ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૭/મુનિશ્રી ન્યાયવિજયજી

ન્યાયવિશારદ–ન્યાયતીર્થ મુનિરાજ શ્રીન્યાયવિજયજી.

જ્ઞાતિએ તેઓ જૈન, વિશા શ્રીમાળી. પિતાનું નામ છગનલાલ અને માતાનું નામ દિવાળીબાઈ. તેમનો જન્મ માંડળમાં (જીલ્લો અમદાવાદ) વિ. સં. ૧૯૪૬ના કાર્તિક સુદીમાં થયો હતો. ગુજરાતી છ ચોપડી સુધી તેમણે માંડળમાં અભ્યાસ કર્યો હતો. ૧૯૬૧ માં તેમને કાશી જવાની ઈચ્છા થઈ ને ગયા, ત્યાં યશોવિજ્ય જૈન પાઠશાળામાં તેમણે સંસ્કૃત-પ્રાકૃતનો અભ્યાસ કર્યો. ૧૯૬૩માં તેઓ પાઠશાળાના સંસ્થાપક શ્રી વિજયધર્મસૂરીશ્વરજીની સાથે પાદ વિહારથી કલકત્તા ગયા. ત્યાં તેમણે લગભગ ૧૬ વર્ષની ઉંમરે દીક્ષા લીધી. તેમની દીક્ષા માટે સમાજમાં તે વખતે બહુ ખળભળાટ મચેલો. તેમની દીક્ષા રોકવા માટે ઘણાય પ્રયત્નો થયેલા, દીક્ષા અટકાવનારા કેટલાય તારો થયા. તેમના કાકા પોપટલાલ વખતચંદ તેમને લેવા કલકત્તા ગયા, કારણકે તેમનું સગપણ થઈ ગયું હતું. અને તેજ અરસામાં તેમના લગ્ન થવાનાં હતાં. પણ તેમનો દીક્ષા લેવાનો અડગ નિશ્ચય હતો. તેથી લગ્ન-દીક્ષાને બદલે સંન્યાસ-દીક્ષા અંગીકાર કરી. હવે તેઓ વિજ્યધર્મસૂરિજીના શિષ્ય મુનિ ન્યાયવિજયજીના નામથી ઓળખાયા. ગુરૂ સાથે વિચરતાં પાછા કાશી આવ્યા અને વિદ્યાભ્યાસમાં લાગ્યા.

મુનિશ્રી ન્યાયવિજયજી ફરી વિહાર કરી કલકત્તા ગયા. ત્યાં તેમણે સંસ્કૃત યુનીવરસીટીમાં ‘ન્યાયતીર્થ’ ની પરીક્ષા પાસ કરી. તેજ વર્ષમાં ‘કલકત્તા બંગીય વિદ્વત્પરિષદે’ તેમને ‘ન્યાય વિશારદ’ ના પદથી સત્કાર્યા. પરીક્ષા આપીને તેઓ તેમના ગુરૂને આગરામાં મળી ગયા. અને ગુરૂની સાથે રાજપુતાના તથા મારવાડમાં થઈને ગુજરાત-કાઠિયાવાડમાં આવ્યા. ૧૯૭૬ સુધી જુદે જુદે સ્થળે ચાતુર્માસ કરતાં બૉમ્બે પ્રેસીડન્સીમાં વિચર્યા.

