ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૭/ગુજરાતી ભાષા – રેવ. જોસફ વોન ટેલર
પ્રભુએ માણસને ઉત્પન્ન કરીને તેને બુદ્ધિદાન આપ્યું. આ બુદ્ધિ વડે માણસ બોલે છે ખરૂં, પણ પોતાની બુદ્ધિથી માણસે ભાષા શોધી કાહાડી હોય, એનાં કાંઈ પ્રમાણ ઠરતાં નથી: પણ જેમ બુદ્ધિ, તેમ ભાષા પણ, દેવદત્ત છે એવું માનવું યોગ્ય દેખાય છે. સૃષ્ટિસમયે માણસની ભાષા એકજ હતી. જાંલગ પ્રજા બહુ વધેલી ન હતી, અને સહુ લોક પાસે પાસે વસેલા હશે, તાં લગ તેમની ભાષા એકજ રહી, એ માનવાને કોઈ પણ અટકાવ નથી. અતિ પ્રાચીન ઈતિહાસના લેખ ઉપરથી જાણવામાં આવે છે, કે મહાપ્રલયની પૂર્વે અનેક વિદ્યાકળાના શોધક અને શિક્ષક પ્રગટ થયા હતાઃ કૃષિવિદ્યા, પશુપાળનો ધંધો, તંબુઓ કરવાની કળા, લોહડું ત્રાંબું ઘડવાની કારીગીરી, ગાયનમાં વગાડવાના વાજીંત્ર કરવાની યુત્તિ, નગરો બાંધવાની રીતિ, ઈ., શોધી કાહાડી હતી. પણ અક્ષરજ્ઞાન (લખવા વાંચવાની કળા) તેઓમાં તે કાળે પ્રગટ્યું હતું કે નહિ એ કહેલું નથી. મહાપ્રલય (ખ્રી, પૂ. ૨૩૪૮ કે ૩૧૫૫+[2] ) થયા પછી, કેટલાંએક વર્ષ સુધી માનવજાતના બધા લોક પાસેને પાસે વસ્યા હતા. તેઓમાં પ્રલય પૂર્વેની વિદ્યાકળાનું વત્તું એાછું કંઈ જ્ઞાન રહ્યું હોય; પણ એ જ્ઞાન કેટલું અને કેવું હતું એ કહેલું નથી, અને એનો શોધ અજી લાગ્યો નહિ. પણ એટલું તો દેખાય છે, કે શિલ્પવિદ્યા, ધનુર્વિદ્યા, કૃષિવિદ્યા, અને કદાચ ધાતુ ઘડવાનું જ્ઞાન, એવું કાંઈ રહ્યું. એવું જણાય છે કે તે કાળે માનવોનું સ્વસ્થાન ઈરાન દેશમાં કાસ્પિયન સમુદ્રની પાસે હશે, અને તાંથી ક્રાત નદીના કાંઠા સુધી કોઈ પ્રાંતોમાં હતું. માનવ જાતનું મૂળ સ્વસ્થાન તે છે એવું કહેવાય.
તહિં, ભાષા બદલાઈ, અને પછી લોક વેરાયા. વેરાવાનું વર્ષ, અશરના ગણ્યા પ્રમાણે, ખ્રીસ્તાવતારની પૂર્વે આશરે ૨૨૩૩મે વર્ષે, અને, હેલ્સના ગણ્યા પ્રમાણે, આશરે ૨૫૫૪મે વર્ષે હોય એવું દેખાય છે. ત્યારે લોકની કેટલીએક પૃથક પૃથક ટોળી મૂળ સ્વસ્થાન મૂકીને દૂર દૂર દેશોમાં પોત પોતાને વાસ્તે નવાં નવાં વતન કરવા નીકળી.
માનવોમાં જે પેહેલું રાજ્ય બંધાયું તે અસ્સુરીનું કહેવાય છે. તેનો આરંભ, હેલ્સના ગણ્યા પ્રમાણે, ખ્રી. પૂ. ૨૫૫૪મે વર્ષે, અથવા તેની પાસે કોઈ સમયે હતો. તેથી થોડાંજ વર્ષ પછી આફ્રિકાખંડના મિસર દેશમાં, મિસ્ત્રી (ઈજીપ્ત) ના વિખ્યાત રાજ્યનો આરંભ થયો.
આ બે રાજ્યોની ભાષાઓમાં કંઈ ફેર હતો ખરો, તોપણ તેઓ એકજ વર્ગમાં આવે એવી હતી. ભાષાનો આ વર્ગ શેમીય કહેવાય છે,*[3] એટલે શેમવંશીઓની ભાષા; પણ હામવંશીના ઘણા ખરા એજ વર્ગની કોઈ ભાષા બોલતા. આ વર્ગમાં ખાલદી, સુરીઆની, હેબ્રી, ફેનીકી, ઈથિઓપી, અરબી, ઈ., આશિઆની અને ઉત્તર આફ્રિકાની ભાષા છે. મહા પુરાતન કાળે આ લોકોમાં, મોટાં વિસ્તારેલાં રાજ્ય ચલાવવાની બુદ્ધિ, અક્ષરજ્ઞાન, કવિતા, ઉત્તમ ઈતિહાસ, ન્યાય, ઈત્યાદિના ગ્રંથો લખવાનો સ્થિર અભ્યાસ હતો; વળી શિલ્પવિદ્યા, ધનુર્વિદ્યા, નાવિકવિદ્યા, ઈત્યાદિ હતી; તેમના વેપારિયો કોઈ સ્થળમાર્ગે, અને કોઈ (વિશેષે કરીને ફેનીકિયો) જળમાર્ગે થઈને, દૂર દૂર દેશેામાં સ્વદેશી ઉપજ લેઈ જતા, અને તાંથી વળતાં પરદેશી દ્રવ્ય પોતાને ઘેર લાવતા. એવા બધા વિષયો વિષે, કેટલાએક સૈકા સુધી, શેમીય ભાષા બોલનારી પ્રજાએ બીજી બધી પ્રજા કરતાં ઉત્તમ બુદ્ધિ અને અધિક પરાક્રમ દેખાડ્યાં. પછીથી આવનારાના આગેવાન જેવા થઈને તેમને શીખવનારા હતા એવું દેખાય છે.
