ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૫મું/મુનિશ્રી જિનવિજયજી
એઓ જન્મે પરમારવંશ રાજપુત છે. એમનું મૂળ નામ કિસનસિંહ અને પિતાશ્રીનું નામ વૃદ્ધિસિંહજી છે. એમના માતુશ્રીનું નામ રાજકુંવર. એમનો જન્મ ઉદયપુર સંસ્થાન મેવાડના ગામ રૂપાહેલીમાં સં. ૧૯૪૪માં થયો હતો. એઓ અવિવાહિત છે; અને સઘળો અભ્યાસ ખાનગી રીતે કરેલો છે. જૈન સાધુના સંસર્ગમાં આવતાં તેમણે જૈન દીક્ષા લીધી પરંતુ કહેવાતા સાધુ જીવનના રૂઢ આચાર વિચારથી તેમના જીવને ગ્લાનિ થઈ અને સ્થાનકવાસી-મૂર્તિપૂજક આદિ સંપ્રદાયોની વાડાબંધીમાં વર્ષો સુધી બંધાઈ રહ્યા; આખરે વેશ ત્યાગ કરી તેમાંથી મુક્ત થયા અને એક અધ્યાપક અને સાહિત્ય સેવકના જીવન તરીકે અધ્યયન અધ્યાપનનું અને ગ્રંથલેખન-સંપાદનના સતત કાર્યમાં પોતાનું સાદું જીવન ગાળી રહ્યા છે. પોતે એટલા ઉદાર અને સુધારક વિચારના છે કે વધુ અભ્યાસ અર્થે તેઓ ઇંગ્લાડ, જર્મની દેશોમાં જઈ, કેટલોક સમય રહી આવ્યા હતા. તેઓ મહાત્મા ગાંધીજીની પ્રેરણાથી પ્રેરાઇ ગુજરાત વિદ્યાપીઠમાં આવી વસ્યા તે અગાઉથી પુરાતત્ત્વના એક સારા અભ્યાસી અને વિદ્વાન લેખક તરીકે પ્રતિષ્ઠા મેળવી હતી. “જૈનતત્ત્વસાર” અને “વિજ્ઞપ્તિ ત્રિવેણી” એ એમના પ્રથમ ગ્રંથો હતા. તે પછી એઓ એક અભ્યાસીની પેઠે આપણા પ્રાચીન સાહિત્ય, ઇતિહાસ, ધર્મગ્રંથો અને પુરાતત્ત્વનું પદ્ધતિસર અધ્યયન કરી રહ્યા છે અને એમના એ અભ્યાસનું ફળ વખતો-વખત લેખો લખીને, વ્યાખ્યાનો આપીને અને ગ્રંથો સંપાદન કરીને અને રચીને જનતાને આપતા રહ્યા છે. ગુજરાત પુરાતત્ત્વ મંદિરનું કામકાજ એમની સીધી દેખરેખ અને નેતૃત્વ નીચે સારી રીતે ખીલ્યું હતું, અને એ સંસ્થા સત્યાગ્રહની લડતના કારણે બંધ થઈ ન હોત તો તેના તરફથી ગુજરાતના ઇતિહાસનું એક કિંમતી પુસ્તક મળત એવી સૌ આશા રાખતા હતા; છતાં મુનિશ્રી જિનવિજયજીએ પ્રબંધ ચિંતામણીનું સંપાદન કાર્ય આરંભીને એ માર્ગ ખુલ્લો કર્યો છે અને જ્યારે એ સમગ્ર ગ્રંથ તૈયાર થઇ જશે ત્યારે અભ્યાસીને ગુજરાતના ઇતિહાસ વિષે પુષ્કળ અને નવીન સાધનસામગ્રી પ્રાપ્ત થશે. એમની એ વિદ્વતાના કારણે મુંબાઈ યુનિવર્સિટીએ એમને વસનજી માધવજી વ્યાખ્યાનો આપવા નિમંત્ર્યા હતા; અને એમના તે વ્યાખ્યાનો જેઓએ સાંભળ્યાં હતાં, તે સૌ તેની પ્રશંસા કરતા હતા. જ્યારે તે વ્યાખ્યાનોનું પુસ્તક પ્રસિદ્ધ થશે ત્યારે તે સોલંકી યુગપર વિશેષ પ્રકાશ પાડશે. હાલમાં તેઓ ડૉ. રવીન્દ્રનાથ ટાગોરના શાન્તિનિકેતનમાં જૈનસાહિત્ય ઇતિહાસના અધ્યાપક તરીકે કામ કરે છે. ગુજરાતને આવા એક વિદ્વાન સાધુ પુરુષની સાહિત્યસેવાનો લાભ મળ્યો છે, એ તેનું અહોભાગ્ય છે.
: : એમની કૃતિઓ : :
| નં. | પુસ્તકનું નામ. | પ્રકાશન વર્ષ. |
| ૧. | જૈન તત્ત્વસાર | સં. ૧૯૭૧ |
| ૨. | વિજ્ઞપ્તિ ત્રિવેણી | ”૧૯૭૨ |
| ૩. | શંત્રુજય તીર્થોદ્ધાર પ્રબંધ | ”૧૯૭૩ |
| ૪. | કૃપા રસકોશ | ”” |
| ૫. | પ્રાચીન જૈન લેખસંગ્રહ, ભા. ૧ | ”૧૯૭૪ |
| ૬. | દ્રૌપદી સ્વયંવર નાટક (સંસ્કૃત) | ”૧૯૭૫ |
| ૭. | હરિભદ્રાચાર્યસ્ય સમયનિર્ણય (સંસ્કૃત) | ”૧૯૭૭ |
| ૮. | કુમારપાલ પ્રતિબોધ (પ્રાકૃત) | ”૧૯૭૬ |
| ૯. | પુરાતત્ત્વ સંશોધનનો પૂર્વ ઇતિહાસ | ”૧૯૭૭ |
| ૧૦. | પ્રાચીન જૈન લેખસંગ્રહ, ભા. ૨ | ”૧૯૭૮ |
| ૧૧. | પાલિ પાઠાવલિ | ”” |
| ૧૨. | પ્રાકૃત કથા સંગ્રહ | ”” |
| ૧૩. | અભિધાન દીપિકા (પાલીભાષાનો શબ્દકોશ) | ”૧૯૮૦ |
| ૧૪. | જૈન ઐતિહાસિક ગૂર્જર કાવ્યસંચય | ”૧૯૮૨ |
| ૧૫. | જીત કલ્પસૂત્ર (પ્રાકૃત) | ”૧૯૮૩ |
| ૧૬. | વિજયદેવ મહાત્મ્ય (સંસ્કૃત) | ”૧૯૮૪ |
| ૧૭. | પ્રાચીન ગુજરાતી ગદ્ય સંદર્ભ | ”૧૯૮૬ |
| ૧૮. | ખરતર ગચ્છ પટ્ટાવલિ સંગ્રહ | ”૧૯૮૭ |
| ૧૯. | પ્રબંધ ચિંતામણિ, પ્રથમખંડ (સંસ્કૃત) | ”૧૯૮૯ |
| ૨૦. | પુરાતન પ્રબંધ સંગ્રહ (સંસ્કૃત) | |
| ૨૧. | વિવિધ તીર્થ કલ્પ (સંસ્કૃત-પ્રાકૃત) | |
| ૨૨. | પ્રબંધકોશ (સંસ્કૃત) |