મુનિશ્રીએ ૧૬૬૯માં ૨૩વર્ષની ઉમરે સુંદર સંસ્કૃત કવિતામાં ષડ્દર્શન ન્યાયના વિષયમાં પ્રકાશ પાડતો ‘ન્યાયકુસુમાંજલિ’ નામનો ગ્રંથ બનાવ્યો, અને તેનું પ્રકાશન ગુજરાતી-અંગ્રેજીના અનુવાદ સાથે થયું. ૧૯૭૫માં તેમણે અધ્યાત્મ વિષયને પોષતો ‘અધ્યાત્મ તત્ત્વાલોક’ નામનો ગ્રંથ લખ્યો. તેનું પ્રકાશન પણ ગુજરાતી-અંગ્રેજીના વિવરણ સાથે બહાર પાડયું. તેમની આ મનેહર રચનાથી દેશ-પરદેશના સંસ્કૃત-વિદ્વાનો બહુ મુગ્ધ થયા; અને હિન્દી-સાહિત્યની સુપ્રસિદ્ધ અને પ્રતિષ્ઠિત માસિક-પત્રિકા ‘સરસ્વતી’ માં તેમની ખૂબ પ્રશસ્તીઓ ફેલાઈ. મુનિશ્રી સંસ્કૃતના મ્હોટા સ્કૉલર-Scholar છે. સંસ્કૃત ભાષા પર તેમનો અસાધારણ કાબૂ છે. કવિત્વ-શક્તિ તેમને બાલપણથીજ સ્ફુરેલી છે. તેમની કવિતાનું પ્રધાન સૌષ્ઠવ ‘પ્રસાદ’ ગુણ છે. આથીજ તેમના કાવ્યો તરફ વિદ્વાનોના મન આકર્ષાય છે. તેમણે દર્શનશાસ્ત્ર, અધ્યાત્મ અને સમાજવિષય ઉપર જળહળતું કવિત્વ છાંટ્યું છે. તેમની ‘વીર-વિભૂતિ’ અને ‘કાન્ત-વિભૂતિ’ ‘મુદ્રાલેખ ’ ‘દીનાક્રન્દનમ્’ અને ‘દીક્ષા દ્વાશ્ચિંશિકા’ માં કાવ્યસૌન્દર્ય સાથે વણાયેલી દાર્શનિક અને સામાજિક વિચાર સંસ્કૃતિ ખૂબજ રસપ્રદ છે. તેઓએ પોતાના મિત્રો, સ્નેહીઓ અને વિદ્યાર્થીઓને ઉપદેશ રૂપે સંસ્કૃત કવિતામાં પત્રો લખેલા, જેમાંના કેટલાકનો સંગ્રહ, ‘સંદેશ’ નામથી પ્રકાશિત થયો છે. ૧૯૭૪માં તેમણે જૈનધર્મના તત્ત્વોને સંક્ષિપ્તમાં સમજાવતો “જૈનદર્શન ” નામનો ગ્રંથ ગુજરાતીમાં લખ્યો, જે જૈનોની અનેક પાઠશાળાઓમાં પાઠયપુસ્તક રૂપે પસંદ કરાયેલ છે. ૧૯૭૮ થી તેઓ દક્ષિણમાં અને માળવામાં સ્વતંત્ર પણે વિચર્યા. ત્યાંની પ્રજાએ તેમની સાહિત્ય પ્રવૃત્તિ અને વ્યાખ્યાન શક્તિને બહુ સત્કારી. નાગપુર, બડનગર, ઉજ્જૈન, ઇંદોર વિગેરે ગામોના ધુરંધર પંડિતોએ તેમને માનપત્ર આપી તેમનો આદરસત્કાર કર્યો. માળવામાં રાજગઢ, વખતગઢ, દેવાસ વિગેરે સંસ્થાનના નરેશોએ તેમના પ્રવચનો સાંભળી તેમને માનભરી દ્રષ્ટિથી જોવા લાગ્યા. ૧૯૮૩માં તેઓ ગુજરાત તરફ પાછા ફર્યા. સમાજના જાહેર પેપરો દ્વારા અનાવશ્યક રૂઢિવાદ સ્હામે ક્રાન્તિ ઘોષક વિચારો રેલાવ્યા. સમાજમાં ત્યારે ખળભળાટ મચ્યો.

૧૯૮૩ માં તેમણે ‘વીરધર્મનો ઢંઢેરો’ નામનુ પુસ્તક વઢવાણ કેમ્પથી પ્રગટ કર્યું, તેથી સમાજમાં હીલચાલ મચી સંકુચિત પત્રોએ તેમના માટે ખૂબ ટીકા કરી. બદલામાં મુનિશ્રી જાહેર પત્રો દ્વારા તેમને અભિનંદન આપ્યું. ૧૯૮૪ માં તેમણે ‘વીરધર્મનો પુનરૂદ્ધાર’ પુસ્તક માંડળમાં પ્રકાશિત કર્યું. આ વખતે સમાજ સળગી ઉઠયો. એ પુસ્તકની જેમ જેમ આવૃત્તિઓ પ્રગટ થતી ગઈ તેમ તેમ વિરોધ વધતો ગયો. ૧૯૮૫ માં તેમણે અયોગ્ય-દીક્ષા સ્હામે ક્રાન્તિ જગવી. અને ‘વર્ત્તમાન સાધુ–દીક્ષા સંબંધે મારા નમ્ર ઉદ્ગારો’ એ નામનો નિબંધ વડોદરામાં પ્રગટ થયો. ૧૯૮૬માં તેઓ સુરત અને ૧૯૮૭ માં બારડોલી તરફ વિચર્યા. રાષ્ટ્રવાદની ચળવળમાં તેમણે ખૂબ સાથ આપ્યો. લેખો અને વ્યાખ્યાનો દ્વારા પોતાની શક્તિને એ દિશામાં ખૂબ રેડવા માંડ્યા. ૧૯૮૭ માં ‘દીક્ષા મીમાંસા’ અર્થાત્ દીક્ષા પદ્ધતિ પર સામયિક પ્રકાશન અને ૧૯૮૮ માં અયોગ્ય દીક્ષા સ્હામે નિબંધો પ્રગટ કર્યા. તેજ અરસામાં શાસ્ત્રીય પુરાવાથી પૂર્ણ ‘દીક્ષા દ્વાત્રિંશિકા’ (સંસ્કૃત-કાવ્ય) લખી ગુજરાતી અનુવાદ સાથે પ્રગટ કરી અયોગ્ય દીક્ષા સામે તેમણે જબરી ઝુંબેશ ઉઠાવી, અને ખૂબ લોકમત જગાવ્યો. વડોદરાની ધારાસભામાં ‘દીક્ષાનો કાયદો’ પાસ થવામાં આ આંદોલને બહુ સહાયતા કરી.

