ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૬ઠ્ઠું/પોપટલાલ જેચંદ અંબાણી
એમનો જન્મ ૧૯–૧૧–૧૮૭૯ ને રોજ બિલખામાં થયો હતો. જ્ઞાતે મોઢ વાણીયા. વતની બિલખાના. તેમના પિતાશ્રીનું નામ જેચંદ નથુભાઈ અંબાણી, માતાનું નામ હરખબાઈ. માતાને એકના એક સંતાન હોવાથી લાડકોડમાં ઉછરેલા. તેમનો પ્રાથમિક અભ્યાસ બિલખામાં જ થએલો. પછી પ્રવેશક પરીક્ષા આપી રાજકોટની ટ્રેનિંગ કૉલેજમાં દાખલ થયા. ત્યાં બે વર્ષ શિક્ષક માટેની તાલીમ લઈ અમદાવાદની પી. આર. ટ્રેનિંગ કૉલેજમાં દાખલ થયા અને સને ૧૯૦૦ની સાલમાં પહેલે નંબરે ત્રીજું વર્ષ પાસ કરી શિક્ષણ માટેનો હોપ મેડલ મેળવ્યો, અને કાઠિયાવાડના કેળવણીખાતામાં શિક્ષક તરીકે જોડાયા. છેલ્લાં બાર વર્ષથી તેઓ બાર્ટન ટ્રેનિંગકૉલેજના હેડમાસ્તર તરીકે છે. શ્રી. ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠીના સરસ્વતીચંદ્રની તેમના પર ખાસ અસર થઈ છે. સને ૧૯૧૮થી તેમણે સાહિત્યસેવાની શરૂઆત કરી. “શાળાપત્ર”, “કેળવણી”, “સૌરાષ્ટ્રશિક્ષક” વગેરેમાં તેમણે વિજ્ઞાન, શિક્ષણ અને ભૂગોળ ઉપર પુષ્કળ લેખો લખ્યા છે. અને તે રસથી વંચાય છે તથા પ્રશંસા પામ્યા છે. હાલ તરતમાં તેમનો શોખનો વિષય ભૂગોળ છે. જો કે સંસ્કૃત અને ગુજરાતી સાહિત્ય; તેમનું વાચન અને ચિંતન ઉંડું છે. પરંતુ હાલ તરતમાં તેમણે પોતાનું બધું લક્ષ ભૂગોળ પરજ એકત્ર કર્યું છે, તેમણે લખેલાં ભૂગોળનાં પુસ્તકો (ત્રીજા ધોરણથી શરૂ કરી મેટ્રીક સુધીનાં) વિદ્યાર્થીવર્ગ અને શિક્ષકમંડળમાં આદરપાત્ર નીવડયાં છે. અને પાઠ્યપુસ્તક તરીકે સ્વીકારાયાં છે.
૧ ગુજરાત ૨ મુંબાઈ ઇલાકો ૩ હિંદુસ્તાન ૪ પૃથ્વી ૫ પૃથ્વીનો સંક્ષિપ્ત પરિચય ૬ પૃથ્વીનો પરિચય
-: એમના ગ્રંથોની યાદી :-
- ૧ ગુજરાત
- ૨ મુંબાઈ ઇલાકો
- ૩ હિંદુસ્તાન
- ૪ પૃથ્વી
- ૫ પૃથ્વીનો સંક્ષિપ્ત પરિચય
- ૬ પૃથ્વીનો પરિચય