ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૩/હરિપ્રસાદ ગૌરીશંકર ભટ્ટ (ઉર્ફે ‘મસ્ત ફકીર’)

From Ekatra Foundation
Jump to navigation Jump to search
હરિપ્રસાદ ગૌરીશંકર ભટ્ટ (ઉર્ફે ‘મસ્તફકીર’)

એઓ જાતે પ્રશ્નોરા નાગર અને ચાવંડ (લાઠી પાસે)ના વતની છે. એમને જન્મ સન ૧૮૯૭માં રાજકોટમાં થયો હતો. એમના માતામહ રા. જીવણરામ મહિધર શાસ્ત્રી રાજકોટની રાજકુમાર કૉલેજમાં સંસ્કૃતના અધ્યાપક હતા. પિતા ગૌરીશંકર રત્નજી ભટ્ટ એ સ્વ. કવિ ‘કાન્ત’ના મોટા ભાઈ થતા. એટલે ‘મસ્તફકીર’ કવિ ‘કાન્ત’ના ભત્રિજા થાય. એમની માતાનું નામ શોભારબ્હેન છે. એમનું લગ્ન સન ૧૯૩૨ માં ચૂડા ગામે અ. સૌ. મંગળાગૌરીબ્હેન સાથે થયલું. બાલ્યજીવનના અભ્યાસ કાળે તેઓએ અમદાવાદ અને ભાવનગર તેમજ મુંબાઈની જુદી જુદી શાળાઓમાં અભ્યાસ કરેલો. મેટ્રીક સુધી અભ્યાસ કર્યા બાદ વિદ્યાર્થી જીવનમાંથી તરતજ તેઓએ આજીવન સાહિત્યસેવાની દીક્ષા લીધી હતી. પ્રથમ તેઓનો વિચાર સોલીસીટરની ઓફિસમાં જોડાવાનો હતો; અને તે માટેની સર્વ તૈયારીઓ તેમના કુટુંબીજનોએ કરી હતી પરન્તુ જે હૃદયમાં ગુર્જર ગિરાની સાહિત્ય સેવા કરવાની સ્વાભાવિક પ્રેરણા હોય તેને બીજી લાઇન ગમે જ કેમ? પત્રકારિત્વ અને સાહિત્ય પ્રત્યે તેમને ખૂબ અનુરાગ હતો. શાળાજીવનમાં શાળાનાં પાઠ્ય પુસ્તકો ઉપરાંત ડીકન્સ, મેરિ કૉરેલી, હેગાર્ડ વગેરેનાં પુસ્તકો અને વર્ત્તમાનપત્રોના વિશાળ વાચને એમનામાં સાહિત્ય પ્રેમ વધારી મૂક્યો હતો. પરિણામે સન ૧૯૧૪માં શેઠ રણછોડદાસ લોટવાળાની માલિકીના ‘અખબારે સોદાગર’ પત્રના તંત્રી વિભાગમાં નજીવા પગારે તેઓ જોડાયા. પત્રકારિત્વના ક્ષેત્રમાં તેઓએ આજસુધી જીવન ગુજાર્યું છે. સન ૧૯૧૪થી સન ૧૯૧૭ સુધી પત્રકારની તાલીમ લીધા પછી એમના એક શ્રીમંત મિત્રના સાથી તરીકે ત્રણેક વર્ષ ગાળ્યાં હતાં. તે ત્રણ વર્ષ દેશ અને દુનિયાના સાહિત્યને પચાવવા અને વિચારવાની એમની તપશ્ચર્યાસમા લેખી શકાય. ગુજરાતી, બંગાળી, ઉર્દુ અને હિંદી સાહિત્યના સંપર્ક ઉપરાંત અંગ્રેજી સાહિત્યકારો વિશિષ્ટ કૃતિઓ વાંચવા અને વિચારવા અર્થે એમણે જીવનની તમામ શક્તિઓ કામે લગાડી હતી. આજે એ શક્તિઓના અર્ક સમા વિવિધ પ્રતિભા પાડતાં લખાણો અને મુગ્ધ કરી દે એવા વ્યક્તિત્વ પાછળ એમની જ્ઞાનપ્રાપ્તિની અજબ તમન્ના અને સાહિત્યની અજોડ ઉપાસનાની જ્યોત સદાય બળતી રહી હોય છે. સને ૧૯૨૧ની શરૂઆતમાં પુનઃ તેઓ પત્રકારિત્વના ક્ષેત્રમાં ઝળક્યા. શ્રીમંત સાથી સાથેનાં ત્રણ વર્ષો દરમિયાન ‘વીસમી સદી’ માસિકના તંત્રી સ્વ. હાજી મહમદ અલારખીઆએ શ્રી. ‘મસ્તફકીર’ની શક્તિનો સદુપયોગ કરી ગુજરાતને ચરણે રજુ કરી હતી. અવારનવાર બીજાં અઠવાડિકો અને માસિકોમાં તેમના લેખો પ્રકટ થતાં. અને ૧૯૨૧માં ‘પ્રજામિત્ર