ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૬ઠ્ઠું/ગૂજરાતનાં જૂનાં ખતપત્રો અને દસ્તાવેજો
પ્રસ્તાવના
ગૂજરાતના મધ્યકાલિન હિન્દુ રાજાઓનાં ખતપત્રો, દસ્તાવજો, દાન–પત્રો, અને રાજકીય પત્રવ્યવહારનાં લખાણો સંસ્કૃત ભાષામાં થતાં એમ માલુમ પડે છે, અને તે ઉપરથી રાજ્યનાં દફતરો પણ સંસ્કૃતમાં લખાતાં હશે એમ માનવા કારણ મળે છે. ક્ષત્રપ, રાષ્ટ્રકુટ, વલભી અને અન્ય વધારે પ્રાચીન રાજવંશોના અમલ વખતે પણ એજ પદ્ધતિ હશે; જોકે તે વખતનાં દાનપત્રો સિવાયનાં બીજાં લખતો મળી આવતાં નથી. ચૌલુક્યોના રાજ્યઅમલનાં કેટલાંક લખાણો આપણને કોઈ અજ્ઞાત લેખકરચિત लेखपद्धति નામના પુસ્તકમાં મળે છે. આ લખતોની ભાષા શુદ્ધ સંસ્કૃત નથી, પણ દેશી ભાષાના શબ્દોને અને પ્રયોગોને મારી મચડીને સંસ્કૃતના ચોકઠામાં ગોઠવી દીધેલા જોવામાં આવે છે. અને તે પણ એટલે સુધી કે અન્ય સ્થળે નહીં જોવામાં આવતા એવા અનેક દેશી શબ્દો એ દસ્તાવેજોમાંથી મળી આવે છે.
પાટણની રાજ્યગાદી ઉપરથી વાઘેલાઓનો અમલ પૂરો થયો અને મુસલમાની સત્તાનો પ્રારંભિક દોર ગૂજરાત ઉપર શરૂ થયો. રાજભાષા બદલાઈ. કચેરીઓનું કામકાજ સંસ્કૃતને બદલે ફારસીમાં ચાલવા લાગ્યું; અને દસ્તાવેજો પણ ફારસીમાં લખાવા લાગ્યા; જો કે ગૂજરાતીમાં લખાયેલા દસ્તાવેજો પણ મંજુર રખાતા. આ સમયમાં પણ ક્વચિત્ સંસ્કૃત ભાષામાં એટલે કે ઉપર લખી તેવી ‘જૈન સંસ્કૃતમાં’–દસ્તાવેજો લખાતા અને તે મંજુર પણ રખાતા.
ફારસી દસ્તાવેજોનો તો વિષય જ જૂદો છે, પરંતુ પ્રાચીન ગૂજરાતી દસ્તાવેજોની ભાષાશાસ્ત્રીય મતમંડનો માટેની ઉપયોગિતા તરફ અત્યાર અગાઉ સાહિત્યરસિકોનું ધ્યાન જેટલું ખેંચાવું જોઈએ તેટલું ખેંચાયું નહોતું. આ વિષયની શાસ્ત્રીય ચર્ચા તાજેતરમાં પ્રકટ થયેલ, શ્રી કેશવરામ શાસ્ત્રી સંપાદિત મહાભારત ભાગ ૨ના ઉપોદ્ઘાતમાં થયેલી છે, અને દસ્તાવેજોથી પણ ભાષાના વિકાસનો ઇતિહાસ ચર્ચવામાં કેટલી મદદ મળે છે તે જણાઈ આવે છે.
જૂની ગૂજરાતી ભાષાના ગદ્યમાં કેટલીક રૂઢ શૈલીઓ છે–જો કે ‘શૈલી’ શબ્દથી સંપૂર્ણ અર્થ સ્ફોટ થતો નથી એ અહીં સ્પષ્ટ કરી દેવું જોઈએ–જેમકે, માણિક્યસુન્દરસૂરિકૃત ‘પૃથ્વીચન્દ્રચરિત્ર’ તથા ‘સભાશૃંગાર’ વગેરેની ‘બોલી’ એટલે કે અક્ષરના, રૂપના, માત્રાના અને લયના બંધનથી મુક્ત છતાં તેમાં લેવાતી છુટ ભોગવતું પ્રાસયુક્ત ગદ્ય, અજ્ઞાત કવિરચિત ‘કાલકાચાર્ય કથા’ જેવાની અત્યંત સંસ્કૃતપ્રચૂર શૈલી, જૈન બાલાવ બોધો, ઔક્તિકો વગેરેની સંસ્કૃતના સહેલા ટીકા ગ્રન્થો જેવી સુલભ શૈલી અને નરપતિકૃત ‘પંચદંડ’ તથા હીરવિજયસૂરિના કોઈ શિષ્યે રચેલ ‘સંક્ષિપ્ત ગૂજરાતી કાદમ્બરી કથાનક’ ની સહેલી અને સાદી છતાં વાર્તાને અનુરૂપ એવી ગદ્ય શૈલી. આ સર્વથી ખતપત્રોની લખાવટ જૂદી પડે છે. વ્યાકરણ અને સાહિત્યથી અજ્ઞાન એવા લોકો વડે લખાયેલાં આ લખાણોની અત્યારના દસ્તાવેજો જેમ–તદ્દન ઢીલી ભાષાશૈલી એ ખાસ લક્ષણ છે, પુનરુક્તિઓ તો તેમાં આવે જ. આમ છતાંયે એ લખાણોની ઉપયોગિતા અનેક રીતે પૂરવાર થઈ છે. ભાષાશાસ્ત્રની દૃષ્ટિએ તો તેની ઉપયોગિતા આગળ જોઈ, પણ એ ઉપરાંત તેમાંથી દેશ્ય શબ્દો અને વાક્યરચનાઓ અનેક મળી આવે છે, સ્થાનિક અધિકારીઓ વિષેની અનેક દૃષ્ટિએ ઉપયોગી એવી માહિતિ મળી આવે છે અને જો કે સાહિત્યક નહીં તો પણ કૃત્રિમતાથી તદ્દન મુક્ત એવાં આ લખાણોથી ભાષાના તત્કાલીન ઉત્તરોત્તર ફેરવાતા સ્વરૂપનો ખ્યાલ આવે છે.
જૂના દરસ્તાવેજો અનેક મળે છે. આ લેખમાં બધા તો લઈ શકાય તેમ નથી જ, પણ ભાષાના અભ્યાસીને ઉપયોગી થઈ પડે એ દૃષ્ટિ રાખી છે. સોળમા અને સત્તરમા શતકના જાણવામાં આવ્યા તે બધાજ લીધા છે, જ્યારે અરાઢમા શતકમાં ગુજરાતી ભાષાએ લગભગ અર્વાચીન સ્વરૂપ પકડ્યું હોઈ તે વખતના સંખ્યાબંધ દસ્તાવેજો મળતા હોવા છતાં તેમાંથી થોડાક પસંદ કરીને જ લીધા છે. દસ્તાવેજોની શૈલી અને ગૂજરાતી શિલાલેખોની શૈલી અનેક રીતે મળતી આવે છે તે અહીં નોંધી લઉં.
અહીં લેવામાં આવ્યા છે તે ઉપરાંત નીચેના દસ્તાવેજો છપાયેલા મારા જાણવામાં આવ્યા છે. ‘જૈનયુગ’ પુ. ૪ અંક ૫માં સં. ૧૭૭૧નો, ‘પ્રસ્થાન’ પુ. ૧૭ અંક ૪માં સં. ૧૭૨૨ તથા ૧૭૪૪ના, તથા लेखपद्धतिના પરિશિષ્ટમાં ૧૭૦૮, ૧૭૧૫ અને ૧૭૨૪ના આ પ્રમાણે છ લખતો છે. આ સિવાય બીજા અપ્રકટ દસ્તાવેજોમાં ગૂજરાત વર્નાક્યુલર સોસાઇટીમાં અરાઢમા શતકના આશરે છ દસ્તાવેજો છે. નડીયાદની ડાહીલક્ષ્મી લાયબ્રેરીમાં, પાટણમાં કુંભારિયા વાડાના એક ગૃહસ્થ પાસે તથા શ્રી ગટુલાલ ધ્રુવ પાસે પણ આવા દસ્તાવેજો હોવાનું સાંભળ્યું છે. આમ દસ્તાવેજો જો કે સંખ્યાબંધ મળી આવે છે જ, પણ જો પંદરમા, સોળમા કે સત્તરમા શતકના હજી બીજા મળે તો વધારે ઉપયોગી થઈ પડે.
આ સંગ્રહમાં લીધેલાં ખતોની ભાષાશાસ્ત્રીય ચર્ચા કરવાનો અહીં અવકાશ નથી, પણ સામાન્ય ટુંકી નોંધ જેવું મેં અંતે આપેલું છે. જૂના ગૂજરાતી દસ્તાવેજોમાં ઘર વેચાણના, ઘર ઘરાણે મૂક્યાના કે ભાઈઓ જૂદા પડ્યાનાં જ લખાણો જ મોટે ભાગે મળી આવે છે; વિવિધ પ્રકારનાં લખાણો–જેવાં કે लेखपद्धतिમાં નોંધ્યાં છે–હજી મળતાં નથી. અત્યાર સુધી મળતાં આ ત્રણ પ્રકારનાં લખાણો સાથે સરખાવવા માટે સં. ૧૨૮૮ના ત્રણ દસ્તાવેજો તેમાંથી પરિશિષ્ટમાં ઉતાર્યા છે; જેથી સંસ્કૃત અને ગુજરાતી દસ્તાવેજોના સરખાપણાનો ખ્યાલ આવશે. દસ્તાવેજોમાંનાં મતાં અને સાક્ષીઓ નિરર્થક વિસ્તાર થવાના ભયથી આપ્યાં નથી.
શિલાલેખો અને દસ્તાવેજો જેવાં ભાષાના ભલે સંસ્કારી નહીં પણ અકૃત્રિમ સ્વરૂપ પ્રત્યે, અભ્યાસીઓએ અત્યાર સુધી મુકાબલે કંઈક ઉદાસીનતા દાખવી છે તે ભાષાસ્વરૂપના સાચા અભ્યાસની ખાતર દૂર થવાની જરૂર છે. એ અભ્યાસમાં આ સંગ્રહ યત્કિંચિત્ ઉપયોગી થઈ પડશે એવી આશા રાખું છું.
