ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૩/જયસુખલાલ કૃષ્ણલાલ મહેતા

From Ekatra Foundation
Jump to navigation Jump to search
જયસુખલાલ કૃષ્ણલાલ મહેતા

એઓ જ્ઞાતે વાલ્મિકી કાયસ્થ અને સુરતના વતની છે. જન્મ પણ સુરતમાં સન ૧૮૮૪માં મહા શિવરાત્રિને દિવસે થયો હતો. એમના પિતાનું નામ કૃષ્ણલાલ ગોવિંદદાસ મહેતા અને માતાનું નામ સૌ. કપિલાગવરી હતું. એમના પિતા કાઠિયાવાડમાં કેળવણી ખાતામાં હતા. એમનું લગ્ન સન ૧૯૦૪માં શ્રીમતી કુમુદાગવરીબ્હેન સાથે થયું હતું. એમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વઢવાણમાં દાજીરાજ હાઈસ્કુલમાં લીધું હતું. કૉલેજનો અભ્યાસ ઈન્ટર સુધીનો ગુજરાત કૉલેજમાં કર્યો હતો; અને બી. એ.ની પરીક્ષા સન ૧૯૦૩માં એલ્ફીન્સ્ટન કૉલેજમાંથી પસાર કરી હતી. સન ૧૯૦૫માં એમ. એ. થયા હતા. ખ્રિસ્તિધર્મસાહિત્ય એમને ખૂબ ગમે છે અને એમનાં પ્રિય પુસ્તકો બાઈબલ, શેલીના ગ્રંથો અને મીસીસ રોબર્ટ બ્રાઉનિંગની કવિતા છે. એઓ સ્વ. ભાઈ રણજીતરામની કાકાની પુત્રીના પુત્ર થાય અને અમદાવાદના વસવાટ દરમિયાન એઓ બંને સમાજજીવનના પ્રશ્નોની ખૂબ રસપૂર્વક ચર્ચા કરતા, જેની અસરથી એમનું આખુંય જીવન રંગાયલું છે. એમની વિધવા બ્હેનનું પુનર્લગ્ન કરાવવામાં એમણે જે અડગ નિશ્ચય અને જાહેર હિંમત બતાવ્યા હતા તે ખરેખર સ્તુતિપાત્ર અને માનાસ્પદ હતા; અને તે એઓ કેવા ખમીરના છે, એની સાક્ષી પૂરે છે. એમનું ખરૂંં કાર્ય હિન્દી વહેપારી ચેમ્બરના સેક્રેટરી તરીકેનું છે. એઓ પ્રથમ તેમાં જોડાયલા ત્યારે એ મંડળ નવુંજ ઉભું થયું હતું. અત્યારે તે હિન્દી વેપારી આલમમાં ઉંચું સ્થાન ભોગવે છે; અને જેના અભિપ્રાયને હિન્દી સરકારને પણ ધ્યાનપૂર્વક જાણવા વિચારવા પડે છે. તે માટે કોઈ એક વ્યક્તિને તેને યશ આપી શકાય તો તે શ્રીયુત જયસુખલાલભાઈને છે. તેઓ તેના પ્રાણરૂપ છે; અને હિંદી સરકારે એમને જીનેવા કોન્ફરન્સમાં મૂડીવાદીઓના સલાહકાર તરીકે પસંદ કરી, એમની કાર્યદક્ષતા અને હુંશિયારીની કદર કરી હતી. મુંબાઇના જાહેર જીવનમાં એમણે સ્થાન પ્રાપ્ત કરેલું છે; અને આર્થિક ખાસકરીને હિન્દી વેપારના પ્રશ્નો વિષે એમનું જ્ઞાન જેમ બહોળું તેમ પ્રમાણભૂત હોય છે. ગુજરાતી સાહિત્યમાં તેમનું લખાણુ થોડું હોય છે; પણ ગયા બે વર્ષમાં એમનાં જે બે પુસ્તકો છપાઈને બહાર પડ્યાં છે, તે એમની બુદ્ધિ અને શક્તિનો સરસ પરિચય કરાવે છે. તે જેમ નવીન તેમ સ્વતંત્ર કૃતિઓ છે; અને તે જૂદે જ માર્ગ વિચરે છે.

: : એમની કૃતિઓ : :

પૂજારીને પગલે સન ૧૯૩૧
જગત્‌ની ધર્મશાળામાં  ”  ૧૯૩૨