ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૯મું/વલીમોહમ્મદ મોમીન

From Ekatra Wiki
Jump to navigation Jump to search
વલીમોહમ્મદ મોમીન

સ્વ. વલીમોહમ્મદ મોમીનનો જન્મ ઈ સ.૧૮૮૨માં અમદાવાદમાં થયો હતો. તેમના પિતાનું નામ છગનભાઈ. તે શિયા ઇશ્નાઅશરી પંથી મોમના કોમના હતા. તેમણે અમદાવાદમાં પ્રાથમિક તથા માંધ્યમિક કેળવણી લઈને મેટ્રિકસુધી અભ્યાસ કર્યો હતો. તે ઉપરાંત ફારસી, અરબી અને ઉર્દૂનો અભ્યાસ પણ તેમણે સારી પેઠે કર્યો હતો. ઈ.સ.૧૯૦૨માં તેમણે “સિરાજ” નામનું દૈનિક પત્ર શરુ કર્યું હતું. તે બંધ થતાં “રાહે નજાત” માસિકમાં તે જોડાયા હતા. ૧૯૦૪માં "અલ હિલાલ" નામનું ગુજરાતી માસિક પત્ર શરુ કાર્યું હતું. ૧૯૦૫માં માંગરોળનાં સાહેબઝાદીના શિક્ષક તરીકે અને ૧૯૧૧માં માણાવદરના ખાનશ્રી ફતેહદીનખાનના પ્રાઈવેટ સેક્રેટરી તરીકે તે જોડાયા હતા. તે ગુજરાતી ઉપરાંત અંગ્રેજી અને ઉર્દૂમાં પણ સારું લખી શકતા. લખનૌના શિયા આલિમોએ એમના ધાર્મિક લેખો બદલ “મુઈને ઈસ્લામ"નો ખિતાબ આપ્યો હતો. સને ૧૯૪૧ના જુલાઈ માસમાં માણાવદરમાં તેમનું અવસાન થયું હતું. તેમને બે પુત્રો અને એક પુત્રી છે. એક પુત્ર એલ. એલ. બી. હોઈ અમદાવાદમાં વકીલાત કરે છે. તેમનાં લખેલાં પુસ્તકોની નામાવલિઃ (૧) હ. મુહમ્મદ સા.નું જીવનચરિત્ર, (૨) મીસ્કીટનું ઈસ્લામ, (૩) અરમાનુસા ભાગ ૧-૨, (૪) વિશ્વધર્મ ઈસ્લામ, (૫) જાગતો નવાબ, (૬) અલ ઈસ્લામ, (૭) સોમનાથની મૂર્તિ, (૮) ઈસ્લામનો અર્થ, (૯) હદીસે હલીલાં (અંગ્રેજી), (૧૦) સફરનામા (ઉર્દૂ), (૧૧) તાલીમે મગરબીને મિટ્ટી ખરાબ કર દી.

***