(૧)
સંવત ૧૪૫૯ વર્ષે કાર્તિક શુદિ ૪ સોમે યત્ ગઢ જૂના મધ્યે લિપિતં કંસારા સોરઠીયા સમસ્ત રાત વર્ધમાન તથા રાત ધનજી [વગેરે ૮૨ નામ લીટી ૨૫ સુધી] ત૦ રાત જીવા ત૦ રાત રતના સાથ સમસ્ત મ્યલી કાલિકાને ડુંગરય ઉજાંણી ગ્યા હૂતા ત્યાહા કાલિકા સમીપ લ્યપ્યુ છે યત્ કંસારા સોરઠીઆ સમસ્તના આદિ કુલગોર જૂનાગઢના બ્રાહ્મણ ગિરિનારા કંસારીઆ ભટ ક્રષ્ણજી દેવજી તે માવિત્રે બાલક મુક્યા હૂતા યજમાનની વૃત્તિ કાંપ જાણતા નોહોતા તે ભટ ક્રષ્ણજી દેવજીને સમસ્ત યજમાને મ્યલી પરણાવીને યે શદા ભટ દેવજી વિ’ણજીનેં આપતાં તે લ્યપી આપ્યું છે કોરી ૧ વેવશાલ મ્યલ્યાની || કોરી ૩ લગનની || લગન વર પરણે તે ગામમાં વરને ઉતારે કન્યાના બાપની કોરી ૦|| લગનમાં મુકીને વરના બાપને આપે તે વરનો બાપ બ્યમણી કરીને લગનમાં મુકીને હથેવાલાને કાયે ગોરને આપે લગનનું યમણ આપે || તોરણ્ય ચોલાયું ૧ પશનું નાલિઅર || ચોલાયાં ૪ વરમાલનાં || ચોલાયાં ૨ કરગ્રહનાં || ચોલાયું ૧ કન્યાનો બાપ આપે || ચોલાયાં ૪ ચોરી આંગાના ચોલાયાં ૨ ચોરીમાં વરકન્યા આસન્ય બેઠાનાં || સપ્તપદીના ચોખા શેર ૧| દોકડા ૭ ફોફલ ૭ || ચોરીમાં ગ્રહસ્થાપનના ચોખા શેર ૨|| દોકડા ૯ ફોફલ ૯ || રુદ્રકલશનું શ્રીફલ ૧ દોકડો ૧ ફોફલ ૧ કંસાર ખાધા પછી દાન સમે થાલીમાં આવે તે ગોરનું || ચોલાયું ૧ ધ્રુવદર્શનનું || ચોલાયું ૧ ચડકલી ઉતાર્યાનું કોરી ૭ દાપાંની || પરણી ઉતર્યા પછી વર શ્રીફલ મુકીને ગોત્રજને નમસ્કાર કરે || કન્યા ફોફલ ૭ મુકીને નમસ્કાર કરે તે ગોરનું || દોકડા ૭ ફોફલ ૭ વર લ્યે દોકડા ૭ ફોફલ ૭ કન્યા લ્યે તે વરકન્યા ગોત્રજ આગલ્ય એકીબેકી રમે તે ગોરનું || ફોફલ અપાએ ત્યાંહાં ગોર બ્યમણાં લ્યે || કાલિકાનાં બીડાં ૨ ગોરનાં || કોરી ૨|| કન્યાનો બાપ આપે || યટલા દિ ન્યાત્ય યમે ત્યટલા દિન ગોર યમે || પેહેરામણી પેહેરે તે લુગડા ડીઠ ચોલાયું ૧ આપે || માંડવનું અખ્યાણું ચોખા શેર ૨|| શ્રીફલ ૧ ફોફલ ૭ દોકડો ૧ વાંશ હેઠ મુકવાને શાંતિકના ગ્રહસ્થાપનને કાર્યે ફાલિયુ ૧ ચોખા શેર ૨|| દોકડા ૯ ફોફલ ૯ || રુદ્રકલશનેં શ્રીફલ ૧ દોકડો ૧ ફોફલ ૧ બ્રહ્માસનના ચોખા શેર ૧ા દોકડો ૧ ફોફલ ૧ આમાન ૧ શાંતિકનું || સીમંતનું દાપુ દોકડા ૧૬ અને યમણ || પહેલો દીક્યરો આવે ત્યવાહાર કોરી ૧ આપે || ગોર્ય પુંજામણ ચોલાયા ૨ શ્રીફલ ૧ અને યમણ || નાતરું કરે તે કોરી ૫ આપે || યે કોએ ભર્યું કરે તથા યે કાંઈ વૃત્ત કરે તે સવ ગોરનું || તથા કાલિકાના પણ ભરે તે મંડલનો કાંગ તથા રતનનું ઘી ૫ શેર તથા દોકડો ૧ રતન હેઠલ્યો તે સર્વ ગોરનું || કાલિકાના હવનનું આમાંન ૧ તથા સાસ્તીપાઠનું આમાંન ૧ તથા ગ્રહસ્થાપનના ચોખા શેર ૨ાા દોકડા ૯ ફોફલ ૯ રુદ્રકલશનું શ્રીફલ ૧ દોકડો ૧ ફોફલ ૧ || તથા બીજું યે કૈં પુણ્યદાન કરે તેહેનો ચોથો ભાગ ગોરનો તથા બાવની ક્રિયાનું પદ પદારથ ગાએ ગોદાન ધોતીઆં ફલીઆં હોએ તે સર્વ ગોરનું || યે ગામ માંહે યાંહાં ગોર પાશે નોહે ત્યાંહાં ગોરનું હોએ તે રાષી મુંકે ગોરનું ગોરને પોહોચાડે || જે કોએ સોરઠીઆ કંશારાનું બી હોએ તે ભટ કૃષ્ણજીનો વેચ્યો વેચાએ || એ કંશારા સમસ્ત મ્યલીને લ્યષી આપ્યું છે તે લોપે તહેને કાલિકાની ૭ આંણ છે || હસ્તાક્ષરાણિ ભટ અનંત કંડોલિયા || શ્રી રસ્તુ ||
(૨)
ૐ | સ્વસ્તિ શ્રી સંવત્ ૧૫૮૩ વર્ષે (શ્રી) ગૂર્જરધરિત્ર્યાં સકલ રા(જાવલી)સમલઙ્કૃત પ્રૌઢપ્રતાપ(સકલ)રિપુવર્ગદહનદાવાનલ અરિકુલવરૂથિનીગ (જઘટાકું)ભસ્થલવિદારણૈકપંચાનન(મહારા)જાધિરાજ (પાતસાહ) શ્રી શ્રી શ્રી શ્રી શ્રી બાહદરસાહસંજ્ઞે શ્રી અહિમદાવા(દસમી) પસ્થરાજપુરે કદાયાધિકારે કાદી શ્રી શેખ ફરીદસંજ્ઞે તથા પંચદિવાનાધિકા(રે મુખ)તે મીરકોઈ કો(ટ્ટપા )લમંડપિકાયાં સર્વવ્યાપારે ખાન શ્રી મુખતે (સકલ) તલાર વ્યાપારે મહં કાન્હા નાકર સંજ્ઞે સા x x ય મી૦ ચિરજી સંજ્ઞે તથા પંચકુલ પ્રતિ(ષ)ત્તૌ દાયકગ્રાહકર્યોવચનાત્ વિક્રીયમાણાયાઃ ભૂમેઃ પત્રમભિલિખ્યતે | પૂર્વે દાયકગ્રાહકયોર્નામ લિખ્યતે | દાયક વૃદ્ધ સજ્જને સોની લહૂઆ આસા, લાડણ(આસા), સંઘા આસા, કાશી રણાયર આસા x x x ગ્રાહક પરી૦ આસા સૂદા, રવા સૂદા, વિણ્હૂ સૂદા, જાદવ દમા સૂદા, લાખા નગા સૂદા, સારણ કસા સૂદા, શ્રી બડૂઆ | સો૦ લહૂઈ, લાડણઈ, શંઘઈ, કાશીઈ ઉત્પન્ન (કા)ર્યવંશતુ આપણી ભૂમિ સાહ સામલના પાડા મધ્યે હૂતી તે ભૂમિ રાજ્યટંકા ૮૦૪ આંક આઠસઈ ચિડોત્તર માટઈ વેચાતી પરી૦ આસા, રવા, જાદવ, લાખા, સારણનઈ આપી સહી | તે ભૂમી પરી૦ આસાઈ રવાઈ વિણ્હૂઈ જાદવ(ઈ) લાખઈ સારણઈ આપણઈ કબજી કરી દ્રામ એક મૂઠિં ગિણી આપ્યા સહી | તે દ્રામ સો૦ લહૂઈ લાડણઈ શંઘઈ કાશીઈ આપણઈ જમણઈ હાથિં સંભાલી લીધા સહી | પૂર્વ પશ્ચિમ શ્રે૦ કસા અબા બનાના કહર લગઈ ગજ ૧૬ તથા ઉત્તર દક્ષિણ દાલીયા લાડણ જીવ (ગાંગા)મહિરાજની એક ઢાલી પછીતથી વાટસૂધા ગજ ૩૫ | એવં જમલઈ સર્વ થૈ ગજ ૫૬૦ અંકે પાંચસહ સાઠ પૂરા | અથાઘાટાઃ પૂર્વે શ્રે૦ કસા અબા બનાનું ફલીહ | દક્ષણ દાલીયા લાડણ જીવા ગાંગા મહીરાજ | પશ્ચમ પરી૦ દમા આસા સૂદાનું ફલીહ | ઉત્તર હીંડવાનું માર્ગ શેરીનુ | તથા એવંવિધા ભૂમિઃ પરી૦ આસા રવા વિણ્હૂ જાદવ લાખા સારણ આચન્દ્રાર્કે ભોક્તવ્યા | લહૂઆ લાડણ શંઘા કાશીદાસ સંબન્ધો નાસ્તિ | એ ભૂમિનઈ કીધઈ કો દાવુ કરઇ તેહનઈ લહૂઆ લાડણ શંઘા કાશી ૬ પ્રીછવઈ પ્રદત્તમતાનિ સાક્ષણઃ અત્ર મતં
(૩)