પારસી’ દૈનિકના ઉપ-તંત્રી તરીકે દાખલ થયા પછી, સને ૧૯૨૭માં એ પત્રની માલિકી બદલાતાં ભાઈ ‘મસ્તફકીર’નો ‘હિન્દુસ્તાન લિમિટેડ’નાં વર્ત્તમાનપત્ર સાથેનો સંબંધ શરૂ થયો, તે આજે પણ ચાલુ છે. ‘મસ્તફકીર’ના સંખ્યાબંધ લેખોમાં ‘બોડકું માથું’ અને ‘વેદીઆ ઢોર’ની ફિલ્મ મુંબાઇની કૃષ્ણ ફિલ્મ કંપનીએ સને ૧૯૨૯ માં ઉતારી હતી. એમની સાહિત્ય સેવા અને કળાભક્તિનાં વિધવિધ ક્ષેત્રો છે. સુરતની સાહિત્ય સભાએ અને સુરત વસંતોત્સવ સમાજે સને ૧૯૨૭માં ભાઇ ‘મસ્તફકીર’ના હાસ્યરસને ઝીલવાનો પ્રસંગ યોજ્યા પછી અદ્‌ભુત અને પ્રતિભાશાળી વક્તા તરીકે એ બહુ મશહુર બન્યા. એ પછી એ જ વર્ષમાં મુંબાઇની જુદી જુદી કૉલેજના વિદ્યાર્થીઓ સમક્ષ હાસ્યરસિક વિષયો પરનાં ભાષણો પછી તેઓ ગુજરાતી જુવાન આલમના માનીતા બની ગયા છે. ખાસકરીને એમનું ‘હજામત’ વિષય પરનું ભાષણ અને ‘ગુંદરીયા’નો લેખ તો આજે ગુજરાતનાં શિષ્ટ કુટુંબોમાં પ્રચલિત કહેતી સમાન બની જવા પામ્યા છે. પાંત્રીસ વર્ષની આજે એમની ઉમ્મરે બાળક જેવો રમતિયાળ સ્વભાવ, એ એમના જીવનનું વિશિષ્ટ લક્ષણ છે. ગુજરાતના ‘નવચેતન’, ‘શારદા’, ‘ગુજરાત’ વગેરે માસિકો ‘વીસમી સદી’, ‘બે ઘડી મોજ’, ‘પ્રતાપ’, ‘ચેતન યુગ’ વગેરે અઠવાડિકોમાં અવારનવાર તેમના લેખો પ્રકટ થવા ઉપરાંત લગભગ દરેકે દરેક દીપોત્સવી અંકમાં તેમના સંખ્યાબંધ લેખો પ્રકટ થતા જણાય છે. ‘હિન્દુસ્તાન લિમિટેડ કંપની’ના ‘હિન્દુસ્તાન’ દૈનિક પત્રના તેઓ આજ ઉપતંત્રીનું માનભર્યું સ્થાન ભોગવે છે. સને ૧૯૨૯માં તેઓએ ‘ઉલ્લાસ’ નામનું રમુજી અઠવાડિક સ્વતંત્ર રીતે પ્રકટ કરીને ગુજરાતમાં ન ભૂલાય તેવી વાનગી રજુ કરી હતી, પરંતુ મૂડીની મુંઝવણે થોડાક, જ મહિના પછી ‘ઉલ્લાસ’નું પ્રકાશન બંધ પડ્યું હતું. અવિરત લેખનકાર્ય અને પત્રકારના પ્રવૃત્તિમય જીવનમાં પણ તેઓએ અભ્યાસ અને કળાની ઉપાસનામાં ઉણપ આવવા દીધી નથી. ડીકન્સ, માર્કટવેન, મેક્સીમ ગોર્કી, થોમસ હાર્ડીર્, બટ્રાન્ડ રસેલ અને મોલીયરનાં સાહિત્ય સર્જનોનાં આજે પણ તેઓ ઉપાસક છે. સમાજવાદના સિદ્ધાંતોનો બારિક અભ્યાસ કરવાની એમની તમન્ના પાર પાડવા તેઓ રાતોને દિવસોના રૂપમા ફેરવી દેવામાં હજીયે અવિરત પરિશ્રમ ઉઠાવી રહ્યા છે. સાહિત્ય, માનસશાસ્ત્ર અને તત્ત્વજ્ઞાન એ એમના પ્રિય વિષયો છે. છાપકામનાં યંત્રોના ધમસાણ અને પ્રવૃત્તિમય વાતાવરણથી ભરપુર સમયનો સદુપયોગ કરી, ગુજરાતને ખુણે ખુણે હાસ્યનાં તેજ કિરણો સાથે માર્મિક કટાક્ષ ફેંકતા લખાણો લખવા પાછળ સતત્‌ શ્રમ વેઠતા ભાઇ ‘મસ્તફકીર’ના અક્ષરદેહને ગુજરાતે અપનાવ્યો છે.

: : એમની કૃતિઓ : :

મસ્તફકીરની મસ્તી સન ૧૯૨૬
મસ્તફકીરનો હાસ્ય ભંડાર  ”  ૧૯૨૭
મસ્તફકીરનું મુક્ત હાસ્ય  ”  ૧૯૩૨
મસ્તફકીરનો હાસ્ય વિલાસ  ”
મણિયો (બાલ પુસ્તક)  ”