ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૫મું/સન ૧૯૩૩નો સાહિત્ય પ્રવાહ
સારાં સારાં પુસ્તકોની દૃષ્ટિએ તેમજ સાહિત્ય સૃષ્ટિમાંના મ્હોટા બનાવને લઈને સન ૧૯૩૩ નું વર્ષ ગુજરાતી સાહિત્યના ઈતિહાસમાં મહત્વનું સ્થાન લે છે. એ વર્ષનાં પ્રકાશનો અવલોકતાં આપણે જોઈ શકીએ છીએ કે સાહિત્યનાં જુદાં જુદાં અંગોમાં આપણા જાણીતા અને પ્રતિષ્ઠિત લેખકોમાંના ઘણાખરાએ, ન્હાનામોટા સૌએ કિમતી અને મહત્વનો ફાળો આપેલો છે, અને તે પુસ્તકો જેમ નવીન તેમ વિચારણીય માલુમ પડે છે. વળી શતાબ્દી ઉત્સવો, પોણી શતાબ્દી નિમિત્ત અભિનંદનો, અગીઆરમી સાહિત્ય પરિષદની બેઠક લાઠીમાં અને સાતમી પૌર્વાત્ય કોન્ફરન્સનું અધિવેશન વડોદરામાં એ સર્વ પ્રસંગો અને બનાવો વર્ષ દરમિયાન ગુજરાતી જનતાનું વિશેષ ધ્યાન ખેંચી રહ્યા હતા, અને તે ચાલુ સાહિત્ય પ્રવાહમાં ભરતી કરનારા તત્ત્વો હતાં એમ આપણે કહી શકીએ. આપણો અર્વાચીન સાહિત્યયુગ વાસ્તવિક રીતે કવિ દલપતરામથી શરૂ થાય છે, પણ તેને નવું દૈવત અને ઓજસ, પ્રેરક ભાવવાહિતા અને લાગણીને તલસાટ, વિષયની નવીનતા અને વિવિધતા અર્પવાનો યશ કવિ નર્મદાશંકર જ ખાટી જાય છે; એટલું જ નહિ પણ એક પ્રભાવશાળી કવિ અને પ્રતાપી ગદ્ય લેખક, આદિ કોશકાર અને કુશળ ઇતિહાસ નવીશ તરીકે કવિ નર્મદાશંકરનું સ્થાન ગુજરાતી સાહિત્યમાં ઉંચું અને અનોખું છે. ગુજરાતી સાહિત્યના ઉત્કર્ષ અર્થે એમને જે તમન્ના હતી અને તેની સિદ્ધિ પાછળ ફકીરી ધરી હતી તે, તેમજ એમની એ સાહિત્ય સેવા વૃત્તિ અપ્રતિમ અને અનુકરણીય હોઈને એમના સારૂ આપણામાં અત્યંત માનની લાગણી ઉદ્ભવે છે. કવિ નર્મદાશંકર આપણે ઇંગ્રેજી સાહિત્યના ઓગસ્ટન યુગના સર્વશ્રેષ્ઠ સાક્ષર ડૉ. જોનસનનું સ્મરણ કરાવે છે, અને એમને બોસ્વેલ જેવો સાથી અને અનુયાયી મળ્યો હોત અને એમનું જીવનવૃત્તાંત આલેખ્યું હોત તો તે કાંઈક નવીન પ્રકાશ, એ સમયના સાહિત્ય જીવન પર પાડત; નર્મદ જ્યંતિ પ્રસંગે બોલવા ઉભા થતા એક વખતે સ્વર્ગસ્થ રા. સા. જમિયતરામ શાસ્ત્રીએ કવિને મકાને સાહિત્ય રસિકો અને વિદ્વાનોનો ડાયરો જામી રસાકસીભરી સાહિત્ય ચર્ચા થતી તેના ઉદાહરણરૂપ લાગણી શબ્દ કેવી રીતે પસંદ કરવામાં આવ્યો તેનો વૃત્તાંત આપ્યો હતો. કવિએ એમનું આત્મ ચરિત્ર થોડુંક–લખી રાખીને એ ઉણપ કંઈક અંશે પૂરી પાડેલી છે; અને આ શતાબ્દીના વર્ષમાં એ આત્મવૃત્તાંતનું પુસ્તક, સટીક અને ઉપયુક્ત પરિશિષ્ટ સહિત, જાણીતા “ગુજરાતી” સાપ્તાહિકના તંત્રી, નટવરલાલે પ્રસિદ્ધ કરી, એ પત્રે કવિ નર્મદનું ઘણુંખરૂં લખાણ પૂર્વે ઉપલબ્ધ કરી આપ્યું છે, તેમાં અપૂર્વ ઉમેરો કર્યો છે, એમ કહેવું પડશે. સન ૧૯૩૩માં કવિ નર્મદનો જન્મ થયે સો વર્ષ પૂરા થતાં હતાં; અને આપણા એ યુગનિર્માતાની શતાબ્દી ગુજરાતી પ્રજાએ યોગ્ય રીતે અને કૃતજ્ઞતાપૂર્વક ઉજવવી જોઈએ, એવો સંકલ્પ ગુજરાતી સાહિત્ય પરિષદના ઉપ-પ્રમુખ અને આપણા એક પ્રતિભાશાળી અને આગેવાન લેખક શ્રીયુત કનૈયાલાલ મુનશીએ જેલમાં રહે રહે કરી, તે સારૂ એક સુંદર કાર્યક્રમ યોજ્યો હતો; શ્રી કનૈયાલાલ મુનશીનો સંકલ્પ એટલે રા. ચંદ્રશંકરના શબ્દોમાં કહીએ તો કાર્ય સિદ્ધિ, અને જે પ્રમાણે એ ઉત્સવ ગુજરાતમાં સ્થળે સ્થળે ઉજવાયો તે જોઇને આપણે કહી શકીએ કે તે એના પ્રયોજકની કાર્યકુશળતાની સાક્ષીરૂપ છે. એ નિમિત્તે જે સાહિત્ય પ્રકટ થયું છે, તે પણ એ પ્રસંગને શોભતું, વિધવિધ દૃષ્ટિવાળું અને માહિતીપૂર્ણ જણાયું છે. નર્મદ શતાબ્દી સમિતિએ પ્રસિદ્ધ કરેલ નર્મદ શતાબ્દી સ્મારક ગ્રંથ અને નર્મદ ચિત્રાવળી, અને ગુજરાત સાહિત્ય સભાએ, શ્રીયુત વિશ્વનાથ મગનલાલ ભટ્ટ પાસે લખાવેલું ‘વીર નર્મદ’નું પુસ્તક, કવિ જીવનપર સારો પ્રકાશ પાડે છે અને કવિની કીર્તિને ઉજ્જવળ કરતાં એ પ્રકાશનો એ મહાન પુરુષને ઉચિત અને ભાવભરી અંજલિ અર્પે છે. એ અવસર સારૂ શ્રીયુત મુનશીએ એક લેખ લખવા માંડ્યો પણ એમની મનની સ્થિતિ એટલી ઉત્કટ લાગણીવાળી, કવિના વિચારોમાં તલ્લીન બની રહી હતી, કે એ લાગણીના પ્રવાહમાં ખેંચાઈ, એમાંથી અનાયાસ એક પુસ્તક તૈયાર થઇ ગયું, અને એ પુસ્તકમાંથી થોડીક વાનગી આપણને પ્રાપ્ત થયલી છે. સદરહુ પુસ્તક બહાર પડે કવિ નર્મદ અને નર્મદ યુગ વિષે તે મનનીય થઇ પડશે, એ વિષે અમને શંકા નથી. કરસનદાસ મૂળજી જાતના કપોળ વણિક હતા; ન્હાનપણમાં અનાથ થઈ પડ્યા હતા; પણ સ્વાશ્રયથી આગળ વધી સારી પ્રતિષ્ઠા અને આબરૂ મેળવ્યા હતા. એક સાહિત્યકાર તરીકે એમની સેવા પ્રશસ્ય છે; પણ એમની નામના એક પત્રકાર તરીકે અને તેથી વિશેષ જબરજસ્ત અને સાહસિક સુધારક તરીકે પ્રસરેલી છે. વિધવાવિવાહનો કાયદો તા. ૨૫ મી જુલાઇના રોજ અમલમાં આવ્યો તેની ઉજવણી સાથે કરસનદાસની જન્મતિથિ પણ અગાઉ વર્ષો વર્ષ સભાઓ ભરીને ઉજવાતી, અને તે સભાઓમાં એમનાં સુધારાના કાર્યોની, એમને જાહેર જુસ્સો અને હિંમત, સાહસ અને વીરતા જીવનમાં કટોકટીના પ્રસંગોએ એમણે બતાવી હતી, તેની મુક્તકંઠે પ્રશંસા થતી. મહીપતરામ પછી સમુદ્ર પ્રયાણ કરનાર ગુજરાતીએામાં એ બીજા બહાદુર નર હતા. એમણે તે પ્રવાસનું એક પુસ્તક લખેલું છે તે અને એમનું અન્ય લખાણ માહિતીવાળું અને પ્રબોધક માલુમ પડશે. મુંબાઈએ, જ્યાં એમની પ્રવૃત્તિ, વિશેષ કરીને હતી, એમની શતાબ્દી ઉજવવાની પહેલ કરી તે યોગ્ય થયું હતું અને એમાં ગૌરવભર્યું એ હતું કે એ શતાબ્દી સમિતિ વડોદરા નરેશ શ્રીમંત મહારાજા સયાજી રાવને, જેમણે સમાજ સુધારા પ્રત્યે બહુ સ્તુત્ય કાર્યો આરંભેલા છે;–પ્રમુખ તરીકે મેળવી શકી હતી. ઘણાં વર્ષો ઉપર કરસનદાસનાં લખાણોના પુનરોદ્ધાર કરવાનો પ્રયાસ સ્ત્રીબોધના તંત્રી શ્રીયુત કેશવપ્રસાદ છોટાલાલ દેસાઇએ કર્યો હતો અને જ્ઞાનવર્ધકમાળાના સંયોજક અને સંપાદક શ્રીયુત જીવણલાલ મહેતાનો સહકાર મેળવી એમનું “નીતિવચન” નામનું પુસ્તક ફરી પ્રગટ કર્યું હતું. તેમાં શ્રીયુત કેશવપ્રસાદે કરસનદાસનો પરિચય કરાવતો એક ચરિત્ર લેખ, તેની પ્રસ્તાવનારૂપે, લખ્યો હતો, તે ઉપયોગી હોઇ અન્યત્ર; ચારે ગ્રંથકાર ચરિત્રાવળીના ‘વિદેહી વિભાગ’માં આપ્યો છે. સમાજ સુધારાના ક્ષેત્રમાં કરસનદાસના જમાના પછી આપણો સમાજ ખૂબ આગળ વધેલો છે, એટલે એમનાં કાર્યો આજની પ્રજાને સામાન્ય અને પરિચિત લાગશે; પણ તે કાળે એ સુધારાનાં કાર્યો ઉપાડી લેવામાં એમણે જે વિટંબણાઓ વેઠી હતી, જે કષ્ટો સહન કર્યા હતાં, અને તેની પાછળ કોઈ પણ જોખમે અને ચિવટપણે વળગી રહીને એમણે એમનું ખમીર બતાવ્યું હતું, તે કોઈપણ સ્થળે અને કોઇપણ સમયે પ્રજાના આદરપાત્ર થાય. સ્વર્ગસ્થ એફ. એસ. પી. લેલીએ કરસનદાસ મૂળજી વિષે ગુજરાત કૉલેજની લિટરરી ક્લબ સમક્ષ વ્યાખ્યાન આપતા એમને વીરપુરુષ તરીકે સંબોધ્યા હતા એ અક્ષરસઃ સાચું હતું. પૂર્વજોને અંજલિ અર્પવાની પ્રથા આપણે અહિં પુરાતન કાળથી પ્રચલિત છે અને તે યોગ્ય છે. વર્ષના એક દિવસ એમનું શ્રદ્ધાપૂર્વક અને પૂજ્યભાવથી સ્મરણ કરીએ એ એમના વંશજો અને વારસોનું, અમે માનીએ છીએ, કે, પરમ કર્તવ્ય છે. વળી ગુરૂ પૂર્ણિમા ઉજવવાનો વિધિ સામાન્યતઃ જોવામાં આવે છે; અને ન્હાનપણથી આપણા બાળકોને શિખડાવવામાં આવે છે કે તારા માતપિતાને અને વડિલને માન આપ; તેમની પૂજા કર. આમ વડિલો અને ગુરુ પ્રતિ પૂજ્ય ભાવ અને કૃતજ્ઞતાની લાગણી દાખવવાની આજ્ઞા આપણા ધર્મગ્રંથોએ પરાપૂર્વથી કરેલી છે. પાશ્ચાત્ય દેશોમાં પણ એમના અગ્રેસર પુરુષો અને વિદ્વાનોનું સન્માન અને કદરસનાશી વિધવિધ રીતે કરવામાં આવે છે; તેની વિગતોમાં આપણે નહિ જઈએ, પણ ત્યાંના પ્રતિષ્ઠિત અધ્યાપકોનું સન્માન એમનું શિષ્ય મંડળ, મિત્રો અને પ્રશંસકો યોગ્ય સમયે પ્રેમાંજલીરૂપે એક ભેટ પુસ્તક યોજીને કરે છે; એમાં ગુણપૂજન અને ગુણગ્રાહકતાની સાથે સાહિત્યસેવાનો હેતુ પણ રહેલો હોય છે. આપણા ઈલાકામાં એ પ્રકારનું સન્માન સન ૧૯૨૧માં ડો. સર રામકૃષ્ણ ગોપાલ ભાંડારકરનું કરવામાં આવ્યું હતું; એટલુંજ નહિ પણ એમને પ્રિય એવી સંશોધન વૃત્તિ અને પુરાતત્ત્વના અભ્યાસને ઉત્તેજન મળે એ ઉદ્દેશથી, એવું એક સંશોધન મંદિર અને અભ્યાસગૃહ એમનું નામ તેની સાથે જોડીને, સ્થાપ્યું હતું, તે સંસ્થા એમનું જીવન કાર્ય આજે બહુ સારી રીતે આગળ વધારી રહી છે. તે પછી આપણે અહિં એવા બીજા સમારંભો થયા છે, જેવા કે, વસન્ત રજત મહોત્સવ, કવિ ન્હાનાલાલ સુવર્ણ મહોત્સવ, શ્રીયુત ખબરદાર કનકોત્સવ; પણ એ સૌમાં શ્રીયુત નરસિંહરાવ અને દી. બા. કેશવલાલ ભાઇ, એમના પોણોસોમા વર્ષમાં પ્રવેશ કરતા એ બંનેને અભિનંદન આપવાના પ્રસંગો યોજાયા હતા તે વિશિષ્ટ પ્રકારના છે; તેઓ પોણોસોમા વર્ષમાં પ્રવેશ કરે છે એ બિના જાહેર થતાં, આનંદ અને ઉત્સાહભર્યા, અભિનંદનના ઉદ્ગારો, ચારે તરફથી સ્વયંભૂ પ્રકટી ઉઠ્યા હતા, તે એ બે વિદ્વાનો પ્રત્યે ગુજરાતી જનતાના અગાધ માન અને આભારની લાગણીના સૂચક હતા. લગભગ પચાસ વર્ષ થયાં તેઓ એકનિષ્ઠાથી સાહિત્ય સેવા કરતા રહ્યા છે, અને તે સેવા જેમ અપૂર્વ તેમ કિંમતી છે. પંચોતેરમે વર્ષે પણ તેઓ આપણને એમની ઉત્તમ કૃતિઓ, એમના પરિપક્વ વિચાર અને બહોળા જ્ઞાનને નિષ્કર્ષ, આપવાનું ચૂક્યા નથી. પંદરેક વર્ષપર શ્રીયુત નરસિંહરાવને મુંબાઇ યુનિવરસિટિએ વિલ્સન ફાઈલોલોજીકલ લેકચર્સ આપવાને નિમંત્રણ કર્યું હતું. એ એક અસાધારણ માન હતું. અને વ્યાખ્યાતાએ પોતાના વિષયને સંપૂર્ણ ન્યાય આપ્યો છે એમ કોઈપણ તે વ્યાખ્યાનનું પુસ્તક જોનાર કહેશે. એ વ્યાખ્યાનનો એક ભાગ સન ૧૯૨૫માં પ્રસિદ્ધ થયો હતો, અને અધુરો રહેલો બીજો ભાગ આ વર્ષે બહાર પડ્યો હતો. ગુજરાતી ભાષા સાહિત્યને લગતાં પુસ્તકોમાં એ એક સંગીન અને ઉત્તમ પુસ્તક છે એમ કહેવામાં અમે અતિશયોક્તિ કરતા નથી. એમના ભાષાશાસ્ત્ર વિષેના વિચારો વિષે અમે કાંઈ અભિપ્રાય આપી શકીએ એમ નથી પણ એમણે ૬ઠ્ઠા વ્યાખ્યાનમાં ગુજરાતી સાહિત્યનું ઐતિહાસિક દિગ્દર્શન વિદ્વતાભર્યું કરેલું છે; તે મનનીય માલુમ પડશે; પણ એમાંના કેટલાક અભિપ્રાયો વિષે અમને ભીતિ છે કે તેના અભ્યાસીઓમાં મતભેદ રહેવાનો. પ્રાકૃત ભાષાના વિકાસ અને ઉત્ક્રાંતિ વિષે ડો. સર રામકૃષ્ણનાં વિલ્સન ફાઈલોલોજીકલ વ્યાખ્યાનો જેમ સર્વમાન્ય અને અભ્યાસ યોગ્ય નિવડ્યાં છે તેમ શ્રીયુત નરસિંહરાવનાં ગુજરાતી ભાષા ને સાહિત્ય વિષેનાં વ્યાખ્યાને–બે પુસ્તકમાં–એ વિષયના અભ્યાસીને અવશ્ય માર્ગદર્શક અને મદદગાર થઇ પડશે; તે સંબંધમાં એક ન્હાની પણ નોંધવા જેવી બીના એ છે કે શ્રીયુત નરસિંહરાવે સદરહુ વ્યાખ્યાનોનું પુસ્તક એમના ગુરૂ ડો. સર રામકૃષ્ણ ભાંડારકરને અર્પણ કર્યું છે. એ ગુરુદક્ષિણા પાછળ રહેલો શિષ્યનો પૂજ્ય ભાવ ખાસ આદરણીય છે. એવા કૃતજ્ઞી શિષ્યને કોણ ન પ્રશંસે? સન ૧૯૩૩માં પ્રસિદ્ધ થયેલું એમનું બીજું પુસ્તક ‘વિવર્ત લીલા’ એ નવીન કૃતિ નથી; પણ ‘વસન્ત’માં અગાઉ “જ્ઞાનબાળ”ની સંજ્ઞાથી એમણે ૧૯ લેખો લખ્યા હતા તે પુસ્તકાકારે એમાં સંકલિત કર્યા છે. એ લેખો પ્રકટ થવા માંડ્યા ત્યારથી તેની નિરૂપણ શૈલીની નવીનતા અને એની વિચારસરણીની વિવિધતા અને સચોટતાને લઈને ઘણાનું ધ્યાન એ લેખો પ્રતિ ખેંચાયું હતું. એ લેખન શૈલી નિબંધના સ્વરૂપને અનુરૂપ નહોતી; તેમ તે અસંબધ છૂટાછવાયા વેરાયલા પડેલા એકલા વિચાર પુષ્પો પણ નહોતા. એ વિચારોની પાછળ કાંઇક આંતરિક સંકલના દૃષ્ટિગોચર થાય છે, પણ તે હેતુ પુરઃસરની નહિ. હેતુરહિત બહાર મોજની ખાતર ફરવાને નિકળી પડીએ, અને મજલ દરમિયાન આસપાસના દૃશ્યો, પ્રાકૃતિક અને સૃષ્ટિસૌન્દર્યનાં અવલોકી કાંઈ કાંઇ વિચારો સ્ફુરી આવે અને એક વિચારમાંથી બીજા વિચારમાં ઉતરી પડીએ, તેમાં સળંગતા ન જણાય, છતાં છેવટે કોઈ પ્રકારના વિચાર કે ભાવનાના સૂત્રથી સંકળાયલા તે માલુમ પડે છે; લેખકે, કલમ સાથે રમતા ન હોય એમ-જેમ કવિવર ટાગોરે કલમ સાથે રમત રમતા અંતરના ભાવને વ્યક્ત કરતા સુંદર ચિત્રો ઉપજાવ્યા–એકાદ વિચાર સ્ફુરી આવતાં અન્ય વિષયોમાંથી તેને અનુરૂપ અને પોષક વિચારોની ફુલગુંથણી કરી આ લેખો ઉપજાવ્યા છે. અને તે વિચારોત્તેજક તેમ સુરેખ માલુમ પડે છે. ઉપર કહ્યું તેમ એ વિચાર શૈલી રસળતી (rambling) પણ વૈવિધ્યવાળી, ચિંતન ભરી પણ કઠિન નહિ, અને તે વાચકને જરૂર આકર્ષશે. તેનો ખ્યાલ આવવા નમુનારૂપે એમાંથી એક ફકરો ઉતારીશું:— “પણ અભિનયની મૂક શક્તિ કરતાં પણ વિશેષ, શતગુણ, સહસ્રગુણ, મૂકશક્તિ સંગીતની નિર્વિવાદ સ્વીકારાશે. અર્થયુક્ત વાણીમાં પૂરાયલું સંગીત નહિં, પ્રયોજિત સંગીત નહિં, પણ અલિપ્ત સંગીત, નાદના વિલક્ષણ સ્વરૂપ વડે જ સમર્થ અસર કરે છે; તે શક્તિનો અર્થયુક્ત વાણી જેડે સંબન્ધ કશો નથી, અર્થવિયુક્ત નાદ તે જ હેની સામગ્રી છે. માટે જ એ વિશિષ્ટ અર્થમાં જ, હું એ શક્તિને મૂકશક્તિ અહિં કહું છું. (ભાષામાં શબ્દશક્તિ જોડે આમ રમત રમવી એ દોષ ગણાય તો ઉપાય નથી; માનવ વાણીનું અસામર્થ્ય મ્હને આમ પ્રવૃત્ત કરે છે.) મ્હને સંગીતની આ અલૌકિક શક્તિ ઉપર બહુ શ્રદ્ધા છે. મલિન સંસારના રાગદ્વેષ, હર્ષશોક,
કલહો કપટો જનમંડળનાં,
વળી દુષ્ટ વિકાર અમંગલતા,
અહિં પાર્થિવ જીવનને વળગ્યાં,
સહુ દુઃખદ જે ન રહે અળગાં;
ત્હેનો અતિ કર્કશ નાદ વિલુપ્ત કરવાનું સામર્થ્ય એ સંગીતશક્તિમાં છે. શાથી છે તે હું જાણતો નથી, જાણવાને ઈચ્છતો નથી; એ સંગીત આ લોકમાં ઉત્પન્ન થાય છે છતાં પરજીવનનાં દીપ્તિભર્યા દર્શન કરાવવાને સમર્થ છે, તેથી લાગે છે કે હેનું સ્થૂલ શરીર ભૌતિક છે, પણ સૂક્ષ્મ શરીર કોઇ દિવ્ય પદાર્થનું જ બનેલું હશે. આ માનવજીવનમાં અમંગલ અંશોને લુપ્ત કરવાની સંગીતની શક્તિ એક સામાન્ય અંગ્રેજી બાલગીતની ધ્રુવપંક્તિમાં સરસ રીતે સૂચવાઈ છેઃ Singing sweetens every life and has no thought of wrong.
