ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૪/ઈન્દુલાલ ફુલચંદ ગાંધી

From Ekatra Foundation
Jump to navigation Jump to search
ઇન્દુલાલ ફુલચંદ ગાંધી

એઓ જ્ઞાતે દશા શ્રીમાળી વણિક અને મોરબી તાબે મકનસર ગામના વતની છે. એમનો જન્મ તા. ૮મી નવેમ્બર સન ૧૯૦૫ના રોજ મકનસર ગામે થયો હતો. પિતાનું નામ ફુલચંદ જેરાજ ગાંધી અને માતાનું નામ સૌ. ઝબકબાઈ છે. એમનું લગ્ન સન ૧૯૩૨ માં વાંકાનેરમાં શ્રીમતી સૂર્યલક્ષ્મી સાથે થયું હતું. એમણે અંગ્રેજીનો પાંચ ધેારણ સુધીનો અભ્યાસ કર્યો છે; અને હમણાં તેઓ કરાંચીમાં પરચુરણ ચીજોની દુકાન ચલાવે છે. કવિતા અને ટુંકા નાટકો એ એમના અભ્યાસના પ્રિય વિષયો છે; અને પોતે બહુજ આશાવાદી છે. સંસ્કૃતિ અને એની પોષક સાહિત્ય સર્જનની નવી લહરીઓજ એમનો પ્રાણ છે. ગુજરાતી સાહિત્ય રાંક મટી જાય એ દહાડો જોવા પોતે ભારે ઉત્સુક છે. બહારની અસર પરત્વે તેઓ લખે છે, “ખાસ કોઇની અસર નીચે હજુ અવાયું નથી. સૌ પહેલાં એમર્સનના તેજે જરાક ખેંચ્યો; પછી કિશોરલાલ મશરૂવાળાએ ને છેલ્લે દેશળજી ૫રમારે. પણ જીવનને આખુંયે અદ્ધર ઉપાડી લે એટલું તેજ તો હજી કોઇનામાંથી મને મળ્યું નથી.”

: : એમની કૃતિઓ : :

તેજરેખા સન ૧૯૩૧
નારાયણી  ”  ૧૯૩૨
જીવનનાં જળ  ”  ૧૯૩૩