૈન શોધખોળના કેન્દ્રસ્થાન તરીકે, આચાર્યશ્રી વિજયેન્દ્રસૂરિ એના મુખ્ય ચલાવનાર તરીકે અને મુનિ વિદ્યાવિજય એના અન્તરાત્મા તરીકે ઓળખાવા લાગ્યા. શિવપુરીની શાંતિમાં રહેતાં, વિદ્યાવિજય ઐતિહાસિક શોધખોળના તથા સામાજિક સુધારાના ક્ષેત્રમાં પહેલાં માફક અત્યારે પણ પિતાની માતૃભૂમિના સાહિત્યની સેવા કરી રહ્યા છે. ગુજરાતી સાહિત્યની અપેક્ષાએ મુનિ વિદ્યાવિજયનું મહત્ત્વ દ્વિવિધ છે. પહેલાં તો તેઓ વક્તા તરીકે ગુજરાતી ભાષા ઉપર અસાધારણ કાબૂ ધરાવે છે. એમની નિડરતા, વક્તૃત્વકલા, આકર્ષણશક્તિ અને અપૂર્વ ઉત્સાહના પરિણામે અનેક સામાજિક સુધારા અમલમાં આવ્યા છે અને સેંકડો ગુજરાતી યુવકોનો પ્રેમ પોતાની માતૃભાષા અને તેના સાહિત્યની પુરાણી સભ્યતા તરફ જાગૃત કરવામાં આવેલ છે. આ વક્તૃત્વશક્તિની સાથે મુનિ વિદ્યાવિજય કલમ ઉપર પણ અપૂર્વ કાબૂ રાખે છે. એમને મુખ્ય ઐતિહાસિક ગ્રંથ, “સૂરીશ્વર અને સમ્રાટ,” સમ્રાટ્‌ અકબર અને જૈનાચાર્ય હીરવિજયસૂરિ વચ્ચેના સંબંધનું વર્ણન આપે છે અને અનેક નવીન ઐતિહાસિક તત્ત્વો બતાવે છે. તે ઐતિહાસિક શોધખોળનો એક આદર્શ નમુનો છે એટલુંજ નહિ, પરંતુ તે એક રસિક નવલકથાના તથા એની સાથે અસરકારક ધર્મોપદેશના એક ઉત્તમ ગ્રંથના ગુણો પણ ધારણ કરે છે. બહુજ જલદી એની બે ગુજરાતી તથા એક હિંદી આવૃત્તિ નિકળી ચૂકી છે. વિદ્વાનો અને સાક્ષરોની પ્રશંસાનું પાત્ર તે બની ગયું છે. વળી ધર્માભ્યુદય, જૈનશાસન, તથા ધર્મ ધ્વજ–આ પ્રસિદ્ધ જૈન પત્રોના મુખ્ય લેખક અને ઘણે અંશે તંત્રી તરીકે પણ તેઓએ એમના દેશ અને કોમની અનલ્પ સેવા કરી છે. ઉપરાંત ‘જૈન,’ “મુંબઈ સમાચાર,” “સાંજવર્ત્તમાન,” “શારદા”, ‘વીસમી સદી,’ ‘અનેકાન્ત,’ ‘જૈનકોપ્રકાશ,’ ‘પ્રભાત’ આદિ પત્રોમાં એમના છુટક છુટક ઘણાંએક લેખો પ્રકટ થયાં છે અને થાય છે. ભિન્ન ભિન્ન વિષય સંબંધીના સ્વતંત્ર નિબંધરૂપે પ્રકટ થયેલા એમના લેખો પણ ઘણા છે. તે બધાયમાં સામાજિક વિષયના લેખો ખાસ મહત્ત્વના છે. આ સામાજિક લેખોનો મુખ્ય ઉદ્દેશ “ધર્મશાસ્ત્રોની પુરાણા સંસ્કૃતિને આધુનિક જમાનાની વિચિત્ર સ્થિતિ તથા જરૂરીઆતો જોઇનેજ ચાલુ રાખવી જેઈએ” એ જ છે. “સમયને ઓળખો” આ એમની નિડર અને પ્રોત્સાહક સંદેશના જોરથી અંધશ્રદ્ધાળુતા જૈન સમાજમાં ધ્રુજવા લાગી છે. પુરાણી સભ્યતાની નિષ્પક્ષપાતી નિરીક્ષણ તરફ રૂચિ જાગી ઊઠી છે. આ સામાજિક લેખોનો એક ભાગ “સમયને ઓળખો” આ નામથી ફરીથી છપાઈ ગયો છે. જૈન કોમની સ્થિતિની અપેક્ષાથીજ લખેલ હોવા છતાં આ લેખો સમસ્ત હિંદુ કોમને પણ લાગુ પડે તેવા છે. એમની લેખનશૈલીની અપૂર્વ પ્રોત્સાહક શક્તિ, સ્પષ્ટતા, ચપલતા અને સાદાઈ લક્ષિત સુન્દરતાદ્વારા મુનિ વિદ્યાવિજયના ગ્રંથો અને નિબંધો ગુજરાતી ગદ્યના ચમકતા હીરા કહી શકાય અને શકાશે તેવા છે. એટલું નહિ પરંતુ ભિન્ન ભિન્ન પત્રમાં છપાયેલ અનેક પ્રાયઃ નૈતિક વિષયની કવિતાઓદ્વારા તેઓએ ગુજરાતી પદ્યસાહિત્યમાં પણ કેટલોક ફાળો આપ્યો છે.