“સહુ જનનાં જીવનને મધુર બનાવે મનોજ્ઞ સંગીત,
જે’માં લવ નવ વસતો અપકારવિચાર કોઈ પણ રીત્ય.”
ટેનિસને પણ આ સંગીતશક્તિને પોતાની તરફથી પ્રમાણ આપ્યું છેઃ
The woods were filled so full with song,
There seemed no room for sense of wrong.
(“The Two Voices”).
“વનમાં સંગીત બધે હેવું ભરિયું રહ્યું’તું ભરપૂર,
અપકારભાનને ત્ય્હાં સ્થાન ન દીસે કહિં જ તલપૂર.”
આથી પણ વિશેષ સામર્થ્ય સંગીતનું બીજી દિશામાં પ્રવર્તે છે. ‘સ્નેહીઓનાં સહજીવન’ વિશેના લેખમાં માનવ પ્રાણીની પરસ્પર વિયુક્ત દશા વિશે ચર્ચા થયેલી વાંચી જોઈ; હેમાં એક કલ્પના આમ છેઃ– પ્રત્યેક માનવવ્યક્તિનું હૃદય અમુક મર્યાદાની પાર આત્મનિયન્ત્રિત રહી એક અપ્રાપ્ય દ્વીપરૂપ રહે છે; હૃદય હૃદયની આસપાસ અગમ્યતાને સાગર વીંટાઇ વળેલો હોય છે; અને એક દ્વીપમાંથી બીજા દ્વીપમાં હૃદયધ્વનિ સામુદ્રધુની ઉપર થઈને પેલી પાર પ્હોંચતા પ્હોંચતામાં ઝાંખા થઇ જાય છે, બદલાઈ જાય છે; અને માત્ર પરસ્પર ગેરસમઝ ઉત્પન્ન થાયછે; કાંઈ નહિ તો પરસ્પર એકતાનતા તો સધાતી નથી જ. હાવા હૃદયદ્વીપોને જોડનાર સેતુનું સ્થાન આ અલિપ્ત સંગીત લેઇ સકે છે. પરસ્પર હૃદયબોધ થવામાં અંતરાયરૂપ અનેક સાગરતરંગો એ સૂક્ષ્મ તત્વથી બંધાયલા સેતુને ભંગ નથી કરી સકતા. સંગીતનો દીવ્ય ધ્વનિ પ્રગટ થયો, હેના સ્વરોની અદ્ભુત કમાનો રચાઈ, એટલે આપોઆપ હૃદય હૃદય વચ્ચે સંયોગ થઇ જાય છે, –જે અન્ય સાધનથી થતો નથી. પણ આ અદ્ભુત પરિણામ બન્ને પક્ષના હૃદયની તત્પરતા ઉપર આધાર તો રાખે જ છે; તેમજ સંગીતની અલૌકિકતા ઉપર પણ આધાર છે. હાલ આપણા દેશમાં રાષ્ટ્રિય પ્રશ્નોને સંબંધે આપણા સ્વદેશબંધુઓમાં જે અસાધ્ય હૃદયભેદ થયો છે તે ભેદ સાંધવાને, હૃદયદ્વીપોને જોડનારો સેતુ બાંધનારું કોઇ અલૌકિક સંગીત પ્રગટ નહિં થાય ? હાલના સમયના વિશ્વવ્યાપિ મહાવિગ્રહમાં માનવ પ્રજાઓમાં પ્રચંડ વિચ્છેદ થયો છે, તે મટાડવાને દિવ્ય સંગીતની ઘોષણા સ્વર્ગના ઊંચાં દ્વારોમાંથી પ્રગટ નહિ થાય ?–મ્હને ઘણીવાર કાંઇક ઘેલી ઉર્મિ થઈ આવે છે કે હું આકાશમાં ચઢું ને હેવી અલૌકિક સંગીતઘોષણા કરી સકું કે સર્વ માનવજાતિ એકાએક શાન્ત, સ્તબ્ધ થઈ જાય, શસ્ત્રઓ પડી જાય, અન્યોન્ય ઐક્ય થઈ જાય :
“સુણી જે વશવર્તિ બની ઠરતા
હરણાંસમ અબ્ધિતરંગ બધા.” હેવું પરિણામ આવે.[1]
ઘણાં વર્ષો પૂર્વે સ્વર્ગસ્થ દયારામ ગિદુમલ અમદાવાદ સેસન્સકોર્ટના જડજ હતા ત્યારે તેઓ અમદાવાદ સ્ટુડન્સ્ટ બ્રધરહુડના પાંચ સભ્યોને દર રવિવારે કવિ ટેનિશનનું જાણીતું “ઇન મેમોરિયમ” કાવ્ય શીખવતા. આખા કલાકમાં એક કે બે કડીઓ પૂરી વંચાતી નહિ પણ તે પર એમાંથી એક કેન્દ્રિત (Central વિચારને લઇ, તેના જુદા જુદા શબ્દો, શબ્દ સમૂહો ઉપમા ઉપર પોતાના બહોળા વાંચનમાંથી બંધબેસ્તા ઉદાહરણો આપી એટલી સ્પષ્ટતાથી વિવેચન કરતા કે તેનું તારત્મ્ય ઝટ સમજાતું, અને તે વિવરણ આનંદદાયક તેમ વિચારશક્તિને વિકસાવનારૂં થઈ પડતું. જેઓએ એમનું Leaves from the diary of a Hindu devotee નામનું પુસ્તક વાંચ્યું હશે તેમને એ પ્રવચન શૈલીનો કાંઈક ખ્યાલ આવશે. લન્ડનના સનડે ટાઇમ્સમાં ઈ. વી. લ્યુકાશનું પ્રતિ અંકમાં (The wanderer’s note book) એ મથાળા હેઠળ એક કોલમ ઉપરોક્ત લેખન શૈલીનું, એકાદા વિષયપર લખાણ આવે છે. તે લખાણ પણ બહોળું લોકપ્રિય નીવડ્યું છે, જો કે શ્રીયુત નરસિંહરાવના લખાણમાં તત્વચિંતન, કળા, અને સાહિત્યનું વિવેચન મુખ્યત્વે હોય છે. આ પ્રકારની લેખનશૈલી શ્રીયુત નરસિંહરાવે નવીન દાખલ કરેલી છે; એમની વિદ્વત્તા, બહુ શ્રુતતા, રસિકતા અને ધર્મચિંતન સુવિદિત છે, અને તેને પરિચય આપણને આ ‘વિવર્તલીલા’ નામક લેખ સંગ્રહમાં થાય છે. તે પુસ્તકના નામનું સમર્થન એમણે પ્રથમ લેખમાં વિદ્વત્તાપૂર્વક કર્યું છે પણ એ શબ્દની સાથે વેદાન્તની પરિભાષાના સંસ્કાર જાગૃત થાય છે; અને તેથી તે નામ કાંઈક ખટકે છે; પણ આપણને નામ સાથે નિસ્બત નથીઃ એમાંની વસ્તુ મહત્વની છે; અને તે પ્રતિ વાચકનું લક્ષ દોરી તેના રસપ્રવાહમાં અવગાહન કરવા વિનવીશું. દી. બા. કેશવલાલભાઇ તરફથી પણ આ વર્ષમાં એમના વિશિષ્ટ અભ્યાસનાં ફળરૂપ બે પુસ્તકો પ્રાપ્ત થયલાં છે. (૧) પદ્યરચનાની ઐતિહાસિક આલોચના, અને (૨) પ્રેમાનંદના બાર માસ એમાંનું પહેલું પુસ્તક મુંબઈ યુનિવરસિટીનાં નિમંત્રણથી આપેલા વસનજી માધવજી વ્યાખ્યાનોનો સંગ્રહ છે અને બીજું પ્રેમાનંદે બાર માસ રચેલા તેનું તેર પ્રતો પરથી સંશોધન કરી કવિની શુદ્ધ ટેક્ષ્ટ આપવાનો એમણે પ્રયત્ન કર્યો છે. પદ્યરચનાની ઐતિહાસિક આલોચના એ ચર્ચા આપણા સાહિત્યમાં નવીન ને પ્રથમ છે; અને તેની શરૂઆત એમણે સન ૧૯૦૭ માં બીજી ગુજરાતી સાહિત્ય પરિષદમાં “પદ્યરચનાના પ્રકાર” એ વિષય પર નિબંધ લખી મોકલી કરી હતી. છંદના બંધારણમાં ક્રમે ક્રમે કેમ વિકાસ અને ફેરફાર થતો રહ્યો એ જ્ઞાન સાહિત્યના અભ્યાસીને જે તે કવિને અભ્યાસ કરવામાં, તેનું સ્થાન નક્કી કરવામાં, તેનો કાળ નિર્ણય કરવામાં કેટલીક વાર ઉપયોગી થઇ પડે છે, તેમ કવિની શક્તિના વિકાસની પરીક્ષા કરવાનું પણ એથી સુગમ થાય છે. અર્વાચીન ગુજરાતી કવિતામાં નવા છંદોની રચના અને પ્રચાર કોણે કોણે કર્યા એ વિષયને શ્રીયુત રામનારાયણ પાઠકે એમના ગત વર્ષે પ્રસિદ્ધ થયલાં (સન ૧૯૩૩) “આપણી અર્વાચીન ગુજરાતી કવિતા” નામક પુસ્તકમાં શાસ્ત્રીય રીતે અવલોક્યો છે. આપણા જુના કવિઓએ વૃત્તમાં-છંદમાં લખેલી કવિતા બહુ થોડી મળી આવેલી છે, અને પ્રાચીન સાહિત્યના ઇતિહાસમા કેટલીક ત્રુટીઓ છે તેમજ માહિતીનો અભાવ છે, તેનો નિર્ણય કરવામાં આ છંદરચનાની કસોટી સાહિત્યના અભ્યાસીને ખાસ મદદગાર નિવડે છે. પ્રસ્તુત વ્યાખ્યાનોમાં દી. બા. કેશવલાલભાઈ છંદરચનાના વિષયને છેક ઋગ્વેદના કાળથી શરૂ કરી, અપભ્રંસ, યુગ સુધી આવી પહોંચીને અટકે છે. જો તેઓ એમાં ગુજરાની છંદ રચનાના પ્રકારને ઉમેરી શક્યા હોત તો ગુજરાતી સાહિત્યના અભ્યાસીને તે ભાગ બહુ કિંમતી થઈ પડત; એ વિષયપર એમાંથી ઘણું ઘણું નવું જાણવાનું મળત. આ છંદરચનાના બંધારણની કસોટી કવિની ટેક્ષ્ટ નક્કી કરવામાં કેવી રીતે ઉપયોગી થઇ પડે છે, એનું દૃષ્ટાંત એમના એક વ્યાખ્યાનમાંથી આપીશું : “પદ્યરચનાની ચર્ચાને અહીં જે મહત્ત્વ આપ્યું છે તેનૂં કારણ એ છે, કે આપણું જૂનૂં સાહિત્ય લગભગ બધૂંએ પદ્યમાં છે. એનો સાક્ષાત્કાર કરવામાં પદ્યરચના ઉપર પરકમ્માવાસીએ અવિચલ દૃષ્ટિ રાખવાની જરૂર છે. ગદ્યના સંશોધન કાર્ય સરળ છે. અનેક ઉપલબ્ધ પાઠમાંથી કયો સારો છે, એટલું તેમાં જોવાનૂં હોય છે. પદ્યના સંશોધનમાં સ્વીકૃત પાઠ પદ્યબંધમાં બેસતો આવે છે કે નહિ, તે પણ વિચારવાનૂં રહે છે. પ્રેમાનંદના નળાખ્યાનમાં ‘મક્ષિકા પ્રથમે ગ્રાસે’ જેવૂં બન્યૂં છે. એ આખ્યાનના પહેલા કડવાની ચોથી કડીમાં “પશુપતાકાસ્ત્ર પશુપતિએ આપ્યૂં” એવો મુદ્રિત પાઠ છે. તેમાં બે પ્રકારની અશુદ્ધિ જોવામાં આવે છે. એક તો એ કે પશુપતાકાસ્ત્ર એ નામનું કોઈ અસ્ત્ર છે નહિ. બીજી એ કે મુદ્રિત પાઠથી પદ્યનું માપ સચવાતૂં નથી. પદ્યાત્મક કૃતિમાં રચના માપસર હોવી આવશ્યક છે. ઉપયુક્ત દેશી અહીં છ માત્રા જેટલા માપના શબ્દનો પ્રયોગ માગી લે છે. એની ગરજ પશુપત બોલ પૂરેપૂરી રીતે સારે છે, પશુપતિના અસ્ત્રનૂં નામ પાશુપત છે. અર્થાત્ એ બોલ વાપરવો અહિં ઉચિત છે. મહાભારતનાં પાનાં ઉથલાવૂં છૂં તો કૈરાતપર્વમાં પશુપત અસ્ત્રનોજ ઉલ્લેખ કરેલો જોઉં છૂં. તેથી કહૂં છૂં કે ઉપલબ્ધ પાઠ ગમે તે હોય, પણ ગ્રાહ્ય પાઠ તો નિઃસંશય ‘પશુપત’ જ છે. પ્રેમાનંદ જેવો સંસ્કૃતજ્ઞ દેશીકુશળ આખ્યાનકાર ‘પશુપતાકાસ્ત્ર’ પદ અહિં વાપરે એ બને નહિ. ઉક્ત ઉદાહરણમાં એક જ શબ્દ ભ્રષ્ટ છે. કોઇ કોઇ વખત તો ભ્રષ્ટતા પદ્યબંધની રગે રગમાં વ્યાપી ગયેલી જોવામાં આવે છે.”[2] પ્રાચીન કાવ્યોનું સંશોધન કરવામાં દી. બા. કેશવલાલભાઇએ બહોળી ખ્યાતિ પ્રાપ્ત કરેલી છે. મૂળ કાવ્યની ટેક્ષ્ટ નક્કી કરવામાં તેઓ છૂટ લે છે, પણ તેમાં મુખ્યત્વે ઉપલબ્ધ પ્રતોમાંના પાઠનો ઉપયોગ કરે છે, અને જરૂર જણાયે અનુમાન કરી મૂળ પ્રતમાં યોગ્ય શબ્દોના ઉમેરા કે ફેરફાર કરે છે. કેટલાકને એ પ્રથા પસંદ પડતી નથી, પણ કેશવલાલભાઇની દલીલના સમર્થનમાં એટલું જણાવવું જોઈએ કે એથી મૂળ ટેક્ષ્ટ સુવાચ્ચ અને શુદ્ધ બને છે. એ પાઠની પસંદગીમાં અને નિર્ણય કરવામાં તેઓ એટલી બધી કાળજી, ખંત, ધૈર્ય, દીર્ઘ ઉદ્યોગ, અને ઝીણવટ વાપરે છે કે તેનો ખ્યાલ આવવા એમણે તાજેતરમાં બહાર પાડેલું પ્રેમાનંદકૃત બાર માસનું કાવ્ય જોઇ જવા સૂચવીશું, અને તે પરત્વે એમના જ વિચારો એ કાવ્યમાં પ્રસ્તાવનામાંથી ઉતારવા બંધબેસ્તું થઇ પડશે. “હાથપ્રતોની પરંપરાગત વાચના વિશે એટલૂં જ કહેવૂં બસ છે કે એકેએક પ્રતના પાઠ ભ્રષ્ટ છે, પદ ઉડી ગયાં છે; પંક્તિઓ રહી ગઈ છે; સંવાદને અર્થને અને પ્રાસને હાનિ પહોંચી છે; અને કર્તાનાં નામ પણ અવળસવળ ગોઠવાયાં છે. શિરોહીની હાથ પ્રતમાં પ્રાંતિક બોલીનો પાસ બેઠો છે અને વડનગરની પ્રતમાં ભટ પ્રેમાનંદના સમય પૂર્વેનો જૈન રાસાની બોલી એકાએક વાંચનારનું ધ્યાન ખેંચે છે. કંઠેથી પત્રે ચડનારા લોકપ્રિય કાવ્યની બહુધા એજ દશા થાય છે. એના ઉતારનાર પુરુષો લહિયાના વર્ગના નથી હોતા. પ્રાકૃત મનુષ્યો જીભે ચડે અને હાથે ઉતરે એવું લખે છે. પ્રેમાનંદના સમયમાં આમવર્ગની કેળવણીનૂં ધોરણ ઉતરતૂં જતૂં હતૂં. આ કારણથી લહિયાના હાથે લખાયલી મૃતભાષાના સાહિત્યની હાથપ્રતો બહુ ખામીભરેલી નીવડે એ સ્વાભાવિક છે. આવા આવા સંજોગમાં ઉતારનાર કરતાં રચનાર તરફ લક્ષ વિશેષ દોરવૂં ઘટે છે.”