ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૯મું/પીંગળશી પાતાભાઈ નરેલા

From Ekatra Wiki
Jump to navigation Jump to search
પીંગળશી પાતાભાઈ નરેલા

ભાવનગર રાજ્યના આ રાજ્યકવિનો જન્મ સંવત ૧૯૧૨ના આસો સુદ ૧૧ને દિવસે, ચારણ જ્ઞાતિમાં, ભાવનગરની જૂની રાજધાની સિહોરમાં થયો હતો. એમના પિતાશ્રી પાતાભાઈ મૂળુભાઈ પણ ભાતનગરના રાજ્યકવિ હતા. એમનાં માતાનું નામ શ્રી આઈબા. એમનું લગ્ન ભાવનગર તાબે તળાજા મહાલમાં સેવાળીઆ મુકામે શ્રી મૂળીબા સાથે સંવત ૧૯૩૮માં થએલું. એમને હરદાનભાઈ અને જોગીદાનભાઈ એમ બે પુત્રો તથા બે પુત્રીઓ છે. મોટા પુત્ર આજે ભાવનગર રાજ્યના રાજ્યકવિ છે. પ્રાથમિક કેળવણી એમણે સિહોરની શાળામાં મહારાજા તખ્તસિંહજીની સાથે જ લીધેલી. ત્યારબાદ પોતે સંસ્કૃત, વ્રજભાષા, હિંદી, ચારણી વગેરે ભાષાઓનો ઘેર આપમેળે અભ્યાસ કરી એમાં પારંગત થયા રામાયણ, મહાભારત, અવતાર ચરિત્ર અને ગીતા એ એમના નિત્યરટણના ગ્રંથોએ એમના જીવનઘડતરમાં મોટો ફાળો આપ્યો હતો. એ ઉપરાંત સ્વામી મસ્તરામજીએ એમના જીવન પર સારી અસર કરેલી. ભાવનગરના ત્રણે મહારાજ-શ્રી. તખ્તસિંહજી, ભાવસિંહજી તથા કૃષ્ણકુમારસિંહજી, ત્રણે દિવાનો શ્રી. સામળદાસ, થી. વિઠ્ઠલભાઈ અને સર પ્રભાશંકર, તેમજ કર્નલ જોરાવરસિંહજી અને ગોહેલ હરિસિંહજીની પણ એમના જીવન પર અસર પડી હતી. કાવ્યશાસ્ત્ર, પિંગળશાસ્ત્ર, રસશાસ્ત્ર, અલંકારશાસ્ત્ર, જ્યોતિષ તેમજ ખગોળશાસ્ત્ર એ એમના અભ્યાસના પ્રિય વિષયો હતા અને કાવ્યશાસ્ત્રની પ્રાચીન પ્રણાલિ પર તેમજ ચારણી ઢબે એમણે ઘણા ગ્રંથો રચ્યા છે. એ ઉપરાંત તેઓ જૂની ચારણી ઢબના સમર્થ વાર્તાકાર હતા. રાજ્યમાં તેમનું સારું માન હતું અને પોતાની જ્ઞાતિની પણ એમણે સારી સેવા બજાવી છે. ભાવનગર તાબાનાં ચારણોનાં બધાં ગામોને તેમણે વારસાહક અપાવ્યો, અને ૧૯૩૫માં ભાવનગરમાં “શ્રી. કૃષ્ણકુમારસિંહજી ચારણી વિદ્યાલય'ની સ્થાપના કરી. તેની કદર તરીકે કચ્છ-કાઠિયાવાડ અને ગુજરાતની સમગ્ર ચારણ જ્ઞાતિએ તેમને માનપત્ર આપેલું. ૧૯૮૮માં ભાવનગર યુવરાજશ્રીના જન્મપ્રસંગે મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ એમને શેઢાવદર ગામ વશપરંપરા બક્ષિશ કર્યું. સંવત ૧૯૯૫ના ફાગણ સુદ ૧૪ને શનિવાર તા. ૪થી માર્ચ ૧૯૩૯ના રોજ ભાવનગરમાં એમનું અવસાન થયું. એમના અવસાન બાદ શ્રી ઝવેરચંદ મેઘાણીએ તા.૧૦-૩-૩૯ના 'ફુલછાબ' તથા તા.૯-૩-૩૯માં ‘જન્મભૂમિ'માં લખેલા અંજલિલેખો તથા 'શારદા'માં શ્રી. ચન્દ્રશંકર નર્મદાશંકર પંડ્યાએ લખેલા લેખોમાં એમના જીવનવિષયક માહિતી પ્રકટ થઈ છે. એમના ગ્રંથો:- તખ્તપ્રકાશ, ભાવભૂષણ (અલંકાર ગ્રંથ), કૃષ્ણકુમાર કાવ્ય, શ્રી, સત્યનારાયણની સંગીતમાં કથા, હરિરસ (ટીકા સહિત), સુજાત ચરિત્ર સતી મણિ (નવલ), ઈસર આખ્યાન, સુબોધમાળા, પિગળ કાવ્ય ભાગ ૧-૨, કૃષ્ણ બાળલીલા, ચિત્ત ચેતાવની, પિંગળ વીરપૂજા.

***