સ્વસ્તિ શ્રી નૃપ વિક્રમાર્કસમયાતીત સંવત ૧૫ આષાઢાદિ ૯૯ વર્ષે શાકે ૧૪૬૫ પ્રવર્ત્તમાને જેષ્ટ વદિ ૧૧ ભૂમે અદ્યોહ શ્રી અહિમદાબાદ વાસ્તવ્ય–ગ્રહણકપત્રમભિલિખ્યતે | શ્રી ગુર્જરધરિત્ર્યાં સમસ્તરાજાવલી સમલંકૃત સકલઅરિવરૂથિનીગજઘટાકુમ્ભસ્થલવિદારણૈકપંચાનન અલક્ષવરલબ્ધરાજ્યશ્રી–– સ્વયંવરમાલાલઙ્કૃતકંઠકન્દલ યવનકુલતિલક મહારાજાધિરાજ પાતસાહ શ્રી શ્રી શ્રી શ્રી શ્રી સુરત્રાણ મહિમ્મુદ વિજય રાજ્યે વિજારત્યાં શ્રી અફજલષાંન | તત્સમયે રાજા અહિમદાવાદ મધ્યે ધર્માધર્મવિચારણાર્થે કાદીશ્રી નસીરદી સંજ્ઞે ન્યાયવૃક્ષપાલનૈકમુખતે દુર્ગપાલ શ્રી અફતિષાંલ મલિક સંજ્ઞે મીરકોઅસાધ શ્રી પીરોજ મલિક જામતિ મંડપિકાયાં શ્રી નગદલમલિકહવેલ્યાં મી૦ નુરદી મી૦ જલાલ એવં પંચકુલ પ્રતિપત્તૌ ઢીંકુએ પટિલ હાજાનામધ્ય (નામધેય) પોલિતત્ર મોદી જસા સુત મોદી સારણ તત્પુત્ર નરાઇણદાસ પરં મોદી હાદાસુત તાપીદાસકેન ગ્રહં ગ્રહણકે ૨ દત્તાનિ | ગ્રાહક નામશ્રી શ્રીમાલીજ્ઞાતીય પરીક્ષ૦ હાબડ સુત ૫૦ હાંસાં તત્પુત્ર ૩ પદ્મા ઉદયકરણ રંગાકેન ગૃહીત્વા યત્ રાજ્યનાણકે ટંકા ૮૦૦૪ અંકે આઠસહિસ્ર ચિડોત્તર બધત્રસુપરીક્ષત [દ્ધત્રિઃ સુપરીક્ષિત] એક મુષ્ટયાનિ દત્તાનિ ૨ | ડુઢીઉ ૧ નવૂં ટંકા ૬ લેખઇ અંકે છ લેખઇ | ઘર ગ્રહણે | ઘર ખડકીબંધ મધ્ય ઉપવર્ગ ૨ ગોઝારી ૨ પટસાલિ પ્રાંગણ સહિત સન્મુખ છાપરૂં વલી ખાપ નલીયા બારત કમાડ સહિત ખડકીબંધ ગ્રહણે મૂક્યાં | મોદી નારાઇણદાસ તાપીદાસ એણઈ મૂક્યાં | ભાઈ ૩ સહા ૫દમા ઉદયકરણ રંગા કહ્નઈ મૂક્યાં | પાર્શ્વ ઉત્તરઇ મોદી ધનાસુત સમધર સાયરનાં ઘર | પાર્શ્વપૂર્વે મોદી તાપીદાસ નારાઇણદાસના ઘર | દક્ષણે ખડકી | તત્ર અગ્રે પાટિકા માર્ગ | એવં ૪ ખૂંટ | છોડવતાં સર્વ વરતી આપઇ | સંચરામણી વાસનાહારની | જાં લગઇ ટંકા આઠ સહસ્ર ચિડોત્તર આપઇ તિહ્વારઇ છૂટઇ | તાં લગઇ ભાઈ ૩ પદમા રંગા ઉદમ કરણ વસઇ વાસઇ । બન્ધી અવધિ વરિષ ૫ની | વરિષ પાંચ પછી છોડવાઇ | વલી એ માસ ૧ પ્રતિ ટં૦ ૨૫ વલઇ | વરિખ એકના ટંકા ૩૦૦ વલઇ | ઘર ભાડું નહીં | દ્રામ વ્યાજ નહીં | ખાલપરનાલનીવાખાટિક પૂર્વા રીતિ સંબંધ | મોદી નારાઇણદાસ તાપીદાસે ઘરગ્રહણે ૫૦ ૫દમા ૫૦ ઉદયકરણ રંગા કન્હઇ મૂક્યાં | અસ્ય લિખિતવિધે પરિપાલનાય | પછઇ એહિવૂં પરઠ્યું | ટંકા ૩૦૦ વરસ ૧ ના વલઇ | ઓરડા બિ મધ્ય ભાગલા તે બેહૂ ૫૦ પદમા ૫૦ ઉદયકરણ રંગા ||
(૪)
સંવત્ ૧૬૧૮ વરષે જેષ્ઠ વદિ ૬ રવેઉ અદેહ નટપદ્રસ્થાનમાંહા શ્રીમુદાફરવિજેરાજૈ વાપારી મલિક શ્રી સિરફહેદિ મલિક અમી પીર પંચકુલ પ્રતિપત્તૌ દોસી કેસવ દો૦ સાગા૦ દો૦ સોમજી જોગ લિખતં નરસંગ વીરા હરિજિ દેવજી | જત ઘરા હાટ માલકનિ દો૦ ૩ બિસી વેચી આપી સહી | ઓ વિચિણા રલિયાત ઘટી કીધી | ઘર જૂના દો૦ જનાના તથા નવા ખરીદા શ્રી જીવાના તથા ફલી ૧ પટ૦ જિભાઇના ખરીદ તથા એ હાટ ૩ ઓ મલકીતે સરવા વેચી લીધી દો૦ જનાના જૂના ઘરમોઘે ભાગ ત્રીજે હતી આ ગોપાલનાં છિતો વેચી આપયાં | તથા કોટડી કાઢતાં બીજું કાંઈ ખરચ ખરાજાત બિસી તૌ મજમૂ અરધે અરધી આપીઇ સહી | તથા બીજું સર્વ હાટનું લુગડૂ તથા સરવાઇઉ કરી ઊઘરાણુ દેવૂ તથા હેમ રૂ. પૂ. કરડી સૂખડી તથા બીજું જે કાંઈ હતૂં તૌ સર્વ પ્રીછી વીચી લિધૂ સહી | દો૦ ૩ બિસી સરવ પ્રીછવણી કરી વિચી આપૂં | આજ સુધા નરસંગ વીરા હરિજિ દેવજ તથા કેસવ સાગા સોમજી ઓજણા સઘલો બેસી પ્રીછી વિચી જૂજૂઆ થયા | ઓહની માહેમહી કહિની સરસમાંધ નહિં | સરવ પ્રીછી જૂજૂઆ થયા | દો૦ ૩ બિસી સઘલા પ્રીછવી વિચી આપૂ | ઓહની માહેમહી તલાવે પાણી સહીઆરે નહી તથા નરસંગ વીરા હરિજિ દેવજી ઓ સરવ વિચી સાટી જૂજૂઆ થયા | ઓહનિ માહેમહિ સરસમંધ નહી | તલાવિ પાણી સહીઆરે નહી | તથા ઊઘરાણી જૂની મજમૂની છિતો જિમ આવિ તિમ અરધે અરધિ લિ | બિજૂ ભોમ દો૦ જનાવાલી રાણા વણા એમના પાસે છે બીજે પાસે પડોસ દવે નાગ જોગીદાસના પાસે છે | બીજૂ ભોમ નવા ગામમાંહેલી તલીઆની છે તે કાહી ભરમપોરે આપી | બાકી છે તે અજમાલ છે | ઉઘરાણી તથા ભોમ મજમૂ છે । બાકી કાંઈ એ વરા કેહીને કસુ સરસમંધ નહી | એ વેહેચણ દો૦ ૩ બિસીને સમજાવા જોઇને ભાગ જોએ મલકત આવી તે મલકત તેહની | એ લખૂ ફેરવે તે તેહેના બાપને જણો નહી | આજ સુધી કોઈનિ કેઇસુ કસો અલાખો નહી | તલાવ પાણી સહીઆરો નહી | એ લખૂ પરમાણુ |
(૫)
રામચંદ્ર સત્ય. સંવત્ ૧૬૬૩ વર્ષે ચૈત્ર વદિ ૧૩ ગુરુ ભાઇ માતાએકટ ૧ બિસીનિ ઘરમાહિ મિરાત્ય સંભા...ઘરમાહિ બરટી મણ પ કુર મણ ૪ કુટ મણ ૧| એ મીરાત્ય | નીકલ્લી ત્યે માટિ ક્રયા તથા વરશી સમંધિ ભાઇ ટણ્ય દેણા માહિ આણુ...થી માતાકનિ ગહરિણુ કડલા કુટની અકટા તરુ... એકુ યોઇન માતાનિ ક્રયા તથા......ધાંઉઝાવાં એહવુ એહવુ જાણી નક....... હમેતઅ | હીનુ પુરૂ ન પડતે | હિ...ભાઈ કલ્યાણ કહુ જે પછિ જ.... હંમારિ છોકરિનિ પાટણ સુધ પકારત અ… | હીરહ કહૂ જે અહમારિ પપ નથ અહમે ત બાપ | જીવતાં છેઢા હોડી ગયા છઇય અહમારિ કશી વાતનુ બોલતા સમંધી રાષુ નથી જે કો પુઠિ... કરાબ બોલવું ટાલુછિ ભાઇ દેવા ક...રન સહુનાથુ બમ્યુણુ છિ પડલુ તેહન.. ભાઇ જઇના ભાગ આપ માગિ ત્યારે આપિ... માતા સાંનધ્ય ભાઇ મોટ વગત્ય કાગલ લ્યષિ. આપ્ય છિ ઘરમાહિ બિશીનિ પ્રીછીનિ ધરણી ઘરની લ્યષિ આ પ્યછિ કાંઇ વ્યિચવુ નથિ કશી વા[ત]નુ બોલવુ નથિ.
(૬)
સંવત ૧૬૭૨ વરખે માગશર સુદ ૪ ભોમે લી. વીસા ઓસવાલ વી. મેહેરાજ તથા વી. પહેરાજ ત. વો રાજધર ધનીઆ અમો ભાઈ ત્રણ મલીને અમારા ઘર શામુ ઘર ખડકી મધે ઉગમણે બારણે છે તથા છીત્રી ૧ દખણ દસે અગાસી છે તે અમો બાઇ ધારંગદે રેહેતી તે ખંડ ૨ સંઘવી શ્રીચંદ તથા અમરસીને કોરી જામસાઇ ૩૫ અંકે પાંત્રીસ માટે વેચાતુ અભરામ નદાવા કરી આપૂ છે અમારા એ ઘર શુ દાવો ધકો છે નહી સંઘવી શ્રીચંદ તથા અમરશી પુત્રપુત્રાદકે ભોગવે.
(૭)
સંવત ૧૬૯૮ વર્ષે માગશર વદ ૪ શુક્ર આદિ શ્રી દીવ મધે લં. કંશારા ઉધ...કંસારા યાદવ તં હીરજી તં ગોવિદ ભાઈ ૪ મ્યલી લિખૂ છે જત માંગરોલ મધે હાટ ૧ એક બે ભૂઉ કસારા શઉદા વાલૂ કં૦ કલ્યાણદાસને પાસે છે તે હાટનૂ જે ભાડુ આવે તે ભાડુ ભાઇ ચ્યારે મ્યલીને ભટ શ્રીપ ત્રીકમ માધવને આપૂ છે જા લગે અમો માંગરોલના રેવાશે નાવૂ તા લગે ભાડું ભટને આપ્યું છે. અમારી હાટની વહીવટ ભટ ત્રીકમ કરે એ હાટ ભટ ત્રીકમનૂં છે હાટ ઉપર અમારે કોયનૂં લેવૂં લેવૂં છે નહીં.