[3] વર્ષ આખરે નાતાલના તહેવારોમાં વડોદરા રાજ્યની રાજધાની વડોદરામાં શ્રીમંત મહારાજા સર સયાજીરાવના આશ્રય હેઠળ સાતમી પૌર્વાત્ય કોન્ફરન્સ સુપ્રસિદ્ધ પુરાતત્ત્વિદ શ્રીયુત કાશીપ્રસાદ જયસવાલના પ્રમુખપદે અને આપણા રાજવી કવિ કલાપીના પુનિત ધામ લાઠીમાં ઠાકોર સાહેબ પ્રહ્લાદસિંહજીની ઉદાર સહાયતાથી અગીઆરમું ગુજરાતી સાહિત્ય સંમેલન આપણા એક પ્રતિષ્ઠિત સાક્ષર દી. બા. કૃષ્ણલાલ ઝવેરીના નેતૃત્વ નીચે, મળ્યાં હતાં. બંને પ્રવૃત્તિઓના આશય સમાન છે; ફક્ત તેમના કાર્યપ્રદેશની મર્યાદામાં તફાવત પડે છે; એક પ્રાંતીય ભાષા, સાહિત્ય, ઇતિહાસ અને સંસ્કૃતિના પુનરુદ્ધાર અને અભિવૃદ્ધિ અર્થે પ્રયાસ આદરી રહી છે, ત્યારે ત્યારે બીજીનું ધ્યેય અખિલ ભારતવર્ષ પરત્વે છે; અને અત્યાર સુધીની કાર્યવાહી જોતાં તેનું કામકાજ યશસ્વી જણાયું છે. ગુજરાતી સાહિત્ય પરિષદની સ્થાપના એ પ્રકારની પ્રવૃત્તિઓમાં પ્રથમ હતી પણ તેની પ્રગતિ આપણે ઇચ્છિએ એટલી ત્વરિત અને કાર્યસાધક નિવડી નથી. સાહિત્ય સંમેલનની બેઠકના દિવસો થોડા આઘાપાછા રખાયા હોત તો ગુજરાતમાંથી બહુ સારી સંખ્યામાં સાહિત્ય રસિકો કાઠિયાવાડના એ તીર્થધામના દર્શને જાત. એ બંને સંમેલનોના પ્રમુખોનાં વ્યાખ્યાનમાં એકજ પ્રધાન સુર સંભળાયો હતો અને તે એ કે આપણા દેશનો વા પ્રાંતનો, પ્રમાણભૂત અને સવિસ્તર ઇતિહાસ આલેખવાનું કાર્ય તાકીદે હાથ ધરાવું જોઇએ છે. શ્રી. જયસવાલે ‘ભારશૈવ વંશને ઇતિહાસ’ પુનઃ પ્રકાશમાં આણ્યો છે. ડે. સર રામકૃષ્ણના અવસાન પછી હિન્દના ઇતિહાસ વિષે જેમના લેખો જિજ્ઞાસાપૂર્વક વંચાતા હોય અને જેમના અભિપ્રાયનું વજન પડતું હોય તો તે શ્રીયુત જયસવાલ છે. કેટલાક વર્ષો પર હિન્દુ રાજનીતિ (Hindu Polity) વિષે એક કિંમતી પુસ્તક એમણે લખ્યું હતું. તે હિન્દના પ્રાચીન રાજ્યવહિવટ અને રાજબંધારણ ઉપર અપૂર્વ પ્રકાશ પાડે છે. હિન્દમાં પૂર્વે પ્રજાસત્તાક રાજ્ય જેવું કાંઈ નહોતું એમ ઘણા વિદેશી વિદ્વાનો ભારપૂર્વક જણાવતા પણ શ્રીયુત જયસવાલે પ્રાચીન સાહિત્ય ગ્રંથો અને તામ્રપટોમાંથી ઉતારા અને દાખલાઓ આપીને એ ભ્રમનું નિરસન કર્યું છે. એમના એ ગ્રંથનો ગુજરાતી તરજુમો સન ૧૯૩૩ માં સોસાઈટીએ જુજ કિંમતે બહાર પાડેલો છે અને તે તરજુમો ભાષાંતર કળામાં પ્રવિણ થયલા, મુંબાઈ ઓરિએન્ટલ ટ્રાન્સલેશન ડિપાર્ટમેન્ટના નિષ્ણાત રા. ચંપકલાલ લાલભાઇએ કરેલો છે. આપણા પ્રાચીન ઇતિહાસ અને સંસ્કૃતિમાં રસ લેતા સૌએ આ પુસ્તક વાંચવા જેવું છે. દી. બા. કૃષ્ણલાલભાઇએ પણ એમનાં વ્યાખ્યાનમાં આપણી ઐતિહાસિક સાધનસામગ્રીની સમાલોચના કરી, એ વિષયને યોગ્ય ન્યાય આપી શકે એવા કેટલાક જાણીતા નામોનો ઉલ્લેખ કર્યો હતો; પરંતુ શ્રી. જયસવાલની પેઠે ઇતિહાસ આલેખતી કોઈ યોજના તુરત ઉપાડી લેવાને બદલે ગુજરાતમાં કોઈ ઓઝાજી જેવો વિદ્વાન પાકશે એવી આશા પ્રદર્શિત કરી તે કાર્ય ભાવિ પર છોડ્યું હતું; એ અમને યોગ્ય લાગ્યું નથી. પ્રસ્તુત વર્ષમાં મિરાતે એહેમદી વો. ૨ એ નામના ફારસી ઇતિહાસ ગ્રંથનો દી. બા. કૃષ્ણલાલ ઝવેરીએ કરેલો તરજુમો ગુ. વ. સોસાઇટી તરફથી પ્રસિદ્ધ થવા માંડ્યો છે. સન. ૧૭૫૭ થી ૧૮૫૭ સુધીનો આપણા પ્રાન્તનો ઇતિહાસ સાવ અંધકારમાં છે. એ આખ્ખું સૈકું અંધાધૂનિ અને લુંટફાટભર્યું હતું. એ સમયનો કોઈ સારો ઇતિહાસ પણ ઉપલબ્ધ નથી. એ વિષે ઉપરોક્ત મિરાતે એહેમદીમાંથી સારી માહિતી મળી આવે છે; એ કાળે મરાઠી સત્તાનું પ્રાબલ્ય વિશેષ હતું; અને એ પેશ્વા સરકારનું દફતર બરાબર તપાસાઈ તેમાંથી મહત્વનો રેકર્ડ પુસ્તકાકારે પ્રકટ થવા માંડ્યો છે; અને તેનાં આજસુધીમાં રા. સા. ગોવિંદ સખારામ સરદેસાઈનો તંત્રીપદ હેઠળ ૪૧ પુસ્તકો બહાર પડ્યાં છે.[4] તદુપરાંત ઈંગ્રેજી સાધનો વિપુલ અને વ્યવસ્થિત મળી આવે છે; માત્ર જરૂર છે, તેનો અભ્યાસ થવાની અને તેનો યથાયોગ્ય ઉપયોગ કરવાની; શ્રી ફોર્બસ સભાના કાર્યકર્તાઓ ઈચ્છે, તે એ કાર્ય સહેલાઈથી ઉપાડી લઈ શકે એમ છે. અને તે કામમાં “ગુજરાતનું પાટનગર” ના લેખક શ્રીયુત રત્નમણિરાવની સેવા મદદગાર થઈ પડે. દી. બા. કૃષ્ણલાલભાઇએ મન પર લીધું હોત તો ગુજરાતના પ્રાચીન ઇતિહાસનો એક વિભાગ, હિન્દુરાજ્યનો ઇતિહાસ, ચાવડાવંશથી તે વાઘેલાવંશના અંત સુધીનો રા. બા. ગૌરીશંકર ઓઝાની સહાયતા મેળવી અથવા તેમના સામાન્ય તંત્રીપદ હેઠળ, લખાવવાની યોજના રજુ કરી શકત. ગુજરાતના પ્રાચીન ઇતિહાસનું એ એક ઉજ્જવળ પ્રકરણ છે; અને તે માટે સાધનસામગ્રી પુરતી તેમ સમકાલીન સુભાગ્યે મળી આવે છે; અને વધારામાં તે યુગના ઇતિહાસના સારા અભ્યાસીઓ પણ મળી શકે એમ છે. રા. બા. ગૌરીશંકરે એ યુગના સાધનોનું સારી રીતે અધ્યયન કરેલું છે, એટલુંજ નહિ પણ કુમારપાળના સમય સુધીનો ઇતિહાસ-રેખાત્મક પણ વિશ્વસનીય લખી ચૂકેલા છે; અને દક્ષિણના ચાલુક્યનો ઇતિહાસ એમણે ઘણાં વર્ષો પૂર્વે રચેલો ઇતિહાસરસિકોને સુપરિચિત છે. એ આખી જવાબદારી ઉપાડી લેવાની અશક્તિ અવસ્થાને લઇને તેઓ કદાચ દર્શાવે પણ એમના તરફથી પૂરી સહાયતા-માર્ગદર્શક તેમ વ્યવહારોપયોગી–જરૂર સાંપડે. તેઓ એક ગુજરાતી જ છે, અને નડિયાદ સાહિત્ય પરિષદના ઇતિહાસ વિભાગનું અધ્યક્ષ સ્થાન સ્વીકારી તેને દીપાવ્યું હતું. એટલે એમની પાસે થોડી ઘણી મદદની આપણે આશા રાખી શકીએ. એવા સમર્થ વિદ્વાન બીજા મુનિશ્રી જિનવિજયજી છે. એમણે “પ્રબંધ ચિંતામણિ”નું સંપાદન કાર્ય નવેસર હાથ ધરેલું છે અને તેનું પહેલું પુસ્તક આપણને પ્રસ્તુત વર્ષમાં મળી ગયું છે. એમાં દર્શાવેલી એમની વિસ્તૃત યોજના લક્ષમાં લેતાં તે સર્વ ભાગો પ્રસિદ્ધ થયે ગુજરાતના ઇતિહાસ પર બહુ સારો પ્રકાશ પડશે, અને જેમણે એમના વસનજી માધવજી ઠક્કર વ્યાખ્યાનો સન ૧૯૩૩ માં મુંબાઈ યુનિવરસિટી તરફથી આપેલાં સાંભળ્યા હશે તેઓ કહી શકશે કે સોલંકી અને વાઘેલા રાજ્ય વિષે તેમનું વાચન અને જ્ઞાન બહાળું છે. એમની સહાયતામાં શ્રીયુત દુર્ગાશંકર કેશવરામ શાસ્ત્રી જેવા વિદ્વાનની મદદ મેળવવામાં મુશ્કેલી નડે નહિ. એ વિદ્વાને સન ૧૯૩૩માં શ્રી ફોર્બસ સભાને પ્રબંધ ચિંતામણિ અને ચતુર્વિશંતિ પ્રબંધ એ બે સંસ્કૃત પુસ્તકો નવેસર સંપાદન કરી આપ્યાં હતાં; અને તે યુગના ઇતિહાસમાં તેઓ કેટલા ઉંડા ઉતરેલા છે, તેનો ખ્યાલ એમનું “ગુજરાતના મધ્યકાલીન હિન્દુ–રાજપુત યુગના ઇતિહાસમાં પ્રબંધાત્મક સાધનો” એ વ્યાખ્યાન વાંચેથી આવશે. ઇતિહાસ ગ્રંથો અને ઐતિહાસિક સાધનો અભ્યાસીઓને ઉપલબ્ધ થાય એ હેતુથી તેના પુનઃ પ્રકાશન કાર્યનું શ્રી ફોર્બસ સભાએ શરૂં કરેલું છે; પણ તે અમને સંતોષકારક જણાયું નથી મુનિશ્રી જિનવિજયજી સંપાદિત પ્રબંધ ચિંતામણિ અને શાસ્ત્રી દુર્ગાશંકરભાઈ સંપાદિત પ્રબંધ ચિંતામણિ તેમ Tawney ટૉની અનુવાદિત અંગ્રેજી ભાષાંતર સટીક, એ પુસ્તકોની સરખામણી કરે તે દરેકનું મૂલ્ય તરત સમજાશે. એથી વધારે અસંતોષ “ગુજરાતી ઐતિહાસિક લેખ સંગ્રહ” ભા. ૧ એ જોઈને થયો છે. તે કાર્ય કાંઇ પણ ઉત્સાહ કે રસ વિના, સાવ યંત્રવત્-mechanical-થયેલું અમને લાગ્યું છે, તેના સંપાદક શ્રીયુત ગિરિજાશંકર આચાર્ય એ વિષયના આરૂઢ અભ્યાસી છે, અને એમનું સમગ્ર જીવન એ વિષયના અભ્યાસમાં અને તે જ કાર્યમાં વ્યતીત થયેલું છે. સ્વર્ગસ્થ ભાઈ રણજીતરામે એ કાર્ય આરંભેલું ત્યારે એમના દિલની મુરાદ ગુજરાતના ઇતિહાસનાં સાધનો–શિલાલેખો અને તામ્રપત્રોનો એકત્ર સંગ્રહ કરી ઇતિહાસના અભ્યાસીઓને તે સુલભ કરી તેનો પદ્ધતિસર અભ્યાસ થાય, એવી વ્યવસ્થા કરવાની હતી; અને એ સંગ્રહમાં માત્ર ગુજરાતમાં મળી આવતા જ નહિ પણ ગુજરાતના ઇતિહાસને લગતા જે કાંઈ લેખો, જ્યાં ત્યાંથી મળી આવે તે સર્વ મેળવવાની અને સંગ્રહવાની હતી; અને તે ગોઠવણ વાસ્તવિક હતી; એકલા ગુજરાત પ્રાંત પુરતો જે કાંઈ સંગ્રહ થાય તે અપૂર્ણ જ રહે અને તે ઇચ્છવાયોગ્ય પણ નથી.. પ્રસ્તુત લેખ સંગ્રહમાં સ્વર્ગસ્થ રણજીતરામે કરેલું કામ કેટલું હતું અને સંપાદકે કરેલું નવું કેટલું છે, તે જાણવાની એમાં કોઈ નોંધ કરેલી જોવામાં આવતી નથી. એ લેખ સંગ્રહ શ્રી ફોર્બસ સભાએ ખરીદી લીધો તેથી રણજીતરામની સેવાનું મૂલ્ય ઓછું થતું નથી. આ લેખોમાં વલ્લભી રાજાઓનાં તામ્રપત્રો મ્હોટી સંખ્યામાં સંગ્રહાયલા છે; ઘણાંખરામાંની હકીકત એકસરખી વા વત્તીઓછી સામાન્ય હોય છે. તેથી એમાંનું એક મહત્વનું તામ્રપત્ર પસંદ કરી તે વિષે વિસ્તારથી વિવેચન ટીપ્પણ સહિત ઉમેર્યું હોત તો સામાન્ય વાચકને તે બહુ સહાયક થઈ પડત, એમ અમારૂં માનવું છે. મી. ડિસકલકર, જેઓ અગાઉ રાજકોટના વોટસન મ્યુઝિયમમાં રહી ગયા હતા એમણે સંસ્કૃત લેખોનું એક ન્હાનું પુસ્તક પ્રસિદ્ધ કરેલું છે; તેમાં વલ્લભી વંશનું એક જ તામ્રપત્ર લીધેલું છે, પણ તે એવી સરસ રીતે એડિટ કર્યું છે કે જેટલી ઉપયોગી માહિતી એ વંશ વિષે તે લેખમાંથી પ્રાપ્ત થઇ શકે, તે વિસ્તારપૂર્વક આપેલી છે; તેની સરખામણીમાં આ સંગ્રહમાંથી તેટલી માહિતી મેળવવા સારૂ બહુ શ્રમ લેવો પડે એમ છે. એ બંને સંગ્રહો જેતા જ, કોઈ પણ, તેની વચ્ચેના કામનો તફાવત પારખી શકશે. આ પુસ્તકમાંથી દોષ બતાવવા એ અમારો આશય નથી, પણ શ્રી ફોર્બસ સભા એ પાછળ વધુ ખર્ચ ન કરતા તે નાણાંનો વ્યય ઉપર સૂચવ્યું તેમ પ્રાચીન ગુજરાતના હિંદુરાજ્યનો અથવા તો બ્રિટિશ સત્તાની સ્થાપનાના આગલા સૈકાનો ઇતિહાસ લખાવામાં કરે એ મુદ્દાપર ભાર મૂકવાનો છે. સ્વર્ગસ્થ ફોર્બસે ગુજરાતનો ઈતિહાસ લખવાનો સૌથી પ્રથમ પ્રયાસ કર્યો હતો; અને એમના સ્મરણમાં સ્થપાયલી શ્રી ફોર્બસ સભા એ કાર્ય ફરી ઉપાડી લે અને આપણને ગુજરાતનો ઇતિહાસ નવેસર લખાવીને આપે તે જેમ સમયાનુસાર, ઉચિત તેમ એ સંસ્થાની પ્રતિષ્ઠા વધારનારૂં થઈ પડશે. પ્રાચીન ઈતિહાસનું સંશોધન કાર્ય કેવી રીતે થવું જોઈએ તેનો ઉષ્કૃષ્ટ નમુનો શ્રીયુત માનશંકર મહેતાનો ‘મેવાડાના ગુહિલો’ એ પ્રબંધ પૂરો પાડે છે. એક સમય એવો હતો કે નાગરોની લાગણી દુઃખાય એ કારણે અમે સાંભળ્યું છે કે રાજકોટ સાહિત્ય પરિષદ માટે પ્રો. દેવદત ભાંડારકરે, “મેવાડના ગુહિલો અને નાગરો” એ નામનો લેખ લખી મોકલ્યો હતો એ મુદ્દત બહાર ઠરાવી સ્વીકાર્યો નહતો. સમયની બલિહારી છે કે એજ હકીકતનું એક નાગર વિદ્વાને અન્ય સુપ્રસિદ્ધ ઇતિહાસકારે રા. બા. ઓઝાનું અને રા. બ. ચિંતામણ વિનાયક વૈદ્યની દલીલોનું સપ્રમાણ નિરસન કરી, મેવાડના ગુહિલોનો મૂળ પુરુષ નાગર હતો એમ પ્રતિપાદન કર્યું છે. ગુર્જર પ્રતિહાર વંશનો મૂળ પુરુષ પણ બ્રાહ્મણ હતો, એમ ઐતિહાસિક લેખો પરથી જાણી શકાય છે; અને હમણાં જ ડો. દેવદત્તે ઇન્ડિયન એન્ટીક્વરીમાં એક લેખ લખતાં નાગરો ને કાયસ્થનું સામ્ય બતાવ્યું છે. કેટલાકને આ અભિપ્રાય નહિ રૂચે; એમ છતાં ઐતિહાસિક સત્ય ખાતર લેખકે એ ચર્ચા બહુ વિવેકથી અને પ્રતિસ્પર્ધી પ્રતિ પુરા માનથી કરેલી છે, અને ઐતિહાસિક અન્વેષણમાં એ રીતિ જ અમને અનુકરણીય લાગે છે. ઐતિહાસિક વિગતો એકત્ર કરવામાં અને મેળવવામાં કેટલો બધો શ્રમ લેવો પડે છે; અને એ માહિતી ક્યાં ક્યાં છૂટીછવાયી વિખરાયલી પડેલી હોય છે, તેનો કાંઈક ખ્યાલ એ જ લેખકના “કાઠિયાવાડનું વડનગર” એ લેખ પરથી આવશે; એવું બીજું ન્હાનું પુસ્તક “મોડાસા” વિષે શ્રીયુત જોધાણીએ લખેલું જોવા જેવું છે. એ મોડાસાના બત્તડે મુસલમાની સૈન્ય ગુજરાતપર ધસી આવતું અટકાવવા તેની સામી ટક્કર ઝીલી હતી; પૂર્વે મારવાડમાંથી ગુજરાતમાં ઉતરવાનો એ ધોરી માર્ગ હતો. ગુજરાત સાહિત્ય સભાએ ‘ગુજરાતનું પાટનગર’ અમદાવાદનું પુસ્તક લખાવેલું છે, અને તેજ લેખકે લખેલું ‘ખંભાત’નું પુસ્તક ચાલુ વર્ષમાં (સન ૧૯૩૪) બહાર પડવાની વકી છે; એવી રીતે સુરત, ભરૂચ, જુનાગઢ, પાટણ, વડોદરા