ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૨જું/રેવાશંકર ઓઘડભાઇ સોમપુરા
એઓ સોમપુરા બ્રાહ્મણ જ્ઞાતિના છે. એ જ્ઞાતિ શિલ્પકાર તરીકે ગુજરાતમાં જાણીતી છે. એમના પિતાનું નામ ઓઘડભાઈ ભવાનભાઈ મીસ્ત્રી અને માતાનું નામ શિવકુંવરબ્હેન છે. એઓ પાલીતાણાના વતની છે અને જન્મ પણ ત્યાં જ સન ૧૮૯૫ માં તા. ૨૬ મી નવેમ્બરે થયો હતો. પ્રાથમિક અને માધ્યમિક કેળવણી ઘણી ખરી જન્મસ્થાન પાલીતાણામાં જ લીધેલી. છઠ્ઠા અને સાતમા ઇંગ્રેજી ધોરણનો અભ્યાસ ભાવનગરમાં કરેલો. સન ૧૯૧૨ માં મેટ્રીક્યુલેશનની પરીક્ષા પાસ કરી સામલદાસ કૉલેજમાં દાખલ થયલા. બી. એ; ની પરીક્ષા જુનાગઢ બહાઉદ્દીન કૉલેજમાંથી સન ૧૯૧૮ માં વિજ્ઞાન લઇને પાસ કરેલી. એ વિષયનો રસ એમને પ્રો. ધુર્યેએ તથા ડૉ. કુંવરજી ગો. નાયકે લગાડેલો અને તેમની પાસેથી પ્રેરણા પામીને તેઓ ગુજરાતીમાં વિજ્ઞાનનું સાહિત્ય ઉભું કરવા સ્તુત્ય શ્રમ સેવી રહ્યા છે. એમનું લગ્ન સન ૧૯૦૭ માં પાલીતાણામાં થયું હતું; અને તેમના પત્નીનું નામ ચંચળબ્હેન છે. ૧૯૨૫-૨૮ સુધી તેઓ લુણાવાડા હાઈસ્કુલના હેડમાસ્તર તરીકે રેવાકાંઠા એજન્સીની નોકરીમાં હતા. હાલમાં તેઓ ભાવનગર રાજ્યના કેળવણી ખાતામાં વિજ્ઞાનશિક્ષક છે; અને બોટાદ હાઈસ્કુલમાં હેડમાસ્તર છે. વિજ્ઞાન એમનો પ્રિય વિષય છે અને તે વિષય પર “કુમાર” માસિકમાં અવારનવાર લેખો લખતા રહે છે. એમણે “વિજ્ઞાન વિકાસ” નામનું એક પુસ્તક લખી હમણાં પ્રસિદ્ધ કર્યું છે, જે વિજ્ઞાનરસિકોને વાચવા જેવું છે. તે પુસ્તક એ વિષયમાં તેઓ કેટલોબધો રસ લે છે, તેમ તેનું નિરુપણ કરવાની કળા-આવડત કેવી હસ્તગત કરી છે, તેનો અચ્છો ખ્યાલ આપે છે. સન ૧૯૧૯ માં એડિસનનું જીવનવૃત્તાંત એમણે પ્રથમ લખેલું અને પ્રો. ગજ્જરનું જીવનચરિત્ર તાજું જ (માગશર સં. ૧૯૮૭) “કુમાર”ના અંકમાં આવ્યું છે; એ સઘળા લેખો મનનીય જણાશે.
: : એમના ગ્રન્થો : :
| ૧ | એડિસનનું જીવનવૃત્તાંત | સન ૧૯૧૯ |
| ૨ | રસાયણ અને ભૌતિકશાસ્ત્ર | ” ૧૯૨૪ |
| ૩ | આરોગ્યના પ્રદેશ | ” ૧૯૩૦ |
| ૪ | વિજ્ઞાનનો વિકાસ | ”” |
| ૫ | ભારતના મહાન વૈજ્ઞાનિકો | ”” |
(૧) ‘Life and Inventions of Edison’ નામના મૂળ બે ગ્રંથ તથા Boy’s Life of Edison પરથી (૨) પાઠ્યપુસ્તક-મુંબાઇ યુનિવર્સિટીના અભ્યાસક્રમ મુજબ (૩) ‘Lands of Health and Lands of Wealth’ પરથી (૪) ‘History of Science’ ના મૂળ પાંચ ગ્રંથ પરથી. (૫) ‘Indian Scientists’ અને પ્રાચીન ગ્રંથો પરથી.