ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૨જું/મોહનદાસ કરમચંદ ગાંધી-(મહાત્માજી)

From Ekatra Foundation
Jump to navigation Jump to search


મોહનદાસ કરમચંદ ગાંધી—મહાત્મા

કાઠિયાવાડમાં દેશી રાજ્યોમાં નાગરોની પેઠે વૈશ્યોએ પણ દિવાનગીરી-મુત્સદીપણું-સરસ રીતે કરેલું છે, તેમાં કબા ગાંધીનું નામ વિશેષ ધ્યાન ખેંચે છે. આઠ પેઢીથી એમના વડીલો પોરબંદરનો કારભાર કરતા હતા; અને તેમાં રાજહિતની સાથે સાથે પ્રજાહિત પણ પૂરેપૂરૂં સાચવેલું. એક પ્રસંગે સહજ કારણસર રાજાના કાર્યથી અસંતુષ્ટ થતાં, તેઓ રાજકોટ જઈ રહેલા અને ત્યાં દિવાનપદે નિમાયેલા. પછીથી વાંકાનેર ગયેલા. આમ ત્રણ રાજ્યો, પોરબંદર, રાજકોટ અને વાંકાનેર સાથે એમનો સંબંધ બંધાયલો; અને એક નિસ્પૃહી, કર્તવ્યનિષ્ઠ અને ખરાબોલા દિવાન તરીકે એમણે પ્રતિષ્ઠા પ્રાપ્ત કરેલી. ખરાબોલા એટલે સુધી કે રાજાઓને પણ તેમના દોષ બતાવવામાં પાછા પડતા નહિ. સ્વમાન માટે પણ એવા જ આગ્રહી હતા. એક પ્રસંગે પોલીટીકલ એજંટે એમને નિમંત્રી વખતસર મળેલા નહિ, તેથી તેઓ મળ્યા વિના પાછા ગયલા; અને પરિણામે એજંટને માફી માગવી પડેલી. આવા સ્વાભિમાની અને કાબેલ મુત્સદીના એક વંશજ મહાત્મા મોહનદાસ ગાંધી, જેમનામાં પેઢીધર ઉતરી આવતા રાજકારણસંસ્કાર પૂરા ફૂલી ફાલ્યા છે, જેમની રાજકીય હિલચાલે સમસ્ત દેશમાં પરિવર્તન કર્યું છે; જેમના વિચારોએ ચાલુ સંસ્કૃતિને જૂદો જ ઝોક આપ્યો છે; જેમના અહિંસાના સિદ્ધાંતે જગત્‌ને નવીન દર્શન કરાવ્યું છે; જેમનું નામ રાજા હરિશ્ચંદ્રની પેઠે એક સત્યવાદી તરીકે પંકાયું છે અને જગત્વંદ્ય મહાત્મા તરીકે જેમની ગણના થયલી છે, દેશભરમાં નાના મોટા, ગરીબ તવંગર, આબાલવૃદ્ધ, સૌને જેમનું નામ જીહ્‌વાગ્રે છે, એમની વિભૂતિ અને અનેક દેશીય પ્રવૃત્તિઓનો પરિચય કરાવવો એ દુષ્કર કાર્ય છે; અહિં એમના સાહિત્ય કાર્ય પુરતો ઉલ્લેખ કરવાને ઉદ્દેશ છે. એમનો જન્મ સન ૧૮૬૯ ના ઑક્ટોબર મહિનામાં બીજી તારીખે, હિન્દુ તિથિ ભાદરવા વદ બારશે, જે રેંટીઆ બારસથી જાણીતી છે, તે દિવસે પોરબંદરમાં થયો હતો. રણછોડલાલ છોટાલાલે