ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૩/વાસુદેવ રામચંદ્ર શેલત

From Ekatra Foundation
Jump to navigation Jump to search
વાસુદેવ રામચંદ્ર શેલત, બી. એ.

એઓ જ્ઞાતે બાજ ખેડાવાળ બ્રાહ્મણ છે અને ખેડા જીલ્લાના ઉમરેઠ ગામના વતની છે. એમનો જન્મ ઉમરેઠમાં તા. ૨૩ મી સપ્ટેમ્બર ૧૯૦૨ ના રોજ થયો હતો. એમના પિતાનું નામ રામચંદ્ર ભવાનીશંકર શેલત; એઓ જ્યોતિષ અને છંદશાસ્ત્રના ઘણા શેખીન હતા તથા સીનીયર પાસ થયેલા હોઈ મહુધા, વડોદરા કેંપ વગેરે શાળાઓમાં હેડમાસ્તર હતા. એમના સંસ્કાર બાલ્યાવસ્થાથી જ ભાઇ વાસુદેવ ઉપર પડેલા, તે કાળક્રમે વિકસ્યા છે. એમનાં માતુશ્રીનું નામ ગં. સ્વ. મૂળીબ્હેન પરસોત્તમ ભટ્ટ છે. એમનું લગ્ન તા. ૧૫ મી ફેબ્રુઆરી ૧૯૧૭ ના રોજ ઉમરેઠમાં જ અ. સૌ. ચંચળબ્હેન મણિલાલ ભટ્ટ સાથે થયું હતું. એમના પિતાશ્રી એમને અગીઆર વર્ષના મૂકી ગુજરેલા અને તેમની કેળવણીનો ભાર એમનાં માતુશ્રીને માથે આવી પડેલો. એમણે ગુજરાતી અભ્યાસ વડોદરા કેંપની નિશાળમાં એમના પિતાના હાથ નીચે કરેલો અને વડોદરા શહેરની બ્રાંચ સ્કૂલમાં ત્રણ ધોરણો ભણી ત્યાંની શ્રી સયાજી હાઈસ્કૂલમાંથી સને ૧૯૧૯ માં મેટ્રિક પાસ થએલા અને ૧૯૨૧ માં વડોદરા કૉલેજમાંથી ઇન્ટર પાસ થઈ બી. એ માં થોડો વખત ફર્ગ્યુસન કૉલેજમાં ગએલા. પણ બી. એ. ની પરીક્ષા ૧૯૨૩ માં ગુજરાત કૉલેજમાંથી સંસ્કૃત સાહિત્ય અને અંગ્રેજી ઑનર્સ કોર્સ સાથે પસાર કરેલી. કૉલેજમાં એઓ શ્રી. રમણીકલાલ દલાલ, અ. સૌ. સૌદામિનીબ્હેન નીલકંઠ, શ્રી. ચતુરભાઈ શં. પટેલ વગેરે યુવાન લેખકમંડળના સહાધ્યાયી હતા. હાઇસ્કૂલના અભ્યાસ દરમીઆન એમણે શ્રી. સયાજી હાઇસ્કૂલના પ્રિન્સિપાલ સદ્‌ગત સાક્ષર હીરાલાલ વૃ. શરાફની ખાસ પ્રીતિ સંપાદન કરી હતી અને એમની પાસે અંગ્રેજી અને ગુજરાતી વાઙ્‌મયનો સૂક્ષ્મ અને પુષ્કળ અભ્યાસ કર્યો હતો. એમણે થોડો વખત એમ. એ. માટે વાંચેલું અને એલએલ. બી. ની ટર્મ્સ પણ ભરેલી. પણ મુંબાઈની હવા અનુકૂળ ન આવવાથી અભ્યાસ પડતો મૂકી સરકારી ન્યાયખાતામાં જોડાયા હતા. તેમણે ૧૯૩૨માં મુંબાઈ બાર કાઉન્સિલની એડવોકેટની પરીક્ષા પાસ કરી છે અને હવે બોરસદમાં વકીલાત કરનાર છે. સર વૉલ્ટર સ્કૉટ, લૉર્ડ ટેનીસન એમના પ્રિય લેખકો છે અને ગીતા તથા આશ્રમ ભજનાવલી એમનાં નિત્યપાઠનાં પ્રિય પુસ્તકો છે. એઓ મરાઠી અને હિંદીનું સારૂં જ્ઞાન ધરાવે છે અને જ્યોતિષના પણ અભ્યાસી છે. કાવ્ય સાહિત્ય અને ઇતિહાસ એમના પ્રિય વિષયો છે. એમની કાવ્યલેખન પ્રવૃત્તિ વિદ્યાર્થી અવસ્થાથી શરૂ થઇ હતી, એ એમના સને ૧૯૧૮માં લખેલા પ્રથમ કાવ્ય ઉપરથી જણાશે. કૉલેજમાં એમના મિત્રોએ એમને ‘The College Bard”નું નામ આપેલું. ઘણાખરા જાણીતા માસિકો અને દિવાળી અંકોમાં એમનાં કાવ્યો વાંચવામાં આવે છે. ઋજુતા, લાલિત્ય અને કળા ઉપર એમની પ્રીતિ હોઈ એમનાં કાવ્યોમાં તે જણાઈ આવે છે. એમણે એક રાસસંગ્રહ ‘ફૂલવાડી’ નામનો બહાર પાડ્યો છે, તેનો સારો સત્કાર થએલ છે અને મુંબાઇ ઇલાકાના કેળવણી ખાતાએ ઇનામ તથા લાઇબ્રેરી માટે મંજુર કરેલ છે. ‘સાહિત્ય’૧ ના તંત્રીશ્રીએ એમના એક કાવ્યને દુનિયાના સારા કાવ્યોમાં સ્થાન લેવા યોગ્ય જણાવેલ જાણવામાં છે. એમણે શેલીના ‘એડૉનીસ’ અને મિલ્ટનના ‘લીસીડાસ’ના વાચન (અશ્રુગીતા) નામનું એક લાંબુ વિરહકાવ્ય (Elegy) લખેલ છે અને કવિ પારનલના (Parnell) ‘હરમીટ’ નું ‘તપસ્વી’ નામથી ભાષાંતર કરેલ છે; તે બન્ને હજી અપ્રસિદ્ધ છે. આ ઉપરાંતએક પુસ્તક જેટલી ખંડ કાવ્યો વગેરે કેટલીક કાવ્યસામગ્રી છૂટાંછવાયાં માસિકોમાં છપાયલી અવ્યવસ્થિત પડી છે. એમના બીજા બે સંગ્રહો ‘વીરપસલી’ અને ‘રસગંગા’ છપાય છે અને ટુંક સમયમાં પ્રસિદ્ધ થનાર છે. હાલમાં તેઓ કવિ કાલિદાસના ‘શાકુંતલ’ નું ભાષાંતર કરી રહ્યા છે.

: : એમની કૃતિઓ : :

ફૂલવાડી સન ૧૯૩૧

૧ (જુઓ, સાહિત્ય, ઑક્ટોબર ૧૯૩૧ ‘ફૂલવાડી’ ની સમાલોચના.)