વગેરે ઐતિહાસિક સ્થળોના ઇતિહાસ લખાવવામાં આવે તો મધ્યકાલીન ગુજરાતના ઇતિહાસનું લેખન કાર્ય સરસ થાય તેમ કેટલીક વિશેષ માહિતી પણ મળી આવે. એ વર્ષમાં “સાહિત્યકાર” મટુભાઇનું અચાનક અને દુઃખદ મૃત્યુ થયું એની નોંધ લેવી ઘટે છે. એમનાં “સાહિત્ય” માસિકે એકવીસમા વર્ષમાં પ્રવેશ કરતા, આપણા બે સમર્થ વિવેચકો શ્રી વિજયરાય અને પ્રો. બલવન્તરાય ઠાકોરના અભિનંદન તેની યશસ્વી કારકીર્દિ માટે તેઓ મેળવવા શક્તિમાન થયા હતા એ ઓછું ગૌરવભર્યું નહોતું. એ બંને વિવેચકોની પ્રકૃત્તિ તોળી તોળીને અભિપ્રાય દર્શાવવાની છે. અને એ કપરી કસોટીમાંથી મટુભાઈ ઉત્તિર્ણ થયા એમાં એમની સાહિત્યસેવાની સફળતા હતી. “સાહિત્ય”ના કેટલાંક અંગો એવી સરસ રીતે એમણે ખિલાવ્યાં હતાં કે તેને લઈને ગુજરાતી વાચક વર્ગમાં તે માસિક લોકપ્રિય થઈ પડ્યું હતું. પ્રથમ તો એ માસિકનું પુઠું એક જ રંગનું ચાલુ રહે, એવી ચિવટ એમણે રાખી હતી. બાવીસે વર્ષના અંકોના પુંઠા એકસરખા આછા ગુલાબી રંગનાં જોવામાં આવશે; બીજું દર માસની પહેલી તારીખે તે નિયમિત રીતે મળતું હતું. એ ઓછું શ્રમસાધ્ય કાર્ય નહોતું. ત્રીજું, પુસ્તકોનો અવલોકન વિભાગ. એ પત્રમાંની સમાલોચનાથી આખા વર્ષમાં કેટલાં અને કેવાં પુસ્તકો પ્રસિદ્ધ થયા તેની નોંધ અલ્પ પ્રયાસે જાણી શકાતી; અને એમાં વિશિષ્ટતા એ હતી કે જેવું પુસ્તક બહાર પડે કે તુરત તેની નોંધ તેમાં આવતી, અને જે કાંઈ અભિપ્રાય, કાંઈ પણ ડંશ વિના, પોતાને જે લાગે તેમ, સ્પષ્ટતાથી અને દૃઢતાપૂર્વક, પણ નિખાલસપણે દર્શાવાતો; અને તેમાં એમનું વ્યક્તિત્વ વિશેષ રીતે ખીલી ઉઠતું, અને એમના તે અભિપ્રાયનું વજન પડતું હતું. પાંચમું, પ્રાચીન કાવ્યના સંસ્કાર એમના પિતાશ્રી કાંટાવાળા પાસેથી એમને વારસામાં ઉતર્યાં હતા, અને પ્રાચીન કાવ્યનું પ્રકાશન એ સાહિત્યનું એક સ્થાયી અને મહત્વનું અંગ થઇ પડ્યું હતું. મટુભાઇ જતાં ગુજરાતી સાહિત્યે એક સાચો સેવાભાવી “સાહિત્યકાર” ખોયો છે અને કેટલોક સમય સાહિત્ય રસિકોને એમની ઉણપ જરૂર સાલશે. ગુજરાતી પત્રકારિત્વમાં એવું બીજું દુઃખદ મૃત્યુ ‘પિજામ’નું હતું. “જામે જમશેદ” દૈનિકના તંત્રી તરીકે એમની સેવા મહત્વની હતી, પણ ગુજરાતી વાચનારી આલમ એમને એક પ્રભાવશાળી નવલકથાકાર તરીકે પીછાનતી હતી; એમણે એમના પિતા મરઝબાનની સાહિત્યકાર તરીકેની ખ્યાતિને વિશેષ ઉજ્જ્વળ કરી હતી. ગુજરાતી અને ગુજરાતી પારસી લેખકો વચ્ચે સાંધનારી સોનેરી સાંકળ રૂપે તેઓ હતા; તે કારણે તેમની ખોટ આપણને વધુ માલુમ પડશે. સન ૧૯૩૩ ની મૌલિક અને સરસ કૃતિઓમાં શ્રીયુત મુનશીનાં પુસ્તકો પ્રથમ પદ લે છે. જેલમાં રહીને એમણે નર્મદ શતાબ્દી ઉત્સવ ઉજવવાનો ઉપક્રમ યોજ્યો હતો તેનો ઉલ્લેખ અમે ઉપર કર્યો છે, અને કવિ નર્મદ વિષે એક ઉત્તમ પુસ્તક આપણને પ્રાપ્ત થનારૂં છે, એની પણ નોંધ કરેલી છે. જેલમાં ફરજિયાત નિવાસ દરમિયાન પુષ્કળ સમય અને શાન્તિ, જેનો ચાલુ વ્યવસાયી જીવનમાં અભાવ હતો, તે મળતા, એના સદુપયોગ શ્રીયુત મુનશીએ સાહિત્ય પ્રવૃત્તિમાં રચ્યાપચ્યા રહીને કર્યો, જેના પરિણામે આપણને નરસૈંભક્ત હરિનો, થોડાંક રસદર્શનો, લોપામુદ્રા, સ્નેહસંભ્રમ, શિશુ અને સખી વગેરે પુસ્તકો મળ્યાં છે; અને નિર્વિવાદ તે ઉત્તમ કૃતિઓ છે, એટલુંજ નહિ પણ લેખક તેમ ગુજરાતી સાહિત્ય તે સારૂ માન અને મગરૂરી લઇ શકે તેવો અમારો નમ્ર અભિપ્રાય છે. લોકમાન્ય તિલકને માંડલે જેલમાં વસવું પડ્યું ત્યારે એમની તેજસ્વી બુદ્ધિનો ઉપયોગ એમણે “ગીતા રહસ્ય”ની રચનામાં કર્યો હતો; અને એ પુસ્તકથી મરાઠી સાહિત્ય સમૃદ્ધ અને ગૌરવવંતુ થયું છે, એ વિષે બે મત નથી. સત્યાગ્રહની લડતને લઈને આપણા ઘણા સાહિત્ય સેવકોએ જેલને વધાવી લીધી હતી; અને એમની એ તપશ્ચર્યાનાં ફળ તરીકે આપણને કેટલીક ઉત્કૃષ્ટ સાહિત્ય કૃતિઓ મળેલી છે; અને નજદિકમાં બીજી મળવાની આશા રહે છે. અમે સાંભળ્યું છે કે શ્રીયુત મુનશીનું જે લખાણ પ્રકટ થયું છે, એથી વધુ હજી એમની નોટબુકોમાં લખેલું પડ્યું છે. આપણે ઈચ્છીશું કે તે સત્વર પ્રસિદ્ધ થવા પામે. શ્રીયુત મુનશીએ સાહિત્ય સંસદ્ની સ્થાપનાના દિવસે જે વ્યાખ્યાનો અગાઉ આપ્યાં હતાં, તે સઘળાં ‘ગુજરાત એક સાંસ્કારિક વ્યક્તિ અને આદિવચનો’ પુસ્તકકારે સંકલિત કરવામાં આવ્યાં છે, તે સંગ્રહ સાહિત્યના અભ્યાસીને બહુ સોઇકર થઇ પડશે. એ લેખોએ, જ્યારે તે પ્રગટ થયા ત્યારે સાહિત્ય જગતમાં ખૂબ ખળભળાટ ઉભો કર્યો હતો અને તે વ્યાખ્યાનો વિચારોત્તેજક અને પ્રેરણાત્મક છે, એની કોઈથી ના પાડી શકાશે નહિ. સ્નેહસંભ્રમ એ “કાકાની શશી”ની ઢબનું પણ વાર્તાનું પુસ્તક છે. હળવા વાચન સાહિત્ય તરીકે તેની કિંમત છે અને તે વાચતાં ઠીક આનંદ પડે છે; પ્રોફેસરનાં પત્ની ધનકોરબ્હેનનું પાત્ર સ્વર્ગસ્થ જાગીરદારનાં “ફોઈબા’ જેવું સજીવ બન્યું નથી; પણ સ્ત્રી સ્વભાવનો એક નમુનો તે રજુ કરે છે જ. પરંતુ એમની તેજસ્વી કૃતિ ‘શિશુ અને સખી’ છે. એમાં એમના આત્મવૃત્તાંતનો આભાસ થાય છે. એમાં એમની નિરૂપણ શૈલી જુદુંજ વલણ લેતી, કાંઈક રસળતી, કાંઈક ગંભીર, ગતિમાન પણ વેગવંતી, ભૂતકાળના દૃશ્યો, પુનઃ ઉભાં કરતી, એવી તાદૃશ્ય અને અસરકારક, વાચકને તેના વિચાર પ્રવાહમાં, ખેંચે જાય છે, અને જેમ કોઈ સુહૃદ આપણને વિશ્વાસમાં લઈ એનું અંતર ખોલે અને જે સાંભળીને આપણું હૃદય સહાનુભૂતિથી દ્રવિ ઉઠે છે, તેમ સખી માટે તલસતા શિશુના આત્માનો તલસાટ અને તેની પ્રાપ્તિ થતાં જે સુખાનંદ અનુભવે છે, તેનું વર્ણન-રસિક વર્ણન-સચોટ વર્ણન વાચકના મન પર સજ્જડ અસર પેદા કરે છે. જુવો, આ એક નમુનોઃ “જેને સરરસ્વતીની સુવર્ણમય પ્રતિમારૂપે પૂજ્યો હતો, તે દૂરસ્થને દેદીપ્યમાન દેહની કંઠમાળ બની શિશુ બેઠો; અને સરવર સમા સજલ, ગંભીર નયનોમાં જોઈ રહ્યો. કદી ન થાય ત્યાં મંથન થયું. અને એ સરવર જલમાંથી શરમ, લક્ષ્મીસમી, કોડીલીને સંકોચાતી, ઉતરી આવી. સુવર્ણની પ્રતિમા, પૂજ્ય ને અસ્પર્શ્ય, ધીમે ધીમે નીચું ભાળી, તેના ભુજમાં પીગળી પડી. ભાગ્યાં હૈયા સાજાં થયા. અધર રસ ઢળ્યો અધરે, અખંડ ધારે. જીવન ઝરણાં આત્મવિસર્જન અનુભવતાં, ઉલ્લાસ સાગરમાં લુપ્ત થયાં. પો ફાટ્યો. અંધકાર ભર્યાં ખંડમાંથી નિશા નાઠી, છાયા વસ્ત્રો સંકેલીને, આનંદની અવધિથી તૃપ્ત.”[5] રોમાંચક કિસ્સાઓ જે પ્રસિદ્ધિ પામેલા છે, તેમાં સિદ્ધિ પાછળની ફનાગીરીનું આકર્ષણ વિશેષ કરીને રહે છે. આદર્શ સિદ્ધ થતા, એમાંનો આનંદ લુપ્ત થાય છે, તે સામાન્ય થઇ પડે છે. ધ્યેય તો દૂર ને દૂર; આગળ ને આગળ વધતું રહે; એ કાંઇ ન્યારીજ વસ્તુ છે. જ્યારે મિલન થાય ત્યારે અહંભાવ રહેજ નહિ; બે, તન્મય થઈ જાય; તેમનું જુદું વ્યક્તિત્વ સંભવે જ નહિ. ગુજરાતી સાહિત્યમાં આ એક અપૂર્વ કૃતિ છે; આ પ્રકારનું આત્મ નિવેદન જરૂર મનોવેધક ને મનોરંજક થાય; ચરિત્રની જેમ આત્મ ચરિત્રનું મહત્વ ઓછું નથી. ‘થોડાંક રસદર્શનો’માં એમના બે ઉત્તમ લેખો સંગ્રહેલા છે, પહેલા લેખમાં સાહિત્યનું સ્વરૂપ અને સાહિત્યનો વિકાસ ક્રમસર વર્ણવ્યો છે અને તેનું પૃથક્કરણ અને વિવેચન, એવું દલીલપૂર્વક અને હુશિયારીથી કર્યું છે કે લેખકનું વક્તવ્ય ઝટ સમજવામાં આવે છે અને તેની મનપર છાપ પણ સચોટ પડે છે. સાહિત્યનો ઉદ્ભવ પ્રથમ કેવા સંજોગમાં થયો તેના દાખલાઓ પ્રાચીન ઇતિહાસમાથી નોંધી લેખકે કાળબળે તેની અભિવૃદ્ધિ થતાં એ સાહિત્યના બે વિભાગ કેમ પડ્યા એ બહુ કુશળતાથી દર્શાવ્યું છે, અને અમને લાગે છે, કે, એટલો ભાગ અહિં ઉતાર્યાથી, એ વિષયનો તેમ લેખકની પ્રતાપી કલમનો પરિચય કરાવી શકાશેઃ— “લેખનકલા શરુ થતાં સાહિત્યકોના બે પ્રકાર થયા. એક પોતે શું ધારે છે કે કેવે સ્વરૂપે વસ્તુ જુએ છે તે કહેનાર અને બીજો પુરાગામી સાહિત્યકો કહી ગયા છે તે વડે વસ્તુ જોનારને કહેનાર. જેમ પદ્યયુગમાં મંત્રદ્રષ્ટા-સાહિત્ય ઉચ્ચારનાર–નો વર્ગ થયો તેમ લેખન પદ્ધતિએ પંડિત વર્ગ પેદા કર્યો. પંડિતની પ્રેરણા પુસ્તકો છે; તેની શક્તિ પુસ્તકોદ્વારા મેળવેલી છે; તેની મહત્તા પુસ્તકો રચવાની શક્તિમાં છે. મંત્રદ્રષ્ટા આત્મામાં ડુબકી મારે છે. પ્રકૃતિને તીક્ષ્ણ દૃષ્ટિને નીરખે છે અને એ બે ક્રિયાઓથી નીપજેલો અનુભવ વ્યક્ત કરે છે. પંડિત બીજાએ રચેલા સાહિત્યમાં મચ્યો રહે છે; તેની દૃષ્ટિ જ્ઞાનનું પ્રદર્શન જોઈજ રાચે છે; અને આ પ્રકારની મહેનતથી કરેલા જ્ઞાનસંચયને વ્યક્ત કરવા તે મથે છે. દૃષ્ટાને નિયમ માત્ર પોતાનાજ ને પોતાની રસદૃષ્ટિના; પંડિતના નિયમો ભેગા કરેલા જ્ઞાનમાંની નીતરતા સિદ્ધાન્તો જેમ જ્ઞાનનો સંચય થતો ગયો તેમ વિદ્વત્તાના આદર્શો પ્રગટ્યા, અને દૃષ્ટાએ વિદ્વત્તાને એક માત્ર સાધનરૂપ બનાવી; પંડિતે તેને પ્રયત્નનું મૂળ ને લક્ષ્ય બંને લેખ્યાં. જેમ સાગરમાં દેખાતા પર્વતશૃંગનું પ્રતિબિંબ ખરા પર્વતથી પણ સરસ અને મનોહર હોય છે તેમ દ્રષ્ટાના કથનમાં માત્ર કહેલી વસ્તુ સરસ નથી હોતી, પણ કહેનારનું વ્યક્તિત્વ ને દૃષ્ટિબિંદું વધારે સરસ હોય છે. આથી દૃષ્ટાના કથનમાં માનવતા વધારે દેખાય છે અને તેથી તે ચિરંજીવ થાય છે. પંડિતના કથનમાં માનવતા કરતાં મહેનત વધારે હોય છે અને તે મહેનતની મદદથી થનાર પંડિત વધારે સમૃદ્ધિના ભાર નીચે કથન દાબી નાખે છે. આ મૂલ-ભેદે સાહિત્યના વિકાસના દરેક યુગમાં જુદા જુદા તરંગો ઉપજાવ્યા છે.”[6] જાણીતા અંગ્રેજ લેખક ડીકવીન્સીએ સાહિત્યના બે વિભાગ પાડ્યા છે, knowledge of power પ્રતિભાશાળી સાહિત્ય અને knowledge of Information જ્ઞાનબોધ સાહિત્ય, જે ઉપર જણાવેલા શ્રીયુત મુનશીના લાક્ષણિક ભેદને લગભગ અનુસરતા છે, અને વાચક એ નમુના પરથી જોઈ શકશે કે એમનું વક્તવ્ય સ્પષ્ટ રીતે સમજાવામાં લેખક કેટલા બધા વિજયી નિવડ્યા છે. શ્રીયુત મુનશી એક બાહોશ એડવોકેટ છે; અને એમની દલીલો એવી મુદ્દાસર અને સચોટ હોય છે કે તેઓ સામા પર ધારી અસર ઉપજાવી શકે છે; કોર્ટના કેસમાં એક પછી એક દલીલ ક્રમસર રજુ કરી, છેવટ ઉપસંહારમાં આખા કેસની સમાલોચના કરી, તેનું તારતમ્ય ખેંચે છે, તેમ પ્રસ્તુત વિષયમાં એમની દલીલો અને ઉપસંહાર નીચેના ઉતારામાં નજરે પડશે. સાહિત્ય લેખનનું ધ્યેય સરસતા ક્રમસર કેમ પ્રાપ્ત થાય છે, તેનું પ્રથક્કરણ સૂક્ષ્મતાથી એમણે નીચે મુજબ કર્યું છેઃ—
(૧) એક વસ્તુના સંસ્કાર માણસપર સચોટ રીતે પડે છે;
(૨) એ સંસ્કારમાંથી કલ્પનાચિત્ર પ્રગટે છે;
(૩) રસવૃત્તિ એ ચિત્રમાં અપૂર્વતાની ઝાંખી કરવા મથે છે; અને એમ કરવા જતાં એમાં સરસતાનું આરોપણ કરે છે;
(૪) રસિકતા આ સરસતા જોઇ આનંદ પામે છે;
(૫) માણસ આ સરસ કલ્પના ચિત્ર વ્યક્ત કરવા ઈચ્છે છે.
