ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૯મું/યુસુફ અબ્દુલગની માંડવિયા

From Ekatra Wiki
Jump to navigation Jump to search
યુસુફ અબ્દુલગની માંડવિયા

એમનો જન્મ કાઠિયાવાડમાં એમના વતન મોરબી તાબે ટંકારા નામના ગામમાં મેમણ (મુસ્લિમ) કૉમમાં ઈ.સ.૧૯૧૦માં થયો. એમના પિતાનુ નામ અબ્દુલગની આદમભાઈ માંડવિયા અને માતાનું નામ આયશા તૈયબ માળિયાવાળા. ઈ.સ. ૧૯૩૬ની ૩૧ મી ડિસેમ્બરે એમનું પ્રથમ લગ્ન નરબાનું ઈમાઈલ સાથે થયું; પરંતુ ૧૯૪૦ના મે માસમાં નૂરબાનુનું અવસાન થતાં એ વર્ષના નવેમ્બરમાં એમનું બીજું લગ્ન મોરબીના જાણીતા શહેરી શેઠ હાજી મૂસા આરબીની પુત્રી હૂરબાનુ સાથે થયું. એમના પિતાનો ઉજ્જેન (માળવા) ખાતે ઝવેરાતનો વેપાર હતો, એટલે ત્યાંની કૉમર્શિયલ સ્કૂલમાં એમણે ગુજરાતી અને હિન્દીનું શિક્ષણ લીધું. બુદ્ધિ તેજસ્વી હોવાથી અભ્યાસમાં પ્રથમ જ રહેતા અને પિતાની આર્થિક સ્થિતિ પણ સારી હોવાથી આગળ અભ્યાસની બધી શક્યતાઓ હતી; પરંતુ એ જ અરસામાં ખિલાફત અને અસહકારનું આંદોલન ઊપડતાં, અને પિતા તેમજ મોટા ભાઈએ ચળવળમાં ઉત્સાહભર્યો ભાગ લેતા હતા, એટલે અંગ્રેજી ભણવું હરામ ગણી મદ્રેસાએ-ઇસ્લામિયામાં એમને દાખલ કરવામાં આવ્યા, જ્યાં એમણે ઉર્દૂ અને અરબીનું શિક્ષણ લીધું, પરંતુ એવામાં વતન પાછા ફરવાનું થતાં અભ્યાસ પડતો મૂકવો પડ્યો. પાછળથી ખાનગી અભ્યાસદ્વારા એમણે અંગ્રેજીનું જ્ઞાન મેળવ્યું જે હજી પણ ચાલુ છે. વાચનનો શોખ નાનપણથી જ હતો; અમદાવાદના 'દીન' પત્રમાં જ્ઞાતિવિષયક ચર્ચાપત્રો લખવાના પ્રારંભથી મનોવૃત્તિ લેખન તરફ વળી અને પત્રકારત્વે એમને આકર્ષ્યા. રાંદેરથી નીકળતા 'સાદિક' માસિકમાં એમનાં શરુનાં લખાણો છપાતાં. તે પછી તક મળતાં ૧૯૩૦માં રાણપુરથી નીકળતા ‘મુસ્લિમ’ અઠવાડિકના સહતંત્રી તરીકે, ૧૯૩૩માં ‘મેમણ' સાપ્તાહિક અને ‘ચાંદ' માસિક જાતે કાઢીને, અને તે બંધ થતા ૧૯૩૫માં રાજકોટના 'મેમણ બુલેટિન'ના સહતંત્રી તરીકે કામ કરતાં એમની કલમ કસાઈ અને છેલ્લી કામગીરીમાં એમના લખાણો લોકપ્રિય થયાં. ૧૯૩૭ના સપ્ટેમ્બરમાં એમણે રાજકોટથી 'ઇન્કિલાબ' સાપ્તાહિક પોતે શરુ કર્યું, અને ત્યારબાદ ૧૯૩૮માં બાંટવામાં કોહિનૂર પ્રિ. પ્રેસના મૅનેજર તરીકે જોડાયા જે સ્થાને તેઓ હજી છે. પણ પત્રકારત્વ એમનો પ્રિય વિષય છે અને યુદ્ધની અગવડ જતાં પોતે કરી એ શરુ કરવાની ઉમેદ ધરાવે છે. એમના જીવન પર ઈસ્લામના પયગમ્બર મુહમ્મદ (સલ.)ની અને અલામ: મુહમ્મદ ઈકબાલ તથા મૌલાના મુહમ્મદઅલીનાં લેખન તથા ઉપદેશની પ્રબળ અસર પડી છે અને કુરઆન, મુહમ્મદ ઈકબાલનાં પુસ્તકો એમનાં પ્રેરક બળ છે. સ્વભાવે શરમાળ હોવાથી જાહેરમાં તે ભાગ્યે જ આવે છે. એમનાં પુસ્તકોની યાદી નીચે મુજબ છે : નયનનાં નીર (નવલિકાઓ) ૧૯૩૩, અશ્રુકથાઓ ('બેગમાન કે આંસુ' પરથી) ૧૯૩૩, જ્વાળાઓ (નવલિકાઓ) ૧૯૩૭, હિન્દનું મુસ્લિમ રાજકારણ (ઉર્દૂ પરથી) ૧૯૪૦, મુસ્લિમ લીગનો ઇતિહાસ (સંપાદિત) ૧૯૪૧, પાકિસ્તાન (ઉર્દૂ ઉપરથી) ૧૯૪૧, ઈસ્લામ અને તલવાર, કાઈ દે આઝમ મુહમ્મદઅલી જિન્નાહ, તન્દુરસ્તીનું શર્મનામું.

***