ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૯મું/ગણેશજી જેઠાભાઈ દુબળ
સ્વ. ગણેશજી જેઠાભાઈ દુબળનો જન્મ તેમના વતનના ગામ લીંબડીમાં સંવત ૧૯૦૯ના પોષ સુદ ૩ (તા. ૧૨-૧-૧૮૫૩)માં થયો હતો. તેમના પિતાનું નામ જેઠાભાઈ ડાહ્યાભાઈ દુબળ અને માતાનું નામ શામબા હતું. ન્યાતે તે બ્રહ્મક્ષત્રિય હતા. તેમણે પ્રાથમિક અને થોડી માધ્યમિક કેળવણી લીંબડીમાં લીધી હતી. તેમની સ્થિતિ સાધારણ હતી એટલે થોડી અંગ્રેજી કેળવણી લઈને તુરત શિક્ષક તરીકેની નોકરી લીધી હતી અને પછી કાયદાનો અભ્યાસ કરી વકીલાતનો વ્યવસાય કર્યો હતો. ગીતા અને રામાયણ એ એમનાં પ્રિય પુસ્તક હતાં. સ્વ. ગૌરીશંકર ઓઝા ભાવનગરના દિવાનપદે હતા તેમની તેમના જીવન ઉપર મુખ્ય અસર વતી. વકીલાતનો વ્યવસાય કરતાં અને તે છોડ્યા પછી તેમણે ઉદ્યોગોનાં કારખાનાંઓ સ્થાપવાની શરૂઆત કરી હતી. લીંબડીમાં જીનિંગ ફેક્ટરી, પ્રેસ અને છાપખાનું તેમણે પ્રથમ શરુ કર્યાં હતાં. એક વખત તેમનું 'જસવંતસિંહ પ્રિંટિંગ પ્રેસ’ કાઠિયાવાડનાં સારાં છાપખાનાંઓમાંનું એક લેખાતું. ઉત્તર વયમાં તેમણે તેની સાથે ટાઈપ ફાઉંન્ડરી પણ જોડી હતી. તેમના પ્રેસમાં કેટલાંક માસિક પત્રો છપાતાં જેમાંનાં કેટલાંકનું સંચાલન તે કરતા. કેટલોક વખત ‘બ્રહ્મક્ષત્રિય શુભેચ્છક' માસિક તેમણે ચલાવેલું પોતાની ન્યાતના ગરીબ વિદ્યાર્થીઓને તે સ્કૉલરશીપો આપતા, તેમની જાહેર સેવાઓના બદલામાં ૧૯૧૧માં તેમને સરકારે ‘કોરોનેશન મેડલ' અને ૧૯૧૫માં ‘રાવસાહેબ'નો ખીતાબ પણ આપેલો. લીંબડીની મ્યુ.ના ચેરમેન તરીકે તેમણે ઘણાં વર્ષો સુધી કામ કર્યું હતું સાહિત્યમાં તેમનોને ફાળો મુખ્યત્વે “કૌતુકમાળા અને બોધવચન" પૂરતો છે. એ પુસ્તક એ કાળે ખૂબ લોકપ્રિય થયેલું અને તેની સંખ્યાબંધ આવૃત્તિઓ થઈ હતી. એ પુસ્તકનું અંગ્રેજી ભાષાંતર 'Indian Folklore' નામથી અને તેનું હિંદી ભાષાંતર પણ તેમણે પાછળથી બહાર પાડેલાં. કેટલાંક કાયદાનાં ગુજરાતી પુસ્તકો તેમણે લખેલાં જેમાં ‘લિમિટેશન લૉ' અને 'કાઠિયાવાડ લૉ રિપૉર્ટ્સ' મુખ્ય છે. તેમનું લગ્ન લીંબડીમાં થયેલું. તેમનાં પત્નીનું નામ માણેકબાઈ. તેમને ચાર પુત્રો અને એક પુત્રી હતાં. સ્વ. મૂળજી યરોડા રેફરમેટરી સ્કૂલના સુપરિન્ટેન્ડન્ટ હતા. શ્રી. દયારામ લીંબડીમાં મ્યુ. ચેરમેન છે. શ્રી. જગજીવનદાસ લીંબડીમાં પોતાના ઉદ્યોગોની વ્યનસ્થા સંભાળે છે. સ્વ. ભૂદરદાસ એક સારા લેખક હતા. તેમણે કેટલીક નવલકથાઓ લખી હતી. તેમનું છેલ્લું પુસ્તક ‘ઉંમ્મર ખય્યામની રૂબાઈયાત'ના કાવ્યાનુવાદનું છે.
***