એમની એવી ચડતી કળાના દિવસમાં આર્ય ભાષા બોલનારી પ્રજાની અવસ્થા બહુજ ભિન્ન હતી. આર્ય કહેવાયલી ભાષાઓમાં, મુખ્યત્ત્વે કરીને સંસ્કૃત, જંદ, ગ્રીક, લાટીન, ગોથીક, ઈત્યાદિ ભરતખંડની અને યુરોપની ભાષાઓ છે. યુરોપના લોક યાક્તવંશી છે. ઈરાનમાં જંદ ભાષા બોલનારામાં માદી કે માદાઈ લોક પણ યાક્તવંશી હતા. વળી અટકળથી ધારિયેછિયે, કે ભરતખંડના આર્યો પણ એજ વંશના હશે, માટે એમની ભાષાઓના વર્ગને યાક્તી કરીને કહેવાને કોઈ ઈચ્છે છે.
આર્યપ્રજા મૂળ સ્વસ્થાનથી બહુ છેટે અને બહુ વેરાતા દેશોમાં જઈ વસી. જાણે કે આ લોકે આખી પૃથ્વીને વસાવવાનું કામ પોતાને માથે રાખ્યાની પેઠે કરયું; વળી બધી પૃથ્વીમાં જે સહુથી સારા દેશો છે, તેઓ પણ એમના ભાગમાં આવ્યા. જન્મસ્થળ મૂક્યા પછી એક હજાર વર્ષની માહે તેમના પગ યુરોપમાં ઠોરે ઠોર, અને આશીયામાં ક્રાત તીગ્રીસના દુઆબથી, તે સિંધુ નદમાં મળનાર પંચનદના કાંઠા સુધી (કદાચ યમુના ગંગાતટ સુધી પણ) સ્થિર જેવા થયલા દેખાય છે. પણ આવા વિસ્તારેલા વતનમાં જઈ વસવાનું વસમું કામ પાર પાડતાં, તેમને, પહેલાં, મોટાં ભયંકર વનોમાં પેસવું પડ્યું. વનપશુને મારી અને વનસ્પતિને કાહાડી, પોતાને કાજે વસ્તીનું સ્થળ અને ખેતરની ભૂમિ સિદ્ધ કરવાનું કામ પાર પાડતાં, તેઓએ એવી આગ્રહતા દેખાડી, કે જાણે આ લોક, આગળ જતાં સાક્ષાત વિવિધ જસ મેળવનારા થશે એવા દેખાયા. પણ, તેમનું કામ અજી અરણ્યમાં હતું તેટલામાં તેઓ રણવાસી થઈ વિદ્યાકળાદિક કેળવણી વિષે, પુરાતન લોકનું શું કહિયે, પણ પોતાના શેમવંશી અને હામવંશી ભાઈઓ કરતાં હીણા થયા.
ઈરાનદેશસ્થ અર્યો*[4] માનવના મૂળસ્થાનની પાસે વસેલા હતા, માટે બાબલનની કે અસ્સુરીઆની પ્રજાની સાથે, પેહલાથી પૂર્વ સભ્યપણાના ભાગીયા, અને પછી તેના દાયાદ અને ધણી થયા. આશરે ખ્રી. પૂ. ૫૫૯ મે વર્ષે તેમનું રાજ્ય પ્રબળ થવા માંડયું. તેઓમાં વિદ્યાકળાનો અભ્યાસ અને અક્ષરજ્ઞાન હતું, એતો હેબ્રી અને ગ્રીંકોના ગ્રંથો ઉપરથી જાણિયે છિયે. પણ તેમની આર્યભાષામાં લખેલા ઈતિહાસના, કે કાવ્યના, કે વિદ્યાબોધના કોઈ ગ્રંથ, આજ સુધી એવા નહિ રહ્યા કે જેના ઉપર આપણે સાક્ષાત દેખાડી શકિયે કે તેમનો મનોયત્નનો પરાક્રમ કે વિવેકનો દીપક કેવો હતો:-જંદ ભાષામાં જે લખેલું હતું તેમાંથી બહુજ થોડું હાથ આવ્યું છે, અને એના પણ અર્થનો બંધ બેસાડવો કંઈ સુલભ કામ નથી.
પોતાના સ્વસ્થાને જઈ પોંહચતી વેળા, યુરો૫ના આર્યોમાં અક્ષર--જ્ઞાન ન હતું, પણ આ જ્ઞાન તેમને શેમીય ભાષા બોલનારાની પાસેથી પ્રાપ્ત થયું. હામવંશી, ફેનીકી જાતિનો કાદમસ નામે એક પુરૂષ, ગ્રીસમાં આવી રહેલો પ્રવાસી, અથવા ફેનીકીઓની ગમથી ઠરાવેલો અધિકારી, એણે ગ્રીક આર્યોને (ખ્રી. પૂ. ૧૪૯૩-૧૫૦૦) અક્ષરદાન આપ્યું એવું લખેલું છે. ગ્રીક અને લાટીન ભાષાના ઉચ્ચારના અગત્ય પ્રમાણે આ અક્ષરોમાં કંઈ વધઘટ થઈ યુરોપમાં આજ સુધી ચાલનારા બધા અક્ષર તેજ મૂળથી આવ્યા છે. ગ્રીકોમાં પેહલાં કેવા ગ્રંથ રચાયા, એ આપણે કહી શકતા નથી, ૫ણુ લખવા વાંચવાનો અભ્યાસ ચાલ્યો એનો કંઈ સંશય નથી, કેમકે ખ્રી. પૂ. ૮૫૦ થી તે ૯૦૦ સુધી (કોઈ કહે છે તેથી પહેલાં) હોમર નામે કરી મહા વિખ્યાત કવિએ, અત્યુત્કૃષ્ટ કાવ્યના એવા ગ્રંથ રચ્યા, કે આજ સુધી તે કવિઓના પ્રથમ વર્ગમાં ગણાય છે. ગ્રીકોમાં કવિતાનો અભ્યાસ પૂર્વે નહિ હોત તો તેનાથી એવું થાત નહિ.
