ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૩/રા. સા. ઈશ્વરલાલ પ્રાણલાલ ખાનસાહેબ
એઓ વાલ્મિક કાયસ્થ જ્ઞાતિના અને સૂરતના વતની છે. જન્મ પણ ત્યાં જ તા. ૨૬મી નવેમ્બર ૧૮૬૯ના રોજ થયો હતો. એમના પિતાનું નામ પ્રાણલાલ સૂરજલાલ ખાનસાહેબ અને માતાનું નામ ગંગાગૌરી હતું. એમનું લગ્ન સન ૧૮૮૪માં કમળાબહેન તે ઓચ્છવલાલ નગીનદાસના પુત્રી સાથે થયું હતું. એમણે ગૂજરાતી શિક્ષણ નારણ મહેતાજીની ગામઠી શાળામાં લીધેલું અને અંગ્રેજીનો અભ્યાસ સૂરતની સરકારી હાઈસ્કૂલમાં કર્યો હતો. એમના સમયમાં સૂરતમાં જાણીતા થએલા ઉત્તમરામ નરભેરામ મહેતાજી હેડમાસ્તર હતા અને રા. સા. ખાનસાહેબ એમના ખાસ પ્રીતિપાત્ર શિષ્ય હતા. તે સમયે અપાતી માસિક સ્કૉલરશીપ તથા ઈનામો મેળવી એઓ સન ૧૮૮૬માં મેટ્રિક પાસ થયા. મેટ્રિક્યુલેશન પસાર કર્યા પછી મુંબઇ એલ્ફીન્સ્ટન કૉલેજમાં દાખલ થઈ ત્યાંથી સન ૧૮૮૯માં તેઓ અંગ્રેજી અને ફારસી સાથે બી એ. થએલા. અભ્યાસ દરમિયાન રૂપિયા વીસની સ્કૉલરશીપ ૫ણ મેળવેલી. કૉલેજમાં એમણે એમની વક્તૃત્વકળાથી પ્રોફેસરોની પ્રીતિ સંપાદન કરી હતી. એમણે ફારસી ભાષાનું સંગીન જ્ઞાન મેળવ્યું હતું અને એ ભાષા પર એમણે એટલો કાબૂ મેળવ્યો હતો કે એઓ તેમાં વાતચીત પણ કરી શકે. કૉલેજના દિવસોમાં તો એમણે ફારસી ભાષામાં નાની કવિતાઓ પણ રચી હતી. આમ છતાં ગૂજરાતી સાહિત્યના શોખને લઈ ગૂજરાતી ભાષા ઉપર પણ એેવો અજબ કાબૂ મેળવ્યો છે કે એમને ગૂજરાતી લેખો અને એમનાં ભાષણોથી એમજ ખાતરી થાય કે એમની બીજી ભાષા સંસ્કૃત જ હોવી જોઇએ. આ પછી સરકારી નોકરીની અનેક લાલચો જતી કરીને ‘ધંધામાં ઉંચો પણ વેપારમાં નબળો’ એેવો શિક્ષકનો ધંધો સ્વીકાર્યો અને સન ૧૮૯૪માં સૂરતની ‘ધી ઇંગ્લીશ’ (તે હાલની તાપીદાસ અને તુલસીદાસ સાર્વજનિક હાઇસ્કૂલમાંથી) સ્કૂલમાં જોડાયા અને સન ૧૯૩૧માં વાનપ્રસ્થ થયા. આ રીતે એમની લગભગ આખી જિંદગી એક શિક્ષક તરીકે વ્યતીત થયેલી છે અને એક ઉત્તમ શિક્ષક તરીકે તેમની ગણના થાય છે. સ્વ. ચૂનીલાલ શાહ ૫છી સૂરતમાં શિક્ષક તરીકે સારી પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી હોય તો મંચેરશાહ કેકોબાદ અને