—:એમની કૃતિઓ:—

(૧) મહેન્દ સ્વર્ગારોહ સંસ્કૃત શ્લોકબદ્ધ કાવ્ય ૧૯૬૯
(૨) ન્યાય કુસુમાંજલિ (આવૃત્તિ ૧) સંસ્કૃત શ્લોકબદ્ધ કાવ્ય ૧૯૬૯
(૩) ન્યાયતીર્થ પ્રકરણ સંસ્કૃત ગદ્ય ૧૯૬૯
(૪) પ્રમાણ પરિભાષા ટીકા સંસ્કૃત ગદ્ય ૧૯૭૦
(૫) ન્યાય શિક્ષા હિન્દી ૧૯૭૦
(૬) ધર્મ શિક્ષા હિન્દી ૧૯૭૧
(૭) જૈન દર્શન (આવૃત્તિ ૧) ગુજરાતી ૧૯૭૪
(૮) અધ્યાત્મતત્ત્વાલોક (આવૃત્તિ ૧) સંસ્કૃત શ્લોકબદ્ધ કાવ્ય ૧૯૭૬
(૯) સન્દેશ સંસ્કૃત પદ્યમાં ગુજરાતી
(૧૦) સુબોધપદ્યરત્નાવલી સંસ્કૃત પદ્ય સંગ્રહ ગુજરાતી અર્થ સાથે ૧૯૭૭
(૧૧) ધર્મગીતાંજલિ (આવૃત્તિ ૧) હિન્દી ખંડ કાવ્ય ૧૯૭૯
(૧૨) વિરધર્મનો ઢંઢેરો ગુજરાતી ૧૯૮૩
(૧૩) વિજયધર્મસુરિની વિજયઘોષણ (આવૃત્તિ ૧) ગુજરાતી ૧૯૮૩
(૧૪) વીરધર્મનો પુનરૂદ્ધાર (આવૃત્તિ ૧) ગુજરાતી ૧૯૮૪
(૧૫) આપણી ઉન્નતિનો માર્ગ ગુજરાતી ૧૯૮૫
(૧૬) આત્મભાવ દિગ્દર્શન ગુજરાતી ૧૯૮૫
(૧૭) માનવધર્મ (આવૃત્તિ-૧) ગુજરાતી ૧૯૮૫
(૧૮) વિચાર સંસ્કૃતિ (આવૃત્તિ-૧) ગુજરાતી ૧૯૮૫
(૧૯) વર્તમાન સાધુ દીક્ષા સંબન્ધે મારા નમ્ર ઉદ્દગારો ગુજરાતી ૧૯૮૫
(૨૦) ભગવાન મહાવીર અને વર્તમાન જૈન સમાજ ગુજરાતી ૧૯૮૬
(૨૧) શ્રીમહાવીર ગુજરાતી ૧૯૮૬
(૨૨) સ્ત્રી જીવનની ઉન્નતિ ગુજરાતી ૧૯૮૭
(૨૩) વિજયધર્મસૂરિની જીવન વિભૂતિ (પ્રવચનો) ગુજરાતી ૧૯૮૭
(૨૪) દીક્ષામીમાંસા ગુજરાતી ૧૯૯૭
(૨૫) વીરવિભૂતિ (આવૃત્તિ ૧) સંસ્કૃત કાવ્ય (ગુજરાતી-અર્થ સાથે) ૧૯૮૭
(૨૬) અનેકાન્ત વિભૂતિ સંસ્કૃત કાવ્ય (ગુજરાતી અર્થ સાથે) ૧૯૮૭
(૨૭) દિનાક્રન્દનમ્ સંસ્કૃત કાવ્ય (ગુજરાતી અર્થ સાથે) ૧૯૮૭
(૨૮) મુદ્રાલેખ સંસ્કૃત કાવ્ય (ગુજરાતી અર્થ સાથે) ૧૯૮૭
(૨૯) આરોગ્ય દીક્ષા સામે ગુજરાતી ૧૯૮૯
(૩૦) મુંબઈનું ચતુર્માસ ગુજરાતી
(૩૧) દીક્ષાદ્વાત્રિંશિકા સંસ્કૃત કાવ્ય (ગુજરાતી અર્થ સાથે) ૧૯૮૯
(૩૨) મહાવીર પ્રશસ્તિ સંસ્કૃત કાવ્ય અપ્રસિદ્ધ
(૩૩) મુનિ સમ્મેલનના ઠરાવો પર દ્રષ્ટિપાત ગુજરાતી ૧૯૯૦