ત્યાર પછી, ગ્રીક લોકમાં ઘણા ગ્રંથકર્ત્તા થયા. કાવ્યનો ખરો અભ્યાસ થયો, તેમજ ગદ્યમાં સારા સારા અને મહા ઉપયોગના ગ્રંથો રસિકરીતિએ લખવાનો મનોયત્ન બહુ થયો. તત્વજ્ઞાન, તર્કવિદ્યા, વાગ્મિત્વ (મનોરંજક ભાષણ), ખરો ઈતિહાસ, ભૂગેળ ખગોળનો શોધ, અને ગણિત, એ બધા વિષે તેઓએ પોતાના મનોયત્નમાં એેવો પરાક્રમ અને વિવેકની કૌશલ્યતા દેખાડ્યાં, કે તેમના રચેલા ગ્રંથો, પેહલાં રોમીઓને, અને પછી યુરોપની બધી પ્રજાને, જોઈ શીખવા સારૂ દ્રષ્ટાંતરૂપ થયા;-આજ સુધી તેમનાં પુસ્તકો વિદ્વાનોના હાથેથી બહુ ફેરવેલાં છે. એટલુંજ નહિ, પણ આખા અમેરીકામાં, અને આ કાળમાં જ્યાં જ્યાં યુરોપના લોકની કળા, અને વિદ્યાશોધ, અને જ્ઞાન, ચાલે છે, ત્યાં ત્યાં, અતિ પુરાતન હેબ્રી ભાષાના ગ્રંથોનો બોધ, અને પછી થયલા ગ્રીક અને લાટીનમાં લખનારાનો નમુનો, બળ કરે છે. આ લેખોનાં ભાષાંતરો યુરોપની બધી ભાષાઓમાં થયાં છે; અને તેથી, પ્રભુના આશીર્વાદની સાથે, લોકના વિવેકની શુદ્ધતા, અને જ્ઞાનની ઉત્કૃષ્ટતા, ચાલુ રહીને વધતી જાય છે.
ગ્રીકોમાં સભ્યપણાનો સૂર્યોદય થયો, આશરે તેજ વેળાએ, ભરતખંડમાં, વિશેષે કરીને સરસ્વતી નદીને કાંઠે, આવી વસેલા આર્ય લોક રાજ્ય બંધનના સુધારામાં આવવા લાગ્યા. ખ્રી. પૂ. ૧૪૦૦ થી ૧૦૦૦ વર્ષ સુધી ઋગ્વેદનાં સૂક્તો રચનારા ઋષિયો પોતાનો વિવેક દેખાડવા લાગ્યા. તે વેળા ભરતખંડી કવિયોમાં અક્ષરજ્ઞાન ન હતું એવું ધાર્યામાં આવે છે. સૂકતો રચવાની બુદ્ધિની સાથે સ્મરણબળ તેઓમાં બહુ પ્રગટ્યું. વેદ મોહડે કેહેતા, અને તેમના શિષ્યો પાઠે કરતા; માટે વેદ શ્રુતિ કહેવાએ છે. આ પુરાતન અભ્યાસની અસર અજી બ્રાહ્મણોમાં દેખાય છે;–પાઠે કરવાની શક્તિ બીજા કોઈ લોકમાં તેમના જેવી નથી. વેદોમાં અક્ષરનું, લેખણનું, કે લખવા વાંચવાની કોઈ સામગ્રીનું નામ મળતું નથી; એ ઉપરથી નિશ્ચય થાય છે, કે તેમના રચનારામાં અક્ષરજ્ઞાન નહતું. પણુએ જ્ઞાન કહિંથી થયું એ પણ જણાતું નથી. પુરાતન અક્ષરોના આકાર ઉપર વિચાર કરીને જોતાં, નિશ્ચય જેવું થાય છે કે આશીયાની પશ્ચિમ બાજૂએ, શેમીય ભાષા બોલનારા લોકમાં જે અક્ષર ચાલતા, અથવા યાવની કે ગ્રીક લોકોમાં જે લખાતા, તે ઉપરથી પુરાતન હિંદુને અક્ષરજ્ઞાન પ્રાપ્ત થયું. જો તેણી ગમથી અક્ષરજ્ઞાન આવ્યું, તો તેની સાથે બીજી કોઈ કળા, કદાચ જ્યોતિષાદિકનું જ્ઞાન, તેજ દિશાથી હિંદુસ્તાનમાં આવ્યું હોય. પણ પુરાતન હિંદુઓએ ઈતિહાસ લખવા ઉપર મન રાખ્યું નહિ દેખાય છેઃ એટલું તો ખરૂં, કે કોઈ પુરાતન ઈતિહાસનો ગ્રંથ અજી કોઈને હાથ આવ્યો નહિ. પણ જો અહિંના આર્યાઓએ ઐતિહાસિકજ્ઞાન ઉપર પોતાનો ભાવ દેખાડ્યો નહિ, તો પણ, અક્ષરજ્ઞાન તેમને પ્રાપ્ત થયા પછી, લખવાનો અભ્યાસ કરવામાં તેઓએ પોતાની રૂચિ બહુજ દેખાડી. મહાભારત, રામાયણઆદિક મહા મોટા મોટા ગ્રંથો, સ્મૃતિઆદિક નીતિનો સંગ્રહ, પુરાણોની અત્યંત કથા, એવાં એવાં ઘણા શ્રમની સાથે સાધેલાં પુસ્તકો તેઓમાં બહુજ પ્રગટ થયાં. શિલ્પ, ધનુર, જ્યોતિષ, વૈધ, સંગીત, ઈત્યાદિ શાસ્ત્ર તેઓમાં ઘણાં રચાયાં. એવી બધી વાતોમાં ભરતખંડી આર્યોની બુદ્ધિ ગમે તેવી મોટી હતી તે માનિયે, તો પણ પશ્ચિમ આશિયા અને યુરોપના વિદ્વાનોની સાથે તેમને સરખાવાય નહિ. પણ પોતાનું આર્યપણું તેઓએ એક બીજી વાતમાં ઉત્કૃષ્ટ રીતિએ દેખાડ્યું, એટલે ભાષા વિષેના શોધમાં, અને વિવેકયુક્ત વ્યાકરણ રચવામાં.