ગુજરાતમાં પ્રથમ સુતરની મીલ ઉભી કરેલી તેથી તે રણછોડભાઈ રેંટીઆવાળાના નામે ઓળખાતા હતા; પણ ગરીબોની અમોઘ શક્તિ-જીવન ધન-રેંટીઓ દેશમાંથી લગભગ અદૃશ્ય થઈ ગયેલો તે ફરી દાખલ કરી, ઘેર ઘેર ચાલતો કરાવવાનો અને તે દ્વારા દેશનું આર્થિક બળ વધારવાનો ભગીરથ પ્રયત્ન સફળતાપૂર્વક પાર પાડવાનો યશ મહાત્માજીને ઘટે છે; રેંટીઓ એમના નામ સાથે સદા સંકળાયલો રહેશે. એમના પિતા કરમચંદ-કબા ગાંધીને કંઈક પરિચય શરૂઆતમાં કરાવ્યો છે. એમના માતુશ્રીનું નામ પુતળીબાઇ હતું. એમને વિલાયત મોકલી આપતી વખતે તેમણે મદ્ય, માંસ અને સ્ત્રીથી અલગ રહેવાની પ્રતિજ્ઞા એમની પાસે લેવડાવી હતી, એટલા પરથી એક માતાના વાત્સલ્યભર્યા ભાવની સાથે એમના જીવનની પવિત્રતા વિષેના વિચારે સ્પષ્ટ થશે. એમનું લગ્ન બારમે વર્ષે પોરબંદરમાં સૌ. કસ્તુરબા સાથે થયું હતું; અને એમણે પતિને પડખે રહીને અપૂર્વ સ્વાર્થત્યાગની સાથે, રાજકીય લડતોમાં, અનેક કષ્ટો સહન કરીને, તેમ જેલ વેઠીને, જે શૌર્ય દાખવ્યું છે, તે અનુપમ છે અને એક વિરાંગના તરીકે તેઓ આર્ય સ્ત્રીનામને ઉજ્જ્વળ અને ગૌરવાંકિત કરે છે. આરંભમાં કહ્યું તેમ તેઓ વૈશ્ય મોઢ જ્ઞાતિના છે અને એમનું કુટુંબ વૈષ્ણવ ધર્મ પાળે છે. ઘણું ખરૂં શિક્ષણ એમણે રાજકોટમાં લીધેલું. સન ૧૮૮૭ માં મેટ્રીકમાં પાસ થઇને તેઓ સામળદાસ કૉલેજમાં દાખલ થયેલા. પરંતુ બેરિસ્ટર થવાની ઈચ્છા થતાં કુટુંબની સંમતિ લઈ તેઓ સન ૧૮૮૮ માં ઈંગ્લાંડ ગયા હતા. વિદ્યાર્થી અવસ્થા દરમિયાન એમનું જીવન કેવા વિષમ સંજોગમાંથી પસાર થયું હતું; ઇંગ્લાંડના વસવાટ દરમિયાન એઓ રહેણીકરણીમાં કેવા અખતરા કરી રહ્યા હતા; દેશમાં પાછા ફર્યા પછી, વકીલાતમાં એમને કેવી મુંઝવણ નડી હતી; આફ્રિકા શા કારણે ગયા અને ત્યાં કેવી પરિસ્થિતિમાં સ્થાયી રોકાઇ ગયા, એ બધો વૃત્તાંત બોધક અને મનનીય છે. વાચકને એમની “આત્મકથા”માંથી તે વાંચી લેવા અમે વિનંતિ કરીશું. તેમની સાહિત્યપ્રવૃત્તિ દક્ષિણ આફ્રિકામાંથી શરૂ થઇ. દક્ષિણ આફ્રિકામાં વસતા હિંદીઓને લોકમત કેળવવા ‘ઇન્ડિયન ઓપિનિયન’ નામનું સાપ્તાહિક તેમણે કાઢ્યું હતું. આ સાપ્તાહિક દ્વારા રાજદ્વારી વિષયોની ચર્ચા કરવા ઉપરાંત પરદેશમાં વસતા અને મોટે ભાગે બહુ ઓછું ભણેલા એવા આપણા દેશીઓમાં દેશપ્રેમ જાગૃત કરી સંસ્કારિતા ખીલવવાનો પણ તેમણે સરસ પ્રયત્ન કરેલો છે. ‘ઇન્ડિયન ઓપિનિયન’ની ભાષા બહુ સાદી અને સાક્ષરી દૃષ્ટિએ કાંઈક અશુદ્ધ પણુ ગણાય. એક-વાર ‘ઇન્ડિયન ઓપિનિયન’ની ભાષા વિષે તેઓએ કહેલું કે મારે તો એ છાપું અભણ ગણાય એવા મેમણોને વંચાવવું હતું એટલે હું એમને મારી નજર સામે રાખીને લખતો. આમ છતાં ‘ઇન્ડિયન ઓપિનિયન’ માં વિષય તથા વિચારની ગંભીરતા, સત્યદર્શન માટેનો પ્રયત્ન તથા સાદી, સચોટ અને સોંસરી ભાષા જે ગાંધીજીના લખાણનાં ખાસ લક્ષણો છે તે તો તરી જ આવે છે. આપણા સાહિત્યમાં અમર સ્થાન પામવાને લાયક એવાં એમનાં કેટલાંક પુસ્તકો–હિંદ સ્વરાજ, જેલના અનુભવો (દ. આફ્રિકામાંના), નીતિધર્મ, સર્વોદય વગેર–‘ઇન્ડિયન ઓપિનિયન’માં જ પ્રથમ પ્રગટ થયેલાં. દક્ષિણ આફ્રિકામાં વસતી હિંદી કોમનું સંગઠન કરવાના ઉદ્દેશથી એ પત્ર તેઓ કાઢતા પણ તેમાં ચર્ચાતા વિષયો કેટલા વિવિધ અને સર્વદેશી હતા તે એ પત્રની ફાઈલો જોતાં તરતજ જણાય છે. જે વિરલ લાભ એમના ‘નવજીવન’ દ્વારા ગુજરાતી પ્રજાને મળી રહ્યો છે તેનાં બીજ આમ દક્ષિણ આફ્રિકામાં નંખાયેલાં. તેઓ કહે છે કે મારા જીવન ઉપર ટૉલ્સ્ટૉય, રસ્કિન અને શ્રીમદ્‌ રાજચંદ્રની ઊંડી અસર થયેલી છે. રસ્કિને અને ટૉલ્સ્ટૉયે જે સિદ્ધાન્તો લેખો દ્વારા પ્રતિપાદન કર્યા તે એમણે અમલમાં મૂક્યા છે, અને તેનું મૂલ્ય પ્રત્યક્ષ સિદ્ધ કરી બતાવ્યું છે. સત્યાગ્રહની કલ્પના શોધી કાઢ્યાનું માન કેટલાક ટૉલ્સ્ટૉયને આપે છે, પણ હિંદુસ્તાનમાં એ સિદ્ધાન્ત નવો નથી. આજની સુધરેલી દુનિયા આગળ એ સિદ્ધાન્તનો પરચો બતાવી, એ કેવી અમોઘ અને અજેય શક્તિ છે તથા એ કેટલું વ્યવહારુ શસ્ત્ર છે એનો પાઠ ગાંધીજીએ જગતને આપ્યો છે. નાતાલમાં ટૉલ્સ્ટૉય ફાર્મ તથા પાછળથી ફિનિકસ સંસ્થા સ્થાપીને સમાનતા અને બંધુત્વની ભાવનાવાળા શ્રમજીવી જીવનની કલ્પના તેમણે વ્યવહારમાં ઉતારી હતી. અહીંના સત્યાગ્રહશ્રમમાં એ જ ભાવના દૃષ્ટિગોચર થાય છે. હિંદમાં