ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૪/મનુ હ. દવે (કાવ્ય તીર્થ)

મનુ હ. દવે. (કાવ્યતીર્થ)

જ્ઞાતે ઔદિચ્ય સહસ્ર બ્રાહ્મણ અને સિદ્ધપુરના વતની. જન્મ સિદ્ધપુરમા તા. ૧૮–૯–૧૯૧૪ ને રોજ થયેલો. પિતાનું નામ હરગોવિંદદાસ લલ્લુભાઇ દવે અને માતુશ્રીનું નામ ગુલાબબાઇ. લગ્ન સન ૧૯૨૬માં સૌ. શાંતાગૌરી સાથે વિચિત્ર સંજોગોમાં થયેલું. પિતા સિદ્ધપુરમાં ચો૫ડા બાધવાની દુકાન કરતા ને “કાગદી” ઉપનામથી ઓળખાતા. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ સિદ્ધપુરમાંજ લીધેલું. અંગ્રેજી પાચમા ધોરણમાં હતા ત્યારથી સંસ્કૃત ભાષાના અભ્યાસ માટે પ્રખર નૈયાયિક શાસ્ત્રીજી શ્રી જયદત્તજી પાસે જવા માંડેલું. તે અરસામાંજ માતાનું મરણ થયેલું. મૂળથીજ સાહિત્યનો શોખ હોવાથી તેમણે શાસ્ત્રીજી પાસે માત્ર સાહિત્ય ગ્રંથોનુંજ અધ્યયન શરૂ કર્યું અને અંગ્રેજી ૫રીક્ષાઓની સાથોસાથ સંસ્કૃત પરીક્ષાઓ પણ આપવા માંડી. અંગ્રેજી ૬ઠ્ઠા ધોરણમાં હતા ત્યારે કલકત્તા સંસ્કૃત એસોસીએશનની પ્રથમા, મેટ્રીકમાં હતા ત્યારે મધ્યમા અને તે પછી એક વરસ અભ્યાસ કરી સન ૧૯૩૨માં “તીર્થ” પરીક્ષા પસાર કરી “કાવ્યતીર્થ” ની પદવી મેળવેલી. એલ. એસ. હાઇસ્કુલ સિદ્ધપુરમાંથી મેટ્રીકની પરીક્ષા સન ૧૯૩૧માં સંસ્કૃતમાં ડીસ્ટીક્શન સાથે પસાર કરેલી. મેટ્રીકમાં હતા ત્યારેજ ૬૦૦ લીટીનું ખંડકાવ્ય “ગ્રામજીવન” મંદાક્રાન્તા વૃત્તમાં લખેલું. કવિતા લખવાનો શોખ તો છેક અંગ્રેજી ત્રીજા ધોરણમાંથી લાગેલો. આ પછી તેઓ વડોદરા કૉલેજમાં જોડાયલા; પણ કૌટુમ્બિક ઉપાધિઓને લઇને એક માસમાંજ ત્યાંથી છૂટા થઈ વડોદરા મેલ ટ્રેનિંગ કૉલેજના ત્રીજા વર્ષમાં મેટ્રીક સીનીયર થવા ગયલા. વડોદરામાં એક વરસ રહ્યા તે દરમિયાન તેમણે વડોદરા શ્રાવણ માસ દક્ષિણા પરીક્ષાની સાહિત્ય મધ્યમા બીજે નંબરે પાસ કરી રૂ. ૩૩) નું ઈનામ મેળવેલું તથા “મહારાણા પ્રતા૫”, “કિશોરી,” “બ્રહ્મર્ષિ-વિશ્વામિત્ર” “પતિતોદ્વાર” અને “યાદવાસ્થળી” નામના સ્ક્રીન ને અનુકૂળ ટોકી–નાં નાટકો લખ્યાં; જેમાંનું “યાદવાસ્થળી” શ્રી મટુભાઈના “સાહિત્ય” માસિકમાં છપાશે. ૧૯૩૩માં તેઓ થર્ડ ઇયર ટ્રેન્ડ મેટ્રીક સીનીયર થયા અને મુંબાઈ ગયલા. તેમનો વિચાર ત્યાં “મેડીકલ–કોલેજ”માં જોડાવાનો હતો છતાં કૌટુમ્બિક અડચણોને લઇને સિદ્ધપુર પાછા ફરવું પડ્યું. હાલ એઓ મહર્ષિ કપિલના સાંખ્ય દર્શનનો અભ્યાસ કરી રહ્યા છે. “સુહિણી–મેહાર” નામનું લગભગ ત્રણ હજાર લીટીનું વિસ્તૃત કાવ્ય થોડાજ વખતમાં પ્રગટ કરનાર છે, જેનો પંચમ સર્ગ “આત્માનો આર્તનાદ’ “સાહિત્ય”માં છપાયો છે. આ તેમની ઓગણીસ વરસની કારકિર્દી. સમર્થ નાટ્યકાર બાબુ વ્યિજેન્દ્રલાલ રૉયની એમના ઉપર ઉંડી અસર થઇ છે. એમના એ પ્રિયતમ લેખક છે. એમનાં કાવ્યો, લેખો વગેરે અવારનવાર “સાહિત્ય”, “યુવક”, “સેવા”, “પ્રચારક”, “ઉષઃકાળ” એ માસિકો અને “ગુજરાતી”. “મુંબઈ સમાચાર”, “વીસમી સદી”, “બે ઘડી મોજ” એ અઠવાડીકોમાં પ્રગટ થયા કરે છે. એમના પ્રિય વિષયો સાહિત્ય અને સમાજશાસ્ત્ર છે.

: : એમની કૃતિઓ : :

ગ્રામજીવન સન ૧૯૩૨