(૬) એ માણસમાં સર્જક શક્તિ હોય તો એ ચિત્રને એ સચોટ ને સરસ રીતે વ્યક્ત કરે છે;–કલાત્મક કૃતિ સરજે છે;
(૭) એ કલાત્મક કૃતિની સચોટતા સામા માણસ પર ઉંડી છાપ પાડે છે; અને
(૮) તેમાં રહેલી સરસતા સામાની રસિકતા પોષી તેને આનંદ પમાડે છે.
અને તેનું વધુ સ્પષ્ટીકરણ કરવા સુપ્રસિદ્ધ અંગ્રેજ કવિ શેલીની કેટલીક પંક્તિઓ આપી કલાત્મક કૃતિની સરસતા વિષે જે ધોરણ તેઓ સ્થાપે છે, તેનું વિવરણ નીચેના એમના લખાણમાં મળી આવે છે; “દૃષ્ટાંત રૂપે એ શેલી જેવા કવિની વ્યક્ત કરવાની રીત લઇએ. એનાજ શબ્દોમાં :— “ગંભીર દર્શન અને ચમકતાં સ્વપ્નાઓએ તેની કલ્પના પોષી. વિશાલ પૃથ્વીનાં અને સર્વવ્યાપી આકાશનાં દરેક દૃશ્ય અને નાદે તેના હૃદયમાં સર્વોત્તમ તરંગો મોકલતા. દૈવી તત્વજ્ઞાન ઝરણાં તેના તરસ્યા હોઠ પર પડતાં. અને પૂજ્ય ભૂતકાળે ઇતિહાસ કે કથામાં જે જે મહત્તા, સુજનતા કે સૌંદર્ય અસર કર્યાં હતાં તે એ સમજતો અને જાણતો. શેલીની કાવ્ય રચવાની અદ્ભુત શક્તિ દરેક વસ્તુને અપૂર્વતા અર્પી રહે છે, દરેક વસ્તુને જુદા અને મોહક રૂપમાં, મોહક સંબંધમા તે નીરખ્યાજ કરે છે. તેના મગજમાં આખી સૃષ્ટિનું ભાવનાત્મક સ્વરૂપ તરવર્યા કર્યા કરે છે. અદ્ભુત સરસતાની ભાવના તેની દરેક મનોદશાને પ્રેરી રહી છે. જેવી એની રસવૃત્તિ છે તેવીજ એની સર્જક શક્તિ છે. શબ્દો, વાક્ય, ટુંકો, શબ્દચિત્રો, અલંકારો, ભાવો, અને ભાવનાઓ-અપ્રતિમ, ઉચિત, અને સરસ–એની કૃતિઓમાં, અખંડ ધોધે વહ્યા કરે છે. એ જન્મથી ‘કથનકાર’ છે, એનો શબ્દ સૃષ્ટિને અપૂર્વતા અર્પે છે. એણે રચેલી સૃષ્ટિ ખરી સૃષ્ટિથી સરસ અને સજીવ, સમગ્ર માનવજીવનને સમૃદ્ધ અને ભાવનાશીલ કરી રહે છે. માત્ર આવી સૃષ્ટિ સરજવામાં મનુષ્યને પરમાત્માનું દર્શન સંભવે છે એમ કેટલાક તત્વવેત્તાઓ માને છે. એક અગ્રણી જર્મન તત્વવેત્તા કહે છેઃ ‘સૃષ્ટિમાં રહેલી, અસ્મિતાને હેતુપૂર્ણ વ્યવસ્થા, અને તે વિનાની વ્યવસ્થાને વિરોધ નિરંતર ચાલી આવ્યો જણાય છે; અને આખરે કલાત્મક કૃતિના સહેતુક સંવાદમાં વિરામ પામે છે. એમાં બુદ્ધિ આખરે સંપૂર્ણ આત્મદર્શનની પરાકાષ્ઠા અનુભવે છે. સાથે અમર્યાદિત આનંદ પણ રહેલો હોય છે. બધો વિરોધ નાશ પામે છે, ને બધાં રહસ્યો સમજાય છે. દૃશ્ય અને દૃષ્ટાની અસ્મિતાપૂર્ણ ક્રિયા વચ્ચે અણધારેલો સંયોગ કોઈ અજ્ઞેય તત્વ રચી દે છે. એ સંયોગમાં રહેલું સંપૂર્ણ ને નિશ્ચલ તાદાત્મ્ય દર્શનમય સૃષ્ટિ સરજે છે. આ તાદાત્મ્ય સામાન્ય સૃષ્ટિનો અનુભવ કરનારની દૃષ્ટિથી છુપાયેલું છે. છુપાવનાર પડદો કલાકારની દૃષ્ટિ આગળથી ખસી જાય છે. અને કૃતિઓ રચવાની એને સ્વયંભૂ પ્રેરણા થાય છે. કલા, એક ને શાશ્વત એવું દર્શન બની જાય છે. પરમ તત્ત્વ, જે કદી દર્શનનો વિષય થતું નથી, અને છતાં જે દર્શનનો વિષય થઇ શકે એવી સૃષ્ટિનો હેતુ છે તેના અસ્તિત્ત્વની ખાત્રી આ ચમત્કારથી થાય છે, અને તેથી કલા તત્વજ્ઞાનથી ચઢે છે. કલાત્મક કૃતિમાંજ દર્શન એ પરમ તત્ત્વને સ્પર્શે છે. તત્વજ્ઞાની કલાને સર્વોત્તમ લેખે છે. ‘સહેતુક ક્રિયા’ અને ‘અહેતુક આવિર્ભાવ’ પ્રકૃતિ અને ઇતિહાસમાં કદી સાથે રહેલાં જોઈ શકાતાં નથી, તે જીવન, કર્તવ્ય અને વિચારમાં સદાય વિરોધી બની રહે છે, ‘શાશ્વત અને મૌલિક ઐક્યના જે મંદિરમાં, તે બંને એક જ્વાલા બની ગયાં હોય એમ મળે છે, તેનું ગર્ભદ્વાર તો માત્ર કલાજ ઉઘાડે છે.’ આ વિચાર ખરો હોય કે નહીં પણ એટલું તો નિર્વિવાદ કે કલાત્મક કૃતિની સરસતા સરજવામાં જ મનુષ્યનું પરમ સાફલ્ય છે. તેથી આવા સ્રષ્ટા, આવા કલાકારો જનતાની પૂજાને પાત્ર થાય છે, અને એમણે પ્રવર્તાવેલો કલાધર્મ, બધા ધર્મથી શ્રેષ્ઠ, સમગ્રજીવનને અનંતકાલ પ્રેરી રહે છે.”[7] એ પુસ્તકના બીજા લેખમાં હિન્દમાં ભક્તિ માર્ગનો સંચાર અને ઇતિહાસ લેખકે અવલોક્યો છે; એમના પહેલા લેખ જેટલો સફળ આ લેખ થયો નથી; કારણ કે પ્રથમ એ વિષય એટલો જટિલ છે હજારો વર્ષનો છે; અને એના નિર્ણયમાં એટલા બધા મતમતાંતરોનો સમન્વય કરવો રહે છે કે તેને પુરતો ન્યાય આપવાનું એ વિષયના નિષ્ણાત માટે પણ સામાન્યતઃ કઠિન થઇ પડે. શ્રીયુત મુનશીનું એ વાચન એક શોખીન (amateur) અભ્યાસી જેવું છે; અને વિશેષમાં પોતે જે કોઇ નિર્ણય બાંધેલા છે તેનું સમર્થન કરવા તેઓ એનો ઉપયોગ કરવા આતુરતા ધરાવે છે, એમ અમને લાગે છે. તેઓ ભક્તિ અને માનવ પ્રણયભાવ વચ્ચે સામ્ય જુએ છે, પણ તેમાંથી ઈશ્વરી અંશ જ ઉડી જતો અમને ભાસે છે. તદાકારપણું એમાં આવશ્યક છે; પણ તેથી પર, વ્યક્તિત્વનો તદ્દન અલોપ થઈ, મારાપણું-જતું રહેવું, અહંતાનો નાશ થવો અને તેનાપણું–ઇશ્વરનેજ અનુભવવો, તેમાં એકાકાર થવું એ અમને લાગે છે કે ભક્તિ નું અંતિમ ધ્યેય છે.[8] આ વિષય ચર્ચાસ્પદ છે, પણ અમે માનીએ છીએ કે તે બુદ્ધિનો પ્રદેશ નથી. તેનો પાયો શ્રદ્ધા પર અવલંબે છે; અનુભવ તેની સાચી કસોટી છે; વાદ નહિ, એટલે એ વિષે શ્રીયુત મુનશીનું મંતવ્ય સ્વીકારાય એમ એમને લાગતું નથી પણ એમણે તે વિષયને એમની પ્રતિભાથી આકર્ષક અને રસપ્રદ બનાવ્યો છે, એમ અમારે આનંદસહ કહેવું પડશે. સ્વતંત્ર અને નવીન નાટકો આપણે ત્યાં જુજ લખાય છે; અને તે થોડાં વર્ષોથી લખાવા માંડ્યાં છે; તેમાં એક અગ્રગણ્ય અને પ્રતિભાશાળી નાટ્યકાર તરીકે શ્રીયુત મુનશીએ ઉંચી પ્રતિષ્ઠા પ્રાપ્ત કરેલી છે, અને કોઈ પણ ભાષામાંનાં ઉત્તમ નાટક સાથે તે સરખામણીમાં ઉભા રહી શકે એવી ઉંચી કોટિના છે. એ નાટકોમાં, તેમાંના પાત્રોનું માનસશાસ્ત્રની દૃષ્ટિએ પૃથક્કરણ થઇ, માનવજીવનની નબળાઇઓ તેમ વિશિષ્ટતાનાં, તેના પ્રેરક બળોનાં અને મનુષ્ય સ્વભાવના તાદૃશ્ય પ્રતિબિંબો પડતાં, એનું આકર્ષણ અને પ્રભાવ બહુ પ્રબળ નિવડે છે, અને તે આદરપાત્ર થઈ પડે છે. આપણા પવિત્ર વેદ અને પુરાણ ગ્રંથોમાંથી એ નાટકની વસ્તુની ગૂંથણી કરી, તેની ઘટનામાં, ઋષિમુનિઓ જેમને આપણે પૂજ્ય માનીએ છીએ, તેમનાં નામો લેખક જોડે છે, તે પદ્ધતિ સામે પ્રાચીન સંસ્કૃતિપ્રિય એક પક્ષ તરફથી વાંધો લેવામાં આવે છે; તે સિવાય તેની વિરુદ્ધ સાહિત્યની કૃતિઓ તરીકે કાંઈ પણ દોષ બતાવવામાં આવ્યો હોય એમ અમારા જાણવામાં નથી. શ્રીયુત મુનશી એક સમર્થ સાહિત્ય સર્જક અને રસિક કળાકાર છે; માનસ સ્વભાવના ઉંડા અભ્યાસી છે; અને માનસશાસ્ત્રથી પુરા પરિચિત હોઇ, એમનાં પાત્રોનું લાગણી અને સ્વભાવનું પૃથક્કરણ એટલું સુંદર અને મનોરમ કરી શકે છે કે એમની કૃતિઓ વાંચીને સૌ ધન્યવાદના ઉદ્ગારો ઉચ્ચારે છે અને લેખકની બુદ્ધિ ને શક્તિની પ્રશંસા કરે છે; અને તેની મૌલિકતા અને અપૂર્વતાને લઇને ગુજરાતી નાટ્ય સાહિત્યમાં શ્રીયુત મુનશીના નાટકોએ ઉંચું અને ગૌરવભર્યું સ્થાન મેળવ્યું છે. લોપામુદ્રા નાટકમાં શ્રીયુત મુનશીએ ઇતિહાસના આરંભકાળથી પ્રજાઓને મુંઝવી રહેલો વર્ણભેદનો અને તેના સમન્વયનો પ્રશ્ન બાહોશીથી ચર્ચ્યો છે. જર્મનીમાં હિલટરે જ્યુજાતિ પ્રતિ સુગ બતાવી છે, અને જર્મનીમાંથી તેમને હાંકી કાઢ્યા છે, અને આર્ય લોહીની શુદ્ધિ પર ભાર મૂક્યો છે, એ જાણીતી બીના છે. એજ પ્રકારે પૂર્વે વસિષ્ઠ ઋષિએ શ્રીયુત મુનશીના કથ્યા પ્રમાણે, આર્યોની શુદ્ધિ સચવાઈ રહે તે માટે, આર્યોની એકહથ્થુ સત્તા, સર્વોપરિ સત્તા સ્થાપવા, સપ્તસિંધુના પ્રદેશમાં આર્યોના વસવાટ દરમિયાન પ્રચંડ કાર્ય આરંભ્યું હતું; અને તે પ્રસ્તુત નાટકનો કેન્દ્રિત વિષય છે. દશ્યુઓને ફક્ત દાસ તરીકે રાખવાના અને તેમની સાથે બીજો કોઇ પ્રકારનો સંબંધ હોઈ શકે કે થઇ શકે નહિ એવા દુરાગ્રહી વિચાર તેઓ ધરાવે છે. અસ્પૃશ્યતાનો પ્રશ્ન હિન્દુ સમાજને આજે ખૂબ મુંઝવી રહ્યો છે, અને તેના ઉજ્જ્વળ ઇતિહાસને તે એક કલંકરૂપ છે; એવી રીતે ગોરા કાળાનો પ્રશ્ન ઓછો કડવાશભર્યો નથી. પરદેશમાં નહિ; પણ આપણા પોતાના વતનમાં યુરોપીય ક્લબોમાં અને જીમખાનામાં હિન્દીઓને દાખલ કરવામાં આવતા નથી, તે પણ વર્ણભેદને આભારી છે, તેથી આપણું સ્વમાન હણાય છે. આ કઠિન અને વિષમ પ્રશ્નને લેખકે દક્ષતાથી અને સફળતાપૂર્વક નિરૂપ્યો છે; અને વિશ્વરથ પાસે જે નિર્ણય કરાવ્યો છે તે ન્યાયપુરઃસર અને સાચો છે એમ આપણે જોઇ શકીએ છીએ. આર્ય અને દશ્યુ જાતિઓ એક બીજા પર હુમલા લઈ જાય છે, તે દરમિયાન એક વખતે ભરતજાતિનું નરરત્ન વિશ્વરથ દુશ્મનોના હાથમાં સપડાઇ જઇ પડે છે. અહિં દશ્યુ રાજા શમ્બરની પુત્રી ઉગ્રા વિશ્વરથ પર મોહી પડે છે; અને તે આર્ય વીરને વરવા ઇચ્છે છે. પણ વિશ્વરથની રગોમાં આર્ય લોહી ઉછળે છે; આર્યત્વ માટે તેને અભિમાન છે. ઉગ્રાના એને વશ કરવાના અનેક પ્રયાસોને તે તરછોડે છે; પણ આખરે એનું માનવ હૃદય ઉગ્રાની ઉત્કટ પ્રેમ લાગણીને આધીન બને છે; તેમ એવી પરિસ્થિતિ ઉપસ્થિત થાય છે કે તેનો નિકાલ કરે એમાંથી છૂટકો થાય એમ છે. દશ્યુ કુમારી વિશ્વરથને પ્રસન્ન કરવા કાંઈ કાંઇ પ્રયત્ન કરે છે, તેને વશ કરવા પોતે કોઇ પણ ભોગ આપવા તૈયાર છે, તેમજ એ બે પાત્રોનું આત્મમંથન કોઈપણ હૃદયને હચમચાવી મૂકે એવું વેધક છે. એઓ બંને પ્રેમથી જોડાયા પછીનો એક પ્રસંગ આપીશું; તે પરથી એની સચોટતા ને હૃદયભેદકતા સમજાશેઃ “આડા પડેલા બેભાન શરીરની પાસે ઘુંટણીએ પડી તે શામ્બરીના માથાપર હાથ ફેરવતો હતો. એનું ગૌર, સુંદર મુખ, ચંદ્ર સમું, તે વ્યોમજેવા ખંડના અંધારામાં ચમકતું હતું. શામ્બરીનાં સુકાએલાં સુકુમાર અંગોમાંથી પણ યૌવનની સુવાસ ઝરતી હતી. શરીરની રેખાઓનું લાલિત્ય, ફીક્કા સુકા ઓઠના મરોડની મોહિની એના મુખપર લખલખતા એકનિષ્ઠાના નિર્મલ તેજને દૈવી બનાવી મુકતાં હતાં. તેની આંખો ઉઘડી તેના પર ઠરી રહી, ભીની થઈ. તે બબડીઃ “જન્હુ! જહુ! સ્વપ્નામાં આવે છે તો જાગતાં શે નથી આવતો ?” અવાજમાં હતાશને ધ્વનિ હતો. “શામ્બરી ! હું આવ્યો છું, આવ્યો છું જીવતો, જાગતો. સ્વપ્ન નથી.” આંખોમાં વિજળીના ચમકાર સમું જળહળતું ક્ષણિક તેજ આવ્યું. “જન્હુ! જન્હુ!” તેણે ગદગદ કંઠે ઉચ્ચાર્યું અને તેના નિર્બલ હાથ વિશ્વરથના ગળાને વીંટાઇ વળ્યા. વિશ્વરથ, ત્રુટતે હૈયે, એની બાથમાં માથું છુપાવી રડી પડ્યો. એ ભરતકુલ શિરોમણિ, કુશિક જેવા રાજર્ષિનો પૌત્ર, અગત્સ્યનો શિષ્ય, મંત્રદ્રષ્ટા થવાને ઉત્સુક—આખરે, આખરે-દસ્યુકન્યાનો પ્રિયતમ; તેના મૂક સમર્પણથી સ્વેચ્છાએ વેચાયેલો દાસ; અને તે વિષમ પળે, અધમતાથી પણ અધમ ગતિ તેણે પ્રાપ્ત કરી. આંખમાંથી ગૌરવભંગનાં લોહીભર્યા આંસુ ખરતાં હતાં. પૂર્વજો, પિતાને ગુરુ એને શાપ આપે એવી દશામાં હતો. તે સમયે તેની દૃષ્ટિએ નવું તેજ પડ્યું. સ્વમાન, સ્વજાતિ, ગૌરવ, સંસ્કાર શુદ્ધિ, સઘળાંની દયાની વેદિપર આપેલી આહૂતિથી, જ્વાલા નીસરતી હતી, અને તેમાં એને સત્ય નજરે પડ્યું. વિશુદ્ધ હૈયાના ગગનગામી ભાગમાં ભેદ ને દ્વેષથી પર એવું શાશ્વત ઋત હતું. એણે ગર્વ વિનાસ્યો હતો, શમ્બરી છે માટે અને એ વિનાશમાં વિજયથી વધારે નિર્મલ ઉલ્લાસ વસતો હતો. “જન્હુ! મને છોડી નહીં જતો. હું તું કહેશે તેમ કરીશ. હું તારી સ્ત્રીઓ જેવી થઈ રહીશ, તારા દેવોને પૂછશ, મને જોઇએ તો મારજે, કાપી નાંખજે, પણ દેવ! મને કાઢી નહીં મુકતો.” “રડ નહી, રડ નહી, શામ્બરી! હું નહી જાઉં. તું આક્રંદ નહી કર. તું થાકી જશે તો પછી બેભાન થઈ જશે.” “કહે કે તું મને નહી છોડી જાય.” “નહીં છોડી જાઉં. થયું ? તું હવે સુઈ જા. મારુ માન.” “માનીશ! માનીશ. પણ આવોને આવે રહેજે.”