ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૩/કુમારિકા વિનોદિની રમણભાઈ નીલકંઠ
એઓ સ્વ. સર રમણભાઈ નીલકંઠના ચોથા પુત્રી છે; એમનો જન્મ અમદાવાદમાં સન ૧૯૦૭ માં થયો હતો. માતપિતાના સમાજસુધારક વિચારો એમનામાં પૂરેપૂરા ઉતરી, તેઓ જ્ઞાતિસંસ્થામાં જેમ માનતા નથી તેમ ચાલુ પ્રણાલિકાના પ્રખરઉચ્છેદક છે. સન ૧૯૨૮ માં તેઓ ગુજરાત કૉલેજમાંથી બી. એ. થયા હતા; અને ગુજરાતમાથી ઉંચું શિક્ષણ લેવાને કોઇ બ્હેને સાહસ ઉઠાવ્યું હોય તો તેઓ પ્રથમ છે. તેમણે મીશીગન યુનિવર્સિટીની એમ. એ. ની પદ્વી સંપાદન કરી છે અને હમણાં તેઓ અમદાવાદ ગર્લસ હાઇસ્કુલના મુખ્ય અધિષ્ઠાત્રિ છે. સમાજસુધારાની પેઠે સાહિત્યના સંસ્કાર પણ ઘરના વાતાવરણમાંથી છેક ન્હાનપણમાંથી એમને પ્રાપ્ત થયલા; અને તેનો કંઇક પરિચય આપણને એમના છૂટક નિબંધસંગ્રહ ‘રસદ્વાર’ માં થાય છે. એ સૌમાં દેશસેવા અને સ્વદેશાભિમાનની લાગણી એમનામાં ઉત્કટ અને અગ્રસ્થાને છે, એ એક સ્વયંસેવિકા તરીકે નામ નોંધાવી, જેલનું તેડું સ્વીકાર્યું હતું તે પરથી તેમ “પ્રસ્થાન” માં એમણે એક પ્રસંગ અમેરિકન અનુભવનો વર્ણવ્યો હતો તે પરથી જણાઈ આવે છે.
: : એમની કૃતિઓ : :
| ૧ | રસદ્વાર | સન ૧૯૨૮ |