(૮)
સ્વસ્તિ શ્રીમન્નૃપવિક્રમાર્કસમયાતીત સંવત આષાઢાદૌ ૧૭૦૭ વર્ષે શાકે ૧૫૭૨ પ્રવત્તમાને દક્ષણાયનગતે શ્રી સૂર્યે વૃષારૂતૌ મહામાંગલ્યપ્રદ શ્રાવણમાસે શુકલપક્ષે ૩ ત્રીજ સ્વૌ અદ્યેહ શ્રી અહિમદાવાદમધ્યે વાસ્તવ્યં સ્વકીયં સ્વહદં ગૃહં વિક્રતપત્રમભિલિખ્યતે અદ્યેહ શ્રીગૂર્જરાધીશ અગંજનગંજનરિપુરાયામાનમર્દન સકલરાયા શિરોમણિ વાચાઅવિચલ સંગ્રામાંગણધીર દાનૈકવીર યવનકુલતિલક તેજપ્રૌઢપ્રતાપ પાતિશાહ શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી ૭ અવૂઅલ મૂજફર શાહાબદીન મહિમૂદ સાહિબવ રાંણસાંની શાહાયાં હાયાતશાહ ગાજી દીલી મધ્યે વિજયરાજ્ય ક્રિયતે વિજારિત્યાં નવાબ શ્રી ૫ સાદૂલાષાન સંજ્ઞે તંત્ર શ્રી અમદાવાદ નગરે સર્વાધિકાર પાતાશાહા શ્રી ૭ ના યેષ્ઠ પુત્ર શાહાયાદા આલમીયાંન સૂરત્રાણં શાહાશ્રીદ્વારા શૂકૂર પાતાશાહા પાર્શ્વેસ્થિતિ તત્ સમયે આજ્ઞાકારી અમદાવાદ સુબિ નવાબ શ્રી ૫ ગિરતષાન અગ્રે રાયજાદા શ્રી ૫ ગોપાલદાસ ઉભયો ધર્મન્યાયાં પ્રવત્તતે પાતશાઈ દીવાની મી૦ શ્રીપ હાફજનાસર સંજ્ઞે બકશી વાકાનવેશ મી૦ શ્રીપ દોસ્તકામ સંજ્ઞે તથા કજાકર્ત્તા ન્યાયિક વર્ણાવર્ણ ધર્મસ્તાનિકે કાદી શ્રીપ મહિમદ મીરક સંજ્ઞે અદાલિત સઇદ અહિમદ સંજ્ઞે દારોગો મી૦ કૈમાંસંજ્ઞે તથા અદાલિતનુ દારોગો મી૦ હનીફ સંજ્ઞે તંત્ર શ્રી સિહિર કોટવાળી ચુતરિ મી૦ શ્રીપ મહિમદ જેમાં સંજ્ઞે મુશરફ ઠાકુર બ્યહારીદાસ તથા કાનૂગા સમસ્ત શ્રેષ્ટપદે પરી. મદનજી બિન ઉધવજી તથા ચકલા શેઠ સા. નાગજી તથા મહીધરજી કાહાનૂગુ મી. છજૂ એતાનિ સમસ્ત ધર્મન્યાયાં પ્રવત્તતે પાતશાહાજીની આજ્ઞાથકી મંડપિકા તથા ચુતરાનુ અમલ દસ્તૂર માફ છે એવં પંચકુલન્વયો તત્ર પોલિ ઢીકૂંઆની હવેલ્યાયાં અકબર પુરી રાયજાદા કુંપલીની મુહુલિતિ વિહિરાઇપાડાની પોલિમધ્યે તત્ર સ્તાને ગૃહંવિક્રતપત્રમભિલિખ્યંતે | શ્રીમાલ સુવર્ણકારનાતીય સોની હીરજી બિન ષીમજી બિન સોની ન્યાઇઆ પારસ્યાત પોરવાડ ગ્નાતીય લઘુશાષાયાં સા. છયાઉઆ બિન માણિક બિન હરજિ છયાઉઆની ભાર્યા બાઇજીવાદે બિન...તથા સા. છયાઉઆના ભત્તીજનુ પુત્ર સા. પનજી એ બિન નાથજી તથા સા. પનજીની ભાર્યા બાઇ વેજા બિન નરહિર એ સમસ્ત હસ્તાક્ષરાણિ દત્તાયિત ઘર ૧ તે મધ્યે ઉરડુ પશ્ચમાભિમુખનુ અગ્રે પટસાલ તે પટસાલનાં દ્વાર ૨ છિ તે ચુક મધ્યે ષડકી છિ મિહિલાઇએ ઘરના દ્વાર સેરી મધ્યે રછિ ઉત્તરાભિમુષે તથા નેવ ઓટલાનુ સમંધ સહિત તથા પાડાકૈ તથા વાડાનુ સમંધ સાધ્ય તથા એ ઘરના બે ચાલ સહિત એ ઘરનાં ભીતડા બારૂત કમાડ મોભ વલી ષાપ નલકૈરાચ્છાદિતં પક્વેષ્ટકારચિતં કકઠકાષ્ટાદિરચિતં ભૂમિસહિતં અદૃષ્ટનવનિધાનસહિતં સ્વૈચ્છાયાં શાકપણિકાન્યાયેનગૃહ વિક્રતં તસ્ય દ્રવ્યસંખ્યા અહિમદાવાદની ટંકસાલિના આકરા કોરા માસા ૧૧|| સાઢા અગારના નવી શાના રૂપૈયા ૧૬૧ અંકે એકસો એકસઠ પૂરા રોકડા એકે મૂઠિ સોની હીરજી ખીમજીઈ બાઇ જીવાદેનિ ગુર્થ આપીનિ એ ઘર અદૃષ્ટ વેચાતૂ લીધૂ છે. બાઈ છવાદેઈ રૂપૈઆ એકસો એકસઠિ લઇનિ એ ઘર સોની હીરજી ખીમજીનિ અદૃષ્ટ વેચાતૂ આપૂ છે. રૂપૈઆ એકસો એકસઠિ લીધાની વગતિ રૂપૈયા ૧૬૧ અંકે એકસો એકસઠિ મધ્યેથી બાઇ જીવાદેએ સોની હીરજીનિ એ ઘર ગરહિણિ રૂપૈઆ ૭૪||| અંકે પુણી પંચ્યુતરમાહિ ગરહિણિ આપૂ હતૂ તે વાલા તા સા. પનીઆનિ રૂા. ૧૦ અંકેદશ આપ્યા તથા બાઈ વેજાનિ રૂા. ૩ અંકે ત્રણ આપ્યા આપીનિ સમજાવ્યા પોતાની ખુશીઇ બાકી ૭૩| અંકે સવા ત્રોહોતીર બાઇ જીવાદે લીધા જમલિ રૂપૈઆ એકસો એકસઠિ ૧૬૧ બાઇ જીવાદે લેઇનિ એ ઘર સોની હીરજી ખીમજીનિ અદૃષ્ટ વેચાતૂ આપૂ છે એવં ચ્યારિ ષૂટાનિ પૂર્વે એ ઘરની પછીત નેવ તથા સેરીના લોકનું ચાલ તથા પશ્ચમે સોની ષીમજીનુ પરવારના ઘર છિ તથા દક્ષિણિ સોની ષીમજીનુ પરવાર પાસાં કરહુ ષીમજી તથા સોની ષીમજીનુ પરવારનાં ઘર છિ તથા ઉત્તરિ એ ઘરની ખડકીનાં દ્વાર છિ તથા ચાલ છિ તથા નેવ એવં ચ્યારિ પૂટાનિ એ ઘર મધ્યે દૈવવિશાત્ નિધિ પ્રકટ હુઇ તેહનુ સમંધ સોની હીરજી ષીમજીનુ એણિ ઘિરિ સોની હીરજી પુત્ર-પૌત્રાદિક તથા સ્ત્રી દ્વિત્રિ ભુમકરિ કરાવિ તથા સ્વેચ્છા આવિ તે કરિ અન્યકા સરસમંધો નાસ્તિ લાગોભાગો નાસ્તિ. હવિ એ ઘર સાથિ બાઇ છવાદેનિ તથા સા. પંનજીનિ તથા બાઇ વેજાનિ તથા એહની ઓહોલાદિને સરસમંધો નાસ્તિ તડાગે ઉદકસમંધો નાસ્તિ આચન્દ્રાર્ક કુલ અભિરામ નદાવે કીધુ છે. એ ઘરનુ તથા એ ઘરની ભુમનુ કો વેરશી આવે તેહને બાઇ જીવાદે પ્રીછવિ સમઝાવિ એ ઘરના પાલ પરનાલિ નેવ નીછાર પૂર્વાભિરિતિ સમંધ
(૯)
- || શ્રી મલેસર પહલીએનાં પારશી શમસ્ત નાંહનાં તથા મોટા સમસ્ત જત અમો શરવ પંચ એતફાક થઈ કરાર કીધો જે આપણાં વડાએ અશલ આં. મિહિરજી ચાંદણાના વડાનિ કુલકરી લાવા છૈ જે અમારૂ અધારૂપણાંનું કામ તમો પાસિ કરાવીએ તેની વગત વેહેવા શ્રાએ જેની વરણી તથા ઉઠેણાંની ધુપ દેખાડવી તા. ચેહારંમનું આફરગાંન કરિ તથા કુંઆરા છોકરાની નવજોત તા. રોજ દિશાચાલ ૫ શાલ તમો પાસૈ કાંમ કરાવીએ તે ઉપર આ મિહિરજીનાં બાપદાદા હમે સૌ કાંમ કરતા આવા અને આંપણાં વડાંએ એહો પાસૈ કરાવેઊ તે ઊપર અમો શરવ પંચ બિશીને લખુ કરૂજૈ એહોનાં વડા બાપદાદા કામ કરતા આવા જે અમો ભી રાજી થાઈને એહો પાસે શાલ ૫ શાલ કાંમ કરાવીએ એ ઉપર કોએ બીજો લોદગી કરી અમલ કરી અમલ કરૈ તે શ્રી શરિનો ગોનેગાર તા૦ દીવાંનમાં ગોનેગારી રૂ. ૨૫ પચીશ ભરૈ તથા અમારા વડા કુલ કરી એહોને લાવા છૈ. માઠે અમો અમારા વડા શાથૈ જે તમારૂ કામ શાલ ૫ શાલ ચલાવું માટે શરવ પંચ રાજી થાઈને લખુ કરૂ છૈ સંવત ૧૭૨૮ વરખે રોજ ૧૬ મા. ૧૦ શ્રાવણ વદી ૧૩ લખુ એ અમો શરવ રાજી થાઈને લખુ છૈ આ. મિહેરજી ચાંદના ઊપર રાજી રહેઉ. (આ પછી એક લીટી ફાટી ગયેલી છે અને પછી આશરે પચાસેક પારસીઓનાં મતાં છે.)