આવ્યા પછીની એમની પ્રવૃત્તિ ભારતવર્ષની જ નહિ પણ જગતની જનતા આગળ પ્રત્યક્ષ છે. પરંતુ રાજકીય તેમજ બીજી અનેક પ્રવૃત્તિઓના બોજા નીચે લદાયેલા હોવા છતાં તેમણે આપણી માતૃભાષાની જે અસાધારણ સેવા કરી છે અને ગુજરાતી ભાષાને જે ઉન્નત સ્થાન અપાવ્યું છે તે અપ્રતિમ છે. સાહિત્યની ખાતર સાહિત્યની પ્રવૃત્તિમાં તેઓ કદી પડ્યા નથી, ગુજરાતી ભાષા પ્રત્યેના પ્રેમમાં અને ભાષાનો વિકાસ સાધવાના પ્રયત્નમાં કોઇ પણ સાક્ષર કરતાં તેઓ ઊતરે નહિ. ‘ઇન્ડિયન ઓપિનિયન’ વિષે બોલતાં તેમની શૈલીનાં લક્ષણો વિષે સૂચન કરી ગયા છીએ. એ લક્ષણો ત્યાં બીજરૂપે હતાં તે હિંદમાં ફાલ્યાં છે. સ્વ. નવલરામે જેને એકાગ્ર અને સંક્ષિપ્ત શૈલી કહી એ શૈલીનો એમનાં લખાણ અદ્‌ભુત નમૂનો છે. એ શૈલીની સાથે વિચારની અને ભાષાની પ્રૌઢતા તથા હૃદયના ઊંડાણમાંથી નીકળતા સૂર ભળે છે અને જે રણકાર નીકળે છે તે જોતાં શબ્દમાં મનુષ્યહૃદયને હલમલાવી નાંખી વેગવાન કાર્યમાં ખેંચવાની કેટલી શક્તિ રહેલી છે તેનો આપણને સાક્ષાત્કાર થાય છે. ‘શું શાં પૈસા ચાર’ ગણાતી ગુજરાતી ભાષાને આજે હિંદુસ્તાનની બધી ભાષાઓમાં તેમણે ગૌરવભર્યું એવું વિશિષ્ટ સ્થાન અપાવ્યું છે. અંગ્રેજી ભણતર આપણા દેશમાં દાખલ થયું ત્યાર પછી આપણા ભણેલા લોકોમાં અંગ્રેજી ભાષાનો એટલો મોહ પેસી ગયો હતો કે અંગ્રેજી ભાષાની એ ગુલામીનાં દુઃખ આખી પ્રજાને સોસવા પડતાં હતાં. તેમાંથી દેશી ભાષાઓને તથા લોકોને મુક્ત કરાવનાર વ્યક્તિ એ જ છે. પંદર વર્ષ પહેલાંના પણ બહુ કાર્યોથી ખીચોખીચ ભરાયેલા આ કાળમાં જૂના સમયના બે પ્રસંગો નોંધીશું. સને ૧૯૧૬ માં શ્રીમતી સરોજિની નાયડુ એમને મળવા અમદાવાદ આવ્યાં હતાં, તે પ્રસંગનો લાભ લઇ શ્રી સરોજિની દેવીનું જાહેર વ્યાખ્યાન ગોઠવવામાં આવ્યું. તેમના અંગ્રેજી ભાષણ ઉપર તો આપણા અંગ્રેજી ભણેલાઓ મુગ્ધ એટલે અમદાવાદના અંગ્રેજી ભણેલાઓ માટે એ મોટો ઉત્સવનો પ્રસંગ હતો. પણ ગાંધીજી ક્યાં એ ઉત્સવ ભોગવવા દે એમ હતા? લોકોની નારાજી વહોરી તેમણે સરોજિની દેવી પાસે હિંદુસ્તાનીમાં જ ભાષણ કરાવ્યું. કદાચ હિંદુસ્તાનીમાં