ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૫મું/શાસ્ત્રોચાર પરિશુદ્ધ જોડણી
શાસ્ત્રોચ્ચારપરિશુદ્ધ
જોડણીના ટૂંકા અને સ્હેલા નિયમો
૧. ભાષામાં તત્સમ અને તદ્ભવ બન્ને રૂપોને સમાન રીતે સ્વીકારવાં: જેમકે, કઠિન-કઠણ, આશ્ચર્ય-અચરજ વગેરે. ૨. મૂળ અરબી, ફારસી, અંગ્રેજી વગેરે વિદેશીય શબ્દ ગૂજરાતી ભાષામાં કઢઙ્ગા ન દેખાય તેમ મૂળને અનુસરતા લખવા. જેમકે, અરજી, ખુશબો, દર્દી, સિપાઈ વગેરે. ૩. સ્વરાન્ત તત્સમ શબ્દો મૂળ પ્રમાણે લખવાઃ જેમકે, મતિ, ગુરુ, કાબૂ, બાજૂ વગેરે. ૪. ગૂજરાતીમાં આવેલા વ્યગ્-જનાન્ત તત્સમ શબ્દોની જોડણી સ્વરાન્ત (=અ ઊમેરી) કરવી. જેમકે, પરિષદ, અકસ્માત, ક્વચિત, અકબર, ઇન્સાફ, સ્ટેશન, પેન્સિલ, બ્લૉટીંગ વગેરે. ૫. શિષ્ટજનોના ઉચ્ચાર જુદા જુદા હોય ત્યાં બધા ઉચ્ચાર સ્વીકારવા અને તે પ્રમાણે જોડણી કરવી. જેમકે, ડોશી–ડોસી; દશ–દસ; માયાલુ–માયાળુ; (વિભક્તિના પ્રત્યયો લાગી–) નદીઓ–નદીયો–નદિયો, લીંબૂઓ-લીંબુઓ; દડિયો–દડિઓ, ઘોડિયું–ઘોડિઊં, દરિયો–દરિઓ, ઘડિયાળ–ઘડિઆળ, કાઠિયાવાડ–કાઠિઆવાડ, કરિયે–કરિએ; આંખ્ય–આંખ, આવ્ય–આવ, દિયે–દિએ–દે–દ્યે, દિયો–દિઓ–દો–દ્યો, લિયે–લિએ–લે–લ્યે, લિયો–લિઓ–લો–લ્યો; (એજ પ્રમાણે પી–બ્હીનાં રૂપો); જુવો–જુઓ–જોવ, જુવે–જુએ–જોય, જાવ–જાઓ, કમાવ–કમાઓ, ગયેલૂં–ગએલૂં વગેરે. ૬. એક સ્વરવાળા કે અનેક સ્વરવાળા તદ્ભવ શબ્દોમાં અન્ત્ય નિરનુનાસિક અને અન્ત્ય કે અનન્ત્ય સાનુનાસિક ઈ-ઊ દીર્ઘ છે. જેમકે, ઘી, છી, વીંછી, તહીં, અહીં, નહીં, વિનન્તી–વીનતી; હૂં, શૂં ; હતૂં, બધૂં; કરૂંં, ફરૂં; હસૂં; બોલવૂં, પોચૂં; જૂ, લૂ; ચાલૂ, રજૂ, લાગૂ; સીંચણિયૂં, ટૂંકૂં, ઊંચૂં, ઊંધૂં; લીંબૂ, આદૂ, જાંબૂ વગેરે. અપવાદ—જ્યાં સ્વર ભાર ઉપાન્ત્ય સ્વર ઊપર છે, તેવા છૂટા ઇ-ઉ માત્ર હ્રસ્વ છે. જેમકે, કાંઇ, જનોઇ, ભાઇ; જોઇ, રોઇ; કમાઉ, તેમજ થાંઉ, જાંઉ, કમાંઉ (થાઊં, જાઊં, કમાઊં, તે સ્થળે મધ્યકાલીન ગૂજરાતીમાં દીર્ઘતા છે, તે માત્ર તત્સમ લેખે સ્વીકારવી હોય તો વિકલ્પે સ્વીકારવી.)
૭. અનેક સ્વરવાળા તદ્ભવ શબ્દોની જોડણી કરવામાં શિષ્ટ ઉચ્ચાર ઊપર અને જ્યાં વ્યુત્પત્તિનો આધાર મળી શકતો હોય ત્યાં વિશેષ કરીને વ્યુત્પત્તિ ઊપર ધ્યાન રાખવું. જેમકે, દૂધ, શીખવવૂં, ઊઠવૂં, નીવડવૂં; ગૂજરાત-ગુજરાત; ઊપર-ઉપર વગેરે. ૮. દીર્ધ ઈ-ઉકારવાળા પ્રાથમિક શબ્દો ઊપરથી ઘડાતા શબ્દોમાં પ્રાથમિક શબ્દોની જોડણી કાયમ રાખવી. જેમકે, દૂધ, દૂધપાક, દૂધાળી; ભૂલ, ભૂલથાપ, ભૂલામણ, ભૂલાવો; ઊઠવૂં, ઊઠાડવૂં, ઊઠાવ; શીખવૂં, શીખવવૂં, શીખવાડવૂં, શીખામણ; પીવૂં, પીવડાવવૂં; મીઠૂં, મીઠાઇ, મીઠાશ; જૂઠૂં, જૂઠાણૂં વગેરે. ૯. શબ્દમાં આવતા જોડાક્ષરથી જ્યાં આગલા સ્વરને થડકો લાગતો હોય ત્યાં ઇ-ઉ હ્રસ્વ કરવા. જેમકે, ડુક્કર, હિસ્સો, કિસ્સો, ખુલ્લૂં વગેરે. ૧૦. જે શબ્દોમાં ‘ઐ’ અને ‘ઔ’ એમ એક સ્વરવાળો ઉચ્ચાર હોય ત્યાં ‘ઐ’ અને ‘ઓ’ થી જેડણી કરવી. જેમકે, પૈસો, ખૈબર, ચૌટૂં, કૌંસ; જૌં (જઊં પણ, તેજ રીતે દૌં-દઊં, લૌ-લઊં; વગેરે) ન્હૈં, હૈં, ત્હૈં, જ્હૈં (સાથોસાથ નહિ–નહીં, અહીં, તહીં, જહીં પણ ખરા.) ૧૧. (અ) તત્સમ-તદ્ભવ શબ્દોમાં અનુસ્વાર અને પરસવર્ણનો વિકલ્પ રાખવો. અનુસ્વાર રાખવો ત્યારે પોલા મીંડાથી બતાવવો. જેમકે, ગન્ધ–ગંધ, કઙ્ગણ–કંકણ, અણ્ટસ–અંટસ સય્યમ–સંયમ, સંવ્વાદ–સંવાદ, સંલ્લાપ, સંલ્લાપ, વંશ, માંસ વગેરે. (બ) સાનુનાસિક ઉચ્ચારણ એટલે કે અનુસ્વારનૂં કહેવાતૂં પોચૂં ઉચ્ચારણ ચાલૂ બિન્દુથીજ બતાવવું. જેમકે, લખવૂં, ખાવૂં, ઊંચૂં, કાંતવૂં, માંડવૂં વગેરે. ૧૨. તદ્ભવ શબ્દોમાં મહાપ્રાણનૂં દ્વિત્વ વિકલ્પે રાખવું. જેમકે, ચોખ્ખૂં–ચોક્ખૂં, ચિઠ્ઠી–ચિટ્ઠી, પથ્થર–પત્થર. પરન્તુ દ્-ધ્, ચ્-છ્ માં દ્-ચ્ બતાવવા. જેમકે, અદ્ધર, અચ્છેર વગેરે. ૧૩. મૂર્ધન્યતર ડ–ઢ જોડણીમાં નુક્તાવાળા ડ–ઢ થી બતાવવા. જેમકે, ઘોડો, વડૂં, હાડકૂં; કાઢવૂં, ચઢવૂં, લોઢૂં, મોઢૂં, વઢવું વગેરે. ૧૪. (અ) જ્યાં જ્યાં લઘુપ્રયત્ન હકારનૂં સ્પષ્ટ ઉચ્ચારણ છે, તેવા તદ્ભવ શબ્દોમાં હકાર પૂર્વનો વ્યઞ્જન અકાર રહિત અથવા અકાર સહિત એમ બન્ને રીતે લખવો. જેમકે મ્હેરો-ચહેરો, ચ્હેર-નહેર, ન્હોર-નહોર, પ્હાડ–પહાડ, ક્હે–કહે, ર્હે–રહે વગેરે. (બ) શિષ્ટ ઉચ્ચારમાં કેટલાક સ્થળમાં લઘુપ્રયત્ન હકાર છે અને કેટલાકમાં નથી, ત્યાં વિભાષા સ્વીકારવી. જેમકે, નહાર-નાર, ખોહ–ખો, ચાહ–ચા, જેહ–જે, તેહ–તે, એહ–એ, કુહાડો–કહાડો વગેરે. (ક) ગૂજરાતના કેટલાક ભાગમાં વ્યુત્પત્તિ સિદ્ધ લઘુ પ્રત્યય હકારનૂં કેટલાક શબ્દોમાં અસ્તિત્વ છે, પરન્તુ કેટલાક ભાગમાં એનું શ્રવણ નથી, ત્યાં હકાર વિકલ્પે બતાવવો. જેમકે, ન્હાનૂં–નાનૂં, પ્હાની–પાની, પ્હાનો-પાનો, ક્હાન–કાન, પ્હરોણો–પરોણો, વ્હેંત-વેંત, મ્હોટૂં–મોટૂં, વ્હાલમ-વાલમ વગેરે.
માંગરોળઃ
તા. ૧૫-૪-૩૪
કેશવરામ કાશીરામ શાસ્ત્રી.