[9] તે પછી પ્રેમખાતર, પતિને બચાવવા આર્યોને શામ્બરી કિલ્લાનો માર્ગ બતાવી દે છે, અને એ રીતે તેના પિતાના અને દસ્યુ જાતિના નિકંદનનું તે નિમિત્તે થઇ પડે છે. એ આત્મ સમર્પણ જેવું તેવું ન હતું. આત્મ સમર્પણથી દેવો પણ રીઝે છે, તે પછી મનુષ્ય કોણ માત્ર ? અને વિશ્વરથ પણ એ પ્રેમને સાચો નિવડે છે, એટલું જ પણ એની બુદ્ધિ અને હૃદયને જે માર્ગ ન્યાયી, સાચો અને માનવભર્યો લાગે છે, તે આખી આર્ય જાતિના પ્રચંડ વિરોધ છતાં એકલો અને અટુલો ઉભો રહી નિડરતાથી ઉગ્રાને પત્ની તરીકે સ્વીકારે છે, અને વર્ણભેદનો પ્રશ્ન ઉકેલે છે, તે ભારતના ઇતિહાસમાં એક ઉજ્જ્વળ દિવસ લેખાવો જોઈએ. તે નિર્ણય જેમ મહત્વનો અને ગંભીર હતો તેમ દુરંદેશીભર્યો અને ડાહ્યો હતો. તે સાચું જ કહે છે, “આર્યત્વ રૂપ ને રંગ વડે નથી. એ તો છે તપ વડે–સત્યમાં, ઋતના અનુસરણથી.” કર્તાએ નાટકની ભૂમિકા રૂપે વિશ્વરથનો પૂર્વ વૃત્તાંત કથા રૂપે પહેલા ભાગમાં આપ્યો છે; અને તે નાટકનું હાર્દ સમજવામાં મદદગાર થાય છે. પરંતુ જાણીતા નાટકકાર બર્નાર્ડ શોની પેઠે એની પ્રસ્તાવનામાં શ્રીયુત મુનશીએ આર્ય દશ્યુના વર્ણભેદના પ્રશ્નને ઐતિહાસિક રીતે, સ્વતંત્ર નિબંધરૂપે ચર્ચ્યો હોત તો તે વધુ આવકારપાત્ર થઈ પડત, એમ અમારૂં માનવું છે. પુરાણોમાં વસિષ્ઠ અને વિશ્વામિત્ર એ બેને વિરોધીઓ તરીકે વર્ણવ્યા છે; અને હરિશ્ચંદ્રને જે કષ્ટ આપે છે તેથી વિશ્વામિત્ર અકારા થઈ પડે છે; આ નાટકમાં એ દૃશ્ય તદ્દન બદલાઇ જાય છે, અને વિશ્વરથ-વિશ્વામિત્ર આર્ય અને દશ્યુ જાતિના મિત્ર જ નહિ, પણ વિશ્વના મિત્ર અને ઉદ્ધારક બને છે, એ નવીન દૃષ્ટિબિંદુ વિચારવા જેવું છે. ‘નરસૈંભક્ત હરિનો’ એ ચરિત્ર ગ્રંથ વિષે અમે બુદ્ધિપ્રકાશમાં વિસ્તારથી વિવેચન કરેલું છે, એટલે એ વિષયને અહિં ફરી નહિં ચર્ચીએ પણ એટલું નોંધીશું કે કર્તાએ ભક્ત કવિ નરસૈં મહેતા વિષે ઉપલબ્ધ સાહિત્ય વાંચીને તેમના મનપર જે સંસ્કાર છાપ પડેલી તેનું પ્રતિબિંબ ઉપરોક્ત પુસ્તકમાં ઉતાર્યું છે; પણ તેથી એમ નથી ઠરતું કે એમાં વર્ણવેલી સર્વ વિગતો સાચી અને ઐતિહાસિક છે. કવિ ન્હાનાલાલનું ‘દલપતરામ ચરિત્ર,’ શ્રીયુત વિશ્વનાથ ભટ્ટનું ‘વીર નર્મદ,’ શ્રીયુત માનશંકરભાઈનું રાજાબાહાદુર છબીલારામ, શ્રીયુત બાપાલાલ વૈદ્યકૃત જયકૃષ્ણનું ચરિત્ર, પાર્વતીબાઈ આથવલેનું આત્મવૃત્તાંત, અને સંત ફ્રાન્સિસ, શ્રીયુત મહાદેવભાઇ લિખિત, એ પુસ્તકો કોઇને કોઇ દૃષ્ટિએ અમને મહત્વનાં અને મનનીય માલુમ પડ્યાં છે. સને ૧૯૧૧માં શ્રીયુત ન્હાનાલાલે ભગવદ્ ગીતાનું સમશ્લોકી ભાષાંતર પ્રસિદ્ધ કર્યું, તે પુસ્તક એમણે કવીશ્વર દલપતરામને અર્પણ કર્યું હતું. એ સુપુત્રે સ્વર્ગસ્થ પિતાને અર્પેલી અંજલિ અમને ખાસ પસંદ પડી હતી અને તેથી તે ‘બુદ્ધિપ્રકાશ’માં એ વખતે અમે ફરી છાપી હતી. તે સમયે અમને સ્ફુરેલું કે કવીશ્વરનું જીવનચરિત્ર એ બુદ્ધિશાળી અને તેજસ્વી કલમ બાહાદુરના હસ્તે લખાય તો તે એક સુંદર કૃત્તિ થઇ પડે; અને વચમાં અમે મિત્રો પાસેથી સાંભળ્યું હતું કે એવું એક પુસ્તક લખવાનો કવિ ન્હાનાલાલનો વિચાર છે, અને તે સારૂ માહિતી પણ સંગ્રહી રહ્યા છે. સોસાયટીએ કવિશ્વરનું ચરિત્ર લખવાનો નિર્ણય કર્યો હતો અને એ વિષયને યોગ્ય ન્યાય આપી શકે એવા એમના સંસર્ગમાં આવેલા એક બે વિદ્વાનોને તે ચરિત્ર લખી આપવાનું સૂચવ્યું હતું, પણ તે માટે હજુ કેટલાક સમય વિતવો જોઇએ, અને બીજી પણ કેટલીક તૈયારી હોવી જોઇએ, તે કારણ આગળ ધરી, તેઓએ અનીચ્છા દર્શાવી હતી. તે અરસામાં કે તેની આસપાસના વર્ષોમાં કવીશ્વરના એક પ્રિય શિષ્ય અને એમના વિશેષ સમાગમમાં આવેલા કાશીશંકર મૂળશંકરે શ્રી સયાજી સાહિત્ય માળામાં કવિ દલપતરામનું ચરિત્ર લખી આપ્યું હતું; કવીશ્વરનાં સ્મરણો એમણે તે અગાઉ બુદ્ધિપ્રકાશમાં આપ્યાં હતાં. આમ એ વિષયમાં અમને ખૂબ રસ હતો, અને કવીશ્વરનું જીવનચરિત્ર લખાય તે સારૂ બહુ ઉત્સુક હતા; તેથી કવિ ન્હાનાલાલનું પુસ્તક પ્રસિદ્ધ થતાં પહેલી તકે જ તે મેળવી અમે સાદ્યંત વાંચી ગયા હતા, અને કહેવાની જરૂર નથી કે તે અમને પ્રિય થઈ પડ્યું હતું. એવું ઉત્તમ પુસ્તક અમે પૂર્વે નંદશંકરનું ચરિત્ર વાંચ્યું હતું. એ બંનેની નિરૂપણ શૈલીમાં કેટલુંક સામ્ય માલુમ પડશે : એકમાં સુરતનો તાદૃશ્ય વૃત્તાંત આવે છે, ત્યારે બીજામાં આપણે તે સમયના કાઠિયાવાડના સમાજ જીવનથી, પરિચિત થઇએ છીએ. બંને લેખકોની વિશિષ્ઠતા એ છે કે મધ્યસ્થ ચિત્રની આસપાસ સામાજિક પરિસ્થિતિની ભૂમિકા ઉભી કરી, એવું ઐતિહાસિક વાતાવરણ ઉપજાવે છે કે આપણે સમકાલિન દૃશ્યો અવલોકતા ન હોઇએ એવો આભાસ થાય છે; અને તે દૃષ્ટિએ, અન્ય ઐતિહાસિક સાધનોના અભાવે, એ પુસ્તકોનું મૂલ્ય થોડું નથી. બંને સમર્થ અને પ્રતિભાશાળી લેખકો છે એટલે એમણે દોરેલાં સમાજ ચિત્રો પણ વિવિધ રંગોથી સારી રીતે ચિતરેલા અને સુરેખ છે, અને તેની છાપ મનોગમ નિવડે છે. કવીશ્વરના ચરિત્રનો હજી એક ભાગ બહાર પડેલો છે; બીજા બે ભાગો લખાઈ રહ્યા છે; તે મળે, આખું ચરિત્ર અવલોકવું વધુ સવડભર્યું થઈ પડશે એમ અમે માનીએ છીએ. એજ વર્ષમાં કવિશ્રી તરફથી બીજી બે ચોપડીઓ મળી હતી, (૧) ‘ઓજ અને અગર’ અને (૨) ‘સરસ્વતીચંદ્રનું જગતની કાદંબરીઓમાં સ્થાન.’ પહેલું પુસ્તક એમના આરંભકાળનો પ્રયાસ છે, અને એમનો કાવ્યવિકાસ તપાસવા માટે એ ઉપયોગી છે. સરસ્વતીચંદ્રની સમાલોચનાનું પુસ્તક એ નવલકથા પ્રકટ થઈ તે સમયે લખાયેલું હોત તો તે વધુ આકર્ષક થાત અને તેની કાંઇક વિશેષ અસર થવા પામત. તે પછી જમાનો વહી ગયો છે; એ જીવનસૃષ્ટિજ બદલાઈ ગઈ છે; સામાજિક નવલકથા તરીકે આજે સરસ્વતીચંદ્રની ઝાઝી અસર માલુમ નહિ પડે, એમાંના રાજકીય પ્રશ્નોની ચર્ચાએ નવીન સ્વરૂપ ધારણ કરેલું છે; માત્ર એમાંનો તત્વચિંતનનો ભાગ એ વિષયના રસિયાને રસપ્રદ થઇ પડે, પરંતુ એક નવલકથા તરીકે એમાં ઉપરોક્ત વિષયોની લાંબી ચર્ચાઓથી, ઉત્તમ કથાઓમાં તેની ગણના કરવામાં કેટલાક વિવેચકો વાંધો ઉઠાવે છે, અને તે ખોટો નથી. ગમે તેમ હો, ગયા જમાનામાં એના જેવું સરસ અને લોકપ્રિય બીજું કોઈ પુસ્તક નહોતું, અને ગુજરાતી સાહિત્ય એથી ઉજ્જ્વળ બન્યું હતું; તે લખીને ગોવર્ધનરામે ગુજરાતની અને ગુજરાતી સાહિત્યની અપ્રતિમ સેવા કરેલી છે અને તે માટે પ્રજા એમની અત્યંત ઋણી છે, અને એમની પચીસમી સંવત્સરી નિમિત્ત જે સમારંભ થયો તે પ્રસંગે પ્રસ્તુત શ્રદ્ધાંજલિ અર્પીને કવિશ્રી ન્હાનાલાલે ખરેખર એક પ્રશસ્ય કાર્ય કર્યું હતું. કૌમુદીકારે સાહિત્ય સેવક ગણની યોજના ઘડી, તેને અમલમાં આણી તેમાંના સાહિત્ય સેવકોએ સાહિત્ય કાર્યની વહેંચણી કરી તેમાં નર્મદ દલપતયુગનો ઇતિહાસ લખવાનું કાર્ય શ્રીયુત વિશ્વનાથ ભટ્ટે ઉપાડી લીધું હતું; જેઓએ એમણે યોજેલો પારિભાષિક કોષ અવલોક્યો હશે તેઓ જાણે છે કે અર્વાચીન ગદ્ય સાહિત્યનું એમનું વાંચન વ્યાપક તેમ ઝીણું છે. એમણે એ નર્મદ દલપતયુગનું સાહિત્ય વાચીને અસંતોષ માન્યો નથી; પણ સમકાલીન માસિકોની પુરાણી ફાઈલો બને તેટલી ઉથલાવી ગયા છે; અને એ અભ્યાસ ને વાચનના પરિણામે એમનું “વીરનર્મદ”નું પુસ્તક એક ઉત્તમ પુસ્તક નિવડ્યું છે. એવાં બહુ થોડાં પુસ્તકો, વિવેચનાત્મક, ગુજરાતીમાં મળી આવશે. એ પુસ્તક બહાર પડ્યું તે પૂર્વે લોરન્સ બિન્યનનું અકબર ચરિત્રનું પુસ્તક અમારા વાંચવામાં આવ્યું હતું, અકબર વિષે મ્હોટા અને વિસ્તૃત ચરિત્રો લખાયાં છે, અને તે સારૂ સાધન સામગ્રી પણ વિપુલ છે, પરંતુ એક કુશળ ચિત્રકાર આવશ્યક વિગતોનો ઉપયોગ કરી એક ઉત્તમ અને લાક્ષણિક તૈલચિત્ર ઉપજાવી કાઢે છે, અને તે જોનારને મૂળપુરુષનો તાદૃશ્ય ખ્યાલ આપે છે, એ પ્રતિનું પુસ્તક હતું; અને એવી સબળ છાપ ‘વીર નર્મદનું’ ચરિત્ર વાંચતાં અમારા મનપર પડી હતી. કેટલીક મર્યાદાઓને લઈને લેખકને એ વિષયને ટુંકાવવો પડ્યો હતો; તે ચિત્ર સંપૂર્ણ મેળવી શક્યા હોત તો એનો આનંદ કંઇક ઓર જામત. પ્રસ્તુત લખાણ વાંચીને કવિ નર્મદ વિષે વધુ અને વધુ જાણવાને આપણી ઇંતેજારી વધે છે; લેખક એ વિષય ફરી હાથમાં લે અને કવિ નર્મદનું ફુલ સાઈઝ તૈલચિત્ર ચિતરે, તો અમને શ્રદ્ધા છે કે, એક જ્વલંત કૃતિ થઈ પડશે. કાઠિયાવાડના ઇતિહાસમાં નાગરોએ વીરતાભર્યો ભાગ ભજવેલો છે; અને એમની કલમની જેમ એમની બરછી પણ એટલી મશહુર છે. અમરજી દિવાન, રણછોડજી દિવાન, ત્રિકમદાસ અને એમના વંશજો, રાજા બહાદુર દયાબહાદુર અને