(૧૦)
સ્વસ્તં શ્રીમન્નૃપવિક્રમાર્કસમયાતીત સંવત ૧૭ આષાઢાદિ ૩૩ વર્ષે શાકે ૧૫૯૮ પ્રવર્તમાને દક્ષણાયન ગતે શ્રી સૂર્યે વર્ષારૂતૌ મહામાંગલ્યપ્રદે માસોત્તમ શ્રાવણમાસે શુકલ પક્ષે ૧૦ દશમ્યાં તિથૌ રવિવાસરે અદ્યેહ શ્રી ગૂર્જરધરિત્ર્યાં મહારાજાધિરાજ પ્રૌઢપ્રતાપ સંશોભિત રિપુવન દહન દાવાનલ રિપુરાયામાનમર્દન અરિકુલગંજન અરિવરુથિની ગજઘટા કુંભસ્થલ વિદારણૈક [પંચાનન] અન્યાય અંધકારોન્મૂલનીક પ્રૌઢપ્રતાપૈકમલ્લ સકલરાયાશિરોમણિ પાતશાહ શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી ૭ અવરંગજેવ પાતશાહ ગાજી દિલીગ્રામાદિપુ વિજયરાજ્યં કરોતિ | તત્ર વિજારત્યાં વછર શ્રી શ્રી શ્રી શ્રી શ્રી ૫ જયતલમુલકીષાન અસ્તાષાન નામ્નિ સંજ્ઞિકે તદાવેશાત્ અદ્યેહ શ્રી અમદાવાદ મધ્યે હાક્યમ સોબે સાહિબ ન બાજ ન બાબ શ્રી શ્રી શ્રી શ્રી શ્રી ૫ મેહેંમદ અમીષાન નામ્નિ સંજ્ઞિકે ધર્મન્યાય ક્રિયતે તથા દિવાન શ્રી ૫ મીયાં મેંહમદ શરીફ નામ્નિ સંજ્ઞિકે તથા કોટરક્ષાપાલાયાં કોટવાલપદે મીરશ્રી ૫ અલીરજાનામ્નિ સંજ્ઞિકે તથા પાલસે શ્રી ૫ અબદલ ગુફારનામ્નિ સંજ્ઞિકે તથા બકસી વાકાનવેશ જાપ [અહીં મૂળમાં નામ લખ્યું નથી] નામ્નિ સંજ્ઞિકે અમીન શ્રીપ અસમાલ બેગ નામ્નિ સંજ્ઞિકે દારોગા શ્રીપ અબુ નાસર નામ્નિ સંજ્ઞિકે || તથા શ્રી અમદાવાદાત્ પૂર્વવિભાગે જ્યોતીશ્રી હરિહરેણ નિર્મિત હરિહરપુરં તથા સર્વ પુરવ્યાપારાર્થં ફોજદારપદે વેગ શ્રીપ શામવેગ નામ્નિ સંજ્ઞિકે તથા મીરકોઈપદે વેગશ્રી ૫ હાશમવેગ નામ્નિ સંનિકે દારોગો શ્રી ૫ ફાજલપાન નામ્નિ સંજ્ઞિકે મુશરફઠાકુર શ્રી ૫ શામદાસ નામ્નિ સંજ્ઞિકે તથા શાણગીપદે હાજદાર શ્રી ૫ શેષ હસન નામ્નિ શ્રેષ્ટપદે સમસ્ત માહાજન તથા સમસ્ત ગામ પટયલપદે પટલ તુલસી એવમાદૌ પંચકુલ પ્રતિપત્તૌદાયક ગ્રાહક્યોરનુમતેન ગ્રહં વિક્રીતં તસ્ય પત્રમભિલિક્ષ્યતે | તત્ર દાયક નામાનિ દસા પોરવાડ જ્ઞાતીય સાહ હરજીસુત સાહ કડૂઆ સુત સાહ ધનજીની ભાર્યા બાઇ ધનબાઇ એભિર્વિચાર્ય સ્વકીયં ગ્રહં ભ્રતૃપયાગતં સ્વેચ્છયા ઉત્પન્ન કાર્યવશાત્ શાકપણિકાન્યાયેન દત્તં વિક્રીતં | એષાં હસ્તે દત્તં તેષાં ગ્રાહક નામાનિ | દસા દીસાવાલ જ્ઞાતીય સાહ બોડીઆ સુત સાહ રામજીસુત સાહ સાંતીદાસ એભિર્વિચાર્ય સ્વેચ્છયા દ્રવ્યં દત્ત્વા ગ્રહં ગ્રહિતં | તસ્ય ગ્રહસ્ય વ્યક્તિ | ઘર ૧ પોલ્ય વેરાજોગીની મધ્યેનું પૂર્વાભિમુખ ઓરડા બેર તે મધ્યે ઓરડો ૧ મેડી બંધ જડાવ છે એક મેડી વિના છે તથા પડસાલિ ૧ તેણે બારણા ૨ છે તથા રસોડૂં ૧ છે, પાણીહારું એક છે, એક ઘરની હદનો ચોક છે તથા પાણીહારા મધ્યે ઘાઢાં બેર પાણી ભરવાનાં છે તથા ખડકી ઉત્તરાભિમુખની છે | એ ઘર મધ્યે બાર સાખ ૭ કમાડ સંયુક્ત છે જીર્ણ છે તથા મોભ, વલી, મોહતીઉં, ષાપ, નલીઆં એ સર્વ જીર્ણે આચ્છાદિત છે તે ઘર ઉપર દ્રવ્યસંખ્યા રૂપૈઆ (૧૨૫) અંકે રૂપૈઆ એકસો પચવિશ પુરા ખરા ખોરા અમદાવાદની ટંકસાલિના માસા ૧૧ના નવી ૨|| ના આપ્યા છે | બીજું સાહ સાંતીદાસ પાસેથી રૂપૈઆ એકસો પંચવિસ લેઈને એ ઘર કુલ અભિરામ ન દાવે વેચાથૂં આપ્યું છે | બીજું એ ઘર ઉપર સાહ સાંતીદાસ સપ્તભૂમિ પર્યંત ઘર કરે, પુત્ર પૌત્રાદિ કશું ભોગવે, ઈચ્છા આવે તે કરે | એ ઘર મધ્યે નિધિ પ્રગટે તે સાહ સાંતીદાસની એ ઘર શું શાહ ધનજીના તથા બાઈ ધનનાં વંશ માહે કોહમો સર સંબંધ નહી | લાગો ન તડાગેઽપિ જલસંબંધોઽપિ નાસ્તિ | એ ઘરનો કો વેરસી સંબંધી ઉપજે દાવો કરે તેહને બાઈ ધનબાઈ પ્રીછવે સમઝાવે | કોહેનો સરસંબંધ નહી | એ ઘરના ખૂટ ૪ પશ્ચિમ દિશે પછિત છે નેવ પડે છે, એ ઘરની છીડી મધ્યે છીડી શાહ મોહનદાસની વાડીની પછીત બરાબરથી માંડીને શાહ ઓધવની છીંડીની પછીત લગી છે, દક્ષિણ દિક્ષિ શાહ મોહનદાસનું ઘર છે. કહરો છીડીથી માંડીને પડસાલિના ભડા સુધી આ ઘરના ધણીનો છે, રસોડા પણીહારાનો કહરો શાહ મોહનનો છે. બીજું પૂર્વ દિશિ સામો કહરો સ્વાંગ શાહ દ્વારકાદાસનો છે ઉત્તર દિશિ ચાલ લાલ નિકાલ નીછારો | એ સવ પૂર્વ રીત્યશું છે, ઉત્તરાદશિ શાહ ઓધવ મુકંદનૂં ઘર છે | અત્ર લષિતં પરિપાલનીયં | શુભં ||
(૧૦)
સ્વસ્તિ શ્રી મન્નૃપવિક્રમાર્કસમયાતીત સંવત ૧૭૫૨ વર્ષે શાકે ૧૬૧૭ પ્રવર્ત્તમાને કાર્તિક માસે શુકલપક્ષે ૨ દ્વિતિયાયાં તિથૌ ભૌમવાસરે હાટ ધરણે લીધૂ તસ્ય ખતપત્રયભિલિખ્યતે | અધેહ શ્રી ગુર્જ્જરાધીશ અગંજનગંજન રિપુરાયામાનમર્દન સકલરાય શિરોમણિ અભિનવમા...અવતાર સંગ્રામાંગણધીર દાનૈકવીર વાચાઅવિચલ મુગટમણિ મહધદ્દીન મહેમ્મદ પાતશહા શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી ૭ અવરંગજેવ બાહાધુર આલમગીર પાતશાહા ગાજી દક્ષિણમાંહિ વિજૈરાજ્ય ક્રિયતે | તત્ર વિજારત્યાં નબાબ શ્રી ૫ અસદષાંન તસ્યા દેશાત્ અમદાવાદ મધ્યે હકિમ ન બાબશ્રી ૫ શુજાયતષાંન તસ્યા અગ્રે સકલ કાર્યકર્ત્તા ઠાકર બિહારીદાસ | તત્ર પાતશાહી દીવાન ખાંન શ્રી ૫ અહેતમાતખાંન સૂરતમાં છે તેના નાયબ અમદાવાદ મધ્યે હોદિ મીરશ્રીપ મીર મહેસની તત્ર પાતશાહી બકશી મીરશ્રી ૫ ગાજદીન | તત્ર ધર્માધર્મ વિચારણાર્થે કાજી શેષશ્રી ૫ અબૂ અલ ફરહ તત્ર મુફતી મીયાં શ્રી ૫ શેષ અહેમ્મદ તત્ર અમીન શેષ શ્રી ૫ જમીઅલદીન તત્ર ચુતરે કોષ્ટપાલ મીરશ્રી ૫ અતિ કુલ્લા | તત્ર સહેર કાહાંનૂગો સમસ્ત તથા શેઠ સમસ્ત તથા માહાજન સમસ્ત એતા ૩ સમસ્ત ધર્મન્યાય પ્રવર્ત્તતે | પાતશાહાજીની આ......રીનુ અમલ દસ્તૂર માફ છે, મંડપિકા માફ છે એવા પંચકુલાન્વય પ્રતિપત્તૌ તત્ર હવેલ.....ચુકની ઓલ સલતાંન સાહેબના હજીરાની મધ્યે હલ ગૃહણંક ગૃહીત | તત્ર દા(ય)ક વણિક શ્રીમાલ જ્ઞાતીય વૃદ્ધિશાષાયાં સારા રૂપચંદ તથા બાઈ વાહાલબાઈ તથા બાઈ આણંદબાઈ બિન મૂલજી બિન સોમા તે સાહા રુ૫ચંદ તથા બાઈ વાહાલબાઈ તથા આણંદબાઈ એતાન્ ત્રંણ્યે પારસ્યાત્ | તત્ર ગ્રાહક સ્વજ્ઞાતીય બાઈ વાછબાઈ બિન વેલશી બિન ધના તે બાઈ વાછબાઈ સાહ વીરચંદ બિન અમરચંદ તે સાહ વીરચંદની ભાર્યા બાઈ વાછબાઈ હસ્ત દાંરાણ દાતવ્યં | પત્ર હાટ ૧ પૂર્વાભિમુખનુ તે મધ્યે ખંડ ૩ ત્રણ્ય પૂર્વાભિમુખના તે ત્રણ્યે ખંડ ઉપર ડગલા જડિત્ર મેડી છે તે સહિત | તે મેડીએ બારી ૧ પૂર્વાભિમુખની છે એ ત્રીજા ખંડ આગલ ચુથુ પેઢીનુ છાજલીએ ઢાંક્યું છે તે સહિત, એ હાટના ત્રીજા ખંડ મધ્યે હાટડૂ છે તે સહિત, એ હાટની કાપો કદીમની હદ મર્યાદા સર્વ સહિત | એ હાટનાં ભીતડાં બારત કમાડ પાટડા પાટીઆં કુંભી મોભીઆં મુહુતીઆંશ મોજૂદ બાપ વલી નલકૈરાચ્છા દિતં એ હાટના ખૂટ | પૂર્વ દિશે હાટનૂ દ્વાર છે ચાલ છે નીકાલ છે નેવ છે પેઢી છે અગ્રે રાજમાર્ગ છે, પશ્યમ દિશે એ હાટની પછિત્થે સુલતાંન સાહેબનું હજીરો છે ત્યાંહાં એ હાટનાં પછીત્યનાં નેવ ઉતરે છે, ઉત્તર દિશે બાઈ કલ્યાણબાઈ તથા બાઈ ગલાલબાઈ બિન પાસવીરનૂ હાટ છે, દક્ષિણ દિશે પંચની પર્વ છે એવું ચ્યાર ષૂટાનિ || અસ્યોપરિ અમદાવાદી ટંક સાલ્યના કોરા આકરા સહેરચલણીઆ નવી ૨ || ના માસા ૧૧ || ના તોલા રૂપૈઆ ૮૦૧ અંકે આઠસેહે એક પૂરા એકી મૂઠે એકાજૂત બાઈ વાછબાઈએ સાહ રુપચંદ તથા બાઇ વાહાલબાઇ તથા બાઇ આણંદબાઇ ત્રણ્યેને ત્રણ્યેને આપીને એ હાટ ત્રણ્યે પાસેથી ઘરેણે લીધૂ છે તે શાહ રુપચંદ તથા બાઈ વાહાલબાઈ તથા બાઈ આણંદબાઈ વાછબાઈને ઘરેણે આપ્યૂં છે હવે એ હાટ મધ્યે બાઈ વાછબાઈ તથા બાઈ વાછબાઈના પુત્રપૌત્રાદિક પરિવાર વસે, વાસે, ભાડે આપે, આડ ઘરણે મૂકે ત્યહાં એ હાટના ધણી કશી વાતની કનવાર ન કરે; એ હાટ દૈવવશાત્ પડે આખડે રાજકદૈવક લાગે, નલી આંની ષોટ વસનાર ધણી પરચી સમરાવે, ધણી છોડવતાં સર્વ મુજરાવર્ત્તી આપે, સંચરામણી વસનારની, ગૂર્થનૂ વ્યાજ નહી, એ હાટનૂ ભાડૂ નહી | એ હાટનુ કોઈ વેરશી હીસારાર દાવે દારપે કોઈ આવે તેહને એ હાટના ધણી સમઝાવે પ્રીછવે વારે જવાય કરે | વલતૂ વર્ષ એક પ્રત્યે દોકડા ૧૬ અંકે સોલ ત્રાંબાના છૂટા વલે સહી | યહવારિ અમદાવાદી ટેકસાલ્યના નવી અઢીના માસા સાઢા અગ્યારના રૂપૈઆ આઠસેહે એક પૂરા સાહ રૂપચંદ તથા બાઈ વાહાલબાઈ તથા બાઈ આણંદબાઇ એ ત્રંણ્યે તથા એ ત્રંણ્યેની ઓલાદ્ય માંયે..... (બા)ઈ વાછબાઇને તથા બાઇને તથા બાઇ વાછબાઇની ઓલાદ્યમાંયે કો હોવ નેહને આપે ત્યારે એ હાટ ઘરેણે છૂટે સહી એહવાં ખત સામસામા લ્યષી લીધાં છે.