એનું કારણ શોધતાં એવું ભાસે છે, કે વૈદિક, એટલે સરસ્વતી તટના ઋષિઓની, ભાષા બહુ વેહલી વિકાસ પામવા લાગી. એ જોઈને તેને કંઈ અટકાવવાને અર્થે, વળી વેદનો ખરો અર્થ જણાવવાને અર્થે, વિવેકી પુરુષો ભાષા વિષે કોઈ ટીકા, કે વાર્ત્તિક, લખવા લાગ્યા. એમ ભાષા વિષે વિચાર કરવાનો અભ્યાસ, અને એ વિચાર સ્પષ્ટ કરી લખવાની કળા, હિંદુઓમાં પ્રફુલ્લિત થયા પછી, વ્યાકરણ રચનારામાં પાણિનિ નામે વીર થયો. તેણે અષ્ટાધ્યાયી કરીને એક મહા ઉત્કૃષ્ટ ગ્રંથ પ્રગટ કરયો. તેના ઉપર પછી કેટલાએક ટીકા લખનારા થયા. આશરે ૭૫૦ વર્ષ ઉપર ધંધુકાનો ગુજરાતી વાણિયો હિમચંદ્ર થયો; તેણે હૈમવ્યાકરણ કરયું.
વેદ ભાષાનો વિકાર કેવો વેહલો અને કેટલો ઘણો થવા લાગ્યો, તે તો એ ઉપરથી દેખાય છે, કે જ્યારે શાક્ય મુનિ–બૌદ્ધ ધર્મનો પ્રથમ બોધક-પ્રગટ થયો (ખ્રી. પૂ. ૫૪૩ ), ત્યારે લોકોના ઉપદેશને વાસ્તે માગધીઆદિક પ્રાકૃત ભાષાઓમાં લોકોને ધર્મબોધ કરવો પડે. વળી, સાંપ્રતકાળે, બંગાળાથી તે સિંધ સુધી, અને દક્ષિણથી તે કાશ્મીર સુધી, કેવી ભિન્ન ભિન્ન રૂપની ખરી, તો પણ એક મૂળ સ્પષ્ટ રીતિયે દેખાડનારી ભાષાઓ ચાલે છે, તે ઉપરથી અનુમાન કરી શકિયે છિયે.
પણ અહિં તો પૂછવું ઘટે, કે શું, આવા વહેલા અને વિભિન્ન વિકારનાં કોઈ કારણ દેખાય છે ? એ પ્રશ્નને બે પ્રકારના ઉત્તર સુજે છે.
એક તો એવું, કે જ્યારે આર્યો આ દેશમાં આવ્યા ત્યારે તેઓ પોતાની સાથે મૂળ દેશની વિદ્યાનું થોડુંજ જ્ઞાન લાવ્યા, કદાચ અલ્પ સ્મરણ કરતાં કંઈ અધિક તેમની પાસે નહિ હોય. આ દેશ મોટો અને વિશાળ જોઈને તેઓ એક બીજાથી વેરાયા. વિજોગના કારણથી તેમના બધાની ભાષા, વેદ રચાયા તેથી પહેલાં પણ, કંઈ ફરવા લાગી હશે. જેઓ સરસ્વતીને કાંઠે પેહલા વસ્યા, તેઓ પોતાના બીજા ભાઈઓ કરતાં વહેલા સુધરેલા અને કંઈ વિશેષ વિવેકી હશે. તેઓએ પોતાની ચાલતી ભાષામાં વેદ રચ્યો. હવે, બધી ભાષાનો સાધારણ નિયમ એ છે, કે કાળાંતરે ફરે; વિજોગ થયલા ભાઈઓમાં, કોઈ વેળા થોડાજ કાળમાં, અને કોઈ વેળા અધિક કાળમાં, ભાષા વિષે એેવો ફેર પડે, કે જાણે સમૂળ ભિન્ન ભાષા બોલનારા લોક જેવા તેઓ દેખાય. એકજ જાતના લોક, કોઈ ગ્રામવાસી, કોઈ વનવાસી, કોઈ ખેડુત, કોઈ વેપારી, કોઈ પાહડી, કોઈ સમુદ્રકાંઠે રેહનારા, કોઈ જુની રીતિ રાખનારા, કોઈ નવી ચાલનું ગ્રહણ કરનારા, એવા થાય; તેઓની બહારની અવસ્થા ઉપરથી, તેમના વિવિધ ઉદ્યોગ ઉપરથી, તેમના ભિન્ન ભિન્ન સ્વભાવ ઉપરથી, ઘણા આશ્ચર્યકારક ફેરફાર કાળાંતરે પડે છે. હવે, જો આ દેશમાં પેઠેલા આર્યલોક, બધાય એક સમયે અને એકજ ટોળીના જેવા થઈને આવ્યા હોય, તે ઉપરના સાધારણ કારણથી, તેઓ હિંદુસ્થાન જેવા વિસ્તારેલા અને પ્રાંત પ્રાંતમાં વિભિન્ન પ્રકૃતિ દેખાડનાર દેશમાં, થોડીજ વાર પછી એક બીજાથી પૃથક પૃથક જેવા સેહેજે બની જાએ. આ એક ઉત્તર.
પણ એની સાથે એક બીજું ઉત્તર કોઈ મેળવે છે, એટલે કે, આ દેશમાં પેસતાં પહેલાં, ભાષા વિષે કોઈ વિકાર હિંદુઓના પૂર્વજોમાં હશે. તેઓ બધા એકજ સમયે અને એક ટોળીના જેવા થઈને દેશમાં પેઠા નહિ હોય, પણ દેશની બાહાર હતા એટલામાંજ તેઓ એક બીજાથી પૃથક પડીને, ભિન્ન ભિન્ન માર્ગે, અને અનેક સમયોમાં, અહિં આવી પોહચ્યા હશે. હવે, આપણે ઈતિહાસ રહિત છતાં, ખચિત કહી નથી શકતા કે એવુંજ બન્યું, પણ જે ભિન્નતા ચાલતી પ્રાકૃતિમાં દેખાય છે તે ઉપર વિચાર કરતાં, આ અનુમાન ખરૂં હોય એવું દેખાય છે. તે પણ, અહિ સંભારવું પડે છે, કે આ દેશમાં પેસતાં પેહેલાના વેરાણમાં જે વિકાર થઈ શક્યો, તે પેઠા પછીના વેરાણમાં પણ થઈ શકે. ફરી સંભારવું, કે વેદાદિક ગ્રંથ રચનારાએ જે રચ્યું તેજ આપણી પાસે છે; તે કાળની સાધારણ ભાષાના કોઈ શબ્દ કે કોઈ રૂપ વેદમાં લીધા વિના રહ્યાં હોય તો તેઓ પ્રાકૃતમાં ચાલે ખરાં, પણ તેમનું મૂળ પુરાતન ગ્રંથમાં મળે નહિ.
વેદાદિક ગ્રંથના અર્થના ખુલાસાને અર્થે, અને ભાષાની રક્ષા કરવાને અર્થે, સંસ્કૃત ભાષાનાં વ્યાકરણો લખાયાં અટલુંજ નહિ, પણ, બૌદ્ધ ધર્મનો ફેલાવ થવા લાગ્યો, ત્યાર પછી, પ્રાકૃત ભાષાનાં પણ વ્યાકરણો થયાં. એમાંનાં કેટલાંએકને લખ્યાને આશરે બે હજાર વર્ષ થયાં હશે એવું અનુમાન કોઈનું છે. ગુજરાતી ભાષાના ઈતિહાસ લખનારને તેમનો અભ્યાસ અગત્યનો છે; કેમકે તેમને ઘણાખરા નિયમ ગુજરાતીમાં ચાલે છે. પેહલાથી તેમના નિયમ ગુજરાતીને નહિ મળતા જેવા દેખાય, એટલે જો માગધીઆદિક પ્રાકૃતો ઉપરથી જોવા લાગિયે તો, કેમકે માગધીના વિકારથી ગુજરાતી થઈ નથી; પણ ઊંડું ખોળતાં મળશે. હિમચંદ્ર ગુજરાતનો વાણિયો હતો; તેણે પોતાના વ્યાકરણના આઠમા ભાગમાં અપભ્રંશ કરીને જે ભાષાનું વર્ણન કર્યું છે તેમાં ગુજરાતીના મૂળને વત્તા મળતા વિષયો જાણ્યામાં આવે છે. આ અપભ્રંશ કહેલી ભાષામાં કેટલાએક લખેલા ગ્રંથો જૈન લોકના હાથમાં છે. જુના પુસ્તકભંડારોમાં સંતાડી રાખેલા ગ્રંથો પ્રગટ થાય તો આશા છે કે ગુજરાતી ભાષાનો ઈતિહાસ સ્પષ્ટ જાણવામાં આવશે.
મને ભાસે છે કે પંજાબની ભણીથી અને સરસ્વતિના કાંઠા આગળથી સંસ્કૃત ભાષા જુદી જુદી દિશાએ ફેલાતી ગઈ આર્યોની એક ટોળી સિંધુ નદીને કાંઠે કાંઠે થઈ સિંધ સુધી આવી, અને ત્યાં ઈરાનની ગમથી બીજા આર્યોની સાથે કંઈ મળી ગઈ હશે;–એક બીજી ટોળી ગંગાતટે જઈ બંગાળા સુધી, અને તાંથી ઉડિયા સુધી, ગઈ દેખાય છે;– એક ત્રીજી ટોળી વિંધ્યાચળ પર્વતની પાર જઈને મરાઠાની પૂર્વજ થઈ;– એક ચોથી ટોળી અરવલી પહાડની કોરે કોરે થઈને મારવાડ, ગુજરાત, કચ્છ, અને કાઠિયાવાડમાં આવી વશી. એ પ્રાંતોની ભાષા એક બીજાની સાથે મળતી જેવી છે, અને ગુજરાતીનું શુદ્ધ જ્ઞાન પામવા ઈચ્છનારાને આ ત્રણ, એટલે ગુજરાતી, કછી, અને મારવાડી વિષે કંઈ જ્ઞાન જોઈયે. એમને હિમચંદ્રની અપભ્રંશ કહેવાયલી ભાષાની સાથે મેળવી જોયાથી, ગુજરાતી ભાષાના ઈતિહાસનો ખરો ખુલાસો જડે એવું દેખાય છે.
કોઈ દેશી વિદ્વાનો એ શોધમાં ખરે ભાવે વળગે તો સારૂં. વ્રજલાલ શાસ્ત્રીએ એવા કામમાં, પોતાનો હેતુ કુશળ રીતિએ ચલાવ્યો છે. મારી આશા છે કે હજી તેમનાથી ભાષાના સુધારાને અર્થે ઘણા ગ્રંથ થશે; તેમનો રચેલો નિબંધરૂપી ગુજરાતી ભાષાનો ઈતિહાસ આ શોધનો આરંભ જેવો થયો છે. એ વિષે આ વ્યાકરણમાં મારે કંઈ વધારે કહેવાનું હતું, પણ આ શાસ્ત્રીનો નિબંધ બહાર પડ્યો છે, માટે કહેવાને અગત્ય નથી. બે ત્રણ પરચુરણ વાતો કહીને ગ્રંથ પૂર્ણ કરિયે.
સંસ્કૃતની સહુ દિકરીયો, કુળવંતી કન્યાની પેઠે, એકેક, પોતાના ઘરની રીતિ પાળતાં, પોતાની માતાનું સ્મરણ કરતી રહીઓ; તેમના બધાના ઘરમાં સંસ્કૃતના અભ્યાસ કરનારને માન મળતું આવ્યું. વળી, સંસ્કૃત, ધનવંતી અને માયાળુ માતાની પેઠે, દિકરીઓમાં જે કંઈ ન્યૂનતા હોય તે પૂરી કરતી આવી છે. માટે એવું બન્યું છે, કે વિકાર પામેલા અપભ્રંશ શબ્દની સાથે, મૂળભાષાના ઘણા શબ્દ વિકાર વિના પહેલાંથીજ ચાલતા આવ્યા છે; એટલુંજ નહિ, પણ સંસ્કૃતના અખૂટ ભંડારમાંથી ખપ પ્રમાણે બીજા ઘણા શબ્દો લેવામાં આવે છે.