રાજા છબીલારામનાં પરાક્રમો, એમની હિંમત, મુસદ્દીગીરી અને સાહસિકતા સુપ્રસિદ્ધ છે; અને આપણે સંતોષ પામવા જેવું એ છે કે એ વીર પુરુષોમાંના કેટલાકનાં ચરિત્ર ગુજરાતીમાં લખાયા છે, તેમાં છબીલારામના ચરિત્રપુસ્તકથી સંગીન ઉમેરો થયો છે. તેના લેખક શ્રીયુત માનશંકરભાઈએ નાગરોનો ઇતિહાસ સંશોધવામાં આખી જીંદગી ગાળેલી છે, અને આપણને કેટલુંક વિચારણીય સાહિત્ય પૂરૂં પાડેલું છે. થોડા સમયથી એમની આંખ નબળી પડી ગયલી છે, તેમ છતાં ઉપલબ્ધ હકીકતને વિવેકપૂર્વક ઉપયોગ કરી રાજા છબીલારામ વિષે એક વાંચવા જેવું પુસ્તક એમણે આપ્યું છે; અને તે ઇતિહાસ રસિકોને પ્રિયકર થઈ પડશે. એમાંની એક બીના પ્રતિ સાહિત્ય રસિક બંધુનું અમે ધ્યાન દોરીશું કે રાજા છબીલારામના જીવનના સંબંધમાં મળેલી કેટલીક સાલો, શંકાસ્પદ, ભુલભરેલી તેમ પરસ્પર વિરોધી મળી આવે છે; એઓ બસેં વર્ષ પર થઇ ગયા હતા; તો પછી નરસૈં મહેતા વિષે એમના વંશજો જે સાલવારી રજુ કરે છે, તે કેટલે અંશે આધારભૂત માની લેવી એ એક વિચારવા જેવો પ્રશ્ન છે; અને એવી મુશ્કેલીઓને લઇને ઇતિહાસના કાળ નિર્ણયમાં સાહિત્યના પ્રમાણને તદ્દન ગૌણ સ્થાન અપાય છે. શ્રીયુત બાપાલાલ વૈદ્ય, એક વૈદ્ય તરીકે હુશિયાર છે, અને લેખન કાર્યમાં પણ સારી પ્રીતિ ધરાવે છે; તેને લઈને કેટલુંક ઉપયોગી સાહિત્ય આપણને તેમના તરફથી મળેલું છે. તે વૈદ્યોએ તેમ એ વિષયમાં રસ લેનારાઓને જોવા જેવું છે, પરંતુ અમને તો એમનું જયકૃષ્ણભાઇનું જીવનચરિત્ર ખાસ ગમ્યું છે; એમના ગુરૂભાવથી અમે મુગ્ધ થયા છીએ, ગુજરાતીઓમાં વનસ્પતિશાસ્ત્રના નિષ્ણાત તરીકે કોઇની ખ્યાતિ બંધાઇ હોય તો તે જયકૃષ્ણભાઈ હતા, અને ગુજરાત અને કચ્છ પ્રદેશની વનસ્પતિ વિષે એમણે જે બે પુસ્તકો લખ્યાં છે, તે ખરેખર અપૂર્વ છે. એક વિદ્વાન તરીકે આપણને એમના માટે માન છે જ; પણ એમની ખાનગી જીવનની હકીકત પ્રસ્તુત પુસ્તકમાંથી આપણે જાણીએ છીએ ત્યારે એ મહાન પુરુષના ચરણે આપણું મસ્તક ઢળી પડે છે. આપણા સમાજમાં વિધવાની શી સ્થિતિ છે, તે સમજાવવાની જરૂર પડે એમ નથી; પણ તેના પર સારા સંરકાર પડતાં અને કેળવણી પ્રાપ્ત કરતાં તે કેટલી હદ સુધી પહોંચી શકે છે, તેનું સુંદર દૃષ્ટાંત પ્રાર્વતીબાઇ આથવલેની જીવન કહાણી પુરૂં પાડે છે, અને એ પુસ્તકને શ્રીયુત મોતીભાઈ અમીને પરીક્ષા માટે પસંદ કર્યું હતું તે જોઇને અમને બહુ આનંદ થયો હતો. આવા પુસ્તકોનું વાચન જીવન ઘડતરમાં પ્રેરણારૂપ અને માર્ગદર્શક થઈ પડે છે. સંત ફ્રાન્સિસ નામે એક મહાન સંત યુરોપમાં થઇ ગયા છે; તેમનું જીવનપરિવર્તન એક અદભુત કથા છે; અને એમનું સેવાકાર્ય એથી પણ વિશેષ મહત્વનું અને લોકોપકારી નિવડ્યું છે. અંગ્રેજીમાં એ સંત પુરુષ વિષે પુષ્કળ સાહિત્ય રચાયલું છે; ગયા વર્ષે “કુમાર” માસિકમાં શ્રીયુત રંગીલદાસ કાપડીઓએ સંત ફ્રાન્સિસ પર એક મનનીય લેખ લખ્યો હતો, તે પૂર્વે શ્રીયુત મહાદેવભાઈએ “નવજીવન”માં એ સંતપુરુષ વિષે એક લેખમાળા લખી હતી તે પુસ્તકકારે આપણને પ્રાપ્ત થાય છે, એ ખુશી થવા જેવું છે; સંત ફ્રાન્સિસ જેવા ચરિત્રનાયક અને શ્રીયુત મહાદેવભાઈ જેવા મર્મગ્રાહી વિવેચક એટલે એ કૃતિની ઉત્તમતા વિષે વધુ કાંઈ કહેવા જેવું હોય જ નહિ. આજકાલ નવલકથાનાં પુસ્તકામાં શ્રીયુત રમણલાલ અને શ્રીયુત મુનશીના પુસ્તકોની માગણી વધુ હોય છે; અને તેઓ કોઇને કોઇ વાર્તા પુસ્તક ચાલુ આપતા રહે છે; એ થોડું સંતોષકારક નથી. શ્રીયુત મુનશીની “સ્નેહ સંભ્રમ”માં આધુનિક સમાજજીવનમાં જે પરિવર્તન થઈ રહ્યું છે, તેનો પરિચય કરાવતાં કેટલાંક સામાજિક ચિત્રો તેમણે દોર્યાં છે; તે રમુજી છે પણ કોઇ પ્રેરક ભાવના કે આદર્શ એમાં માલુમ પડશે નહિ; કોઈ કહેશે કે નવલ કથાનો એ આશય પણ નથી. તેની પડખે “ગ્રામ્ય લક્ષ્મી”નું પુસ્તક જુદી ભાત પાડે છે. ગામડાંઓની પુનર્ રચનાનો પ્રશ્ન થોડોક સમયથી ખૂબ વિચારાઈ અને ચર્ચાઇ રહ્યો છે; તેમાં આ પુસ્તકનું પ્રકાશન વખતસરનું છે; લેખકે ગ્રામ્યસુધારણાના કેટલાક પ્રશ્નોનું વિવેચન કર્યુ છે, તે માર્ગદર્શક થશે; શ્રીયુત રમણલાલની સમર્થ લેખિની એ વિષયને એક જીવન પ્રશ્ન બનાવી મૂકે છે, અને તેનું વાંચન આનંદપ્રદ થઈ પડે છે. આ વર્ષની સરસ નવલકથાઓમાંની તે એક છે; આપણને એક ભાગ મળેલો છે. બીજા ભાગ માટે વાચક આતુરતાથી રાહ જોઈ રહ્યો છે. શ્રીયુત અંબાલાલ પુરાણીએ “દર્પણના ટુકડા” એ નામક ન્હાની વાર્તામાં એમનાં કોલેજ જીવનનાં સંસ્મરણો ગ્રંથીને એક સુંદર પુસ્તક રચ્યું છે; તેમાં રૂખી ભીખારણનું પાત્ર ખેંચાણકારક થઇ પડે છે. પણ એમનું જીવનકાર્ય તો અરવિંદ બાબુના ઉત્તમ ગ્રંથોનો ગુજરાતી જનતાને પરિચય કરાવવો એ થઇ પડેલું છે; એમની એ પ્રવૃત્તિ ચાલુ છે અને આ વર્ષે આપણને એમના તરફથી “ભક્તિયોગ” નામનું પુસ્તક મળ્યું છે. ગુજરાતી સાહિત્યની તેમની એ સેવા ઓછી પ્રશંસનીય નથી; પોન્ડીચેરી આશ્રમમાં નિવાસ કર્યો તે પહેલા ગુજરાતમાં એમણે વ્યાયામ પ્રવૃત્તિ શરૂ કરી હતી; અને એવો એક ભાવનાશાળી શિષ્યસમૂહ પોતાના આત્મબળના પ્રભાવથી ઊભો કર્યો હતો કે તેઓ એ કર્તવ્યક્ષેત્રમાંથી દૂર ખસી ગયા છે, તેમ છતાં એ કાર્ય તેઓ પ્રેમપૂર્વક ચલાવી રહ્યા છે, એ જોઈને કોઇ પણ વ્યક્તિ મગરૂરી લઇ શકે. સૌરાષ્ટ્ર કાર્યાલયે ગુજરાતને એક મેઘાણી આપીને રાણપુરની એ સંસ્થાને અમર કરી છે, એમનાં પગલે અનુસરી શ્રીયુત ગુણવંતરાય આચાર્ય પણ સૌરાષ્ટ્રને ભૂતકાળ સજીવ કરવા પ્રયત્ન કરી રહ્યા છે, અને એમની કૃતિઓ ‘ભૂતકાળના પડછાયા’ અને ‘સાગર સંધ્યા’ લોકપ્રિય નિવડી છે, તે બતાવે છે કે એમની કલમ પણ કસાયેલી તેમ તેજદાર છે. થોડીક મુદ્દતથી શ્રીયુત મેઘાણીની કલમ શાન્ત પડેલી છે; આપણે ઈચ્છીશું કે તેઓ લેખન પ્રવૃત્તિ પાછી હાથ ધરે; એમની “સાગરના તીરે તીરે” એ ચોપડી સૌ કોઈને ગમશે; એમની નિરૂપણ શૈલીમાં કાંઈક અજબ આકર્ષણ રહેલું છે. શ્રીયુત “ધુમકેતુ” નવલિકાકાર તરીકે અજોડ છે; ‘પ્રદીપ’ અને ‘ભીલકુમાર એકલવ્ય અને બીજાં નાટકો’ એ બે પુસ્તકો વર્ષ દરમિયાન એમણે બહાર પાડ્યાં છે; તેમાં એમની શક્તિનું દર્શન થાય છે જ, પણ વાચકનું મન તો વધુ ‘તણખા’ મેળવવાને ઇંતેજાર રહે છે. ઘણાખરા વાચકો પ્રો. બલવન્તરાયને, એક સમર્થ સાહિત્ય વિવેચક, ઇતિહાસના અધ્યાપક, રાજકારણના અભ્યાસી, ટુંકી વાર્તાના લેખક અને કવિ તરીકે ઓળખે છે; પણ તેઓ તે સાથે એક સારા સંસ્કૃતજ્ઞ પણ છે; અને એક પંડિતની પેઠે તેનો ઉંડો અભ્યાસ કરેલો છે. સન ૧૯૦૫માં એમણે કાલિદાસકૃત “શાકુન્તલ” નો ગુજરાતીમાં અનુવાદ કર્યો હતો; તે પછી પૂણામાં મળેલી પહેલી પૌર્વાત્ય કોન્ફરન્સમાં ‘શાકુન્તલ’ના પાઠો વિષે એક નિબંધ રજુ કર્યો હતો, તે વાંચ્યાથી એમની વિદ્વત્તાનો ખ્યાલ આવશે. પ્રસ્તુત વર્ષમાં પ્રો. બલવન્તરાય એ જ કવિનું નાટક ‘માલવિકાગ્નિમિત્ર’નો ગુજરાતીમાં તરજુમો છપાવ્યો છે. સામાન્ય વાચકને તેની ભાષા વખતે કઠિન લાગે; પણ એ અક્ષરસઃ તરજુમો, એ નાટકનો અભ્યાસ કરનારને જરૂર મદદગાર થઈ પડશે અને કવિના સમય પરત્વે એમણે ઉપોદ્ઘાત લખ્યો છે, તે, અને તેમાંને ‘મનનિકા’ વિભાગ પુસ્તકનું વિશિષ્ટ અંગ લેખી શકાય; એજ નાટકનો બીજો તરજુમો જે એક અભ્યાસી ભાઈએ કરેલો છે, તેઓ પ્રો. ઠાકોરના આ અનુવાદ વિષે નીચે મુજબ અભિપ્રાય આપે છેઃ “ગુજરાતી ભાષામાં ‘મહાકવિની’ કૃતિનો અનુવાદ અને તે પણ મહાકવિ કાલિદાસના હૃદયને સ્પર્શ કરતો, તે જમાનાના આદર્શોને આબાદ સ્વરૂપે રજુ કરતો, છતાં વાચકને હાથમાં લીધા પછી પૂરો વાંચ્યા વિના છોડવા ન ગમતો અનુવાદ-અર્પી શ્રીયુત ઠાકોરે ગુજરાતી સાહિત્ય રસિક જનતા ઉપર ઉપકાર કર્યો છે.”[10] નવી કવિતા સત્ત્વશાળી અને આશાસ્પદ, દિન પ્રતિ દિન ખીલતી જાય છે; અને ઉગતા કવિઓની સંખ્યા વધે છે, એ પણ આપણા સાહિત્યની અભિવૃદ્ધિનું સુચિહ્ન છે. અત્યાર સુધી એ નવજુવાન કવિઓની કૃતિઓ સામાન્યતઃ જુદાં જુદાં માસિકોમાં છૂટક છૂટક વાચવાને મળતી; તેમનો કોઇ કાવ્ય સંગ્રહ પુસ્તકાકારે પ્રગટ થયો નહતો; પણ ચાલુ વર્ષમાં એવાં પાંચ સાત પુસ્તકો બહાર પડ્યાં છે, જેવાં કે, શ્રીયુત ચંદ્રવદનકૃત ઈલા કાવ્યો, શ્રીયુત ઈન્દુલાલ ગાંધીનાં ‘તેજરેખા’ અને ‘જીવનનાં જળ’, શ્રીયુત મનસુખલાલ ઝવેરીનું ફુલદોલ, શ્રીયુત બેટાઈનું ‘જ્યોતિરેખા’ અને શ્રીયુત સુંદરમ્નાં, કોયા ભગતની વાણી અને કાવ્યમંગલા, તે જોઇને આપણને આનંદ થાય છે. એ સર્વ કાવ્યપુસ્તકો નવી કવિતાના સુંદર નમુનાઓ રજુ કરે છે, એટલુંજ નહિ પણ તેમાં આપણે નવયુવકોનું માનસ પારખી શકીએ છીએ, એમના અભિલાષ અને આદર્શ, એમના મંથન અને મનોવ્યથા એ સઘળું આપણને આકર્ષે છે અને એ ચિત્રોમાં તેઓ જે સંસ્કાર છાપ એમના મનપર પડી હોય છે, તેને મૂર્તિમંત કરવા પ્રયત્ન કરતા જોવામાં આવે છે; તેમાં અનુકરણનો પાસ ક્વચિત નજરે પડે છે; અને જે કાંઇ તેઓ કવે છે, તે વાચન, નિરીક્ષણ, અભ્યાસ દ્વારા પ્રાપ્ત કરેલું, સ્વવિચાર ને લાગણીને વ્યક્ત કરતું અને જીવનને સ્પર્શતું હોય છે. પહેલાંની જેમ ઇંગ્રેજી કવિતાના સાવ તરજુમા થોડાકજ મળી આવે છે. આ પ્રમાણે આ કાવ્ય સંગ્રહો નવશિક્ષિત માનસને રૂચે, આનંદ આપે, ઉન્નત સંસ્કાર બક્ષે, એમનામાં ભાવના પ્રેરે, પ્રેરક બળ આપે, એવા વિવિધ પ્રકારના અને આનંદદાયક માલુમ પડશે. સુન્દરમ્ કૃત ‘કાવ્યમંગલા’ના પાનાં ફેરવતા એક કાવ્ય “જન્મગાંઠ”; હાથ ચઢ્યું તે એક વાનગી તરીકે રજુ કરીશું :—
જન્મગાંઠ
: ગુલબંકી :
જન્મગાંઠઃ
કાળના અનંત સૂત્ર પે પડંતી
જિન્દગીતણા અનેક આમળાની એક ગાંઠ,
રાત્રિ ને અહર્તણાં મહાન ઝૂડ બાંધનાર
વર્ષ કેરી આવતી વળી વળી જ એક ગાંઠ, ૫
જન્મગાંઠ,
જીવના પ્રવાસમાં પડેલ એક માનવીની
જિન્દગીની એક એ પ્રચંડ ગાંઠ,
ત્યાં પડી પ્રભાતમાં,
દિને દિને વધી વધી જડંતી અંગ,૧૦
ચંડ બંધ બાંધનાર જન્મગાંઠ,
જન્મગાંઠ, જન્મગાંઠ,
ગાંઠ, ગાંઠ, બંધ, બંધ,
રાચતો મનુષ્ય શું હશે જ જાણી જન્મગાંઠ?