ટિપ્પણ.
૧. આ દસ્તાવેજ શ્રીયુત કેશવરામ શાસ્ત્રીએ કેટલાક વખત પહેલાં ‘ગૂજરાતી’ પત્રમાં છપાવ્યો હતો અને તેજ વખતે ગૂજરાત કાઠિયાવાડની પ્રાચીન ભાષા ભિન્ન હોવા વિષેનો પોતાના અભિપ્રાય રજુ કર્યો હતો. ત્યારપછી એજ દસ્તાવેજ ‘મહેતા વિ. મુનશી’માં પરિશિષ્ટ રૂપે અને છેલ્લે શ્રી કેશવરામ શાસ્ત્રી વડે સંપાદિત થયેલ મહાભારત ભાગ ૨ના ઉપોદ્ઘાતમાં વિસ્તૃત ભાષાશાસ્ત્રીય ટિપ્પણો સાથે છપાયેલ છે. આ વિષયમાં પણ અનેક ચર્ચાઓ ઉપસ્થિત થઈ છે (જુઓ ‘ગૂજરાતી’ અઠવાડિકના નવેમ્બર–ડિસેમ્બર ૧૯૩૩ના અંકમાં મારા લેખો, ‘બુદ્ધિપ્રકાશ’ પુ. ૮૦ અંક ૧માં શ્રી મધુસૂદન મોદીનો લેખ ‘સોળમા શતકની ગૂજરાતી ભાષા’ તથા ‘બુદ્ધિપ્રકાશ પુ. ૮૧ અંક ૧માં મારો લેખ ‘પ્રાચીન ગૂજરાતી કાવ્યનાં બે બહુમૂલ્ય પ્રકાશનો’). અભ્યાસની દૃષ્ટિએ આ દસ્તાવેજને અહીં સ્થાન આપવું મને ઉચિત લાગ્યું છે.
૨. આ ઘરવેચાણનું ખત દિ. બા. કેશવલાલ ધ્રુવની માલિકીનું છે. તે ઉપરથી સ્વ. મણિલાલ બકોરભાઈ વ્યાસે જૂની ગૂજરાતીના નમૂના તરીકે, પોતે સંપાદિત કરેલી ‘વિમલપ્રબન્ધ’ના ઉપોદ્ઘાતમાં છપાવ્યો હતો, અને એ પછી સ્વ. ચિમનલાલ ડાહ્યાભાઈ દલાલે लेखपद्धतिના એક પરિશિષ્ટમાં તે આપ્યો હતો. ૧. કોટ્ટપાલ મંડપિકા–કોટવાલની કચેરી. હજીયે ઘણાં ગામોમાં પોલીસ સ્ટેશનને ‘મંડી’ () નામ આપવામાં આવેલું જોવામાં આવે છે. ૨. તલાર–ફોજદાર, જુઓ ‘ચોર ચોરી કરી તલાર બાઝઇ’–પ્રાચીન હરિયાલી તથા ‘કુમરી વાણી શ્રવણિ સુણી તવ તલાર ગયુ રા’ભણી’–જ્ઞાનાચાર્યકૃત બિલ્હણપંચાશિકા. ૩. પંચકુલ–આ શબ્દ ઘણાં પુસ્તકોમાં મળે છે. કેટલેક સ્થળે તેનો અર્થ વસુલાતી અધિકારી જેવો છે, જેમકે, अथ कान्यकुब्जादायतपञ्चकुलेन तद्देशराज्ञः सुतायाः श्रीमहणिकाभिधानायाः कञ्चुकसम्बन्धे पितृप्रदत्तगूर्जरदेशस्योद्ग्राहणकहेतवे समागतेन सेलभृद्वनराजाभिधानश्चक्रे (प्रबन्धचिन्तामणि ફા. ગૂ. સભાની આવૃત્તિ પૃ. ૨૦)। આ જ ગ્રંથમાં તથા કેટલાક શિલાલેખોમાં પણ આ શબ્દ મળે છે. ઘોસલા કૃત Contributions to the history of the Hindu Revenue System એ પુસ્તકમાં ‘પંચકુલ’નો અર્થ કસ્ટમ ખાતાનો આધકારી કર્યો છે. કેટલાક જૈનગ્રન્થોમાં આ શબ્દ એવી રીતે વપરાયો છે કે તેનો ભાવાર્થ બીજા કોઈ ખાતાના સામાન્ય અમલદાર જેવો થાય છે. પણ અહીં ઉતારેલા દસ્તાવેજો તથા અન્ય સ્થળે મળતા સંસ્કૃત દસ્તાવેજોમાં (જુઓ પરિશિષ્ટ) આ શબ્દ જે રીતે વપરાયો છે. તે ઉપરથી તો लेखपद्धतिના ટિપ્પણલેખક રા. શ્રીગોન્દેકરે આપેલો An assembly of arbitrators usually consisting of five (પૃ. ૯૮)–પંચ એ અર્થ વધારે સારો લાગે છે. દસ્તાવેજોમાં તો સ્થાનિક અધિકારીઓનાં નામો લખીને પછી एवं पश्चकुलप्रतिपत्तौ એમ લખવામાં આવે છે, એટલે મૂળ શબ્દમાં જો કે પાંચ અધિકારીઓ વિવક્ષિત છે છતાં પાછળના સમયમાં બધાજ સ્થાનિક આધકારીઓનાં નામો લખીને પછી ‘પંચકુલ’ શબ્દ લગાડી દેવામાં આવતો એમ સંખ્યાબંધ દસ્તાવેજો ઉપરથી જણાય છે. કેટલાક વિદ્વાનો માને છે કે હાલનો ‘પંચોલી’ શબ્દ આ ‘પંચકુલમાંથી ઉતરી આવેલો છે. ૪ ટંકા–‘ટકા’ એ નાણાવાચક સામાન્ય શબ્દ છે, અમુક ખાસ સિક્કાનું તે નામ હતું એમ માનવાને કારણ નથી. પ. દ્રામ–સામાન્ય ચલણનો મોટો સિક્કો, રૂપિયો. આ નામ અનેક ગ્રન્થોમાં અને શિલાલેખો મળે છે. રૂપાનો બનતો હોવાથી रूप्यक–રૂપિયો એ નામથી ઓળખાયો હશે; આ શબ્દ ગ્રીક Drachmae ઉપરથી નીકળેલો મનાય છે. ૬. પ્રીછવઈ (સં. प्रत्येति પ્રા. पश्चेइ)–જવાબ દે, વિશ્વાસ આપે. જુઓ ‘પેરે પેરે જોયું; પ્રીછવ્યું. પણ ન માન્યું સીત’–રત્નદાસ ‘હરિશ્ચન્દ્રાખ્યાન’
૩. આ ખત પણ દિ. બા. ધ્રુવની માલિકીનું છે. તે ઉપરથી સ્વ. મણિલાલ વ્યાસે ‘વિમલપ્રબન્ધ’ના ઉપોદ્ઘાતમાં અને સ્વ. ચિમનલાલ દલાલે लेखपद्धतिના પરિશિષ્ટમાં છપાવ્યું હતું. ૧. પંચકુલ–જુઓ ૧ દસ્તાવેજ ઉપરનું ટિપ્પણ. ૨. ગ્રહણક–ઘરાણે, ગિરો. ૩. એક મુષ્ટયાયાનિ દત્તાનિ–એક સાથે મૂઠી ભરીને આવ્યા છે. આ પ્રયોગ હજી પણ પ્રચલિત છે. ૪. પાટિકા–પોળ, પાડો.
