ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૯મું/પ્રહ્‌લાદ જેઠાલાલ પારેખ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
પ્રહલાદ જેઠાલાલ પારેખ

કોમળ લાગણીઝંકાર અને નવી વિચારતણુખવાળાં તેમ જ શાન્તિનિકેતનમાંના પોતાના અભ્યાસને કારણે ઊતરેલી રવીન્દ્રનાથની ગેયતાની અસરવાળાં કાવ્યો તથા ગીતોના આ નવયુવાન લેખકનો જન્મ ભાવનગરમાં પોરવાડ વણિક જ્ઞાતિમાં ઈ.સ.૧૯૧૨ના ઓક્ટોબરની ૧૨ મી તારીખે-દીવાળીને દિવસે થયો હતો. એમના પિતાનું નામ જેઠાલાલ દુર્લભજી પારેખ અને માતાનું નામ મેનાલક્ષ્મી ગોપાળજી પારેખ. એમનું લગ્ન શ્રી. રંજનબાળા જોડે થયું છે. શરુમાં ભાવનગર ભગાના તળાવની ધૂળી નિશાળમાં અને પછી દરબારી શાળામાં પ્રાથમિક શિક્ષણ લઈ તેમણે માધ્યમિક શિક્ષણ 'દક્ષિણામૂર્તિ વિદ્યાર્થીભવન'માં લીધું જ્યાં એ સંસ્થાના સંચાલક શ્રી. નૃસિંહપ્રસાદ કાલિદાસ (નાનાભાઈ) ભટ્ટ અને આચાર્ય હરભાઈ ત્રિવેદીની અસર નીચે એમના સાંસ્કારિક ઘડતરનો પાયો નંખાયો, અને ત્યાં જાગેલી સાહિત્યાભિરુચિ તથા સાહિત્યસર્જનની શક્તિ શાંતિનિકેતનમાં તેઓ ઉચ્ચ અભ્યાસ માટે ગયા ત્યાં પરિપુષ્ટ થઈ. એ ઉપરાંત ‘અજામીલ અથવા ગરીબનું નસીબ ગરીબ ' એ પુસ્તકે પોતાના જીવન પર ઊંડી અસર કર્યાનું તેઓ નોંધે છે. શ્રી. દક્ષિણામૂર્તિના ઘડતરે અનેકોમાં પ્રગટાવેલી જીવન, સંસ્કાર અને સાહિત્યમાંની રાષ્ટ્રીય ભાવનાએ તેઓ પણ રંગાએલા છે અને ૧૯૩૦ની લડતમાં ફાળો આપી જેલવાસ પણ ભોગવી આવ્યા છે. અભિરુચિ સાહિત્યની હોવા છતાં પોતાના અભ્યાસનો પ્રિય વિષય તો તેઓ કેળવણીને જ ગણે છે અને એમનો વ્યવસાય પણ શિક્ષકનો જ છે. એમનાં બે પુસ્તકો બહાર પડ્યા છે:

(૧) ગુલાબ અને શિવલી ઈ.સ.૧૯૩૮.
(૨) બારી બહાર (કાવ્યસંગ્રહ) ઈ.સ.૧૯૪૦.

***