જન્મવેંત બાંધી ગાંઠ,૧૫
સૃષ્ટિકેરી બાંધી ગાંઠ,
ક્લિષ્ટ ગાંઠ માનવીસમાજકેરી,
સભ્યતાની શિષ્ટ ગાંઠ,
સંસ્કૃતિની પુષ્ટ ગાંઠ,
જ્ઞાનકેરી શુષ્ક ગાંઠ,૨૦
માત, તાત, પત્ની, પુત્ર, મિત્રતાની મિષ્ટ ગાંઠ,
અંતરે અનંત ગાંઠ,
એક પે અનેક ગાંઠ,
છોડતો ન, બાંધતો, છુટી જનારી બાંધતો,
તુટી જનારી સાંધતો, નવી નવી ઉમેરતો;૨૫
સળંગ સૂત્ર,
સ્નિગ્ધ પૂત્ર,
તેજથી પ્રદીપ્ત સૂત્ર,
રેશમી સુંવાળું સૂત્ર,
આત્મનું અખંડ સૂત્ર,૩૦
ઈશનું અભેદ્ય સૂત્ર,
આમળી જ આમળી,
અભેદ્ય ગાંઠ પાડતો,
પ્રફુલ્લતા, પ્રદીપ્તતા, અખંડતા, અભેદ્યતા
મિંચી દૃગો ઉખેડતો૩૫
મનુષ્ય કેમ હર્ષ તો સુણી જ શબ્દ ‘જન્મગાંઠ’?
માહરી ય જન્મગાંઠઃ
ક્યાહરે પડી જ ગાંઠ
ન સ્મરું, હું વિસ્મરું, કદા હિ મારી જન્મગાંઠ.
દિને દિને પડે જ ગાંઠ,૪૦
નિત્ય નિત્ય જન્મગાંઠ,
કોકની ય જન્મગાંઠ છે ઉજાવવાની ગાંઠ;
સર્વની,
અનંત બદ્ધ લોકની
ઉજાવું આજ જન્મગાંઠ,
છોડવા મથુંજ ગાંઠ,
બાંધશો મને ન ગાંઠ
યાદ આપશો ન ગાંઠ
માહરી પરે પડેલ જિન્દગીની જન્મગાંઠ.
હું મથું, તમે મથો,
મથું મટાડવા હું ગાંઠ,
સળંગ હીરદોર પે પડેલ હું ઉકેલું ગાંઠ,
ગાંઠ ગાંઠ છોડું હું,
અખંડ સૂત્ર અંતવંત દીસતું જ ગાંઠમાં,
ઉકેલી એ બધી જ ગાંઠ,૫૫
ઈચ્છું હું નિહાળવા,
મથું હું સિદ્ધિ પામવા,
અનાદિમાં પડેલ એક છેડલો જ દોરનો,
અનંતમાં પડેલ અન્ય છેડલો જ દોરનો,
સમગ્ર તે નિહાળવા,
સળંગ સ્નિગ્ધ સ્પર્શવા
ચહું, મથું, પડું, ઊઠું,
ભલે વલે જ થાય જે થવાની હોય.
જિન્દગી અનંત સૂત્ર,
ખંડ ના જ, ગાંઠના નિહાળવા મને દિયો,૬૫
દિને દિને જ જન્મગાંઠ
માહરી ઊજાવું હું, ઉકેલું હું,
ન બાંધવી વિશેષ ગાંઠ.
ધન્યવાદ નાપશો યદા પડેલ જન્મગાંઠ,
ધન્યવાદ આપજો છુટે યદા પ્રચણ્ડ ગાંઠ,૭૦
જ્ઞાનથી, પ્રકાશથી,
છુટે ન કે કપાઇ જાય
મોતની છરી થકી ભલે કપાઈ જાય ગાંઠ.
શોચજો, વિચારજો, ઉજાવજો,
ભલે પડે જ અન્ય ગાંઠ, અન્ય જિન્દગાનીની,૭૫
તમે ન તે નિહાળશો,
ગણી તુટેલ એક ગાંઠ,
એક જીવ છૂટિયો,
પ્રચણ્ડ ગાંઠ જિન્દગીની તોડી જે વછૂટિયો,
ગણી જ ખૂબ રાચજો,
ખુશી થઈ જ નાચજો;
પરંતુ ના, કદી ય ના,
કરી શકાય એટલું કદીક નહિ,
કદા નહીં, કદી નહીં,
ન ગાંઠ માહરી પરે પડેલ જિન્દગીતણી,૮૫
જન્મગાંઠ ધન્યવાદશો નહીં.
નવા કવિઓમાં અમને લાગે છે કે સુન્દરમ્નાં કાવ્યો લોકપ્રિય નિવડી, પુષ્કળ વંચાશે. પ્રાચીન કાવ્યનાં પ્રકાશનમાં ત્રણ પુસ્તકો વિશેષ ધ્યાન ખેંચે છે, બે શ્રી ફોર્બસ સભાએ પ્રકટ કરેલા અને એક સોસાયટીએ છપાવેલું, ‘રસિક વલ્લભ’, પ્રો. જેઠાલાલ શાહ સંપાદિત, કવિ કેશવરામકૃત કૃષ્ણલીલા ચરિત્ર સં. ૧૫૨૬માં રચાયું હતું. એટલાં જુનાં ગુજરાતી કાવ્યો બહુ થોડાં મળી આવેલાં છે; એ રીતે તેનું કેટલુંક મહત્ત્વ છે, તેની સાથે ગુજરાતમાં ભક્તિસંપ્રદાયનો પ્રચાર ક્યારે થયો હતો અને કેવો જામ્યો હતો તેનો નિર્ણય કરવામાં પણ તે ઉપયોગી થઈ પડે એમ છે. એ પ્રશ્નને પ્રસ્તુત કાવ્યની પ્રસ્તાવનામાં શ્રીયુત નટવરલાલે વિદ્વત્તાપૂર્વક ચર્ચ્યો છે. અને તે લેખ જેમ અભ્યાસપૂર્ણ તેમ મનનીય માલુમ પડશે. તેના અનુસંધાનમાં “ગુજરાતી”ના શ્રી કૃષ્ણાંકમાં બિલ્વમંગળ ઉર્ફે લીલાશુક વિષે એમણે લખેલો લેખ પણ વાંચવા જેવો છે. સદરહુ કાવ્યનું સંપાદન કાર્ય એ વિષયમાં સિદ્ધહસ્ત જાણીતા સાક્ષર શ્રીયુત અંબાલાલ જાનીએ કર્યું છે. એ નામ માત્ર તેના સંપાદન કામની સરસતા માટે બસ છે. આપણા મહાન કાવ્યગ્રંથો મહાભારત અને રામાયણના દેશી ભાષામાં અનુવાદ સર્વ પ્રાંતોમાં સોળમા સત્તરમા સૈકામાં તૈયાર થયલા જોવામાં આવે છે. એ પુસ્તકોનું વાંચન અને અધ્યયન હાલમાં કમી થયલું છે તો પણ પ્રાચીન સાહિત્યના અભ્યાસ સારૂં અને તેનો વિકાસ ક્રમ સમજવાને જુના કવિઓનાં એ પુસ્તકો પ્રસિદ્ધ થવા પામે એ આવશ્યક છે. આખું મહાભારત એકજ કવિએ રચેલું હજુ મળેલું નથી, તેથી ભિન્ન ભિન્ન લેખકોએ રચેલાં જુદા જુદા પર્વોને સંકલિત કરી, એ પુસ્તક સમગ્ર ઉપજાવી કાઢવું રહ્યું. શ્રી ફોર્બસ સભાએ મહાભારતનું પ્રકાશન કાર્ય ઉપાડી લીધું છે, એ ખુશી થવા જેવું છે; અને તેમને એ કામને યોગ્ય સંપાદક, મળ્યા છે, એમ પહેલું પુસ્તક મહાભારતનું ‘આદિપર્વ અને સભાપર્વનું સંપાદન કામ જોતાં કોઈપણ સાહિત્ય અભ્યાસી કહી શકશે. સંસ્કૃતના તેઓ સારા જ્ઞાતા છે તેમ જુના ગુજરાતી સાહિત્યનું વાચન અને અભ્યાસ પણ તેમને બહોળો છે. પહેલા ગ્રંથમાં હરિદાસકૃત આદિપર્વ અને વિષ્ણુદાસ વિરચિત સભાપર્વ, એ બે પર્વોનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેનું સંશોધન જુદી જુદી મળી આવેલી પ્રતો પરથી શ્રીયુત કેશવરામ શાસ્ત્રીએ કાળજીપૂર્વક અને ઝીણવટથી કર્યું છે; એટલું જ નહિ પણ કવિનો સમય નિર્ણિત કરતો એક અભ્યાસપૂર્ણ ઉપોદ્ઘાત લખ્યો છે, તે એ વિષયના જિજ્ઞાસુને ઉપયોગી થશે. સાહિત્ય ગ્રંથોમાંના કેટલાક અગત્યના ગ્રંથોનો ઉપર ઉલ્લેખ થઈ ગયો છે તેમાં શ્રીયુત વિજયરાયનું “ખુશ્કી અને તરી” ખાસ વાંચવા જેવું પુસ્તક છે. એ પ્રવાસ નોંધ છે, પણ એમાં એકલું વર્ણન જ નથી; તે નોંધપોથી છે, તેમ છતાં તે નીરસ વિગતોથી ભરી નથી. પરંતુ પ્રવાસ દરમિયાન અને જે તે સ્થળે એમણે મુકામ કર્યો ત્યાં એક સંસ્કારી મગજપર જુદા જુદા વાતાવરણમાં અને પ્રસંગોમાં મૂકાતા જે લાગણી અનુભવેલી, તેનું રસિક બ્યાન, વચમાં વચમાં મર્માળા વાક્યો અને મનનીય વિચારની છાંટવાળું કર્યું છે તે આપણને આનંદદાયક થઈ પડે છે, અને તે વાંચતાં તૃપ્તિ થતી નથી. વર્ષના એક ઉત્તમ પુસ્તક તરીકે ગણી શકાય એવું શ્રીયુત મોહનલાલ દલીચંદ રચિત “જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ” છે. જૈન કવિઓની સૂચી બે ભાગમાં પુષ્કળ પરિશ્રમ ઉઠાવીને એમણે યોજેલી છે, તેના પ્રવેશક તરીકે આ પુસ્તક લખાયું છે; અને ઉપરોક્ત સૂચીના જેવું તે દળદાર પુસ્તક છે; અને તેમાંની માહિતી જેમ વિસ્તૃત તેમ સંગીન માલુમ પડશે. એ પુસ્તકની સમાલોચના, એક જુદા લેખ રૂપે લેવાવી ઘટે છે; તે કાર્ય અમે અવકાશે હાથ ધરીશું, પણ હાલ તુરત વાચકબંધુનું તે પ્રતિ ધ્યાન દોરીને સંતોષ માનીએ છીએ; અને શ્રીયુત મોહનલાલભાઈએ આવી કિંમતી સાહિત્યસેવા કરવા માટે મુબારકબાદી આપીએ છીએ. સરિતાનો પ્રવાહ બે કાંઠે રેલાતો અને વેગવંત, આહ્લાદક અને સ્ફૂર્તિદાયક નિવડે છે, તેમ સન ૧૯૩૩નો સાહિત્ય પ્રવાહ ઉપર જે મુખ્ય મુખ્ય સાહિત્ય બનાવો અને વર્ષ દરમિયાન પ્રગટ થયલી જાણવા જેવી સાહિત્યની ચોપડીઓનું અવલોકન કર્યું છે, તે ઉપરથી જણાશે કે, એ સાહિત્ય પ્રવાહ પણ વિસ્તાર પામતો, પ્રાણવંત, સમૃદ્ધ થતો અને બલિષ્ઠ છે. પુસ્તક પ્રકાશનની સંખ્યાની દૃષ્ટિએ પણ એ વર્ષ ઉતરતું નથી; અને વધારે સંતોષકારક તો એ છે કે લેખકોની કલમ જોર પકડતી અને સંસ્કારી બને છે અને લેખકોની સંખ્યા પણ વધે જાય છે. દુનિયાભરમાં નવી નવી ભાવનાઓ અને વિચારથી પ્રોત્સાહિત થઈને નવયુવકો નવીન ચેતન અનુભવી રહ્યા છે; નવાં સર્જનનાં મનોરથો સેવે છે; અને તે પાછળ પોતાની સર્વ શક્તિઓ ખર્ચી નાખવાને તત્પર બનેલા છે. આપણે અહિં પણ એ જ પરિસ્થિતિ નજરે પડે છે. મહાસભામાં નવો સામ્યવાદી પક્ષ ઉભો થયો છે, તેના હિમાયતી યુવકો જ છે. સંસારમાં પણ તેઓ ક્રાંતિ ઈચ્છી રહ્યા છે, જુના બંધનોને ઠોકરે મારે છે; અને ઇચ્છિત અને સાનુકૂળ સંજોગો ઉભા કરવા મથે છે. તેઓ સાહિત્યને પણ પાશ્ચાત્ય નામાંકિત લેખકોના ગ્રંથોના તરજુમા કે રૂપાંતર કરીને, સમૃદ્ધ કરવા પ્રયત્ન કરી રહ્યા છે, એટલું જ નહિ પણ સાહિત્ય એક જીવંત પ્રેરક બળ થઇ પડે એ જોવાની એમને હોંસ છે. એમના એ પ્રયાસમાં મોટેરાઓની સહાનુભૂતિ જોઈએ એટલું જ નહિ પણ તેઓ માર્ગદર્શક અને સહાયક થઈ પડે એ ઇચ્છનીય છે. જેમ નદીનો પ્રવાહ વરસાદના પાણીથી ઉભરાઈ જાય છે, તેનો નહેર વાટે ઉપયોગ થાય છે, અથવા તો મ્હોટા બંધ બાંધીને એ પાણીના ધોધમાંથી વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરવામાં આવે છે, તેમ આ યુવકોની શક્તિનું નિયમન થવું ઘટે છે; તેમનો ઉપયોગ લેવાવો જોઇએ છે. બેકારી તો સૌને મુંઝવી રહી છે, એમાંથી આપણે શિક્ષિતવર્ગ બાતલ નથી. અનેક પદવિધરો, નામના વેતને, સાહિત્ય કે શિક્ષણનું કાર્ય કરવાને ઉત્સુક છે. મહારાષ્ટ્રે કોશનાં અને વિશ્વકોશનાં કાર્યો મર્યાદિત જવાબદારીવાળાં મંડળો સ્થાપીને ઉકેલ્યા છે, અને એ રીતે સંખ્યાબંધ વિદ્વાનોનાં જ્ઞાન અને વિદ્વત્તાનો લાભ મેળવ્યો છે; આપણે અહિં પણ એવી યોજના સહેલાઇથી અમલમાં મૂકી શકાય, તેમ થયે આપણે એ કાર્યો સિદ્ધ કરી શકીશું, તેની સાથે અનેક અભ્યાસીઓને સહાયકર્તા થઇ શકીશું. તેની તૈયારી માટે અમને લાગે છે કે પ્રથમ સ્વાધ્યાય મંડળો (study groups) જુદા જુદા વિષયનાં નિકળવાં જોઇએ; જેઓ ઉપરોક્ત કાર્યમાં સહાયક અંગો બની શકશે, અસ્તુ.
અમદાવાદ.
તા. ૨૦-૯-૧૯૩૩.
હીરાલાલ ત્રિભુવનદાસ પારેખ
પાદટીપ :
- ↑ વિવર્તલીલા પૃ. ૧૪–૧૬.
- ↑ પદ્યરચનાની ઐતિહાસિક આલોચના પૃ. ૫૩
- ↑ પ્રેમાનંદ કૃત બાર માસ, પૃ. ૩
- ↑ It is not too much to say that no future history of India can be correct or complete unless “it utilised these Marathi documents, which the Bombay Government have now made accessible to the students.” —Times of India, ૧૦th Sep. ૧૯૩૪.
- ↑ શિશુ અને સખી, પૃ. ૧૦૬.
- ↑ થોડાંક રસદર્શનો પૃ. ૭-૮.
- ↑ થોડાંક રસદર્શનો, પૃ. ૪૦–૪૨
- ↑ સરખાવો : Plotinus taught that the One, being super essential, can only be apprehended in ecstasy, when thought, which still distinguishes itself from its object, is transcerded, and knower and known become one. As Tennyson’s Ancient Sage’ says:—
“If thou would’st hear the nameless and descend
Into the Temple cave of thine own self,
There, brooding by the central alter, thou
May’st haply learn the nameless hath a voice,
By which thou wilt abide, if thou be wise,
From knowledge is the swallow on the lake,
That sees and stirs the surface-shadow there
But never yet hath dipt into the Abysm”
‘Light, Life and Love’–edited Dean Inge. - ↑ લોપામુદ્રા ભાગ ૧ લો પૃષ્ઠ ૧૦૬, ૧૦૭.
- ↑ બુદ્ધિપ્રકાશ, સન ૧૯૩૩, પૃ. ૩૮૫.