ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૯મું/શંકરલાલ મગનલાલ પંડ્યા (‘મણિકાન્ત')
સ્વ. શંકરલાલ મગનલાલ પંડ્યાનો જન્મ સં.૧૯૪૦માં તેમના વતન હળધરવાસમાં થયો હતો. તે ઔદીચ્ય ટોળકિયા બ્રાહ્મણ હતા. તેમની માતાનું નામ ઈચ્છાબા હતું. તેમણે માત્ર ગુજરાતી અભ્યાસ કર્યો હતો અને શરુઆતમાં વડોદરા રાજ્યનાં ગામડામાં શિક્ષકની નોકરી કરી હતી. પછી તેમનું લગ્ન આંત્રોલીના શ્રી. પ્રજારામ શિવરામ વ્યાસનાં પુત્રી મણિબહેન સાથે થયું હતું. ત્યારપછી તે શિક્ષકની નોકરી છોડી મુંબઈ ગયા હતા અને મંચેરજી વાડીલાલની કંપનીમાં નોકરીમાં રહ્યા હતા. મૃત્યુપર્યંત તે એ જ નોકરીમાં રહ્યા હતા. હરસના દર્દથી ૧૯૮૩માં તે હળધરવાસમાં જ મૃત્યુ પામ્યા હતા. તેમણે નીચેનાં પુસ્તકો લખ્યાં હતાં: (૧) મણિકાન્ત કાવ્યમાળા, (૨) પાપી પિતા, (૩) ગઝલમાં ગીતા, (૪) સંગીત સુબોધબિંદુ, (૫) સંગીત મંગલમય, (૬) નિર્ભાગી નિર્મળા, (૭) ગુજરાત સ્તોત્ર, (૮) બ્રહ્મહત્યા, (૯) જ્ઞાનપ્રવાહ. તેઓ સરલ અને લોકપ્રિય કવિતા લખતા અને તેમની કવિતાના તે જ ગુણોને લીધે “મણિકાન્ત કાવ્યમાળા" અને “નિર્ભાગી નિર્મળા” એ બે પુસ્તકો ખૂબ જ લોકપ્રિય થયાં હતાં. અનેક યુવકો “નિર્ભાગી નિર્મળા”ના સંખ્યાબંધ છંદો મ્હોંએ કરી રાખતા એવો પણ એમની લોકપ્રિય કવિતાનો એક સમય હતો. સને ૧૯૩૫ સુધીમાં તેમની “મણિકાન્ત કાવ્યમાળા”ની ૧૩ આવૃત્તિઓની મળી આશરે ૩૦ હજાર પ્રતો અને “નિર્ભાગી નિર્મળા”ની ૫૩ હજાર પ્રતો પ્રસિદ્ધ થઈ હતી. તેમની કવિતાની બીજી પુસ્તિકાઓ આ બે પુસ્તકો જેટલી લોકપ્રિય નીવડેલી નહિ. આ પુસ્તકોમાંથી તેમને જે દ્રવ્ય પ્રાપ્ત થયું હતું તેનો તેમણે પોતાના મૃત્યુ પૂર્વે જ સદુપયોગ કરી જાણ્યો હતો. “પ્રેમધર્મ મણિકાન્ત ફ્રી પુસ્તકાલય” એ નામે તેમણે મકાન સાથેનું એક સારું પુસ્તકાલય પોતાના વતન હળધરવાસની પ્રજાને ભેટ કર્યું હતું. એ ઉપરાંત પ્રેમધર્મ અંગ્રેજી શાળા, પ્રેમધર્મ ગૌશાળા, પ્રેમધર્મ કુમાર આશ્રમ વગેરે સંસ્થાઓ તેમણે સ્થાપી હતી. પોતાનાં પુસ્તકોની આવકમાંથી તે આ સંસ્થાઓનું પોષણ કરતા. આશરે વીસેક હજાર રૂપિયા તેમણે પોતાનાં પુસ્તકોની આવકમાંથી પોતાના વતનને જુદી જુદી સંસ્થાઓ દ્વારા દાનમાં આપ્યા હતા.
***