બોલવાનો તેમનો આ પહેલો જ પ્રસંગ હશે. ત્યાર પછી શહેરનાં સ્થાનિક પત્રોમાં ખૂબ ચર્ચા થઈ પણ અંગ્રેજી ભાષાની ગુલામી ઉપર તો હથોડો પડ્યો જ. સને ૧૯૧૭ માં ભરૂચમાં બીજી ગુજરાતી કેળવણી પરિષદ મળી હતી. સૌ કોઈએ આશા રાખેલી કે શિરસ્તા મુજબ કામકાજ અંગ્રેજીમાં થશે. ગાંધીજી પ્રમુખ હતા. તેમણે વ્યાખ્યાન ગુજરાતીમાં લખી મોકલ્યું. પરિષદો અને સંમેલનોમાં દેશી ભાષામાં કામકાજ કરવાની પ્રથાનાં પગરણ ત્યારથી મંડાયાં. આજે તો મહાસભામાં પણ બધું કામકાજ હિંદુસ્તાનીમાં ચાલતું થઈ ગયું છે. ‘નવજીવન’ દ્વારા છેલ્લાં દસ વરસથી તેઓ ગુજરાતી સાહિત્યનો ધોધ વહેવરાવી રહ્યા છે. તેમની લેખિની અનેક ક્ષેત્રોમાં ઘૂમી રહી છે, અને તેમણે દાખલ કરેલી વિચારસરણી તથા શૈલીની અસર જેના ઉપર ન પડી હોય એવા આધુનિક ગુજરાતી લેખક થોડા જ મળી આવશે. તેથી જ બીજી પ્રવૃત્તિઓની માફક સાહિત્યમાં પણ અત્યારે ગાંધીયુગ પ્રવર્તે છે એમ કહેવાય છે તે યથાર્થ છે. એમનું લખાણ પાંડિત્યભર્યું નથી; પણ તે જીવનમાંથી ઉદ્‌ભવેલું છે. તેની પાછળ જાગૃત અનુભવ અને ઊંડું ચિંતન રહેલાં છે. તેઓ હંમેશાં સત્યનું દર્શન કરવા તથા કરાવવા જ લખે છે તેથી જે વિષય ઉપર તેઓ લખે છે તેને તેઓ સજીવતા અપે છે. સાહિત્ય એ જીવનથી કોઈ નિરાળી વસ્તુ નથી પણ સમગ્ર જીવનનો નિષ્કર્ષ છે એ તેમણે પોતાના લેખો દ્વારા આપણને શીખવ્યું છે અને તે જ સાહિત્યક્ષેત્રમાં તેમની અમૂલ્ય પ્રસાદી છે.


: : એમની કૃતિઓ : :

૧. સર્વોદય આ ચાર પુસ્તકો
દક્ષિણ આફ્રિકમાં
પ્રથમ પ્રકટ થયેલા
૨. હિન્દ સ્વરાજ્ય
૩. જેલના અનુભવો (દક્ષિણ આફ્રિકાના) પ્રથમ પ્રકટ થયેલા
૪. નીતિ ધર્મ
૫. આરોગ્ય વિષે સામાન્ય જ્ઞાન ૧૯૧૬
૬. નવજીવન શરૂ થયું તે તારીખ ૧૯૧૯ની ૭મી સપ્ટેંબર
૭. નવજીવન-પુસ્તકરૂપે અગિયાર ભાગમાં ૧૯૨૩
૮. દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઈતિહાસ ભા. ૧ ૧૯૨૪
૯. દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ ભા. ૨ ૧૯૨૬
૧૦. જેલના અનુભવો (હિન્દુસ્તાનમાં) ૧૯૨૫
૧૧. આત્મકથા ભા. ૧ ૧૯૨૮
૧૨. ભા. ૨ ૧૯૨૯
૧૩. નીતિનાશને માર્ગે ૧૯૨૮