ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૪/રા. બા. કમળાશંકર પ્રાણશંકર ત્રિવેદીનું ચરિત્ર
રા. રા. કમળાશંકર પ્રાણશંકર ત્રિવેદીનો જન્મ વિ. સં. ૧૯૧૩ના આશ્વિન માસના કૃષ્ણપક્ષની અષ્ટમીને દિવસે, એટલે ઇ. સ. ૧૮૫૭ના અક્ટોબર માસની ૧૧મી તારીખે સૂર્યપુર (સુરત) માં થયો હતો. તે વખતે એમના પિતાનું ઘર આમલીરાન (જ્યાં હજી પણ નાગરોની ઘણી સારી વસ્તી છે, ત્યાં) આગળ હતું. એમનું હાલનું મકાન હવાડિયે ચકલેથી અંબાજીના દહેરા તરફ જતાં ડાબા હાથ પર આવેલું છે. નિર્દોષ અને સાત્ત્વિક આનંદથી ભરેલાં પ્રથમનાં પાંચછ વર્ષ પૂરાં થયાં એટલે એમના વિદ્યાભ્યાસનો આરંભ થયો, અને એમને ઈચ્છારામ મહેતાની એકડિઆ નિશાળમાં મૂકવામાં આવ્યા. એ મહેતાજી હિસાબમાં ઘણાજ હોશિયાર હતા; “એક પૈસાનું શેર તો નાસરીનું શું?” એવા એવા ઝીણા પ્રશ્નો પણ એ પૂછતા, એ પ્રશ્નોનો ખરો ઉત્તર મળેથી સંતુષ્ટ થતા, અને ખરો ઉત્તર ન આપી શકે એવા ઠોઠ નિશાળિયાને પોતાની લાંબી સોટી વડે ચમકાવતા. નિશાળોમાં સોટીનો ઉપયોગ એ વખતે સાધારણ હતો, અને ઈચ્છારામ મહેતાજી માથા લગણ પ્હોંચે એવી પોતાની લાંબી સોટી વડે યોગ્ય સમયે અને યોગ્ય પાત્ર જોઈને જે દાન કરતા તેમાં તેમનું ઔદાર્ય અથવા બુદ્ધિચાતુર્ય બીજા શિક્ષકો કરતાં વિશેષ હતું એમ માનવાનું કંઈ પણ કારણ નથી. એમની નિશાળ ઘણી નામીચી હતી. એમના પુત્ર વલ્લભરામ, ગોપીરાની પ્રેમચંદ રાયચંદ કન્યાશાળાના હેડ માસ્તર હતા. “તાડને વહવો ગુણાઃ” એ શિક્ષણશાસ્ત્રના પ્રાચીન સૂત્રને અનુસાર આંક અને હિસાબનું જે શિક્ષણ તે વખતે ૬–૭ વર્ષના બાળકને મળ્યું હશે તે હાલના કરતાં ઘણું ચઢીઆતું અને સંગીન હશે એમાં સંશય નથી. એકડિયા નિશાળનું એ શિક્ષણ પૂરૂં થતાં રા. કમળાશંકરને ગોપીપરાની છઠ્ઠા નંબરની મ્યુનિસિપલ ગુજરાતી નિશાળમાં મોકલવામાં આવ્યા. એ સમયે સુરતમાં ‘મહેતાજી’ની માનભરી પદવી મેળવવાને ભાગ્યશાળી થયલા અને પોતાના કર્તવ્ય બજાવવાની કુશળતા વડે વિશેષ નામાંકિત થયલા એવા ત્રણ શિક્ષકો સર્વ નાગર બ્રાહ્મણ જ્ઞાતિના હતા, અને એ સર્વે સુરતના જાણીતા સુધારક દુર્ગારામ મંછારામ મહેતાજીના શિષ્ય હતા એ વાત ખાસ લક્ષ ખેંચે એવી છે. સુરજશંકર મહેતાજી સગરામપરાની નિશાળમાં હતા, ત્રિપુરાશંકર મહેતાજી ભાગાતળાવ આગળની પહેલ નંબરની નિશાળમાં હતા, અને કેશવરામ મહેતાજી ગોપીપરાની છઠ્ઠા નંબરની નિશાળમાં હતા. એ મહેતાજીઓ આળસુ અને બેદરકાર નહોતા, પણ તન દઈને શિખવતા અને છોકરાઓ તરફ વાત્સલ્યભાવથી જોતા. ત્રિપુરાશંકર મહેતાજી અને કેશવરામ મહેતાજીની નિશાળો વચ્ચે હંમેશાં ભારે સ્પર્ધા ચાલતી. મોહનલાલ રણછોડલાલ ઝવેરી તે વખતે ડેપ્યુટી હતા. તેમનો દબદબો ભારે હતો અને તેમનું માન હાલના ‘ડિપોટી’ઓ કરતાં વિશેષ હતું. રા. કમળાશંકર ગોપીપરાની નિશાળમાં શીખતા ત્યારથી સ્વ. રતિરામ દુર્ગારામ પણ તેમની સાથેજ હતા, અને કૉલેજ સુધીનો અભ્યાસ પણ બેઉએ સાથે રહીને કર્યો હતો. એ વખતના પ્રાથમિક શિક્ષણ વિષે આપણે કેટલુંક કહી ચૂક્યા, તો તેની સાથે એ વખતની રમતો વિષે પણ બે બોલ કહેવા ઠીક પડશે; કારણ કે રમતો અભ્યાસથી શ્રમિત થયલા કે શિક્ષકની સોટીના સન્તાપથી સીઝાઈ ગયલા ચિત્તને વિશ્રાન્તિ અને વિનોદ આપવા ઉપરાંત, માણસના બુદ્ધિબળ અને નીતિબળ વધારવામાં પણ ઘણો ઉપયોગી ભાગ ભજવે છે. મુખ્ય રમતોમાં ગિલ્લીદંડા, મંજા, હરમાનનું પૂંછડું–એ ગણાવવા જેવાં છે. તે વખતે ક્રિકેટની વધારે સુધરેલી પણ વધારે ખરચાળ રમત પ્રચારમાં આવી નહોતી, પણ ગિલ્લીદંડાની રમત વધારે સાધારણ હતી. વળી, હોળીનું તોફાન તે વખતે હાલના કરતાં કંઈ ઓછું નહોતું; પણ તે વખતે હમણાંના “વેગણુયુદ્ધ’ને બદલે “વાંસડાયુદ્ધ” ચાલતું. એવા યુદ્ધમાં ભાગ લેનાર વીર બટુકોમાંના એક રા. કમળાશંકર હતા. પણ જેઓને પુસ્તકોનો પ્રેમ વિશેષ હોય તેવાઓના કર્મનું ક્ષેત્ર જુદુંજ હોય છે, અને તેઓ રણક્ષેત્રમાં વિજયવન્ત નીવડીને અન્યને ઈર્ષ્યાના કારણ થાય એવું ક્વચિતજ બને છે. રા. કમળાશંકરે પણ વાંસડાયુદ્ધની વીરતાને લીધે બટુકવર્ગમાં વિશેષ વિખ્યાતિ મેળવી હોય એમ જણાતું નથી. બાર વર્ષની ઉમ્મરે રા. કમળાશંકરનો ગુજરાતી સાત ચો૫ડીનો અભ્યાસ પૂરો થયો. એમના સહાધ્યાયી સ્વ. રતિરામે ગુજરાતી નિશાળ છોડી કે તરતજ અંગ્રેજી માટે બ્રાંચ સ્કૂલમાં જવા માંડ્યું. પણ રા. કમળાશંકરના પિતાનો વિચાર એમને અંગ્રેજી ભણાવવાનો પાક્કો થયો નહોતો તેથી એક વરસ વિચારમાં ને વિચારમાં નીકળી ગયું. ત્યાર પછી એમણે બ્રાંચ સ્કૂલમાં જવા માંડ્યું. તે વખતે એ સ્કૂલના હેડમાસ્તર તરીકે મણિધરપ્રસાદ તાપીદાસ નામના નાગર ગૃહસ્થ હતા. તેમનું શિક્ષણ સચોટ અને સંપૂર્ણ હતું; અને જે વિષય તેઓ શિખવતા તેની છાપ એવી ચોક્કસ પડતી કે બુદ્ધિમાન્ શિષ્યના મગજ પરથી તો તે કદી પણ ખસતી નહીં. દરેક વિદ્યાર્થીને અક્કેક ધોરણમાં આખા વર્ષ સુધી રાખવાની પદ્ધતિ તે વખતે નહોતી, પણ ત્રણ ત્રણ મહિને કે છ છ મહિને પરીક્ષા લેવામાં આવતી, અને તેમાં જે છોકરાઓ સારી રીતે પસાર થતા તેમને ઉપલા ધોરણમાં ચ્હડાવવામાં આવતા. રા. કમળાશંકરે અંગ્રેજીનાં ત્રણ ધેારણો દોઢ વર્ષમાં પૂરાં કર્યાં અને પછી હાઇસ્કૂલમાં ગયા. અગાઉ એ હાઈસ્કૂલને માટે સરકારી મકાન નહોતું. જ્યાં પ્રથમ અંગ્રેજોની કોઠી હતી અને હાલ જ્યાં ડૉ. ડોસાભાઈ કૂપરનું મકાન છે તેની પાસેના એક ખાનગી મકાનમાં (જેમાં હાલ મિશન સ્કૂલ છે તેમાં) હાઈસ્કૂલનું શિક્ષણકામ ચાલતું. પણ ઇ. સ. ૧૮૭૨માં, હાલ જે છે તે સરકારી મકાન હાઈસ્કૂલને માટે તૈયાર થયું, અને એજ વર્ષથી રા. કમળાશંકરે એ મકાનમાં અભ્યાસ અર્થે જવા માંડ્યું. માસિક પરીક્ષાના