૪. આ વિભંગપત્ર સ્વ. ચિમનલાલે लेखपद्धतिના પરિશિષ્ટમાં છપાવ્યું છે. ૧. અદેહ (સં. अद्येह)–અહીં, આ ગામમાં. ૨. પંચકુલ–જુઓ રજા દસ્તાવેજનું ટિપ્પણ. ૩. મજમૂ (સં. मध्यम પ્રા. मज्ज्ञिम)–સહીયારું. ૪. તળાવ પાણી સહીઆરે નહી–ભાઈઓ પોતાના ભાગ લઈને જુદા પડયા પછી એક બીજાના તળાવમાંથી પાણી પીવાનો પણ તેમનો હક્ક રહેતો નથી. સરખાવો સંસ્કૃત દસ્તાવેજોનો પ્રયોગ इहार्थे तडागेडपि पानीयं साध्यं नहि। અજમાલ–આનું મૂળ હું જાણી શક્યો નથી, કદાચ ફારસી ઉપરથી હશે. તેનો અર્થ ‘સહીયારું’ એવો લાગે છે. બીજે સ્થળે પણ તે વપરાયેલો છે તે ઉપરથી આ અનુમાન મેં કાઢ્યું છે, જેમકે, ‘તથા ૧ વેહેલ બલદ ૨ એ જીતનો સામાન અજમાલ છે તે વેહેલ જોડી જાએ તે ભાઈ ચારમાં જે જોડી જાએ તે જોષમ લાગે તો સમરામણી આપિ’ (लेखपद्धति પૃ. ૭૫)
૫. આ ખત પાટણના શ્રીયુત કનૈયાલાલ ભાઈશંકર દવે પાસેથી મને મળ્યું હતું. ખત બહુ જીર્ણ છે અને કાગળ આંગળી અડતાં જ ચુરો થઈ જાય એવો છે છતાં તેમણે તે મને ઉદારતાપૂર્વક ઉપયોગ માટે અહીં મોકલી આપ્યું માટે તેમનો ઘણોજ આભારી છું. ૧. એકટં (સં. एकस्थ) એકઠાં.
૬–૭. આ બન્ને દસ્તાવેજો સોળમા–સત્તરમા શતકની કાઠિયાવાડની ભાષાના નમૂના તરીકે શ્રી કેશવરામ શાસ્ત્રીએ ‘મહાભારત’ ભાગ ૨જાના ઉપોદ્ઘાતમાં ઉતાર્યાં છે.
૮. ‘બુદ્ધિપ્રકાશ’ના ફેબ્રુઆરી ૧૮૭૩ના અંકમાં આ દસ્તાવેજ છપાયેલો છે. આ અને બીજાં અનેક લખતોમાં તે વખતે તળ ગૂજરાતમાં વિક્રમ સંવત્ આષાઢાદિ ગણાયો હોવાનો ઉલ્લેખ આવે છે. ૧. વિજારત્યાં–વજીરાતમાં. ૨. વાકાનવેશ–નોંધણી ખાતાનો મુખ્ય અમલદાર. ૩. પંચકુલ–જુઓ ત્રીજા દસ્તાવેજનું ટિપ્પણ. ૪. પકવેષ્ટકારચિતં – પાકી ઈંટોથી બાંધવામાં આવેલું. ૫. શાકપણિકાન્યાયેન–શાક વેચવામાં આવે છે એવી રીતે, એટલે કે મૂળ માલીકનો તેમાં કોઈ પ્રકારનો સંબંધ નથી. આ પ્રયોગ સંસ્કૃત દસ્તાવેજોમાંથી ઉતરી આવેલો છે. ૬. માસા ૧૧|| ના નવી અઢીના – માસા ૧૧|| વડે સિક્કાનું વજન વિવક્ષિત જણાય છે, પણ ‘નવી અઢી’નો અર્થ સમજાતો નથી. ૭. એકમૂઠિ –સરખાવો, एभिः पूर्वलिखितान् राज्यटंकान् एकमुष्ट्यागृहित्वा विक्रीतम्। ૮. ભૂમ–માળ. ૯. તડાગે ઉદકસમંધો નાસ્તિ–જુઓ ૪થા દસ્તાવેજનું ટિપ્પણ.
૯. આ દસ્તાવેજ પારસીનો લખેલો છે અને સોરાબજી મંચેરજી દેશાઈ કૃત ૧૮૯૭માં છપાયેલ ‘તવારિખે નવસારી’માં છપાયો છે. તેમણે આ ખતની પ્રસ્તાવના નીચે પ્રમાણે આપી છે : ‘આજે નવસારીમાં અને બીજે જે જે ઠેકાણે કકલ્યા અથવા કરકરીઆની અટકથી જે ટોળો ઓળખાય છે તે ટોળાના મુખી વડીલ આ મેહેરજી ચાંદણા નામે એક દાનાવ ભગરીઆ મોબેદ હતા. એવણ વિશે નવસારીમાં આવી વસેલા મલેક સરાહમધેના પારશીઓનો મોટો વિશ્વાશ અને માન હોવાથી તમામ મલેશરની અંજુમને તેવણને પોતાના પંથકી બનાવી, આખું મલેશર ફલ્યું તેવણનું યજમાન થયું. અને નીચે પ્રમાણે એક લેખ કરી આપ્યો હતો.’ પારસીઓનાં બીજાં પ્રાચીન ગૂજરાતી લખાણો માટે જુઓ દાદાચાનજી સંપાદિત Sanskrit writings of the Parsees. ૧. કુલ–કોલ.
૧૦. આ ખતની અસલ નકલ ગૂજરાત વર્નાક્યુલર સોસાઈટીમાં છે. ૧. વિજીરત્યાં–વજીરાતમાં. ૨. પંચકુલ–જુઓ દસ્તાવેજ ૨જાનું ટિપ્પણ. ૩. તડાગેડપિ જલસંબંધો નાસ્તિ–જુઓ ૪થા દસ્તાવેજનું ટિપ્પણ. ૪. વેરસી–વારસ.
૧૧. આ ખતની અસલ નકલ ગૂજરાત વર્નાક્યુલર સોસાઈટીમાં છે. ૧. અવરંગજેવ……દક્ષિણમાહિ વિજયરાજ્યં ક્રિયતે–આમાં ‘દિલ્હી’ને બદલે ‘દક્ષિણ’ કહ્યું છે તે અર્થસૂચક છે. પોતાની પાછલી અવસ્થામાં ઔરંગજેબ દક્ષિણની લડાઈમાં વધારે પરોવાઈ ગયો હતો. ઇ. સ. ૧૬૮૩ (સં. ૧૭૩૯)માં તેણે અહમદનગરને લડાઈનું કેન્દ્રસ્થાન બનાવ્યું અને શાહઆલમને કોંકણમાં તથા અજીમને ખાનદેશમાં મોકલી પોતે ઔરંગાબાદમાં રહ્યો. ત્યાંથી તે પાછો દિલ્હી આવી શક્યો જ નહોતો અને દક્ષિણમાંજ ઇ. સ. ૧૭૦૭માં મરણ પામ્યો. દસ્તાવેજમાંનું ઉપલું વાક્ય રાજકીય પરિસ્થિતિને અનુલક્ષીને જ વાપર્યું જણાય છે. ૨. રાજકદૈવક લાગે–રાજાના અથવા દૈવના કોપથી નુકસાન થાય. આ પ્રયોગ પણ સંસ્કૃત દસ્તાવેજામાંથી આવેલો છે; જેમકે समस्तराजकदैवकषशात् वातपित्तश्लेष्मरोगात् योगक्षेमादिकमुत्पद्यते तत्सर्व धारणिकस्य (लेखपद्धति પૃ. ૪૧) |
ભોગીલાલ જ. સાંડેસરા.
પરિશિષ્ટ
(१)
गृहविक्रयपत्रविधिः
सं० १२८८ वैशाखशुदि १५ गुरावद्येह श्रीमदणहिल्लपाटके समस्तराजावलीसमलङ्कृतमहाराजाधिराज परमेश्वरपरमभट्टारक- उमापतिवरलब्धप्रौढप्रतापसंशोषितारातिनिकरसप्तमचक्रवर्तीपार्व तीपतिप्रसादसम्पादितराजलक्ष्मीस्वयंवरअभिनवसिद्धराजरिपुराज- भीमश्रीमद्भीमदेवकल्याणविजयराज्ये तत्पादपद्मोपजीविनि महामात्यश्री अमुके श्री श्रीकरणादौ समस्तमुद्राव्यापारान् परिपन्थयति सतीह अमुकामुकपथके द्वयमुद्रायां महं० श्री विजयसिंहेऽधिकुर्वति सति एवं काले प्रवर्त्तमाने राज० श्रीचतुर्भुजस्य देवस्य प्रसादपत्तलायां भुज्य मानदन्दाहीयपथके बालूआग्रामे तन्नियुक्तवाहकराज० अजयसिंह महं० यशश्चन्द्रसुतमहं० जाजलप्रभृतिपञ्चकुलप्रतिपत्तौ गृहविक्रयपत्रमभिलिख्यते यथा । यत् व्य० आशाकेन नागरज्ञातीय महं० मालासुत गोदापार्श्वात् पूर्वपुरुषोपार्जितं द्विभूमिकं कावेलुकैः छन्नं दटितं समालिन्दकं पूर्वाभिमुखं सफलहिकं कोटडीसहितं पूर्वरीत्या यथा निर्गच्छमानजलमार्गयुतं स्वसीमापर्यन्तं चतुराघाटोपेतं नवनवत्याचारेण सवृक्षमालाकुलं नव निधानपूर्ण आचन्द्रार्क शाकपणिकान्यायेन मूल्येन पञ्चमुखनगरविदितं गृहमूल्ये द्रम्म ५०० पञ्चाशत् द्रम्मैर्गृहीतम् । अत ऊर्ध्व गृहमिदं व्यवहारकेण पुत्रपौत्रपरम्परया यदृच्छया भोक्तव्यं यद्रोचते तत्कार्य गृहस्यास्य । यथासन्तिष्ठमानालिखितगृहविक्रयपत्रानन्तरं गृहेऽस्मिन् मनःस्वेच्छया नवीनः कर्मस्थायः काराप्यः । धर्मेण गृहमिदं देयम् । अथान्यहस्ते विक्रेतव्यम् । इहार्थे धारणिकेन गृहस्यास्यचिक्रीतस्य विषये व्यवहारकसमं वादविवादः किदृशोऽपि न कार्यः । इहार्थे उपरिलिखितधिधेनिर्वहणाय अन्यगोत्रिदायादरायवर्गीयकन्दलनिवारणाय पत्रहस्तान्यव्यवहारकखश्वानिवारणाय दावापितान्तःस्थ अमुकज्ञातीय अमुकामुकजना व्यवहारकस्य सन्तानपरम्परया विक्रीतगृहं भोगवतः समस्तवादविवादं निवारयन्ति । एकेन सर्वे सर्वैरप्येकः । परस्परमुत्तरमपरस्याकुर्वतः लिखितपत्रविधिर्व्यवहारकसमं निर्वहणीया । इहार्थे धारणिकरक्षपालानां नामानि । पत्रं प्रमाणम् ।
(२)
गृहाड्डाणकपत्रदिधिः
