ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૪/રા. બા. જમીયતરામ ગૌરીશંકર શાસ્ત્રીનું ચરિત્ર

From Ekatra Foundation
Jump to navigation Jump to search


રાવબહાદુર જમીયતરામ ગૌરીશંકર શાસ્ત્રી

જમીઅતરામનો જન્મ સને ૧૮૬૦માં સુરતના ચોર્યાશી મેવાડા બ્રાહ્મણ જ્ઞાતિમાં શાસ્ત્રી ગૌરીશંકર રામશંકરને ત્યાં થયો હતો. તે જમાનામાં ગુજરાતમાં સુરત સંસ્કૃત ભાષાના અભ્યાસ માટે ઘણું નામાંકિત થયું હતું અને તેથી તેને નાની કાશીનું ઉપનામ આપવામાં આવ્યું હતું. એ સમયે સુરતમાં ધર્મ, ન્યાય, વેદાન્ત ઇત્યાદી વિષયોના નિષ્ણાત શાસ્ત્રી, પંડીત પુરાણી વગેરે હતા. તેમાં ગૌરીશંકર અગ્રણી હતા. અને વેદાન્ત વાચસ્પતિ તરીકે જાણતા થયા હતા. એમના ત્યાં વિદ્યાર્થીઓ રહેતા હતા એટલુંજ નહીં પણ દેશદેશના વિદ્વાનો વડોદરા કે કાશી તરફ જતાં સુરત એમના દર્શનાર્થે આવી રહેતા હતા. ગૌરીશંકરને વડોદરા અને ભાવનગર રાજ્યોએ પણ બોલાવ્યા હતા અને સારો સત્કાર કરી વર્ષાસન બાંધી આપ્યું હતું તેવીજ રીતે સુરત જીલ્લાના કેટલાએક જાગીરદારોએ પણ તેમને જાગીરો આપી તેમની વિદ્વતાની કદર કરી હતી. ગૌરીશંકર માત્ર શુષ્ક વેદાન્તી નહોતા તેમજ તેમનું જ્ઞાન પુસ્તકીઆજ નહોતું. તેઓ ખરા જ્ઞાની, ત્યાગી હોઈ જીવનમુક્ત દશાને પ્રાપ્ત કરી શક્યા હતા. આવા પવિત્ર પુણ્યશાળી પિતાના સમાગમનો લાભ જમીયતરામને બહુ વખત રહ્યો નહીં. તેમના જન્મ પછી બે વર્ષમાંજ ગૌરીશંકરનું અવસાન થયું પરંતુ એમના જેષ્ઠ પુત્ર ગણપતરામના ઉપર ગૌરીશંકરના પવિત્ર જીવનની સચોટ અસર થઇ હતી અને તેમની દ્વારા એ જીવનના સંસ્કાર જમીઅતરામ ઉપર પણ પડ્યા. તેમજ તેમના માતુશ્રીના ભોળા, ભાવિક અને નિર્દોષ સ્વભાવની પણ અસર એમના ઉપર થઇ હતી. જમીઅતરામના માતુશ્રીની ઉમર હાલ લગભગ ૯૫ વર્ષ થઈ છે અને આખા કુટુંબની ભાગ્યદેવી તરીકે એમના પૌત્ર રા. સા. ભૂપતરામ શાસ્ત્રીના ઘરમાં બીરાજે છે. એમનો સ્વભાવ ઘણો મળતાવડો હતો અને તે જે જે મંડળમાં હોય તેમાં અતિપ્રિય થઈ પડ્યા હતા. આ વૃત્તિ એમને જીવનમાં ઘણી ઉપયોગી થઈ પડી. પિતાના અવસાનથી બાળપણમાં પરાવલંબી રહેવું પડ્યું હતું તેમજ વિદ્વાન પિતા પુત્રને માટે વિદ્યા પ્રાપ્ત કરવા જેટલું પણ સાધન મુકી ગયા નહોતા એટલે વિદ્યાભ્યાસ પણ જાતકમાણીથી કરવાનો હોવાથી એમને જીવનમાં ઘણી અડચણો નડી હતી પણ તે બધી ધીરજ અને ઉત્સાહથી રમતા રમતા દૂર કરતા હોય તેમ બીજાઓ જોઇ શક્તા નહોતા. જમીયતરામની બાલ્યાવસ્થા સુરતમાં જ્યેષ્ઠ બંધુઓની દેખરેખ નીચે પસાર થઈ હતી અને તેમનો વિદ્યાભ્યાસ પણ ત્યાંજ થયો હતો. મેટ્રીક્યુલેશન પાસ થયા પછી એમને નોકરી કરવાની જરૂર પડી કારણ એમના મોટાભાઇનો પગાર જુજ હતો અને આખા કુટુંબનો બોજો વહોરવાનો હતો એટલે તેઓ આગળ અભ્યાસ કરવામાં મદદ આપી શકે એવું નહોતું. નોકરી કરતા જાય અને થોડા ઘણ પૈસા બચે તે વડે કોલેજમાં જઇ ટર્મ રાખે અને પરીક્ષાઓ આપે અને પાછા નોકરી ઉપર આવે. સદ્‌ભાગ્યે એમને ઘણા સુશીલ અને સંસ્કારી પત્નિ મળ્યાં હતાં. તે પોતે શિક્ષિત નહોતા છતાં એટલા બધા ઉદાર દિલના, દીર્ઘદૃષ્ટિ અને હિંમતવાળા હતા કે એમણે અભ્યાસ માટે પોતાના પલ્લાના પૈસા સ્વેચ્છાથી આપી દીધા હતા. આ પ્રમાણે કોલેજનો અભ્યાસ પુરો કરી સને ૧૮૮૬ માં બી. એ. ની પરીક્ષા પસાર કરી. તે પહેલાંજ કેળવણી ખાતામાં દાખલ થયા હતા એટલે તે ખાતામાં એમની ઉત્તરોત્તર ચઢતી થવા માંડી. ભરૂચ, વલસાડ, સુરત, અમદાવાદ ઈત્યાદિ સ્થળે હાઈસ્કુલમાં શિક્ષક તરીકે કામ કરી ૧૮૯૩ માં પ્રે. રા. ટ્રેનિંગ કોલેજમાં વાઈસ પ્રિન્સિપાલ નીમાયા. તે વખતે કોલેજના પ્રિન્સિપાલ માધવલાલભાઈ હતા. તેમનો એમના ઉપર ખાસ પ્રેમ અને વિશ્વાસ હતો. ૧૮૯૯માં તે તેલંગ હાઇસ્કુલમાં હેડમાસ્તર નીમાયા. તે વખતના ઇન્સ્પેક્ટર મી. જે. જી. કોવર્નટન હાઈસ્કુલનું ઇન્સ્પેક્શન કરવા આવ્યા તે વખતે એમના કામકાજથી એટલા બધા ખુશ થઈ ગયા કે તેમને ઈન્સ્પેકટીંગ લાઇનમાં લેવાનો વિચાર કર્યો અને થોડા વખતમાં એમના જયેષ્ઠ બંધુ રા. સા. ગણપતરામ વાનપ્રસ્થ થયા ત્યારે તેમની જગાએ અમદાવાદમાં ડેપ્યુટી એજ્યુઃ ઈન્સ્પેક્ટર નીમાયા. એમની કામ કરવાની પદ્ધતિ એવી સરળ અને વ્યવહારૂ હતી કે એમના કામથી ડીરેક્ટર મી. જાઇલ્સ અને ઇન્સ્પેક્ટરો કોવર્નટન અને લોરી ઘણા ખુશ થઈ ગયા અને તેથી ૧૯૦૪ માં નવી વાંચનમાળા કરવાને માટે જે કમીટી નીમવામાં આવી તેમાં ગુજરાતી તરફથી એમનાથી સીનીઅર બીજા કેળવણી ખાતાના અમલદારો હતા તેમ છતાં એમની પસંદગી થઇ. વાંચનમાળા લખવાનું કામ ઘણું કપરૂ અને જોખમદાર હતું તે એમણે ગુજરાતના અનેક