પરિણામ પ્રમાણે દરેક વર્ગમાં પહેલા બેત્રણ છોકરાઓને સ્કૉલર્શિપ આપવામાં આવતી, અને રા. કમળાશંકરને પણ એવી સ્કૉલર્શિપ મળી હતી. ચોથા ધોરણના બે વર્ગ હતા. એકમાં શિક્ષક તરીકે આત્માશંકર (ત્રિપુરાશંકર મહેતાજીના પુત્ર) હતા, અને બીજામાં સ્વ. હરિસુખરામ હતા. બેઉ વર્ગની વચ્ચે ભારે હરીફાઈ ચાલતી, પણ તેમાં રા. આત્માશંકરનું શિક્ષણ વધારે વખણાતું. એમનો ઉદ્યોગ, એમની આવડત, અને એમની પ્રામાણિકતા બ્રાંચ સ્કૂલના તે વખતના હેડમાસ્તર મણિધરપ્રસાદના જેવાંજ હતાં. ચોથા ધોરણમાં પસાર થઈને રા. કમળાશંકર પાંચમા ધોરણમાં ગયા. ત્યાં તેમના શિક્ષક દલપતરામ હતા. તેઓ શાન્ત સ્વભાવના, પણ ખંતથી શિષ્યના ઉપર કંઇક છાપ પાડી શકે એવા હતા. છઠ્ઠા ઘોરણમાં, હવે રિટાયર થયલા મી. દોરાબજી એદલજી ગીમી, સ્વ. રેવાશંકર (જેઓ પણ ત્રિપુરાશંકર મહેતાજીના પુત્ર હતા તે), અને વલ્લભરામ, એ ત્રણ શિક્ષકોનો લાભ એમને થોડા થોડા વખતને માટે મળ્યો. સાતમા ઘોરણમાં, હાલના પ્રખ્યાત પ્રો. ખા. બ. જમશેદજી અરદેશર દલાલના (જે તે વખતે એ સ્કૂલના હેડમાસ્તર હતા તેમના) હાથતળે રા. કમળાશંકરને ઉત્તમ શિક્ષણ મળ્યું, અને એઓ તેમની ખાસ પ્રીતિનું પાત્ર થઇ પડ્યા. એ પ્રીત એવી હતી કે ખા. બ. દલાલની સુરતથી અમદાવાદ હાઈસ્કૂલમાં બદલી થયલી ત્યાર પછી તે અમદાવાદમાં પણ પોતાના સુરતના શિષ્ય કમળાશંકરના વખાણ કરતા, અને તેનો દાખલો લેવાનું બીજા વિદ્યાર્થીઓને કહેતા. સુરતમાં તે વખતે ફર્સ્ટ ઍસિસ્ટંટ તરીકે પ્રખ્યાત મિ. ભાભા, જેઓ થોડોજ વખત પહેલાં મૈસોરમાં કેળવણીખાતાના સૌથી ઉપરી અમલદાર હતા, તે હતા. એઓ જ્યારે શિક્ષક થઈને આવ્યા ત્યારે ખા. બ. દલાલે છોકરાઓને તેઓનાં સદ્ભાગ્યને માટે અભિનંદન આપ્યું હતું અને મિ. ભાભાની ઘણી પ્રશંસા કરી હતી. પણ એ સદ્ભાગ્ય લાંબા વખત સુધી ટક્યું નહીં, કારણ કે તેઓ એ નિશાળમાં બેત્રણ મહિના જ રહ્યા. ત્યારપછી વલ્લભરામ ફર્સ્ટ ઍસિસ્ટંટનું કામ કરતા હતા. વર્ષના મધ્યભાગમાં થોડો વખત હેડ માસ્તર તરીકે દી. બ. અંબાલાલ સાકરલાલ અને ઍસિસ્ટંટ તરીકે મી. ગીમી હતા. દીવાન બહાદુરની શિક્ષણપદ્ધતિ ખા. બ. દલાલ કરતાં કંઈક જુદા પ્રકારની હતી. બેઉનું શિક્ષણ અસરકારક હતું, પણ ખા. બ. દલાલ થોડા વખતમાં ઘણું શિખવવાની વૃત્તિ રાખતા, અને નઠારામાં નઠારા છોકરા કંઈક જાણે, પણ સારા છોકરાઓ તેનાથી ઘણું વધારે જાણે એવું પરિણામ લાવવાનો પ્રયત્ન કરતા, ત્યારે દી. બ. અંબાલાલ થોડુંજ શિખવતા પણ તે પાક્કું શિખવતા. એ સમયે મેટ્રિક્યુલેશનમાં અંગ્રેજી કવિતાઓનું વિવરણ (પૅરાફ્રેઝ) કરવું એ ફરજિયાત હતું, અને છોકરાઓને જુદા જુદા કવિઓની સારી સારી કૃતિઓમાંથી ઉત્તમ ફકરાઓ શિખવવામાં આવતા હતા. રા. કમળાશંકર પાછળથી જ્યારે નડિયાદ હાઇસ્કૂલના હેડમાસ્તર થયા ત્યારે એમણે કાવ્યવિવરણ શિખવવા માટે એજ પદ્ધતિ સ્વીકારી હતી. આ વખતે રા. કમળાશંકરના સહાધ્યાયીઓમાં રા. ઈચ્છારામ ભગવાનદાસ દલાલ (જેઓ થોડા વખત પહેલાં પૂનામાં ઍ. ડાયરેક્ટર ઑફ એગ્રિકલ્ચર હતા તે), રા. ગાંડાભાઈ ઇંદ્રજી (જેઓ ડેપ્યુટી કલેક્ટરનો ઓદ્વો ભોગવે છે તે), રા. છગનલાલ કાજી (જે હાલ જુનાગઢમાં એક મેડિકલ ઑફિસર છે તે), હોસંગજી વાણિયા (અમદાવાદના જાણીતા વકીલ) એ મુખ્ય હતા. સ્કૂલમાં એમનો પોતાનો નંબર ઘણુંખરૂં પહેલો રહેતો. તે વખતના પ્રિન્સ ઑફ વેલ્સ અને સ્વ. રાજાસાહેબ સાતમાં એડ્વર્ડ જે વર્ષે મુંબાઈ આવ્યા તે વર્ષે, એટલે ઇ. સ. ૧૮૭૫માં, રા. કમળાશંકર મૅટ્રિક્યુલેશનની પરીક્ષામાં બેઠા. એ વખતે એમની ઉમ્મર ૧૭ વર્ષની હતી. મૅટ્રિક્યુલેશનની પરીક્ષામાં બેસનારા વિદ્યાર્થીઓને લખવા ઉપરાંત, મ્હોડાની પરીક્ષા પણ આ૫વી પડતી. અંગ્રેજીનું પરિણામ જણાયા પછી એ પરીક્ષા લેવાતી, અને અંગ્રેજીમાં જેઓ પસાર થયા હોય તેઓનેજ એ પરીક્ષા આપવાનો શ્રમ લેવાની, પરીક્ષકો જાણે અજાણે બાળક-છોકરાઓને ગભરાવી મૂકે તો તે ગભરામણ સહન કરવાની, અને અન્તે સારૂંમાઠું જે કંઇ પરિણામ આવે તેનો હર્ષાશોક પામવાની જરૂર ૫ડતી. આ સઘળાંની રા. કમળાશંકરને પણ જરૂર પડી, અને આખરે એ પરીક્ષામાંથી તેઓ ઉત્તીર્ણ થયા. પણ “માટલીકુટી”ની “માથાકુટી”માંથી છૂટ્યા એટલે સઘળીજ માથાકૂટનો અન્ત આવ્યો એમ નહોતું. આગળ અભ્યાસ કરવાને માટે છોકરાને મુંબઇ મોકલવો કે કેમ, એને કૉલેજનું શિક્ષણ આપવું કે ડિસ્ટ્રિકટ પ્લીડરની પરીક્ષામાં મોકલીનેજ સન્તોષ માનવો, એ મહાપ્રશ્ન રા. કમળાશંકરના પિતા આગળ આવીને ઉભો રહ્યો. અંગ્રેજી ભણવાનો જેનો વિચાર કાચો હતો તે પિતાનો સ્વતંત્ર રીતનો નિર્ણય કેવા પ્રકારનો થયો હતો એ વિષે કલ્પના કરવી નિરર્થક છે. રા. કમળાશંકરનું પોતાનું વલણ સ્વાભાવિક રીતે મુંબઈ જઈને આગળ અભ્યાસ કરવા તરફ હતું. પણ છેવટનો નિર્ણય કરવાનું કામ તેમના હાથમાં નહોતું. આ સમયે તેમના મનમાં ઘણો ગુંચવાડો થતો, અને શું કરવું તે તેમને સૂઝતું નહીં. એમના સહાધ્યાયી મિત્ર રા. ઇચ્છારામ ભગવાનદાસે તો એમને કહ્યું કે “હું જો તમારી જગાએ હોઉં તો એમનો એમ ઘરમાંથી પોલ થઇ જાઉં.” પણ તેમ કરવાની વૃત્તિ એમનામાં બિલકુલ હતી નહીં. આખરે એ બાબતમાં ખા. બા. દલાલની સલાહ લેવામાં આવી. તેમણે જણાવ્યું કે “ તમે મુનસફની પરીક્ષામાં પણ એક મહિનામાં પાસ થશો, પણ ધૃષ્ટતાની તમને જરૂર પડશે તે તમારામાં નથી. માટે તમે શિક્ષક થાઓ. કૉલેજનો અભ્યાસ કરવા માટે જો પૈસાની મદદ તમારે જોઇતી હોયતો તે મદદ હું આપીશ.” એ સલાહ પ્રમાણે મુંબાઈ જવાનો ઠરાવ થયો, અને રા. કમળાશંકરે ઇ. સ. ૧૮૭૬માં મુંબાઇની એલફિન્સ્ટન કૉલેજમાં દાખલ થઈને પોતાનો અભ્યાસ શરૂ કીધો. ખા. બ. દલાલે પૈસાની જે મદદ આપવાનું કહ્યું હતું