ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૯મું/દૂલાભાઈ ભાયાભાઈ કાગ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
દૂલાભાઈ ભાયાભાઈ કાગ

શ્રી. દલાભાઈ ભાયાભાઈ કાગનો જન્મ સં.૧૯૫૯માં ભાવનગર સ્ટેટના મજાદર નામના તેમના વતનના ગામમાં થયો હતો. તેમનાં માતાનું નામ ધાનબાઈ ન્યાતે તે ચારણ છે. તેમનો વંશપરંપરાને વ્યવસાય ખેતી છે, પરન્તુ દૂલાભાઈ સાહિત્યસેવામાં અને લોકસેવામાં વધુ રસ ધરાવતા હોઈ મોટાં ભાગે તેમાં જ રચ્યાપચ્યા રહે છે. તેમણે ગુજરાતી પાંગ ઘેરણ જેટલો અભ્યાસ કર્યો છે; પરંતુ રામાયણ, મહાભારત તથા ચારણી સાહિત્ય ગ્રંથોનો તેમણે સારી પેઠે અભ્યાસ કર્યો છે. કંઠસ્થ ભજનો એકઠાં કરવામાં તેમને રસ પડે છે. સ્વામી મુક્તાનંદજી તથા મહાત્મા ગાંધીજીના જીવનમાંથી તેમણે પ્રેરણા મેળવી છે. કવિતા રચવાની પ્રેરણા મુખ્યત્વે તેમના ગુરુ મુક્તાનંદજી પાસેથી મેળવેલી. દસ વર્ષની વયે તેમણે અડવાણે પગે ગાયો ચારવાનું વ્રત લીધેલું. બાળ વયથી તેમને ધર્મકથાઓ પર પ્રીતિ હતી. બાળ વયમાં તેમનું લગ્ન થએલું, પરન્તુ એ પત્નીનું અવસાન થયા બાદ દસ વર્ષ સુધી અપરિણીત રહીને પિતા તથા નાના ભાઈના મૃત્યુ બાદ તેમણે બીજું લગ્ન વંશરક્ષાર્થે સં.૧૯૯૦માં કરેલું. એ બીજી પત્ની રાજબાઈથી થએલાં બે પુત્રીઓ તથા એક પુત્ર છે. ચારણ કોમની ઉન્નતિનાં કાર્યોમાં તે સારી પેઠે રસ લઈ રહેલા છે. ભાવનગરના ચારણોને વારસાહક્ક અપાવવામાં તેમણે આગેવાની લીધી હતી. ચારણ હિતવર્ધક સભા સ્થપાતાં તેના તે પ્રમુખ થએલા અને ચારણ વિદ્યાલયની સ્થાપનામાં તેમણે આગેવાનીભર્યો ભાગ લીધો હતો. હાલમાં તે એ બેઉ સંસ્થાઓનું સંચાલન કરે છે. ભજનો, છંદો, દુહા ઇત્યાદિમાં તે પોતાની કવિતાને વહાવે છે. ગાંધીજીની પ્રશસ્તિનાં તેમનાં કાવ્યો ઠીક લેકપ્રિય થયાં છે. તે સારું ગાય છે અને વ્યાખ્યાનો પણ આપે છે. કંઠ, કહેણી અને કવિતાનો ત્રિવેણીસંગમ દૂલાભાઈ કાગમાં થએલો છે. તેમની કવિતાનું પહેલું પુસ્તક “કાગવાણી ભાગ ૧” છે. સં.૧૯૯૧માં બહાર પડેલું. "કાગવાણી ભાગ ૨” ૧૯૯૪માં બહાર પડેલું. તેનો ત્રીજો ભાગ પોતે તૈયાર કરે છે.

***