ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૭/ગ્રંથ પરિચય
ગ્રંથ અને ગ્રંથકારના આ પુસ્તકમાં લેખકોને લગતી માહિતી હમેશ મુજબ આપેલી છે પરંતુ તેનું પ્રમાણુ કાંઈક ઓછું છે. છ મહત્ત્વના લેખો ગુજરાતી ભાષાને લગતા જે જુદેજુદે સ્થળે પ્રગટ થએલા હોઈ એકત્ર પ્રાપ્ત નહોતા તે આમાં આપેલા છે, જે વડે આ પુસ્તકની મહત્તા વધી છે. તે તેમજ સંપાદક રા. હીરાલાલનો પૂરો બંને અમુક દિશા સૂચન કરે છે. અમદાવાદમાં થોડાજ સમયમાં ભરાવાના સાહિત્ય સંમેલનની છાયામાં આ પુસ્તક પ્રસિદ્ધ થાય છે એનો કાંઈક નિર્દેશ એથી થાય છે. વર્ષ દરમિયાન બહાર પડેલાં પુસ્તકોની વર્ગીકૃત યાદી તેમજ સામયિકમાં આવેલા ઉચ્ચકોટિનાલેખોની સૂચી દર વખત પેઠે વાચકવર્ગને માર્ગદર્શક થઈ પડશે. આ વસ્તુઓ આજ કરતાં અધિક કીમતી ભવિષ્યમાં માલમ પડવાની છે એ વાત નિશ્ચિત છે. આ ગ્રંથમાં આપેલા ગુજરાતી ભાષાને લગતા લેખોનું મહત્વ ઓછું આંકવાની જરા પણ ઈચ્છા નથી, છતાં પ્રતિવર્ષ જે નવીન આકર્ષક વસ્તુઓ આ વખતે ન હોવાથી આ પુસ્તક સામાન્ય વાંચનાર માટે કદાચ ઓછું આકર્ષક થાય એ કદાપિ સંભવિત છે. સંપાદકની પણ મુશ્કેલીઓ ઘણી હોય છે અને તે તેમના હંમેશના પરિચયથી હું પૂરેપૂરી જાણું છું. ગુજરાતી વાંચનાર જનતાની જરૂરીઆત પુરી પાડવા આ ગ્રંથમાળા યોજાઇ છે અને તે પોતાનું કાર્ય દર વર્ષે અનુકૂળતા મુજબ કર્યે જશે એ આશા છે.
અમદાવાદ
તા. ૧૪-૧૦-૩૬
વિદ્યાબહેન ર. નીલકંઠ.