એઓ પોતે છે. એમનો પ્રિય વિષય સાહિત્ય છે. ગોલ્ડસ્મિથનાં પુસ્તકો એમને બહુ પ્રિય છે, અને ગોવર્ધનરામે એમના જીવન પર અસર કરી હતી તેમ એમનું કહેવું છે. સ્વભાવે તેઓ શરમાળ અને ઓછાબોલા તેથી જાહેરમાં જવલ્લેજ આવે છે પણ જ્યારે જાહેર તકતા ઉપરથી તેઓ બેલે છે ત્યારે તો શ્રોતાજનોને ખરેખર, મુગ્ધ કરી નાખે છે. એક વખત સૂરત સાર્વજનિક કૉલેજના પ્રિન્સિપાલ શ્રીયુત ગાડગીલે તેઓને માટે સાચું જ કહ્યું હતું કે તેઓ સૂરતમાંના જુજ આજન્મ-નૈસર્ગિક-વક્તાઓમાંના એક છે. એમને શાંત સ્વભાવ અને શિક્ષણસેવા જેવા એકમાર્ગી ધંધામાં હોવા છતાં સન ૧૯૨૭માં સરકારે એમને રાવસાહેબનો ઈલ્કાબ આપી સરસ્વતીના એ અનન્ય ઉપાસકની કેળવણીના ક્ષેત્રમાં કરેલી નિઃસ્વાર્થ સેવાની કદર કરી હતી. આ પ્રસંગે નાનેમોટે હોદ્દે ચડેલા અને દૂર દૂર જઈ વસેલા એમના અનેક વિદ્યાર્થીઓ તરફથી અભિનંદનના પત્રો ને તારો આવ્યા હતા, એ વિદ્યાર્થીઓમાં કેટલા પ્રિય હતા તે દર્શાવવા બસ થઈ પડશે. વળી, મુંબાઇની યુનિવર્સિટીની મેટ્રિક્યુલેશનની પરીક્ષામાં એઓ ગૂજરાતી અંગ્રેજીના પરીક્ષક, અંગ્રેજીના પેપર સેટર અને મૉડરેટર થયા, તેમજ અલ્હાબાદ યુનિવર્સિટી તરફથી લેવાતી અજમેર અને ગ્વાલીઅરની મેટ્રિક્યુલેશનની પરીક્ષામાં ગૂજરાતીના પરીક્ષક તરીકે એમની પસંદગી થાય છે, એજ એમની એ વિષયની પારંગતાનું તેમ એમની પ્રતિષ્ઠાનું સૂચક ચિહ્ન છે. એમણે ઝાઝું લખવાનો યત્ન કર્યો નથી આમ છતાં જે પ્રકાશન પામ્યું તેમાં એમના ‘Hints on the study of Gujarati’ અને ‘સાહિત્ય રત્ન’ આ બે ગ્રંથો ખાસ જાણીતા છે. ‘સાહિત્ય રત્ન’ તો ગૂજરાતી સાહિત્યના ગદ્યપદ્યના જે સંગ્રહો બહાર પડ્યા છે તેમાં સહેજે અગ્ર સ્થાન મેળવી લે છે અને એ સંગ્રહમાં ગૂજરાતી ગદ્યપદ્ય સાહિત્યના ઉત્તમ નમુના પસંદ કરી જે વાનગી પીરસી છે એ પસંદગી જ એ વિષય પ્રત્યેનું એમનું ઉંડું જ્ઞાન સાબિત કરી દે છે. આ બે પુસ્તકો વાંચીને પાસ થએલા અનેક વિદ્યાર્થીઓ ગૂજરાતમાં ઠેરઠેર મળી આવશે.
: : એમની કૃતિઓ : :
| ૧ | Hints on the Study of Gujarati | સન ૧૯૦૪ |
| ૨ | સાહિત્ય રત્ન | ” ૧૯૦૯ |
| ૩ | Easy English Unseen | ” ૧૯૨૨ |