તે એમને લેવી તો નહોતીજ ને લેવાની એમને બિલકુલ જરૂર પણ પડી નહીં, કારણ કે એમને પોતાના અભ્યાસ દરમ્યાન સ્કૉલર્શિપ મળતી હતી. પહેલી ટર્મમાં દશ રૂપિયાની સ્કૉલર્શિપ મળતી, અને પછી છમાસિક પરીક્ષાના પરિણામ પ્રમાણે બાકીના વર્ષમાં પંદર રૂપિયાની મળતી. જેઓને આવી સ્કૉલર્શિપ મળતી તેઓને કૉલેજની ફીના મહિને ત્રણ રૂપિયા આપવા પડતા, અને બીજા વિદ્યાર્થીઓને પાંચ રૂપિયા આપવા પડતા. છમાસિક પરીક્ષા લેવાતી તેને માટે અંગ્રેજી તથા સંસ્કૃતમાં અભ્યાસક્રમ બહારની વધારાની (extra) ચો૫ડીઓ આગળથી નક્કી કરવામાં આવતી અને તેમાંથી પ્રશ્નો પૂછાતા. મુકરર કરેલા અભ્યાસક્રમમાં તે વખતે નિબન્ધને સ્થાન અપાયું નહોતું, તોપણ અંગ્રેજી સારૂં શિખવવામાં આવતું, નિબન્ધો પણ લખાવાતા, અને જે નિબન્ધો ઉત્તમ હોય તેના ઉપર “Princeps” એમ લખવામાં આવતું. રા. કમળાશંકરના લખેલા નિબન્ધ ઉપર “Princeps” એમ ઘણી વાર આવેલું. નિબન્ધ સિવાય ભાષાજ્ઞાનની કસોટી કરવા માટે પ્રશ્નપત્રોમાં ઘણી વાર વિવેચન કરવાનું પણ કહેવામાં આવતું. પહેલે વર્ષે રા. કમળાશંકર, સ્વ. રતિરામ, રા. લલિતારામ, રા. લલિતાશંકર વ્યાસ એ સર્વે એકજ જ્ઞાતિના બન્ધુઓ સાથે ભણતા. પણ રા. લલિતાશંકર એફ. ઈ. એ. માં નપાસ થયા, અને રા. લલિતારામ, પરીક્ષામાં બિલકુલ બેઠાજ નહીં. એટલે એમને લાંબા વખત સુધીનો સહવાસ તો સ્વ. રતિરામની જોડેજ રહ્યો. બેઉ સાથે રહેતા, સાથે ભણતા, સાથે રાંધતા, અને સાથે જમતા. બેઉ જ્યારે યુનિવર્સિટિના ફેલો નીમાયા ત્યારે તેમના માનને માટે સુરતની નાગર બ્રાહ્મણ જ્ઞાતિનો મેળાવડો કરવામાં આવ્યો હતો તે પ્રસંગે રા. રતિરામ તરફથી એ જૂની મૈત્રીના સમ્બન્ધ વિષે ઘણું અસરકારક નિવેચન કરવામાં આવ્યું હતું, અને રા. કમળાશંકર ના હૃદયમાં પણ એ પૂર્વકાળના છૂપાં સ્મરણો તાજાં થઈ આવ્યાં હતાં. એ વખતે એલ્ એલ્. બી. ની ટર્મ આગળથી ભરી શકાતી હતી. પણ રા. કમળાશંકર તો દોઢ વર્ષ રહીને એફ. ઇ.એ. થવાના વિચારથીજ મુંબાઇ ગયા હતા, અને મુંબઈમાં વધારે વખત રહેવાનો એમનો વિચાર નહોતો; વળી, રસોઈનું કામ પણ હંમેશાં હાથે કરવાનું હતું એટલે તેમાં વખત જતો, તેથી એલ્ એલ્. બી ની ટર્મ એમણે ભરી નહોતી. કૉલેજ તે વખતે ભાયખલામાં હતી. કૉલેજનો અભ્યાસક્રમ ત્રણ વર્ષનો હતો. વ્રડર્ઝ્વર્થ, કૉલેજના પ્રિન્સિપાલ હતા, પીટર્સન સંસ્કૃતના પ્રોફેસર હતા, અને ભાંડારકર એમના મદદનીશ હતા. વર્ડ્ઝ્વર્થની શિક્ષણપદ્ધતિ ઉત્તમ હતી. એ જે શિખવતા તે પરીક્ષા પાસ કરાવવાના હેતુથી નહીં, પણ ખરા ઉમંગથી શિખવતા. જે વિષય શિખવતા હેાય તેનું સારૂં જ્ઞાન આપવું એટલુંજ નહીં, પણ તેમાં રસ ઉત્પન્ન કરવો, તેમાં વિદ્યાથીઓને આનન્દ પડે એવું કરવું, તેઓને એ વિષયના અભ્યાસનું વ્યસન લાગે એવું કરવું, એ તરફ એમનું ખાસ લક્ષ હતું. હાલમાં ઘણા પ્રોફેસરો કરે છે તેમ એ આખા કલાક સુધી ભાષણજ નહોતા આપ્યા કરતા, પણ ઘણી વાર વિદ્યાર્થીને પ્રશ્ન પૂછીને તેનીજ પાસે ઉત્તર કઢાવતા. વડર્ઝ્વર્થ સાહેબ ક્લાસમાં આવે કે પ્રથમ વિદ્યાર્થીઓની હાજરી પૂરે, પછી એક વિદ્યાર્થીને ઊભો કરે, પોતે ભાષણ આપતા જાય, અને વચમાં વચમાં પેલા વિદ્યાર્થીને ઓચિન્તા સવાલો પૂછતા જાય,–એ એમની શિખવવાની રીત હતી. એફ. ઈ. એ. ના વર્ગમાં ઈંગ્લાંડનો ઇતિહાસ પહેલા વિલિયમથી તે ત્રીજા રિચર્ડ સુધીનો, અને ગ્રીસનો ઇતિહાસ આખો શીખવવાનો હતો. એ વિષય વડર્ઝ્વર્થ શિખવતા. આખા વર્ષમાં એમણે ઈંગ્લાંડનો ઇતિહાસ પ્રથમથી માંડીને પહેલા વિલિયમ સુધી–એટલે જ્યાંથી શીખવાનો શરૂ કરવાનો હતો ત્યાંસુધી,–શીખવ્યો, પણ એટલામાં ઇતિહાસનું એવું તો સારૂં જ્ઞાન આપ્યું અને ઇતિહાસમાં એેવો તો રસ ઉત્પન્ન કર્યો કે તેની અસર રા. કમળાશંકર જેવાના મન ઉપર હંમેશને માટે રહી અને એમના હાથ નીચે ભણેલા વિદ્યાર્થીઓને, તેમજ એમનો અંગ્રેજીમાં લખેલેં ‘ઇંગ્લાંડનો સંક્ષિપ્ત ઇતિહાસ’ વાંચનારાઓને પણ તે અતિલાભદાયી થઈ પડી. ઇતિહાસ શિખવતી વખતે વર્ડ્ઝ્વર્થ સાહેબ “Freeman’s Sketch of European History” જેવી ચોપડીઓ વાંચવાની સર્વને ભલામણ કરતા. ઇતિહાસ સિવાય બેકનની નિબન્ધો અને શેક્સપિયરનાં નાટકો, એ પણ વડર્ઝ્વર્થ જ શિખવતા. ડૉ. રામકૃષ્ણ ગોપાળ ભાંડારકરને પણ ઘણી ખંતથી શિખવવાની ટેવ હતી. એઓ સંસ્કૃત શિખવતા તે ઘણુંખરૂં છોકરાઓ પાસેજ ભાષાન્તર કરાવતા, અને જ્યાં પાઠફેર હોય ત્યાં આગળ કયો પાઠ સારો છે તેનો નિર્ણય પણ તેમનીજ પાસે કરાવતા. કર્ફહેમ અંગ્રેજીના પ્રોફેસર હતા. એ અને ડૉ. પીટર્સન બેઉ અંગ્રેજી બોલતા તે સ્પષ્ટ અને સર્વથી સમજી શકાય એવી રીતે બોલતા. પીટર્સન સાહેબ છોકરાઓને ઘેર પણુ બોલાવતા, મળતાવડો સ્વભાવ રાખતા, અને સંસ્કૃતમાં જે શિખવવાનું હોય તે શાસ્ત્રીની સાથે રહીને વાંચ્યા પછી ઘણી મધુર ભાષામાં વિદ્યાર્થીએ આગળ તે મૂક્તા. એવા ગુરુઓની પાસેથી જ્ઞાન મેળવીને રા. કમળાશંકર ઈ. સ. ૧૮૭૭ના એપ્રિલ માસમાં એફ. ઈ. એ. ની પરીક્ષામાં બીજા વર્ગમાં પસાર થયા, અને એલફિન્સ્ટન કૉલેજના સઘળા વિદ્યાર્થીઓમાંથી એ પહેલે નંબરે પાસ થયલા હોવાથી એમને રૂા. ૩૨૫નું પારિતોષિક મળ્યું. ત્યાર પછી, ‘અર્થશાસ્ત્ર અને ઇતિહાસ’નો ઐચ્છિક વિષય લઈને એમણે બી. એ. નો અભ્યાસ શરૂ કર્યો, અને તેમાં પણ ઈ. સ. ૧૮૭૮માં બીજા વર્ગમાં એ પસાર થયા. હજી સુધી નહિ મળેલી. પણ હવે આગળના ભારે અભ્યાસને માટે તદ્દન આવશ્યક, દ્રવ્યની મદદ, રા. કમળાશંકરને એમના સુખી વડીલો તરફથી મળી નહિ હોવાથી, એલ્ એલ. બી. ને એમ. એ. થવાના વિચારો, બુદ્ધિબળ હોવા છતાં, વિચારમાત્રજ રહી ગયા; માત્ર શિષ્યવૃત્તિઓથી હડસેલાતું વિદ્યાર્થિજીવનનું વ્હાણ સ્વાભાવિક રીતેજ અટકી પડ્યું. ઉપર વર્ણવ્યું તે પ્રમાણે, વિદ્યાર્થિજીવનનાં દુઃખ વેઠીને, સાદાઇ અને સરળતાને સેવીને, જ્ઞાતિના સખ્સ નિયમોને દૃઢતાથી વળગી રહીને, સ્વાશ્રય અને સ્નેહનું અવલંબન કરીને, ઉદ્યોગ અને ખંતનું સામર્થ્ય ધરીને એમણે પ્રથમ આશ્રમના ધર્મનું પાલન કર્યું; અને જો કે, આપણા હાલના સમાજમાં એક આશ્રમના ધર્મ તો આપણે મુશ્કેલીથી બજાવી શકતા હોઇએ એટલામાં બીજા આશ્રમના ધર્મનો ભાર પણ આપણા શિર પર આવી પડે છે તેવું એમને પણ થયું હતું. તોપણ હવે એમનું વિદ્યાર્થિજીવન પૂરૂં થયું અને ગૃહસ્થાશ્રમની અનેક નવી નવી ફીકર ચિન્તાઓ એમના ઉપર આવી પડી. પણ એમનું વિદ્યાર્થિજીવન પૂરૂં થયું એટલે હાલમાં અનેક ગૅજ્યુએટો કરે છે તેમ એમણે વિદ્યાને વિસારી મૂકી હતી એમ નહોતું. વિદ્યા તે એક દ્રવ્ય મેળવવાના સાધન તરીકેજ ઉપયેાગની છે એવું એમને નહોતું લાગતું. પણ એમને વિદ્યા તરફ સ્વયંભૂ પ્રેમ હતો, અને કૉંલેજ છોડ્યા પછી પણ વિદ્યા વધારવા એ હંમેશ ઉત્સુક રહેતા. સંસ્કૃત ભાષા ઉપર તો એમને મૂળથીજ વિશેષ ભાવ હતો. ન્હાનપણથી એમણે સંસ્કૃતનો અભ્યાસ સારો કર્યો હતેા. એઓ અંગ્રેજી ચોથા ઘોરણમાં હતા ત્યારથી વિશ્વનાથ શાસ્ત્રીને ત્યાં સંસ્કૃત શીખવા જતા. એ વિશ્વનાથ શાસ્ત્રી તે સુરતના સુપ્રસિદ્ધ શાસ્ત્રી દિનમણિશંકર (જેની કીર્તિ હિંદુસ્તાનમાંજ નહીં, પણ યુરોપના સંસ્કૃત ભાષાભિજ્ઞોમાં પણ ફેલાયલી છે, જેના કીમતી પુસ્તકાલયનો ડૉ. બ્હૂલર જેવા વિદ્વાનો અને પ્રાચીન સાહિત્યશોધકોએ છૂટથી ઉપયોગ કરીને સંગીન સેવા બજાવી છે, જેઓ સુરતના ચાર “દદ્દાઓ”–(દુર્ગારામ, દલપતરામ, દાદોબા, અને દિનમણિશંકર)–માંના એક હતા, અને જેમણે વિલાયત જઈ આવનારા રા. સા. મહિપતરામ રૂપરામને પાયશ્ચિત્ત આપી પાવન કરીને આખી નાગરી ન્યાતના ઉપર હંમેશનો અને ભૂલાય નહિ એેવો ઉપકાર કર્યો છે તેમના) શિષ્ય હતા. વિશ્વનાથ શાસ્ત્રી સિવાય, સુરતના સગરામપરાના માર્તંડ શાસ્ત્રી પાસે જઈને પણ એમણે સંસ્કૃતનો અભ્યાસ કરેલો. એ શાસ્ત્રીને ત્યાં જવામાં રા. બળવંતરાય (જેઓ હાલમાં સુરતના એક બાહોશ વકીલ અને આગેવાન શહેરી છે અને જેઓ પણ ત્રિપુરાશંકર મહેતાજીના પુત્ર થાય તે પણ) એમની સાથે હતા. બન્ને સાથે ‘લઘુકૌમુદી’નો અભ્યાસ કરતા. બી. એ. થયા પછી રા. કમળાશંકર સુરતની નાણાવટમાં રહેનારા દુર્ગાશંકર શાસ્ત્રી પાસેથી ‘સિદ્ધાન્તકૌમુદી’ શીખ્યા, અને બાકીનું સંસ્કૃત જ્ઞાન એમણે પોતે પોતાની મેળે સંપાદન કીધું. પણ વિદ્વત્તાભર્યાં પુસ્તકો વાંચ્યા કર્યાથી કંઈ પેટ ભરાતું નથી અને એકલી વિદ્યાને સેવ્યા કર્યાથી કંઇ વસુની પ્રાપ્તિ થઈ શકતી નથી. રા. કમળાશંકરે પોતાનું વિદ્યાર્થિજીવન પૂરૂં થયા પછી દ્રવ્યપ્રાપ્તિને માટે કયો માર્ગ શોધ્યો તે તરફ હવે આપણે વળીએ. જે વર્ષે એ બી.એ. માં પાસ થયા તેજ વર્ષે સર રિચર્ડ ટેંપલનો એવો ઠરાવ હતો કે મહેસુલી ખાતાના તીજોરરની રૂ. ૩૫)ની જગા તરતના બી. એ. થયલાઓને આપવી. ત્યાં દોઢ વર્ષ સુધીનો અનુભવ મેળવ્યા પછી મામલતદારી મળે એવી રીતની વ્યવસ્થા હતી. એ દોઢ વર્ષમાં higher અને lowerની પરીક્ષા આપવાની હતી. એ જગા માટે એમણે અરજી પણ કરેલી અને જગા સુરત શહેરમાં ખાલી પણ હતી. પણ સુરત શહેરમાં નીમણુક ન થતાં સુરતના માંડવી તાલુકામાં નીમણુક થઇ. ત્યાંનું પાણી ખરાબ. અને ત્યાં જવાથી એક સગાનું મરણ થયલું, તેથી એમના બાપ અને સસરા બેઉએ સખ્ત ના કહી, એટલે એ જગા લેવાનો વિચાર એમણે માંડી વાળ્યો અને એ કેળવણીખાતામાં દાખલ થયા. રા. ગુલાબદાસ નાણાવટી (જે હાલ ફર્સ્ટ ક્લાસ સબ્ જજ્જ છે.) સુરત મિશન હાઈ સ્કૂલમાંથી રજા પર ગયલા તેમની જગાએ શિક્ષક તરીકે એક મહીનો રૂ. ૫૦)ને પગારે કામ કીધા પછી સરકારી હાઇ સ્કૂલમાં નવમા ઍસિસ્ટંન્ટની જગા સૂબપ્રોટેમ રૂ. ૫૫) ને પગારે અથવા મરજી હોય તો રાજકોટમાં રૂ. ૮૦)ને પગારે એમને મળે એમ હતું. એમણે રાજકોટની જગા પસંદ કીધી, પણ ઘરનાં માણસોને સુરત છોડી રાજકોટ જવાના વિચારથી ઘણો ખેદ થયો એટલે રાજકોટ જવાનો વિચાર માંડી વાળ્યો અને તરત તાર કીધો કે “more willing for Surat : accidental reason” (અણચિંતવ્યા કારણને લીધે સુરતમાં નોકરી લેવાને વધારે ખુશી છું). સાડાચાર મહીના સુધી સુરતમાં નોકરી કીધા પછી દોઢ મહીનો રહીને ઇ. સ. ૧૮૭૮માં ભરૂચ હાઇ સ્કૂલમાં રા. બા. પાર્વતીશંકરના હાથ નીચે રૂા. ૬૦)ને પગારે રા. ગગલ વનમાળી પાઠેકને ઠેકાણે એમની નીમણુક થઇ. તે વખતે શંકર પાંડુરંગ પંડિતની–ઓરિયેન્ટલ ટ્રાન્સલેટર-ઑફિસમાં રૂ. ૫૦)ની જગા ખાલી હતી. એ ખબર મિ. મોદક મારફત આવી હતી, પણ એ જગા લેવાથી આગળ કંઈ ઝાઝેા લાભ મળે એમ જણાયું નહીં તેથી એની ના કહી. ભરૂચ હાઈ સ્કૂલમાં એ નવ મહીના રહ્યા તે દરમ્યાન રા. બા. પાર્વતીશંકરની એમણે ઘણી પ્રીતિ સંપાદન કીધી. એમનું શિક્ષણ જોઇને, એમની કાળજી અને ખંત જોઇને, અને શિષ્યોમાં એમનો સારો ધાક રહેતો જોઇને એ ઘણા ખુશી થયા. પણ રા. બા. પાર્વતીશંકરની પ્રીતિનું સૌથી મ્હોટું કારણ તો એમનામાં તે વખતે સત્યનો જે પ્રેમ જણાયો અને સદ્વિચારોની જે સ્વતંત્રતા જણાઇ તે હતું. એ સત્યપ્રીતિ અને એ વિચારસ્વાતંત્ર્યનો એક દાખલો આ સ્થળે આપવો અપ્રાસંગિક નહીં ગણાય. એક વખતે પબ્લિક સર્વિસની પરીક્ષામાં સુપર્વાઇઝરનું કામ રા. કમળાશંકરને સોંપવામાં આવ્યું હતું. પરીક્ષામાં બેઠેલા એક વિદ્યાર્થીની ટોપીમાંથી લખેલા કાગળિઆ નીકળી આવ્યા. આથી રા. કમળાશંકરે એ કેસ કમિટિ આગળ રજુ કીધો. એ વખતે પબ્લિક સર્વિસની પરીક્ષા માટે ત્રણ જણની કમિટિ નીમાતી. એક હાઇ સ્કુલના હેડમાસ્તર (રા. બા. પાર્વતીશંકર), તેમના પહેલા મદદનીશ શિક્ષક (રા. છબીલારામ દોલતરામ, જેઓ સુરતના એક ધર્મચુસ્ત નાગર બ્રાહ્મણ છે, તે), અને ડેપ્યુટી એજ્યુકેશનલ ઈન્સ્પેકટર (શાસ્ત્રી ગણપતરામ). છબીલારામ તે વખતે સુરત ગયા હતા, એટલે આ વિદ્યાર્થીના કેસનો નિર્ણય કરવાનું કામ રા. બા. પાર્વતીશંકર અને શાસ્ત્રી ગણપતરામનું હતું. રા. ગણપતરામનો અભિપ્રાય એવો જણાતો હતો કે “ આપણે તો વિદ્યાર્થીઓએ કેટલી વિદ્યા સંપાદન કરી તેની પરીક્ષા કરવાની છે, આપણે કંઈ ચાલચલગતનાં પ્રમાણપત્રો એ લોકો પાસેથી લેતા નથી; માટે એ વિદ્યાર્થીને જવા દેવો.” પણ રા. બા. પાર્વતીશંકરને એવી લુચ્ચાઇ તરફ ઘણો તિરસ્કાર હતો તેથી એ વિચાર માન્ય રહ્યો નહીં, એઓ રા. કમળાશંકરના મત સાથે મળતા આવ્યા. “કૉપી કરનાર શિષ્યને કંઈ પણ શાસન કરવામાં ન આવે તો પછી સુપર્વાઇઝર રાખ્યાનું પ્રયોજન શું?” એમણે રા. કમળાશંકરનો વાંસો ઠોકીને એમને શાબાસી આપી, અને પેલા વિદ્યાર્થીને ઘટતી શિક્ષા કરી. રા. બા. પાર્વતીશંકરે રા. કમળાશંકરને માટે ડૉ. બ્હૂલરને ભલામણ કરેલી તે પરથી એમને રૂ. ૮૦)ને પગારે અમદાવાદ હાઇ સ્કૂલમાં ચોથા ઍસિસ્ટંટની જગા મળી. એ સ્કૂલમાં તે વખતે પાંચજ ઍસિસ્ટંટ હતા. છેલ્લા ઍસિસ્ટંટ રા. રણછોડલાલ ખંભાતી (જે હાલ સુરતની હાઇ સ્કૂલના હેડ માસ્તર છે તે) હતા. બેસ્ટ સાહેબ હેડ માસ્તર હતા. ત્યાર પછી રા. કમળાશંકર ધીરે ધીરે નોકરીમાં ચડતા ગયા. વચમાં–ઈ સ. ૧૮૮૨માં સુરત હાઈ સ્કૂલમાં દશ મહીના સારૂ એમની બદલી થયલી તે વખતે જૂની ઢબના પ્રખ્યાત શિક્ષક મિ. ઉત્તમરામ નરભેરામ ત્યાં હેડ માસ્તર હતા. અમદાવાદની કૉલેજમાં તે વખતે એકલી પ્રિવિયસનીજ ક્લાસ હતી. તે, સ્કૂલ સાથે જોડાયેલી હતી, અને સ્કૂલ તથા કૉલેજ બેઉના પ્રિન્સિપાલ તરીકે ખા. બ. જમશેદજી અરદેશર દલાલ હતા. એમનો રા. કમળાશંકર ઉપર ઘણો પ્રેમ હોવાથી એમના આગ્રહથી સરખે પગારે એટલે રૂ. ૯૦) ને પગાર–એ સુરતથી પાછા અમદાવાદ હાઇ સ્કૂલમાં ત્રીજા ઍસિસ્ટંટ તરીકે આવ્યા, અને વધતાં વધતાં પહેલા ઍસિસ્ટંટ થયા. ખા. બ. દલાલનો વખત કૉલેજમાં જ જતો, એટલે સ્કુલની વ્યવસ્થા મોટે ભાગે એમના હાથમાં રહેતી અને સાતમા ધોરણમાં પણ એઓજ શીખવતા. ઇ. સ. ૧૮૮૯માં મિ. ઊનવાળાનો કાગળ ખા. બ. દલાલ ઉપર આવ્યો તે પરથી ભાવનગરની સામળદાસ કૉલેજમાં પ્રોફેસર તરીકે એમની નીમણુક થઈ રાજ્યના નોકર તરીકે પગાર રૂા. ૨૫૦) થી રૂી. ૩૫૦) સુધીનો, અને સરકારી નોકર તરીકે રૂા. ૩૦૦) સુધીનો આપવાની ખુશી બતાવવામાં આવી. ખા. બ. દલાલે કહ્યું કે, “ત્યાં રાજ્યના નોકર તરીકે વધારે પગાર મળે એમ છે, તેથી તમે ખુશીથી રાજીનામું આપીને જાઓ. એ રાજ્યમાં કદાચ નહીં ફાવે તો બીજા કોઇ રાજ્યમાં હું તમને સારી નોકરી અપાવીશ.” કેટલોક વખત વિચાર કર્યા પછી રા. કમળાશંકરે સરકારી નોકર તરીકે જવું એજ વધારે સલામતીભરેલું ગણ્યું અને એ પ્રમાણેની ઇચ્છા એમણે દર્શાવી. પણ એ દરમિયાન, રાજ્યમાં નોકરીનો લાભ થોડા સમયને માટે લેવાની કંઈક ખટપટ થયલી તેને લીધે ત્યાંથી એવો જવાબ મળ્યો કે સરકારી નોકરી પર હક રાખી અહીં આવવાની ગોઠવણ તમારે તમારી મેળે કરી લેવી. આ વાત અશક્ય હોવાથી ઇ. સ. ૧૮૮૯થી ૧૮૯૦, એ એક વર્ષને માટે એમણે રજા લીધી, અને ભાવનગર ગયા. એ વર્ષ દિવસમાં તે કૉલેજમાં જાતજાતની ખટપટો જોઈ રજવાડાની નોકરીથી કંટાળ્યા, અને રજા પૂરી થતે અમદાવાદ રૂા. ૧૫૦)ને પગારે પહેલા ઍસિસ્ટંટ તરીકે પાછા ફર્યા. ભાવનગર છોડવાનો પ્રસંગ આવ્યો તે પ્રસંગે એમને કેટલાક પોરબંદરના છોકરાઓ મળવા આવ્યા હતા, તેની સાથે વાતચીત થતાં અચાનક દ્વારકા જવાનો વિચાર થઈ આવ્યો. દલાલ સાહેબ તે વખતે અમરેલીના સુબા હતા, તેમને એ વિષે લખ્યું. તેમણે દ્વારકાના વહીવટદાર પર પત્ર લખીને બહુ સારી રીતે વ્યવસ્થા કરી આપી; અને રા. કમળાશંકર સહકુટુંબપરિવાર પાલીતાણા, જુનાગઢ, ગિરનાર, પોરબંદર (સુદામાપુરી), વેરાવળ પ્રભાસપાટણ, ને દ્વારકા જઈ આવ્યા. એમને યાત્રાનો શોખ વિશેષ હોવાથી એ સિવાય પણ બીજી બીજી મોટી યાત્રાઓ એમણે કરેલી છે. શ્રીનાથજીની યાત્રા એમણે કરેલી તેનું સવિસ્તર વર્ણન રા. અતિસુખશંકર (એમના પુત્ર) નું લખેલું વસન્તમાં “ચૌદ દિવસનો ધાર્મિક પ્રવાસ” એ નામથી પ્રસિદ્ધ થયું છે. તે સિવાય, ગયે વર્ષે દક્ષિણ તરફ ઠેઠ રામેશ્વર સુધીની યાત્રા એઓ કરી આવ્યા હતા; અને મદ્રાસ, તિરૂપતિ (બાલાજી), શિવકાંચી, વિષ્ણુકાંચી, કુંભકોણમ્ (કુંભઘોણમ્), ચિદંબરમ્, ત્રિચિનોપોલી (ત્રિશિરઃપુરમ્), મદૂરા એ સર્વે જોવા લાયક સ્થળો જોઈ આવ્યા હતા. રામેશ્વર જતાં મદૂરાની સેતુપતિ હાઈ સ્કૂલમાં મુકામ કર્યો હતેા. ત્યાંના ઓટલા પર ખુરશી માંડીને એઓ બેઠા હતા. તે વખતે ખુરશી અચાનક ઉથલી જવાથી એમને ઓટલાનો પત્થર વાગ્યો હતો અને માથા પર સખ્ત ઘા થયો હતો. તેને લીધે મદૂરામાં કેટલાક દિવસ સુધી એમને રોકાવું પડ્યું હતું. તે સિવાય, એ યાત્રા પણ નિર્વિઘ્ને સમાપ્ત થઈ હતી. સઘળી યાત્રાઓ બને ત્યાંસુધી કુટુંબનાં સઘળાં માણસોને સાથે લઈનેજ કરવી એેવો એમનો નિયમ છે. ઇ. સ. ૧૮૯૧માં એલફિન્સ્ટન કૉલેજના ડૉ. પીટર્સન રજા પર ગયલા તેમની જગાએ, મિ. એલ. આર. વૈદ્યનું મૃત્યુ થતાં, રા. કમળાશંકરની નીમણુક થઇ. સંસ્કૃતના પ્રોફેસરની જગા મેળવનાર પહેલા ગુજરાતી એઓજ હતા. પ્રો. આબાજી વિષ્ણુ કાથવટે અને ડૉ. રામકૃષ્ણ ગોપાળ ભાંડારકર, એ બેઉની ભલામણથી એઓ પ્રિવિયસ, એફ. બી.એ. ઇંટર્મિડિયેટ, બી. એ.