ગુજરાતીમાં પરભાષાનો ભેળ છે. બધી ભાષામાં કંઈ કંઈ તો ભેળ હોય છે, એટલે, એવા શબ્દો, રૂપે, અને રૂઢિઓ, કે જે પરભાષાથી આવેલાં છે. ભેળના કારણ અનેક છે,–ભિન્ન ભિન્ન ભાષાના લોકોનો સહવાસ, તેમની વચ્ચે વ્યાપાર, એકના ઉપર બીજાનો રાજઅધિકાર,એક બીજાની પાસેથી વિદ્યા કળા અને ધર્મનો બોધ, એવાં એક કે અનેક કારણથી બધી ભાષામાં કંઈ કંઈનો વિકાર થાય છે. એેવો ભેળ કોઈ વેળા ગુણ, કોઈ વેળા અવગુણ કરે છે. સ્વભાષાના અને પરભાષાના શબ્દોમાં એટલો ફેર હોય છે, કે જે સ્વભાષાના છે તેઓ જથાવાળાના હોય છે; તેમના અર્થના વિવિધ વિસ્તાર, અને તેમનું ખરૂં ધોરણ, વેહલું અને શેહલું જાણવામાં આવે છે. પણ પરભાષાના શબ્દો, દેશમાં સગા રહિત પરદેશી જેવા, જથા રહિત રહે છે. તેઓ એકલા રહિ પોતાને અધિકાર ચલાવે છે, અને, ઘણું કરીને, કોઈ કાળ પછી પડી જાય છે. સ્વભાષાના શબ્દો વધારે વાર ટકે છે.
(૧) ધાર્યામાં આવે છે કે આર્યપ્રજા આ દેશમાં આવી તેથી પેહલાં કોઈ અનાર્ય લોકો આવ્યા હતા. દ્રાવિડમાં અનાર્ય ભાષા-કાનડી, તૈલિંગી, તામલ, મલિઆલં, તુલુ અને સીલોનમાં સિંગલી, ચાલે છે. એ વર્ગની ભાષા મૂળદેશી કહેવાય છે. તેની કોઈ ભેળ ઉત્તર હિંદુસ્થાનના પ્રાકૃતોમાં હોય એટલુંજ નહિ, સંસ્કૃતમાં પણ હોય, એવું કોઈ લોક ધારે છે. પણ એનો પુરો શોધ અજી થયો નથી. ઈતિહાસ રહિત, અને જુના કોઈ પણ લેખકની કહેલી વાત રહિત, અટકળ ઉપરજ વાત રહે છે. મને તો દ્રાવિડીનો કંઈ ભેળ ગુજરાતીમાં નિશ્ચય જણાતો નથી. જે દ્રાવિડી નહતી એવી કોઈ અનાર્ય ભાષા પુરાતનકાળે ભરતખંડમાં ચાલતી કે નહિ, એ ઠરાવવાને કોઈએ અજી હાથ લીધું નથી.
(૨) આશરે બે હજાર વર્ષ થયાં, શાક, કે શાકી, લોક આ દેશમાં આવ્યા હતા, અને તેઓએ કોઈ સત્તા ચલાવી હતી એવું દેખાય છે. તેમને મારી કાહાડ્યાથી વિક્રમ રાજાની કીર્તિ બહુ થઈ, અને તેમના મારયાના વર્ષથી વિક્રમ શક ચાલે છે. હવે, આ લોક ઘણા કે થોડા, તેમના આ દેશમાં રહ્યાનો કાળ લાંબો કે ટુંકો, એ નિશ્ચય જણાતું નથી. તેમને માર્યાથી દેશમાં શક ચાલ્યો, એ ઉપર અટકળ બાંધીયે, તો દેખાય કે તેમનું બળ કંઈ થોડું નહિ હોશે. તેમની ભાષા આર્ય કે અનાર્ય હતી એ પણ કહેવાતું નથી. તેમની ભાષાની અસર પ્રાકૃત ભાષામાં કંઈ રહી હોય; પણ નિશ્ચયથી કહેવાતું નથી.
(૩) આલેક્સાંદર, માસિદનના રાજાએ આ દેશમાં ચડાઈ કીધી (ખ્રી. પૂ. ૩૨૭), તે વર્ષથી કેટલાએક સૈકા સુધી ગ્રીક લોકોની આવજા હતી, અને કદાચ, કોઈ વેળા સત્તા પણ ચાલી હશે. પણ ગ્રીક ભાષા અનાર્ય નથી, અને આ લોકોના કોઈ જથાએ આ દેશમાં રહિને, અને હિંદુમાં ભળી જઈને, પોતાની ભાષાની કંઈ અસર થાય એવું કર્યું, એ નથી જણાતું.
(૪) મુસલમાન આ દેશમાં આવ્યા અને પોતાની સત્તા ચલાવી તેથી પ્રાકૃત ભાષા ઉપર જે પરિણામ લાગ્યો, તે બધાને પ્રત્યક્ષ છે–અહિં સંશય ભરેલી અટકળ ચલાવવી નથી પડતી.
ગુજરાતીમાં ફારસી અરબીની અસર અનેક દ્વારે થઈ મુસલમાનના રાજ્યથી, અને અધિકારીઓની સાથે દીલ્લીની ગમથી આવેલા મુસલમાન સીપાઈઓથી; પછી દેશમાં જે મુસલમાન થયા તેથી; વળી વોરાઆદિક વેપારી તથા રૈયતથી. એવાં એવાં દ્વારોથી ફારશી અને અરબી શબ્દો ગુજરાતીમાં ઘણા આવ્યા. એમની સાથે પારસી લોક ગણાય; કેમકે, જો તેઓ ધર્મ વિષે મુસલમાનોના વિરોધી છે, તો પણ તેમની મૂળભાષા ફારસી હતી, માટે તેઓમાં જે ભાષા ચાલી તેની વળગણ મુસલમાનોની ભાષાની સાથે રહી. આ ભેળથી ભાષામાં કોઈ શબ્દ વધ્યા ખરા, પણ મનના ઊંડા વિચારોની, અને વિવેકના વિવિધ વિસ્તાર કહી જણાવવાની નવી સામગ્રી આવી નહિ. એનું કારણ એ છે, કે આ દેશમાં આવેલા મુસલમાન હિંદુ કર્તા વિદ્વાન ન હતા, અને ઊંડા વિચાર ચલાવવાના અભ્યાસમાં હિંદુ કર્તાં કાંઈ પોંહચેલા ન હતા. ભિન્ન શબ્દોની સાથે, વિવેકના અને વિદ્યાના ભિન્ન વિચાર તેઓએ ચલાવ્યા હોત, તો ભાષામાં ગુણ કર્યો હોત.
