ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૩/નાગરદાસ અમરજી પંડ્યા

From Ekatra Foundation
Jump to navigation Jump to search
નાગરદાસ અમરજી પંડ્યા

એઓ જ્ઞાતે પ્રશ્નોરા નાગર; અને ધોલકા તાલુકે નાની બોરૂના વતની છે. જન્મ પાલીતાણામાં તા. ૯ મી ફેબ્રુઆરી ૧૮૯૩ના રોજ થયો હતો. એમના પિતાનું નામ અમરજી દુર્ગારામ પંડ્યા અને માતાનું નામ નવલગવરી વલ્લભરામ ભટ્ટ છે. એમનું પ્રથમ લગ્ન. સને ૧૯૧૬માં સ્વ. અન્નપૂર્ણા સાથે થયું હતું અને બીજું લગ્ન સને ૧૯૨૧ માં ભાવનગરમાં સૌ. મંગળાગવરી સાથે થયું હતું. પ્રાથમિક કેળવણી પાલીતાણામાં અને માધ્યમિક તેમ ઉંચી ભાવનગરમાં એમણે લીધી હતી. સન ૧૯૧૩માં ભાવનગર ઑલ્ફ્રેડ હાઈસ્કુલમાંથી મેટ્રીક્યુલેશનની પરીક્ષા પાસ કરી હતી; અને સન ૧૯૧૭માં સામળદાસ કૉલેજમાંથી બી. એ. થયા હતા. હાલમાં તેઓ દાજીરાજ હાઈસ્કુલ વઢવાણમાં સંસ્કૃત શિક્ષક છે. સંસ્કૃત સાહિત્ય એમનો પ્રિય વિષય છે; અને શાન્ત ક્રાન્તિકારી સાહિત્યના પ્રશંસક છે. ટૉલસ્ટૉય, ગાંધીજી, શ્રીમદ્‌ રાજચંદ્ર વગેરેની એમના જીવનપર ઉંડી છાપ પડી છે. તુલસીકૃત રામાયણ, જાતક કથાઓ વગેરે એમનાં માનીતા પુસ્તકો છે. તેમણે “કુમાર સંભવ” નો સમશ્લોકી અનુવાદ કરવા માંડ્યો છે, જે ‘પ્રસ્થાન’ ના હવે પછીના અંકોમાં ધીમે ધીમે બહાર પડતો રહેશે. કોઈ વખત ટુંકી વાર્તાઓ પણ માસિકોમાં તેઓ લખે છે.

: : એમની કૃતિઓ : :

રૂક્મિણી હરણ (સંસ્કૃત નાટિકા) સન ૧૯૨૩
વિવાહ તત્વ  ”  ૧૯૨૪
રાસ ગોપાલ*  ”  ૧૯૨૯
અમૃતબિંદુ  ”  ૧૯૩૦
ભાંડારકર પ્રથમ પુસ્તક સહાયિકા  ”  ૧૯૩૨
દ્વિતીયભા. ૧  ”
દ્વિતીયભા. ૨  ”
ઇંગ્લિશ પ્રવેશિકા  ”

* ‘ગીત ગોવિંદ’ની આછી છાયા.
નં. ૫ થી ૮ ના પુસ્તકો શાળોપયોગી છે.