માં સંસ્કૃતના પરીક્ષક નીમાયા. મિ. કાથવટે અમદાવાદની કૉલેજમાં સંસ્કૃતના પ્રોફેસર હતા. તે વખત અમદાવાદની સ્કૂલના સાતમા ધોરણમાં મોટે ભાગે કૉલેજના પ્રોફેસરોજ શિખવતા. તે પ્રમાણે પ્રો. કાથવટે પણ સ્કૂલમાં સંસ્કૃત શિખવતા. એમનો રા. કમળાશંકર ઉપર ઘણો પ્રેમ હતો. એમની “કીર્તિકૌમુદી’નાં પ્રૂફ એમણે રા. કમળાશંકર પાસે વંચાવેલાં. ડૉ. ભાંડારકરનો પ્રેમ પણ તેવોજ હતો. સંસ્કૃત લઈને કૉલેજનો અભ્યાસ કરનારા ગુજરાતી વિદ્યાર્થીઓની સંખ્યા તે વખતે નહીં જેવીજ હતી. તેવા સમયમાં રા. કમળાશંકરને સંસ્કૃત ઉપર ઘણી પ્રીતિ હતી તે જોઈને ડૉ. ભાંડારકરને આનન્દ થતો. એક વખત ન્યાયનો માસિક પરીક્ષાનો એમનો લખેલો પેપર એમણે ક્લાસમાં સઘળા વિદ્યાર્થીઓ આગળ વાંચી સંભળાવ્યો હતો અને તેનાં વખાણ કીધાં હતાં. મિ. એલ. આર વૈદ્યના મૃત્યુથી સંસ્કૃતના પરીક્ષકની જગા ખાલી પડેલી હોવાથી પ્રો. કાથવટેએ જસ્ટિસ તેલંગને લખ્યું કે ’પરીક્ષક તરીકે રા. કમળાશંકર નીમાવા જોઇએ’ એ વિચારને ડૉ. ભાંડારકરે પણ ટેકો આપ્યો, અને ઇ. સ. ૧૮૯૧ થી ઇ. સ. ૧૮૯૭ સુધી એટલે સાત વર્ષ સુધી એઓ એ પરીક્ષાઓમાં સંસ્કૃતના પરીક્ષક નીમાયા હતા. એ સાત વર્ષ એમણે પરીક્ષક તરીકે કામ કીધું, તેમાંનાં કેટલાંક વર્ષમાં એમના સાથી તરીકે ડૉ. પીટર્સન હતા. મુંબાઈની કૉલેજમાં પ્રોફેસર તરીકે કામ કીધા પછી ઇ. સ. ૧૮૯૨ ના જૂન માસમાં રા. સા. મહીપતરામના મૃત્યુ પછી રૂા. ૧૫૦)ની, પ્રેમચંદ રાયચંદ ટ્રેનિંગ કૉલેજના વાઈસ્ પ્રિન્સિપાલની જગા નવી નીકળી ત્યાં એમની બદલી થઈ. ઇ. સ. ૧૮૯૩માં ડેક્કન કૉલેજમાંથી ડૉ. ભાંડારકર રિટાયર થયા તેની જગાએ અમદાવાદના પ્રો. કાથવટેની નીમણુક થઈ અને પ્રો. કાથવટેની સલાહ પ્રમાણે ગુજરાત કૉલેજની ખાલી પડેલી જગા ઉપર નીમાવા માટે એમણે અરજી કરેલી અને બોર્ડના મેંબરો પણ એમની તરફેણમાં હતા. પણ જાઈલ્સ સાહેબ (જે ઈન્સ્પેક્ટર હતા તેમણે) કહ્યું કે “સરકાર તમારી નોકરીનો લાભ બોર્ડને આપવા તૈયાર થશે નહીં.” તેજ વખતે એમના ઉપર ચૅટ્ફીલ્ડ સાહેબનો તાર આવ્યો હતો, તેમાં પૂછ્યું હતું કે “એલફિસ્ટન કૉલેજમાં જવા માટે તમે કમળાશંકરને મોકલી શકશો?” એ તારનો એમણે ઉપયોગ કર્યો અને ઇ. સ. ૧૮૯૩માં રા. કમળાશંકરની એલફિન્સ્ટન કૉલેજમાં પ્રોફેસર તરીકે છ મહીના માટે નીમણુક થઈ. તે વખતે પીટર્સન સાહેબ પણ તેજ કૉલેજમાં હતા, પણ તે અંગ્રેજી શિખવતા હતા. ઈ. સ. ૧૮૯૪માં પણ પાછી એજ પ્રમાણે એમની નીમણુક થયલી, અને દર વખતે બીજી ટર્મમાં જ નીમણુક થયલી તે છતાં એઓ કૉલેજમાં દાખલ થતા કે ૫હેલેજ દીવસથી, ને શીખવાતી ચોપડીના ચાલેલા ભાગની આગળથી જ ક્લાસ લેવા માંડતા. ઇ. સ. ૧૮૯૫માં એઓ નડિઆદમાં હેડ માસ્તર તરીકે નીમાયા હતા. ઇ. સ. ૧૮૯૬–૯૭માં પૂનાની કૉલેજમાં પ્રોફેસર તરીકે એમણે કામ કર્યું હતું. એ વખતે પણ એમણે કંઈ અરજી કીધી નહોતી, પણ ઓચિન્તી તાર મારફતેજ એમની નીમણુક થયલી, અને તરત ત્યાં જઈને પોતાના શિક્ષણ વડે ત્યાંના સંસ્કૃત સાહિત્યના શોખીન વિદ્યાર્થીઓને સંપૂર્ણ સંતોષ આપેલો. એજ અરસામાં એઓને મુંબાઈ યુનિવર્સિટિના એક ફેલો તરીકે પસંદ કરવામાં આવ્યા. ઇ. સ. ૧૮૯૬–૯૭માં એક પ્રસંગે સેલ્બી સાથે કેટલીક વાતચીત થતાં એ સાહેબે પૂછ્યું કે “તમે સેનેટમાં આવવાના છો કે નહીં?” રા. કમળાશંકરે કહ્યું કે, “હું ફેલો નથી એટલે મારાથી આવી શકાય નહીં.” ’શું તમે ફેલો નથી?’ એમ સેલ્બી સાહેબે પૂછ્યું, અને તે વિષે પોતાની ડાયરીમાં નોંધ રાખી. અન્તે ઈ. સ. ૧૮૯૭માં રા. કમળાશંકર યુનિવર્સિટિના ફેલો થયા. ઇ. સ. ૧૮૯૮–૯૯ માં એઓ પાછા નડિયાદમાં જ હેડ માસ્તર તરીકે રહેલા. એ સમયમાંજ પીટર્સન સાહેબનું મૃત્યુ થયું. એથી સંસ્કૃત પ્રોફેસરની જે જગા એલિફિન્સ્ટન કૉલેજમાં ખાલી પડી ત્યાં રા. કમળાશંકરે અગાઉ ત્રણ વખત તેમજ ડેક્કન કૉલેજમાં પણ એક વર્ષ પ્રોફેસર તરીકે કામ કરેલું હોવાથી, એમની નીમણુક થવાનો સંભવ જણાતો હતો, અને જાઈલ્સ સાહેબે એમને માટે ભલામણ પણ કરેલી, પણ તે જગા માટેની સ્પર્ધામાં એમની સાથે ડૉ. રામકૃષ્ણ ગોપાળ ભાંડારકરના પુત્ર મિ. શ્રીધર હતા, તેમને એ જગા મળી. એ જગા રા. કમળાશંકરને ન મળી તે માટે જાઈલ્સ સાહેબે એમના ઉપર દિલાસાનો પત્ર લખ્યો અને પ્રો. કાથવટેની જગાએ એમની નીમણુક કરવાનું વચન આપ્યું. ઇ. સ. ૧૯૦૦–૦૧માં એમણે ભરૂચ હાઈસ્કૂલમાં હેડ માસ્તર તરીકે કામ કીધું. એઓ ભરૂચ હાઈ સ્કૂલમા હતા તે દર્મિયાન જૂનાગઢમાં બાઉદીન કૉલેજ સ્થપાઈ અને ત્યાંથી તે વખતના દીવાન સાહેબે, ચુનીલાલ સારાભાઇએ પૂછાવ્યું કે “તમે સંસ્કૃતના પ્રોફેસર તરીકે આવવા ખુશી છો?” જાઈલ્સ સાહેબની એ બાબતમાં સલાહ લીધી, તેમણે ના કહેવાથી રા. કમળાશંકરે એ જગાને માટે ના લખી મોકલી. ઇ. સ ૧૯૦૧ના જૂન માસમાં રા. કમળાશંકર ભરૂચથી નડિયાદ પાછા આવ્યા. તે દર્મિયાન પ્રો. કાથવટેની જગા ખાલી પડી. એ જગા રા. કમળાશંકરને મળે તેને માટે જાઈલ્સ સાહેબે ઘણો પ્રયાસ કર્યો. પણ એ જગાએ નીમણુક એમની ન થતાં મિ. કે. બી. પાઠકની થઈ જાઇલ્સ સાહેબે પાછો દિલાસનો પત્ર લખ્યો, અને ’એથી જુદા ક્ષેત્રમાં હું તમને વધારે લાભ અપાવીશ’ એ પ્રમાણે લખ્યું, ઇ. સ. ૧૯૦૨ના ઑગસ્ટમાં અમદાવાદની પ્રેમચંદ રાયચંદ ટ્રેનિંગ કૉલેજના પ્રિન્સિપાલ તરીકે રા. કમળાશંકરની નીમણુક થઇ, અને બે મહિના પછી માધવલાલભાઇનું મૃત્યુ થવાથી એમની નીમણુક કાયમની થઇ. ઇ. સ. ૧૯૦૨માં પાછા એઓ યુનિવર્સિટિના પરીક્ષક નીમાયા; અને એમ. એ.ની પરીક્ષામાં એ સાલથી તે ઇ. સ. ૧૯૦૮ સુધી એમણે ડૉ. રામકૃષ્ણ ગોપાળ ભાંડારકરની સાથે સંસ્કૃતના પરીક્ષક તરીકે કામ કર્યું. તે ઉપરાંત યુનિવર્સિટિના પ્રાઇઝ એસેઝ-સુજ્ઞ ગોકુળજી ઝાલા વેદાન્ત ફંડના અને એવા બીજા-પ્રસંગે પ્રસંગે તપાસવા માટે યુનિવર્સિટી તરફથી એમના પર મોકલવામાં આવે છે. મુંબઈ યુનિવર્સિટી ઉપરાંત પંજાબમાં પણ એમણે સંસ્કૃત પરીક્ષક તરીકે ઘણાં વરસ સુધી કામ કરેલું છે. સાક્ષર શ્રી મણિલાલ નભુભાઈના મૃત્યુ પછી ત્યાંની Oriental Faculty ની “વિશારદ”ની અને “શાસ્ત્રી”ની પરીક્ષામાં ઇ. સ. ૧૮૯૯થી તે ૧૯૦૮ સુધી એઓ પરીક્ષક હતા, અને આ સાલમાં એઓ પાછા “શાસ્ત્રી” ની પરીક્ષામાં નીમાયા છે. ઇ. સ. ૧૯૦૭ના વર્ષથી ૧૯૦૯ના વર્ષ સુધી મૅટ્રિક્યુલેશનની પરીક્ષામાં પણ સંસ્કૃતના પરીક્ષક તરીકે એઓ હતા. પંજાબની “શાસ્ત્રી”ની પરીક્ષાનો અભ્યાસક્રમ અહિંની એમ. એ.