૫) યુરોપના લોક આફ્રિકાને દક્ષિણ છેડે થઈને હિંદુસ્થાનમાં આવવા લાગ્યા, તે દિવસથી બધી દેશી ભાષાઓમાં તેમની કંઈ કંઈ અસર લાગી. ગુજરાતીમાં પોર્તુગીજના કેટલાએક શબ્દ ચાલે છે;–જેમકે–પાદરી, ગારદી, મેજ, તબેલા, ચાવી, પગાર, પોમ=રોટલી.
વિવિધ પ્રકારના ઈંગ્રેજી શબ્દ વપરાય છે; –રાજકારભારના-ગવર્નર, કલેક્ટર, જજ, પોલીસ, સુપ્રિંટેન્ડેન્ટ, ઈત્યાદિ; વિદ્યાખાતાના–બુક, સ્કૂલ, માસ્તર, મોનિટર, ફી, બેંચ, ક્લાસ, ઈત્યાદિ; રેલ્વેખાતાના—એંજીન, રેલ, કારજ, ટીકેટ, પાસેંજર, સ્લીપર (સલીપાટ), ઈત્યાદિ; પછી, વેપારના પદાર્થના ઘણા શબ્દ. પરદેશમાંથી આવેલા પદાર્થનું તે દેશમાં તેનું જે નામ હોય, તેજ ઘણું કરીને બીજા દેશમાં ચાલે છે.
ગુજરાતી પૂરી કે અધુરી, એ વિષે વિવાદ કોઈ વેળા સાંભળવામાં આવે છે કે, यथा राजा तथा प्रजा. यथा गुरुस्तथा शिष्यः એમજ કહેવાય છે કે, यथा भाषकस्तथा भाषा; જેવો બોલનાર તેવી બોલી. સામળભટાદિક કવિઓ, પોતાના મનના વિવિધ વિચાર બોલતાં, ગુજરાતી અધુરી છે એવું જાણીને અટક્યા એવું જણાતું નથી; પણ નવા જુના શબ્દની ગેઠવણીમાં પોતાનો વિવેક એવો પ્રકટાવ્યો કે તેમનું કહેલું ભાષામાં ચાલ્યું.
એક વિષયમાં તે બધી ભાષા અધુરીઓ છે, માણસની ટુંકી સમજણમાં નહિ આવે એવી વાતો, –એટલે ઈશ્વર વિષે, કે અપારતા વિષે વાત કરિયે, તો બધી ભાષા અધુરીઓ છે. માણસની બુદ્ધિને આશ્રયે ભાષા ચાલે છે, માટે જ્યારે બુદ્ધિ ટુંકી પડે છે, ત્યારે ભાષા અધુરી હોય છે. ભાષાનો સાધારણ નિયમ એ છે, કે જેવા વિચાર મનમાં છે, તેવા જીભે જણાવાય, લોકોના મનમાં જેવા વિચાર ભરેલા છે, તેવાજ તેમની ભાષામાં બોલાય છે. જો લોક વિવેકી તો તેમની વાચા વિવેક ભરેલી; જો લોક મૂઢ, તો વાચા તેમના જેવીજ. ઈંગ્રેજીમાં કેહવત છે કે, મૂઢ સુથાર વાંસલા વિંધણાનો વાંક કાહાડે, ભાષાનો દોશ ઠરાવનાર કોઈ વેળા એવા હોય છે.
જે ગુજરાતી લોકોના હાથમાં ઈંગ્રેજી ભાષાનું અને તેની સાથે ઈંગ્રેજી વિદ્યાનું કંઈ આવ્યું છે, તેમને ગુજરાતી ભાષા અધુરી જેવી લાગતી હોય; કેમકે ઈંગ્રેજીમાંથી ભાષાંતર કરવું કઠણ છે. એમાં વાંક ભાષાનો નહિ, પણ લોકોનો છે. નવો શબ્દ, નવો વિષય, ભાષાનું કંઈ નવું વળણ વાપરિયે, તો વિવેકથી સમજી લેવાનો અભ્યાસ લોકોમાં નથી, માટે લખનાર અટકે છે; કેમકે બેહેરાની આગળ ગાતાં કયા ગંધર્વની છાતી ચાલે વારૂ? અને જ્યાં લગી લોક સારૂં નરશું, નવું જૂનું, પરખી મુલ્ય ઠરાવી નથી શકતા, ત્યાં લગી લખનારનો વિવેક કેમ પ્રફુલ્લિત થાય?
પણ અહિં, લેખક ભાષકને પણ એક બે વાતો કહેવી જોઈયે. વંચક શ્રોતાજન ગમે તેવા યોગ્ય હોય, લખેલું અયોગ્ય તો મનરંજાય નહિ. સભા ગમે તેવી યોગ્ય પણ ગાનાર ખરો ગંધર્વ નહિ, તો કોણ શુણે ? વીણા સાથે લેઈને જે બેઠો, તે તારના રાગ સાથે કંઠ ન લાવે, તો સાંભળનાર, કારણ પરખી નહિ શકે તો પણ, કાન કેમ લગાડે? વીણા સારી હોય, કંઠમાં દોશ ન હોય, તોપણ એક રાગે બેહુ મલ્યા નહિ તો ગાયન બગડ્યું.