સાક્ષર, શિક્ષક અને શાળાના સહકારથી સારી રીતે પાર ઉતાર્યું. એ કામ પુરૂ થએ એઓ અમદાવાદના ડેપ્યુટી એજ્યુઃ ઇન્સ્પેક્ટર તરીકે પાછા આવ્યા. એ વખતે સરકારે એમના કામની કદર કરી રાવસાહેબનો ખિતાબ એમને આપ્યો. સને ૧૯૦૮માં સુરતના ડેપ્યુટી એજ્યુઃ ઇન્સ્પેક્ટર તરીકે એમની બદલી થઇ. જ્યાં જ્યાં એમણે કામ કર્યું ત્યાં ત્યાં એમના કામના સરકારે વખાણ કર્યાં અને લોકપ્રિયતા પણ એમણે પ્રાપ્ત કરી. ૧૯૧૪ માં એ પ્રે. રા. ટ્રેનિંગ કોલેજના પ્રિન્સિપાલ નીમાયા અને ૬ માસની અંદર ઉત્તર પ્રાંતના એજ્યુકેશનલ ઇન્સ્પેક્ટરની માનવંતી પદ્વી પ્રાપ્ત થઇ અને રાવબહાદુરનો ખિતાબ મળ્યો. ગુજરાતી તરીકે આ જગ્યા મેળવનાર એ પહેલાજ હતા. એ જગ્યા ઉપર એમને ૫૫ વર્ષ પછી ૧ વર્ષ વધારો પણ આપવામાં આવેલો સને ૧૯૧૬ ની આખરે એઓ વાનપ્રસ્થ થયા અને થોડા વખત પછી પોતાના વતન સુરતમાં જઇ રહ્યા. ત્યાં એમને ફર્સ્ટક્લાસ ઓનરરી મેજીસ્ટ્રેટ નીમવાને કલેક્ટર મી. રોથફીલ્ડે ઇચ્છા જણાવી પણ એમણે આવી જંજાળ ન જોઇએ એમ કહી એ કામ લેવાની ના પાડી. પરંતુ ૧૯૧૯ માં સુરત મ્યુનિસિપાલીટીએ ફરજીઆત કેળવણી દાખલ કરવાનો ઠરાવ કર્યો ત્યારે એમને સ્કુલ કમીટીમાં સરકારે નિયુક્ત કર્યાં તેની ના કહેવાય નહી કારણ એ એક શહેરને માટે અગત્યની સેવા હતી. તેઓ નિયુક્ત સભ્ય હોવા છતાં સ્કુલ કમીટીના ચેરમેન ચુંટાયા. એ એમની લોકપ્રિયતા બતાવી આપે છે. અહિં એમનો અનુભવ મ્યુનિસિપાલીટીને ઘણો કામ લાગ્યો, વિદ્યાર્થીશાળા અને શિક્ષકોની સંખ્યા લગભગ બમણી થઇ ગઇ. તે વખતે એમના બહોળા અનુભવથી કામ સરળતાથી પાર ઉતાર્યું. આ રીતે ઘણા અગત્યના કામમાં રોંકાયા હતા ત્યારે ૧૯૨૧ ના જાન્યુઆરીમાં પાછળ ચાર પુત્ર, એક પુત્રી અને એક વૃદ્ધ માતુશ્રી મૂકી દેવલોક થયા. એમની ખોટ સુરતને ઘણી લાગી અને શહેરીઓએ એક જાહેર સભા બોલાવી શોક પ્રદર્શિત કર્યો. ગરીબાઇમાં બાલ્યાવસ્થા ગાળી ઉચ્ચ કેળવણી લઇ ઉત્તર ભાગના એજ્યુકેશનલ ઈન્સ્પેક્ટર થવાનું માન પ્રાપ્ત કર્યું તે એમનો સ્વાશ્રય, ખંત, કાર્યકુશળતા અને વ્યવહારિકતા દર્શાવે છે. એઓ હંમેશાં આનંદી અને ઉદાર સ્વભાવથી જેના જેના સંસર્ગમાં આવ્યા તેની પ્રીતિ સંપાદન કરી શક્યા હતા.

: : એમની કૃતિઓ : :

૧ જગતનો ઇતિહાસ.
૨ બ્રાહ્મણોના સોળ સંસ્કાર.