ની પરીક્ષાના જેટલો હોય છે. ન્યાય, વેદાન્ત, વ્યાકરણ,–એ સઘળા વિષયોમાં અહીંની પેઠે પરીક્ષા લેવાય છે, પણ ત્યાં “શાસ્ત્રી” અને તેનાથી ઉતરતી “વિશારદ એ બેઉ પરીક્ષામાં પ્રશ્નપત્ર પણ સંસ્કૃતમાંજ કઢાય છે અને ઉત્તર પણ સંસ્કૃતમાં આપવાના હોય છે એ મોટો ફેર છે. અહિં “સુજ્ઞ ગોકુળજી ઝાલા વેદાન્ત પ્રાઈઝ”ને માટે એમ. એ.ના વિદ્યાર્થીઓને સંસ્કૃતમાંજ જવાબ આપવા પડે છે તેવુંજ ત્યાં “શાસ્ત્રી” અને “વિશારદ’ની પરીક્ષાઓમાં થાય છે. ઇ. સ. ૧૯૦૫ માં “Secondary Teachers’ Training College” નવી સ્થપાવાની હતી તેના વાઈસ્ પ્રિન્સિપાલ તરીકે રૂ. ૩૦૦–૫૦–૫૦૦ના પગારથી ખાસ રા. કમળાશંકરની પસંદગી કરવાનો જાઇલ્સ સાહેબનો વિચાર હતો. તે વિષે એમણે રા. કમળાશંકર ઉપર પત્ર લખ્યો, તેમાં લખ્યું હતું કેઃ “You as a Sanskrit scholar and authority in the Vernaculars would, I think, be very useful in the work of the College in developing to the normal students the relations between languages and the proper view of history. But your long experience as a Head Master and Head of a Training College is of course what would specially render you valuable in a Secondary Training College. May I add that your own personal character would also, I thing, have a most useful influence over young men who are learning how to teach others.” રા. કમળાશંકરે રૂ. ૩૦૦)ના પગારે એ જગા લેવા નાખુશી બતાવી ત્યારે જાઈલ્સ સાહેબે રૂ. ૪૦૦–૫૦–૫૦૦ અને આખરે એકદમ રૂ. ૫૦૦) અને ઘરભાડાના રૂ. ૫૦) જુદા આપવાનો વિચાર જણાવ્યો, અને તે પ્રમાણે સરકારમાં લખ્યું પણ ખરૂં, પણ એ દરખાસ્ત ત્યાં પસાર થઈ નહીં. સરકારે રૂ. ૩૦૦)થી શરૂ કરી રૂ. ૨૫)ના વાર્ષિક વધારા, રૂ. ૫૦૦) સુધી પગાર તથા રૂ. ૫૦) House rentના આપવા તથા અમદાવાદની ટ્રેનિંગ કૉલેજની જગા રૂ. ૪૦૦)ની થાય ત્યારે એકદમ રૂ. ૪૦૦) કરવા લખ્યું; પણ એમણે મુંબઈના રૂ. ૫૦૦) કરતાં અમદાવાદના રૂા. ૪૦૦) વધારે પસંદ કરી ઉપકાર સાથે મુંબઈની જગા લેવા ના લખી. ઇ. સ. ૧૯૦૮ના મે–જૂનમાં રા. કમળાશંકરે ઉત્તર વિભાગના ઍકિંટગ એજ્યુકેશનલ ઈન્સ્પેક્ટર તરીકે કામ કર્યું હતું. તે વખતે પોતાની હમેશની જગા પરનું કામ પણ એમણે સાથે સાથે કર્યું હતું. એ પ્રમાણે રા. કમળાશંકરના સરકારી નોકર તરીકે જીવનની મુખ્ય મુખ્ય વિગતો આપણે જણાવી ગયા. સંસ્કૃત ભાષાના સારા વિદ્વાન્ અને ગુજરાતી ભાષાના પ્રતિષ્ઠિત સાક્ષર તરીકે એમણે જે સેવા બજાવી છે તે ટૂંકમાં જણાવીને એમના ચરિત્રનો આ હેવાલ આપણે પૂરો કરીશું. એમની “Brief History of England” જે પ્રથમ ઇ. સ.૧૮૮૭ માં છપાઈ તેની ૬ આવૃત્તિઓ થઈ ચૂકી છે તે તો દરેક અંગ્રેજી નિશાળમાં ભણતા વિદ્યાર્થીને જાણીતી છે, એટલુંજ નહીં પણ બી. એ. માં ભણતા વિદ્યાર્થીઓ પણ એ ચો૫ડીઓ વાંચે છે અને કોઈક વાર સારી રીતે પાસ થાય છે એ વાત એ પરીક્ષાના અનુભવીઓના જ્ઞાન બહાર નથી. પણ એમનાં વધારે વિદ્વત્તાભર્યાં પુસ્તકો ગુજરાત વર્નાક્યુલર સોસાઈટી તરફથી જે છપાયાં છે અથવા સરકાર તરફથી પ્રસિદ્ધ થતી સંસ્કૃતની પુસ્તકમાલામાં જે પ્રસિદ્ધ થયાં છે તે છે. સ્માઈલ્સની ‘ડ્યૂટી’ (કર્તવ્ય) નું એમણે ભાષાન્તર કર્યું છે. બકલના ઇતિહાસ પરથી “ઇંગ્લાંડની ઉન્નતિનો ઇતિહાસ” એમણે લખ્યો છે. બાદરાયણ વ્યાસના બ્રહ્મસૂત્ર ઉપર શ્રી શંકરાચાર્યની “શારીરક ભાષ્ય” નામની જે ટીકા છે તેનો એમણે અનુવાદ કર્યો છે. ડૉ. ભાંડારકરની ‘સંસ્કૃત સેકંડ બુક’નું ભાષાન્તર કર્યું છે. તથા વડોદરા રાજ્યની જ્ઞાનમંજૂષા માટે નવીન સંસ્કૃત પુસ્તકાવલિ (ત્રણ ભાગમાં) રચી છે, તેમાંનું ‘સંસ્કૃત પ્રથમ પુસ્તક’ છપાયું છે. તે ઉપરાંત, નીચેનાં પુસ્તકો એમના હસ્તક સરકાર તરફથી છપાયાં છે તેની પ્રસ્તાવના, ટીકા વગેરેમાં એમની શોધકવૃત્તિ, વિદ્વતા, ઉદ્યોગ અને ખંત સ્પષ્ટ જણાઈ આવે છે. એ ઉપરાંત “ગુજરાત શાળાપત્ર” નામનું માસિક ઇ. સ. ૧૯૦૨ના ઑગસ્ટથી એમના તંત્રીપણા હેઠળ ચાલવા માંડ્યું ત્યાર પછી અગાઉ ‘માસ’ના શીર્ષક નીચે આવેલા લેખ અને ત્યાર પછી એ શીર્ષક વિના પત્રના આરંભમાં આવેલા લેખ સર્વ એમના લખેલા છે, અને તેમાં વ્યાકરણ ભાષા, કાવ્યશાસ્ત્ર, ન્યાયશાસ્ત્ર, માનસશાસ્ત્ર, કેળવણી પ્રાકૃતભાષા વગેરે વિવિધ વિષયો ચર્ચાયા છે. કમળાશંકરના જીવનનો અગત્યનો વૃત્તાન્ત આપણે સંક્ષેપમાં જણાવી ગયા. એમનું શૈશવ કેવા પ્રકારનું હતું, પ્રાથમિક શિક્ષણ એમણે ક્યાં આગળ અને કેવી રીતે લીધું હતું, એમણે અંગ્રેજીનો અભ્યાસ કઈ સ્કૂલમાં અને કઇ કૉલેજમાં કર્યો હતો, કેવા ગુરુઓના શિક્ષણનો લાભ એમને મળ્યો હતો, એમના પિતાના જૂના વિચારને લીધે એમનો વિદ્યાભ્યાસ વિષેનો ઉત્સાહ કેવો અંકુશમાં રહેતો હતો, વિદ્યાભ્યાસ આગળ ચલાવવાનો વિચાર કીધા પછી પણ એક નાગર બ્રાહ્મણ તરીકે એમને કેવી મુશીબતો વેઠવી પડતી હતી, વિદ્યાભ્યાસ પછી કઈ નોકરી લેવી તેનો નિર્ણય કેવી રીતે કરવામાં આવ્યો, એ નોકરીમાં એમની ઉત્તરોત્તર વૃદ્ધિ કેવી રીતે થઈ, એમના ઉપરીઓની એમના ઉપર હમેશા કેવી પ્રીતિ હતી, મુંબઈ યુનિવર્સિટિના ફેલો