એમ, ઈંગ્રેજીમાંથી કેટલાએક ભાષાંતર કરે છે, પણ તેમાં કાંઈ રસ દેખાતો નથી. થોડા દિવસ થયા, એક ઇંગ્રેજી ઉત્કૃષ્ટ કવિની કોઈ વાતો કોઈએ ગુજરાતીમાં ઉતારેલી, મારા એક મિત્રે, ઈંગ્રેજી નહિ જાણનાર ગુજરાતી કવિએ, વાંચી. વાંચ્યા પછી તેણે કહ્યું કે, “એમાં ધુળ્ય પણ રસ નથી.” એમ ઘણીવાર થાય. ભાષાંતર કરનારમાં ઘણું જોઈએ,— મૂળનો અર્થ જાણીને જણાવવો, એથી આધક-હા, મૂળનો રસ જાણીને સમજવો, એથી પણ અધિક જોઈએ;-મૂળ વિષે જાણીતા થઈને સમજવા કરતાં એ અતિ ઉત્તમ વસ્તુ, એટલે-મૂળના અર્થના રસનો અનુભવ હૃદયમાં રમી વ્યાપી જવો, એ જોઈયે. જ્યારે મૂળના કર્તાની આતુરતા ઉતારનારના મનમાં અવતાર પામે, અને બેહુના હૈયાનો અનુભવ જાણે એક રાગમાં આવે, ત્યારેજ મૂળનો રસ ભાષાંતરમાં ઉતરે. જે જન સ્વભાષામાં કવિ છે, તેજ પર ભાષિય કવિનું ઉતારી શકેઃ જે પોતે મનોરંજક વક્તા, તેજ પોતાના પરભાષિય ભાઈનું કહી મનરંજન કરે; બીજા મથે તો મથે પણ તેમનું મથન બધું માટીની સાથે માથાકૂટ.
એનો સારાંશ એ છે, કે ભાષાંતર કર્તાને કેવળ બે ભાષાનું જ્ઞાન જેઈએ એટલુંજ નહિ, પણ બેહુ ભાષાના રસ વિષે સમાન અનુભવ જોઈએ; અનુભવનો વિકરાળ ભાર તરાજવાના એક ચેલીયામાં વધે, તો બીજું ચેલિયું તત્કાળ હલકું દેખાય.
ઈંગ્રેજીમાંથી ભાષાંતર કરનારામાંના કોઈ એવું ધારતા દેખાય છે, કે અમે તો માના દૂધની સાથે ગુજરાતી ભાષાનું જ્ઞાન ધાવ્યા, અને ઈંગ્રેજી શીખ્યા છિયે, માટે સાક્ષાત દ્વિભાષી બની ગયા. પણ, મારા ભાઈ ધીરજ ખમો; પરભાષાના સંપાદનના શ્રમ કરતાં, સ્વભાષામાં પ્રવીણતા મેળવવાનો આયાસ અધિક છે. સામળાદિક ગુજરાતી કવિઓના ગ્રંથમાં જુઓ; તુકે તુકે આયાસના પ્રમાણ દેખાય છે. પશુની બુદ્ધિ વધતી નથી, પણ માણસની અભ્યાસે કરી વધે છે. ભાષા કે બીજું કાંઈ પણ આપણું હોય, તેમાં આપણે મનોયત્નથી પરિશ્રમ કરવો; ત્યારેજ તે દીપે. ઢોરમાં બુદ્ધિ અણઘડ છે, એવી આપણી હોય એવું કરિયે, તો આપણમાં જે પ્રગટે તે ઢોરના જેવી જ દેખાય. કુંભાર માર્ગનો કચરો ચાકળે ચઢાવી તત્કાળ કમાવવાની આશા રાખતો નથી. માટીની ખાણ ખોળી કહાડે, જોઈ જોઈને ખોદે, કચરે, પલાળે, ગદડે, ફેરવે એક રસમાં બધું લાવે, ચાકળે ચઢાવે, ટીપી ટીપીને ઘડે; ઘાટ ઉતાર્યો, પણ વાસણ કામનું બન્યું નથી; અગ્નિનો તાપ ખમે ત્યારેજ ઘડો બને; તેથી પહેલાં, કાચી માટી તે માટી જ. તાત્પર્ય એ છે, જોઈએ તે મનોયત્ન કર્યા પૂર્વે, ગુજરાતી કાચી દેખાય, પણ પછી ખરી પાકી જણાશે. યત્નકારી અધુરો તો તેની ભાષા પણ અધુરી; પણ જો વાપરનારના યત્ન સંપૂર્ણ, તો ગુજરાતી પણ સંપૂર્ણ, હાસંણગારેલી પણ દેખાય. ગુજરાતી,–આર્યકુલની,–સંસ્કૃતની દીકરી,-ઘણી ઉત્કૃષ્ટ ભાષાઓની સગી! તેને કોણ કદી અધમ કહે?
પ્રભુ એને આશીર્વાદ દેજો. જુગના અંત લગી એની વાણીમાં સત વિદ્યા, સદ્જ્ઞાન, સદ્ધર્મનો સુબોધ હોજો. અને પ્રભુ-કર્તા, ત્રાતા, શોધક, એનું વખાણ સદા સુણાવજો.
- ↑ *ટેલરકૃત વ્યાકરણમાંથી.
- ↑ + કાળ ગણન કરનારા બે વિદ્વાનોનાં નામ તરતાં છેઃ એકનું નામ અશર, અને બીજાનું હેલ્સ. એઓ ભિન્ન ભિન્ન ધોરણથી ગણે છે. એ ધોરણનું વર્ણન હું અહિં કરતો નથી, પણ પરિણામ એ છે કે અશરના ગણ્યા પ્રમાણે, જલપ્રલય ખ્રી. પૂ ૨૩૪૮ મે વર્ષે, અને હેલ્સના ગણ્યા પ્રમાણે, ૩૧૫૫ મે વર્ષે થયો.
- ↑ *સૂક્ષ્મ રીતે જોતાં, મિસરની ભાષા શેમીયભાષાઓમાં ગણય નહિ, કેમકે કોઈ બીજી ભાષાની અનેક રૂઢિ તેમાં છે, તોપણ તેનું મૂળ શેમીયની સાથે મળતું દેખાય છે. શેમીય લોકોની સાથે મિસ્ત્રીઓનો સંબંધ આરંભથી અંત સુધી બહુ હતો.
- ↑ * ઈરાન, પહેલાં ઈલામી કહેવાતા. તેઓ શેમવંશીમાં ગણાય છે, પણ તેઓ માદી, કે મેદી લોકોની સાથે સગાઈનો નિકટ સંબંધ રાખતા, માટે કાળાંતરે તેઓ એક જેવા થયા; ઈલામીમાં રાજબળ બહુ વેહલું પ્રગટ્યું. સહુથી જુના ઈતિહાસમાં, આશરે ખ્રી. પૂ. ૨૦૦૦) વર્ષને સમયે, તેમનું નામ મળે છે. પણ પછી તેઓ અસ્સુરીના હસ્તગત થયા હતા.
Lua error in package.lua at line 80: module ‘strict’ not found.