ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૯મું/ડાહ્યાભાઈ લક્ષ્મણભાઈ પટેલ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
ડાહ્યાભાઈ લક્ષ્મણભાઈ પટેલ

‘મારે મહાન (great) નથી થવું; સારા-ભલા (good) થવાય તો ઘણું છે' એવું નમ્ર ને મર્યાદિત જીવનસૂત્ર નજર આગળ રાખીને ખંત ઉદ્યોગ અને ચીવટથી ગુજરાતના પત્રકારત્વમમાં તથા સાહિત્યમાં મૂગું કામ કરી જનાર, 'નિર્ગુણ'ના તખલ્લુસથી લખનાર અને અમદાવાદની ‘બંધુસમાજ’ના એક માત્ર અ-નાગર સભ્ય શ્રી. ડાહ્યાભાઈનો જન્મ મૂળ વડનગરની લેઉઆ કણબી જ્ઞાતિના શ્રી. લક્ષ્મણભાઈ જીવાભાઈ પટેલને ત્યાં, ઇ.સ.૧૮૭૪ના અરસામાં, ઘણું કરીને અમદાવાદમાં થયો હતો. કેળવણી પણ એમણે અમદાવાદમાં જ લીધી અને યુનિવર્સિટીની સ્કૂલ ફાઈનલ પરીક્ષા પસાર કરીને વકીલાત માટે કાયદાનો અભ્યાસ શરુ કર્યો, પણ સંજોગવશાત્ તે પડતો મૂકીને પોતાના પ્રિય વ્યવસાય પત્રકારત્વ અને સાહિત્યલેખનમાં તે જોડાયા અને અવસાનપર્વત એમાં જ રત રહ્યા. બહુ અભ્યાસ ન કરી શકવા છતાં તીવ્ર જ્ઞાનપિપાસાને લીધે એમણે જીવનપર્વત વિદ્યાવ્યાસંગ રાખ્યો હતો અને સ્વ. નરસિંહરાવ દિવેટિયાના નિકટ પરિચયમાં હોવાથી એમની છાપ ડાહ્યાભાઈના જીવન પર ઠીક પડી હતી. ઉપરાંત ફ્રેન્ચ રેવોલ્યૂશનના વાચનને પરિણામે તેના નેતાઓની તેમ જ ડિકન્સ, દ્યુમા, બેકન અને એમર્સનના વાચનની એમના મન પર સારી અસર હતી. લગભગ આખી જિંદગી એમણે પત્રકારત્વમાં જ પસાર કરી હતી. થોડાંક વરસ ગુજરાત વર્નાક્યુલર સોસાયટીના આસિ. સેક્રેટરી તરીકે પણ એમણે કામ કરેલું. ‘સુન્દરી સુબોધ’, આર્યવત્સલ’, ‘વાર્તાવારિધિ-સરસ્વતી'ના તંત્રીમંડળમાં તેઓ હતા. ઇ.સ.૧૯૦૩ થી ૧૯૧૭ સુધી ‘ગુજરાતી પંચ' સાપ્તાહિકના એ ઉપતંત્રી હતા. ચરોતર એજ્યુકેશન સોસાયટી તરફથી શ્રી. મોતીભાઈ અમીને બાળકે માટેનું સચિત્ર પત્ર 'બાલમિત્ર' કાઢવાની યોજના કરી એમના હાથમાં મૂક્યું અને ડાહ્યાભાઈએ એનાં શરુનાં વર્ષોમાં તેની ખીલવણી કરી. જિંદગીનાં છેલ્લાં વર્ષોમાં તે ‘કચ્છકેસરી' પત્રના ઉપતંત્રી હતા. ઈ.સ.૧૯૦૨માં અમદવાદમાં મળેલી રાષ્ટ્રીય મહાસભા (કૉંગ્રેસમાં) ‘પ્રજાબંધુ'નાં પ્રતિનિધિ તરીકે પણ એમણે કામ કરેલું. અમદાવાદમાં એક કાળે સમાજ અને સાહિત્ય માટે ઊંચા પ્રકારનું કામ કરનાર ‘બંધુસમાજ’ના સંપર્કમાં તેઓ છેક ૧૮૮૯થી આવેલા અને છેવટસુધી તેના સભ્ય હતા. અમદાવાદની ગુજરાત સાહિત્ય સભા તથા સાહિત્ય પરિષદના સંસ્થાપક સભ્યોમાં તથા તેના સહમંત્રીઓમાં પણ ડાહ્યાભાઈ હતા, અને પહેલી સાહિત્ય પરિષદના પ્રદર્શનને સફળ બનાવવાનો યશ-ઘણે અંશે–એમને હતો. અમદાવાદના પત્રકારમંડળના તે ઉત્સાહી સભ્ય હતા, અને અવસાન પૂર્વે થોડાંક વર્ષ એમણે પૈસા ફંડ તથા રાત્રિશાળાઓને અંગે પણ સારું કામ કર્યું હતું. આ ઉપરાંત સામાજિક ક્ષેત્રમાં પોતાની જ્ઞાતિ અને ગામની સેવા પણ એમણે એાછી નથી કરી. વડનગરની સઘળી પ્રવૃત્તિના તો તેઓ પિતા અને નેતા હતા. ત્યાંની લાયબ્રેરી અને બોડિંગ એમના જ પરિશ્રમનું ફળ છે. વડનગરા કણબી હિતવર્ધક સભાના તેઓ સ્થાપક અને ઘણાં વર્ષો સુધી તેના પ્રમુખ હતા. ત્યાંની ખેડૂત સભામાં પણ એમની સેવાઓ મહત્ત્વની હતી. એક વખત તો એમને વડનગરની મ્યૂનિસિપાલિટીના ઉપપ્રમુખ નીમવાની પણ માંગણી થએલી. ઘણાં વરસ સુધી અનારોગ્ય પ્રકૃતિ રહેવા છતાં દિનચર્યાં અને આહારવિહારમાં ખૂબ ચોક્કસ રહી તે તબિયત જાળવી રાખતા. એમનું સંસારજીવન પણ સામાન્ય હતું. એમનું પ્રથમ લગ્ન બાલ્યકાળમાં થએલું. તેઓ ત્રણ વખત પરણ્યા હતા અને ત્રીજી વખતનાં એમનાં પત્ની સંતોક બહેનથી એમને બે સંતાન થયાં હતાં: પુત્ર નિરંજન અને પુત્રી ચન્દ્રિકા. ઈ.સ.૧૯૨૬ના ડિસેમ્બરની ૨૨મી તારીખે ‘કચ્છકેસરી' પત્રની ઑફિસમાં કામ કરતાં કરતાં જ એમના પર પક્ષાઘાતનો હુમલો થયો અને એમનું બાવન વર્ષની વયે અવસાન થયું. તે પછી થોડાં વર્ષે એમનો પુત્ર નિરંજન પણ અવસાન પામ્યો. રસભરી વાર્તાઓ અને ઉત્કર્ષક નિબંધો લખવા માટે ડાહ્યાભાઈ જાણીતા હતા. એમનું પ્રથમ પુસ્તક ‘ચંદ્રાનના અથવા સુવાસિની' બહાર પડ્યું હતું. એમનાં લખાણો મોટે ભાગે સૂચિત તથા અનુવાદિત હતાં, પણ એમની શૈલી સરળ, સંસ્કારી ને સચોટ હતી. એમના ગ્રંથો અને લખાણો: ચન્દ્રાનના, સુવાસિની અને બીજી ટૂંકી વાર્તાઓ(સૂચિત). હૃદય-તરંગ (કાવ્યો-ગીતો). વડનગરા કણબીની ઉત્પત્તિ. સંસારમાં સ્ત્રીની પદવી (અનુવાદિત). વડોદરા રાજ્યની સ્ત્રી કવિઓ (સાહિત્ય પરિષદમાં નિબંધ). ટૂંકી વાર્તા (અનુવાદિત). સામાજિક સેવાના સન્માર્ગો (અનુવાદિત) આગળ ધસો (અનુવાદિત)

***