सं० १२८८ वैशाशशुदि १५ सोमेऽद्येह श्रीमदणहिल्लपाटके समस्तराजावलीसमलङ्कृतमहाराजाधिराज परमेश्वरपरम भट्टारकउ- मापतिवरलब्धप्रौढप्रतापसंशोषितारातिनिकरसप्तमचक्रवर्तीपार्वती- पतिप्रसादसम्पादितराजलक्ष्मीस्वयंवरअभिनवसिद्धराजरिपुराजभीमश्रीमद्भीमदेवकल्याणविजयराज्ये श्री चन्द्रावत्यां राउलश्रीधारावर्षपञ्चकुलप्रतिपत्तौ गृहाड्डाणकपत्रमभिलिस्यते यथा। धनिको नाम नामतः अमुक ग्रामवास्तव्य अमुकज्ञातीय अमुकाकसुतअमुकाको लाभाय स्वधनं प्रयुङ्क्ते । अस्य च हस्ताक्षराणि धारणिको नाम नामतः । इहैव वास्तव्य वायटज्ञातीयव्य० कूरासुतसूराकेण स्वीयसमुत्पन्नप्रयोजनवशात् श्री श्रीमालीयखरटंकशालाहतत्रिः परीक्षितहट्टव्यवहारिक्य-प्रचलित श्रेष्ठ श्री श्री विश्वमल्लप्रियद्र० ४०० चत्वारिशतानि द्रम्मा व्यवहारकपार्श्वात् गृहीताः । अमीषां द्रम्माणां व्यवहारकस्य मनोविश्वासनिमित्तं पूर्वपुरुषोपार्जितं अद्यापि भुज्यमानं सफलहिकं चतुर्दिक्षु वरंडिकावृत्तं पट्टशालारसवतीसमन्वितं कवेलुकैः समाच्छन्नं दटितं द्विभूमिकं पूर्वाभिमुखं स्वगृहं अधोविलिखितचतुराघाटोपेतं वृद्धिफलभोगाचारे अड्डाणके मुक्तम् । गृहस्य भाटकं नहि । द्रम्माणां व्याजं नहि । अयं वृद्धिफलभोगाचारः । गृहस्य आघाटा यथा । पूर्वस्यां दिशि देवसदनस्य वरण्डिकायां सीमा, दक्षिणस्यां दिशि वा० देवडगृहनीवपाते सीमा, पश्चिमायां दिशि राजभवनकोटर्डीमर्यादा । एवं चतुराघाटोपेतं पूर्वपुरुषोपार्जितं स्वगृहं मया व्यवहारकस्य मनोविश्वासनिमित्तं अद्यदिनपूर्व पञ्चवर्षाणि बन्धीकृत्य अड्डाणके मुक्तम् । यदि गृहस्याङ्गजगोत्रिदायादराजकुलप्रभृतिना व्यवहारकस्य किदृशोऽप्युपक्षयो जायते स सर्वोऽपि धारणिकेन निर्वहणीयः। अथ कदापि व्यवहारकस्य भीडायां जातायां द्रम्मा विलोक्यन्ते तदा धारणिकमाक्रम्य द्रम्मा ग्राह्याः । नो वा धारणिकविदितमन्यव्यवहार- कहस्ते पत्रमड्डाणकं दत्वा द्रम्मा ग्राह्याः । गृहमिदं दैववशादग्निदाहेन अतिजलपाताद्वा ज्वलति पतति घृपति तदा धारणिकेन निजवित्तं व्ययित्वा तादृशमेव गृहं काराप्य व्यवहारकस्य देयम् । अथ कदापि धारणिकः स्वयं कारयितुं न शक्नोति तदा व्यवहारकेण अग्रीकपायाउपरि धारणिकविदितं तादृशमेव काराप्यम् । काठकिवेलूकडीयमजूरप्रभृतीनां लागिद्रम्मा व्याजसहिताः सोपेक्षया धारणिकविदितं पत्रे चटाप्याः । गृहमध्ये कोष्ठकं कृत्वा अथ भूमावेव चणकलवणं वा व्यवहारकेण न क्षेपणीयम् । तेनोपद्रवेण यदि कीदृशोऽपि गृहे विनाशः स्यात् ततो व्यवहारकेण स्वीयद्रव्यं व्ययित्वा गृहं समराप्यम् । एवं व्यवहारकेण लिखिताबधि यावन्निजमनोहार्या गृहं भोगवनीयम् । अवधेरूर्ध्व प्रतिवर्षं दीपोत्सवे सामकसीपक्षैर्द्रम्मैर्दत्तैः छुटति । दीपोत्सवादूर्ध्व प्रतिपद्दिने ग्रन्थिवद्धैरपि द्रम्मैधारणिकः छोटयितुं न लभते । अस्योपरि लिखितविधेः पलापनाय सामकसोपक्षयद्रम्माणां दावापनाय अन्यगोत्रिदायादपत्रहस्तान्यव्यवहारिक्यादिसमस्तरवश्चान्निवारणाय दावापितआधि- पालप्रतिभूअमुकज्ञातीय अमुकसुतअमुकाकमुकाकौ द्वौ चरौ वा लिखितपत्रविधिं समग्रामपि धारणिकवद् व्यवहारकसमं निर्वहतः । एकेन सर्वे सर्वैरप्येकः । एकेन व्यवहारकस्य हस्तप्राप्तेन अपरस्योत्तरमकुर्वतो धारणिकवत् व्यवहारकलिखितपत्रविधेः निखिलोऽपि निर्गमो विधेयः । परस्परमुत्तरप्रत्युत्तरो न कार्यः । इहार्थे धारणिकआधिपालानां स्वहस्तेन आधिवाससत्कीयपञ्चसाक्षिविदितं प्रदत्तमतानि । लिखितपत्रमिदं उभयाभ्यर्थितेन पारथीजयताकेन । हीनाक्षरमधिकाक्षरं वा प्रमाणम् ।
(३)
विभङ्गपत्रविधिः
संवत् १२८८ वर्षे कात्तिकशुदि १५ गुरावद्येह यथावर्तमान-राजाबलीपूर्व विभङ्गपत्रमभिलिख्यते यथा । यत् पितुः परलाकं प्राप्तस्यनन्तरं चत्वारो भ्रातरः पृथग्धना जायन्ते । तदेभिश्चतुभिर्भातृभिः नैजायमानैः प्रथमं पितृऋणं राजकीयदेयं देवसंवन्धि स्वजनसंवन्धिदेयं तथा व्यवहारकाणां च देयं सर्वमेवात्राङ्के विधाय समग्रगृहवार्त्तायां मणिमाणिक्यप्रवालमुक्ताफलाङ्कनाणक-सुवर्णरूप्यमयमाभरणं तथा सप्तधातुमयमपरं च घटितमघटितं भूमिगतंवहिःस्थितं च राच्छापोच्छादिकं तथा गोधूभजोवारिमुद्गभाषव्रीहितिलतृवरिझालरचुला मालमसूरसरसवप्रभृतिधान्यानि गुडखंडघृततैलमधुप्रभृतिस्नेहरसास्तथा अश्वोष्ट्रमहीषीगोअजाखरगा-डरप्रभृतिचतुष्पद्धनं क्षेत्रखलसम्बन्धि लांगडिपाटगडाछकडावा-हिनीप्रभृतिवाहनानि तथा पावडाकुहाडाकुदालाकुसिदात्रलोहडी-तावाप्रभृतिलोहमयं वस्तु हललाङ्गलप्रहणिदीवडाप्रभृतिकूपक्षेत्रोपकरणानि भाजनटांवाटीसयकांसीयाप्रभृति कांस्यमयानि राच्छानि तथा कडाहितांवडीप्रभृतिताम्रमयानि तथा देघडीपडघाहींडोली- टकडावृजारांधूपहडपालभृंगारप्रभृतिपित्तलमयानि भाण्डानि च कांस्यताम्रपित्तलवटलोमयं समग्रं वस्तु तथा घण्टीनीशाउदूषलमूसलचुकीवटसेजवटप्रभृतिगृहमण्डनादि राछपोछादिकं सर्व कांजिकाधानीबीजमर्यादीकृत्य अपरं मृण्मयं कुंत्रणीगुढाकोठीप्रभृतिकं च सर्वमित्यादि गृहवार्त्ता कुटुम्बवृद्धैज्ञातीमुख्यैश्च चतुभिर्जनैर्विचार्य निच्छद्मवृत्या पञ्चभिर्विभागर्विभज्य प्रदत्ता । एको विभागो मातुः प्रदत्तः । अवशिष्टाश्चतुरो विभागाश्चतुर्णा भ्रातृणां प्रदत्ताः । अथ कदापि एकः सुतः सुता वा अविवाहिता भवति ततः साध्यगृहवार्त्तामध्यात् कुटुम्बवृद्धानां चतुर्णा मुखेन तेषां पाणिग्रहणोपक्षयः पञ्चभिरपि विभागादेशैः सम एव जनन्या हस्ते दातव्यः । माता निजमनोहार्या यस्य सुतस्य मध्ये रहति तेन निजगोत्रदेवीवत् निजमातृभक्तिः कार्या । तथा मातुर्जातु विपत्यां और्ध्वदेहिकक्रिया एकादशद्वादशाहप्रभृतिका समस्ता तथा संवत्सरं यावत् दीपदा- नमासिकषाण्मासिकसांवत्सरं निजकुलाचाररीत्या नवाहपक्षमासत्रिपक्षादिक्रियाःसर्वा मातृविभागग्राहकेन सुतेन श्रद्धापूर्व प्रतीतिसहितं सर्व स्वर्गस्थितमातुः श्रेयोर्थ कर्तव्यम् । तथा मातुर्विपत्तेरनन्तरं अपरिणीतबान्धवभगिनीनां विवाहार्थ रहापितपञ्चविभाग- मध्येऽन्यद्रव्यं चतुभिर्कुटुम्बवृद्धैः पर्यालोच्य सुशीलस्य श्रद्धापरस्य स्नेहवतोऽव्यसनिन एकस्य सुतस्य हस्ते दातव्यं यथा स पितृवत् महाचिन्तापरस्तेषां विवाहं करोति । तथा एभिः सर्वैरपि बौन्धव पृथग्भूतैः निजनिजविभागादत्तद्रव्यं व्यवसावेन वर्धनीयम् । अथ व्यसनेन भक्षयित्वा न वोटनीयम् । तथा सर्वे भ्रातरः पृथग्भूताः स्वीयस्वीयकर्मभाग्यवशात् नवीनं द्रव्यं लक्षसंख्यया उपार्जयन्तु । अथवा अग्रीकमप्यामूलं भक्षयन्तु । पुनरात्मनां मध्ये परस्परं कस्यापि ऋद्धिमतो बान्धवस्य समं हीनवित्तेन बान्धवेन तृष्णाभिभूतेन वादविवादः किदृशोऽपि न विधातव्यः । परस्परं भागविभागः किदृशोऽपि नहि । तडागेऽपि पानीयं साध्यं नहि । परस्परमात्मनां मध्ये केवलं जातमृत्युसूतकेन गृह्यन्ते। अन्यः कोऽपि भागसंबन्धो नहि । परस्परमेकस्य व्यवहारेणापि न गृह्यन्ते । आत्मीयकृतकर्मेणा सर्वेऽपि गृह्यान्ते । अथ चतुर्णा भ्रातृणां मध्यादेकः कोऽप्यात्मीयविभागात् द्रव्यं भक्षयित्वा अपरेषामृद्धिमसहमानो गृहवार्त्तावाचनाय कूटकपटं कुरुते स कुटुम्बवृद्धैः तथा परपुरुषैः दावापितरक्षपालैश्च चतुर्भिर्जनैः लिखितविभङ्गाक्षरप्रमाणेन विधिलोपकर्त्ता निवारणीयः । इहार्थे समस्तभ्रातृणां तथा ज्ञातोययथानामदावापितरक्षपालानां पृथक् स्वहस्तेन दत्तमतानि । तथा ज्ञातीवृद्धानां विभागकर्तृणां चतुर्णामपरेषां च बहूनां पत्र लिखित- साक्षीवादसहितं विभङ्गपत्रं प्रमाणमिति ।