: : એમના ગ્રંથોની યાદી : :

પર્યૂષણા વિચાર [હિંદી] સં. ૧૯૬૫
વિજય ધર્મસૂરિ ચરિત્ર [ગુજરાતી] ”  ૧૯૬૭
જૈન શિક્ષા-દિગ્‌દર્શન (અનુવાદિત) [ગુજરાતી] ”  ૧૯૬૭
શાણી સુલસા [ગુજરાતી] ”  ૧૯૬૮
[હિંદી] ”  ૧૯૭૦
વિજય પ્રશસ્તિસાર (ઐતિહાસિક) [હિંદી] ”  ૧૯૬૯
શ્રાવકાચાર [હિંદી] ”  ૧૯૭૦
પ્રાચીન શ્વેતાંબર અર્વાચીન દિગંબર (ઐતિહાસિક) [ગુજરાતી] ”  ૧૯૭૦
શિક્ષા-શતક [હિંદી કવિતા]
તેરાપંથી-મત-સમીક્ષા [હિંદી] ”  ૧૯૭૧
૧૦ તેરાપંથી-હિત-શિક્ષા [હિંદી] ”  ૧૯૭૨
૧૧ અહિંસા [ગુજરાતી] ”  ૧૯૭૪, ૭૫
૧૨ ઐતિહાસિક સજ્ઝાયમાલા (સંવાદિત) [ગુજરાતી] ”  ૧૯૭૪
૧૩ આદર્શ સાધુ [હિંદી] ”  ૧૯૭૪
૧૪ સૂરીશ્વર અને સમ્રાટ (ઐતિહાસિક) [ગુજરાતી] ”  ૧૯૭૬, ૭૯
[હિંદી] ”  ૧૯૮૦
૧૫ ઐતિહાસિક રાસસંગ્રહ ભાગ ૪ (સંપાદિત) [ગુજરાતી] ”  ૧૯૭૭
૧૬ ગૃહસ્થો કે ગુણ [હિંદી] ”  ૧૯૭૮
૧૭ વિજયધર્મસૂરિ અષ્ટ-પ્રકારી પૂજા [હિંદી પદ્ય] ”  ૧૯૭૯, ૮૧, ૮૪
૧૮ શાહ કે બાદશાહ [ગુજરાતી નાટિકા] ”  ૧૯૮૧
૧૯ બાલ નાટકો [ગુજરાતી, હિંદી] ”  ૧૯૮૨
૨૦ સમયને ઓળખો, ભાગ ૧ [ગુજરાતી] ”  ૧૯૮૪
[હિંદી] ”  ૧૯૮૬
૨૧ નવો પ્રકાશ [ગુજરાતી] " ૧૯૮૫
૨૨ પ્રાચીન લેખસંગ્રહ (સંપાદિત) [ગુજરાતી] ”  ૧૯૮૬
૨૩ ધર્મપ્રવચન (સંપાદિત) [ગુજરાતી] ”  ૧૯૮૬
૨૪ વિજય ધર્મસૂરિ કે વચન કુસુમ (સંપાદિત) [હિંદી] ”  ૧૯૬૭