તરીકેનું માન એમને કેવી રીતે મળ્યું, મુંબઇ તથા પંજાબના યુનિવર્સિટિમાં અનેક વર્ષો સુધી પરીક્ષક તરીકે કામ કરવાનો પ્રસંગ એમને કેવી રીતે પ્રાપ્ત થયો, યાત્રાઓનો શોખ પણ એ કેટલે અંશે પૂરો પાડી શક્યા, અને સંસ્કૃત, ગુજરાતી, તથા અંગ્રેજીમાં સારાં પુસ્તકો પ્રસિદ્ધ કરી શાળાપત્રમાં વિવિધ વિષયો ચર્ચી સાહિત્યની પણ એમણે કેવી કીમતી સેવા બજાવી તે આપણે જોયું. સાથે સાથે એમના વખતની શિક્ષણપદ્ધતિ, એમના શિક્ષકોની આવડત હોશિયારી અને કર્તવ્યપરાયણતા, એમના વખતની રમતો વગેરે આનુષંગિક વિષયો વિષે પણ આપણે કેટલુંક જાણ્યું, પણ એ સઘળી ઝીણી ઝીણી વિગતોને ભેદીને આપણે વધારે ઉંડી દૃષ્ટિથી જોઈએ છીએ અને એ જીવનને અમુક માર્ગમાં પ્રેરનારાં સૂક્ષ્મ તત્ત્વો ક્યાં છે તેનો આપણે વિચાર કરીએ છીએ, એ જીવન અમુકજ પ્રકારનું ઘડાયું અને તેનો પ્રવાહ અમુકજ વેગથી વહ્યો ગયો તેનાં ગૂઢ કારણો આપણે શોધીએ છીએ તો તે નથી જણાતાં એમની વિદ્વત્તામાં કે નથી જણાતાં એમના વાક્યાતુર્યમાં. એમનો ઉદ્યોગ, એમની ખંત, અને એમની પ્રામાણિકતા, એ નૈતિક ગુણોમાંજ એમના જીવનને થોડે કે ઘણે અંશે પણ સફળ કરનારૂં બળ રહેલું છે એમ આપણને માલમ પડે છે. એમની વિદ્વત્તા વિષે બે મત હોવાનો સંભવ નથી. સ્કૂલોમાં અને કૉલેજોમાં એમની શિક્ષણપદ્ધતિ કેવી સફળ નીવડી, શિષ્યના ઉપર ધારેલી અસર એ કેવી સચોટ રીતે કરી શક્યા તે એ શિક્ષણનો લાભ લેવાને ભાગ્યશાલી થયલા દરેક વિદ્યાર્થીને સારી રીતે જાણીતું છે. ‘સ્વાનુભવરસિક’ કે ‘સર્વાનુભવરસિક, ‘આત્મલક્ષી’ કે ‘પરલક્ષી’ કવિતાઓનાં જોડકણાં એમણે જોડ્યાં નથી, નાટકો એમણે રચ્યાં નથી, ને નવલકથાઓ એમણે બનાવી નથી. પણ કલ્પના અને સર્ગશક્તિનો દાવો કરનારા આધુનિક ‘કવિઓ’માંથી કેટલાની કૃતિ અમર રહેશે તે નિશ્ચિતપણે કહી શકાતું નથી, ત્યારે સંસ્કૃત સાહિત્ય ઉપર પ્રકાશ પાડવાનો એમણે જે અર્થાક પ્રયત્ન કર્યો છે, સંસ્કૃત ભાષાનો અભ્યાસ વધારે ને વધારે પ્રચાર પામે તેને માટે એમણે જે ખંત રાખી છે, બકલ જેવા ઇતિહાસકારની અને સ્માઇલ્સ જેવા નિબન્ધકારની કૃતિઓનાં ભાષાન્તર વડે અને શાળાપત્રમાં અનેક વિષયોની ચર્ચા વડે ગુર્જર સાહિત્યને સમૃદ્ધ કરવાનો એમણે જે પ્રયાસ કર્યો છે, શ્રી શંકરાચાર્યની ઉત્તમ કૃતિનો અનુવાદ કરીને વેદાન્ત જેવા ગહન વિષયના જ્ઞાનમાં એમણે જે કીમતી ઉમેરો કર્યો છે, તેની અસર એકાએક નષ્ટ થશે નહીં એ નક્કી છે. અને નોકરીનો ભારે બોજો છતાં એ સઘળું એ શાથી કરી શક્યા? બીજા કશાથી નહીં, પણ સતત ઉદ્યોગથી, અચળ ખંતથી અને અડગ પ્રમાણિકપણાથીજ એ સઘળું થઈ શક્યું. ઉદ્યોગ, ખંત અને પ્રમાણિકપણું, એ ત્રિપુટીમાંજ એમના જીવનનું પરમ રહસ્ય છે. એક વખતે એમના એક મિત્ર ખા, બ. ખરસેદજી માણેકજી કૉન્ટ્રાક્ટર, (હાલના કરાંચી હાઇ સ્કૂલના માસ્તર) એમને મળવા ગયા હતા તે વખતે એમને ટેબલ આગળજ બેઠેલા જોઇને તેમણે કહ્યું કે “તમે તો હંમેશા ટેબલ આગળ ને ટેબલ આગળ કંઇને કંઈ ઉદ્યોગમાં રોકાયલાજ નજરે પડો છો. પ્લેટોને માટે કહેવાય છે કે એણે એના અભ્યાસગૃહ આગળ એવો લેખ મૂક્યો હતો કે “Let no one enter this Academy who has no taste for mathematics” (ગણિતનો જેને શોખ ન હોય તેણે આ ગૃહમાં પ્રવેશ કરવો નહીં) તેમ તમે પણ તમારા ખંડ આગળ પાટિયું લટકાવી રાખો કે “Let no one enter this room who has no taste for work” (કામનો જેને શોખા ન હોય તેણે આ ખંડમાં પ્રવેશ કરવો નહીં). એમના મિત્રના આ શબ્દો એમના જીવનનું ખરૂં રહસ્ય પ્રગટ કરે છે, અને એ રહસ્ય થોડેઘણે અંશે પણ આપણે આપણા જીવનમાં ઉતારી શકીએ તો તેટલે અંશે આપણે આપણું જીવન સફળ કીધું એમ વ્યાજબી રીતે કહી શકાય.૧[1] નોંધઃ–સદરહુ ચરિત્ર પ્રો. મોહનલાલ પાર્વતીશંકર દવેએ સભાલોચક માટે લખેલું તે તાજેતરમાં બહાર પડેલા સ્વર્ગસ્થના “અનુભવ વિનોદ” પુસ્તકમાં પુનઃ પ્રકટ થયું છે, તે પરથી લીધું છે. સમયના અભાવે એમાં સ્વર્ગસ્થની નિવૃત્ત થયા પછીની પ્રવૃત્તિનો સમાવેશ કરવાનું બની શક્યું નથી. એ હકીકત અન્ય કોઈ પ્રસંગે મેળવીને આપીશું. દરમિયાન અહિં એટલું નોંધવું જોઈએ કે સન ૧૯૧૪માં તેઓ પ્રેમચંદ રાયચંદ ટ્રેનિંગ કૉલેજના પ્રિન્સિપાલના હોદ્દા પરથી નિવૃત્ત થયા હતા; અને સરકારે એમના કાર્યની કદર તે પ્રસંગે એઓને રાવબહાદુરનો ઈલ્કાબ બક્ષીને કરી હતી. તે પછી સન ૧૯૨૪માં તેઓ સાતમી ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ નિમાયા હતા; અને એમનું અવસાન તે પછી ટુંક મુદતમાં સન ૧૯૨૫ માં થયું હતું. સુરતે એના સુપુત્રનું સ્મારક રચ્યું છે, એ યોગ્યજ થયું છે.
: : એમની કૃતિઓ : :
| ‘ઈંગ્લાંન્ડનો ટૂંકો ઇતિહાસ’ | ૧૮૮૭ |
| ‘કર્તવ્ય’ | ૧૮૯૫ |
| શાઙ્કરભાષ્ય | ૧૯૦૭ |
| સંસ્કૃત પ્રથમ પુસ્તક | ૧૮૯૬ |
| સંસ્કૃત ૨જી ચો૫ડી | |
| સંસ્કૃત શિક્ષિકા–(ગુજરાતી) | ૧૯૧૧ |
| ”” (ઇંગ્રેજી) | ” |
| સાહિત્ય મંજરી | ૧૯૧૫ |
| શિક્ષણશાસ્ત્રનાં મૂળતત્ત્વ | ૧૯૧૩ |
| ‘લઘુ વ્યાકરણ’ | ૧૯૧૬ |
| ‘મધ્ય વ્યાકરણ’ | ૧૯૧૭ |
| ‘બૃહદ્ વ્યાકરણ’ | ૧૯૧૮ |
| ‘Gods of India’(ગુજરાતી) | ૧૯૧૩ |
| ‘શંકરજયંતી વ્યાખ્યાનમાળા’ | ૧૯૧૩ |
| હિંદુસ્તાનનો સંક્ષિપ્ત ઇતિહાસ | ૧૯૨૦ |
| ગુજરાતી વાચનમાળા | ૧૯૨૧ |
| કાવ્ય સાહિત્ય મિમાંસા | ૧૯૩૦ |
| અનુભવ વિનેાદ | ૧૯૩૩ |
| સંસ્કૃત | |
| ભટ્ટિકાવ્ય | ૧૮૯૮ |
| રેખા ગણિત | ૧૯૦૧-૦૨ |
| એકાવલી | |
| પ્રતાપરુદ્રીય | ૧૯૦૯ |
| ષડ્ ભાષા ચન્દ્રિકા | ૧૯૧૬ |
| પ્રક્રિયા કૌમુદી |
પાદટીપ :
- ↑ ૧. ‘અનુભવ વિનોદ’ પરથી ઉદ્ધૃત.
Lua error in package.lua at line 80: module ‘strict’ not found.